Categories: Market TipsNEWS

Market Summary 7 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી
RBI બેઠક પૂર્વે અવઢવ વચ્ચે બીજા દિવસે નરમાઈ
વૈશ્વિક બજારમાં પણ સુસ્ત અન્ડરટોન
આઈટી, એફએમસીજી, ફાર્મા જેવા ડિફેન્સિવ્સમાં નરમાઈ
ઓટો, એનર્જી અને પીએસઈમાં જોવા મળેલી મજબૂતી
બેંક નિફ્ટી 35 હજારની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.1 ટકા સુધરી 20.42ના સ્તરે
બ્રોડ માર્કેટમાં આગળ વધતી વેચવાલી

ભારતીય શેરબજારમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાનીતિ સમીક્ષા પૂર્વે નરમાઈ જોવા મળી હતી. સોમવારે સાધારણ ઘટાડા સાથે બંધ રહેલા બજારમાં મંગળવારે વેચવાલી આગળ વધી હતી અને બેન્ચમાર્ક્સ લગભગ એક ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 568 પોઈન્ટ્સ ગગડી 55107ની સપાટીએ જ્યારે નિફ્ટી 153 પોઈન્ટ્સ ઘટી 16416ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 37 નરમાઈ દર્શાવતા હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. વોલેટાલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.1 ટકા સુધરી 20.42ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી આગળ વધી હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી.
સપ્તાહના બીજા સત્ર દરમિયાન વૈશ્વિ બજારોમાં પણ સુસ્તી જોવા મળી રહી હતી. સોમવારે રાતે યુરોપિયન બજારોમાં પોઝીટીવ બંધ છતાં એશિયા અને યુરોપના બજારો નેગેટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. એકમાત્ર ચીન પોઝીટીવ નોંધ સાથે બંધ જોવા મળ્યું હતું. જ્યારે એ સિવાય કોરિયા, તાઈવાન, હોંગ કોંગમાં નરમાઈ જોવા મળતી હતી. યુરોપ ખાતે જર્મની, ફ્રાન્સ અને યુકે, ત્રણેય એક ટકા સુધી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેણે પણ ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર ઉપજાવી હતી. નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 16347ના સ્તર સુધી ગગડ્યાં બાદ સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 16300-16400નું સ્તર એક મહત્વનું સપોર્ટ સ્તર છે. જે જળવાશે તો બજારમાં વધુ સુધારાની આશા છે. જ્યારે બીજી બાજુ આ સ્તર તૂટશે તો બેન્ચમાર્ક ફરી એકવાર 15800ના સ્તર સુધી ગગડી શકે છે. જોકે મોટાભાગના નેગેટિવ્સ ડિસ્કાઉન્ટ છે અને તેથી બજારમાં વધુ ઘટાડાની શક્યતાં ઓછી જોવાઈ રહી છે. આરબીઆઈ રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે તો તે હાલના ભાવમાં ડિસ્કાઉન્ટેડ છે. જો તે 25 બેસીસ પોઈન્ટ્સની જ વૃદ્ધિ કરશે તો બજારમાં એક ઉછાળો સંભવ છે એમ તેઓ માની રહ્યાં છે.
મંગળવારે બજારમાં ઘટાડાની આગેવાની ડિફેન્સિવ સેક્ટર્સે લીધી હતી. જેમાં આઈટી, ફાર્મા અને એફએમસીજી સૂચકાંકો એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 1.57 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી આઈટી 1.57 ટકા અને નિફ્ટી ફાર્મા 1.07 ટકા જેટલો ઘસાયો હતો. આઈટી કાઉન્ટર્સમાં ટીસીએસ 2 ટકા સાથે સૌથી વઘુ ઘટાડો સૂચવતો હતો. જે સિવાય એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, માઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. બીજી બાજુ એફએમસીજી શેર્સમાં એચયૂએલ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે મેરિકો 2.7 ટકા, યુનાઈટેડ બ્રૂઅરીઝ 1.8 ટકા, પીએન્ડજી 1.65 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ્સ 1.6 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. મેટલ શેર્સ પણ 0.9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. સ્ટીલ સહિત ધાતુની માગમાં ઘટાડા પાછળ ભાવમાં ઘટાડો આ માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. માર્કેટ એનાલિસ્ટ્સ મેટલ શેર્સને લઈને નેગેટિવ વ્યૂ દર્શાવી રહ્યાં છે. સરકારે સ્ટીલ નિકાસ પર ડ્યુટી લાગુ પાડતાં ભારતીય કંપનીઓને બેવડો ફટકો પડી શકે છે. બજારને સપોર્ટમાં ઓટો, એનર્જી અને પીએસઈ સેક્ટર્સ જોવા મળતાં હતાં. નિફ્ટી એનર્જી અને નિફ્ટી પીએસઈ એક-એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી પીએસઈમાં મજબૂતીનું કારણ ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, એનએચપીસી અને ગેઈલ જેવા કાઉન્ટર્સ હતાં. ઓએનજીસીમાં 5 ટકા, ઓઈલ ઈન્ડિયા 2.7 ટકા, એનએચપીસી 2.42 ટકા અને ગેઈલ 2 ટકા સુધારો દર્શાવતાં હતાં. ઓઈલ ઈન્ડિયાનો શેર સતત બીજા દિવસે મજબૂતી સાથે ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ 0.2 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો.
બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3418 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2011 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં જ્યારે 1286 પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. આમ લગભગ બે શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળતો હતો. 62 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 70 કાઉન્ટર્સ વાર્ષિક તળિયું દર્શાવી રહ્યાં હતાં.

CRRમાં વધુ વૃદ્ધિ નહિ કરવા બેંકોની RBIને વિનંતી
ભારતીય ધિરાણકારોએ બેંક રેગ્યુલેટર આરબીઆઈને તેની આગામી નાણાનીતિ સમીક્ષા દરમિયાન કેશ રિઝર્વ રેશિયો(સીઆરઆર)માં વૃદ્ધિ નહિ કરવા માટે જણાવ્યું છે. મે મહિનાથી શરૂઆતથી લિક્વિડીટીમાં જોવા મળી રહેલા ઘટાડા વચ્ચે ક્રેડિટ વૃદ્ધિ દર મજબૂત જળવાય રહે તે હેતુથી તેમણે આરબીઆઈ સમક્ષ આ પ્રમાણે રજૂઆત કરી છે. લેન્ડર્સ વતી ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને આરબીઆઈને આ વિનંતી કરી હોવાનું વર્તુળો જણાવે છે. ગયા સપ્તાહે સિસ્ટમાં જોવા મળતી અધિક લિક્વિડિટી ઘટીને 3.5 લાખ કરોડ પર પહોંચી જતાં લેન્ડર્સમાં ચિંતા ઊભી થઈ છે. આ રકમ મહામારી વખતે આરબીઆઈ દ્વારા જાળવવામાં આવતી લિક્વિડીટીથી અડધી છે. એક બેંકર જણાવે છે કે અગાઉ બજારમાં રૂ. 6 લાખ કરોડ જેટલી સરપ્લસ લિક્વિડીટી જોવા મળતી હતી. જોકે ગયા મહિને આરબીઆઈએ સીઆરઆરમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરતાં તેમાં લિક્વિડિટીમાં રૂ. 90 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો.
ફિલિપિન્સે ભારતીય ચોખાની આયાત જકાતમાં ઘટાડો કર્યો
વૈશ્વિક બજારમાં રાઈસ કાર્ટેલ રચવાની થાઈલેન્ડ અને વિયેટનામની યોજના સામે ફિલિપિન્સે ભારતીય ચોખાની આયાત પર લાગતી ડ્યુટીને 50 ટકાથી ઘટાડી 35 ટકા કરી છે. વૈશ્વિક બજારમાં અનુક્રમે બીજા અને ત્રીજી ક્રમના નિકાસકાર એવા થાઈલેન્ડ અને વિયેટનામના પ્રસ્તાવની પ્રતિક્રિયાના ભાગરૂપે ફિલિપિન્સના કૃષિ સચિવે ભારતીય પેદાશની આયાત ડ્યુટીમાં ઘટાડાનો આદેશ કર્યો હતો. દક્ષિણ પૂર્વના દેશો રાઈસ કાર્ટેલ રચે તેવી સ્થિતિમાં ફિલિપિન્સ ભારતને ચોખાની જરૂરિયાત માટે વૈકલ્પિક સ્રોત તરીકે જોઈ રહી છે એમ તેમણે જણાવ્યું હતું. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જે કુલ નિકાસ બજારનો 40 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે રાઈસ શીપમેન્ટ્સે 2.13 કરોડ ટનની વિક્રમી સપાટીએ જોવા મળ્યાં હતાં. ફિલિપિન્સે નોન-આશિયાન દેશોમાંથી થતી ચોખાની આયાત પર 50 ટકા ડ્યુટી લાગુ પાડી છે.
NARCL પ્રથમ યાદીનું પુનર્ગઠન કરશે
નેશનલ એસેટ રિકસ્ટ્રક્શન કંપની(એનએઆરસીએલ) તેના પ્રથમ લિસ્ટમાં સમાવિષ્ટ એકાઉન્ટ્સમાં ફેરફાર કરે તેવી શક્યતાં છે. કેમકે આ યાદીમાં આવેલા કેટલાંક એકાઉન્ટ્સ ક્યાં તો સેટલમેન્ટની નજીક છે અથવા તો બદલાયેલા આર્થિક માહોલમાં કેટલાકમાં હવે રેઝોલ્યુશન માટેની શક્યતાં જોવા મળી રહી નથી. અગાઉ નિર્દેશિત રૂ. 50 હજાર કરોડની રકમ જેટલી જ કામગીરી ચાલુ રહેશે તેમ છતાં પાંચથી છ એકાઉન્ટ્સ ટ્રાન્સફર માટે યોગ્ય નહિ બની રહે એમ જાહેર ક્ષેત્રના બેંક અધિકારી જણાવે છે. મેટલ્સના ભાવમાં વોલેટિલિટીને કારણે પરિસ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તેની ગણતરી વર્તમાન સ્થિતિને આધારે કરતી હોય છે. તેણે મજબૂત ઓફર કરતાં અગાઉ પાંચ વધુ એકાઉન્ટ્સન સમાવેશ કર્યો છે.

દેશમાં ડિસેમ્બર સુધી ચાલે તેટલો ફર્ટિલાઈઝરનો પર્યાપ્ત સ્ટોક
યુરિયા તેમજ ડીએપીના હાલના સ્ટોકને કારણે નજીકમાં વધુ આયાતની જરૂર નહિ રહે
ભારતે ચાલુ વર્ષે ખરીફ અને રવી સિઝનની માગને પહોંચી વળવા માટે ડિસેમ્બર સુધીનો યુરિયા અને ડીએપીનો પુરવઠો સુરક્ષિત કરી લીધો છે. તેનાથી આગામી મહિનાઓમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં ભાવ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી શકાશે. ભારતમાં ડીએપી બીજા ક્રમનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાતર છે કારણકે તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંન્ને સામેલ હોય છે તથા તે માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ અને 18 આવશ્યક પોષકતત્વો ધરાવે છે.
મહત્વપૂર્ણ છે કે ભારત વિશ્વમાં સૌથી મોટા ખાતરના ખરીદદાર દેશો પૈકીનું એક છે. ચાઇના, બ્રાઝિલ અને યુએસ પણ તેના મોટા ખરીદદાર છે ત્યારે માગમાં વધારો અથવા ઘટાડાની કોઇપણ સ્થિતિથી વૈશ્વિક ભાવો ઉપર સીધી અસર પેદા કરે છે. ભારતે ડિસેમ્બર સુધી ચાલે તેટલાં યુરિયાનો પર્યાપ્ત પુરવઠો સંગ્રહિત કર્યો છે, જેનાથી વર્ષના બાકીના સમય સુધી યુરિયાની વધુ આયાત કરવાની કોઇપણ પ્રકારની જરૂરિયાત રહેશે નહીં. આ ઉપરાંત ડીએપીની આયાત કરાશે કારણકે પ્રાદેશિક સ્તરે ઉત્પાદન અપૂરતું છે.
સામાન્ય રીતે ખરીફ સિઝનમાં એપ્રિલ અને જૂન દરમિયાન ખાતરની માગમાં વધારો થાય છે તેમજ રવી વાવેતર સિઝન માટે ઓક્ટોબર અને ડિસેમ્બર દરમિયાન પણ માગ વધુ રહે છે. રવી સિઝનમાં ડીએપીની માગ વધુ રહે છે. દેશની વાર્ષિક યુરિયાની જરૂરિયાત આશરે 30-35 મિલિયન ટન છે, જેમાંથી આશરે 7-9 મિલિયન ટનની આયાત કરાય છે. ડીએપીનું સ્થાનિક સ્તરે વપરાશ આશરે 10-12.5 મિલિયન ટન છે, જેની સામે સ્થાનિક ઉત્પાદન આશરે 4-5 મિલિયન ટન જેટલું છે. બાકીની જરૂરિયાતો માટે આયાત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાર સૂત્રો અનુસાર ભારતે આશરે 7 મિલિયન ટન યુરિયાનો સ્ટોક કર્યો છે તથા બાકીના સ્ટોકની આગામી મહિનાઓમાં આયાત કરાશે.


મેમાં FPIsની 5.15 અબજ ડોલરની વેચવાલીમાં IT સેક્ટરનો 40 ટકા હિસ્સો
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ આઈટી સેક્ટરમાં 2 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું
જ્યારે બીજા ક્રમે બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સમાં 1.5 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું

ઈન્ફર્મેશન ટેક્નોલોજિ સેક્ટરે મે મહિનામાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ) તરફથી સૌથી તીવ્ર વેચવાલીનો સામનો કરવાનો બન્યો છે. ગયા મહિને એફપીઆઈ તરફથી ભારતીય બજારમાં કરવામાં આવેલા કુલ 5.15 અબજ ડોલરના વેચાણમાંથી 2 અબજ ડોલરનું વેચાણ માત્ર આઈટી સેક્ટરમાં જોવા મળ્યું છે એમ એક સ્ટડી જણાવે છે.
આઈટી સેક્ટર બાદ બીજા ક્રમે બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝનો આવે છે. જ્યારે ત્યારપછીના ક્રમે એફએમસીજી ક્ષેત્રે એફપીઆઈની વેચવાલી જોવા મળી હતી. એફપીઆઈ તરફથી બેંકિંગ ક્ષેત્રે 1.55 અબજ ડોલરનું જ્યારે એફએમસીજી ક્ષેત્રે 66 કરોડ ડોલરનું વેચાણ નોંધાયું હતું. જ્યારે ઓઈલ અને ગેસ શેર્સમાં તેમણે 46 કરોડ ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું. બ્રોકરેજના અભ્યાસમાં જણાવ્યા મુજબ બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ તથા ટેક્નોલોજી સેક્ટરમાં છેલ્લાં કેટલાંક સમયથી વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ભારે વેચવાલી જોવા મળી રહી છે. એ વાત પણ ઉલ્લેખનીય છે કે આ બંને સેકટર્સ એફપીઆઈ તરફથી સૌથી ઊંચું એલોકેશન પણ ધરાવે છે. છેલ્લા છ મહિનામાં જ બેંકિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર્સમાં એફપીઆઈએ 10.34 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે આઈટીએ 7.13 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું. આઈટી સેક્ટર છેલ્લાં નવ મહિનાનથી સતત એફઆઈઆઈના વેચાણનો સામનો કરી રહ્યું છે. જેની પાછળ આઈટી ક્ષેત્રે એફપીઆઈનું એલોકેશન ગગડીને 12.7 ટકાના સ્તરે પહોંચ્યું છે. જે ડિસેમ્બર 2021માં 15.4 ટકાના સ્તરે હતું. આઈટી ક્ષેત્રે એફપીઆઈની ફાળવણી જૂન-2020 બાદના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. જૂન 2020માં કોવિડ બાદ તે 12 ટકા પર જોવા મળતી હતી.
આઈટી શેર્સમાં એફપીઆઈની વેચવાલીનું મુખ્ય કારણ યુએસ ખાતે અગ્રણી ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓના શેર્સમાં ઘટાડો છે. નાસ્ડેક લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં તીવ્ર ઘટાડાની અસરે સ્થાનિક આઈટી કંપનીઓના શેર્સમાં પણ વેચવાલી નીકળી હોવાનું માનવામાં આવે છે. જોકે માર્કેટ એનાલિસ્ટ્સના મતે યુએસ ખાતે હરિફ કંપનીઓના શેર્સમાં નબળાઈને કારણે ભારતીય આઈટી શેર્સને લઈને પેનિક કરવાની કોઈ જરૂર નથી. યુએસ અને ભારતમાં ટેક્નોલોજી કંપનીઓના પ્રોફાઈલ તદ્દન ભિન્ન છે. બીજું, સ્થાનિક આઈટી કંપનીઓને રૂપિયામાં ડોલર સામે ઘસારાને કારણે લાભ મળે છે. જ્યારે ડોલરના ભાવમાં નોંધપાત્ર સુધારાને કારણે યુએસ સ્થિત ટેક્નોલોજિ કંપનીઓને નુકસાન થતું હોય છે. હાલમાં નાસ્ડેક વર્તમાન અર્નિંગ્સને આધારે 40ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ભારતમાં ટોચની પાંચ આઈટી કંપનીઓમાંથી ચારના શેર્સ 18-29ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ટીસીએસ 33ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક આઈટી કંપનીઓ વર્તમાન ભાવે નોંધપાત્ર કમ્ફર્ટ પૂરો પાડી રહી છે. એફઆઈઆઈએ બે ક્ષેત્રોમાં પોઝીટીવ ફ્લો દર્શાવ્યો છે. જેમાં લોજિસ્ટિક્સ અને પાવર સેક્ટર્સનો સમાવેશ થાય છે. લોજિસ્ટીક્સમાં 34 કરોડ ડોલરના ઈનફ્લોનું મુખ્ય કારણ ડેલ્હીવરીનો આઈપીઓ છે. લોજિસ્ટીક્સ ક્ષેત્રે એફપીઆઈની ફાળવણી વધીને 1.6 ટકાની ટોચ પર પહોંચી છે. ઓટો ક્ષેત્રે પણ એફપીઆઈનું એલોકેશન વધીને 5.2 ટકા પર પહોંચ્યું હતું. જે એપ્રિલ 2022માં 4.7 ટકા પર હતું. પાવર ક્ષેત્રે 29 કરોડ ડોલરની ખરીદી જોવા મળી હતી. પાવર ક્ષેત્ર સતત વિદેશી રોકાણ આકર્ષતું રહ્યું છે. મેટલ્સમાં એફપીઆઈએ મેમાં 35 કરોડ ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું.

FPIsની મે મહિનાની કામગીરી
સેક્ટર વેચાણ/ખરીદી(અબજ ડોલરમાં)
આઈટી -2.0
બેંક અને ફાઈનાન્સિયલ્સ -1.55
એફએમસીજી -0.66
ઓઈલ એન્ડ ગેસ -0.46
મેટલ્સ -0.35
પાવર 0.290
લોજિસ્ટીક્સ 0.340


કોર્પોરેટ હેડલાઈન્સ

મેટ્રોપોલિસ હેલ્થઃ ડાયગ્નોસ્ટીસ કંપનીમાં અદાણી જૂથ તથા હોસ્પિટલ ચેઈન એપોલો બહુમતી હિસ્સો ખરીદવાના બીડ્સ ચકાસી રહ્યાં છે. બંને કંપનીઓનું મેટ્રોપોલિસ સાથેનું ડીલ ઓછામાં ઓછું 1 અબજ ડોલરનું હોય તેવી શક્યતાં છે. અદાણી જૂથે આ ક્ષેત્રે પ્રવેશ માટે 4 અબજ ડોલરની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે.
ડિફેન્સ મેન્યૂફેચરર્સઃ ભારતીય આર્મી માટે કેન્દ્રિય સંરક્ષણ મંત્રાલયે રફ ટેરેઈન ફોર્ક લિફ્ટ ટ્રક્સ, બ્રીજ લાઈંગ ટેન્ક્સ વગેરે ખરીદવા માટે રૂ. 76000 કરોડની ફ્રેશ ફાળવણી કરી છે. જેનો લાભ એચસીવી ઉત્પાદકોને થશે.
એનએમડીસીઃ જાહેર ક્ષેત્રની ખનીજ ઉત્પાદક કંપનીએ લમ્પ ઓર માટે રૂ. 4400 પ્રતિ ટન જ્યારે ફાઈન્સ ઓર માટે રૂ. 3310 પ્રતિ ટનના ભાવ નિર્ધારિત કર્યાં છે. સ્ટીલ કંપનીઓની માગ ઘટતાં આર્યન ઓરના ભાવમાં 20 ટકાનો ઘટાડો નોઁધાયો છે.
બજાજ ફાઈનાન્સઃ બજાજ એલાયન્ઝ જનરલ ઈન્શ્યોરન્સે એપ્રિલમાં રૂ. 1270 કરોડના ગ્રોસ ડાયરેક્ટ પ્રિમીયમ સામે મે મહિનામાં રૂ. 890 કરોડનું જીડીપી મેળવ્યું છે.
કોલ ઈન્ડિયાઃ કોલ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં મે 2021થી મે 2022 સુધીમાં પાવર ઉત્પાદક કંપનીઓને રવાનગીમાં 22.36 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
અપસ્ટ્રીમ ગેસ કંપનીઓઃ યુએસ ખાતે નેચરલ ગેસના પ્રાઈસ 9 ટકા ઉછળી 9.3 ડોલર પ્રતિ એમએમબીટીયુ જોવા મળ્યાં છે. જે ઓગસ્ટ 2008 પછીની સૌથી ઊંચી સપાટી છે.
ફાર્માઈડ્સ ફાર્માઃ કંપનીના પ્રમોટર સાધનાલા વેન્કટા રાવે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે કંપનીના 6.98 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.
આરબીએલ બેંકઃ બોફા સિક્યૂરિટીઝ યુરોપ એસએ નેટએ પ્રાઈવેટ બેંકના 25,63,334 ઈક્વિટી શેર્સની ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે ખરીદી કરી છે.
શ્રીરામ સિટી યૂનિયનઃ કંપનીના પ્રમોટર્સ શ્રીરામ વેલ્યૂ સર્વિસિસ અને અન્યોએ કંપનીના 13.5 લાખ ઈક્વિટી શેર્સ અથવા 2.03 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
એસબીઆઈ કાર્ડ્સઃ દેશમાં ટોચની કાર્ડ કંપનીઓના બોર્ડે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 2500 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.
કાનાની ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીના પ્રમોટર હર્ષિલ પ્રેમજીભાઈ કાનાનીએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે કંપનીના 18,13,938 શેર્સનું વેચાણ નોંધાવ્યું છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.