માર્કેટ સમરી
આખરે બુલ્સે બાજી મારી
ભારતીય બજારમાં તેજડિયાઓનું પલ્લું સતત ભારી પુરવાર થઈ રહ્યું છે. મંગળવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે મંદીવાળાઓએ એક તબક્કે બજાર પર પકડ મેળવી હતી. જોકે આખરે અંતિમ કલાકમાં તેજીવાળાઓ ફરી હાવી બન્યાં હતાં અને બજારને મજબૂત બંધ અપાવવાં સફળ રહ્યાં હતાં. નિફ્ટી 15127ની નવી ટોચ બનાવીને 15098 પર બંધ રહ્યો હતો. નીચે તેણે 14925નું તળિયું દર્શાવ્યું હતું. સેન્સેક્સ પણ 51000 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો.
ઈન્ડિયા વિક્સ 9 ટકા તૂટ્યો
મંગળવારે બજાર પર તેજીવાળાઓની પકડ જોતાં વીક્સ 9 ટકા તૂટી 22.49 પર બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે બજાર હજુ પણ નવી ટોચ દર્શાવવા માટે તૈયાર છે. એશિયન બજારોમાં અંતિમ બે દિવસથી મંદી છતાં ભારતીય બજાર તેને ગણકારી રહ્યું નથી. આમ નિફ્ટી 15250 કૂદાવશે તો નવી ટોચ દર્શાવે તેવી શક્યતા જણાય રહી છે.
ટેક્નોલોજી કાઉન્ટર્સે બજારને સપોર્ટ આપ્યો
બજારને અંતિમ કલાકમાં ટેક્નોલોજી કાઉન્ટર્સે ભારે સપોર્ટ આપ્યો હતો. ઈન્ફોસિસ, ટીસીએસ સહિતના કાઉન્ટર્સ તેમની તાજેતરની ટોચ પર બંધ રહ્યાં હતાં.
લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓના શેર્સ નવી ટોચ પર
ફેબ્રુઆરી મહિનામાં ઈન્શ્યોરન્સ પ્રિમીયમમાં તીવ્ર વૃદ્ધિ પાછળ ખાનગી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓના ભાવ તેમની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. જેમાં એચડીએફસી લાઈફનો શેર 2 ટકાથી વધુ રૂ. 746ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.49 લાખ કરોડ પર પહોંચ્યું હતું. કંપનીની પ્રિમીયમ રકમમાં 20 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એસબીઆઈ લાઈફનો શેર 5 ટકા ઉછળી રૂ. 984ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. કંપનીના પ્રિમીયમમાં 64 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 97000 કરોડ પર પહોંચ્યું હતું. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલનો શેર 2 ટકાના સુધારે બંધ રહ્યો હતો. જોકે કંપનીના ફેબ્રુઆરી પ્રિમીયમમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની એલઆઈસીની પ્રિમીયમ રકમમાં 24 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
ટ્રેન્ટનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો
ટાટાની રિટેલ કંપની ટ્રેન્ડનો શેર મંગળવારે નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 885ના બંધ સામે રૂ. 945ની નવી ટોચ બનાવી રૂ. 905 પર બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 32181 કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 368ના તળિયાથી અઢી ગણા ભાવ કરતાં વધુ સુધારો દર્શાવી રહ્યો છે. ટાટા જૂથની કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે ટોચની 10 કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
આઈઆરસીટીસીનો શેર સર્વોચ્ચ સપાટી પર
ભારતીય રેલ્વેમાં કેટરિંગની સેવા પૂરી પાડતાં આઈઆરસીટીનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2016ના બંધ ભાવ સામે લગભગ 4 ટકાના સુધારે રૂ. 2073 પર ટ્રેડ થયા બાદ બજારમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે રૂ. 2026 સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 32400 કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. કંપનીના શેરમાં અંતિમ પખવાડિયામાં 25 ટકા વૃદ્ધિ જોવા મળી છે. માર્ચ 2020ના રૂ. 775ના તળિયાની સરખામણીમાં તે 2.5 ગણાથી વધુનો સુધારો દર્શાવી ચૂક્યો છે.
સોનું-ચાંદી દિવસભર પોઝીટીવ ટ્રેડ થયા
છેલ્લા બે સપ્તાહથી સવારે ઓપનીંગમાં પોઝીટીવ રહ્યાં બાદ પાછળથી નેગેટિવ બંધ દર્શાવતાં બુલિયનમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે પણ કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો જળવાયો હતો. એમસીએક્સ ગોલ્ડ એપ્રિલ વાયદો 0.7 ટકા અથવા રૂ. 44535ના સુધારે રૂ. 44540 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો 1.3 ટકા અથવા રૂ. 848ના સુધારે રૂ. 66700 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં જોકે ઊંચા સ્તર પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું અને કોપર, ઝીંક, લેડ, એલ્યુમિનિયમ 3.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં.
કેલેન્ડરના પ્રથમ 45 સત્રોમાં FIIએ દૈનિક રૂ. 950 કરોડનું રોકાણ કર્યું
2020માં પ્રથમ બે મહિનામાં 14 હજાર કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 42000 કરોડનું રોકાણ
ગયા વર્ષે માર્ચમાં રૂ. 62 હજાર કરોડ સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 3800 કરોડની વેચવાલી
વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં કેલેન્ડરના પ્રથમ 45 ટ્રેડિંગ સત્રોમાં દૈનિક સરેરાશ રૂ. 950 કરોડ લેખે ખરીદી કરી છે. જે છેલ્લા ઘણા ઘણા કેલેન્ડર્સની સરખામણીમાં ખૂબ સારી શરૂઆત છે. 8 માર્ચ સુધીના સમયની સરખામણી કરીએ તો ગયા વર્ષે વિદેશી રોકાણકારો ચોખ્ખું નેગેટિવ રોકાણ દર્શાવી ચૂક્યાં હતાં. કેમકે માર્ચ મહિનામાં તેમણે રૂ. 62000 કરોડની વિક્રમી વેચવાલી નોંધાવી હતી. જોકે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં હજુ સુધી તેમણે રૂ. 3800 કરોડનું વેચાણ દર્શાવ્યું છે અને તેથી કુલ રોકાણ રૂ. 42 હજાર કરોડ જેટલું પોઝીટીવ જોવા મળે છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેમણે અનુક્રમે રૂ. 19500 અને રૂ. 25800 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. કેલેન્ડર 2020માં તેમણે જાન્યુઆરીમાં રૂ. 12 હજાર કરોડ જ્યારે ફેબ્રુઆરીમાં માત્ર રૂ. 1800 કરોડનું રોકાણ નોંધાવ્યું હતું. આમ આરંભિક બે મહિનામાં ગયા વર્ષે રૂ. 14000 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 45300 કરોડ જેટલું જંગી રોકાણ જોવા મળ્યું હતું. સામાન્યરીતે એફઆઈઆઈના રોકાણની વાત છે તો જાન્યુઆરી મહિનો નેગેટિવ જોવા મળતો હોય છે. મોટાભાગના જાન્યુઆરી દરમિયાન સરેરાશ નેગેટિવ રિટર્ન જોવા મળવા પાછળનું કારણ આ જ હોય છે. જોકે 2021માં માર્ચ મહિનાના અંતિમ કેટલાક સત્રોમાં વિદેશી રોકાણકારોની સાધારણ વેચવાલીને બાદ કરીએ તો તેમણે ચોખ્ખી ખરીદી દર્શાવી છે. જેને કારણે કેલેન્ડરની શરૂથી અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી 7 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે 14 ટકા જેટલું ઊંચું વળતર દર્શાવી રહ્યો છે. માર્ચ મહિનામાં તેઓ ધીમી વેચવાલી જાળવી રાખે તો પણ કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં તેઓ ચોખ્ખી ખરીદી જ દર્શાવતાં હશે એમ એનાલિસ્ટ્સ માને છે. માર્ચ મહિનામાં સાત સત્રોમાં રૂ. 3800નું વેચાણ એક સત્રમાં સરેરાશ રૂ. 500નું વેચાણ સૂચવે છે. જે કોઈ મોટી રકમ નથી.
બીજી બાજુ ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સમાં સતત 18મા સપ્તાહે 30.3 અબજ ડોલરનો એફઆઈઆઈ ઈનફ્લો જોવા મળ્યો હતો. આમ ઈમર્જિંગ માર્કેટ્સમાં જંગી ઈનફ્લો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહે તો ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ ઈન્વેસ્ટર્સે બોન્ડ માર્કેટમાં ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. આમ તેઓ ફરી ઈક્વિટીઝમાં વધુ રોકાણ ઠાલવે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. ભારતીય બજારમાં ડેટ માર્કેટમાં એફઆઈઆઈએ કેલેન્ડરના ત્રણ મહિનામાં અત્યાર સુધી કુલ રૂ. 16714 કરોડની વેચવાલી નોંધાવી છે. તેમની વેચવાલીમાં ત્રણ મહિના દરમિયાન ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે. જેમકે જાન્યુઆરીમાં રૂ. 2500 કરોડના વેચાણ સામે ફેબ્રુઆરીમાં તેમણે રૂ. 6500 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું અને માર્ચ મહિનામાં તો તેમણે અત્યાર સુધીમાં તેમણે રૂ. 7700 કરોડનું જંગી વેચાણ નોંધાવ્યું છે. કેલેન્ડર 2020માં પણ તેઓએ ઈક્વિટીઝમાં રૂ. 1.7 લાખ કરોડનું રોકાણ દર્શાવ્યું હતું પરંતુ ડેટ માર્કેટમાં રૂ. 1.04 લાખ કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી.