Market Summary 9 April 2021

માર્કેટ સમરી

નિફ્ટી ત્રીજા દિવસે 14900 પાર કરવામાં નિષ્ફળ

ભારતીય બજાર રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. અંતિમ ત્રણ સત્રોથી બેન્ચમાર્ક નિફ્ટી 14900ને પાર કરવાનો પ્રયાસ કરે છે અને હાર સ્વીકારી લે છે. શુક્રવારે તેણે 14918ની ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે ગગડતો રહી 14786ના સ્તર પર ટ્રેડ થયો હતો. આખરે 14835 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જોવા મળી હતી.

ઈન્ડિયા વીક્સ ત્રણ મહિનાના તળિયા પર

વોલેટિલિટી ઈન્ડેક્સ ફરી 20ની સપાટી નીચે ત્રણ મહિનાના તળિયા પર પહોંચ્યો છે. ચાલુ સપ્તાહની શરૂઆતમાં સોમવારે 23ની સપાટી કૂદાવી ગયા બાદ બજારમાં સ્થિરતા પરત ફરતાં ઈન્ડિયા વિક્સમાં સતત નરમાઈ જોવા મળી હતી. શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે બજાર રેંજ બાઉન્ડ રહ્યું હોવા છતાં વીક્સ વધુ 2.6 ટકા ગગડ્યો હતો અને 20ના સ્તર નીચે 19.68 પર જોવા મળ્યો હતો. માર્ચ મહિનાના મધ્યાંતરે તે 29ની સપાટીને વટાવી ગયો હતો. ગયા એપ્રિલમાં તે 40ની સપાટી પર જોવા મળતો હતો.

ડોલર સામે રૂપિયો વધુ 14 પૈસા ગગડ્યો

સતત ત્રીજા દિવસે યુએસ ડોલર સામે રૂપિયો ગગડ્યો હતો. શુક્રવારે તેણે 74.97નું તળિયું બનાવ્યું હતું અને ત્યાંથી થોડો રિકવર થઈ 74.75 પર બંધ થયો હતો. આમ અગાઉના બંધ સામે 14 પૈસાનો ઘટાડો દર્શાવતો હતો. ચાલુ સપ્તાહે રૂપિયો ગ્રીનબેક સામે 141 પૈસા અથવા તો 1.92 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જે માર્ચ 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. સતત બીજા સપ્તાહે રૂપિયામાં નરમાઈ જોવા મળી છે. તેણે મહત્વના સપોર્ટ્સ તોડ્યાં છે અને હવે 75નું સાઈકોલોજિકલ તેને માટે સપોર્ટ છે.

સુગર શેર્સમાં જોવા મળેલી વ્યાપક લેવાલી

સુગર ઉત્પાદન કંપનીઓના શેર્સમાં શુક્રવારે બજાર ખૂલ્યું ત્યારથી જ ખરીદી જોવા મળી હતી અને પસંદગીના કાઉન્ટર્સ 10 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. કેટલાક નોંધપાત્ર સુધારો દર્શાવનાર સુગર કાઉન્ટર્સમાં દાલમિયા ભારત સુગર 12 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 207ની ટોચ પર ટ્રેડ થયા બાદ 10 ટકા સુધરી રૂ. 203 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત મવાના સુગર્સનો શેર 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 34.70 પર બંધ રહ્યો હતો. શક્તિ સુગરનો શેર 4 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે બલરામપુર ચીની 6 ટકા સુધારો દર્શાવતો હતો.

ફાર્મા શેર્સમાં પાંચ મહિના બાદ સૌથી મોટો એક દિવસીય ઉછાળો

નિફ્ટી ફાર્મા 11 નવેમ્બર 2020ના રોજ 3.6 ટકાની વૃદ્ધિ બાદ શુક્રવારે 3.04 ટકા ઉછળ્યો

12 જાન્યુઆરીએ 13777 ટોચ દર્શાવનાર ફાર્મા ઈન્ડેક્સ 19 માર્ચના 11280ના તળિયા સામે શુક્રવારે 12995 પર બંધ રહ્યો

 

માર્કેટને કોઈપણ ભોગે પડતું અટકાવવા માટે બુલ્સ એક પછી એક ક્ષેત્રનો સહારો લઈ રહ્યાં છે. શુક્રવારે ફાર્મા ક્ષેત્રે ચિક્કાર ખરીદી મારફતે તેમણે બજારને સપોર્ટ આપ્યો હતો. પૂરા પાંચ મહિના બાદ ફાર્મા કંપનીઓના શેર્સમાં આટલી વ્યાપક ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 3 ટકાથી વધુ સુધરીને બંધ રહ્યો હતો. જ્યારે ફાર્મા કંપનીઓના શેર્સમાં 9 ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી.

આ અગાઉ 11 નવેમ્બર 2020ના રોજ ફાર્મા કંપનીઓમાં આટલી તીવ્ર ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી ફાર્મા એક દિવસમાં 3.6 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. શુક્રવારે તે 3.04 ટકા છળી 12995ની છેલ્લા બે મહિનાથી વધુની ટોચ પર બંધ રહ્યો હતો. વાસ્તવમાં નિફ્ટી ફાર્મા 12 જાન્યુઆરીએ 13777ની તેની છેલ્લા પાંચ વર્ષની ટોચ બનાવી કરેક્શનમાં જોવા મળ્યો હતો. તેણે 19 માર્ચે 11280નું તળિયું દર્શાવ્યું હતું. આમ ટોચના સ્તરેથી તે 16 ટકા જેટલો કરેક્ટ થયો હતો. જ્યાંથી ફરી સુધારાતરફી બન્યો હતો અને શુક્રવારે એક તબક્કે 13000ના સ્તરને પાર કરી ગયો હતો. ફાર્મા કંપનીઓમાં બ્રોડ બેઝ ખરીદીને જોતાં ફાર્મા ઈન્ડેક્સમાં આગામી સમયગાળામાં ખરીદી જળવાય રહેવાની શક્યતા છે. તેમજ તે કેલેન્ડર 2015માં તેણે બનાવેલા 14020ના સર્વોચ્ચ સ્તરને પાર કરવામાં સફળ રહે તેવી શક્યતા પણ એનાલિસ્ટ્ વ્યક્ત કરી રહ્યાં છે. ફાર્મા ઈન્ડેક્સ એક માત્ર એવો ઈન્ડેક્સ છે. જે કોવિડમાં સૌથી સારા દેખાવ બાદ પણ તેના અગાઉના ઓલટાઈમ હાઈ સ્તરને પાર કરી શક્યો નથી. જેના કારણમાં એનાલિસ્ટ્સ કેટલીક અગ્રણી ફાર્મા કંપનીઓના તીવ્ર અન્ડરપર્ફોર્મન્સને કારણભૂત ગણાવે છે. આવી કંપનીઓમાં સન ફાર્મા અને લ્યુપિન મુખ્ય છે. આ બંને કંપનીઓ તેમણે કેલેન્ડર 2016માં દર્શાવેલા તેમના ટોચના સ્તરેથી હજુ પણ 40-50 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહી છે. કેટલીક હરિફ ફાર્મા કંપનીઓએ છેલ્લા છ મહિનામાં તેમના ટોચ દર્શાવ્યાં છે. જોકે તેમ છતાં ફાર્મા ઈન્ડેક્સ તેની ટોચ પર પહોંચી શક્યો નથી.

શુક્રવારે માર્કેટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ફાર્મા કંપનીઓમાં કેડિલા હેલ્થકેરનો શેર મુખ્ય હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 470.70ના બંધ ભાવ સામે 10 ટકા જેટલો ઉછળી રૂ. 517.75ની ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કોવિડ સારવારમાં કંપનીના રેમિડિસ્વેર ઈન્જેક્શનની ઊંચી માગ પાછળ કંપનીના શેરમાં વૃદ્ધિ જોવા મળી હોય તેવું બની શકે છે. કંપનીના શેરે 2017માં રૂ. 535ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. આમ હજુ શેર તે સ્તરથી સહેજ છેટો ટ્રેડ થઈ રહ્યો છે. જો ફાર્મા કંપનીઓમાં આગામી દિવસોમાં ખરીદી આગળ ચાલશે તો કેડીલા હેલ્થકેરનો શેર ચોક્કસ તેની ઓલ-ટાઈમ હાઈ દર્શાવશે. શુક્રવારે શેરના ભાવમાં ઉછાળા પાછળ કંપનીનું માર્કેટકેપ ફરી એકવાર રૂ. 50 હજાર કરોડને પાર કરી ગયું હતું. એક તબક્કે કેડીલાનો શેર સન ફાર્મા બાદ માર્કેટ-કેપમાં બીજા ક્રમે આવતો હતો. જોકે ત્યારબાદ તે ટોચની 10 કંપનીઓમાંથી પણ બહાર નીકળી ગયો હતો. હાલમાં માર્કેટ-કેપમાં તે ફરી છઠ્ઠા ક્રમની ફાર્મા કંપની બન્યો છે. સન ફાર્મા, ડિવિઝ લેબ, ડો. રેડ્ડીઝ લેબ, સિપ્લા અને ઓરોબિંદો ફાર્મા તેનાથી વધુ માર્કેટ-કેપ ધરાવે છે. શુક્રવારે સિપ્લાનો શેર 5 ટકા ઉછળ્યો હતો અને રૂ. 892ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. કંપની પણ રેમિડિસ્વેર ઈંજેક્શન બનાવે છે. આ સિવાય આલ્કેમ લેબ, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, લ્યુપિન, બાયોકોન જેવા ફાર્મા શેર્સમાં પણ લેવાલી જોવા મળી હતી.

 

શુક્રવારે ફાર્મા શેર્સનો દેખાવ

કંપની           વૃદ્ધિ(%)

કેડિલા હેલ્થકેર   9.29

સિપ્લા           4.88

આલ્કેમ લેબ     4.65

ઓરોબિંદો ફાર્મા  4.00

સન ફાર્મા        3.66

લ્યુપિન          2.87

બાયોકોન        1.71

ડો.રેડ્ડીઝ         1.52

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage