બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક સ્તરે નરમ સંકેતો પાછળ આગળ વધતો ઘટાડો
નિફ્ટીએ ઈન્ટ્રા-ડે તળિયેથી 250 પોઈન્ટ્સ સુધર્યાં બાદ પાછો પડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.7 ટકા ઉછળી 22.03ના સ્તરે
આઈટીને બાદ કરતાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી
મેટલ, એનર્જી, એફએમસીજીમાં નોંધપાત્ર વેચવાલી
બીએસઈ ખાતે અઢી શેરમાં ઘટાડા સામે એકમાં સુધારો
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા ગગડ્યો
સતત ચોથા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાં તીવ્ર વેચવાલી પાછળ ભારતીય બજારે પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં બાદ એક તબક્કે ફ્લેટ કામકાજ દર્શાવી ફરીથી ઘટાડો નોંધાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 364 પોઈન્ટ્સ ઘટી 54471ના સ્તરે જ્યારે નિફ્ટી 109 પોઈન્ટ્સ ગગડી 16302ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.7 ટકા ઉછળી 22.03ના સ્તરે બંધ રહ્યો હતો નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 30 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 20માં સુધારો નોંધાયો હતો. જોકે બ્રોડ માર્કેટમાં સ્થિતિ ખરાબ હતી અને લગભગ 2.5 શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળતો હતો.
વૈશ્વિક સ્તરે શુક્રવારે યુએસ બજારોમાં ઘટાડો આગળ વધ્યો હતો. જેની પાછળ સોમવારે એશિયન બજારોમાં કામકાજની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. એકમાત્ર ચીનને બાદ કરતાં તમામ મહત્વના એશિયન બજારો નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ 3.81 ટકા સાથે અન્ડરપર્ફોર્મ કરી રહ્યું હતું. જાપાન બજાર 2.53 ટકા, તાઈવાન 2.2 ટકા અને કોરિયા 1.3 ટકા ડાઉન જોવા મળ્યાં હતાં. સિંગાપુર માર્કેટ 0.51 ટકા ઘટાડો સૂચવતું હતું. જેની પાછળ ભારતીય બજારે પણ નરમાઈ સાથે કામકાજની શરૂઆત કરી હતી. નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે ગગડી 16142ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાંથી સુધરી 16403ની સપાટી દર્શાવી હતી. જોકે આ સ્તરે તે ટકી શક્યો નહોતો અને નેગેટિવ જ બંધ રહ્યો હતો. યુરોપ બજારો પણ 2.2 ટકા સુધી નરમાઈ સૂચવતાં હતાં. જેમાં ફ્રાન્સનું બજાર સૌથી વધુ અન્ડરપર્ફોમન્સ દર્શાવી રહ્યું હતું. રશિયા તરફથી વિજય દિવસ પરેડ પાછળ તેમજ ન્યુકલિયર વોરને લઈને ચિંતા પાછળ વૈશ્વિક બજારોમાં સપ્તાહની શરૂઆત ભારે વેચવાલી સાથે થઈ હોવાનું એનાલિસ્ટ્સ માની રહ્યાં હતાં. તેમના મતે માર્કેટનો અન્ડરટોન ખૂબ નરમ છે અને આગામી દિવસોમાં તે વધુ 2-3 ટકા ઘટાડો દર્શાવી શકે છે. માર્કેટ ઓવરબોટ હોવા છતાં બાઉન્સ દર્શાવવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. જે સૂચવે છે કે નીચા સ્તરે પણ હાલમાં ખરીદીનો રસ નહિવત છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો સંપૂર્ણપણે રિસ્ક-ઓફ મોડમાં જોવા મળી રહ્યાં છે. તેઓ ભારત સહિતના ઈમર્જિંગ બજારોમાં વેચવાલી દર્શાવી રહ્યાં છે. ભારતીય રૂપિયો પણ ડોલર સામે ગગડીને તેના ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થતાં બજારમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, મેટલ અને એફએમસીજીમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 4 ટકા ઘટાડા પાછળ નિફ્ટી એનર્જી 2.71 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. જ્યારે મેટલ ઈન્ડેક્સ પણ 2 ટકાથી વધુ ઘટ્યો હતો. એફએમસીજી ઈન્ડેક્સ 1.5 ટકા તૂટ્યો હતો. જ્યારે રિઅલ્ટી 1.3 ટકા નરમાઈ દર્શાવતો હતો. બેંક નિફ્ટી 0.91 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી શેર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશને 2.83 ટકા સાથે સુધારો જાળવ્યો હતો અને સર્વોચ્ચ ટોચ પર બંધ આવ્યો હત. આ સિવાય એચસીએલ ટેક, બજાજ ઓટો, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર્સ એક ટકાથી લઈ ત્રણ ટકા સુધી સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે નિફ્ટી શેર્સમાં 4 ટકા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. ઉપરાંત નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રા 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3614 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2468 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1006 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 103 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 133 કાઉન્ટર્સે તેમનું 53-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.
યુએસ ડોલર સામે રૂપિયો 77.50ના વિક્રમી તળિયા પર
રૂપિયામાં ગ્રીન બેક સામે ચાલુ નાણા વર્ષમાં 2.17 ટકાનો ઘટાડો
બે સત્રોમાં રૂપિયો 115 પૈસા જેટલો ગગડ્યો
ભારતીય ચલણે યુએસ ડોલર સામે સોમવારે તેની ઐતિહાસિક લો દર્શાવ્યું હતું. ગયા સપ્તાહે 76.90ના સ્તરે બંધ જોવા મળેલો રૂપિયો સોમવારે કામકાજની આખરમાં ડોલર સામે 60 પૈસા ઘટાડે 77.50ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 77.52નું તળિયું દર્શાવ્યું હતું. ઈક્વિટી માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી અવિરત વેચવાલી પાછળ રૂપિયામાં સતત ઘસારો જોવા મળ્યો છે. એપ્રિલ 2022થી અત્યાર સુધીમાં ડોલર સામે તે 2.17 ટકા જેટલો ગગડી ચૂક્યો છે.
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સમાં વેચવાલી વચ્ચે સ્થાનિક બજારમાં પણ નરમાઈ વચ્ચે ગ્રીન બેક સામે રૂપિયાએ નરમાઈ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી અને દિવસ દરમિયાન વધુ ઘસાતો જોવા મળ્યો હતો. રૂપિયામાં છેલ્લાં કેટલાંક સત્રોની ચાલ જોઈને ફોરેક્સ માર્કેટ એનાલિસ્ટ્સ 80-81 સુધીના ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે યુએસ ડોલર સામે વિકસિત તેમજ વિકાસશીલ અર્થતંત્રોના ચલણોની સરખામણીમાં રૂપિયાનો દેખાવ હજુ પણ ઘણો સારો જોવા મળી રહ્યો છે. 1 એપ્રિલ 2022થી જાપાની યેન, બ્રિટિશ પાઉન્ડ સહિતના ચલણો ડોલર સામે 10 ટકા જેટલો ગગડી ચૂક્યાં છે. જેની સામે રૂપિયો 2 ટકાથી સહેજ વધુ ઘટાડો દર્શાવે છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં ચીનનો રેમેમ્બી પણ 6 ટકા જેટલો ગગડ્યો છે. આ ઉપરાંત બ્રાઝિલ, કોરિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ જેવા દેશોના ચલણો પણ 3-7 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેની સરખામણીમાં રૂપિયો સ્પષ્ટપણે આઉટપર્ફોર્મન્સ સૂચવે છે. જોકે છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં ડોલર સામે રૂપિયો 115 પૈસાનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ભારે વેચવાલીને માનવામાં આવે છે. ચાલુ કેલેન્ડરમાં તેઓએ ભારતીય બજારમાં રૂ. 1.4 લાખ કરોડ આસપાસનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે.
RBIની રેટ વૃદ્ધિની અસર ક્રેડિટ ગ્રોથ પર પડવાની શક્યતાં
તાજેતરમાં ક્રેડિટ ગ્રોથમાં જોવા મળેલું મોમેન્ટમ અટકી પડવાનો ડર
એપ્રિલ 2021માં 5.3 ટકા સામે ગયા એપ્રિલમાં 11.2 ટકાનો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો હતો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા સપ્તાહે ઓચિંતી દર્શાવેલી રેટ વૃદ્ધિની અસર બેંક્સના ક્રેડિટ ગ્રોથ પર જોવા મળે તેવી શક્યતાં બેંકર્સ જોઈ રહ્યાં છે. તેમના મતે બેંકોએ રેટ વૃદ્ધિની અસર ગ્રાહકો પર પસાર કરવાનું શરૂ કર્યું છે અને તેને કારણે હોમ, ઓટો લોન સહિતની લોન્સ મોંઘી બની છે. જે ક્રેડિટ માગ પર વિપરીત અસર ઊભી કરી શકે છે.
આરબીઆઈએ રેપો રેટમાં ગયા સપ્તાહે 40 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારબાદ રેપો રેટ વધીને 4.4 ટકા પર પહોંચ્યાં હતાં. ફુગાવાના ઝડપથી વધતાં દબાણને જોઈને સેન્ટ્રલ બેંકરે તેની સત્તાવાર બેઠકની રાહ જોવાનું ટાળ્યું હતું અને તત્કાળ રેટ વૃદ્ધિનો નિર્ણય લીધો હતો. એક સંયોગમાં તેણે યુએસ ફેડ રિઝર્વ રેટ વૃદ્ધિ જાહેર કરે તે અગાઉ રેટ વૃદ્ધિ સાઈકલની શરૂઆત કરી હતી. અર્થશાસ્ત્રીઓના મતે ચાલુ કેલેન્ડરમાં આરબીઆઈ વધુ 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરે તેવી પૂરી શક્યતાં છે. જેની અસર માંડ દ્વિઅંકી વૃદ્ધિ દર દર્શાવી રહેલા ક્રેડિટ ગ્રોથ પર પડી શકે છે. અગ્રણી રેટિંગ એજન્સીના એનાલિસ્ટ્સના મતે મધ્યમ ગાળામાં ફુગાવાનું દબાણ જળવાય રહેશે. કેમકે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અવરોધો ચાલુ છે. સામે વપરાશી માગ નરમ પડી રહી છે. આ સ્થિતિમાં રેટ વૃદ્ધિને કારણે ક્રેડિટ ગ્રોથમાં જોવા મળતું વર્તમાન રિવાઈવલ ખોરવાઈ શકે છે. તાજેતરમાં બેંક ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિ જોવા મળી હતી. ગયા એપ્રિલમાં તે 11.2 ટકાના મજબૂત સ્તરે જોવા મળી હતી. જે એક વર્ષ અગાઉ એપ્રિલ 2021માં 5.3 ટકાના સ્તરે હતી. જોકે આરબીઆઈની રેટ વૃદ્ધિ બાદ બેંકો તરફથી તરત જ ગ્રાહકો પર રેટ વૃદ્ધિ પસાર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને કારણે ક્રેડિટ ગ્રોથમાં જોવા મળતું મોમેન્ટમ અધવચ્ચે જ અટકી પડે તેવું બની શકે છે. ઊંચા વ્યાજ ખર્ચની અસર ગ્રાહકો પર મોર્ગેજ લોન, ક્રેડિટ કાર્ડ અને અન્ય લોન્સના સ્વરૂપમાં જોવા મળી શકે છે. નવેમ્બર 2021માં 3 ટકાથી નીચે જોવા મળતી 30-વર્ષોની ફિક્સ્ડ-રેટ મોર્ગેજનો રેટ 28 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન તીવ્ર વૃદ્ધિ દર્શાવવા સાથે 5.1 ટકાના સ્તરે જોવા મળતો હતો. એનાલિસ્ટ્સના મતે આરબીઆઈ હજુ ત્રણેક રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાંને જોતાં બોરોઅર્સ માટે તકલીફો ઊભી થશે તે નિશ્ચિત છે.
IBC પ્રક્રિયા હેઠળ રિકવરી ધીમી પડતાં બેંક્સને ફટકો
ફાઈનાન્સિયલ ક્રેડિટર્સનું રિઅલાઈઝેશન માર્ચ 2022 ક્વાર્ટરમાં 10.21ના વિક્રમી તળિયા પર જોવાયુ
સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં તે 49.2 ટકા પર જ્યારે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં 13.4 ટકા પર હતું
ઈન્સોલ્વન્સિ અને બેન્ક્ર્પ્ટસિની કામગીરી ધીમી પડવાને કારણે બેંકિંગ કંપનીઓને રિકવરીમાં મોટો ફટકો પડ્યો છે. રેસોલ્યુશનની પ્રક્રિયામાં અસાધારણ વિલંબ તથા ડિસ્ટ્રેસ્ડ એસેટ્સને ખરીદવામાં સંભવિત રોકાણકારોનો રસ ઓછો થવાથી ફાઈનાન્સિયલ ક્રેડિટર્સ સ્પષ્ટપણે અકળામણ અનુભવી રહ્યાં હોવાનું આઈબીબીઆઈના તાજેતરના ડેટામાં જોવા મળે છે.
સંસ્થાએ તૈયાર કરેલો ડેટા સૂચવે છે કે જાન્યુઆરી-માર્ચ 2022ના સમયગાળા દરમિયાન ફાઈનાન્સિયલ ક્રેડિટલ્સનું તેમણે દાખલ કરેલા કેસિસના પ્રમાણમાં રિઅલાઈઝેશન(મળતર) 10.21 ટકાના વિક્રમી તળિયા પર જોવા મળ્યું હતું. જે અગાઉના ડિસેમ્બર 2021 ક્વાર્ટરના 13.4 ટકાના રિઅલાઈઝેશન કરતાં નીચું હતું. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં જોવા મળેલા 49.17 ટકાના મળતરની સરખામણીમાં મોટો ઘટાડો દર્શાવતું હતું. ચાલુ કેલેન્ડરમાં જાન્યુઆરી-માર્ચ દરમિયાન 20 કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેસોલ્યુશન પ્રોસેસ(સીઆરઆઈપી)ના તેમની લિક્વિડેશન વેલ્યૂની સરખામણીમાં વિવિધ પ્રમાણમાં રિઅલાઈઝેશન સાથે રેસોલ્યુશન પ્લાન શક્ય બન્યાં હતાં. બેંકિંગ કંપનીઓએ દાખલ કરેલા રૂ. 12610 કરોડના દાવાઓ સામે આવા ક્રેડિટર્સને રૂ. 1288 કરોડની રકમ પ્રાપ્ય બની હતી. જે દાવાઓની સરખામણીમાં 10.21 ટકા જેટલી જ થતી હતી. ચિંતાની બાબત એ છે કે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1288 કરોડની રિઅલાઈઝેશનની વેલ્યૂ રૂ. 1316 કરોડની લિક્વિડેશન વેલ્યૂ કરતાં નીચી હતી. IBCની રજૂઆતથી માર્ચ 2022ની આખર સુધીમાં રિઝોલ્યુશન બાદ લેન્ડર્સની કુલ રિકવરી ઘટીને 32.9 ટકા પર રહી હતી. જે 30 સપ્ટેમ્બર, 2021ની આખરમાં 35.9 ટકાના સ્તરે હતી. આમ બે જ ક્વાર્ટર્સમાં ત્રણ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો અંતિમ આંકડાની રીતે જોઈએ તો બેંકર્સ માટે રિઅલાઈઝેશનની કુલ રકમ રૂ. 2,25,294 કરોડ રહી હતી. જે રૂ. 1,31,448 કરોડની લિક્વિડેશન વેલ્યૂ કરતાં ઘણી ઊંચી હતી. માર્ચ 2022ની આખર સુધીમાં બેંકર્સે તરફથી દાખલ કરવામાં આવેલા કુલ દાવાઓનું મૂલ્ય રૂ. 6,84,901 કરોડ થયું હતું.
એક અગ્રણી લો કંપનીના પાર્ટનરના જણાવ્યા મુજબ લિક્વિડેશન વેલ્યૂની સરખામણીમાં રિકવરીની વેલ્યૂ નીચી રહેલી એ ચિંતાનો વિષય છે. સાથે તે લેણિયાત માટે વેલ્યૂને મહત્તમ બનાવવાના આઈબીસીના બેઝિક ખ્યાલથી વિરોધનો છે. તેમના જણાવ્યા મુજબ ભારતમાં સ્ટ્રેસ્ડ એસેટ્સ માટે સંભવિત રોકાણકારોનો એપેટાઈટ ઘટતો જોવા મળી રહ્યો છે. આઈબીસી હેઠળ નીચા રેઝોલ્યુશન રેટ્સ માટે વિવિધ પરિબળો જવાબદાર છે. જેમાં મહામારીને કારણે જોવા મળેલી મંદી કારણભૂત છે. આને કારણે કંપનીઓના રિવાઈવલમાં વિલંબ થવાની રેઝોલ્યુશન અને લિક્વિડેશન પર અસર પડી છે. ટર્નએરાઉન્ડ માટેનો રોડમેપ પૂરો પાડવામાં અક્ષમતાને કારણે સંભવિત ખરીદારોના રસમાં ઘટાડો થતો હોય છે. જેને કારણે રિકવરી રેટ નીચો જોવા મળે છે.
રિકવરીમાં વિલંબના મુખ્ય કારણો
• NCLTમાં કેસોનો જંગી ખડકલો
• ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ માટે ખરીદારોમાં ઘટેલો રસ
• કોવિડને કારણે રિવાઈવલ વિલંબમાં પડવાથી રેઝોલ્યુશન પ્રોસિજરમાં વિલંબ
સ્ટીલના ભાવ રૂ. 60 હજાર પ્રતિ ટન સુધી પટકાઈ શકેઃ ક્રિસિલ
છેલ્લાં બે વર્ષોથી સતત વૃદ્ધિ દર્શાવતાં રહેલાં સ્ટીલના ભાવ આખરે કરેક્શનના તબક્કામાં પ્રવેશે તેવી શક્યતાં વ્યક્ત કરવામાં આવી રહી છે. રેટિંગ એજન્સી ક્રિસિલના એક રિપોર્ટ મુજબ ચાલુ નાણાકિય વર્ષની આખર સુધીમાં સ્ટીલના ભાવ રૂ. 60 હજાર પ્રતિ ટન સુધી ગગડી શકે છે. ગયા એપ્રિલમાં સ્ટીલના ભાવે રૂ. 76 હજાર પ્રતિ ટનની ટોચ દર્શાવી હતી. સોમવારે પ્રગટ કરેલા એક રિપોર્ટમાં ક્રિસિલે નોંધ્યું છે કે પુરવઠામાં અવરોધોને કારણે સ્ટીલના ભાવ હજુ પણ ઊંચા ટકી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે અવરોધો પાછળના કારણોમાં ચીન ખાતે ડિકાર્બનાઈઝેશન તથા રશિયા-યૂક્રેન યુધ્ધ મુખ્ય છે. જેને કારણે રો-મટિરિયલ ખર્ચમાં વૃદ્ધિ નોંધાઈ છે. જોકે આગામી મહિને ચોમાસુ શરૂ થયા બાદ ભાવમાં ઘટાડાની શરુઆત જોવા મળી શકે છે. સામાન્યરીતે ચોમાસામાં બાંધકામની કામગીરીમાં ઘટાડો જોવા મળે છે અને સ્થાનિક મિલ્સને નિકાસ બજારમાં મળી રહેલું પ્રિમીયમ મળતર ઓછું થઈ શકે છે.
હવે HDFC બેંકે MCLRમાં 25 બેસીસ પોઈન્ટ્સ વધારો કર્યો
પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી બેંકે સોમવારે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(એમસીએલઆર)માં 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ જાહેર કરી હતી. બેંકે તમામ મુદતની લોન્સ પરના એમસીએલઆરને અગાઉના 6.9 ટકાના સ્તરેથી વધારી 7.15 ટકા કર્યો હતો. નવા રેટ 7 મેથી અમલી બનશે. આરબીઆઈએ ગયા સપ્તાહે કરેલી રેપો રેટ વૃદ્ધિ બાદ અગ્રણી બેંકિંગ કંપનીઓ તરફથી તેમના બેઝ રેટમાં વૃદ્ધિ કરવામાં આવી રહી છે. અગાઉ એસબીઆઈ પણ આમ કરી ચૂકી છે. બેંકની વેબસાઈટના જણાવ્યા મુજબ ઓવરનાઈટ એમસીએલઆર 7.15 ટકા પર રહેશે. જ્યારે એક અને બે વર્ષ માટેના એમસીએલઆર અનુક્રમે 7.5 ટકા અને 7.6 ટકા પર રહેશે. જ્યારે ત્રણ વર્ષની મુદત માટે એમસીએલઆર 7.7 ટકાના સ્તરે જોવા મળશે.
વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ 11મેના રોજ બજારમાં પ્રવેશશે
સ્ટેઇનલેસ-સ્ટીલ પાઇપ્સ અને ટ્યૂબ ઉત્પાદક કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ રૂ. 165 કરોડ ઊભા કરવા માટે 11મેના રોજ આઈપીઓ સાથે પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશ કરશે. કંપની રૂ. 310થી રૂ. 326ની પ્રાઇસ બેન્ડમાં શેર ઓફર કરશે. રિટેલ માટે લઘુત્તમ બિડ સાઈઝ 46 શેર્સની રહેશે. કંપની 20થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. કંપની કચ્છમાં તેની ઉત્પાદન સુવિધા ધરાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચસીએલ ટેક્નોલોજિસઃ આઈટી સર્વિસિઝ કંપનીની યૂકે સ્થિત સબસિડિયરીએ સ્વિટઝર્લેન્ડ સ્થિત ડિજિટલ બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સ્પેશ્યાલિસ્ટ કોન્ફાઈનલ એજીની 5.3 કરોડ સ્વીસ ફ્રાન્કમાં ખરીદી કરી છે.
ડીસીબીઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 110 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 77.9 કરોડ પર હતો. કંપનીની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 4.8 ટકા પરથી ઘટી 4.3 ટકા પર જોવા મળી હતી.
શીપીંગ કોર્પોરેશનઃ જાહેર સાહસે ચોથા ક્વાર્ટરમાં રૂ. 152 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 85.8 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 875 કરોડ પરથી વધી રૂ. 1310 કરોડ પર જોવા મળી હતી.
સિયારામ સિલ્કઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 77.29 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 52 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 520 કરોડ પરથી વધી રૂ. 640 કરોડ પર જોવા મળી હતી.
તાતા પાવરઃ તાતા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 503 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ રૂ. 454 કરોડના અંદાજને પાછળ રાખ્યો હતો. તેની આવક 15 ટકા વધી રૂ. 11960 કરોડ પર રહી હતી.
એમએન્ડએમઃ યુટિલિટી વેહીકલ્સ ઉત્પાદક કંપનીએ માધ્યમોમાં પ્રગટ થયેલા અહેવાલોના ખુલાસામાં જણાવ્યું છે કે કંપની તેના ઓટો બિઝનેસને ત્રણ યુનિટ્સમાં સ્પ્લિટ કરવાની કોઈ યોજના ધરાવતી નથી.
સેશાષાયી પેપરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 56.63 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 63.61 કરોડની સરખામણીમાં 11 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 327.89 કરોડની સરખામણીમાં 43.6 ટકા ઉછળી રૂ. 471 કરોડ પર રહી હતી.
બજાજ કન્ઝ્યૂમરઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 38.37 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 29 ટકા ઘટાડો દર્શાવે છે. તે રૂ. 46.86 કરોડના અંદાજને ચૂકી હતી. કંપનીની આવક 11 ટકા ઘટી રૂ. 219 કરોડ પર જોવા મળી હતી.
નવિન ફ્લોરિનઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 78.76 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે રૂ. 340 કરોડ પરથી વધુ રૂ. 410 કરોડ પર જવા મળી હતી.
Market Summary 9 May 2022
May 09, 2022