મીડ-ડે માર્કેટ
નિફ્ટી 100થી વધુ પોઈન્ટ્સ મજબૂત
બેન્ચમાર્ક નિફ્ટીએ 13353ની નવી ટોચ દર્શાવી છે અને બપોરે તે 50 પોઈન્ટસની મજબૂતી સાથે 13308ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોની નરમાઈ વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ જળવાયું છે. નિફ્ટીને નજીકમાં 13400નો અવરોધ છે. જે પાર થતાં 13500-13600ની રેંજની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
પીએસયૂ બેંક, ફાર્મા, એફએમસીજી, પીએસઈ, મિડિયામાં મજબૂતી
પીએસયૂ બેંક શેર્સમાં બીજુ સપ્તાહ મજબૂત જોવા મળી રહ્યું છે. નિફ્ટી પીએસયૂ બેંક 1.9 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી ફાર્મા 1.35 ટકા, નિફ્ટી એફએમસીજી 1.02 ટકા, નિફ્ટી મીડિયા 1.17 ટકા અને નિફ્ટી પીએસઈ 1.12 ટકાની મજબૂતી દર્શાવે છે.
ફાઈનાન્સિયલ્સમાં નોંધપાત્ર સુધારો
માર્કેટમાં મોટો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં ફાઈનાન્સિયલ્સ અગ્રણી છે. જેમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ 6 ટકાનો સુધારો દર્શાવે છે. એ સિવાય એમએન્ડએમ ફાઈનાન્સ, બંધન બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈ., કેનેરા બેંક, એલએન્ડટી ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક વગેરેમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે.
મીડ-કેપ્સમાં વણથંભી તેજી
બીએસઈ ખાતે 1950 કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જ્યારે 850 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. જે સૂચવે છે કે માર્કેટ-બ્રેડ્થ ખૂબ જ મજબૂત છે. 2.25 શેર્સમાં સુધારા સામે એક શેર ઘટાડો દર્શાવી રહ્યો છે.
સિલ્વર, બેઝ મેટલ્સ, ક્રૂડમાં નરમાઈ
કોમોડિટીઝમાં મેન્થાઓઈલ અને ગોલ્ડમાં ગ્રીન ટ્રેડ જોવા મળી રહ્યો છે. એ સિવાય તમામ બેઝ મેટલ્સથી લઈને અન્ય ધાતુઓમાં નરમાઈ જોવા મળી રહી છે. ચાંદી 1.10 ટકાના ઘટાડે રૂ. 63125 પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ પણ એક ટકા ઘટાડા સાથે રૂ. 3373 પર ટ્રેડ કરી રહ્યું છે.