મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 14635નો સપોર્ટ લીધો
વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડા પાછળ સ્થાનિક બજાર પણ કડડભૂસ થઈને પડ્યું છે. જોકે નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે બે દિવસ અગાઉ તેણે બનાવેલા 14635ના સ્તરેથી સપોર્ટ લીધો છે અને હાલમાં તે 2.8 ટકાના ઘટાડા સાથે 14675 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે બજારમાં સેન્ટિમેન્ટ મંદીનું છે અને તે ઘટવાતરફી રહેવાની શક્યતા વધુ છે. જ્યાં સુધી 14635નું સ્તર ના તૂટે ત્યાં સુધી શોર્ટ કરવું નહિ. એકવાર આ સ્તર નિર્ણાયક રીતે તૂટે તો નિફ્ટી માટે 14200 અને 13800 સુધીના સ્તરો ઝડપી જોવા મળી શકે છે.
બેંક નિફ્ટી 4.5 ટકા ડાઉન
બેંક નિફ્ટીમાં 4.5 ટકાનો તીવ્ર કડાકો જોવા મળી રહ્યો છે. તે 35000ના સ્તરને તોડી 34843 સુધી નીચે ઉતરી ગયો છે. બેંકિંગ અને એનબીએફસી કાઉન્ટર્સમાં ભાવે વેચવાલી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક 5 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહી છે. જ્યારબાદ એચડીએફસી બેંક, આરબીએલ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, એસબીઆઈ, પીએનબીનો પણ આમાં સમાવેશ થાય છે. તેઓ પણ 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે.
ઈન્ડિયા વીક્સમાં 23 ટકાનો ઉછાળો
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 23.11 ટકા ઉછળી 28.18 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની છેલ્લા ઘણા મહિનાની ટોચ છે. છેલ્લા એક મહિનાથી તે ઊંચી વધ-ઘટ દર્શાવી રહ્યો છે. બજારમાં ટૂંકાગાળામાં મોટી વધ-ઘટ દેખાઈ રહી છે અને તેથી ખૂબ સાવચેતી દાખવવી.
એનબીએફસીમાં ભારે વેચવાલી
એનબીએફસી શેર્સ તીવ્ર વેચવાલી દર્શાવી રહ્યાં છે. જેમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ 6 ટકા, એમએન્ડએમ ફાઈ. 6 ટકા, બજાજ ફિનસર્વ 5 ટકા, એલઆઈસી હાઉસિંગ 5 ટકા, આઈરઈસી 5 ટકાનો સમાવેશ થાય છે. આ તમામ કાઉન્ટર્સ તેમના તાજેતરની ટોચથી 10 ટકા આસપાસ તૂટી ચૂક્યાં છે અને વધુ તૂટી શકે છે.
ઓટો ક્ષેત્રે મારુતિ સાધારણ પોઝીટીવ
નિફ્ટી ઓટો 2.5 ટકા ડાઉન હોવા છતાં મારુતિ મજબૂતી દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે કાઉન્ટર્સમાં નીચે સ્તરે બાઈંગ ચાલુ છે. જોકે એમએન્ડએમ 5 ટકા, અશોક લેલેન્ડ 5 ટકા, ટાટા મોટર્સ 4 ટકા, મધરસન સુમી 4 ટકા, બોશ 3 ટકા અને હીરોમોટોકો 2.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
એકમાત્ર ફાર્મામાં ફ્લેટ ટ્રેડ
ફાર્મા ઈન્ડેક્સ 0.14 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવી રહ્યો છે. કેમકે લ્યુપિન, આલ્કેમ લેબ, સન ફાર્મા અને ડો. રેડ્ડીઝ લેબ જેવી કંપનીઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહી છે. જોકે ટોરેન્ટ ફાર્મા, બાયોકોન, સિપ્લા અને ઓરોબિંદો ફાર્મામાં નરમાઈ પણ જોવા મળી રહી છે.