Market Summary 8 August 2022

માર્કેટ સમરી

 

 

વૈશ્વિક સ્તરે પીછેહઠ વચ્ચે ભારતીય બજારની આગેકૂચ જારી

નિફ્ટી 17500ની સપાટીને પાર કરવામાં સફળ

વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા સુધરી 19.30ના સ્તરે

મેટલ, એનર્જી, ઓટો અને બેંકિંગમાં મજબૂતી

બ્રોડ માર્કેટમાં લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ

પ્રતિકૂળ પરિણામો પાછળ એસબીઆઈ 2 ટકા તૂટ્યો

અદાણી એન્ટરપ્રાઈઝે રૂ. 2800ની સપાટી દર્શાવી

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી

 

વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે આગેકૂચ જાળવી રાખતાં નવા સપ્તાહની પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક્સ તેમની ચાર મહિનાની ટોચ પર પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 465 પોઈન્ટ્સ ઉછળી 58853ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50એ 128 પોઈન્ટ્સના સુધારે 17500નું સ્તર પાર કરી 17525ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 17 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. એક કાઉન્ટર ફ્લેટ બંધ સૂચવતું હતું. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા મજબૂતી સાથે 19.30ના સ્તરે બંધ રહ્યો હતો.

સોમવારે એશિયન બજારોમાં નરમ ટ્રેડ વચ્ચે ભારતીય બજારે ફ્લેટ-ટુ-પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. જોકે શરૂઆતી મિનિટ્સમાં નિફ્ટી અગાઉના બંધની સરખામણીમાં 40 પોઈન્ટ્સ જેટલો નેગેટીવ બન્યા બાદ દિવસ દરમિયાન સતત સુધરતો રહ્યો હતો અને એક તબક્કે 17549ની ચાર મહિનાની ટોચ પર ટ્રેડ થયા બાદ 17500 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ બેન્ચમાર્કમાં હવે 17700ની નવી સપાટીનો ટાર્ગેટ જોઈ રહ્યાં છે. શોર્ટ-ટર્મમાં માર્કેટ ઓવરબોટ હોવાના કારણે તે ઈન્ટ્રા-ટે વોલેટિલિટી દર્શાવી શકે છે. જોકે શોર્ટ ટ્રેડ કરવામાં ઉતાવળ ના કરવી જોઈએ એમ તેઓ જણાવે છે. ક્રૂડના ભાવમાં નરમાઈ અને રૂપિયામાં સ્થિરતાને જોતાં ભારતીય બજાર વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જાળવી રાખવા સાથે નવી ટોચ ભણી આગેકૂચ જાળવે તેમ ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. તેમના મતે 2022ની આખર પહેલા નિફ્ટી 18600ની ટોચને પાર કરી 19 હજારનું સીમાચિહ્ન હાંસલ કરી શકે છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો પણ ભારતીય બજારમાં પરત ફર્યાં છે. જ્યારે સ્થાનિક રિટેલ ફંડ ફ્લો પણ પોઝીટીવ જોવા મળી રહ્યો છે.

માર્કેટને સોમવારે સપોર્ટ કરવામાં મેટલ, એનર્જી, ઓટો અને બેંકિંગ મુખ્ય હતાં. નિફ્ટી મેટલ 1.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સને સપોર્ટ કરવામાં અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, એનએમડીસી, નાલ્કો, વેદાંત અને મોઈલ મુખ્ય હતાં. નિફ્ટી એનર્જી 1.2 ટકા સુધારો સૂચવતો હતો. અદાણી ગ્રીન, એનટીપીસી, રિલાયન્સ અને ગેઈલના ભાવમાં સુધારા પાછળ એનર્જી બાસ્કેટ મજબૂતી દર્શાવતું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.31 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો એક ટકા સુધારો દર્શાવતો હતો. જેની પાછળ એમએન્ડએમનું યોગદાન મુખ્ય હતું. કંપનીનો શેર રૂ. 1280ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 3.3 ટકા ઉછાળે રૂ. 1276.70ની સપાટીએ બંધ રહ્યો હતો. ઓટો ક્ષેત્રે એમએન્ડએમ આઉટપર્ફોર્મર બની રહ્યો છે. 52-સપ્તાહના તળિયાથી તે લગભગ બમણો સુધારો દર્શાવી રહ્યો છે. મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર જેવા કાઉન્ટર્સ પણ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. ટીવીએસ મોટરે નવી સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેંક નિફ્ટી શુક્રવારે 38 હજારની નીચે ઉતરી ગયા બાદ સોમવારે ફરી તેની પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ઈન્ડેક્સ 0.84 ટકા સુધારે 38237.40ની સપાટી પર બંધ દર્શાવતો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંકે 2.9 ટકા, એચડીએફસી બેંકે 2.5 ટકા, એક્સિસ બેંકે 2.4 ટકા અને ઈન્ડસઈન્ડ બેંકે 1.34 ટકા સુધારા સાથે મહત્વનું યોગદાન આપ્યું હતું. બીજી બાજુ એસબીઆઈ વિપરીત પરિણામો પાછળ 2 ટકા ઘટાડે રૂ. 520.40ની સપાટીએ બંધ રહ્યો હતો. પીએનબીમાં પણ નરમાઈ જોવા મળી હતી.

એનએસઈ ડેરિવેટિવ્સમાં કેટલાંક કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેમાં હિંદુસ્તાન એરોનોટિક્સ 8.11 ટકા ઉછાળે રૂ. 2174ની ટોચ દર્શાવી રૂ. 2159.25ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત સિમેન્સ, મહાનગર ગેસ, પિરામલ એન્ટરપ્રાઝિસ, કોલ ઈન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, બજાજ ફિનસર્વ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ગુજરાત ગેસ અને હિંદાલ્કોમાં 2.6 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. આનાથી ઊલટું એચપીસીએલ 4.7 ટકા, આલ્કેમ લેબ 4.1 ટકા, બીપીસીએલ 3.2 ટકા, મેક્સ ફાઈનાન્સિયલ 3.2 ટકા, પેટ્રોનેટ એલએનજી 2.41 ટકા અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ 2.1 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈ ખાતે અનેક કાઉન્ટર્સે નવી ટોચ દર્શાવી હતી. જ્યારે ઝેનસાર ટેક્નોલોજી અને એલેમ્બિક ફાર્માએ વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. બ્રોડ માર્કેટની વાત કરીએ તો 3670 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1942 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1556 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 141 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 42 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ પર જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. 172 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સ્તરે ફ્લેટ જોવા મળ્યાં હતાં.

 

 

લેન્ડર્સે સ્પાઈસ જેટમાં એક્સપોઝરને હાઈ-રિસ્ક કેટેગરીમાં મૂકી

IDFC ફર્સ્ટ બેંક, ઈન્ડિયન બેંક અને યસ બેંકે એરલાઈન કંપનીની લોન સામે ખતરો દર્શાવ્યો

 

પ્રાઈવેટ લેન્ડર્સ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને યસ બેંક તથા જાહેર ક્ષેત્રની બેંક ઈન્ડિયન બેંકે ઉડ્ડયન કંપની સ્પાઈસ જેટમાં તેમની લોનને હાઈ-રિસ્ક કેટેગરીમાં મૂકી હોવાનું એક જાણકાર વર્તુળો જણાવે છે. ખાનગી ઉડ્ડયન કંપનીના કેશ ફ્લોને લઈને ધિરાણદાતાઓ ચિંતિત છે અને તેમણે બજેટ એરલાઈન કંપની તરફથી લોનની પરત ચૂકવણીને લઈને ખાતરી માટે બેઠક યોજી હોવાનું જાણવા મળે છે. સ્પાઈસ જેટને કેટલાક એરક્રાફ્ટ લેસર્સમાં પેમેન્ટ્સમાં વિલંબ થયો હોવાનું તેઓ ઉમેરે છે. સોમવારે સ્પાઈસ જેટનો શેર 4.8 ટકા તૂટ્યો હતો.

ગયા સપ્તાહે એવિએશન રેગ્યુલેટરે સેફ્ટીના કારણોસર આઁઠ સપ્તાહ માટે સ્પાઈસ જેટની મંજૂરી ધરાવતી ફ્લિટની સંખ્યામાં 50 ટકા ઘટાડો કર્યો હતો. લેસર્સે ચાર વિમાનોના પુનઃરજિસ્ટ્રેશન માટે ઔપચારિક અરજીઓ કરી હતી. ઊંચા ફ્યુઅલના ભાવો વચ્ચે એરલાઈન્સની ટાઈટ લિક્વિટી સ્થિતિને કારણે ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ રાકેશ ઝૂનઝૂનવાલા પ્રમોટેડ આકાશ એરને કારણે સ્પર્ધામાં વૃદ્ધિ નોંધાઈ છે. એક વર્તુળના જણાવ્યા મુજબ મહામારી બાદ અર્નિંગ્સ પર દબાણ બાદ સ્પાઈસ જેટ તરફથી કોઈ પોઝીટીવ અહેવાલ નથી. એરલાઈનનું ભવિષ્ય પ્રોત્સાહક નથી જણાતું એમ વર્તુળો જણાવે છે. જોકે સ્પાઈસ જેટના જણાવ્યા પ્રમાણે કોઈપણ બેંકે તેના એકાઉન્ટને હાઈ એલર્ટ પર નથી મૂક્યું. એરલાઈનમાં ચેરમેન અજય સિઁઘ અને તેમના પત્ની 59 ટકા હિસ્સો ધરાવે છે. જૂનની આખરમાં તેમણે 26 ટકા હિસ્સો પ્લેજ કર્યો હતો.

 

 

ડોલર સામે રૂપિયો 41 પૈસા ગગડ્યો

સોમવારે શેરબજારમાં મજબૂતી વચ્ચે ડોલર સામે ભારતીય રૂપિયો 41 પૈસા ગગડી 79.65ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ડિલર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક ક્રૂડના નીચા ભાવ અને ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે રૂપિયામાં ઘટાડો મર્યાદિત જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ સત્રમાં રૂપિયો 79.50ના સ્તરે નરમ ઓપનીંગ બાદ 79.45થી 79.65ની રેંજમાં અથડાયો હતો અને દિવસના તળિયા પર જ બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે તે 79.24ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાઓના નેટ ઈનફ્લો બાદ પણ રૂપિયામાં છેલ્લાં ત્રણ સત્રોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

 

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં FPIsની રૂ. 14 હજારની ખરીદી

જુલાઈ મહિનામાં લાંબા સમય પછી ચોખ્ખી ખરીદી દર્શાવનાર વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રૂ. 14 હજારની ચોખ્ખી ખરીદી સાથે આક્રમક શરૂઆત કરી છે. જુલાઈમાં તેમના તરફથી જોવા મળેલા રૂ. 4900 કરોડના નેટ ઈનફ્લોની સરખામણીમાં તે લગભગ બે ગણી વૃદ્ધિ દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ સ્થાનિક બજારમાં ઊંચી ખરીદી કરી છે. માર્કેટ વર્તુળોના મતે ભારતીય રૂપિયામાં ડોલર સામેની ખરાબી લગભગ પૂર્ણ થઈ ચૂકી હોવાનું પણ વિદેશી રોકાણકારોને જણાય રહ્યું છે અને તેથી જ તેઓ વર્તમાન સપાટીએ ખરીદી માટે ફરીથી પ્રવેશ્યાં છે. એફપીઆઈ તરફથી જોવા મળતી તીવ્ર લેવાલી સૂચવે છે કે તેઓ ભારતીય બજારમાં એક લાંબા વિરામ બાદ ફરીથી ખરીદી માટે તૈયાર બન્યાં છે.

 

સેબીએ એપ્રિલથી જુલાઈમાં 28 IPOsને આપેલી મંજૂરી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિનામાં કુલ 28 કંપનીઓને પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશ માટે મંજૂરી આપી હતી. જેઓ બજારમાંથી કુલ રૂ. 45 હજાર કરોડની રકમ એકત્ર કરવાનો ઈરાદો ધરાવતી હતી. ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં 11 જેટલી કંપનીઓ બજારમાં પ્રવેશી ચૂકી છે અને રૂ. 33 હજાર કરોડ ઊભા કરી ચૂકી છે. સેબી તરફથી મંજૂરી મેળવનારી કંપનીઓમાં લાઈફસ્ટાઈલ રિટેલ બ્રાન્ડ ફેબઈન્ડિયા, ટીવીએસ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, આધાર હાઉસિંગ ફાઈનાન્સ, મેક્લોઈડ ફાર્માસ્યુટિકલ્સ અને કિડ્સ ક્લિનિક ઈન્ડિયા જેવા નામોનો સમાવેશ થાય છે.

 

 

 

બ્રોકર્સને બાજુ પર રાખી સ્ટોક પેમેન્ટ સિસ્ટમ માટે સેબીની વિચારણા

પ્રાઈમરી માર્કેટમાં લાગુ ‘ASBA’ને સેકન્ડરી માર્કેટમાં પણ લાગુ પાડવાનો માર્કેટ રેગ્યુલેટરનો ક્રાંતિકારી વિચાર

આમ થશે તો ટ્રેડ પૂરો થયા બાદ ક્લાયન્ટ્સના ખાતામાંથી નાણા બ્રોકર પાસે ગયા વિના સીધા જ સેટલમેન્ટમાં જશે

 

માર્કેટ રેગ્યુલેટર સેબી એક ક્રાંતિકારી વિચાર પર કામ કરી રહી છે. સ્ટોક માર્કેટ ટ્રેડ્સમાં વર્તમાન પેમેન્ટ મિકેનીઝમને ધરમૂળથી બદલતાં આ ખ્યાલમાં સેબી બ્રોકર્સને વચ્ચે લાવ્યા વિના ટ્રેડ પૂરો થાય ત્યારબાદ ક્લાયન્ટ્સના ખાતામાંથી નાણા સીધા જ સેટલમેન્ટમાં જાય તેવી વ્યવસ્થા માટેની શક્યતાંઓ શોધી રહી છે. હાલમાં સેબી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મધ્યસ્થીઓ સાથે આમ થઈ શકે એમ છે કે નહિ તે માટે ચર્ચા-વિચારણા ચલાવી રહી હોવાનું ત્રણ વર્તુળો જણાવે છે.

હાલમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રાઈમરી માર્કેટમાં અથવા તો આઈપીઓ માર્કેટમાં અસ્તિત્વમાં છે. સેબી આ જ ‘ફંડ બ્લોકિંગ મિકેનીઝમ’ સેકન્ડરી માર્કેટમાં લાગુ પાડવા ઈચ્છે રહી છે. એસ્બા અથવા તો એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ તરીકે જાણીતી આ પધ્ધતિ આઈપીઓમાં રોકાણ માટે ફરજિયાત છે. આ પધ્ધતિ હેઠળ આઈપીઓ રોકાણકાર તેની સંબંધિત બેંકને આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ માટે નાણા બ્લોક કરવાની સૂચના આપે છે. સેકન્ડરી માર્કેટમાં પણ અસ્બા પ્રક્રિયાને લંબાવવા પાછળનો સેબીનો મુખ્ય હેતુ બ્રોકર્સ દ્વારા ક્લાયન્ટ્સના નાણાનું સંચાલન લઘુત્તમ બને તે માટેનો છે. સાથે ટ્રેડ સેટલમેન્ટ પ્રોસેસ પણ ઝડપી બને તે આ વિચાર પાછળનો એક હેતુ છે. હાલમાં ડ્રોઈંગ બોર્ડ પર એવા આ પ્રસ્તાવ પર સેબી, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એનપીસીઆઈ) અને શેરબજારોના ક્લિઅરીંગ કોર્પોરેશન વચ્ચેની બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હોવાનું વર્તુળો જણાવે છે. રેગ્યુલેટરે આ વિચારના અમલ સામે રહેલા અવરોધોને દૂર કરવા માટે વર્કિંગ ગ્રૂપની રચના કરી હોવાનું પણ જાણવા મળે છે. હાલની વ્યવસ્થમાં સેકન્ડરી માર્કેટમાં સેટલમેન્ટ પ્રોસેસ માટે ક્લિઅરીંગ કોર્પોરેશન અને ઈન્વેસ્ટર્સ વચ્ચે પેમેન્ટ્સ માટે બ્રોકર્સ કો-ઓર્ડિનેટ કરતાં હોય છે. રોકાણકારે શેર ખરીદવા માટે બ્રોકર્સને ફંડ આપવું પડે છે. જે આ ફંડને ક્લિઅરીંગ કોર્પોરેશનને ટ્રાન્સફર કરે છે. આ સમગ્ર ઘટનાને નજીકથી જોઈ રહેલા વર્તુળ જણાવે છે કે શરૂઆતી વાતચીત થઈ ચૂકી છે. આ સમગ્ર પ્રક્રિયામાં એકથી વધુ પક્ષો સંડોવાયેલા છે અને તેથી આર્કિટેક્ચરને આખરી ઓપ આપવાનો બાકી છે. શરૂઆતમાં આ નિર્ણયને ફરજિયાત બનાવવામાં નહિ આવે. સેબી શરૂઆતમાં સેકન્ડરી માર્કેટમાં શેરની ખરીદી માટે નાણા બ્લોક કરવા કે નહિ તેનો નિર્ણય ઈન્વેસ્ટર્સ પર છોડશે. આઈપીઓમાં એસ્બા સિસ્ટમ એપ્લિકેશનમાં નિર્ધારિત રકમને બ્લોક કરે છે અને એલોટમેન્ટ પ્રોસેસ બાદ રોકાણકારને જેટલા શેર્સ ફાળવવામાં આવે છે તેટલા શેર્સની રકમ બ્લોક્ડ એમાઉન્ટમાંથી કાપી બાકીના નાણા છૂટા કરે છે. માર્કેટ મધ્યસ્થીઓના મતે સ્ટોક માર્કેટ સેટલમેન્ટમાં એસ્બા લાગુ પાડવાની સેબીની વિચારણા બ્રોકર્સને સમગ્ર પેમેન્ટ પ્રક્રિયામાંથી બાયપાસ કરવાનો છે. આમ કરવાથી બ્રોકર્સની ભૂમિકા માત્ર એક ટ્રેડ એક્ઝિક્યૂટર તરીકેની જ રહી જશે. જેને કારણે બ્રોકર સમુદાયનો એક વર્ગ આ વિચારણાનો વિરોધ પણ કરી રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં કાર્વી સ્ટોક બ્રોકિંગ જેવી નામી કંપની તરફથી ગ્રાહકોના નાણા અને સિક્યૂરિટીઝને ઉડાવી જવાની ઘટના જોવા મળી છે અને તેથી સેબી ગ્રાહકોના હિતમાં નિયમોને કડક બનાવી રહી છે.

સેબીના મુખ્ય ઉદ્દેશો

  • રોકાણકારોના નાણાનો લઘુત્તમ દૂરુપયોગ થાય
  • સેબીએ રોકાણકારોના ફંડ્સના સામાન્યીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે
  • સેકન્ડરી માર્કેટમાં એસ્બાને કારણે ફંડના દુરુપયોગની શક્યતાં ઘટશે
  • સેબી, એનપીસીઆઈ અને ક્લિઅરીંગ કોર્પોરેશને પ્રસ્તાવ પર કરેલી વિચારણા

 

 

 

IOC, HPCL અને BPCLએ રૂ. 18 હજાર કરોડની વિક્રમી ખોટ નોંધાવી

પેટ્રોલ, ડિઝલ અને એલપીજીના ભાવો સ્થિર રખાતાં કંપનીઓનું માર્જિન ધોવાયું

 

જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં સંયુક્તપણે રૂ. 18480 કરોડની ખોટ દર્શાવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને પેટ્રોલ, ડિઝલ અને ડોમેસ્ટીક એલપીજી પરના માર્કેટિંગ માર્જિન ધોવાઈ જવાના કારણે તગડું નુકસાન ઉઠાવવાનું બન્યું હોવાનું સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. વૈશ્વિક ક્રૂડના ભાવમાં તીવ્ર વૃદ્ધિ છતાં સરકારે પેટ્રોલિયમ પેદાશોના છૂટક ભાવોમાં વૃદ્ધિ થવા દીધી નહોતી.

કંપનીઓએ વિક્રમી રિફાઈનીંગ માર્જિનમાંથી આ નુકસાન ઉઠાવ્યું હતું. સામાન્યરીતે વૈશ્વિક સ્તરે ભાવમાં વધ-ઘટ સાથે આયાત ખર્ચમાં થતાં ફેરફારને આધારે આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલે દૈનિક ધોરણે ભાવમાં સુધારો કરવાનો થતો હોય છે. જોકે આંતરરાષ્ટ્રીય ભાવમાં વૃદ્ધિ છતાં ચાર મહિના સુધી પેટ્રોલ અને ડિઝલના કંપનીઓએ ભાવમાં કોઈ સુધારો નહોતો કર્યો. તેમણે કુકીંગ ગેસ એલપીજીના રેટ્સમાં પણ ખર્ચમાં વૃદ્ધિ સાથે ફેરફાર નહોતો કર્યો. આઈઓસીએ 29 જુલાઈના રોજ જૂન ક્વાર્ટર માટેના પરિણામોમાં રૂ. 1995.3 કરોડનું ચોખ્ખું નુકસાન નોંધાવ્યું હતું. ગયા શનિવારે એચપીસીએલે રૂ. 10,196.94 કરોડની ખોટ જ્યારે બીપીસીએલે રૂ. 6290.8 કરોડની ખોટ દર્શાવી હતી. આમ સંયુક્તપણે તેમણે રૂ. 18480.27 કરોડની ખોટ દર્શાવી હતી. જે વર્ષો અગાઉ પેટ્રોલ અને ડિઝલના ભાવ જ્યારે સરકાર દ્વારા સંપૂર્ણપણે અંકુશિત હતાં તે વખતના સમયગાળા કરતાં પણ ઊંચી હોવા સાથે વિક્રમી ત્રિમાસિક ખોટ છે. સરકાર એ વખતે ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સબસિડી ચૂકવતી હતી. કંપનીઓએ એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભાવમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. ક્વાર્ટર દરમિયાન ભારતની ક્રૂડ ઓઈલ આયાત બાસ્કેટની સરેરાશ પડતર 109 ડોલર પ્રતિ બેરલ રહી હતી. જ્યારે રિટેલ પંપના રેટ્સ 85-86 ડોલર પ્રતિ બેરલના ખર્ચ આધારે નિર્ધારિત કરવામાં આવ્યાં હતાં. સરકારે જણાવ્યું હતું કે ઓઈલ કંપનીઓ તેમની રીતે રિટેલ પ્રાઈસમાં સુધારો કરવા માટે મુક્ત છે. જોકે આમ છતાં કંપનીઓએ તેમના માર્કેટિંગ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. આ માટેનું તેમણે કોઈ કારણ પણ નહોતું જણાવ્યું. સામાન્યરીતે ઓઈલ કંપનીઓ ઈમ્પોર્ટ પેરિટી રેટ્સને આધારે રિફાઈનરી ગેટ પ્રાઈસની ગણતરી કરતી હોય છે, પરંતુ જો માર્કેટિંગ ડિવિઝન ઈમ્પોર્ટ પેરિટી કરતાં નીચા ભાવે પ્રોડક્ટ્સનું વેચાણ કરે તો નુકસાન ઊઠાવતી હોય છે. જાહેર ક્ષેત્રના ફ્યુઅલ રિટેલર્સ આંતરરાષ્ટ્રીય ખર્ચ સાથે દૈનિક ધોરણે તેમના રેટ નક્કી કરે છે. જોકે દેશમાં જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે તેઓ ચોક્કસ સમયગાળા માટે ભાવને બાંધેલા રાખે છે. એક બ્રોકરેજના જણાવ્યા મુજબ ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલમાં પડતર સામે પ્રતિ લિટર રૂ. 12-14ના નુકસાન સાથે વેચાણ કર્યું હતું.

 

 

કોર્પોરેટ હેડલાઈન્સ

 

આઈઆરબી ઈન્ફ્રાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 363.2 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 72 કરોડની સામે 400 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1625.7 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1924.6 કરોડ રહી હતી.

આઈઓબીઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 392 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 327 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 17 ટકા સુધરી ગયા વર્ષે રૂ. 1497 કરોડની સરખામણીમાં રૂ. 1754 કરોડ રહી હતી. જે ગયા વર્ષ

રેમન્ડઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 80.90 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 156.51 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 825.7 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1728 કરોડ રહી હતી.

બાલમેર લોરીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 56.1 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 36.7 કરોડની સામે 52.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 486.1 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 648 કરોડ રહી હતી.

ફિનકેર એસએફબીઃ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંકે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. બેંક ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 625 કરોડ ઊભા કરશે. જ્યારે અન્ય હિસ્સો ઓફર ફોર સેલનો હશે. બેંક રૂરલ અને સેમી-અર્બન વિસ્તારોમાં અનબેંક્ડ ગ્રાહકોને બેંકિંગ સેવા પૂરી પાડતી ડિજિટલ-ફર્સ્ટ સ્મોલ બેંક છે. હાલમાં બેંકમાં ફિનકેર બિઝનેસ સર્વિસિસ 78.58 ટકા સાથે સૌથી મોટો શેરહોલ્ડર છે. જે ઉપરાંત વાગ્નેર, ટ્રૂ નોર્થ ફંડ વી એલએલપી, ઓમેગા ટીસી હોલ્ડિંગ્સ વગેરે શેરધારકો છે.

ટીસીઆઈએલઃ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 77 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 48 કરોડ સામે 58 ટકા વૃદ્ધિ નોંધાવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 32 ટકા વધી રૂ. 807 કરોડ રહી હતી. જ્યારે તેનો એબિટા રૂ. 82 કરોડથી વધી રૂ. 115 કરોડ રહ્યો હતો. નફા માર્જિન 7.9 ટકાથી વધી 9.5 ટકા રહ્યું હતું.

બીએલએસ ઈન્ટરનેશનલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 30.5 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20.3 કરોડની સામે 50 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 178.5 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 272.8 કરોડ રહી હતી.

એથર એનર્જીઃ ટોચના ઈલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદકે ગુજરાતમાં 450X Gen-3 લોન્ચ કર્યું છે. જે 3.7 kWh બેટરીથી સજ્જ વધુ પાવર ધરાવવા સાથે 146 કિલોમીટરની ARAI- સર્ટિફાઇડ રેન્જ અને 105 કિલોમીટરની ટ્રૂરેંજ ટીએમ આપે છે. કંપની રાજ્યમાં ઝડપથી તેની ફૂટપ્રિન્ટ વિસ્તારી રહી છે.

કેમ પ્લાસ્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 40.6 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28.8 કરોડની સામે 41 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 960.4 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1411.3 કરોડ રહી હતી.

બેનેલીઃ સુપરબાઈક્સ કંપનીએ ગુજરાતમાં વિસ્તરણ કરતાં અમદાવાદમાં તેની નવી ડિલરશીપ શરૂ કરી છે. નવી શોપ સેલ્સ, સર્વિસ અને સ્પેર્સને સપોર્ટ કરશે સાથે હંગેરિયન માર્કી કિવે પ્રોડક્ટ્સ પણ રજૂ કરશે. આ સાથે કંપની 52 ટચ પોઈન્ટ્સનું નેટવર્ક ધરાવતી થઈ છે.

વેસ્ટકોસ્ટ પેપરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 185.3 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32 કરોડની સામે 500 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 537.6 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1114.2 કરોડ રહી હતી.

વિનતી ઓર્ગેનિક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 101.2 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 80.9 કરોડની સામે 25.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 386.4 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 506.3 કરોડ રહી હતી.

કરૂર વૈશ્ય બેંકઃ આરબીઆઈએ રેપો રેટ વધાર્યાં બાદ પ્રાઈવેટ બેંકે રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ્સ 50 બેસીસ પોઈન્ટ્સ વધારી 8.45 ટકા કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage