બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓનો વળતો હુમલો
બુધવારે બજાર પર હાવી રહેલા મંદીવાળાઓને ગુરુવારે તેજીવાળાઓએ ફરી એકવાર ઊંઘતા ઝડપ્યાં હતાં. વૈશ્વિક બજારોના સપોર્ટને કારણે ગેપ-અપ ઓપનીંગ બાદ ભારતીય બજાર વધુ સુધારો દર્શાવતું રહ્યું હતું. દિવસ દરમિયાન નિફ્ટી 17856ની ટોચને સ્પર્શી આખરે 17790ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીને તમામ સેગમેન્ટ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે પીએસઈમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. માર્કેટમાં બ્રોડ બેઝ તેજી પાછળ મીડ-કેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટી પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો.
ટાઈટન કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2 લાખ કરોડ પાર કરી ગયું
ટાટા જૂથની કંપની ટાઈટને ગુરુવારે રૂ. 2 લાખ કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનો શેર 10.60 ટકા ઉછળી રૂ. 2375.35ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીએ કોવિડ બાદ તમામ ક્ષેત્રે રિકવરી દર્શાવી હોવાનું જણાવતાં કાઉન્ટરમાં તીવ્ર ખરીદી જોવા મળી હતી અને શેર નિફ્ટી કાઉન્ટર્સમાં સૌથી વધુ સુધારા સાથે ટ્રેડ થયો હતો. ગુરુવારે બંધ ભાવે તે રૂ. 2.11 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે બંધ રહ્યો હતો. રૂ. 1154ના વાર્ષિક તળિયા સામે તે 100 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો હતો.
MCXએ કોમડેક્સમાં ઓપ્શન્સ માટે સેબીની મંજૂરી માગી
દેશમાં અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સે કોમોડિટી સૂચકાંકોમાં ઓપ્શન્સ ટ્રેડિંગની છૂટ આપવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીને જણાવ્યું છે. એક વર્ષ પૂર્ણ કરી ચૂકેલા કોમોડિટી સૂચકાંક કોમડેક્સના ફ્યુચર્સમાં ટ્રેડર્સે નોંધપાત્ર ઈન્ટરેસ્ટ દર્શાવતાં એક્સચેન્જે ઓપ્શન્સ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે એમ વર્તુળો જણાવે છે. તેમના જણાવ્યા મુજબ સેબી તેની બોર્ડ મિટિંગમાં આ મુદ્દે વિચારણા હાથ ધરશે અને વિગતવાર રૂપરેખાની જાહેરાત કરશે. મંજૂરી મળ્યા બાદ એક્સચેન્જે પ્રોડક્ટ ડેવલપ કરવી પડશે અને અલગથી સેબી પાસે એપ્લિકેશન તૈયાર કરવી પડશે. ગયા મહિને બુલડેક્સ ખાતે ઓપન ઈન્ટરેસ્ટ વધીને 2271 લોટ્સનું જોવા મળ્યું હતું. જે એપ્રિલમાં 1103 લોટ્સનું જ હતું. જોકે સમાનગાળામાં દૈનિક એવરેજ વોલ્યુમ રૂ. 175 કરોડ પરથ ગગડી રૂ. 159 કરોડ પર જોવા મળ્યું હતું.
ભારતીય સુગર ઉદ્યોગે નિકાસ મોરચે સ્પર્ધાનો સામનો કરવો પડશે
ઓક્ટોબર 2020થી નવેમ્બર 2021ના વર્ષ દરમિયાન ભારતીય સુગર ઉદ્યોગે 73 લાખ ટનની વિક્રમી નિકાસ દર્શાવ્યાં બાદ નવી સિઝનમાં તેણે થાઈલેન્ડ તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે એમ નિષ્ણાતો જણાવે છે. ચાલુ વર્ષે ખાંડની નિકાસ 60 લાખ ટન આસપાસ રહેવાની શક્યતા તેઓ વ્યક્ત કરે છે. નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણે દક્ષિણ-પૂર્વીય એશિયામાં ઉત્પાદનમાં વૃદ્ધિ છે. જેમાં થાઈલેન્ડ ખાતે સુગર ઉત્પાદન ચાલુ સિઝનમાં 33 ટકા ઉછળી 1 કરોડ ટન રહેવાની શક્યતાછે. હાલમાં વિશ્વ બજારને ભારતની ખાંડની જરૂર છે અને તે ભારતે નક્કી કરેલી મેક્સિમમ સેલ પ્રાઈસ(રૂ. 31 હજાર પ્રતિ ટન) ચૂકવવા માટે તૈયાર પણ છે. જોકે ભવિષ્યમાં આ સ્થિતિ જળવાય તેવી શક્યતાં નીચી હોવાનું નિષ્ણાતો જણાવે છે. ચાલુ વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ રહેવાની શક્યતા છે. જ્યારે થાઈલેન્ડમાં શેરડીના આકર્ષક ભાવો પાછળ ખેડૂતો અન્ય ક્રોપ તરફથી તે તરફ વળ્યાં છે.
પેટીએમની IPOમાં હિસ્સા માટે સોવરિન વેલ્થ ફંડ્સ સાથે વિચારણા
પેટીએમ તેના આગામી આઈપીઓમાં એન્કર ઈન્વેસ્ટર બનવા માટે વિવિધ સોવરિન વેલ્થ ફંડ્સ તથા ફાઈનાન્સિયલ કંપનીઓ સાથે ચર્ચા-વિચારણા ચલાવી રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. કંપનીના આઈપીઓમાં ભાગ લેવા માટે અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપુરની જીઆઈસી વિચારણા કરી રહી છે. જ્યારે કંપનીએ વૈશ્વિક ફાઈનાન્સિયલ ફર્મ બ્લેકરોક ઈન્ક. તથા નોમુરા હોલ્ડિંગ્સ. ઈન્કના બીડમાં ભાગ લેવા સમજાવવા સંપર્ક પણ કર્યો છે. રોકાણકારો તરફથી મળેલા શરૂઆતી પ્રતિભાવ પરથી પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશન્સ આઈપીઓમાં 20થી 22 અબજ ડોલરના વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી છે એમ તેઓ જણાવે છે.
રાકેશ ઝૂનઝૂનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેનેરા બેંકનો 1.6 ટકા હિસ્સો ખરીદ્યો
જાણીતા રોકાણકારે પીએસયૂ બેંકમાં ફ્રેશ ઈન્વેસ્ટમેન્ટ દર્શાવ્યું
ભારતીય શેરબજારમાં જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાએ જાહેર ક્ષેત્રની ચોથા ક્રમની એવી કેનેરા બેંકમાં સપ્ટેમ્બર મહિનામાં 1.6 ટકા હિસ્સાની ખરીદી કરી હતી. રોકાણકારે સપ્ટેમ્બર ક્વાર્ટરના રોકાણ અંગે એક્સચેન્જને કરેલા ફાઈલીંગમાં જણાવ્યું છે કે તેમણે બેંકના 2,90,97,400 શેર્સની ખરીદી કરી હતી. પીએસયૂ બેંકમાં તેમના તરફથી આ ફ્રેશ ઈન્વેસ્ટમેન્ટ છે. અગાઉ કેનેરા બેંકમાં મોટા શેરધારકોની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ નહોતું.
કેનેરા બેંકે તેના કેપિટલ રેશિયોમાં સુધારા માટે ઓગસ્ટ મહિનામાં જ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ્સ પ્લેસમેન્ટ(ક્વિપ) મારફતે રૂ. 2500 કરોડ ઊભાં કર્યાં હતાં. જે દરમિયાન ઝૂનઝૂનવાલાએ બેંકમાં હિસ્સો ખરીદ્યો હોય તેવી શક્યતા છે. બેંકે 17-23 ઓગસ્ટ દરમિયાન ક્વિપ ઈસ્યુ કર્યો હતો. અન્ય રોકાણકારોની માફક ઝૂનઝૂનવાલા પણ પીએસયૂ બેંક્સને લઈને ખૂબ બુલીશ મત ધરાવે છે. અગાઉ માર્ચ મહિનામાં તેમણે જણાવ્યું હતું કે પીએસયૂ બેંક શેર્સ ‘હોપલેસલી અન્ડરવેલ્યૂડ’ જોવા મળી રહ્યાં છે. ઝૂનઝૂનવાલાની માફક તાજેતરમાં જાણીતા રોકાણકાર મધૂસૂદન કેલાએ પણ જણાવ્યું હતું કે પીએસયૂ બેંક શેર્સ પર તેઓ બુલીશ મત ધરાવે છે. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે અને હાલમાં તેઓ ખૂબ નીચાં ભાવે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ગુરુવારે કેનેરા બેંકનો શેર 0.23 ટકા સુધારા સાથે રૂ. 174.85ના સ્તરે બંધ રહ્યો હતો. જે માત્ર 0.56ના પ્રાઈસ-ટુ-બુક રેશિયો પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ત્રણ ગણો ઉછળી રૂ. 1177.47 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે તેની ગ્રોસ એનપીએ ઘટીને 8.50 ટકા પર જ્યારે નેટ એનપીએ 3.46 ટકાના સ્તરે જોવા મળી હતી.
મીડ-કેપ્સમાં ચોતરફી લેવાલી પાછળ ઈન્ડેક્સમાં 12 ટ્રેડિંગ સત્રોમાં 9 ટકાનો ઉછાળો
21 સપ્ટેમ્બરથી ગુરુવાર સુધીમાં નિફ્ટીમાં 2.71 ટકા રિટર્ન સામે મીડ અને સ્મોલ-કેપ્સનો ઉત્કૃષ્ટ દેખાવ
ગુરુવારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.88 ટકા અથવા 576 પોઈન્ટ્સ ઉછળી 31366ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો
શેરબજારમાં મીડ-કેપ સેગમેન્ટમાં છેલ્લાં પખવાડિયામાં ભારે ખરીદી જોવા મળી છે. જેની પાછળ તેણે દેખાવની બાબતમાં લાર્જ-કેપ્સ સેગમેન્ટને મોટા માર્જિનથી પાછળ રાખી દીધું છે. નિફ્ટી મીડ-કેપ 100એ છેલ્લાં 12 સત્રોમાં 8.54 ટકા રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે સમાનગાળામાં બેન્ચમાર્ક નિફ્ટીમાં 2.71 ટકા અને નિફ્ટી સ્મોલ-કેપ 100માં 7.34 ટકાનું રિટર્ન જોવા મળે છે. મીડ-કેપ્સમાં સમાવિષ્ટ તમામ અગ્રણી સેક્ટર્સના શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. જેણે લાર્જ-કેપ્સથી ચઢિયાતો દેખાવ દર્શાવ્યો છે.
સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં નિફ્ટીએ 17947ની ટોચ બનાવ્યાં બાદ 21 સપ્ટેમ્બરે 17326 સુધીનું કરેક્શન દર્શાવ્યું હતું. જ્યાંથી તે સુધરીને ગુરુવારે 17796.20ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. આમ તેણે 2.71 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જોકે આની સરખામણીમાં નિફ્ટી મીડ-કેપ્સે સમાનગાળામાં 8.53 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. જે બેન્ચમાર્કની સરખામણીમાં મીડ-કેપ્સમાં ત્રણ ગણાથી વધુ રિટર્ન સૂચવે છે. સ્મોલ-કેપ્સે પણ બેન્ચમાર્કની સરખામણીમાં ઊંચું રિટર્ન દર્શાવ્યું હતું. ગણતરીમા લીધેલાં સમયગાળામાં તે 7.34 ટકા જેટલો સુધર્યો હતો. ગુરુવારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.88 ટકા અથવા 576 પોઈન્ટ્સ ઉછળી 31366ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 135 પોઈન્ટ્સ અથવા 1.22 ટકા સુધરી 11168ના સ્તરે બંધ રહ્યો હતો.
માર્કેટ નિરીક્ષકોના મતે છેલ્લાં ચાર મહિનાઓમાં ભારતીય બજારમાં સેક્ટરલ રોટેશન સાથે લાર્જ-કેપ્સ અને મીડ-સ્મોલ કેપ્સ વચ્ચે પણ રોટેશન જોવા મળતું રહ્યું છે. જેમકે જૂન-જુલાઈ-ઓગસ્ટમાં લાર્જ-કેપ્સમાં સુધારા દરમિયાન મીડ-કેપ્સ સાઈડલાઈન જોવા મળ્યાં હતાં. ટ્રેડર્સ નિફ્ટીમા સક્રિય હોવાથી બીજા સેગમેન્ટ સાઈડલાઈન રહ્યાં હતાં. જોકે નિફ્ટીએ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં 17947ની ટોચ બનાવ્યાં બાદ લાર્જ-કેપ્સમાં ઊંચા સ્તરે વેચવાલી વખતે તેઓ ફરી મીડ-કેપ્સમાં પ્રવેશ્યાં હતાં અને છેલ્લાં 20 દિવસોમાં મીડ-કેપ્સે ખૂબ સારો દેખાવ દર્શાવ્યો છે. જેમાં અનેક કાઉન્ટર્સ 20-30 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. આવા કેટલાંક નામોમાં પેજ ઈન્ડસ્ટ્રીઝ, ઓબેરોય રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયન હોટેલ્સ, આઈઆરસીટીસી, વોલ્ટાસ જેવા નામોના સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના કાઉન્ટર્સ હાલમાં તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે. મીડ-કેપ ઈન્ડેક્સમાં રિઅલ્ટી ક્ષેત્રનું વેઈટેજ સૌથી વધુ છે. તે લગભગ 8 ટકાનું વેઈટેજ ધરાવે છે. છેલ્લા બે સપ્તાહમાં રિઅલ્ટી શેર્સમાં તીવ્ર સુધારાને પગલે પણ મીડ-કેપ્સમાં ઊંચું રિટર્ન જોવા મળી રહ્યું છે. કન્ઝયૂમર ડ્યૂરેબલ્સનું પણ 5 ટકાથી વધુ વેઈટેજ છે અને તેમણે પણ સારો દેખાવ દર્શાવ્યો છે. જેને કારણે મીડ-કેપ્સમાં ઊંચું રિટર્ન જોવા મળ્યું છે.
વિવિધ સેગમન્ટનો પખવાડિયાનો દેખાવ
બેન્ચમાર્ક્સ 21 સપ્ટે.નો બંધ CMP વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી 50 17326.10 17796.20 2.71%
નિફ્ટી મીડ-કેપ 100 28857.35 31322.80 8.54%
નિફ્ટી સ્મોલ-કેપ 100 10415.55 11180.05 7.34%
કેડીલા હેલ્થકેરમાં LICનો હિસ્સો વધી 5.68 ટકા પર પહોંચ્યો
જૂન ક્વાર્ટરના અંતે 3.63 ક્વાર્ટર પર જોવા મળતાં હિસ્સામાં ગયા ક્વાર્ટરમાં 2.05 ટકાની વૃદ્ધિ
જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)એ અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટીકલ કંપની કેડિલા હેલ્થકેરના શેર્સમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન નોંધપાત્ર ખરીદી દર્શાવી હતી. જેની પાછળ કંપનીમાં તેનો હિસ્સો વધીને 5.68 ટકાના સ્તરે પહોંચ્યો હતો. જે પ્રમોટર્સ બાદ કોઈપણ સંસ્થા પાસેનો કંપનીનો સૌથી મોટો હિસ્સો છે. કંપનીમાં પ્રમોટર્સ 74.88 ટકા હિસ્સો ધરાવે છે.
જૂન ક્વાર્ટરના અંતે એલઆઈસી કેડિલા હેલ્થકેરમાં 3.63 ટકા હિસ્સો ધરાવતી હતી. જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેણે વધુ 2.05 ટકા ઉમેરો કર્યો હતો. આમ કુલ હિસ્સો 5.68 ટકા પર પહોંચ્યો હતો. બીજી બાજુ મ્યુચ્યુલ ફંડ્સે કંપનીમાં તેમનો હિસ્સો 5.83 ટકા પરથી ઘટાડી 4.79 કર્યો હતો. આમ એલઆઈસી પાસે મ્યુચ્યુલ ફંડ્સ કરતાં પણ ઊંચો હિસ્સો જોવા મળતો હતો. વિદેશી રોકાણકારોનું કંપનીમાં હોલ્ડિંગ પણ જૂન ક્વાર્ટર અંતે જોવા મળતાં 4.65 ટકા પરના સ્તરેથી ઘટી 4.11 ટકા પર જોવા મળ્યું હતું. એલઆઈસી સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરથી કંપનીમાં હિસ્સો વધારી રહી છે. સપ્ટેમ્બર 2020ના અંતે કેડીલા હેલ્થકેરમાં એલઆઈસીનો હિસ્સો 3.17 ટકા પર હતો. રિટેલ ઈન્વેસ્ટર્સના હિસ્સામાં પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી અને જૂન ક્વાર્ટરના 6.31 ટકાના સ્તરેથી સુધરી 6.53 ટકા પર જોવા મળ્યો હતો. જોકે એચએનઆઈ રોકાણકારોનો હિસ્સો 1 ટકા પરથી ઘટી 0.85 ટકા પર રહ્યો હતો.
એલઆઈસીએ કંપનીમાં નોંધપાત્ર હિસ્સો ખરીદ્યાં છતાં કંપનીનો શેર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોઝીટીવ પર્ફોર્મન્સ દર્શાવી શક્યો નહોતો. એપ્રિલ મહિનાની શરૂઆતથી જૂન મહિનાની આખર સુધીમાં તેણે 52 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જે દરમિયાન શેરનો ભાવ રૂ. 441.8 પરથી સુધરી રૂ. 673.70ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જોકે બીજા ક્વાર્ટર દરમિયાન અન્ય ફાર્મા શેર્સ સાથે કેડિલા હેલ્થકેરના શેર પર પણ દબાણ જોવા મળ્યું હતું અને તેણે 14 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. 12 મેના રોજ કંપનીની કોવિડ વેક્સિનની ધારણા પાછળ શેરે રૂ. 673.70ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યારબાદ તે ઘસાતો રહ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની રેંજ રૂ. 530-590ની જોવા મળી હતી. ગુરુવારે કંપનીનો શેર 0.11 ટકાના સાધારણ ઘટાડે રૂ. 549.75ની સપાટી પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 56280 કરોડ પર જોવા મળતું હતું.
Market Summary 7 October 2021
October 07, 2021