મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર નેગેટિવ ઓપનીંગ બાદ ખરીદીના સપોર્ટને કારણે ગ્રીન ઝોનમાં પરત ફર્યું છે. બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ઘટ દર્શાવી રહ્યાં છે. નિફ્ટી 12900ની સપાટી પર ટકેલો છે. સેન્સેક્સ 44 હજાર પર મક્કમ જણાય છે. વૈશ્વિક બજારોની સરખામણીમાં બજારનું સ્થાનિક આઉટપર્ફોર્મન્સ જળવાયું છે. જોકે ખરી મજા તો મીડ અને સ્મોલ-કેપ્સમાં છે. અનેક કાઉન્ટર્સ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ દર્શાવી રહ્યાં છે.
એનબીએફસી, એફએમસીજી અને પીએસયૂનો સપોર્ટ
બેન્ચમાર્ક્સની વાત કરીએ તો એનબીએફસીનો મહત્વનો સપોર્ટ મળી રહ્યો છે. બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સ બંને કાઉન્ટર્સ તેમની આંઠ મહિનાની ટોચ પર પરત ફર્યાં છે. એ સિવાય ટાઈટન, આઈટીસી, એનટીપીસી, પાવરગ્રીડ, ઓએનજીસી જેવા કાઉન્ટર્સ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. ટાટા સ્ટીલ, એમએન્ડએમ, કોટક બેંક અને ટેક મહિન્દ્રા પણ સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે. એચડીએફસી બેંક સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડો દર્શાવી રહી છે.
મીડ-કેપ્સમાં પૂરજોશમાં લેવાલી
અંતિમ બે દિવસો દરમિયાન લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર સુધારા વચ્ચે માર્કેટ-કેપ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. જોકે ગુરુવારે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં વ્યાપક લેવાલી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 1630 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 930 કાઉન્ટર્સમાં નેગેટિવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. 157 કાઉન્ટર્સ તેમના વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 248 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ જોવા મળે છે.
સોનું-ચાંદી નરમ
એમસીએક્સ ખાતે સોનું ઈન્ટ્રા-ડે દરમિયાન રૂ. 50 હજારની નીચે ટ્રેડ થયું હતું. ડિસેમ્બર વાયદો રૂ. 49934નું બોટમ બનાવી રૂ. 50055 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે રૂ. 271નો ઘટાડો દર્શાવે છે. જ્યારે ચાંદી રૂ. 750 અથવા 1.2 ટકાના ઘટાડે રૂ. 61794ના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
ડાઉ ફ્યુચર સાધારણ પોઝીટીવ
ડાઉ ફ્યુચર 70 પોઈન્ટ્સની મજબૂતી સાથે 29461ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે રાતે ડાઉ જોન્સમાં ઘટાડો નોંધાયો હતો. યુએસ ખાતે દૈનિક ધોરણે વિક્રમી સંક્રમણ જોવા મળી રહ્યું છે અને તેને કારણે બજારમાં ગભરાટ જોવા મળ્યો હતો.
સ્ટીલ ક્ષેત્ર માટે એસેસરિઝ બનાવતી કંપનીઓમાં મજબૂતી
ગુરુવારે સ્ટીલ ક્ષેત્રો માટે એસેસરીઝ બનાવતાં શેર્સ જેવાકે ગ્રેફાઈટ ઈન્ડિયા, એચઈજીમાં 20 ટકાની ઉપલી સર્કિટ જોવા મળી હતી. એ સિવાય અન્ય કાઉન્ટર્સમાં આઈનોક્સ વાઈન્ડ, શંકરા, સ્પાઈસ જેટ, બેલ, ટાટા કેમિકલ્સ, લેમન ટ્રી, જેએન્ડકે બેંક, ફિલિપકાર્બન ઈન્ડિયા સિમેન્ટ, ગલ્ફ ઓઈલ, બજાજ હોલ્ડિંગ જેવા કાઉન્ટર્સમાં 8 ટકાથી વધુની તેજી જોવા મળી રહી હતી.