મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14460થી પરત ફર્યો
દેશના વિવિધ ભાગોમાં અમલમાં આવી રહેલા આંશિક કોવિડ લોકડાઉનના ગભરાટ પાછળ ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી સોમવારે 14460નું બોટમ બનાવીને પરત ફર્યો છે. જોકે તે હજુ પણ 1.95 ટકાના ઘટાડા સાથે 14580ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીને 14350નો મહત્વનો સપોર્ટ છે. જેને સ્ટોપલોસ રાખી લોંગ પોઝીશન જાળવી શકાય.
બેંક નિફ્ટીમાં ભારે વેચવાલી
આર્થિક રિકવરી પર અસર પડવાની સંભાવના પાછળ બેંક નિફ્ટી તથા ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ 4 ટકાથી વધુનો ઘટાડો દર્શાવ્યા બાદ થોડા રિકવર થયાં છે. બેંક નિફ્ટી 32330ના સ્તરેથી પરત ફર્યો છે. બેંક નિફ્ટી 32330નું સ્તર તોડશે તો ચોક્કસ 31500 સુધી ગગડે તેવી સંભાવના છે. બેંક શેર્સમાં ઈન્ડ્સઈન્ડ બેંક, આરબીએલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પીએનબી, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંકમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા વીક્સમાં 15 ટકાનો ઉછાળો
શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સમાં 15 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને તે 23ની સપાટી પર પહોંચી ગયો હતો. જોકે બજારમાં બાઉન્સ પાછળ તે 11.76 ટકા વૃદ્ધિ સાથે 22.34 પર જોવા મળી રહ્યો છે.
એકમાત્ર આઈટી ઈન્ડેક્સ પોઝીટીવ
માર્કેટમાં તીવ્ર વેચવાલી વચ્ચે ડિફેન્સિવ કાઉન્ટર્સમાં લેવાલી સ્વાભાવિક છે. જોકે નિફ્ટી એફએમસીજી 2 ટકા અને નિફ્ટી ફાર્મા એક ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં ઈન્ફો એજ 3 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એચસીએલ ટેક(2.2 ટકા), કોફોર્જ(1.2 ટકા), ટીસીએસ(1.2 ટકા), વિપ્રો(1.14 ટકા), ઈન્ફોસિસ(1.07 ટકા)નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી મેટલ પ્રમાણમાં મક્કમ
અંતિમ બે સપ્તાહ દરમિયાન નોંધપાત્ર સુધારો દર્શાવનાર નિફ્ટી મેટલ 4242ની સર્વોચ્ચ સપાટી દર્શાવીને 0.6 ટકા ઘટાડા સાથે 4163 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ બ્રોડ માર્કેટની સરખામણીમાં નિફ્ટી મેટલમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. સ્ટીલ કાઉન્ટર્સમાં સેઈલ 3 ટકા સુધારા સાથે રૂ. 86ની સપાટી કૂદાવી ગયો છે. જ્યારે એનએમડીસી અને જેએસડબલ્યુ સ્ટીલ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ઉપરાંત હિંદ કોપર, હિંદુસ્તાન ઝીંક પણ 3-5 ટકાની મજબૂતી સૂચવે છે.
ગોલ્ડ-સિલ્વરમાં સાધારણ નરમાઈ
કિંમતી ધાતુઓમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. ગયા વર્ષે કોવિડ પાછળ સોનું-ચાંદીના ભાવમાં અસાધારણ તેજી જોવા મળી હતી. જોકે આ વખતે હજુ કોઈ ખરીદીના સંકેતો સાંપડી રહ્યાં નથી. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ.2ના નજીવા ઘટાડે રૂ. 45416 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો રૂ. 260ના ઘટાડે રૂ. 64830 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ચાંદી રૂ. 65000ના સપોર્ટ નીચે ઉતરી ગઈ છે.