બજારમાં છ દિવસની તેજીને બ્રેક
બજેટ રજૂઆતના દિવસથી ગઈકાલે સોમવાર સુધી અવિરત સુધરતાં રહેલા બજારની તેજી પર મંગળવારે બ્રેક લાગી હતી. એક તબક્કે 480 પોઈન્ટ્સનો સુધારો દર્શાવતો સેન્સેક્સ 20 પોઈન્ટ્સના ઘટાડે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 7 પોઈન્ટ્સ નરમાઈ સાથે 15109ની સપાટીએ બંધ રહ્યો હતો. તે દિવસની 15238ની ટોચ પરથી પાછો પડ્યો હતો.
લાંબા સમય બાદ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી
મંગળવારે દિવસની ટોચ પરથી જોવા મળેલા પ્રોફિટ બુકિંગ પાછળ નોંધપાત્ર બેન્ચમાર્ક્સ નેગેટિવ બંધ રહેવા ઉપરાંત મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3188 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1660 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 1308 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યો હતો. 193 કાઉન્ટર્સ સ્થિર રહ્યાં હતાં. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવા છતાં 316 કાઉન્ટર્સે 52 સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 310 કાઉન્ટર્સે ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં.
સોનું રૂ. 48 હજાર અને ચાંદી રૂ. 70000ને પાર
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે પણ બુલિયનમાં સુધારો જોવા મળ્યો હતો. સોનું-ચાંદી તેમના અગાઉના બંધની સરખામણીમાં એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો રૂ. 326ની મજબૂતીએ રૂ. 48165 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક સપ્તાહથી વધુ સમય બાદ તે રૂ. 48000 કરોડ પર ટ્રેડ થયો હતો. સિલ્વર માર્ચ વાયદો 0.9 ટકા અથવા રૂ. 610ના સુધારે રૂ. 70700 પર ટ્રેડ થતો હતો. બજેટ દિવસ બાદ ફરીવાર ચાંદી આ સ્તર પર ટ્રેડ દર્શાવી રહી હતી.
ફ્યુચર જૂથના શેર્સમાં ઉપલી સર્કિટ
દિલ્હી હાઈકોર્ટે રિલાયન્સ રિટેલ સાથેના ડીલ પરનો સ્ટે ઉઠાવી લેતાં ફ્યુચર જૂથના તમામ શેર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જેમાં ફ્યુચર રિટેલનો શેર 10 ટકા ઉછળી રૂ. 80.50ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ફ્યુચર માર્કેટ નેટવર્ક 5 ટકા વધી રૂ. 19.13, ફયુચર એન્ટરપ્રાઈઝ 10 ટકા વધી રૂ. 11.78, ફ્યુચર કન્ઝ્યૂમર 10 ટકા વધી રૂ. 8.65, ફ્યુચર લાઈફસ્ટાઈલ ફેશન્સ 10 ટકા વધી રૂ. 91.35 અને ફ્યુચર સપ્લાયચેઈન સોલ્યુશન્સ 5 ટકા વધી રૂ. 99.05ના સ્તરે બંધ રહ્યાં હતાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ દિવસ દરમિયાન પોઝીટીવ દર્શાવતો જોવા મળ્યો હતો.
અદાણીની વેલ્થ છ મહિનામાં 19 અબજ ડોલર પરથી 48 અબજ ડોલર
ઓગસ્ટની શરૂમાં અદાણીની કુલ માર્કેટ વેલ્થ રૂ. 1.37 લાખ કરોડ હતી, જે 152 ટકા ઉછળી સોમવારે રૂ. 3.46 લાખ કરોડ પર પહોંચી હતી
સમાનગાળામાં મુકેશ અંબાણીની વેલ્થ રૂ. 6.68 લાખ કરોડ પરથી 6 ટકા ઘટી રૂ. 6.30 લાખ કરોડ જોવા મળી
શેરમાર્કેટમાં અદાણી જૂથની વેલ્થમાં અંતિમ છ મહિનામાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. ઓગસ્ટ મહિનાની શરૂમાં રૂ. 1.37 લાખ કરોડની માર્કેટ વેલ્થ ધરાવતું અદાણી જૂથ સોમવારના બંધ ભાવે રૂ. 3.46 કરોડની માર્કેટ વેલ્થ ધરાવતું હતું. ડોલર સંદર્ભમાં જોઈએ તો તેમની સંપત્તિ છ મહિનામાં 19 અબજ ડોલર પરથી 152 ટકા ઉછળી 48 અબજ ડોલર પર જોવા મળી છે. શેરબજાર પર 25 વર્ષથી વધુ સમયથી હાજરી ધરાવતાં જૂથે સંપત્તિમાં અંતિમ છ મહિનામાં સૌથી તીવ્ર વૃદ્ધિ નોંધાવી છે.
અભ્યાસમાં લીધેલા સમયગાળામાં અદાણી જૂથ અને મુકેશ અંબાણી જૂથની વેલ્થમાં ફેરફાર પર નજર કરીએ તો અંતિમ છ મહિના અદાણી જૂથ માટે તીવ્ર વૃદ્ધિના રહ્યાં છે જ્યારે અંબાણી જૂથની વેલ્થમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. મુકેશ અંબાણી જૂથની ફ્લેગશીપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મેથી જુલાઈ દરમિયાન તીવ્ર સુધારો જોવા મળ્યો હતો અને તેમણે રૂ. 13 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. જોકે અંતિમ કેટલાક મહિનાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર કોન્સોલિડેશમાં જોવા મળી રહ્યો છે અને તેને કારણે કંપનીનું માર્કેટ-કેપ પણ લગભગ રૂ. 12-13 લાખ કરોડની રેંજમાં અથડાઈ રહ્યું છે. સોમવારે રૂ. 1951ના બંધ ભાવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ-કેપ રૂ. 12.82 લાખ કરોડ જોવા મળતું હતું. જ્યારે પ્રમોટરની વેલ્થ રૂ. 6.30 લાખ કરોડ જોવા મળી રહી હતી. જે જુલાઈના અંતે રૂ. 6.68 લાખ કરોડ પર હતી. એક તબક્કે જુલાઈ મહિનાની આખરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી જૂથ વચ્ચે માર્કેટ-કેપનો ગાળો રૂ. 5.31 લાખ કરોડનો હતો. જે સોમવારે ઘટીને માત્ર રૂ. 2.84 લાખ કરોડ રહ્યો હતો. અદાણી જૂથની છ લિસ્ટેડ કંપનીઓમાંથી એક કંપનીને બાદ કરતાં અન્ય પાંચ કંપનીઓએ ઉત્તરોત્તર સારો દેખાવ કરતાં અદાણીની માર્કેટવેલ્થમાં ટૂંકાગાળામાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. એકમાત્ર અદાણી પાવર છેલ્લા વર્ષોમાં પર્ફોર્મ કરી શક્યો નથી. જ્યારે તે સિવાયની કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જિએ ખૂબ તેમના તળિયાના ભાવેથી એક વર્ષમાં 10 ગણુ વળતર નોંધાવ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરે મંગળવારે પણ રૂ. 642ની નવી ટોચ દર્શાવી હતી. જ્યારે અદાણી પોર્ટ અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સે સોમવારે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. મંગળવારે તેઓ ફ્લેટ બંધ દર્શાવતાં હતાં. જેની સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પાંચ મહિના અગાઉ રૂ. 2369ની સર્વોચ્ચ ટોચ દર્શાવીને રૂ. 1850થી રૂ. 2100ની રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. જોકે હજુ પણ ભારતીય શેરબજારમાં સર્વોચ્ચ માર્કેટ-કેપ ધરાવતી કંપની તરીકેનું સ્થાન તેણે જાળવી રાખ્યું છે. તાજેતરમાં ટીસીએસના શેરમાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ બંનેનું માર્કેટ-કેપ નજીક આવી ગયું હતું.
અદાણી પરિવારની માર્કેટ સંપિત્ત(લાખ કરોડમાં) અંબાણીની માર્કેટ સંપત્તિ(રૂ. લાખ કરોડમાં)
જુલાઈ 2020ના અંતે 1.37 6.64
8 ફેબ્રુઆરી(2021)ના રોજ 3.46 6.30
વૃદ્ધિ 150% -6%