બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સની ગેરહાજરીથી એક દિવસના વિરામ બાદ ફરી નરમાઈ
નિફ્ટીએ 18500ની સપાટી ગુમાવી
ઈન્ડિયા વિક્સ 0.6 ટકા સુધરી 13.47ના સ્તરે
એફએમસીજી, ફાર્મા, બેંકિંગ પોઝીટીવ જળવાયાં
આઈટી, રિઅલ્ટી, એનર્જી, ઓટોમાં નરમાઈ
એચસીએલ ટેક 7 ટકા તૂટ્યો
યસ બેંક 11 ટકા ઉછળી વાર્ષિક ટોચે
કમિન્સ, કેપીટીએલ, વરુણ બેવરેજિસ નવી ઊંચાઈએ
સપ્તાહના આખરી દિવસે ફરી એકવાર મંદીવાળાઓની વેચવાલી નીકળતાં શેરબજારે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. ચાલુ સપ્તાહમાં પાંચ સત્રોમાંથી ગુરુવારને બાદ કરતાં અન્ય ચાર સત્રોમાં સેન્સેક્સે ઘટાડો નોંધાવ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 389 પોઈન્ટ્સ ગગડી 62182 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 113 પોઈન્ટ્સના ઘટાડે 18497ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે દસેક સત્રો બાદ 18500ની સપાટી ગુમાવી હતી. જેને ટ્રેન્ડ રિવર્સલની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. લાર્જ-કેપ્સ સહિત મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ છેલ્લાં ઘણા સત્રોના સૌથી નીચા સ્તરે જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડિયા વિક્સ જોકે 0.6 ટકાના સાધારણ સુધારે 13.47ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે લાંબા સમયગાળા બાદ ભારતીય બજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. યુએસ બજારો ગુરુવારે બાઉન્સ થઈ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. જેમાં હોંગ કોંગ માર્કેટ 2 ટકાથી વધુ સુધારો દર્શાવતું હતું. જ્યારે ચીન, કોરિયા, તાઈવાન, સિંગાપુર અને જાપાન પણ ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં હતાં. યુરોપિયન બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. જ્યારે ભારતીય માર્કેટ દિવસની શરૂઆતમાં જોવા મળતી ટોચ પરથી ઈન્ટ્રા-ડે ધોરણે એક ટકાથી વધુ ઘટાડો સૂચવતું હતું. નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ બાદ 18665ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી 18410 સુધી ગગડ્યો હતો. આમ તેણે 255 પોઈન્ટ્સ ગુમાવ્યાં હતાં. જ્યાંથી થોડું બાઉન્સ દર્શાવવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં ફ્યુચર્સનું પ્રિમીયમ ઘટ્યું હતું અને ફ્યુચર્સ 75 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 18571 પર બંધ રહ્યો હતો. નવેમ્બર એક્સપાયરી આસપાસથી તે 120 પોઈન્ટ્સ પ્રિમીયમમાં જોવા મળતો હતો. આ બાબત સૂચવે છે કે માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 18500ના સ્તરની નીચે બંધને ટ્રેન્ડ રિવર્સલની શરૂઆત તરીકે જોઈ રહ્યાં છે. તેઓ લોંગ ટ્રેડર્સને 18360ના સ્ટ્રીક્ટ સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી રાખવા જણાવે છે. જો આ સ્તર પણ તૂટે તો લોંગ પોઝીશન છોડી દેવી જોઈએ. કેમકે માર્કેટમાં વધુ ઘટાડો સંભવ છે.
સપ્તાહના આખરી દિવસમાં શરૂઆતી કલાકમાં પીએસયૂ બેંક્સમાં ખરીદી જળવાય હતી. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ અને બેંક નિફ્ટી, બંને એ તેમની ટોચ દર્શાવી હતી. જોકે પીએસયૂ બેંક્સમાં ઊંચા મથાળે વેચવાલી પાછળ નરમાઈ જોવા મળી હતી. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.8 ટકા ઘટાડે 4298 પર બંધ રહ્યો હતો. જોકે બેંકનિફ્ટીને પ્રાઈવેટ બેંક્સનો સપોર્ટ મળ્યો હતો અને તે 43853ની ટોચ બનાવી 43633 પર બંધ રહ્યો હતો. પ્રાઈવેટ બેંક્સમાં એયૂ સ્મોલ ફાઈ. બેંક 1.4 ટકા મજબૂત જોવા મળી હતી. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક પણ પોઝીટીવ જળવાયાં હતાં. બીજી બાજુ પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. બજારને એફએમસીજી અને ફાર્મા તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં નિફ્ટી એફએમસીજી પ્રથમવાર 46000ની સપાટી પાર કરી 46235ની ટોચ પર ટ્રેડ થઈ 46160 પર બંધ રહ્યો હતો. એફએમસીજી શેર્સમાં વરુણ બેવરેજીસે વધુ 3 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ આપ્યું હતું. આ ઉપરાંત મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, નેસ્લે, કોલગેટ, આઈટીસી પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. ફાર્મા કંપનીઓમાં આલ્કેમ લેબ્સ, સન ફાર્મા અને ડો.રેડ્ડીઝ લેબ્સમાં સુધારો નોંધાયો હતો. મેટલ શેર્સ તેમની ટોચ પરથી પટકાયાં હતાં. જેની પાછળ નિફ્ટી મેટલ 1 ટકાથી વધુ તૂટ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 2.5 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નાલ્કો, હિંદાલ્કો, એનએમડીસી, વેદાંત, સેઈલ અને તાતા સ્ટીલ પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી સેક્ટરમાં સતત ત્રીજા દિવસે વેચવાલી જળવાય હતી અને રિઅલ્ટી ઈન્ડેક્સ 1.5 ટકા તૂટ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 7 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, હેમીસ્ફિઅર, સનટેક રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, પ્રેસ્ટીજ અને ડીએલએફમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1 ટકા ગગડ્યો હતો. જેમાં તાતા પાવર, ગેઈલ, રિલાયન્સ અને ઓએનજીસી ઘટવામાં મુખ્ય હતાં. બીજી બાજુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં સુધારો જોવા મળ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કમિન્સ ઈન્ડિયા 4 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. આ ઉપરાંત નેસ્લે, ગ્લેનમાર્ક, ટાઈટન કંપની, આઈશર મોટર્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને ઈપ્કા લેબ્સ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ એચસીએલ ટેક્નોલોજી 7 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ સિવાય ઈન્ટિલેક્ટ ડિઝાઈન, બિરલાસોફ્ટ, એમએન્ડએમ ફાઈ., ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા અને પર્સિસ્ટન્ટમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજાર વિક્રમી સપાટીએ છતાં ડિમેટ ઓપનીંગ્સમાં 20 ટકા ઘટાડો
2022ના 11 મહિનામાં સરેરાશ 23 લાખ ડિમેટ ઓપનીંગ સામે નવેમ્બરમાં 18 લાખ ડિમેટ ખૂલ્યાં
શેરબજારે તાજેતરમાં તેની સર્વોચ્ચ ટોચ બનાવી હોવા છતાં નવા ડિમેટ ઓપનીંગ્સમાં સુસ્તી જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં સતત તેજી વચ્ચે બેન્ચમાર્ક્સ નવી ટોચે પહોંચ્યાં હોવા છતાં નવું ડિમેટ એકાઉન્ટ ઓપનીંગ્સ કેલેન્ડર 2022ની અત્યાર સુધીની માસિક સરેરાશથી નીચું જળવાયું હતું. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં પ્રતિ મહિને 23 લાખ ડિમેટ એકાઉન્ટ ઓપન થયાં છે. જેની સરખામણીમાં નવેમ્બરમાં માત્ર 18 લાખ ડિમેટ ખૂલ્યાં હતાં. જે સાથે દેશના બે ડિપોઝીટરીઝ એનએસડીએલ અને સીડીએસએલ ખાતે કુલ ડિમેટ એકાઉન્ટ સંખ્યા 10.6 કરોડને પાર કરી ગઈ હતી.
માર્કેટ મધ્યસ્થીઓના જણાવ્યા મુજબ ગયા વર્ષે જોવા મળ્યું હતું તે રીતે નવા રોકાણકારો બજારમાં પ્રવેશી રહ્યાં નથી. ખાસ કરીને સામાન્યરીતે બજારમાં જ્યારે ટોચ બનતી હોય છે ત્યારે નવા રોકાણકારો તરફથી જોવા મળતો ધસારો હાલમાં જોવા મળી રહ્યો નથી. નવેમ્બરમાં નિફ્ટીએ 4 ટકા સુધારો નોંધાવ્યો હતો. જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં બેન્ચમાર્ક 10 ટકા જેટલો સુધર્યો હતો. બે મહિનાની સતત વેચવાલી બાદ નવેમ્બરમાં વિદેશી રોકાણકારો ચોખ્ખા ખરીદાર બન્યાં હતાં. તેમણે એક મહિનામાં લગભગ 5 અબજ ડોલર આસપાસ એટલેકે રૂ. 40 હજારથી વધુનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જેની પાછળ સરેરાશ ડેઈલી ટ્રેડિંગ વોલ્યુમમાં પણ 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે તે રિટેલ ઈન્વેસ્ટર્સ પાછળ નહોતી અને એફપીઆઈના રોકાણ પાછળ હતી એમ માર્કેટ વર્તુળોનું કહેવું છે. માર્કેટમાં ઊંચા વોલ્યુમ પાછળ કેટલાંક મોટા બ્લોક ડિલ્સને પણ તેઓ કારણભૂત ગણાવે છે. સામાન્યરીતે બજાર ટોચ પર હોય ત્યારે એક પ્રકારનો ઉન્માદ જોવા મળતો હોય છે અને રિટેલ રોકાણકારોનું પાર્ટિસિપેશન વધતું હોય છે. જેનો આ વખતની તેજીમાં સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે માર્કેટ નવા રોકાણકારોને પણ આકર્ષી શક્યું નથી. કેલેન્ડરની શરૂમાં જાન્યુઆરીમાં 34 લાખ નવા ડિમેટ ખૂલ્યાં હતાં. જોકે ત્યારબાદ કોઈ એક મહિનામાં આ આંકડો જોવા મળ્યો નથી. આ માટેનું એક કારણ સ્મોલ-કેપ્સમાં જોવા મળેલી નરમાઈને ગણાવાઈ રહ્યું છે. ચાલુ કેલેન્ડરમાં નિફ્ટી અત્યાર સુધીમાં 7 ટકા સુધારો દર્શાવી રહ્યો છે પરંતુ બીજી બાજુ સ્મોલ-કેપ ઈન્ડેક્સ કેલેન્ડરમાં 11 ટકા ઘટાડો સૂચવી રહ્યો છે. સામાન્યરીતે રિટેલ રોકાણકારો હાઈ બીટા એવા સ્મોલ-કેપ્સમાં રોકાણ ધરાવતાં હતાં.
હવે મકાઈની નિકાસ પર પ્રતિબંધની વિચારણા
ભાવ ઊંચકાવાને કારણે સ્ટાર્ચ ઉત્પાદકોની રજૂઆત પાછળ સરકાર નિયંત્રણો લાદી શકે
કેન્દ્ર સરકાર દેશમાંથી મકાઈની નિકાસ પર પ્રતિબંધ સહિતના નિયંત્રણો પર વિચારણા ચલાવી રહી છે. સ્થાનિક પોલ્ટ્રી અને સ્ટાર્ચ ઉત્પાદકો તરફથી માગ વધી રહી છે તેવા સમયે મકાઈના ભાવ નવી સપાટી બનાવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી ઘઉં પછી મકાઈ પર પણ પ્રતિબંધની શક્યતાં છે. હાલમાં મકાઈના ભાવ રૂ. 2150 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળી રહ્યાં છે.
વર્તુળોના જણાવ્યા મુજબ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી મંત્રાલયે વાણિજ્ય મંત્રાલયને મકાઈ નિકાસ પર પ્રતિબંધ માટે લેખિતમાં જણાવ્યું છે. સ્ટાર્ચ ઉત્પાદકોએ મકાઈના ભાવમાં વૃદ્ધિ અને બજારમાં કોમોડિટીના નીચા સપ્લાય અંગે રજૂઆત કરતાં ફૂડ મંત્રાલયે નિકાસ પ્રતિબંધ માટે સૂચન કર્યું છે. હાલમાં વાણિજ્ય મંત્રાલયે આ મુદ્દે વિચારણા હાથ ધરી છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન મકાઈના સરેરાશ ભાવ રૂ. 2174 પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યાં છે. જે સરકાર નિર્ધારિત રૂ. 1962 પ્રતિ ક્વિન્ટલના ભાવની સરખામણીમાં ઊંચા છે. ગયા વર્ષે સમાનગાળામાં મકાઈના ભાવ રૂ. 1653 પર જોવા મળી રહ્યાં હતાં. આમ વાર્ષિક ધોરણે તે લગભગ 30 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. તમિલનાડુ સ્થિત પોલ્ટ્રી ઉત્પાદકના જણાવ્યા મુજબ હાલમાં તેઓ રૂ. 2400 પ્રતિ ક્વિન્ટલના ભાવે મકાઈ મેળવી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ભારતીય મકાઈની ઊંચી માગને કારણે અગ્રણી નિકાસકારોએ દેશના બંદરો ખાતે મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કર્યો હોવાના કારણે સ્થાનિક પુરવઠા પર અસર પડવાથી ભાવમાં મજબૂતી જોવા મળી છે. દક્ષિણ-પૂર્વ દેશોના પોલ્ટ્રી ઉત્પાદકો ભારતમાંથી મોટા પ્રમાણમાં મકાઈ ખરીદી રહ્યાં છે. જેની પાછળ બહુરાષ્ટ્રીય એગ્રી એક્સપોર્ટર્સ બલ્કમાં જથ્થો ઉપાડી રહ્યાં છે. વિયેટનામ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને તાઈવાન તરફથી ભારતીય મકાઈ માટે નોંધપાત્ર પૂછપરછો જોવા મળી રહી હોવાનું નિકાસકારો જણાવે છે. જેને કારણે ખરિફમાં નોંધપાત્ર ઉત્પાદન છતાં મકાઈની અછત જોવા મળી રહી છે. ચાલુ રવિ વાવણી સિઝનમાં પણ ઊંચા ભાવ પાછળ મકાઈનું વાવેતર નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. જોકે નવા માલને આવતાં બીજા બે મહિનાનો સમય લાગશે. જ્યાં સુધી ભાવમાં ઘટાડાની શક્યતાં નહિ હોવાનું વર્તુળો જણાવે છે.
કોટન ઈમ્પોર્ટ પરની ડ્યુટીને દૂર કરવા CAIની માગ
વૈશ્વિક બજારની સરખામણીમાં સ્થાનિક ભાવ 15 ટકા પ્રિમીયમે ચાલી રહ્યાં હોવાથી સ્પર્ધાત્મક્તા પર અસર
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(CAI)એ દેશમાં કોટનની આયાત પર લાગુ પડતી 11 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરવા માટેની માગણી કરી છે. એસોસિએશને કેન્દ્રિય કોમર્સ, ફૂડ અને ટેક્સટાઈલ્સ મંત્રી પિયૂષ ગોયલ સમક્ષ ડ્યૂટી તત્કાળ હટાવવામાં આવે તેમ જણાવ્યું છે.
હાલમાં વૈશ્વિક બજારની સરખામણીમાં કોટનના સ્થાનિક ભાવ 15 ટકા જેટલા ઊંચા ચાલી રહ્યાં છે. જેને કારણે સ્થાનિક મિલ્સની સ્પર્ધાત્મક્તા પર મોટી અસર પડી છે એમ CAIના પ્રમુખે પત્રમાં જણાવ્યું છે. સ્થાનિક સ્તરે ઊંચા ભાવને કારણે સ્થાનિક ઉદ્યોગોને સ્પર્ધાત્મક ભાવોએ માલ પ્રાપ્ય બની રહ્યો નથી. જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાનિક વેલ્યૂ-એડેડ પ્રોડકટ્સની સ્પર્ધાત્મક્તા દૂર થઈ છે એમ તેમણે ઉમેર્યું છે. હાલમાં દેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ માત્ર 50 ટકા ક્ષમતાએ કામ દર્શાવી રહ્યો છે. જેને કારણે સરવાળે રોજગારી પર પણ મોટી અસર પડી છે. કોટનના ભાવ સરકારે નક્કી કરેલી એમએસપીની સરખામણીમાં નોંધપાત્ર ઊંચા ચાલી રહ્યાં હોવા છતાં ખેડૂતો વધુ ઊંચા ભાવોની અપેક્ષામાં માલ પકડી રાખતાં જોવા મળે છે. ચાલુ ખરિફ માર્કેટિંગમાં 3.5 કરોડ ગાંસડીના ત્રણ વર્ષોના ઊંચા ઉત્પાદનની અપેક્ષા છતાં ડિસેમ્બરની ફ્લશ સિઝનમાં આવકો 1.5 લાખ ગાંસડી પર પણ જોવા મળી રહી નથી. ગયા વર્ષે ખાંડીનો ભાવ રૂ. 1 લાખને પાર કરી જતાં સરકારે ટૂંકાગાળા માટે કોટન પરની ઈમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરી હતી. જેને કારણે દક્ષિણ સ્થિત સ્પીનીંગ મિલ્સે લગભગ 30 લાખ ગાંસડી આયાત કરી હતી. ઈમ્પોર્ટ ડ્યુટી દૂર થાય તો ચાલુ વર્ષે પણ લગભગ આટલી જ આયાત જોવા મળી શકે છે એમ વર્તુળો જણાવે છે. આયાત ના થાય તો પણ સરકારના નિર્ણય પાછળ સ્થાનિક બજારમાં ભાવ થોડાં દબાય શકે છે. જેનો લાભ સ્પીનર્સને થઈ શકે છે.
જીનેટિકલી મોડીફાઈડ રાયડો ખાદ્ય વપરાશ માટે સુરક્ષિતઃ સરકાર
સ્થાનિક સ્તરે વિકસિત DMH-11 રાષ્ટ્રીય સરેરાશ કરતાં 28 ટકા ઊંચું ઉત્પાદન આપે છે
સરકારે જણાવ્યું છે કે જીનેટિકલી મોડીફાઈડ(જીએમ) રાયડાના તેના નોન-ટ્રાન્સજેનિક હરિફોની સરખામણીમાં ટોક્સિસિટી, એલર્જેનિસિટી, કંપોઝીન્શનલ એનાલિસિસ, ફિલ્ડ ટ્રાયલ્સ અને પર્યાવરણીય સુરક્ષા સંબંધી ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસમાં જણાયું છે કે DMH-11એ વાવેતર માટે, ખોરાક માટે તથા પશુખાણ તરીકે વપરાશ માટે સુરક્ષિત છે.
જીનેટિકલી મોડિફાઈડ પાક જેવી કૃષિ સંબંધી ટેક્નોલોજી ફૂડ સિક્યૂરિટી માટે ખૂબ જ જરૂરી છે એમ જણાવતાં સરકારે ઉમેર્યુ છે કે આમ કરીને આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે. દેશમાં છેલ્લાં 10 કરતાં વધુ વર્ષોથી જીએમ કોટનનું વાવેતર થાય છે અને તેમ છતાં મધના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના કોઈ પુરાવા મળી રહ્યાં નથી એમ સરકારે નોંધ્યું છે. સંસદમાં કરવામાં આવેલા બે અલગ નિવેદનોમાં રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી તથા રાજ્ય કક્ષાના સાયન્સ અને ટેક્નોલોજી મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય કૃષિ ક્ષેત્રે ઊભરી રહેલા પડકારોનો સામનો કરવા માટે જીનેટિકલ એન્જિનીયરીંગ સહિતની પ્લાન્ટ બ્રિડિંગ ટેક્નોલોજીની આવશ્યક્તા છે. DMH-11(પર્યાવરણ સંબંધી મંજૂરી મેળવી ચૂકેલું હાઈબ્રીડ જીએમ મસ્ટર્ડ) પર હાથ ધરાયેલા અભ્યાસો સૂચવે છે તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 28 ટકા વધુ જ્યારે પ્રાદેશિક સરેરાશ કરતાં 37 ટકા ઊંચી ઉપજ દર્શાવે છે. ઓક્ટોબરમાં પર્યાવરણ વિભાગે સ્થાનિક સ્તરે વિકસિત જીએમ મસ્ટર્ડ બિયારણો માટે મંજૂરી આપી હતી. જેણે આગામી બે વર્ષોમાં તેના દેશમાં વ્યાપારિક વેચાણ માટે છૂટનો માર્ગ મોકળો કર્યો છે. હાલમાં દેશમાં એકમાત્ર જીએમ તરીકે કપાસનું વાવેતર થાય છે. જેને 2002માં બાજપેયી સરકાર વખતે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારબાદ દેશમાં કોટનના વાવેતર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. હાલમાં દેશની 60 ટકા ખાદ્યતેલ માગ આયાત મારફતે પૂરી કરવામાં આવે છે. નાણા વર્ષ 2021-22માં ખાદ્યતેલની આયાત પાછળ 19 અબજ ડોલરનો વિક્રમી ખર્ચ જોવા મળ્યો હતો. હાલમાં DMH-11ના વાવેતરની છૂટને લઈને સરકાર અને પર્યાવરણપ્રેમીઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
તાતા જૂથ પાંચ વર્ષોમાં 90 અબજ ડોલરનું રોકાણ કરશે
જૂથ સેમીકંડક્ટર, ઈવી અને ઈવી બેટરીઝ જેવા નવા બિઝનેસિસમાં પ્રવેશશે
તાતા જૂથે તેના હયાત અને નવા બિઝનેસિસમાં આગામી પાંચ વર્ષોમાં 90 અબજ ડોલરના રોકાણની તૈયારી કરી હોવાનું તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું. જેમાં કંપનીના નવા બિઝનેસિસ જેવાકે સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ અને ઈલેક્ટ્રિક વેહીકલ્સ મેન્યૂફેક્ચરિંગનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા મુજબ જૂથ ઈવી અને ઈવી બેટરીઝ અને રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદન જેવા નવા બિઝનેસિસને શરૂઆત કરવાની પ્રક્રિયામાં છે. એક વૈશ્વિક મેગેઝિન સાથેની મુલાકાતમાં તેમણે આ વાતો કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તાતા જૂથ અપસ્ટ્રીમ ચીપ ફેબ્રિકેશન પ્લેટફોર્મ લોંચ કરવાની શક્યતાની ચકાસણી કરશે. ભારત ઘણા વર્ષોથી સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ સેગમેન્ટમાં રોકાણ આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. કેમકે ઈલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ઈકોસિસ્ટમમાં તે ચાવીરૂપ કોમ્પોનેન્ટ છે. જોકે આ ક્ષેત્રે હજુ સુધી વાસ્તવમાં કોઈ રોકાણ નથી થયું. જો તાતા દેશમાં યુનિટ સ્થાપશે તો આ બાબત શક્ય બનશે એમ તેઓ ઉમેરે છે. અગાઉ તાતા સન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની કર્ણાટક ખાતે હોસુર ખાતે તાતા ઈલેક્ટ્રોનિક્સ ખાતે નવો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. જે સેમીકંડક્ટર ઉત્પાદનની સુવિધા ધરાવી શકે છે. અગાઉ ચંદ્રશેખરે જણાવ્યું હતું દેશમાં હાઈ-ટેક ઈલેટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ તકો રહેલી છે. જેને ઝડપી લેવા માટે તાતા જૂથે પ્રયાસો હાથ ધર્યાં છે. એ વાત નોંધવી રહી કે અગાઉ વેદાંત જૂથ ગુજરાત ખાતે સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી ચૂક્યું છે. જે માટે રાજ્ય સરકાર તરફથી પોઝીટીવ પ્રતિસાદ સાંપડ્યો છે.
ફોક્સકોને ભારતીય બિઝનેસમાં વધુ 50 કરોડ ડોલરનું રોકાણ કર્યું
એપલ બ્રાન્ડ આઈફોનના વૈશ્વિક કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને ભારત સ્થિત તેના બિઝનેસમાં વધુ 50 કરોડ ડોલરનું રોકાણ કર્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે. તાઈવાન સ્ટોક એક્સચેન્જને માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે તેની સિંગાપુર સબસિડિયરી તેની ભારતીય કંપનીમાં આ નાણા રોકશે. ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી ઈન્ડિયા મેગા પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતી ભારતીય પેટાકંપની એપલ ફોન્સનું ઉત્પાદન કરે છે. ચીનની કોવિડ પોલિસીના ભાગરૂપે ફોક્સકોન એપલ ફોન ઉત્પાદન સામે પડકારનો સામનો કરી રહી છે અને તેથી જ તે ભારત ખાતે તેની ઉત્પાદન ક્ષમતામાં ઉમેરો કરી રહી છે.
નવેમ્બરમાં લાઈફ ઈન્શ્યોરર્સના NBPમાં 30 ટકા ઉછાળો
લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ નવેમ્બરમાં ન્યૂ બિઝનેસ પ્રિમિયમ્સ(એનબીપી)માં વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જાહેર ક્ષેત્રની એલઆઈસી તરફથી મજબૂત વૃદ્ધિને કારણે આમ જોવા મળ્યું છે. ઈન્શ્યોરન્સ સેક્ટર રેગ્યુલેટર ઈરડાઈના જણાવ્યા મુજબ નવેમ્બરમાં ઉદ્યોગ ક્ષેત્રે કુલ એનબીપી રૂ. 35458 કરોડનું રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 30 ટકા ઊંચું હતું. એલઆઈસીની વાત કરીએ તો કંપનીનું એનબીપી 51 ટકા ઉછળી રૂ. 24032 કરોડ પર જોવા મળ્યું હતું. પ્રાઈવેટ સેક્ટર ઈન્શ્યોરર્સના એનબીપીમાં વાર્ષિક ધોરણે 2 ટકાની સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. એલઆઈસી તરફથી ઊંચા એનબીપી ગ્રોથનું કારણ સિંગલ પ્રિમિયમ્સ હતું. જે વાર્ષિક ધોરણે 70 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
Market Summary 9 December 2022
December 09, 2022