મીડ-ડે માર્કેટ
નિફ્ટી 13900 પર ટક્યો
વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ ઈન્ટ્રા-ડે વધ-ઘટ સાથે ટક્યું છે. નિફ્ટીએ 13968ની ટોચ દર્શાવ્યાં બાદ એક તબક્કે 13860 સુધી ઘટ્યાં બાદ બપોરે 52 પોઈન્ટ્સ સુધારા સાથે 13925 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્ક સેન્સેક્સ પણ 200 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવે છે. નિફ્ટી માટે 14000ના સ્તરને ટચ કરવાની ઔપચારિક્તા બાકી રહી છે.
બેંકિંગમાં બ્રેક આઉટ, અન્યોમાં નરમાઈ
બજારને મુખ્ય સપોર્ટ બેંકિંગ તરફથી મળ્યો છે. બેંક નિફ્ટી 0.91 ટકા સુધરી 31 હજારના સ્તરને પાર કરી બ્રેકઆઉટ દર્શાવી રહ્યો છે. તેના માટે હવે 31500નું ટાર્ગેટ છે. જે પાર થતાં તે જાન્યુઆરી 2020માં દર્શાવેલી 32600ની ટોચ સુધીનો સુધારો દર્શાવી શકે છે.
ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિઅલ્ટી, એનર્જિ- નરમ
સતત બીજા દિવસે ફાર્મા સૂચકાંક નરમાઈ દર્શાવી રહ્યો છે. નિફ્ટી મેટલ 1.15 ટકા સાથે સૌથી વધુ નરમ છે. એ સિવાય રિઅલ્ટી, જાહેર સાહસો, એનર્જી, એફએમસીજી, મિડિયામાં નરમાઈ જોવા મળી રહી છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ નરમાઈ
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ સાધારણ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પણ નેગેટિવ છે. કુલ 2981 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1343માં સુધારો જોવા મળે છે. જ્યારે 1467માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ સોમવારની નોંધપાત્ર પોઝીટીવ બ્રેડ્થ બાદ આજે બીજી અને ત્રીજી હરોળમાં વિરામ જોવા મળે છે.
સેન્સેક્સમાં 17 શેર્સ ગરમ, 13 નરમ
સેન્સેક્સના 30માંથી 17 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 4 ટકા સાથે રૂ. 900ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એચસીએલ ટેક 2 ટકા સાથે સુધારો દર્શાવવામાં બીજા ક્રમે છે. એચડીએફસી, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, કોટક બેંક અને સન ફાર્મા પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે નેસ્લે, એનટીપીસી, પાવરગ્રીડ અને એચયૂએલ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
સોનું ફરી રૂ. 50000 નીચે
સોનું દિશાહિન ટ્રેડ દર્શાવી રહ્યું છે. સોમવારે ખૂલતાં સપ્તાહે મોટાભાગનો દિવસ પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં બાદ સાંજે નરમ પડ્યું હતું અને મંગળવારે એમસીએક્સ વાયદો રૂ. 50 હજારની નીચે ઉતરી ગયો હતો. સિલ્વર માર્ચ વાયદો પણ રૂ. 600ના ઘટાડે રૂ. 68200ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આમ હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ચોક્કસ ટ્રેન્ડ પકડાતો નથી.