મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 15000ને સ્પર્શ કર્યો
શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક હતો. બેન્ચમાર્ક નિફ્ટીએ 15000ના સીમાચિહ્નને હાંસલ કર્યું હતું. ઈન્ડેક્સ 15014ની ટોચ બનાવી પાછો પડ્યો હતો અને હાલમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. તે 300 પોઈન્ટસની રેંજમાં અથડાઈ રહ્યો છે. એ જોવાનું રહે છે કે તે 15000 પર બંધ આપવામાં સફળ રહે છે કે નહિ.
બેંક નિફ્ટીએ 36000 કૂદાવ્યું
છેલ્લા કેટલાક સત્રોથી બજારને મહત્વનો સપોર્ટ પૂરી પાડેલા બેંકિંગ કાઉન્ટર્સ આજે પણ અડીખમ ઊભા છે. ખાસ કરીને પીએસયૂ બેંક શેર્સમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે. એસબીઆઈ ખૂલતામાં 10 ટકા ઉપલી સર્કિટમાં ખૂલ્યો હતો અને તેને કારણે બેંક નિફ્ટી અને નિફ્ટીને સપોર્ટ મળ્યો હતો. તેણે રૂ. 400ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેંક નિફ્ટી 900 પોઈન્ટ્સ ઉછળી 36615ની ટોચ દર્શાવી હાલમાં 450 પોઈન્ટ્સ મજબૂતી સાથે 35798 પર ટ્રેડ થઈ રહ્યો છે. એસબીઆઈ ઉપરાંત બીઓબી, પીએનબી, કેનેરા બેંક સહિતની પીએસયૂ બેંક્સમાં 5-10 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આઈટી, ઓટો, મેટલ અને એનર્જિમાં નરમાઈ
માર્કેટને બેંકિંગ, ફાર્મા અને એફએમસીજીનો સપોર્ટ છે. જ્યારે બીજી બાજુ આઈટી, ઓટો અને મેટલમાં 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એફએમસીજી ઈન્ડેક્સ આઈટીસી અને હિંદુસ્તાન યુનિલીવર પાછળ મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સ 0.5 ટકાની મજબૂતી દર્શાવે છે.
માર્કેટમાં ટોપ ગેઈનર
માર્કેટમાં ઊંચો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં એસબીઆઈ, કોટક મહિન્દ્રા, ગોદરેજ પ્રોપર્ટી, ડો. રેડ્ડીઝ લેબ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પિરામલ એન્ટરપ્રાઈઝ, જિંદાલ સ્ટીલ, આટીસી, ડિવિઝ લેબોરેટરી, બેંક ઓફ બરોડા, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
માર્કેટમાં ટોપ લોસર
માર્કેટમાં ઊંચો ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં ઝી એન્ટરટેઈનમેન્ટ, બેંધન બેંક, ટીવીએસ મોટર, એલઆઈસી હાઉસિંગ, ડો. લાલપેથ લેબો, ભારતી એરટેલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ટાટા મોટર્સ, એલએન્ડટી ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને એમએન્ડએમ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
સિલ્વરમાં 2 ટકા મજબૂતી, ગોલ્ડ એક ટકો ઉપર
એમસીએક્સ ખાતે સિલ્વરમાં 2 ટકા મજબૂતી જોવા મળી રહી છે અને માર્ચ વાયદો રૂ. 1312ના સુધારે રૂ. 68130ના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો રૂ. 477ના સુધારે રૂ. 47200 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ એક ટકા મજબૂતી સાથે રૂ. 4150ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે.