શેરબજારમાં સ્મોલ-કેપ મલ્ટી બેગર્સ સવા વર્ષમાં મીડ-કેપ્સ બન્યાં
નિફ્ટી સ્મોલ-કેપ્સમાં સમાવિષ્ટ કાઉન્ટર્સે એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં 1500 ટકાથી વધુનું રિટર્ન આપ્યું
શુક્રવારે બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 10000ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો
આઈટી, કેમિકલ, એપીઆઈ, ટેલીકોમ કંપનીઓએ ભારે ખરીદી પાછળ દર્શાવેલો તીવ્ર સુધારો
અમદાવાદ
શેરબજારમાં સ્મોલ-કેપ કાઉન્ટર્સ મલ્ટી-બેગર્સ બન્યાં છે. જે રોકાણકારોએ માર્ચ 2020માં અથવા તો ત્યારબાદ બજારમાં સસ્તાં મળી રહેલા સ્મોલ-કેપ્સમાં ખરીદવાની હિંમત દર્શાવી હતી તેમને આવા કાઉન્ટર્સે 1500 ટકાથી વધુ રિટર્ન આપી નવાજ્યાં છે. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ સમાનગાળામાં ત્રણ ગણાથી વધુ વળતર દર્શાવી રહ્યો છે. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કાઉન્ટર્સ હવે મીડ-કેપ બની ચૂક્યાં છે અને તેમના માર્કેટ-કેપ રૂ. 40 હજાર કરોડ સુધી પહોંચ્યાં છે.
શુક્રવારે નિફ્ટી અને સેન્સેક્સ નરમ આવ્યાં હતાં ત્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.54 ટકા અથવા 54.15 પોઈન્ટ્સ ઉછળી 10026.35ના સ્તરે બંધ રહ્યો હતો. માર્ચ 2020ના 3000ના તળિયા સામે તે 3 ગણાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો હતો ત્યારે કેટલાક સ્મોલ-કેપ કાઉન્ટર્સ તો 15 ગણા સુધીનો ભાવ સુધારો દર્શાવી રહ્યાં હતાં. સવા વર્ષ અગાઉ સ્મોલ-કેપ કાઉન્ટર્સ ગણાતાં આવા કાઉન્ટર્સ હાલમાં મીડ-કેપ કાઉન્ટર્સ બની ચૂક્યાં છે. જેમકે એપીઆઈ ઉત્પાદક કંપની લૌરસ લેબ્સની વાત કરીએ તો કંપનીનો શેર માર્ચ 2020માં રૂ. 57.55ના તળિયાના ભાવથી સુધરતો રહી તાજેતરમાં રૂ. 697ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. આમ કંપનીએ 1100 ટકાનું તીવ્ર રિટર્ન નોંધાવ્યું છે. શુક્રવારે રૂ. 680ના ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 36 હજાર કરોડથી વધુ જોવા મળતું હતું. આમ તેનું સ્મોલ-કેપમાંથી અપગ્રેડેશન થયું છે. આવુ એક અન્ય કાઉન્ટર ટાટા જૂથની કંપની ટાટા એલેક્સિનું છે. આઈટી કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 483ના તળિયાના ભાવથી સુધરતો તાજેતરમાં રૂ. 4465 પર જોવા મળ્યો હતો. તેણે લગભગ 800 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 27000 હજાર કરોડ પર પહોંચ્યું છે. ટાટા જૂથની સૌથી સારી પર્ફોર્મર કંપની હોવા સાથે મીડ-કેપ સેગમેન્ટમાં આવતી ટાટા જૂથની ટોચની 7 કંપનીઓમાં પ્રવેશી છે. 600 ટકાથી ઊંચું વળતર દર્શાવતાં અનેક કાઉન્ટર્સ રૂ. 10 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ચૂક્યાં છે. જેમાં એચએફસીએલ, એફએસએલ, આલ્કિલ એમાઈન્સનો સમાવેશ થાય છે. આ સિવાય ઈન્ટિલેક્ટ, બાલાજી એમાઈન્સ જેવા કાઉન્ટર્સ પણ રૂ. 10 હજાર કરોડથી સહેજ છેટે ટ્રેડ થઈ રહ્યાં છે. માર્કેટ નિરીક્ષકોના મતે કોવિડ બાદ કેટલાક બિઝનેસ વર્ટિકલ્સની માગમાં જોવા મળેલી વૃદ્ધિને કારણે ઘણા સ્મોલ-કેપના બિઝનેસને તીવ્ર વેગ મળ્યો છે. જેમાં એપીઆઈ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉપરાંત ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. લાંબાગાળા આવા કાઉન્ટર્સ મીડ-કેપ્સમાંથી લાર્જ-કેપ્સમાં પરિવર્તન પામે તો પણ નવાઈ નહિ એમ તેઓ ઉમેરે છે.
માર્ચ 2020થી જુલાઈ 2021 સુધીના સ્ટાર પર્ફોર્મર્સ
સ્ક્રિપ્સ માર્ચ 2020નો ભાવ(રૂ) બજારભાવ(રૂ.) (%)ફેરફાર
ઈન્ટિલેક્ટ 43.80 714.95 1532.31
બાલાજી અમાઈન્સ 199.80 2795.05 1298.92
લૌરસ લેબ્સ 57.55 679.75 1081.15
HFCL 8.10 88.95 998.15
FSL 19.48 194.50 898.46
આલ્કિલ એમાઈન્સ 405.97 3684.00 807.46
ટાટા એલેક્સિ 483.20 4299.00 789.69
ICIL 21.77 184.00 745.20
બિરલા સોફ્ટ 46.09 387.30 740.31
પ્રિન્સ પાઈપ્સ 87.67 730.00 732.67
હિંદ કોપર 18.25 145.00 694.52
VAIBHAVGBL 105.69 816.00 672.07
DIXON 598.12 4589.00 667.24
બજાજ ફિનસર્વે રૂ. 2 લાખ કરોડનું એમ-કેપ દર્શાવ્યું
બજાજ જૂથની એનબીએફસીએ રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં પ્રવેશ મેળવ્યો છે. શુક્રવારે શેરનો ભાવ 4.22 ટકાના સુધારા સાથે રૂ. 12855ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.05 લાખ કરોડ પર જોવા મળતું હતું. દેશમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું એમ-કેપ ધરાવતી ગણી ગાંઠી કંપનીઓમાં તેણે પ્રવેશ મેળવ્યો છે. બજાજ જૂથની કંપનીઓમાં તે બીજા ક્રમે માર્કેટ-કેપ ધરાવતી કંપની બની છે. જ્યારે બજાજ ફાઈનાન્સ રૂ. 3.7 લાખ કરોડનું એમ-કેપ ધરાવે છે. છેલ્લા ક્વાર્ટરમાં નિફ્ટી અને સેન્સેક્સ લગભગ 6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ત્યારે બજાજ ફિનસર્વનો શેર 35 ટકા જેટલો સુધારો દર્શાવી ચૂક્યો છે.
આરઝેડે એડલવેઈસમાં હિસ્સો વધારતાં શેર 10 ટકા ઉછળ્યો
રાકેશ ઝૂનઝૂનવાલાએ એડલવેઈસ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં હિસ્સો વધારવાના અહેવાલ પાછળ કંપનીના શેરમાં શુક્રવારે 10 ટકાનો સુધારો નોંધાયો હતો. જાણીતા રોકાણકારે એપ્રિલ-જૂન મહિના દરમિયાન એડલવેઈસમાં 40 લાખ શેર્સની ખરીદી કરી હતી. જેની પાછળ કંપનીમાં તેમનું કુલ હોલ્ડિંગ વધી 1.6 ટકા પર પહોંચ્યું હતું. માર્ચ ક્વાર્ટરના અંતે કંપનીમાં ઝૂનઝૂનવાલા 1.19 ટકા હિસ્સો ધરાવતાં હતાં. શુક્રવારે બજાર નરમ હતું ત્યારે એડલવેઈસનો શેર બીએસઈ ખાતે 10 ટકાની અપર સર્કિટ્સમાં રૂ. 86.50ના સ્તરે જોવા મળી રહ્યો હતો.
ટેક્સટાઈલ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવાઈ
અગ્રણી ટેક્સટાઈલ કંપનીઓના શેર્સમાં સારી એવી ખરીદી જોવા મળી રહી છે. શુક્રવારે આ શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં દેશમાં સૌથી મોટા સ્પીનર્સ વર્ધમાન ટેક્સટાઈલ્સનો શેર લગભગ 5 ટકા ઉછળી રૂ. 1510ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ રૂ. 1485.40ની સપાટી પર બંધ રહ્યો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં શેરમાં 10 ટકાનો સુધારો નોંધાયો છે. યાર્નના ભાવમાં મજબૂતીને કારણે કંપનીઓની અર્નિંગ્સમાં નોંધપાત્ર સુધારા પાછળ જાણકારોની ખરીદી જોવા મળી રહી છે. કોવિડ બાદ ભારતીય કંપનીઓની નિકાસ કામગીરીમાં મોટો સુધારો નોંધાયો છે. સિયારામ સિલ્કનો શેર 6 ટકા ઉછળી રૂ. 344 પર ટ્રેડ થયો હતો. બે સત્રોમાં તે 11 ટકા જેટલો ઉછળ્યો છે. ગયા સપ્તાહે જાણીતા રોકાણકાર ડોલી ખન્નાએ દિપક સ્પીનર્સમાં એક ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. જેની પાછળ કંપનીના શેર્સમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સંગમ રિન્યૂએબલ્સઃ કંપનીએ વાકોક્સ એનર્જિ પ્રાઈવેટ લિમોનો પોતાનો 51 ટકા હિસ્સો આદિત્ય બિરલા રીન્યૂએબલ્સને રૂ. 41.60 કરોડમાં વેચી દીધો છે.
ટ્રાન્સકોર્પઃ કંપનીએ ડિજિટલ રેમિટન્સ પોર્ટલ ટ્રાન્સવાયરડોટઈન લોંચ કર્યું છે.
શ્યામ મેટાલિક્સઃ કંપનીએ તેની ટાર્ગેટ ક્ષમતાને 57.1 લાખ ટન પ્રતિ વર્ષથી વધારી 1.154 કરોડ ટન પ્રતિ વર્ષ કરી છે.
ભારત ડાયનેમિક્સઃ પીએસયૂ ડિફેન્સ કંપનીએ ઈન્ડિયન એર ફોર્સને આકાશ મિસાઈલ્સ બનાવીને સપ્લાય કરવા માટે રૂ. 499 કરોડના મૂલ્યનો કોન્ટ્રેક્ટ કર્યો છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટઃ કંપનીએ પ્રમોટર કંપની શ્રીરામ કેપિટલ ફાઈનાન્સ પાસેથી રૂ. 312.50 કરોડનું કેપિટલ ઈન્ફ્યૂઝન મેળવ્યું છે. કંપનીના બોર્ડે શ્રીરામ કેપિટલને રૂ. 1440 પ્રતિ શેરના ભાવે 17,36,100 ઈક્વિટી શેર્સ ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝઃ કેન્દ્રિય પ્રધાનમંડળે રૂ. 1 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી છે.
સીએસએલઃ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિ.એ કુલ 4 કરોડ એક્ટિવ ડિમેટ એકાઉન્ટ્સનો માઈલસ્ટોન પાર કર્યો છે.
જીએચસીએલઃ સિક્યોર્ડ ક્રેડિટર્સે જીએચસીએલના ઈનઓર્ગેનિક કેમિકલ્સ અને ટેક્સટાઈલ બિઝનેસિસના ડિમર્જરની યોજનાને મંજૂરી આપી છે.
દ્વારિકેશ સુગરઃ કંપનીએ ઉત્તરપ્રદેશમાં બરેલી ખાતે તેના દ્વારિકેશ ધામ ખાતે 175 કિલો લિટર પ્રતિ દિવસની ડિસ્ટલરી સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે માટે તે કુલ રૂ. 232 કરોડનું રોકાણ કરશે.
એલ્ગી ઈક્વિપમેન્ટઃ કંપનીની સંપૂર્ણ માલિકીની યુએસ સ્થિત કંપનીએ સંયુક્ત સાહસની સ્થાપના કરી છે.
ફાઈઝરઃ ફાર્મા કંપની કોવિડ બુસ્ટરના શોટ માટે યુએસ સરકાર પાસેથી ઓથોરાઈઝેશનની માગણી કરી છે.
સ્પાઈસ જેટઃ ઉડ્ડયન કંપની 10 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે 42 જેટલી ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ લોંચ કરશે.
ટાટા સ્ટીલઃ કેર રેટિંગ્સે કંપનીનો લોંગ ટર્મ ક્રેડિટ રેટિંગને એએ પરથી સુધારી એએપ્લસ કર્યું છે. તેમજ તેના આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે.
ટાટા મોટર્સઃ ઓટો અગ્રણીએ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક સાથે કમર્યિલ વેહીકલ્સના રિટેલ ફાઈનાન્સ માટે બે વર્ષ માટેના સમજૂતી કરાર(એમઓયૂ) કર્યાં છે.
યુનિયન બેંકઃ પીએસયૂ બેંકે બેસેલ-3 કોમ્પ્લાયન્ટ બોન્ડ્સ ઈસ્યુ કરી રૂ. 1150 ઊભા કરવા માટેના બીડ્સનો સ્વીકાર કર્યો છે.
જેએસડબલ્યુ ઈસ્પાતઃ કંપનીનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન નાણાકિય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં 1.4 લાખ ટન પર રહ્યું હતું. જે અગાઉના વર્ષે સમાનગાળામાં 1.5 લાખ ટનની સરખામણીમાં 6 ટકાનો ઘટાડો સૂચવે છે.
વાલચંદનગરઃ વિસ્ટ્રા આઈટીસીએલે કંપનીના 3.28 લાખ શેર્સ રૂ. 73.18 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યાં છે.
ટેક્સમાકો રેઈલઃ કેર રેટિંગ્સે કંપનીના આઉટલૂકને ડાઉનગ્રેડ કર્યું છે.
એમએન્ડએમ ફાઈઃ મહિન્દ્રા જૂથની ફાઈનાન્સ કંપનીએ આઈડિયલ ફાઈનાન્સમાં 58.2 ટકા હિસ્સો ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે.
ઝેનસાર ટેક્નોલોજિસઃ આઈટી કંપનીએ એમ3બીઆઈ ઈન્ડિયામાં 100 ટકા હિસ્સા ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે.