મીડ-ડે માર્કેટ
બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુની નરમાઈ
વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજાર પણ રેડ ઝોનમાં ખૂલી વધુ ગગડી હાલમાં એક ટકાથી વધુ નરમાઈ દર્શાવી રહ્યું છે. નિફ્ટી 14815ના અગાઉના બંધ સામે 14752ની હાઈ તથા 14579નું લો બનાવી હાલમાં 14639 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ બજાર પર મંદીવાળાઓની પકડ સ્પષ્ટપણે દેખાય છે.
નિફ્ટી ફ્યચર્સમાં ડિસ્કાઉન્ટ
મહત્વની બાબત એ છે કે નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ હાલમાં 13 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે સવારથી જ તે ડિસ્કાઉન્ટમાં જતો રહ્યો છે. એટલેકે માર્કેટમાં નવુ શોર્ટ ઉમેરાઈ રહ્યું છે. માર્કેટમાં આવી સ્થિતિ લાંબો સમય નથી ચાલતી હોતી. જોકે તે બજારમાં વધુ નરમાઈનો સંકેત ગણી શકાય.
બેંક નિફ્ટીમાં મોટો ઘટાડો
બેંક નિફ્ટી 2 ટકા ઘટાડા સાથે 33522 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેનું તાજેતરનું તળિયું છે. બેન્ચમાર્ક 37709ની ટોચ બનાવ્યા બાદ સતત તૂટ્યો છે અને હાલમાં તે ટોચથી 10 ટકા કરતાં વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. અગ્રણી બેંકિંગ સ્ટોક્સમાં આરબીએલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ફેડરલ બેંક અને બીઓબીમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા વીક્સ 7 ટકા ઉછળ્યો
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 6.7 ટકા ઉછળી 22.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તે સતત વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. 19ની નીચે ઉતરી ગયા બાદ તે સતત સુધરી રહ્યો છે. માર્કેટમાં ઈન્ટ્રા-ડે તથા એકાંતરે દિવસે વોલેટિલટી જોવા મળી રહી છે.
મેટલ, ઓટો અને રિઅલ્ટીમાં પણ વેચવાલી
નિફ્ટી મેટલ 2.5 ટકા સાથે સેક્ટરલ ઈન્ડાઈસીસમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવે છે. જ્યારે નિફ્ટી ઓટો 1.5 ટકા અને નિફ્ટી રિઅલ્ટી 1.3 ટકાનો ઘટાડો સૂચવે છે. મેટલ્સમાં ટાટા સ્ટીલ 4 ટકા, હિંદાલ્કો 3.6 ટકા, એપીએલ એપોલો 3.5 ટકા, હિંદ કોપર 3.5 ટકા, એનએમડીસી 2.7 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. આ જ રીતે ઓટોમાં મધરસન સુમી 3.12 ટકા, ટાટા મોટર્સ 2.33 ટકા, એમએન્ડએમ 2.33 ટકા અને એક્સાઈડ ઈન્ડ. 2 ટકા નરમાઈ સૂચવે છે.
ગોલ્ડ-સિલ્વર સહિત બેઝ મેટલ્સ પોઝીટીવ
એમસીએક્સ ખાતે એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 122ના સુધારે રૂ. 44768 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 128ના સાધારણ સુધારે રૂ. 65100 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે મહત્વના સપોર્ટ નજીક આવી પહોંચ્યો છે. કોપર, લેડ, નીકલમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.