મીડ-ડે માર્કેટ
ત્રીજા દિવસે માર્કેટમાં નરમ મૂડ
એશિયન બજારોમાં રજાના માહોલ વચ્ચે ભારતીય બજારનો મૂડ સાધારણ ડલ જોવા મળી રહ્યો છે. બજારો સાધારણ નરમ ખૂલી પોઝીટીવ બની રેંજમાં અથડાઈ રહ્યાં છે. નિફ્ટી 15167ની ટોચ બનાવી 15140 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 190 પોઈન્ટ્સની મજબૂતી બાદ 80 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. માર્કેટને 15000નો સપોર્ટ છે. જે તૂટતાં તેમાં ઝડપી ઘટાડો સંભવિત છે. ટ્રેડર્સે લોંગ પોઝીશન પર ધ્યાન રાખવું જરૂરી છે.
નિફ્ટીને રિલાયન્સ, ગેઈલ અને હિંદાલ્કોનો સપોર્ટ
બેન્ચમાર્ક નિફ્ટીને હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મજબૂત સપોર્ટ સાંપડી રહ્યો છે જ્યારે હિંદાલ્કો પણ 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. પીએસયૂ ગેઈલ 3 ટકા સાથે અને પાવર ગ્રીડ કોર્પો પણ 1.5 ટકાના સુધારા સાથે સપોર્ટ કરી રહ્યો છે. અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, એચસીએલ ટેકનોલોજી પણ એક ટકા સુધીનો સુધારો દર્શાવે છે.
નિફ્ટી અન્ડરપર્ફોર્મર્સ
નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સમાં આઈશર મોટર્સ અગ્રણી છે. શેરનો ભાવ 4 ટકા ડાઉન જોવા મળી રહ્યો છે. જ્યારે એનટીપીસી 3 ટકાનો ઘટાડો સૂચવે છે. ટાઈટન કંપની, લાર્સન, ઈન્ફોસિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આટીસી, ડિવિઝ લેબમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. આમ બેન્ચમાર્ક પર દબાણ જોવા મળી રહ્યું છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
બીએસઈ ખાતે 2773 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1626 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1006 નરમાઈ સૂચવી રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.3 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપમાં 1.53 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા વીઆઈએક્સમાં ઘટાડો
વોલેટિલિટીનો માપદંડ ઈન્ડિયા વીઆઈએક્સ 1.92 ટકા ઘટી 23.49 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ગઈકાલે સુધારો દર્શાવ્યાં બાદ આજે તે નરમાઈ સૂચવે છે.
એ જૂથના આઉટપર્ફોર્મર્સ
કેટલાક એ જૂથ આઉટપર્ફોર્મર્સમાં વોડાફોન આઈડિયા 5.46 ટકાનો ઉછાળો દર્શાવે છે. જ્યારે મહાનગર ગેસ 4 ટકા, ઈન્ફો એજ 3 ટકા, એમએન્ડએમ ફાઈનાન્સિયલ 3 ટકા, ટાટા કન્ઝ્યૂમર 3 ટકા, એલએન્ડટી ફાઈનાન્સ 3 ટકા, મણ્ણાપુરમ ફાઈનાન્સ 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
સોનું-ચાંદી નરમ
વૈશ્વિક બજારમાં નરમાઈ પાછળ એમસીએક્સ ખાતે પણ સોનું-ચાંદી નરમાઈ સૂચવે છે. એમસીએક્સ ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો રૂ. 203ના ઘટાડે રૂ. 47810ના સ્તરે જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 577ના ઘટાડે રૂ. 68349 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડમાં પણ એક ટકા ઘટાડો જોવા મળે છે અને તે રૂ. 4250 પર ટ્રેડ થઈ રહ્યું છે. નેચરલ ગેસ 2.6 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે.