Categories: Market TipsNEWS

Market Summary 7 October 2022

બ્લોગ કન્ટેન્ટ

વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે દિશાહિન મૂવમેન્ટ
યુએસ માર્કેટમાં એકાંતરે દિવસે બદલાતો ટ્રેન્ડ
નિફ્ટી 17300ના સ્તરને જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 18.81ના સ્તરે
આઈટી, એફએમસીજી, મેટલ, ફાર્મા અને બેંકિંગ નરમ
એનર્જી, પીએસઈ સેક્ટરમાં મજબૂતી
મઝગાંવ ડોક, કોચીન શીપયાર્ડમાં આગેકૂચ જારી
મોતીલાલ ઓસ્વાલ ફાઈ. સર્વિસે વાર્ષિક તળિયું બનાવ્યું

શેરબજારો દિશાહિન ટ્રેન્ડમાંથી પસાર થઈ રહ્યાં છે. મધર માર્કેટ એવા યુએસ બજારોમાં એકાંતરે દિવસે બે બાજુની વધ-ઘટ વચ્ચે અન્ય માર્કેટ્સ પણ રેંજ બાઉન્સ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. શુક્રવારે ભારતીય બજારે બે બાજુની મૂવમેન્ટ વચ્ચે સાધારણ નેગેટિવ બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 31 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 58191ની સપાટીએ જ્યારે નિફ્ટી 17 પોઈન્ટ્સ ગગડી 17315 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં લેવાલીના અભાવે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 29 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે સુધારો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ સારી હતી. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 18.81ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 17331ના અગાઉના બંધ સામે 17287ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 17337 પર ટ્રેડ થયા બાદ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. તેણે 17300ની સપાટી જાળવી રાખી હતી. ઈન્ટ્રા-ડે ધોરણે પણ તે 17200ની નીચે ટ્રેડ નહોતો થયો. આમ આ રેંજમાં તેને મહત્વનો સપોર્ટ છે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. જો બેન્ચમાર્ક 17 હજારની સપાટી તોડશે તો જ ચિંતા કરવાનું બનશે. તે સ્થિતિમાં 16800નું સ્તર મહત્વનું બની રહેશે. જે તૂટશે તો 16400 સુધીનો ઘટાડો સંભવ છે. જ્યારે બીજી બાજુ 17400 ઉપર 17600 અને પચી 17800ના લેવલ્સ જોવા મળી શકે છે. અગાઉ દિવાળી પહેલાં માર્કેટમાં વેચવાલી જોવા મળી હોય અને મૂહૂર્તથી બજારે યુ-ટર્ન દર્શાવ્યો હોય એવું બન્યું છે. આ વખતે વૈશ્વિક સ્તરે સેન્ટીમેન્ટને જોતાં આ ઘટના પુનરાવર્તિત થઈ શકે છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ વર્તમાન વેલ્યૂએશન્સ સાથે સહમત નથી થઈ રહ્યાં. તેઓ બજારમાં ઊછાળે વેચવાલીનો વ્યૂહ અપનાવવા જણાવી રહ્યાં છે. આગામી સપ્તાહથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પરિણામોની સિઝન શરૂ થશે. સોમવારે આઈટી અગ્રણી ટીસીએસ તરફથી સૌપ્રથમ પરિણામ રજૂ થશે. છેલ્લાં કેટલાંક સત્રોમાં પોઝીટીવ ટ્રેન્ડ બાદ શુક્રવારે આઈટી કાઉન્ટર્સ પર ફરી દબાણ જોવા મળ્યું હતું અને તેઓ ઘટીને બંધ આવ્યાં હતાં.
શુક્રવારે માર્કેટમાં આઈટી, બેંકિંગ, મેટલ, ફાર્મા, એફએમસીજી સહિતના સેક્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. એકમાત્ર એનર્જી અને પીએસઈ શેર્સમાં થોડી મજબૂતી જણાઈ હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.7 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં ટીસીએલ 1.2 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જ્યારે માઈન્ડટ્રી 0.8 ટકા, ટેક મહિન્દ્રા 0.7 ટકા, એચસીએલ ટેક 0.7 ટકા અને કોફોર્જ પણ અડધા ટકા નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજીની વાત કરીએ તો તે 0.64 ટકા તૂટ્યો હતો. જેમાં ડાબર ઈન્ડિયા, આઈટીસી, મેરિકો, વરુણ બેવરેજિસ, યુનાઈટેડ બ્રૂઅરીઝ અને એચયૂએલ ઘટવામં મુખ્ય હતાં. બીજી બાજુ યુનાઈટેડ સ્પિરિટ્સ, કોલગેટ અને બ્રિટાનિયા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.4 ટકા ઘટાડો સૂચવતો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં બાયોકોન, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા. ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા અને સિપ્લા નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે સન ફાર્મા પોઝીટીવ ટ્રેન્ડ સૂચવતો હતો. નિફ્ટી બેંક 0.3 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જોકે દિવસના તળિયેથી તેણે સારો સુધારો દર્શાવ્યો હતો. છેલ્લાં બે સત્રોથી નોંધપાત્ર સુધારો દર્શાવનાર આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર 2.4 ટકા ઘટી બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જ્યારે ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક બેંક, બંધન બેંક અને બેંક ઓફ બરોડા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં એમએન્ડએમ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, બોશ, ટાટા મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા મોટર્સ ઘટાડો દર્શાવવામાં મુખ્ય હતાં. બીજી બાજુ અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, ભારત ફોર્જ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 1.5 ટકા સાથે સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. આ સિવાય ઓએનજીસી, એનટીપીસી અને રિલાયન્સ પણ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ આઈઓસી, ગેઈલ, એચપીસીએલ અને બીપીસીએલમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી રિઅલ્ટી અને નિફ્ટી મિડિયા ઈન્ડાઈસિસ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. રિઅલ્ટી કાઉન્ટર્સમાં હેમિસ્ફિઅર 4 ટકા અને ફિનિક્સ મિલ્સ 2.4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે મિડિયા શેર્સમાં ડિશ ટીવી 4 ટકા, સન ટીવી નેટવર્ક 3 ટકાનો સુધારો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટાઈટન કંપની 5.3 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઊંચી વેચાણ વૃદ્ધિ જોવા મળી હોવાનું જણાવતાં કંપનીના શેરમાં ભારે તેજી જોવા મળી હતી. નોંધપાત્ર સુધારો દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં સિટિ યુનિયન બેંક, એબીબી ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ડેલ્ટા કોર્પ, ટાટા કેમિકલ્સ, અંબુજા સિમેન્ટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, સન ટીવી નેટવર્ક, અશોક લેલેન્ડ, બર્ગર પેઈન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ રામ્કો સિમેન્ટ્સ, જ્યુબિલિઅન્ટ ફ્ડૂસ, દાલમિયા ભારત, બાયોકોન, ગોદરેજ કન્ઝ્યૂમર, ડિક્સોન ટેક્નોલોજી, આલ્કેમ લેબોરેટરીઝમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જાહેર સાહસ મઝગાંવ ડોકમાં અવિરત તેજી જળવાય હતી અને તે વધુ 6.4 ટકા ઉછળી રૂ. 633ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત મહિન્દ્રા સીઆઈઈ, રાઈટ્સ, કોચીન શીપયાર્ડ, શ્રી રેણુકા, ફિનિક્સ મિલ્સ, કલ્યાણ જ્વેલર્સ અને શેલેત હોટેલ્સમાં પણ નવી ટોચ જોવા મળી હતી. જ્યારે ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર મોતીલાલ ઓસ્વાલ ફાઈ. સર્વિસિઝનો શેર 2.3 ટકા ઘટાડે તેના 52-સપ્તાહના તળિયા પર પહોંચ્યો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3553 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1862 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1563માં ઘટાડો જોવા મળ્યો હતો. 153 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 115 કાઉન્ટર્સે તેમના અગાઉના બંધ સ્તરે જ બંધ આપ્યું હતું.



ઊંચી આવકો અને નીચી માગે કોટન પર દબાણ જળવાશે
મહારાષ્ટ્ર-કર્ણાટકમાં વરસાદે હાજરમાં રૂ. 69-70 હજારની સપાટીએ ટક્યાં
જોકે મહિનામાં ઘટીને રૂ. 62 હજાર જોવા મળે તેવી શક્યતાં
હાલમાં જિનર્સ, સ્પીનર્સ અને વિવર્સને ડિસ્પેરિટી
ખેડૂતોને ગઈ સિઝનની સરખામણીમાં મળી રહેલા 3-4 ટકા ઊંચી યિલ્ડ
નવેમ્બરથી દેશમાં 1.2 લાખ ગાંસડીની દૈનિક આવકો શરૂ થઈ જશે

દેશમાં ખરિફ માર્કેટિંગ સિઝન શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને સૌથી મોટા કેશ ક્રોપ કપાસમાં પાકનું સારુ ચિત્ર જોતાં આવકો સામાન્ય કરતાં વહેલા જોવા મળી રહી છે. ગુજરાતમાં દૈનિક 10 હજાર ગાંસડી મળીને દેશમાં 40-42 હજાર ગાંસડી કોટન આવી રહ્યું છે. જે દિવાળી સુધીમાં 70-75 હજાર ગાંસડી સુધી પહોંચવાની શક્યતાં છે. જ્યારે નવેમ્બરથી 1.2 લાખ ગાંસડી આવકો જોવા મળી શકે છે. કોટન વર્તુળો નવી સિઝનમાં 3.6 કરોડ ગાંસડી પાકની શક્યતાં જોઈ રહ્યાં છે. જે પૂરી થયેલી સિઝન કરતાં ઓછામાં ઓછી 50 લાખ ગાંસડી વધુ ઉત્પાદન દર્શાવે છે.
ચાલુ સિઝનમાં કોટનની ક્વોલિટી ઘણી સારી જોવા મળી રહી છે. છેલ્લી બે સિઝનમાં પાછોતરા ભારે વરસાદને કારણે કોટનની ક્વોલિટી ખૂબ નબળી રહી હતી. જોકે ચાલુ સિઝનમાં સારી ગુણવત્તા સાથે યિલ્ડ પણ 3-4 ટકા ઊંચા જોવા મળી રહ્યાં છે. જેને કારણે ખેડૂતોને નોંધપાત્ર લાભ મળશે. હાલમાં તેમને પ્રતિ મણ સરેરાશ રૂ. 1600 ઉપજી રહ્યાં છે. જે સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવોની સરખામણીમાં 30 ટકા પ્રિમીયમ દર્શાવે છે. નબળી આવકોના રૂ. 1400 જ્યારે સારી આવકોના રૂ. 1700-1800 મળી રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે. જોકે આ વખતે ખેડૂતો તરફથી માલ વેચવાની ઉતાવળ જોવા મળી રહી છે. સપ્ટેમ્બરમાં કોટનના ભાવમાં ઝડપી ઘટાડા પાછળ તેઓ ખેતરેથી માલ સીધો બજારમાં ઠાલવી રહ્યાં છે. કેમકે તેમને ભાવ ઘટવાની ડર સતાવી રહ્યો છે. જોકે ભાવ છેલ્લાં ચારેક દિવસોથી સ્થિરતા દર્શાવી રહ્યાં છે. જેનું કારણ દક્ષિણ અને ઉત્તરની મિલો તરફથી વધેલી માગ તેમજ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વ્યાપક વરસાદને કારણે ત્યાંની આવકોમાં વિલંબ છે. હાલમાં મુખ્યત્વે નોર્થ, ગુજરાત અને મધ્ય પ્રદેશની આવકો જોવા મળે છે. ગુજરાતમાં છેલ્લાં પખવાડિયામાં ઉઘાડને કારણે આવકોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી શકે છે. સપ્તાહમાં રાજ્યમાં આવકો 25 હજાર પર પહોંચી શકે છે. નવેમ્બરની શરૂઆતથી તે 40 હજાર પર જોવા મળશે. ઊંચા વાવેતર પાછળ પાકની સ્થિતિ સારી છે અને તેથી ગુજરાતમાં લગભગ ત્રણ સિઝન બાદ જીનીંગની કામગીરી ઊંચી રહેશે. જોકે હાલમાં જીનર્સ ડિસ્પેરિટીનો સામનો કરી રહ્યાં છે. તેમને રૂ. 1500 આસપાસ ડિસ્પેરિટી બેસી રહી છે. જોકે માલની ક્વોલિટી ગઈ સિઝન કરતાં સારી હોવાથી રિકવરી સારી છે. જીનર્સ ઉપરાંત સ્પીનર્સ અને વિવર્સ પણ ડિસ્પેરિટીનો સામનો કરી રહ્યાં છે. જે કોટનના ભાવમાં ઘટાડા સાથે જ દૂર થશે. આવકો વધવા સાથે ભાવ પર દબાણ જોવાશે અને ડિસેમ્બર સુધીમાં તે રૂ. 62 હજાર આસપાસ સ્થિર થવાની શક્યતાં છે. હાલમાં નવેમ્બર ડિલિવરીના રૂ. 65-66 હજાર અને ડિસેમ્બર ડિલિવરીના રૂ. 62-63 હજાર બોલાઈ રહ્યાં છે. સ્થાનિક માલોમાં વૈશ્વિક ભાવોની સરખામણીમાં રૂ. 1500નું પ્રિમીયમ જોવા મળી રહ્યું છે અને તેને કારણે નિકાસની શક્યતાં નહિવત છે. જે જોતાં પણ ભાવોમાં ઘટાડો અપેક્ષિત છે. જોકે ગઈ સિઝનમાં મામૂલી કેરીઓવર વચ્ચે નીચા ભાવે મિલ્સની માગ સારી જળવાશે તો સ્થાનિક બજારમાં કોટનના ભાવમાં રૂ. 65 હજાર નીચે ભાવ ઉતરે તેવું ના બને એમ ટેક્સટાઈલ વર્તુળો જણાવે છે. તેમના મતે ડોલર સામે રૂપિયામાં નરમાઈને જોતાં ભારતીય યાર્નની સ્પર્ધાત્મક્તા વધી છે. બીજી બાજુ પાકિસ્તાનમાં પાકને નુકસાન થયું છે અને તેથી નવી સિઝનમાં આયાતી માલ પર તેમની નિર્ભરતા વધશે. જે ભારતને સ્પર્ધાત્મક બનાવશે.


HULનું માર્કેટ-કેપ પેરન્ટ કંપનીના 67 ટકા પર પહોંચ્યું
FMCG જાયન્ટ્સની પેરન્ટ કંપનીનું માર્કેટ-કેપ 115 અબજ ડોલર જ્યારે HULનું એમ-કેપ 77 અબજ ડોલર
દેશમાં ટોચની એફએમસીજી કંપની હિંદુસ્તાન યુનિલીવરનું માર્કેટ-કેપિટલાઈઝેશન તેની પેરન્ટ કંપની યુનિલીવરના માર્કેટ-કેપના 67 ટકા જેટલું જોવા મળતું હતું. 4 ઓક્ટોબરે એચયૂએલનું માર્કેટ-કેપ 77 અબજ ડોલર જેટલું જોવા મળતું હતું. જે પેરન્ટ કંપની યુનિલીવરના 115 અબજ ડોલરના માર્કેટ-કેપના 67 ટકા જેટલું થતું હતું.
છેલ્લાં પાંચ વર્ષોમાં પેરન્ટ કંપની યુનિલીવરનું માર્કેટ-કેપ ઘટાડો દર્શાવી રહ્યું છે. જ્યારે એચયૂએલનું માર્કેટ-કેપ ડબલ કરતાં વધુ વધ્યું છે. યુનિલીવરનું માર્કેટ-કેપ ઓક્ટોબર 2017માં 180 અબજ ડોલરની ટોચ પર પહોંચ્યું હતું. જ્યારબાદ તે ઘટાડાતરફી જોવા મળ્યું છે. જ્યારે હિંદુસ્તાન યુનિલીવરનું માર્કેટ-કેપ ત્યારબાદ વધતું રહ્યું છે. ગ્રામીણ માગમાં ઊંચી વૃદ્ધિ તથા રો-મટિરિયલ ખર્ચમાં ઘટાડા પાછળ એચયૂએલનો દેખાવ સારો જળવાયો છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં ઊંડી પહોંચ ધરાવતી કંપનીઓમાં એચયૂએલનો સમાવેશ થાય છે. એચયૂએલનો શેર અન્ય એફએમસીજી કંપનીઓને આઉટપર્ફોર્મ કરી રહ્યો છે. છેલ્લાં એક ક્વાર્ટરમાં તે 19 ટકા સુધારો દર્શાવે છે. જેની સરખામણીમાં એફએમસીજી સેક્ટરમાં 7 ટકા સુધારો જોવા મળ્યો છે. એચયૂએલમાં યુનિલીવર 62 ટકા હિસ્સો ધરાવે છે. યુનિલીવરના ગ્લોબલ ચીફ એક્ઝિક્યૂટીલ એલેન જોપે ગયા મે મહિનામાં જણાવ્યું હતું કે ભારતમાં તેમની પ્રોડક્ટ્સ માટેની માગ ટૂંક સમયમાં જ યુએસમાં જોવા મળતી માગ કરતાં વધી જશે. શુક્રવારે એચયૂએલનો શેર 0.55 ટકા ઘટાડા સાથે રૂ. 2600ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો.



રાજસ્થાનમાં રૂ. 65k કરોડના રોકાણની ગૌતમ અદાણીની જાહેરાત
એશિયામાં સૌથી સંપત્તિવાન ગૌતમ અદાણીએ રાજસ્થાનમાં આગામી 5-7 વર્ષોમાં રૂ. 65 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ તેઓ 10 હજાર મેગાવોટની મેગા સોલાર પાવર ક્ષમતા, સિમેન્ટ ક્ષમતામાં વિસ્તરણ અને જયપુર એરપોર્ટના અપગ્રેડેશનમાં કરશે. ઉપરાંત તેઓ સિટી ગેસ અને સીએનજીના રિટેલીંગમાં ઈન્વેસ્ટ કરશે. તેમજ તેઓ રિન્યૂએબલ પાવર માટે ટ્રાન્સમિશન લાઈન્સ પણ નાખશે. રાજસ્થાન 2022 સમિટમાં અદાણીએ આ જાહેરાત કરી હતી. કંપની હાલમાં રાજસ્થાનમાં ત્રણ સિમેન્ટ પ્લાન્ટ્સ ધરાવે છે.
ટ્યૂબ ઈન્વે., ABB, વરુણ બેવરેજીસને MSCI ઈન્ડેક્સમાં સમાવાય તેવી શક્યતાં
ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, ABB, વરુણ બેવરેજીસ, બજાજ હોલ્ડિંગ્સ અને ઈન્ડિયન હોટેલ્સને MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સમાવવામાં આવે તેવી શક્યતાં છે. નવેમ્બર 2022માં હાથ ધરાનારા સેમી-એન્યૂલ રિવ્યૂમાં આમ કરવામાં આવી શકે છે એમ બ્રોકરેજ હાઉસ જણાવે છે. ગ્લોબલ ઈન્ડેક્સ સર્વિવિસ પ્રોવાઈડર એમએસસીઆઈ 10 નવેમ્બરે તેના ભારતીય સૂચકાંકોમાં ફેરફારની જાહેરાત કરશે. જ્યારે એડજન્ટમેન્ટ્સ 30 નવેમ્બર સુધી હાથ ધરવામાં આવશે. આ ફેરફારને કારણે નવેમ્બર આખર સુધીમાં ઉપરોક્ત કાઉન્ટર્સમાં 1.5 અબજ ડોલર્સ સુધીના ઈનફ્લોની અપેક્ષા છે. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સમાં 20 કરોડ ડોલર, ઈન્ડિયન હોટેલ્સમાં 19 કરોડ ડોલર અને વરુણ બેવરેજીમાં 18 કરોડ ડોલરના ફ્લોની સંભાવના છે. છેલ્લાં છ મહિનામાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સના શેરમાં 65 ટકાનો તીવ્ર સુધારો જોવાઈ ચૂક્યો છે. જ્યારે ઈન્ડિયન હોટેલ્સનો શેર પણ 36 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. જ્યારે વરુણ બેવરેજિસે 76 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો છે. બે ઓટો શેર્સ અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર્સ પણ અનુક્રમે 16.3 કરોડ ડોલર અને 14 કરોડ ડોલરનો ઈનફ્લો મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અન્ય શેર્સ જેવાકે બજાજ હોલ્ડિંગ્સ, એબીબી ઈન્ડિયા, એસ્ટ્રાલ, શેફલર ઈન્ડિયા અને હિંદુસ્તાન એરોનોટિક્સમાં 11.5 કરોડ ડોલરથી લઈ 14.3 કરોડ ડોલરની રેંજમાં ઈનફ્લો જોવા મળે તેવી શક્યતાં છે.



ભારતીય શેરબજારમાં ચાઈનીઝ FPIનું વધતું રોકાણ
ટૂંકમાં જ ચીન ટોચના 10 રોકાણકાર દેશોમાં પ્રવેશ કરશે
ચીન ભારતીય શેરબજારમાં પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટની બાબતમાં ટોચના 10-દેશોની યાદીમાં પ્રવેશભણી આગળ વધી રહ્યો છે. ભારતમાં ચીનના પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી રોકાણ સતત વધી રહ્યું છે. જો છેલ્લાં બે વર્ષોના ચાઈનીઝ રોકાણપર નજર નાખીએ તો જણાય છે કે કોવિડ બાદ શરૂઆતી સમયગાળામાં નિયંત્રણો વખતે તે થોડું ધીમું જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદ તેમાં સતત વૃદ્ધિ જળવાય હતી.
ચાલુ વર્ષે જૂન સુધીમાં તે રૂ. 80864 કરોડ પર જોવા મળ્યું હતું એમ સેબીએ તૈયાર કરેલો ડેટા સૂચવે છે. જે દેશમાં ટોચના 10 ઈન્વેસ્ટર દેશોમાં 10મા ક્રમે આવતાં નેધરલેન્ડ તરફથી જોવા મળતાં રૂ. 99140 કરોડના રોકાણથી રૂ. 20 હજાર કરોડ નીચું જોવા મળે છે. સરકારે એપ્રિલ 2020માં ભારત સાથે સરહદથી જોડાયેલા દેશોના વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ પર નિયંત્રણો લાગુ પાડ્યાં હતાં. ભારત-ચીન વચ્ચે લડાખમાં ઘર્ષણ પછી સરકારે આ પગલું ભર્યું હતું. જ્યારબાદ દેશમાં એફપીઆઈ રોકાણને લઈને વધુ સાવચેતી રાખવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડની 2020ની નોંધ મુજબ કોઈપણ કંપનીમાં 10 ટકાથી નીચા રોકાણને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમન્ટ તરીકે ગણાવવામાં આવે છે. ડિસેમ્બર 2019માં દેશમાં કુલ રોકાણમાં ચાઈનીઝ હિસ્સો 1.4 ટકાના સ્તરેથી વધી ચાલુ વર્ષે જૂનમાં 1.8 ટકા પર પહોંચ્યો હતો. આમ તેમાં 0.4 ટકાની ચોખ્ખી વૃદ્ધિ જોવા મળી હતી. આ વૃદ્ધિ માત્ર ભાવમાં વૃદ્ધિ પાછળની નથી. ઘણા મોટા દેશો ટેક્સ અથવા અન્ય કોમ્પ્લાયન્સના મુદ્દાઓને કારણે અન્ય જ્યુરિસ્ડિક્શન્સ મારફતે રોકાણ કરતાં હોય છે એમ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ માટે સેવા પૂરી પાડતાં નિષ્ણાત જણાવે છે. આનો અર્થ એવો થાય છે કે ચીનમાંથી આવી રહેલું રોકાણનો અર્થ તે ચાઈનીઝ મની છે એવો નથી થતો એમ તેઓ ઉમેરે છે. દેશમાં હાલમાં કુલ 10895 રજિસ્ટર્ડ એફપીઆઈ છે. જેમાં ડિસેમ્બર 2019થી અત્યાર સુધીમાં 14.6 ટકા અથવા 1895નો ઉમેરો થયો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ

બ્રિકવર્ક રેટિંગ્સઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ બ્રિકવર્ક રેટિંગના લાયસન્સને રદ કર્યું છે. કંપની તરફથી પુનરાવર્તિત ભૂલોને કારણે આમ કરવામાં આવ્યું છે. સેબીએ રેટિંગ કંપનીને છ મહિનામાં તેની કામગીરી સમેટી લેવા માટે જણાવ્યું છે. આ સમયગાળામાં કંપની કોઈ નવો ક્લાયન્ટ્સ નહિ મેળવી શકે એમ પણ સેબીએ તેના આદેશમાં ઉમેર્યું છે.
બાયોકોનઃ યુરોપિયન ડિરેક્ટોરેટ ફોર દ ક્વોલિટી ઓફ મેડિસિન્સ એન્ડ હેલ્થકેરે ફાર્મા કંપની બાયોકોનની બેંગલૂરુ સ્થિત એપીઆઈ મેન્યૂફેક્ચરિંગ સાઈટ માટે ખામીઓની યાદી જાહેર કરી છે. જેની પાછળ કંપનીનો શેર 3 ટકા તૂટ્યો હતો.
ગોદરેજ કન્ઝ્યૂમરઃ એફએમસીજી કંપનીએ ચાલુ વર્ષે ઊંચો સિંગલ ડિજીટ ગ્રોથ દર્શાવશે એવી અપેક્ષા વ્યક્ત કરી છે. તેણે અગાઉ પણ વેચાણ વૃદ્ધિ ધીમી રહેશે એમ જણાવ્યું હતું. જેની પાછળ કંપનીના શેરમાં નોંધપાત્ર દબાણ જોવા મળ્યું હતું.
ટાઈટન ઈન્ડઃ તાતા જૂથની કંપનીએ ચાલુ નાણા વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 18 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી છે. તેણે ક્વાર્ટર દરમિયાન નવા 105 સ્ટોર્સનો ઉમેરો કર્યો હતો. શેરના ભાવમાં 5 ટકા તેજી જોવા મળી હતી.
મહિન્દ્રા લાઈફસ્પેસઃ મહિન્દ્રા જૂથની કંપની અને એક્ટિસે ઈન્ડસ્ટ્રીઅલ અને લોજિસ્ટીક્સ ફેસિલિટીઝ વિકસાવવા માટે સંયુક્તપણે રૂ. 2200 કરોડના રોકાણ માટે સંયુક્ત સાહસ બનાવ્યું છે. લિસ્ટેડ કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં આ માહિતી આપી હતી.
વેરોક એન્જિનીયરઃ કંપનીએ અમેરિકા અને યુરોપમાં 4-વ્હીલર લાઈટિંગ બિઝનેસના વેચાણ માટેના એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. જેમાં તેણે બેઝ પ્રાઈસને 60 કરોડ યુરો પરથી ઘટાડી 52 કરોડ યુરો કર્યો છે. જેની પાછળ કંપનીનો શેર શુક્રવારે 7 ટકા પટકાયો હતો.
નાયકાઃ કંપનીએ જીસીસી દેશોમાં પ્રવેશ માટે એપરલ ગ્રૂપ સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
ક્વેસ કોર્પઃ કંપનીએ તેની સબસિડિયરી સિમ્પ્લાયન્સ ટેક્નોલોજિસમાં 53 ટકા હિસ્સાના વેચાણ માટેનો નિર્ણય લીધો છે.
એચસીએલ ટેક્નોલોજિસઃ અગ્રણી આઈટી સર્વિસિસ કંપની અને ગૂગલ ક્લાઉડે એન્ટરપ્રાઈઝિસ માટે ડિજીટલ સર્વિસિઝ ઓફર કરવા માટે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે.
યસ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે તેના એમડી અને સીઈઓ તરીકે ત્રણ વર્ષ માટે પ્રશાંત કુમારની નિમણૂંકને લઈ બેંક રેગ્યુલેટર આરબીઆઈની મંજૂરી મેળવી લીધી છે.
ડેટામેટીક્સ ગ્લોબલઃ કંપનીએ એન્ટરપ્રાઝિસ ઓપ્ટીમાઈસ બિઝનેસ પર્ફોર્મન્સમાં સહાયરૂપ બનવા માટે સ્કેન-ઓપ્ટીક્સ સાથે પાર્ટનરશીપ કરી છે.
ઈન્ડિયન હ્યુમ પાઈપઃ કંપનીએ જલ જીવન મિશન પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્રમાં રૂ. 194 કરોડના મૂલ્યનો નવો ઓર્ડર મેળવ્યો છે.
ઈક્વિટાસ એસએફબીઃ સ્મોલ ફાઈનાન્સ બેંકે નાણા વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં ડિપોઝીટ્સમાં 20 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવી છે.
ગ્રેવિટા ઈન્ડિયાઃ કંપનીના શેરમાં ઈન્વેસ્ટરમેન્ટ ધરાવતાં ઈન્વેસ્ટર કુછ્છલ અતુલે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 9,18,663 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
રેટગેઈન ટ્રાવેલઃ નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે કંપનીના 50 લાખ શેર્સની ખરીદી કરી છે. એસેટ મેનેજમેન્ટ કંપનીએ રૂ. 292.43 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
થેમિસ મેડિકેરઃ ફાર્મા કંપનીએ ટોબેકો સેશેસન ઈન ઈન્ડિયા માટે ડ્રગ ડેવલપમેન્ટ માટે એનએફએલ બાયોસાઈન્સિઝ સાથે ભાગીદારી કરી છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

4 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

4 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

4 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.