બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ બેન્ચમાર્ક્સમાં સુધારો જળવાયો
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુધારો નોંધાયો
ઓટો, મેટલ અને બેંકિંગનું આઉટપર્ફોર્મન્સ
બ્રોડ માર્કેટમાં જોકે લેવાલીનો અભાવ
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડ્યો
અદાણી વિલ્મેરમાં બીજા દિવસે 20 ટકાની અપર સર્કિટ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુધારા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ મજબૂતી જોવા મળી હતી. જોકે સુધારો મહ્દઅંશે લાર્જ-કેપ્સ પૂરતો મર્યાદિત રહ્યો હતો. કેમકે માર્કેટ-બ્રેડ્થ તેજીનું સમર્થન નહોતી કરી રહી. બીએસઈ સેન્સેક્સ 300 પોઈન્ટ્સના ગેપ-અપ ઓપનીંગ બાદ કામકાજની આખરમાં 657 પોઈન્ટ્સ ઉછળી 58645ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 197 પોઈન્ટ્સ સુધારા સાથે 17464 પોઈન્ટ્સના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીએ 17400નો અવરોધ પાર કરતાં આગામી સત્રોમાં તે વધ-ઘટે સુધારાતરફી રહેવાની સંભાવના એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.7 ટકા ગગડી 18.55ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 42 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જે સૂચવે છે લાર્જ-પ્સમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે યુએસ બજારમાં મજબૂતી પાછળ એશિયન બજારો બુધવારે મજબૂતી સાથે ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ 2 ટકા જ્યારે જાપાન, કોરિયા સહિતના બજારો એક ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેને કારણે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ બાદ મધ્યસત્ર સુધી ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે બજાર બંધ થવાના બે કલાક અગાઉ નવેસરથી ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી 17477.15ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી તેની નજીક જ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીના 80 ટકાથી વધુ કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. આમ માર્કેટમાં ટ્રેડર્સે લાર્જ-કેપ ફોકસ્ડ બન્યાં હોય તેમ જણાય છે. નિફ્ટી કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો, હિંદાલ્કો અને શ્રી સિમેન્ટ સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં. તેઓ 3 ટકાથી લઈ 5.4 ટકા સુધીનો સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીજી બાજુ સન ફાર્મા, પાવરગ્રીડ અને આઈટીસીમાં નરમાઈ જોવા મળી રહી હતી. ઓટો અગ્રણી મારુતિ સુઝુકીનો શેર રૂ. 8989.80ની ત્રણેક વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો.
બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3445 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1685 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1661 પોઝીટીવ ટ્રેડ સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીજા દિવસે અપર સર્કિટ(230)માં બંધ રહેનાર કાઉન્ટર્સની સંખ્યા કરતાં લોઅર સર્કિટ(295)માં બંધ રહેનાર કાઉન્ટર્સની સંખ્યા ઊંચી રહી હતી. જોકે એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 1.14 ટકા સાથે મજબૂત બંધ દર્શાવતો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ 0.41 ટકા પોઝીટીવ જોવા મળ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોમાં ઓટો ઈન્ડેક્સ 2.2 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. જ્યારે મેટલ ઈન્ડેક્સ 1.9 ટકા અને બેંક નિફ્ટી 1.53 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. આઈટી અને ફાર્મામાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી મિડિયા પણ 1.9 ટકા સાથે નોંધપાત્ર સુધારો સૂચવતો હતો. સોમવારે બજારમાં લિસ્ટ થનાર અદાણી વિલ્મેરનો શેર 20 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે તે રૂ. 318.20ની સપાટીએ રૂ. 41356 કરોડના માર્કેટ-કેપ સાથે બંધ જોવા મળ્યો હતો. તે લગભગ અદાણી પાવરની લગોલગ માર્કેટ-કેપ દર્શાવી રહ્યો છે. કેટલાંક ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં અબોટ ઈન્ડિયા, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ કાર્ડ્સ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, નાલ્કો, ટાટા કેમિકલ્સ 4-7 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
RBI મુદત અગાઉ ગોલ્ડ બોન્ડ્સ રિડીમ કરશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2016માં તેણે ઈસ્યુ કરેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ(એસજીબી)ના પાકતી મુદત પહેલાં રિડિમ કરવાનો નિર્ણય લીધો છે. બેંક પ્રતિ યુનિટ રૂ. 4813ના ભાવે એસજીબીને રિડિમ કરશે. કેન્દ્ર સરકારના નિયમો હેઠળ ગોલ્ડ બોન્ડ્સ ઈસ્યુ કર્યાંના પાંચમા વર્ષે પ્રિમેચ્યોર રિડમ્પ્શન કરી શકાય છે એમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉપરોક્ત બોન્ડ્સ માટે પ્રિમેચ્યોર રિડમ્પ્શન માટેની આ ડેટ 8 ફેબ્રુઆરી રહેશે. એસજીબીનો રિડમ્પ્શનનો ભાવ 999 શુધ્ધતા ધરાવતાં સોનાના ભાવની સાપ્તાહિક સરેરાશ પરથી ગણાશે. આ પ્રાઈસ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવે છે. આ બોંડ સરકાર વતી આરબીઆઈએ ઈસ્યુ કર્યાં હતાં. એસજીબીએ ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ સામે એક ચઢિયાતો વિકલ્પ પૂરો પાડે છે.
ઝેરોધાએ બીએસઈમાં હિસ્સો વધારીને 4.41 ટકા કર્યો
દેશમાં બીજા ક્રમના સ્ટોક એક્સચેન્જ બીએસઈએ જણાવ્યા મુજબ દેશમાં સૌથી મોટી બ્રોકિંગ કંપની ઝેરોધા તેનો બીજા ક્રમનો શેરધારક બની છે. ઝેરોધા બ્રોકિંગે ડિસેમ્બર ક્વાર્ટરમાં બીએસઈના શેર્સમાં નોંધપાત્ર ખરીદી કરીને તેનો હિસ્સો 4.41 ટકા કર્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં 1.61 ટકા પર જોવા મળતો હતો. આમ જીવન વીમા કંપની એલઆઈસીના એક્સચેન્જમાં 5.61 ટકા હિસ્સા બાદ ઝેરોધા બીજા ક્રમનો શેરધારક બન્યો છે. ઝેરોધાના પ્રમોટરના જણાવ્યા મુજબ બીએસઈમાં હિસ્સો ખરીદી મુખ્યત્વે ટ્રેઝરી ઓપરેશનના ભાગરૂપે હતો. એક્સચેન્જમાં આટલો ઊંચો હિસ્સો ધરાવતી તે એકમાત્ર બ્રોકિંગ કંપની છે.
સુપ્રીમ કોર્ટે એમેઝોનની અરજીને લઈને ફ્યુચર ગ્રૂપનો પ્રતિભાવ માગ્યો
સર્વોચ્ચ અદાલતે ફ્યુચર રિટેલના રિલાયન્સ સાથેના રૂ. 24500 કરોડના મર્જ ડિલ પર ચાલી રહેલી આર્બિટ્રેશન પ્રક્રિયા પર ગઈ 5 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટે મૂકેલા સ્ટે અંગે એમેઝોનની અરજી પર બુધવારે ફ્યુચર ગ્રૂપનો પ્રતિભાવ માગ્યો હતો. ત્રણ જજોની બેન્ચે ફ્યુચર જૂની કંપનીઓને એક નોટિસ પાઠવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેઓ 23 ફેબ્રુઆરીએ આ મુદ્દે મોકૂફી વગર સુનાવણી કરશે. ગઈ 5 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટે ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યુનલ સમક્ષ ચાલી રહેલી એમેઝોન-ફ્યુચર આર્બિટ્રેશન પ્રક્રિયા પર સ્ટે મૂક્યો હતો.
ડોલર સામે રૂપિયામાં 5 પૈસા નરમાઈ
યુએસ ડોલર સામે ભારતીય ચલણ 5 પૈસા ઘટાડે 74.79ના સ્તરે બંધ રહ્યું હતું. ગ્રીનબેક સામે રૂપિયો 74.70ના સ્તરે મજબૂત ખૂલ્યાં બાદ સુધરીને 74.68ની ટોચ પર ટ્રેડ થયા બાદ ગગડી 74.87ના તળિયા પર જોવા મળ્યો હતો. જ્યાંથી બાઉન્સ થઈને તેણે બંધ દર્શાવ્યું હતું. છેલ્લાં બે સત્રોથી રૂપિયો ધીમો ઘસારો દર્શાવી રહ્યો છે.
જાન્યુઆરીમાં ઈક્વિટી ફંડ્સમાં રૂ. 15 હજાર કરોડનો ફ્લો જોવાયો
ડિસેમ્બર 2021માં જોવા મળેલા રૂ. 25077 કરોડના ફ્લો સામે 40 ટકાનો ઘટાડો નોંધાયો
ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સે જાન્યુઆરી મહિનામાં રૂ. 14888 કરોડનો ઈનફ્લો આકર્ષ્યો હતો. જે સાથે સતત 11મા મહિના દરમિયાન ઈક્વિટી સ્કિમ્સમાં પોઝીટીવ ઈનફ્લો જોવા મળ્યો હતો. જોકે ડિસેમ્બર 2021ની સરખામણીમાં જાન્યુઆરી મહિના દરમિયાન ઈનફ્લોમાં 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બરમાં રૂ. 25077 કરોડનો ઈનફ્લો નોંધાયો હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)નો ડેટા જણાવે છે.
માર્ચ 2021થી લઈને જાન્યુઆરી 2022 સુધી ઈક્વિટી સ્કીમ્સમાં સતત નેટ ઈનફ્લો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ રૂ. એક લાખ કરોડથી વધુનો ઈનફ્લો જોવા મળ્યો છે. જે રોકાણકારોમાં શેરબજાર માટે પોઝીટીવ સેન્ટિમેન્ટ્સનૂં સૂચક છે. આ અગાઉ જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીના આંઠ મહિના દરમિયાન ઈક્વિટી ફંડ્સમાં સતત ચોખ્ખું વેચાણ જોવા મળ્યું હતું. જે વખતે કુલ રૂ. 46791 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. ભારતીય ફંડ ઉદ્યોગ ક્ષેત્રે વર્ષો બાદ આવો તબક્કો જોવા મળ્યો હતો.
જો સમગ્ર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગની વાત કરીએ તો જાન્યુઆરીમાં કુલ રૂ. 35252 કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો. ડિસેમ્બર 2021માં ફંડ ઉદ્યોગે રૂ. 4350 કરોડનો ચોખ્ખો આઉટફ્લો દર્શાવ્યો હતો. જાન્યુઆરી આખર સુધીમાં ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) વધી રૂ. 38.88 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે ડિસેમ્બર આખરમાં રૂ. 37.72 લાખ કરોડ પર રહ્યું હતું. ઈક્વિટી સેગમેન્ટની વાત કરીએ તો વેલ્યૂ ફંડ્સને બાદ કરતાં તમામ કેટેગરીના ફંડ્સમાં નેટ ઈનફ્લો નોંધાયો હતો. ફ્લેક્સિ-કેપ ફંડ કેટેગરીએ રૂ. 2527 કરોડ સાથે સૌથી ઊંચો ઈનફ્લો દર્શાવ્યો હતો. જ્યારે થીમેટીક ફંડ્સે મહિના દરમિયાન રૂ. 2073 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો. ડેટ સેગમેન્ટમાં પણ ગયા મહિને રૂ. 5087 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ગયા ડિસેમ્બરમાં ડેટ સેગમેન્ટમાં રૂ. 49154 કરોડનો તીવ્ર આઉટફ્લો નોંધાયો હતો અને તેને કારણે જ સમગ્ર ફંડ ઉદ્યોગમાં ફ્લો નેગેટિવ બન્યો હતો.
સરકારની ક્રિપ્ટોકરન્સિઝના માઈનીંગ પર પણ GST લાગુ પાડવાની વિચારણા
માઈનીંગને ગુડ્ઝ ગણવું કે સર્વિસ તે અંગે નિર્ણય લીધા બાદ આખરી નિર્ણય લેવાશે
બજેટની રજૂઆત વખતે ક્રિપ્ટોકરન્સીઝ એસેટ પર 30 ટકાનો આવકવેરો લાગુ પાડ્યા બાદ સરકાર હવે ક્રિપ્ટોકરન્સિઝના માઈનીંગ પર જીએસટી લાગુ પાડવા માટે વિચારી રહી છે. જોકે માઈનીંગને ગુડ્ઝ તરીકે ગણનામાં લેવું કે સર્વિસ તરીકે તેને લઈને હાલમાં સરકાર વિચાર-વિમર્શ કરી રહી છે. વર્ચ્યુલ કરન્સિસ પર ચોક્કસ પગલાઓ જાહેર કરવા માટે 2019માં રચવામાં આવેલી સુભાષ ચંદ્ર ગર્ગ કમિટિના જણાવ્યા મુજબ માઈનીંગનો અર્થ ક્રિપ્ટોકરન્સિઝ બનાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલી કામગીરી છે. અથવા તો તેનો અર્થ બાયર અને સેલર વચ્ચે ક્રિપ્ટોકરન્સિઝના ટ્રાન્ઝેક્શનને માન્યતા આપવો એવો થાય છે. વીડીએ ટ્રાન્ઝેક્શનમાં માઈનીંગ એક મહત્વની બાબત છે. પહેલા તો માઈનીંગ એ ગુડ્ઝ છે કે સર્વિસ તે અંગે નિર્ણય લેવો પડશે. જ્યારબાદ તેના પર ચોક્કસ કેટેગરી હેઠળ જીએસટી લાગુ પાડી શકાશે એમ વરિષ્ઠ અધિકારી જણાવે છે. હાલમાં ક્રિપ્ટોકરન્સિઝના ખરીદ કે વેચાણને શક્ય બનાવવા માટે સુવિધા પૂરી પાડવા પર જીએસટી લાગુ પડે છે. એક અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જિના અધિકારના જણાવ્યા મુજબ ક્રિપ્ટોકરન્સિઝના માઈનીંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતાં પ્લેટફોર્મને સર્વિસ પ્રોવાઈડર્સ તરીકે ગણવામાં આવે છે. માઈનર્સ ક્રિપ્ટો ગ્રાફિક પઝલને ઉકેલી ટ્રાન્ઝેક્શન વેરિફાઈંગ અને પ્રોસેસિંગની સેવા પૂરી પાડે છે. આ સમજણને આધારે માઈનીંગ માટે મળતી રકમને સર્વિસ ફી તરીકે ગણવામાં લેવી જોઈએ અને જીએસટી તરીકે વિચારણામાં ગણી શકાય એમ તેઓ ઉમેરે છે. નોન ફંગીબલ ટોકન(એનએફટી) માટે તેઓ માર્કેટ પ્લેટને સર્વિસ પ્રોવાઈડર તરીકે ગણવા માટે જ્યારે ઈન્સ્ટ્રુમેન્ટને ગુડ્ઝ ગણવા માટે જણાવે છે.
બેંકિંગ કંપનીઓના નફામાં વાર્ષિક ધોરણે 64 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી
ડિસેમ્બર ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે 28 બેંક્સના નફામાં 21.5 ટકાનો સુધારો નોંધાયો
બેંકોની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વધીને રૂ. 1.38 લાખ કરોડ પર પહોંચી
ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંકિંગ કંપનીઓની કામગીરી અપેક્ષા કરતી ઘણી સારી જોવા મળી છે. નીચા સ્લીપેજિસ અને એસેટ ક્વોલિટીમાં સુધારાને કારણે પ્રાઈવેટ તથા પબ્લિક બેંકોના નફામાં વાર્ષિક ધોરણે 64.1 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં તેમના નફામાં 21.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. બેંકોની રિકવરીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે જ્યારે તેમની એસેટ ક્લાસિફિકેશનમાં અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.
ડિસેમ્બર ક્વાર્ટર માટે પરિણામોની જાહેરાત કરી ચૂકેલી 28 બેંક્સની કામગીરીનો અભ્યાસ હાથ ધરીએ તો જણાય છે કે તેમની કુલ નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(એનઆઈઆઈ) રૂ. 1.38 લાખ કરોડ પર જોવા મળી છે. જે વાર્ષિક ધોરણે 9.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ત્રિમાસિક ધોરણે 5.9 ટકાનો સુધારો સૂચવે છે. જોકે તેમની અન્ય આવકમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતીને કારણે તેમની ટ્રેઝરી બુક્સમાં લાભ ઘટ્યો છે. બેંકિંગ કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 52261 કરોડની અન્ય આવક દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 3.1 ટકાનો ઘટાડો સૂચવે છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં 6.5 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. જો એસેટ ક્વોલિટીની વાત કરીએ તો તમામ 28 બેંક્સની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં ઘટાડો નોંધાયો છે અને ત્રિમાસિક ધોરણે તે 3.5 ટકા ઘટી રૂ. 7.44 લાખ કરોડ પર રહી છે. જોકે વાર્ષિક ધોરણે તેમાં 1.5 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે બેંકો ડિફોલ્ટિંગ લોન્સને એનપીએ તરીકે જાહેર નહોતી કરી શકી.
લગભગ ગયા દાયકાની શરૂઆતથી વધતી રહેલી બેંકિંગ કંપનીઓની ગ્રોસ એનપીએએ માર્ચ 2018 ક્વાર્ટરમાં ટોચ બનાવીને ઘટાડાની શરૂઆત દર્શાવી હતી. તે વખતે બેંકોની કુલ ગ્રોસ એનપીએનું પ્રમાણ 11.5 ટકા પર હતું. જોકે સપ્ટેમ્બર 2021 પૂરો થયા બાદ ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને 6.9 ટકા પર જોવા મળ્યો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોંધ્યું છે. આ આંકડો ડિસેમ્બરમાં વધુ ઘટાડો દર્શાવે તેવી અપેક્ષા છે. અગ્રણી બ્રોકિંગ કંપનીના રિસર્ચ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણો સૂચવે છે કે તમામ બેંકિંગ કંપનીઓના નફા સ્લીપેજિસમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ રેશિયોમાં પણ સુધારો નોંધાયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રોવિઝન્સ અને કન્ટેન્જન્સિઝમાં ત્રિમાસિક ધોરણે 12.6 ટકાનો જ્યારે વાર્ષિક ધોરણે 40.2 ટકાનો ઊંચો ઘટાડો જોવા મળ્યો છે. ત્રિમાસિક ધોરણે ક્રેડિટ કોસ્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં ત્રણથી ચાર ક્વાર્ટરથી તે સમગ્ર બેંકિંગ સિસ્ટમ માટે ઘટાડો દર્શાવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો તેણે ફ્રેશ સ્લીપેજિસમાં ત્રિમાસિક ધોરણે મોટો ઘટાડો દર્શાવ્યો છે. બીજા ક્વાર્ટરમાં રૂ. 4176 કરોડ પરથી ત્રીજા ક્વાર્ટરમાં તે માત્ર રૂ. 2334 કરોડ પર જોવા મળે છે. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 15666 કરોડ પરથી તીવ્ર ઘટાડો સૂચવે છે. મોટાભાગની બેંકિંગ કંપનીઓએ તંદુરસ્ત ઓપરેટિંગ ઈન્કમ દર્શાવી છે. જ્યારે જોકે નોન-ઈન્ટરેસ્ટ ઈન્કમ બાબતે તેમણે કેટલીક નિરાશા દર્શાવી છે. જેનું મુખ્ય કારણ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી છે. સાથે બેંકરપ્ટ્સી કોર્ટ્સમાં ઊંચી રિકવરીનો પણ અભાવ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડીએચએફએલ જેવા મોટા એકાઉન્ટમાં રિકવરી જોવા મળી હતી. જોકે ડિસેમ્બરમાં આવું કશું બન્યું નહોતું. ત્રીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ પોર્ટફોલિયોમાં તીવ્ર લોન ગ્રોથ જોવા મળ્યો હતો. જે તમામ બેંકિંગ કંપનીઓમાં નોંધાયો હતો.
Market Summary 9 Feb 2022
February 09, 2022