મીડ-ડે માર્કેટ
વૈશ્વિક સ્તરે ચીન બાદ ભારતીય બજારમા ઘટાડો
ગયા સપ્તાહે યુએસ ખાતે બજારો નવી ટોચ પર બંધ રહ્યાં બાદ પણ એશિયન બજારોમાં મહદઅંશે નરમાઈ જોવા મળી રહી છે. જોકે ચીન અને ભારતને બાદ કરતાં અન્ય બજારો સાધારણ ઘટાડો દર્શાવી રહ્યાં છે. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 1.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે ભારતીય બેન્ચમાર્ક 1.25 ટકાની નરમાઈ સૂચવે છે.
નિફ્ટીએ 14776નો લીધેલો સપોર્ટ
બેન્ચમાર્ક નિફ્ટી 15000 પરના બંધથી ગગડીને 14776નું છેલ્લા બે સપ્તાહનું તળિયું દર્શાવી 14806 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સે બે મહત્વના સપોર્ટ્સ-14950 અને 14862- તોડ્યા છે. માર્કેટને હવે 14650 અને 14400ના સપોર્ટ છે. એનાલિસ્ટ્સ બજાર ટેકનિકલી નેગેટિવ બન્યું હોવાનું જણાવી રહ્યાં છે. આમ ટ્રેડર્સે પોઝીશન હળવી રાખવી તેમજ એકવાર લોસ બુક કરવાનો થાય તો કરી લેવો જોઈએ.
બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસે લીધી મંદીની આગેવાની
ભારતીય બજારમાં ઘટાડો બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સ પાછળનો છે. બેંક નિફ્ટી 2.72 ટકા ઘટાડે 34531 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે લગભગ 1000 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 2.5 ટકા અથવા 409 પોઈન્ટ્સના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ફાઈનાન્સિયલ સર્વિસિસમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ જેવા શેર્સ 4 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
એકમાત્ર નિફ્ટી આઈટી ગ્રીનમાં
નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.35 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. એક તબક્કે 25651નું તળિયું બનાવી તે 26089ની ટોચ બનાવ્યાં બાદ 25983 પર ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. તે બજારને સપોર્ટ પૂરો પાડી રહ્યો છે. આઈટી બેન્ચમાર્કને સપોર્ટ આપી રહેલા કાઉન્ટર્સમાં કોફોર્જ લિ., એલએન્ડટી ઈન્ફોટેક, માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એમ્ફેસિસનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા વિક્સમાં 4 ટકા વૃદ્ધિ
ગયા સપ્તાહે સતત ઘટતો રહીને મહિનાના તળિયા પર પહોંચી ગયેલા ઈન્ડિયા વીક્સમાં 4 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે 22.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે તે 20.50ના તળિયા પર ટ્રેડ થયો હતો. માર્ચ મહિનાની શરૂમાં તે 29.5 પર જોવા મળ્યો હતો.
મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં પણ નરમાઈ
સામાન્યરીતે લાર્જ-કેપ્સની સરખામણીમાં છેલ્લા કેટલાક સમયથી આઉટપર્ફોર્મન્સ દર્શાવનારા મીડ અને સ્મોલ-કેપ્સમા પણ સોમવારે વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી મીડ-કેપ્સ 1.51 ટકાનો જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ધાની સર્વિસિસ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એલએન્ડટી ફાઈનાન્સ, આરબીએલ બેંક, ફેડરલ બેંક જેવા કેટલાક મીડ-કેપ્સ 4 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યા છે. જ્યારે સ્મોલ-કેપ્સમાં એજિસ લોજિસ્ટીક્સ, એનબીસીસી, આઈડીએફસી, બલરામપુર ચીની, બીઈએમએલ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, જીએસએફસીમાં 3-6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.