બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં પણ મહ્દઅઁશે નરમાઈનું માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળી 15.91ની સપાટીએ
બેંકનિફ્ટીએ સર્વોચ્ચ સપાટી દર્શાવી
PSU બેંક ઈન્ડેક્સ વધુ 4 ટકા ઉછળ્યો
બેંક, એફએમસીજી સિવાય અન્ય તમામ સેક્ટર્સ રેડ ઝોનમાં
પીએસયૂ બેંક શેર 2-4 વર્ષોની ટોચ પર
કોન્કોર, કોલ ઈન્ડિયા પણ નવી ઊંચાઈએ
ડિવિઝ લેબ્સ, ઈન્ડિયા પેઈન્ટ્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું
સપ્તાહના બીજા સત્રમાં ભારતીય બજારમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે પણ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેને કારણે તેજીવાળાઓ થોડા પાછા પડ્યાં હતાં અને મંદીવાળાઓ હાવી બની રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 152 પોઈન્ટ્સના ઘટાડે 61033ની સપાટીએ જ્યારે નિફ્ટી 46 પોઈન્ટ્સ ગગડી 18157ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી બીજા સત્રમાં 18200 પર બંધ દર્શાવી શક્યો નહોતો. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સ નેગેટિવ માર્કેટ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 35 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 15 કાઉન્ટર્સે જ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. બ્રોડ માર્કેટમાં સુસ્તી પાછળ કામકાજ પાંખા હતાં. માર્કેટ બ્રેડ્થ પણ સાધારણ નરમ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઉછળી 15.91ની સપાટી પર બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. જોકે ત્યારબાદ બજાર ધીમે-ધીમે ઘસાતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 18203ના અગાઉના બંધ સામે 18288ની સપાટીએ ખૂલ્યાં બાદ ઉપરમાં 18296.40ની ટોચ પર ટ્રેડ થઈ નીચામાં 18117.50 પર જોવા મળ્યો હતો. જ્યાંથી સહેજ ઉપર તરફ જઈ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે ફ્યુચર્સ 39 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18157ના સ્તરે બંધ દર્શાવતો હતો. આમ છેલ્લાં ત્રણેક સત્રોથી જોવા મળતાં 50-70 પોઈન્ટ્સના પ્રિમીયમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી છે અથવા તો શોર્ટ પોઝીશનમાં ઉમેરો થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે યુએસ બજારો પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં તાઈવાન અને કોરિયા નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે હોંગ કોંગ, ચીન અને જાપાનના બજારો નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બપોરે યુરોપિયન બજારો પણ નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જે કારણથી સ્થાનિક બજારમાં તેજીવાળાઓનું મોરલ થોડું નરમ પડ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 18200-18300ની રેંજમાં અવરોધ નડી રહ્યો છે. જેની ઉપર નીકળશે તો 18600નું ટાર્ગેટ રહેશે. નીચામાં 17900નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો માર્કેટમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે 10 તારીખે યુએસ ખાતે રજૂ થનારો ઓક્ટોબર સીપીઆઈ ડેટા મહત્વનો બની રહેશે. જેની પાછળ ડોલર ઈન્ડેક્સ કઈ બાજુ ગતિ કરે છે. તેના આધારે માર્કેટ વધ-ઘટ દર્શાવશે.
બુધવારે બેંકિંગ અને એફએમસીજી સિવાય અન્ય સેક્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. બેંકિંગમાં પણ પીએસયૂ બેંક શેર્સમાં સુધારો આગળ વધ્યો હતો. પીએસયૂ બેંક નિફ્ટી 4 ટકા ઉછળી 3835.20ની ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં તે 52 ટકા જેટલું તગડું રિટર્ન દર્શાવી ચૂક્યો છે. જ્યારે એક સપ્તાહમાં તે 12.5 ટકાનું રિટર્ન સૂચવે છે. છેલ્લાં મહિનામાં 27 ટકાનું જ્યારે ત્રણ મહિનામાં 36 ટકાનું રિટર્ન દર્શાવે છે. પીએસયૂ કાઉન્ટર્સમાં યુનિયન બેંક 9.4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, જેકે બેંક, આઈઓબી, યૂકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર પણ ઊંચો સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સ પાછળ બેંક નિફ્ટી 41949ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ 0.23 ટકા સુધારે 41783.20ના સ્તરે બંધ રહ્યો હતો. પ્રાઈવેટ બેંક્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક અને કોટક બેંક મજબૂતી દર્શાવી રહ્યાં હતા. એફએમસીજી કાઉન્ટર્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેમાં આઈટીસી, યુનાઈટેડ બ્રૂઅરિઝ અને વરુણ બેવરેજીસ સુધરવામાં મુખ્ય હતાં. ફાર્મા, ઓટો, મેટલ, આઈટી, રિઅલ્ટી સહિતના અન્ય તમામ સેક્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. ફાર્મા નિફ્ટી 1.1 ટકાથી વધુ ઘટ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ડિવિઝ લેબ્સનું હતું. કંપનીનો શેર બે ટ્રેડિંગ સત્રોમાં 11 ટકાથી વધુ ગગડી ચૂક્યો છે. તેણે મંગળવારે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, આલ્કેમ લેબમાં પણ નરમાઈ જોવા મળી હતી. મેટલ ઈન્ડેક્સ પણ એક ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં હિંદાલ્કો 5 ટકા ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત જિંદાલ સ્ટીલ, નાલ્કો, સેઈલ જેવા કાઉન્ટર્સ પણ નોઁધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 4 ટકાથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ 3.5 ટકા, એચપીસીએલ 2.5 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. કોન્કોર, કોલ ઈન્ડિયા જેવા કાઉન્ટર્સ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1.4 ટકા ગગડ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ગોદરેજ પ્રોપર્ટીઝનું હતું. કંપનીનો શેર 7 ટકાથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત ઓબેરોય રિઅલ્ટી, સોભા ડેવલપર્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ જેવા કાઉન્ટર્સ પણ નરમાઈ સૂચવતાં હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત બોશ, અદાણી પોર્ટ્સ, ટીવીએસ મોટર, કેન ફીન હોમ્સ જેવા કાઉન્ટર્સ પણ મજબૂત સુધારો દર્શાવી રહ્યાં હતાં.
સેબી વધુ વિજિલન્ટ બનતાં IPOsની મંજૂરીમાં લાગતાં સમયમાં વૃદ્ધિ
કેલેન્ડર 2022માં આઈપીઓ મંજૂરી માટેનો સરેરાશ સમય વધીને 115 દિવસ જોવાયો
2021માં આઈપીઓને મંજૂર કરવામાં 75 દિવસો જ્યારે 2020માં 76 દિવસો લેવામાં આવ્યાં હતાં
દેશનો કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી આરંભિક પબ્લિક ઓફર(આઈપીઓ)ને લઈને વધુ સાવચેત બની રહ્યો છે. છેલ્લાં બે વર્ષોમાં ન્યૂ જેન ટેકનોલોજી કંપનીઓમાં રોકાણકારોએ મોટી માત્રામાં નાણા ગુમાવવાનું બન્યાં બાદ સેબીએ આઈપીઓ-સંબંધી નિયમો કડક બનાવ્યાં હોવાથી નવા આઈપીઓની મંજૂરી માટે અગાઉ કરતાં વધુ સમય લાગી રહ્યો છે એમ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ અને પ્રાઈમરી માર્કેટ નિરીક્ષકોનું કહેવું છે. જે બજારમાં પ્રવેશવા વિચારી રહેલી કંપનીઓની મૂંઝવણ વધારી શકે છે.
કેલેન્ડર 2022ની વાત કરીએ તો આઈપીઓ માટે સેબીમાં ઓફર ડોક્યૂમેન્ટ ફાઈલ કરવામાં તથા રેગ્યુલેટર તરફથી આઈપીઓ માટે મંજૂરી મેળવવામાં 115 દિવસોનો સમય લાગ્યો હતો. જે છેલ્લાં આઁઠ વર્ષોમાં આઈપીઓ મંજૂરી માટે જોવા મળેલો સૌથી વધુ સમય હોવાનું પ્રાઈમડેટાબેઝડોટકોમનો અભ્યાસ જણાવે છે. કેલેન્ડર 2021માં રેગ્યુલેટરે 92 આઈપીઓને મંજૂરી આપી હતી. જે માટે તેણે સરેરાશ 75 દિવસો લીધા હતાં. તે પહેલા 2020માં સેબીએ 22 આઈપીઓ ક્લિઅર કર્યાં હતાં. જે માટે તેણે સરેરાશ 76 દિવસનો સમય લીધો હતો. આમ છેલ્લાં બે વર્ષોમાં સેબીએ આઈપીઓને મંજૂરી આપવામાં 100થી ઓછા દિવસો લગાડ્યાં હતાં. જ્યારે ચાલુ વર્ષે રેગ્યુલેટરે નોંધપાત્ર ઊંચો સમય લાગ્યો છે. આ અંગે સેબી તરફથી કોઈ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. અભ્યાસ હાથ ધરનાર પ્રાઈમડેટાબેઝના પ્રણવ હલ્દિયાના કહેવા મુજબ ચાલુ વર્ષે ઓફર ડોક્યૂમેન્ટ્સને ક્લિઅર કરવામાં લાંબા સમય પાછળનું મુખ્ય કારણ ઊંચા પ્રમાણમાં ફાઈલીંગ ઉપરાંત સેબી તરફથી વધેલું ડ્યૂ ડિલિજન્સ હોય શકે છે. કેલેન્ડર 2021માં કેટલાંક મોટા આઈપીઓમાં રોકાણકારોએ મોટા પ્રમાણમાં નુકસાન ઉઠાવવાનું બનતાં સેબીએ આઈપીઓ લાવવા ઈચ્છતી કંપનીઓ માટે નિયમોને કડક બનાવ્યાં છે.
કેલેન્ડર 2021માં બજારમાં પ્રવેશેલા 66 આઈપીઓમાંથી 27 આઈપીઓ હજુ પણ તેમના ઓફર ભાવથી નીચે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં પેટીએમ, પીબીફિનટેક જેવી કંપનીઓ મુખ્ય છે. આ ન્યૂ જેન સ્ટાર્ટઅપ્સ કંપનીઓના શેર તેમના ઓફર ભાવથી અડધા ભાવે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. પેટીએમે રૂ. 18200 કરોડ સાથે તે વખતે સૌથી મોટો આઈપીઓ કર્યો હતો. ચાલુ કેલેન્ડરમાં આઈપીઓનો દેખાવ પ્રમાણમાં સારો રહ્યો છે. અત્યાર સુધી બજારમાં પ્રવેશી ચૂકેલાં કુલ 23 આઈપીઓમાંથી 18 કંપનીઓના શેર્સ તેમના ઓફર ભાવથી પ્રિમીયમમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જોકે સરકારી જીવન વીમા કંપની એલઆઈસીના આઈપીઓમાં રોકાણકારોને નિરાશા સાંપડી હતી. કંપનીનો શેર તેના ઓફરભાવથી નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. એલઆઈસી મે 2022માં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી હતી. તેણે રૂ. 22 હજાર કરોડનું ભરણું એકત્ર કર્યું હતું. તાજેતરના કેટલાંક આઈપીઓને મંજૂરી મેળવવામાં ખૂબ મોટો સમય લાગ્યો હતો. જેમા પીઈ ફંડ બ્લેકસ્ટોનનું સમર્થન ધરાવતી આધાર હાઉસિંગ ફાઈનાન્સને આઈપીઓ માટે સેબીની મંજૂરી મેળવવામાં 466 દિવસોનો સમય લાગ્યો હતો. તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકને આઈપીઓની મંજૂરી માટે 268 દિવસોનો સમય લાગ્યો હતો. જ્યારે હેમાની ઈન્ડસ્ટ્રીઝને 198 દિવસો બાદ સેબીએ આઈપીઓ માટે મંજૂરી આપી હતી. જ્યારે બીબા ફેશનને આઈપીઓની મંજૂરી મેળવવામાં 182 દિવસો લાગ્યાં હતાં. આ ઉપરાંત ફ્લિપકાર્ટ કો-ફાઉન્ડર સચિન બંસલના ફિન-ટેક સ્ટાર્ટઅપ નવી ટેક્નોલોજીસ તેમજ કેયનેસ ટેક્નોલોજિ ઈન્ડિયા અને ભારત એફઆઈએચને તેમના આઈપીઓની મંજૂરી માટે 170 દિવસોનો સમય લાગ્યો હતો. સેબીની આઈપીઓની મંજૂરી માટેનો સમય લંબાઈ રહ્યો છે. તેમજ આઈપીઓને મંજૂરી માટેની પ્રક્રિયા પણ વધુ કડક બની રહી છે એમ બેંકર્સ અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ જણાવે છે. એક બેંકર ઉમેરે છે કે પ્રથમવાર રેગ્યુલેટર આઈપીઓ વેલ્યૂએશનને લઈને સવાલ કરી રહ્યો છે. જે રોકાણકારોના હિતમાં બની રહ્યું છે. તેમના મતે સેબી નાના આઈપીઓની સરખામણીમાં મોટા આઈપીઓને મંજૂરી આપવામાં વધુ સમય લગાવી રહી છે.
મોટા આઈપીઓને મંજૂરી માટે લાગેલા દિવસો
કંપની આઈપીઓનું કદ(રૂ. કરોડમાં) સેબીની મંજૂરી માટેના દિવસો
એલઆઈસી 20557 22
આધાર હાઉસિંગ 7300 466
એપીઆઈ હોલ્ડિંગ્સ 6250 99
ડેલ્હીવેરી 5235 72
ભારત એફઆઈએચ 5000 168
મેક્લેઓડ્સ ફાર્મા 5000 94
કેલેન્ડરવાર IPO મંજૂરી માટે લાગેલા દિવસો
કેલેન્ડર દિવસો આઈપીઓની સંખ્યા
2014 117 17
2015 89 45
2016 87 30
2017 75 49
2018 97 86
2019 89 26
2020 76 22
2021 75 92
2022 115 72
સુઝુકીની રેવન્યૂમાં મારુતિનો હિસ્સો સાત વર્ષોની ટોચ પર
ગયા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરમાં 30 ટકા સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 39 ટકા હિસ્સો
મારુતિ સુઝુકીની પેરન્ટ કંપની જાપાનની સુઝુકી મોટર કોર્પ(એસએમસી)ની સેલ્સ રેવન્યૂમાં મારુતિનો હિસ્સો સાત વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાકિય વર્ષ 2022-23ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તે 39.1 ટકા પર રહ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 30.2 ટકા પર જોવા મળતો હતો.
ભારતીય પાંખના મજબૂત દેખાવથી પ્રોત્સાહન પામીને સુઝુકી કોર્પોરેશને નાણા વર્ષ 2022-23 માટેના તેના અર્નિંગ્સ અને ગ્રોથ આઉટલૂકમાં સુધારો કર્યો છે. સુઝુકી કોર્પોરેશનના વૈશ્વિક યુનિટ સેલ્સમાં મારુતિનો હિસ્સો 55 ટકા જેટલો ઊંચો છે. ભારતીય સબસિડિયરીના રેવન્યૂ હિસ્સામાં વૃદ્ધિનું કારણ વાહનોના વિક્રમી વેચાણ ઉપરાંત અનૂકૂળ ફોરેન એક્સચેન્જ રેટ પણ છે. ગયા સપ્તાહે મારુતિના અપેક્ષાથી ઊંચા પરિણામો આવ્યાં બાદ જાપાનીઝ કારમેકરે 2022-23 માટેના તેના ગ્લોબલ વેચાણના અંદાજને અગાઉના 27 લાખ પરથી વધારી 30 લાખ કર્યો છે. ભારત સિવાય અન્ય દેશોમાં ઓટો વેચાણનું ચિત્ર મંદ હોવા છતાં કંપનીએ આમ કર્યું છે. સુઝુકી કોર્પોરેશને એક ઈન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં જણાવ્યું છે કે વૈશ્વિક મંદીનું જોખમ વધી રહ્યું હોવાની અમારી માન્યતામાં કોઈ ફેરફાર નથી થયો તેમ છતાં અમે પ્રથમ છ મહિનાની કામગીરીને ધ્યાનમાં રાખી અમારા અંદાજમાં ઉપરની તરફ સુધારો કરી રહ્યાં છીએ. છેલ્લાં ત્રણ નાણા વર્ષોથી સુઝુકી કોર્પોરેશનના કુલ વેચાણમાં મારુતિનો હિસ્સો વધી રહ્યો છે. આમ કોવિડ બાદ પેરન્ટ કંપનીને મારુતિ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો છે.
સુઝુકી કોર્પોરેશનના ગ્લોબલ સેલ્સમાં મારુતિનો હિસ્સો
નાણા વર્ષ વેચાણ હિસ્સો(ટકામાં)
2016-17 31.7
2017-18 35.2
2018-19 35.9
2019-20 31.0
2020-21 24.4
2021-22 30.2
2022-23* 39.1
(* ચાલુ વર્ષે પ્રથમ છ મહિનાનો હિસ્સો દર્શાવ્યો છે)
ડોલર ઈન્ડેક્સ ગગડતાં વૈશ્વિક ગોલ્ડ તળિયાથી 100 ડોલર ઉછળ્યું
ગયા ગુરુવારે સાંજે 1620 ડોલર પર ટ્રેડ થતાં કોમેક્સ વાયદાએ મંગળવારે રાતે 1720 ડોલરનું સ્તર દર્શાવ્યું
ચાંદીમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો, સ્થાનિક કોમેક્સ ખાતે રૂ. 62000ની સપાટી પાર કરી
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું છે. યુએસ ફેડ રેટે ગયા બુધવારે ચોથીવાર 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ દર્શાવ્યાં બાદ એક તબક્કે 1618 ડોલરના બે વર્ષથી વધુના તળિયા પર ટ્રેડ દર્શાવનાર કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ મંગળવારે રાતે 1720 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. આમ માત્ર ત્રણ સત્રોમાં ગોલ્ડમાં 100 ડોલરનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેણે ગોલ્ડમાં શોર્ટ સેલર્સને ઊંઘતા ઝડપ્યાં હતાં.
ફેડ ચેરમેને ચોથીવાર 75 બેસીસ પોઈન્ટસ રેટ વૃદ્ધિ બાદ પણ હોકિશ વલણ જાળવી રાખતાં ગુરુવારે સવારના ટ્રેડમાં ડોલર ઈન્ડેક્સ એક તબક્કે 113ની સપાટી પાર કરી ગયો હતો. જોકે બપોર બાદ તે નરમ બન્યો હતો અને ગુરુવારે ગોલ્ડને મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. જોકે શુક્રવારે ડોલર ઈન્ડેક્સ 112ની સપાટી નીચે ગગડતાં કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 54 ડોલરના ઉછાળે 1684 ડોલર પર બંધ રહ્યો હતો. જે તેની બે સપ્તાહની ટોચનું સ્તર હતું. જ્યારે સોમવારે પણ તે સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળ્યું હતું. મંગળવારે સાંજે યુએસ બજાર ખૂલ્યાં બાદ ડોલર ઈન્ડેક્સ ઊંધા માથે પટકાયો હતો અને 109.24ના છેલ્લાં બે મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો. જેની પાછળ ગોલ્ડ બે ટકાથી વધુ ઉછળી 1720.35 ડોલર પર ટ્રેડ થયું હતુ. રશિયા-યૂક્રેન યુધ્ધ શરૂ થયા બાદ શરૂઆતી દિવસોમાં ગોલ્ડમાં આ પ્રકારે તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક ગોલ્ડ 1770 ડોલરની સપાટી પરથી મહિનામાં ઉછળી 2070 પર ટ્રેડ થયું હતું. જોકે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન સાત મહિના સુધી તે સતત ઘટાડો દર્શાવતું રહ્યું હતું. જેનું મુખ્ય કારણ ફેડ તરફથી શ્રેણીબધ્ધ આક્રમક રેટ વૃદ્ધિ હતું. સપ્ટેમ્બરમાં 1620 ડોલરનો સપોર્ટ મેળવ્યાં બાદ ગયા સપ્તાહે ફરી તે આ સ્તરે સપોર્ટ મેળવી પરત ફર્યું હતું. મોટાભાગના એનાલિસ્ટ્સ ગોલ્ડ 1600 ડોલર નીચે ઉતરી જાય તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં હતાં. જોકે ગોલ્ડમાં જોવા મળેલું તીવ્ર બાઉન્સ સૂચવે છે કે વર્તમાન સંજોગોમાં રોકાણકારો ગોલ્ડમાં ખરીદી કરી રહ્યાં છે. ફેડની ઊંચી રેટ વૃદ્ધિ બાદ પણ ફુગાવો અંકુશમાં આવવાની શક્યતાં ઓછી છે અને એકાદ-બે વધુ રેટ વૃદ્ધિ બાદ ફેડ વિરામ અપનાવશે તેને જોતાં ગોલ્ડમાં ખરીદીનું આકર્ષણ વધી શકે છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 52000ની સપાટી પાર કરી ગયો છે. ડોલર સામે રૂપિયામાં સતત બીજા સત્રમાં મજબૂત વૃદ્ધિને કારણે સ્થાનિક ગોલ્ડના ભાવમાં વૈશ્વિક બજારની અસર જોવા મળી નથી. જોકે ચાલુ વર્ષે રૂપિયામાં નોંધપાત્ર ઘસારાને કારણે વૈશ્વિક બજારમાં ભાવ ઘટ્યાં ત્યારે સ્થાનિક ભાવને સપોર્ટ સાંપડ્યો હતો અને તે રૂ. 56 બજારની ટોચથી માત્ર 8 ટકા છેટે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ગોલ્ડ પાછળ સિલ્વરમાં પણ ભારે ખરીદી નીકળી છે અને કોમોડિટી એનાલિસ્ટસ માને છે કે આગામી સત્રોમાં સિલ્વર ગોલ્ડની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે.
ડોલર સામે રૂપિયો 45 પૈસા ઉછળી ત્રીજા દિવસે મજબૂત જોવા મળ્યો
ભારતીય ચલણમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. બુધવારે રૂપિયો ડોલર સામે 45 પૈસા ઉછળી 81.47ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલરમાં નરમાઈને કારણે ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં મજબૂતી નોંધાઈ હતી. જેમાં સુધારો દર્શાવવામાં ભારતીય ચલણ અગ્રણી હતું. ડોલર સામે રૂપિયો મંગળવારે 81.43ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ ઈન્ટ્રા-ડે વધુ સુધારે 81.23ની સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યારે 81.62નું તળિયું દર્શાવ્યું હતું. કામકાજની આખરમાં તે 81.47 પર સેટલ થયો હતો. સોમવારે તે 81.92ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. ડોલર ઈન્ડેક્સ ગગડીને 110ની સપાટી નીચે ઉતરી જતાં ઈમર્જિંગ ચલણોના મૂલ્યમાં સુધારો નોઁધાયો હતો. વૈશ્વિક ક્રૂડના ભાવ પણ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેનો સપોર્ટ રૂપિયાને સાંપડ્યો હતો.
સપ્તાહમાં કોટનના ભાવમાં ખાંડીએ રૂ. 2500નો સુધારો
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રૂ. 64000 પ્રતિ ખાંડીની સપાટી પર જોવા મળતાં કોટનના ભાવમાં છેલ્લાં પાંચેક સત્રોમાં સુધારો જળવાયો છે અને મંગળવારે તે રૂ. 66500 પર જોવા મળતાં હતાં. દેશમાં નવી આવકોમાં વૃદ્ધિ વચ્ચે મિલોની ખરીદી જળવાતાં ભાવ ઘટ્યાં સ્તરેથી સુધર્યાં છે. પખવાડિયા અગાઉ તે રૂ. 62 હજાર પર જોવા મળ્યાં હતાં. જ્યાંથી રૂ. 4500-5000નો સુધારો દર્શાવે છે. હાલમાં આવકો 90 હજાર ગાંસડી આસપાસ જોવા મળી રહી છે. જ્યારે સિઝનમાં કુલ 20 લાખ ગાંસડીથી વધુ આવકો બજારામં પ્રવેશી ચૂકી છે. પાકની સ્થિતિ સારી છે અને ક્વોલિટી પણ ઘણી સારી છે. જે જોતાં ખેડૂતોને તેમની ઉપજના રૂ. 1600-1800 પ્રતિ મણ ઉપજી રહ્યાં છે. જે સરકાર નિર્ધારિત ટેકાના ભાવથી ઘણા ઊંચા હોવાથી સતત બીજા વર્ષે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બજારમાં દરમિયાનગીરી કરવાની જરૂર ઊભી થઈ નથી.
કોર્પોરેટ હેડલાઈન્સ
હનીવેલ ઓટોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 118 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 85 કરોડની સરખામણીમાં 32 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 737 કરોડ પરથી વધી રૂ. 794 કરોડ પર રહી હતી.
તાજ જીવીકેઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 32.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 3.7 કરોડની સરખામણીમાં 8 ગણો ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 56 કરોડ પરથી વધી રૂ. 89.1 કરોડ પર રહી હતી.
બીપીસીએલઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપનીએ રૂ. 584 કરોડની ખોટ સામે રૂ. 304 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 1.02 લાખ કરોડ પરથી વધી રૂ. 1.28 લાખ કરોડ પર રહી હતી.
પીબી ઈન્ફોટેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 187 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 205 કરોડની ખોટ સામે ઘટાડો સૂચવે છે. કંપનીની આવક રૂ. 280 કરોડ પરથી ઉછળી રૂ. 573 કરોડ પર રહી હતી.
એફલ ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 59 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 48 કરોડની સરખામણીમાં 22 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 275 કરોડ પરથી ઉછળી રૂ. 355 કરોડ પર રહી હતી.
વિનતી ઓર્ગેનિક્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 116 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 101 કરોડની સરખામણીમાં 15 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 506 કરોડ પરથી ઉછળી રૂ. 566 કરોડ પર રહી હતી.
ફિનિક્સ મિલ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 222 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 65.2 કરોડની સરખામણીમાં 250 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ રૂ. 364 કરોડ પરથી ઉછળી રૂ. 651 કરોડ પર રહી હતી.
સ્પાર્કઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 68 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 55 કરોડની સરખામણીમાં 23 ટકા જેટલી વધુ છે. કંપનીની આવક રૂ. 28 કરોડ પરથી વધી રૂ. 32 કરોડ પર રહી હતી.
પિરામલ એન્ટપ્રાઈઝઃ કંપની રૂ. 50 કરોડનો એનસીડી ઈસ્યુ કરશે. જેમાં રૂ. 600 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો ઓપ્શન સમાવિષ્ટ હશે.
સિએટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 203 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 220 કરોડની સરખામણીમાં 10 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 2452 કરોડ પરથી ઉછળી રૂ. 2894 કરોડ પર રહી હતી.
ડો. લાલ પેથલેબ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 72 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 58 કરોડની સરખામણીમાં 24 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 143 કરોડ સામે રૂ. 144 કરોડ પર રહી હતી.
જ્યુબિલિઅન્ટ ફૂડઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 132 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 120 કરોડની સરખામણીમાં 10 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 288 કરોડ પરથી ઉછળી રૂ. 313 કરોડ પર રહી હતી.
જેકે ઈન્ફ્રાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 67.54 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 41.06 કરોડની સરખામણીમાં 65 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 772 કરોડ પરથી ઉછળી રૂ. 1013 કરોડ પર રહી હતી.
Market Summary 9 November 2022
November 09, 2022