ચાર સત્રો બાદ માર્કેટમાં બુલ્સ ફાવ્યાં
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા ઉછળ્યો
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે સ્થાનિકમાં મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.53 ટકા ગગડી 19.14ના સ્તરે
આઈટી, ફાર્મા, ઓટો, એફએમસીજી, પીએસઈમાં મજબૂતી
મેટલ, પીએસયૂ બેંકિંગમાં નરમાઈ
એલઆઈસીમાં વધુ 2 ટકાથી વધુનો ઘટાડો
વૈશ્વિક બજારોમાં નરમ ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક શેરબજારમાં ચાર સત્રોથી જોવા મળતો ઘટાડો અટક્યો હતો અને બેન્ચમાર્ક્સ નોંધપાત્ર સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 428 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 55320ના સ્તરે જ્યારે નિફ્ટી 122 પોઈન્ટ્સ ઉછળી 16478 પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટકા કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં જ્યારે 14માં નરમાઈ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.53 ટકા ગગડી 19.14ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટને પણ ટેકો સાંપડ્યો હતો અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી.
આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કર્યાંના બીજા સત્ર દરમિયાન શેરબજારે શરૂઆતી દોરમાં નેગેટિવ બંધ દર્શાવ્યાં બાદ પાછળથી તેજીવાળાના સપોર્ટને કારણે ચાર દિવસના મંદીના ટ્રેન્ડને તોડવામાં સફળતા મેળવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી દિવસની ટોચ નજીક જ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચર્સ 7 પોઈન્ટ્સ પ્રિમીયમે બંધ જોવા મળ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજારમાં કોન્સોલિડેશનનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નિફ્ટીની રેંજ 16300-16700ની જોવા મળે છે. એકવાર તે 16700ની સપાટી પાર કરશે તો એક દિશામાં ગતિ દર્શાવશે. જ્યારે 16 હજારનું સ્તર તેના માટે મહત્વનો સપોર્ટ છે. જેને સ્ટોપલોસ તરીકે જાળવી તેજીનો ટ્રેડ જાળવી રાખવો જોઈએ. કેમકે માર્કેટે તમામ નેગેટિવ પરિબળોને ડિસ્કાઉન્ટ કરી લીધાં છે. તેના માટે ચોમાસુ નજીકના સમયગાળામાં મહત્વનું ટ્રિગર બની રહેશે.
ગુરુવારે બજારને સપોર્ટ કરનારા સેક્ટર્સમાં આઈટી, ફાર્મા, ઓટો, એફએમસીજી, પીએસઈ મુખ્ય હતાં. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ લગભગ 3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો અને તેણે બેન્ચમાર્ક્સને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. કંપની બ્રિટશ ફાર્મા રિટેલ ચેઈન ખરીદવાની નજીક હોવાના અહેવાલે શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. ફાર્મા ક્ષેત્રે ડો. રેડ્ડીઝ લેબો 3 ટકા, બીપીસીએલ 2.8 ટા, આઈશર મોટર્સ 2.5 ટકા, એસબીઆઈ લાઈફ 2.5 ટકા અને બજાજ ઓટો 2.2 ટકા સાથે મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ નિફ્ટી શેર્સમાં ટાટા સ્ટીલ 4 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત શ્રી સિમેન્ટ્સ 2 ટકા, ટાટા મોટર્સ 1.7 ટકા, ગ્રાસિમ 1.5 ટકા, એનટીપીસી 1.2 ટકા, બજાજ ફાઈનાન્સ એક ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈના ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં કન્ટેનર કોર્પોરેશનનો શેર 5 ટકાની મજબૂતી દર્શાવતો હતો. જ્યારે બાયોકોન 5.2 ટકા, આઈઈએક્સ 5 ટકા, આઈજીએલ 5 ટકા, ટાટા કોમ 4 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ 3.7 ટકાનો સુધારો સૂચવતાં હતાં. જ્યારે સ્ટ્રાઈડ્સ ફાર્મા 4.3 ટકા, ટાટા સ્ટીલ 4 ટકા, વેદાંત 3.3 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 2.5 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 2.2 ટકા, પાવર ફાઈનાન્સ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં એમ્ફેસિસ 3 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 2 ટા, માઈન્ડટ્રી 1.7 ટકા, કોફોર્જ 1.5 ટકા અને એલએન્ડટી ઈન્ફોટેક 1.3 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી ક્ષેત્રે ગોદરેજ કન્ઝ્યૂમર 2 ટકા, યુનાઈટેડ સ્પિરિટ્સ 2 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 2 ટકા, આઈટીસી 1 ટકા અને મેરિકો 1 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં.
બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3438 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1770 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં જ્યારે 1540 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 73 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 72 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયુ બનાવ્યું હતું. 19 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 1 જ કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં યુએસ ખાતે બુધવારે નરમાઈ જોવા મળી હતી. જેની પાછળ એશિયાઈ બજારો પણ એક ટકા આસપાસ નરમાઈ સૂચવતાં હતાં. જેમાં ચીન 0.76 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતું હતું. સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન પણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. એકમાત્ર જાપાન સાધારણ પોઝીટીવ બંધ જળવાયું હતું. બપોરે યુરોપ બજારો પણ નરમાઈ સાથે ખૂલ્યા હતાં. જેમાં જર્મની 0.7 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યું હતું. ફેડ દ્વારા ચાલુ મહિને વધુ 50 બેસીસ રેટ વૃદ્ધિની શક્યતાં પાછળ વિકસિત બજારો ફરી ડલ જોવા મળી રહ્યાં છે. સહુની નજર યુએસ ખાતે આગામી સપ્તાહે રજૂ થનારા કન્ઝ્યૂમર પ્રાઈસ ડેટા પર છે. જો તે અપેક્ષાથી વધુ ઘટાડા સાથે બંધ આવશે તો ફેડના વલણમાં હવે પછીની બેઠકમાં ફેરફારની સંભાવના ઊભી થઈ શકે છે. જોકે જૂન બેઠકમાં તો તે રેટ વૃદ્ધિમાં આગળ વધશે તે નિશ્ચિત છે.
રાજ્યમાં ખરિફ વાવેતરની આક્રમક શરૂઆત
પ્રથમ સપ્તાહમાં 1 ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન
ગઈ સિઝનમાં 30 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 86 હજાર હેકટરમાં વાવેતર
રાજ્યમાં ખરિફ વાવેતરને લઈને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના ખરિફ પાકોના ભાવ વિક્રમી સપાટી પર ચાલી રહ્યાં છે તેને જોતાં ખરિફ પાકોના વિક્રમી વાવેતરની શક્યતા છે. નવી ખરિફના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોએ સામાન્ય રીતે જોવા મળતાં વિસ્તારના એક ટકા વિસ્તારમાં વાવેતરની કામગીરી પૂર્ણ કરી છે. જે ગઈ સિઝનમાં 30111 હેકટરની સરખામણીમાં 85897 હેકટર વિસ્તાર સૂચવે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોની સરેરાશ મુજબ 85.55 લાખ હેકટર વિસ્તારમાં ખરિફ વાવેતર જોવા મળ્યું છે.
ખેડૂતોએખરિફ સિઝનમાં બે મુખ્ય પાકો કપાસ અને મગફળી બંને પર પસંદગી ઉતારી હોવાનું શરૂઆતી સંકેતો પરથી જણાય છે. જેમકે મગફળીનું વાવેતર 35999 હેકટરમાં જોવા મળ્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 10250 હેકટરમાં નોંધાયું હતું. આમ મુખ્ય તેલિબિયાં પાકનું વાવેતર 2.12 ટકા વિસ્તારમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. કપાસની વાત કરીએ તો 42516 હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 14952 હેકટરમાં જોવા મળતું હતું. આમ રાજ્યમાં સૌથી મોટા રોકડિયા પાકનું વાવેતર 1.67 ટકામાં પૂર્ણ થઈ ચૂક્યું છે. કેશ ક્રોપ સિવાય ધાન્ય ખરિફ પાકોની વાવણી હજુ શરુ થઈ નથી. કઠોળમાં તુવેરનું 16 હેકટરમાં સાધારણ વાવેતર જોવા મળે છે. જ્યારે શાકભાજી પાકોનું વાવેતર 3171 વિસ્તારમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં 1770 હેકટરમાં હતું. જ્યારે ઘાસચારાનું વાવેતર 2714 હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં 3086 હેકટરમાં જોવા મળતું હતું. એક અન્ય રોકડિયા પાક એવા સોયાબિનનું વાવેતર પમ 1410 હેકટરમાં કરવામાં આવ્યું છે. જેણે ગઈ સિઝનમાં સમાનગાળામાં હજુ ખાતુ ખોલાવ્યું નહોતું. સોયાબિનના ભાવ પણ ઊંચા ચાલી રહ્યાં હોવાથી ખેડૂતોમાં સોયાબિન વાવેતર તરફનો ઝોક જોવા મળી શકે છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષોમાં સરેરાશ 1.28 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળ્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
કોલ ઈન્ડિયાઃ વિશ્વમાં સૌથી મોટા કોલ માઈનરે પ્રથમવાર 24.2 લાખ ટન કોલની આયાત માટે ટેન્ડર જાહેર કર્યું છે. સરકારે કંપનીને કોલ આયાત કરવા જણાવતાં તેણે આમ કર્યું છે. દેશમાં કોલની અછતના ડર વચ્ચે તેણે સપ્ટેમ્બર સુધીમાં આયાત થાય તે રીતે ટેન્ડર રજૂ કર્યું છે. કંપની લગભગ 25 વીજ ઉત્પાદકોને આયાતી કોલનો સપ્લાય કરશે.
એસટીએફસીઃ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કોર્પોરેશને યુએસ સરકારની ડેવલપમેન્ટ ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન આઈડીએફસી પાસેથી 25 કરોડ ડોલરનું લોંગ-ટર્મ ફંડીંગ મેળવ્યું છે. શ્રીરામ જૂથની કંપની દેશમાં કમર્સિયલ વ્હીકલની સૌથી મોટી ફાઈનાન્સર છે. તે સોશ્યલ ફાઈનાન્સ ફ્રેમવર્ક હેઠળ 10-વર્ષ માટે ઈસીબી સ્વરૂપમાં લોન મેળવશે.
વિપ્રોઃ અગ્રણી આઈટી કંપની વિપ્રોએ બ્રાઝિલ સ્થિત એનર્જી કંપની પેટ્રોબાસને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સહાયરૂપ થવા માટે સર્વિસનાઉ સાથે ભાગીદારી કરી છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ કંપનીએ મે મહિનામાં 7.13 કરોડ ટન કોલનું ઉત્પાદન કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 34 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
પીએસયૂ બેંક્સઃ આરબીઆઈએ રેટમા વૃદ્ધિ કર્યાં બાદ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટને 50 બેસીસ વધારી 7.75 ટકા કર્યો છે. જ્યારે પીએનબીએ રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ્સ 50 બેસીસ પોઈન્ટ્સ વધારી 7.4 ટકા કર્યો છે.
દિપક નાઈટ્રેડઃ તાજેતરમાં બોઈલર દૂર્ઘટનાનો અનુભવ કરનાર કેમિકલ કંપનીએ જણાવ્યું છે કે આગના કારણે સોડિયમ પ્લાન્ટને આંશિક નુકસાન થયું છે. એ સિવાય નંદેસરી ખાતે અન્ય સુવિધાઓ સુરક્ષિત રહી છે.
આઈએલએન્ડએફએસ ટ્રાન્સઃ કંપનીએ જણાવ્યું છે કે તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સેટલમેન્ટમાં પ્રવેશી છે. જેના ભાગરૂપે એનએચએઆઈને ખેડ પ્રોજેક્ટ સોંપવાના ભાગરૂપે રૂ. 736 કરોડની રકમ મેળવશે.
ફ્યુચર રિટેલઃ આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપે નાદાર એવી ફ્યુચર રિટેલના 1.862 કરોડ શેર્સનું એનએસઈ ખાતે બલ્ક ડીલમાં વેચાણ કર્યું હતું. તેણે રૂ. 7.35 પ્રતિ શેરના ભાવે આ વેચાણ નોંધાવ્યું હતું.
ટીઆરએફઃ તાતા જૂથની કંપનીમાં તાતા સ્ટીલે રૂ. 165 કરોડના ખર્ચે 12.17 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
રેલ વિકાસ નિગમઃ રેલ્વેની પેટા કંપનીએ કિર્ગિઝિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સમજૂતી કરાર પર સહી-સિક્કા કર્યાં છે.
તાતા પાવરઃ તાતા જૂથની યુટિલિટી કંપનીની પેટાકંપનીએ 450 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો છે.
વેદાંતઃ મેટલ ક્ષેત્રે સક્રિય જૂથે ટર્મ લોન માટે તેની માલિકીની હિંદુસ્તાન ઝીંકમાં 5.8 ટકા હિસ્સાને લેન્ડર પાસે પ્લેજ કર્યો છે.
ટેક મહિન્દ્રાઃ મહિન્દ્રા જૂથની આઈટી કંપનીએ હૂબાન એનર્જી 6માં રૂ. 1.6 કરોડમાં 26 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝઃ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીનું બોર્ડ 13 જૂનના રોજ રૂ. 925 કરોડ ઊભા કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.