મીડ-ડે માર્કેટ
ગેપ-અપ ઓપનીંગ બાદ બજારમાં જળવાયેલી મજબૂતી
ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 14960ની તાજેતરની ટોચ પર ટ્રેડ થયો છે. તેણે 14900ના મહત્વના અવરોધને ઈન્ટ્રા-ડે ધોરણે તો પાર કર્યો છે. જો આ સ્તર પર બંધ આપવામાં સફળ રહેશે તો ચોક્કસ બજાર નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરશે. વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ બ્રોડ બેઝ તેજી જોવા મળી રહી છે અને મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા વીક્સ 20ની નીચે ઉતરી ગયો
વોલેટિલીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 3 ટકા તૂટી 19.71ના સ્તરે 20ની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આમ બજારમાં હાલ પૂરતું ઊંચું વધ-ઘટનું સંકટ ટળ્યું છે. બુધવારે વિદેશી સંસ્થાકિય રોકાણકારોની પણ જંગી ખરીદી જોવા મળી હતી અને તેને કારણે બજારમાં સેન્ટિમેન્ટ પર પોઝીટીવ અસર પડી હોય તે સ્વાભાવિક છે.
મેટલમાં તેજી જ તેજી
મેટલ ઈન્ડેક્સ 2.3 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. તેણે 4430ની સર્વોચ્ચ સપાટી દર્શાવી છે. સ્ટીલ શેર્સ સુધરવામાં અગ્રણી છે. જેમતે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવે છ. શેર વર્ષો બાદ રૂ. 400ની સપાટી પાર કરી ગયો છે. આ જ રીતે સેઈલ પણ 4 ટકાનો સુધારો દર્શાવે છે. હિંદાલ્કો 3 ટકા, ટાટા સ્ટીલ 2.5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.3 ટકાનો સુધારો દર્શાવે છે.
ઓટો, આઈટી અને રિઅલ્ટીમાં એક ટકાથી વધુ મજબૂતી
નિફ્ટી આઈટી 1.5 ટકા જ્યારે નિફ્ટી ઓટો 1.3 ટકાની મજબૂતી દર્શાવે છે. નિફ્ટી આઈટીએ 27414ની નવી ટોચ બનાવી છે અને તે 27225 પર ટ્રેડ થઈ રહ્યો છે. એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ઈન્ફો એજ, માઈન્ડટ્રી, ટીસીએસ, એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ અને વિપ્રો સહિતના કાઉન્ટર્સ 1થી 4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઓટો કાઉન્ટર્સમાં સારી લેવાલી
ઓટોમોબાઈલ શેર્સમાં અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, એક્સાઈડ ઈન્ડ., હીરોમોટોકો, એમએન્ડએમ વગેરેમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે મારુતિનો શેર હજુ પણ રૂ 7000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
બેંકિંગમાં હજુ પણ સાવચેતીનો શેર
બેંક નિફ્ટી 0.5 ટકા મજબૂતી દર્શાવે છે અને અન્યોની જેમ મજબૂતી દર્શાવી રહ્યો નથી. પ્રાઈવેટ બેંકિંગ કાઉન્ટર્સમાં બંધન બેંક 2.4 ટકા, એયૂ સ્મોલ ફાઈ. બેંક 2 ટકા, કોટક મહિન્દ્રા 0.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. અન્ય બેંક કાઉન્ટર્સ ફ્લેટ ટ્રેડ દર્શાવે છે.
સોનું-ચાંદી પોઝીટીવ
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સુધારા છતાં એમસીએક્સ ખાતે સોનું-ચાંદી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ગોલ્ડ જૂન વાયદો રૂ. 8ના સુધારે રૂ. 46370 પર જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 219ના સુધારે રૂ. 66853 પર ટ્રેડ થઈ રહ્યો છે. રૂપિયો ડોલર સામે સવારે 20 પૈસાની મજબૂતી સૂચવતો હતો.
Mid Day Market 8 April 2021
April 08, 2021