બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓએ પકડ પરત મેળવતાં માર્કેટમાં બ્રેકઆઉટ
નિફ્ટી 17780ના અવરોધને પાર કરી પાંચ મહિનાની ટોચે
બેંકનિફ્ટીએ 40 હજારની સપાટી કૂદાવી
PSU બેંક ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી અનેક વર્ષોની ટોચે
એફએમસીજી ઈન્ડેક્સ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.30ની સપાટીએ
મેટલ, રિઅલ્ટી અને મિડિયા સેક્ટરમાં દબાણ
ITCએ પાંચ વર્ષોની ટોચ દર્શાવી
વૈશ્વિક સ્તરે જાપાન મજબૂત, હોંગ કોંગ-ચીનમાં નરમાઈ
બેંકિંગ અને આઈટી સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડતાં ભારતીય બજારે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. છેલ્લાં બે સપ્તાહથી રેંજમાં ટ્રેડ દર્શાવી રહેલા બેન્ચમાર્ક્સ મહત્વના અવરોધને પાર કરી પાંચ મહિનાની ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 659 પોઈન્ટ્સ ઉછળી 59688ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 174 પોઈન્ટ્સના સુધારે 17799ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વ્યાપક લેવાલીને કારણે નિફ્ટીના કાઉન્ટર્સ પોઝીટીવ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ કુલ 50 કાઉન્ટર્સમાંથી 38 સુધારા સાથે બંધ સૂચવતાં હતાં. જ્યારે 12 કાઉન્ટર્સ સાધારણ નરમાઈ વચ્ચે બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ લેવાલી જળવાય હતી અને તેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર પોઝીટીવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ગગડી 18.30ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં મહ્દઅઁશે પોઝીટીવ ટ્રેન્ડ વચ્ચે ગુરુવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી અગાઉના 17624ના બંધ સામે 17748ની સપાટી પર ઓપન થયા બાદ દિવસ દરમિયાન કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. જોકે બપોર બાદ બજારમાં નવેસરથી લેવાલી જોવા મળી હતી અને જોતજોતામાં બેન્ચમાર્ક 17780ની સપાટી પાર કરી 17808ની ટોચ સુધી ટ્રેડ થયા બાદ તેની નજીક જ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17780નું સ્તર પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યું છે અને તેથી તેનું હવેનું ટાર્ગેટ ઓગસ્ટ આખરમાં જોવા મળેલી 17792ની ટોચ છે. જો આ સ્તર પાર થશે તો બેન્ચમાર્ક 18600ની ટોચ ભણી આગળ વધતો જોવા મળશે. કેમકે ચાલુ કેલેન્ડરમાં તે નોંધપાત્ર કોન્સોલિડેશન દર્શાવી ચૂક્યો છે. ભારતીય બજારમાં પોઝીટીવ સેન્ટિમેન્ટ પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડો છે. બુધવારે રાતે બ્રેન્ટ ક્રૂડ વાયદો 80 ડોલરની નીચે ઉતરી ગયો હતો. તેમજ ગુરુવારે તે વધુ નરમાઈ સૂચવી રહ્યો હતો. બીજી બાજુ વૈશ્વિક ડોલરમાં મજબૂતી છતાં રૂપિયો સ્થિરતા દર્શાવી રહ્યો છે. જેને કારણે ઈન્ફ્લેશનની ચિંતા ઘણી ખરી ઓછી બની છે. વૈશ્વિક બજારોમાં બેઝ મેટલ્સના ભાવ પણ તેમની ટોચથી તીવ્ર ઘટાડો સૂચવી રહ્યાં છે. જેની પાછળ આરબીઆઈ બે રાઉન્ડ રેટ વૃદ્ધિની શક્યતાં સામે એક જ રાઉન્ડ રેટ વૃદ્ધિ દર્શાવે તેવું પણ બની શકે છે. જોકે વૈશ્વિક બજારોમાં ઊંચી વધ-ઘટને જોતાં બજારમાં વોલેટિલિટી જળવાય શકે છે. જેથી લોંગ ટ્રેડર્સે તેમની પોઝીશનને લઈને સાવચેત રહેવાની જરૂર બની રહેશે.
ગુરુવારે બજારને બેંકિંગ અને આઈટી તરફથી મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો. બેંક નિફ્ટી 2 ટકા અથવા 753 પોઈન્ટ્સ ઉછળી 40209ની સપાટીએ બંધ રહ્યો હતો. તે લગભગ એક વર્ષ બાદ ફરી 40 હજારની સપાટી પર જોવા મળ્યો હતો. બેંક શેર્સમાં પીએસયૂ બેંક્સે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. ટોચની પ્રાઈવેટ બેંક્સે પણ સારે દેખાવ નોંધાવ્યો હતો. જેમાં એક્સિસ બેંક 3.3 ટકા, બંધન બેંક 3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.6 ટકા અને આઈડીએફસી ફર્સ્ટ બેંક 2 ટકા સુધારો દર્શાવતાં હતાં. આઈસીઆઈસીઆઈ બેંકનો શેર પ્રથમવાર રૂ. 900ની સપાટી પર જોવા મળ્યો હતો. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ બરોડા 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતી હતી. આ ઉપરાંત એસબીઆઈ, પીએનબી, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, જેકે બેંક વગેરેમાં સુધારો જોવા મળ્યો હતો. બેંક ઓફ બરોડાનો શેર છેલ્લાં લાંબા સમયની ટોચ પર ટ્રેડ થયો હતો. તે રૂ. 140ની સપાટી નજીક પહોંચ્યો હતો. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી 3120ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આઈટી કાઉન્ટર્સે બજારને સારો સપોર્ટ પૂર પાડ્યો હતો. જેમાં ટેક મહિન્દ્રા 3.2 ટકા ઉછાળે ટોચ પર હતો. આ ઉપરાંત વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ, એમ્ફેસિસમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. એફએમસીજી ઈન્ડેક્સે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં પીએન્ડજી 1.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત વરુણ બેવરેજીસ, આઈટીસી, ઈમામી અને એચયૂએલ પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે કોલગેટ, નેસ્લે અને મેરિકોમાં નરમાઈ જોવા મળી હતી. ઓટો સેક્ટરમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી નીકળી હતી. જેની પાછળ નિફ્ટી ઓટો 0.6 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.5 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે અશોક લેલેન્ડ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બેટરી કાઉન્ટર્સ એક્સાઈડ ઈન્ડ અને અમરારાજા બેટરીઝમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી અને તે એક ટકા ઘટાડે બંધ રહ્યો હતો. ઘટાડો દર્શાવવામાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સોભા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફીઅર અને ડીએલએફનો સમાવેશ થાય છે. બીજી બાજુ સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી અને ફિનિક્સ મિલ્સ સુધારો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં મેટ્રોપોલીસ હેલ્થ 6 ટકા સાથે સૌથી સારો ઉછાળો દર્શાવતો હતો. શ્રી સિમેન્ટમાં બીજા દિવસે 6 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત જેકે સિમેન્ટ, બીપીસીએલ, સિટિ યુનિયન બેંક, અંબુજા સિમેન્ટ્સ, એચપીસીએલ, જીએનએફસી, પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ભારતી એરટેલ વગેરેમાં 2 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ હિંદાલ્કો, ઈન્ટરગ્લોબ એવિએશન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ટાટા સ્ટીલ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, હેવેલ્સ ઈન્ડિયા અને આરઈસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. બ્રોડ માર્કેટ પર નજર નાખીએ તો બીએસઈ ખાતે 3589 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2089 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1437 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 221 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
ડિસે. આખર સુધી IPO મારફતે 110 અબજ ડોલર એકત્ર કરવાનો અંદાજ
ભારતમાં ટેક્નોલોજી સંબંધી કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં રિવાઈવલ લાવે તેવી શક્યતાં વચ્ચે કેલેન્ડર 2022ના બાકી રહેલા ચાર મહિનાઓમાં એશિયામાં આઈપીઓ મારફતે કુલ 110 અબજ ડોલર ઊભા કરવામાં આવે તેવો અંદાજ એચએસબીસી જોઈ રહી છે. તેણે તૈયાર કરેલા એક રિપોર્ટ મુજબ મેઈન લેન્ડ ચાઈના અને કોરિયા સિવાય તમામ શેરબજારોમાં આઈપીઓની કામગીરી ધીમી પડી ચૂકી છે. જોકે ઐતિહાસિકરીતે જોઈએ તો વર્ષનો બીજો અર્ધવાર્ષિક ગાળો કુલ આઈપીઓમાંથી ઊભા કરવામાં આવતાં નાણાનો 60 ટકા હિસ્સો ધરાવતો હોય છે. ચાલુ કેલેન્ડરના પ્રથમ છ મહિનામાં એશિયામાં આઈપીઓ મારફતે 70 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યાં હતાં. જ્યારે બાકીના છ મહિનામાં વધુ 110 અબજ ડોલર ઊભા કરવામાં આવે તેવી અપેક્ષા છે. 2020થી અત્યાર સુધીમાં ભારત સહિત એશિયામાં કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાંથી 300 અબજ ડોલરનું ફંડ ઊભું કરી ચૂકી છે. જેમાં 2021માં વિક્રમી ફંડ ઊભું કરવામાં આવ્યું હતું.
રાણા કપૂર પર સેબીએ રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ યસ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ રાણા કપૂર પર રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો છે. તેણએ એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સના ગેરિરિતીપૂર્ણ વેચાણને લઈને આ દંડ ફટકાર્યો છે. માર્કેટ રેગ્યુલેટરે તેના આદેશમાં આક્ષેપ મૂક્યો છે કે કપૂરે તેના પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટના અધિકારીઓ પર યસ બેંકના તથા વ્યક્તિગત રોકાણકારોને એટીવન બોન્ડ્સ પધરાવવા માટે ખોટી સ્કિમ બનાવવા દબાણ કર્યું હતું. બેંકની રિસ્ટ્રક્ચરિંગ સ્કિમના ભાગરૂપે યસ બેંકના એટીવન બોન્ડ્સને સંપૂર્ણપણે માંડવાળ કરવામાં આવ્યા હતા. જેને કારણે રિટેલ રોકાણકારોને જંગી નુકસાન ઉઠાવવાનું બન્યું હતું. સેબીના આદેશ મુજબ 1346 વ્યક્તિગત રોકાણકારોએ યસ બેંકના એટીવન બોન્ડ્સમાં કુલ રૂ. 679 કરોડનું રોકાણ કર્યું હતું. યસ બેંકના એટીવન બોન્ડ્સની શરૂઆત 2016માં થઈ હતી અને તે 2019 સુધી રહ્યાં હતાં.
FPIsએ ઓગસ્ટમાં ફાઈનાન્સિયલ્સ અને FMCGમાં જંગી ખરીદી નોંધાવી
ફાઈનાન્સિયલ્સમાં 1.6 અબજ ડોલરનો જ્યારે એફએમસીજીમાં 1.41 અબજ ડોલરનો ફ્લો જોવા મળ્યો
ફાર્મા સેક્ટરમાં 1.06 અબજ ડોલરની ખરીદી દર્શાવી
લગભગ 10 મહિના બાદ શેરબજારમાં જંગી રોકાણ સાથે પરત ફરેલાં વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં તેમના કુલ રોકાણનો અડધો-અડધ હિસ્સો બેંક્સ-ફાઈનાન્સિયલ્સ અને ફાસ્ટ-મુવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ(એફએમસીજી) સેક્ટરમાં રોક્યો હતો. અગ્રણી એસેટ મેનેજર કંપનીના અભ્યાસ મુજબ એફપીઆઈ તરફથી કુલ રોકાણમાંથી 1.6 અબજ ડોલરનો ઈનફ્લો ફાઈનાન્સિયલ્સમાં જોવા મળ્યો હતો. જ્યારે 1.4 અબજ ડોલર જેટલો હિસ્સો એફએમસીજી કાઉન્ટર્સમાં ગયો હતો. વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં રૂ. 51000 કરોડ(6.4 અબજ ડોલર)થી વધુનો ઈનફ્લો નોંધાવ્યો હતો. જે ડિસેમ્બર 2020માં રૂ. 60 હજાર કરોડના રોકાણ પછીનું સૌથી ઊંચું રોકાણ હતું.
વિદેશી રોકાણકારોએ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ એક અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. મોટાભાગના સેક્ટર્સમાં એફપીઆઈ તરફથી પોઝીટીવ ફ્લો નોંધાયો હતો. ફાઈનાન્સિયલ્સમાં તેમનું રોકાણ ફેબ્રુઆરી 2021 પછીનું સૌથી મોટું જોવા મળ્યું હતું. લગભગ દોઢ વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2021માં તેમણે ફાઈનાન્સિયલ્સમાં 1.96 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ફાઈનાન્સિયલ્સમાં છેલ્લાં છ મહિના દરમિયાન 6.38 અબજ ડોલરના કુલ આઉટફ્લો બાદ ઓગસ્ટમાં નોંધપાત્ર ઈનફ્લો જોવા મળ્યો હતો. છેલ્લાં એક વર્ષમાં ફાઈનાન્સિયલ્સમાં 2.4 અબજ ડોલરનો ઈનફ્લો નોંધાયો હતો. માર્કેટ એનાલિસ્ટના મતે જાન્યુઆરી 2022થી બેંકિંગ સેક્ટર ક્રેડિટ ગ્રોથમાં સતત સુધારો દર્શાવી રહ્યું છે. જુલાઈ 2022માં બેંક ક્રેડિટ ગ્રોથ 15 ટકાને પાર કરી ગયો હતો. છેલ્લાં વર્ષોમાં બેડ લોન્સથી પિડિત બેંકિંગ કંપનીઓ માટે સાઈકલ હવે તેમની તરફેણમાં જોવા મળી રહી છે. જે કારણસર વિદેશી રોકાણકારો પરત ફર્યાં છે. હજુ પણ બેંકિંગ સેક્ટર્સના વેલ્યૂએશન્સ મોંઘા નથી જણાતાં. મોટાભાગના બેંકિંગ સેક્ટર શેર્સ તેમના ઐતિહાસિક વેલ્યૂએશન્સની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. સેફહેવન તરીકે ગણાતાં કન્ઝ્યૂમર ગુડ્ઝ શેર્સ પણ વિદેશી રોકાણકારોની પસંદ બન્યાં છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે કોઈ ફાઈનાન્સિયલ ક્રાઈસિસ જેવી ઘટનાનો ડર હોય ત્યારે એફએમસીજી શેર્સ ડિફેન્સિવ પ્લે તરીકે રોકાણકારોને આકર્ષતાં હોય છે. લેહમાન બ્રધર્સ જેવી કટોકટી વખતે પણ એફએમસીજી શેર્સ પર અન્યોની સરખામણીમાં લઘુત્તમ નેગેટિવ અસર જોવા મળી હતી.
એફપીઆઈ તરફથી ઓટો અને કેપિટલ ગુડ્ઝ ક્ષેત્રે જાન્યુઆરી 2021 પછીનું બીજા ક્રમનું રોકાણ જોવા મળ્યું હતું. ઓટો ક્ષેત્રે વિદેશી રોકાણકારોએ 0.47 અબજ ડોલર અને કેપિટલ ગુડ્ઝમાં 0.42 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ઓટો ક્ષેત્રે કુલ ઈનફ્લોના 5.6 ટકા ફાળવણી માર્ચ 2019 પછી એફપીઆઈ તરફથી સૌથી ઊંચું એલોકેશન છે. દરમિયાનમાં કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં 2.5 ટકાની ફાળવણી પણ સતત ચોથા મહિને વૃદ્ધિ દર્શાવે છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં એફઆઈઆઈએ 5 કરોડ ડોલરની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. જેની પાછળ આઈટી શેર્સમાં 11-મહિનાથી જોવા મળી રહેલી વેચવાલી અટકી હતી. છેલ્લાં છ મહિનામાં આઈટી સેક્ટરમાં કુલ 4.7 અબજ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જ્યારે એક વર્ષની વાત કરીએ તો તે 10.8 અબજ ડોલર જેટલું ઊંચું વેચાણ દર્શાવે છે. જે ફાઈનાન્સિયલ સેક્ટર બાદનું બીજા ક્રમનું વેચાણ સૂચવે છે. ઓગસ્ટમાં પોઝીટીવ ફ્લો છતાં સતત પાંચમા મહિને એફપીઆઈ તરફથી આઈટી એલોકેશનમાં ઘટાડો નોંધાયો હતો. તેમજ માર્ચ 2018 પછીનું તે સૌથી નીચું એલોકેશન હતું.
ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોનું ક્ષેત્રવાર રોકાણ
સેક્ટર કુલ ઈનફ્લો(અબજ ડોલરમાં)
ફાઈનાન્સિયલ્સ 1.6
એફએમસીજી 1.41
ફાર્મા 1.06
ઓટો 0.47
કેપિટલ ગુડ્ઝ 0.42
ઓગસ્ટમાં વાહનોનું વેચાણ આંઠ ટકા વધ્યું
જોકે સારા ચોમાસા છતાં ટ્રેકટર્સનું વેચાણ 32 ટકા ગગડ્યું
2019માં સમાનગાળાની સરખામણીમાં હજુ પણ વેચાણ 7 ટકા નીચે
ઓગસ્ટ મહિનામાં દેશમાં વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 8.31 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ટ્રેકટર્સ અને ટુ-વ્હીલર્સનું વેચાણ નિરાશાજનક રહ્યું હતું તેમજ ફેસ્ટીવલ સિઝનની શરૂઆત ખાસ પ્રોત્સાહક જોવા નથી મળી એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)નું કહેવું છે.
દેશમાં ઓટો ડિલર્સ એસોસિએશનના સંગઠને ગુરુવારે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં 8.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે પેસેન્જર અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ અનુક્રમે 6.5 ટકા અને 24 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે મુખ્યત્વે એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવામાં આવતાં ટ્રેકટર્સનું વેચાણ 32 ટકા જેટલું ગગડ્યું હતું. સમગ્રતયા વાહનોના વેચાણમાં 8 ટકાથી સહેજ ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. ઓગસ્ટ મહિનાથી દેશમાં તહેવારોની સિઝનની શરૂઆત થતી હોય છે. ઓટો ડિલર્સે ગણેશ ચતુર્થીમાં નોંધપાત્ર વેચાણ વૃદ્ધિની અપેક્ષા રાખી હતી. જોકે અત્યાર સુધી તે પ્રોત્સાહક નહિ રહી હોવાનું ફાડા જણાવે છે. જો કોવિડ અગાઉના સમય સાથે સરખામણી ખરીએ તો કુલ રિટેલ સેલ્સ હજુ પણ ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ 2019ની સરખામણીમાં કુલ વેચાણ 7.45 ટકા નીચું જોવા મળી રહ્યું છે. જ્યારે પેસેન્જર વેહીકલ્સ સેલ્સ 41 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે કમર્સિયલ વેહીકલ્સ સેલ્સ ઓગસ્ટ 2019ની સરખામણીમાં 6 ટકા વૃદ્ધિ નોંધાવે છે. આ સિવાયના તમામ સેગમેન્ટ્સ વેચાણમાં ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 16 ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારે ત્રિ-ચક્રિય વાહનોનું વેચાણ 1 ટકા અને ટ્રેકટર્સનું વેચાણ 7 ટકા ઘટાડો દર્શાવે છે.
ટુ-વ્હીલર્સ સેગમેન્ટ ચિંતાનું કારણ બની રહ્યું છે. ઓગસ્ટ 2019ની સરખામણીએ ટુ-વ્હીલર્સનું વેચાણ 16 ટકા ઘટ્યું હતું જોકે ઓગસ્ટ 2021ની સરખામણીએ તે 9 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. બાઈક અને સ્કૂટરેટના ભાવોમાં તીવ્ર વૃદ્ધિને કારણે વેચાણ પર અસર પડી હોવાનું ફાડાના વર્તુળો માની રહ્યાં છે. સાથે જ ફ્યુઅલના ભાવ પણ એક અવરોધ બન્યાં હોવાનું તેઓ જણાવે છે. થ્રી-વ્હીલરનું વેચાણ ટુ-વ્હીલર્સ કરતાં સારો દેખાવ દર્શાવી રહ્યું છે અને તે ઓગસ્ટ 2019ના 56 હજાર યુનિટ્સ વેચાણના આંકડા સાથે પહોંચ્યું છે. ઈ-રિક્શામાં ઈલેક્ટ્રિફિકેશન સૌથી ઊંચું છે અને ઈ-રિક્શા ટ્રેન્ડની આગેવાની લઈ રહી છે. ગ્રાહકો પણ ઈવી પસંદ કરી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્શ્યોરન્સ કંપનીઝઃ ઓગસ્ટ મહિનામાં ઈન્શ્યોરન્સ કંપનીઓના એપીઈમાં વાર્ષિક ધોરણે 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ગ્રૂપ બિઝનેસ તરફથી મુખ્ય સપોર્ટ મળ્યો હતો. ઉપરાંત નોન-પીએઆર બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. સતત ત્રીજા મહિને યૂલિપ્સમાં ઘટાડો નોંધાયો હતો.
ભારતી એરટેલઃ દેશમાં બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર કંપનીએ જણાવ્યું છે કે તે એક મહિનામાં 5જી સર્વિસિઝની શરૂઆત કરી દેશે. જ્યારે ડિસેમ્બર 2022 સુધીમાં તે દેશના મહત્વના મહાનગરોમાં 5જી કવરેજ ધરાવતી હશે.
ઈન્ડિગોઃ પ્રાઈવેટ એરલાઈન કંપનીમાં ફાઉન્ડર એવા ગંગવાર ફેમિલીએ તેની પાસેનો 2.8 ટકા હિસ્સો બ્લોક ડિલ્સ મારફતે વેચાણ કર્યો હતો. આ બ્લોક ડીલ પાછળ કંપનીનો શેર 2 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. ગંગવાર ફેમિલિએ લગભગ રૂ. 2 હજાર કરોડ મેળવ્યાં હતાં.
જેએસડબલ્યુ ગ્રૂપઃ સ્ટીલ બિઝનેસમાં જોડાયેલું જૂથ આગામી પાંચ વર્ષોમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેએસડબલ્યુ વન પ્લેટફોર્મ્સમાં રૂ. 4 હજાર કરોડનું રોકાણ કરશે. જે બિલ્ડીંગ મટિરિયલ ઈન્ડસ્ટ્રી માટે એમેઝોન જેવું કામ કરશે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ મહિનાની આખર સુધીમાં સમગ્ર વર્ષના 30.6 કરોડ ટન ઉત્પાદનના ટાર્ગેટને હાંસલ કરે તેવી આશા છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં કંપનીનું ઉત્પાદન 4.44 કરોડ ટનની વૃદ્ધિ દર્શાવે છે. જે 21 ટકાની ઊંચી વૃદ્ધિ સૂચવે છે.
ડાઉનસ્ટ્રીમ ક્રૂડ કંપનીઝઃ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડો જળવાયો છે અને તે સાત મહિનાના તળિયા પર જોવા મળી રહ્યાં છે. જેની અસર ઓએનજીસી, આઈઓએલ જેવી ડાઉનસ્ટ્રીમ કંપનીઓ પર જોવા મળી શકે છે.
વિપ્રોઃ આઈટી સર્વિસિસ કંપનીએ બ્રાઝિલ ખાતે સર્વિસનાઉએટનાઉસ્ટુડિયો પર ફોકસ્ડ નવી ઈનોવેશન અને કો-ક્રિએશન સ્પેસ લોંચ કરી છે.
IRCTC: રેલ્વે ટિકિટીંગ અને કેટરિંગ કંપની નવી દિલ્હીમાં કમર્સિયલ બિલ્ટ-અપ સ્પેસ માટે 6 સપ્ટેમ્બરે યોજાયેલાં ઈ-ઓક્શનમાં સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે.
સુગર કંપનીઝઃ કેન્દ્ર સરકાર શેરડી આધારિત વિવિધ રો-મટિરિયલ્સમાંથી ઉત્પાદિત ઈથેનોલના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2-3ની વૃદ્ધિ કરે તેવી શક્યતાં પાછળ સુગર શેર્સમાં મજબૂતી જોવા મળી હતી.
ઝી લિમિટેડઃ એનસીએલટીએ મિડિયા કંપનીને 14 ઓક્ટોબરે શેરધારકોની બેઠક બોલાવવા માટેનો આદેશ આપ્યો છે. જેમાં સોની પિક્ચર્સ સાથેના તેના ડિલને લઈને વિચારણા કરવા જણાવ્યું છે
ડ્યુરોપ્લાય ઈન્ડસ્ટ્રીઝઃ જાણીતા રોકાણકાર પોરિન્જુ વેલિયાથ અને લિટ્ટી થોમસે ડ્યૂરોપ્લાયમાં 2.12 ટકા શેર હિસ્સો અથવા 1.58 લાખ શેર્સની ખરીદી કરી છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.