Categories: Market TipsNEWS

Market Summary 8 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


સંવતના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં તેજીવાળાઓનો હાથ ઉપર જળવાયો

બેન્ચમાર્ક નિફ્ટી શરૂઆતી તળિયાના સ્તરેથી 232 પોઈન્ટ્સના સુધારા સાથે 18 હજારને પાર કરવામાં સફળ

બેંકિંગમાં નરમાઈ વચ્ચે પીએસઈ, આઈટી, મેટલ, એનર્જી અને ઈન્ફ્રાનો સપોર્ટ સાંપડ્યો


ભારતીય શેરબજારે સંવત 2078ના પ્રથમ ટ્રેડિંગ સત્ર દરમિયાન પોઝીટીવ ટોન જાળવ્યો હતો. કામકાજની પોઝીટીવ શરૂઆત બાદ નેગેટિવ ઝોનમાં સરી પડેલું બજાર તરત ગ્રીન ઝોનમાં પરત ફરીને સુધારાતરફી બની રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 151.75 પોઈન્ટ્સના સુધારે 18068.55ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 477.90 પોઈન્ટસ વધી 60545.61ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 39 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 11 શેર્સ ઘટાડો દર્શાવતાં હતાં.

વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારમાં પણ શરૂઆતી કલાક નેગેટિવ રહ્યો હતો. જોકે તેજીવાળાઓએ બાજી સંભાળી હતી અને બાકીના સમય દરમિયાન માર્કેટ સતત સુધરતું રહ્યું હતું અને દિવસની ટોચ નજીક જ બંધ રહ્યું હતું. નિફ્ટીએ 17836 પોઈન્ટ્સના તળિયાના સ્તરેથી 232 પોઈન્ટ્સના સુધારે બંધ આપ્યું હતું. લગભગ પાંચ સત્રો બાદ તે 18 હજારની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીને સપોર્ટ આપવામાં ટાઈટન કંપની, આઈઓસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ગ્રાસિમ, કોટક મહિન્દ્રા બેંક મુખ્ય હતાં. ટાઈટન કંપનીનો શેર 4.32 ટકા ઉછળી રૂ. 2536.75ના સ્તરે બંધ રહ્યો હતો. આનાથી ઊલટું ઈન્ડસઈન્ડ બેંકમાં 11 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેને કારણે બેંક નિફ્ટી પણ નેગેટિવ બંધ રહ્યો હતો. બીજી બાજુ પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2 ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. તેણે 3028.50ની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જાહેર ક્ષેત્રની બેંક્સમાં યુનિયન બેંક 9.46 ટકા સાથે 53.80ની બે વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે કેનેરા બેંક 6.75 ટકાના ઉછાળે રૂ. 244.25ના સ્તરે બંધ રહ્યો હતો. જેએન્ડકે બેંક 5.52 ટકા, બેંક ઓફ બરોડા 3 ટકા, ઈન્ડિયન બેંક 2.14 ટકા, પીએનબી 1.19 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે પીએસયૂ બેંક અગ્રણી એસબીઆઈનો શેર 1.36 ટકા ઘટી બંધ આવ્યો હતો.

સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી એનર્જી 1.5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જેનું મુખ્ય કારણ ઓઈલ પીએસયૂ કંપનીઓના શેર્સમાં સુધારો હતો. મેટલ ઈન્ડેક્સ પણ 1.45 ટકા સુધર્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ 5.3 ટકા, વેદાંત 4 ટકા અને એનએમડીસી 2 ટકાનો સુધારો દર્શાવતો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.24 ટકાનો સુધારો દર્શાવતો હતો. જેમાં ઓએમસી કંપનીઓ ઉપરાંત બીઈએલ, એનએચપીસી, પાવર ફાઈનાન્સ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન અને એનએમડીસીનું યોગદાન મહત્વનું હતું. માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી પાછળ નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.2 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.08 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3550 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1820 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1538 તેમના અગાઉના બંધ સામે ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. 401 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 206 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં ટ્રેડ દર્શાવતાં હતાં. 272 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર જોવા મળી રહ્યાં હતાં.


સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈક્વિટી MFમાં રૂ. 40 હજાર કરોડનું ચોખ્ખું રોકાણ

શેરબજારમાં તેજી પાછળ ફંડ્સ તરફથી NFOsમાં મજબૂત ફ્લો પાછળ સ્થાનિક રોકાણકારોનું પાર્ટિસિપેશન વધ્યું

ઈનફ્લોને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરને અંતે ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સનો એસેટ બેઝ વધીને રૂ. 12.8 લાખ કરોડ પર રહ્યો

જૂન મહિનાની આખરમાં ઈક્વિટી એમએફનું એયૂએમ રૂ. 11.1 લાખ કરોડ પર હતું

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિપ મારફતે કુલ રૂ. 29883 કરોડનું રોકાણ નોંધાયું હતું, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 26571 કરોડ પર હતું.

બીજા ક્વાર્ટર દરમિયાન એમએફ ઉદ્યોગે રૂ. 99974 કરોડનો ચોખ્ખો ઈનફ્લો નોંધાવ્યો હતો, જે અગાઉના ક્વાર્ટર દરમિયાન રૂ. 69625 કરોડ પર હતો


ન્યૂ ફંડ ઓફર્સ(એનએફઓ)માં રોકાણકારો તરફથી મજબૂત ઈનફ્લો તથા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(સિપ) બુકમાં સ્થિર નાણાપ્રવાહને કારણે સપ્ટેમ્બર આખરમાં પૂરાં થયેલા ત્રણ મહિના દરમિયાન ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 40000 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું હતું. જે જૂન ક્વાર્ટર દરમિયાન જોવા મળેલા નેટ ઈનફ્લોની સરખામણીમાં બમણું હતું.

એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ(એમ્ફી)એ તૈયાર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં કુલ રૂ. 12.8 લાખ કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) જોવા મળ્યું હતું. જે જૂન ક્વાર્ટરના અંતે રૂ. 11.1 લાખ કરોડ પર હતું. આમ એક ક્વાર્ટરમાં એયૂએમમાં રૂ. 1.7 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. એમ્ફીના ડેટા મુજબ ઈક્વિટી કેટેગરીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 39,927 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જે જૂન ક્વાર્ટરમાં માત્ર રૂ. 19508 કરોડ પર હતો. આમ 100 ટકાથી પણ ઊંચી વૃદ્ધિ જોવા ણળી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી દેશમાં ઈક્વિટી ઈનફ્લોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તે અગાઉ જુલાઈ 2020થી લઈ ફેબ્રુઆરી 2021 સુધી ઈક્વિટી સ્કીમ્સમાં સતત આઉટફ્લો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ કોવિડ મહામારી પાછળ માર્ચ-એપ્રિલ 2020માં શેરબજારમાં જોવા મળેલા તીવ્ર કડાકા પાછળ રોકાણકારોમાં નવા રોકાણને લઈને જોવા મળતો ખચકાટ હતો. જોકે ફેબ્રુઆરીમાં બજેટ બાદ માર્કેટમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો અને ધીરે-ધીરે રોકાણકારો બજાર તરફ પરત વળ્યાં હતાં. ભારતીય બજારે જાન્યુઆરીથી લઈને ઓક્ટોબરના મધ્યાંતર સુધીમાં 25 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું હતું અને વૈશ્વિક હરિફો કરતાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે વૈશ્વિક રોકાણકારોની મહદઅંશે ગેરહાજરી વચ્ચે રિટેલ પાર્ટિસિપેશન પાછળ તેણે આટલો સારો દેખાવ નોંધાવ્યો હતો.

એનાલિસ્ટ્સના મતે સમગ્રતયા ડેટા સૂચવે છે કે ઈક્વિટી સ્કિમ્સ અને સિપમાં ઈનફ્લો સૂચવે છે કે મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગમાં રિટેલ પાર્ટિસિપેશન ઝડપી વધી રહ્યું છે. માત્ર ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ્સ(ઈએલએસએસ) અને વેલ્યૂ ફંડ્સને બાદ કરતાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અન્ય તમામ કેટેગરીઝમાં ઈનફ્લો જોવા મળ્યો હતો. ઈક્વિટીઝમાં જોવા મળેલા કુલ ઈનફ્લોનું 50 ટકા ફંડ એનએફઓમાં ગયું હતું. કેમકે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ માર્કેટ રેગ્યુલેટર સેબીની સ્કીમ કેટેગરાઈઝેશન નિયમો મુજબ તેમની રેંજને પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે તેમણે ઘણા થિમેટીક ફંડ્સ પણ લોંચ કર્યાં હતાં.
ઈક્વિટી ફંડ્સ કેટેગરીમાં ફ્લેક્સિ-કેપ સેગમેન્ટમાં રૂ. 18258 કરોડનો સૌથી ઊંચો ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે સેક્ટરલ ફંડ્સમાં રૂ. 10232 કરોડ અને ફોકસ્ડ ફંડ્સમાં રૂ. 4197 કરોડનો ફંડ ફ્લો નોંધાયો હતો. વધુમાં મલ્ટી-કેપ અને મીડ-કેપ ફંડ્સમાં પણ અનુક્રમે રૂ. 3716 કરોડ અને રૂ. 3000 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિપ મારફતે કુલ રૂ. 29883 કરોડનું રોકાણ નોંધાયું હતું. જે જૂન ક્વાર્ટરમાં રૂ. 26571 કરોડ પર હતું. સાથે સપ્ટેમ્બર મહિનામાં જ સિપ મારફતે રોકાણ રૂ. 10351 કરોડની વિક્રમી સપાટી પર પહોંચ્યું હતું. જે એપ્રિલમાં રૂ. 8596 કરોડ પર હતું. ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં નીચા યિલ્ડ્સ અને બેંક એફડીમાં પણ નીચા રેટને કારણે ઈક્વિટી એક પસંદગીનો એસેટ ક્લાસ બન્યો હોવાનું પણ આ પાછળનું કારણ છે. સમગ્રતયા જોઈએ તો સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મ્યુચ્યુલ ફંડ્સે રૂ. 99974 કરોડનો ચોખ્ખો ઈનફ્લો નોંધાવ્યો હતો. જે અગાઉના ક્વાર્ટર દરમિયાન રૂ. 69625 કરોડ પર હતો.


વોરેન બૂફેએ એપલના શેર્સ કરતાં બર્કશાયરના શેર બાયબેકમાં વધુ રકમ ખર્ચી

2018ના મધ્યથી અત્યાર સુધીમાં બર્કશાયરના શેરની પરત ખરીદીમાં તેમણે 20 અબજ ડોલરથી વધુ ખર્ચ્યાં છે

પીઈ ઈન્વેસ્ટર્સ તરફથી અગ્રેસિવ અભિગમને કારણે સારા ડીલ્સમાં નિષ્ફળતાથી કંપનીની જંગી રકમનો ઉપયોગ ખુદની કંપનીના બાયબેકમાં જ કર્યો


વિશ્વમાં ઈન્વેસ્ટમેન્ટ ગુરુ બોરેન બૂફેએ તાજેતરના વર્ષોમાં પોતાની કંપની બર્કશાયર હાથવે ઈન્કના શેર્સ બાયબેકમાં 20 અબજ ડોલર કરતાં પણ ઊંચી રકમ ખર્ચી છે. જે સમગ્ર કારકિર્દીમાં તેમના માટે સૌથી મોટા ઈક્વિટી બેટ ગણાતાં એપલ ઈન્ક કરતાં પણ ઊંચી રકમ છે. બર્કશાયરે કેલેન્ડર 2018ના મધ્યભાગથી અત્યાર સુધીમાં પોતાની કંપનીના શેર્સ ખરીદવા વાપરેલી રકમ ગયા વર્ષની આખર સુધીમાં એપલમાં હિસ્સો ખરીદવા માટે ચૂકવેલી રકમ કરતાં ઊંચો હતો. ત્રણ વર્ષ અગાઉ પોતાની પોલિસીમાં બદલાવથી અત્યાર સુધીમાં જોઈએ તો બૂફેએ બાયબેકમાં કુલ 51 અબજ ડોલર ઠાલવ્યાં છે. જ્યારે સપ્ટેમ્બરની આખરથી અત્યાર સુધીમાં તેમણે વધુ 1.7 અબજ ડોલરના શેર્સ ખરીદ્યાં હોવાનું જોવા મળે છે.
બર્કશાયરના ચેરમેન અને ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર બૂફેએ બનાવેલી જાયન્ટ કોન્ગ્લોમેરટનું વેલ્યૂએશન 650 અબજ ડોલરથી વધુ થવા જાય છે. જોકે આ જંગી કદને જોતાં કંપનીના ગ્રોથને આગળ લઈ જવા બૂફે એ હાથીના કદના એક્વિઝીશન(એલિફન્ટ સાઈઝ્ડ)નો વ્યૂહ અપનાવ્યો હતો. જોકે આમ કરવામાં તેમણે ભારે દબાણનો સામનો કરવાનો થઈ રહ્યો છે. પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ તરફથી આક્રમક બીડીંગને કારણે બૂફેના આકર્ષક ડીલ મેળવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. જેને કારણે તેઓએ બાયબેક્સ પર મોટો આધાર રાખવાનું બન્યું છે. જેના ભાગરૂપે બર્કશાયરની વિક્રમી સ્તરે જોવા મળતી કેશનો ઉપયોગ કરવા માટે ચાલુ વર્ષે તેમણે 20 અબજ ડોલરથી વધુની પુનઃખરીદી કરી છે.
સીએફઆરએ રિસર્ચ ખાતે એનાલિસ્ટ જણાવે છે કે બૂફેએ 20 અબજ ડોલરના મૂલ્યના શેર્સનું બાયબેક કર્યું છે. જે સૂચવે છે કે તેઓ કંપનીના ભવિષ્યને લઈને વિશ્વસ્ત છે. જોકે આનાથી વિપરિત શક્યતામાં કંપની એક્વિઝિશન્સ માટેની તેની જરૂરિયાતને પૂરી કરવામાં સક્ષમ નથી જોવા મળી રહી. અગાઉ બૂફે મોટા ડિલ્સ પસંદ કરતાં હતાં તેમજ બર્કશાયરના પોતાના શેર્સ બાયબેક કરવાના બદલે અન્ય કંપનીઓના શેર્સ ઝડપવાનું પસંદ કરતાં હતાં. જોકે તાજેતરમાં તેમણે પોતાના અભિગમના તબદિલી લાવવાની ફરજ પડી છે. 2018માં કંપનીના બોર્ડે બાયબેક્સ પરની મર્યાદાને દૂર કરી હતી. જેણે બૂફે અને તેના લાંબા સમયના બિઝનેસ પાર્ટનર ચાર્લી મૂંગેરને માટે બાયબેક માટે માર્ગ મોકળો કર્યો હતો.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં ઉછાળો

સરકાર તરફથી એર ઈન્ડિયાના તરફથી એટીએફ માટે લેવાના નીકળતાં નાણા પેટે સરકાર તરફથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રૂ. 3500-4000 કરોડની રાહત આપવામાં આવે તેવા અહેવાલ પાછળ પીએસયૂ રિફાઈનીંગ કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં એચપીસીએલનો શેર 7.42 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો અને પાંચ વર્ષોથી વધુની ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 23.90ના સુધારે રૂ. 345.80 પર બંધ રહ્યો હતો. જ્યારે આઈઓસીનો શેર 4.31 ટકા ઉછળી રૂ. 140.45ના સ્તરે બંધ રહ્યો હતો. આગામી કેટલાક મહિનાઓમાં પ્રાઈવેટાઈઝેશન પામનારી બીપીસીએલનો શેર પણ 2.86 ટકાના સુધારે રૂ. 431.75ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એમઆરપીએલનો શેર 1.71 ટકા સુધારા સાથે રૂ. 50.60 પર બંધ જોવા મળ્યો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એર ઈન્ડિયા પાસેથી રૂ. 4 હજાર કરોડ આસપાસની રકમ લેવાની બને છે.

ચીને ઓક્ટોબરમાં વિક્રમી ટ્રેડ સરપ્લસ નોંધાવ્યું

વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનમાં અવરોધો વચ્ચે ચીને ઓક્ટોબર મહિના માટે વિક્રમી ટ્રેડ સરપ્લસ નોંધાવ્યું છે. ડોલર સંદર્ભમાં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે 27.1 ટકા ઉછળી 300.2 અબજ ડોલર પર રહી હતી. જે સતત 13મા મહિને નિકાસમાં દ્વિઅંકી વૃદ્ધિ દર સૂચવે છે. અર્થશાસ્ત્રીઓ 22.8 ટકા વૃદ્ધિ દરની અપેક્ષા રાખી રહ્યાં હતાં. જેની સામે ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. ઓક્ટોબર મહિનામાં આયાત 20.6 અબજ ડોલર વૃદ્ધિ દર્શાવતી હતી. જેની પાછળ કુલ ટ્રેડ સરપ્લસ 84.54 અબજ ડોલર રહી હતી. ચીનનો વેપાર વૃદ્ધિ દર કોવિડ અગાઉના સ્તરે જોવા જળવાયો છે. ઓક્ટોબરમાં તેની નિકાસ 2020ના તમામ મહિનાઓ કરતાં ઊંચી જોવા મળી છે. જોકે ઓક્ટોબર મહિનામાં ચીનની ક્રૂડ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2018 બાદની ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ સરકારી રિફાઈનર્સે ક્રૂડના ઊંચા ભાવોને ધ્યાનમાં રાખતાં તેમની અટકાવેલી ખરીદી હતું. જ્યારે ખાનગી રિફાઈનરીઓને સરકારે મર્યાદિત ક્વોટા આયાત કરવા માટેની જ છૂટ આપી હતી.

બાઈજુસે ડેટ મારફતે 1.2 અબજ ડોલર ઊભા કર્યાં

દેશમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતાં સ્ટાર્ટઅપ બાઈજુસે ટર્મ લોન બી(ટીએલબી) ફંડિંગ રાઉન્ડ મારફતે 1.2 અબજ ડોલર ઊભા કર્યાં છે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપની 50 કરોડ ડોલર ઊભા કરવાનું આયોજન ધરાવતી હતી. જોકે રોકાણકારોના ઊંચા એપેટાઈટને કારણે ઊંચી રકમ ઊભી કરવામાં આવી હતી. કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે આ રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુ માટે કરશે. ટીએલબીને વૈશ્વિક સંસ્થાકિય રોકાણકારો તરફથી સિનિયર સિક્યોર્ડ સિન્ડિકેટેડ ક્રેડિટ ફેસિલિટી રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ રાઉન્ડ સાથે બાઈજુસ ભારતમાં ટીએલબી મારફતે ફંડ ઊભું કરનાર બીજી કંપની બની છે. અગાઉ ઓયોએ પણ ટીએલબી મારફતે ફંડ મેળવ્યું હતું.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

7 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

7 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

7 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

7 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

7 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

7 months ago

This website uses cookies.