નિફ્ટીનો સપ્તાહમાં બીજો ઘટાડો
શેરબજારમાં તેજીવાળાઓ થોડા ઢીલાં પડતાં જણાય રહ્યાં છે. ચાલુ સપ્તાહે બીજીવાર બજાર ઘટીને બંધ આવ્યું હતું. નિફ્ટી 8 પોઈન્ટ્સ જ્યારે સેન્સેક્સ 80 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. અલબત્ત, નિફ્ટી 14100ના સ્તર પર ટક્યો હતો અને દિવસની શરૂમાં તેણે 14256ની ટોચ પણ દર્શાવી હતી. સેન્સેક્સ પણ 48 હજારની સપાટી પર ટકેલો રહ્યો છે. માર્કેટને 14300-14400ની રેંજમાં અવરોધ છે. જ્યારે નજીકમાં 14100નો સપોર્ટ છે.
મીડ-કેપ્સ મજબૂત
ગુરુવારે બ્રોડ બજારમાં તેજી જળવાય હતી. બીએસઈ ખાતે કામકાજના અંતે 3227 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1942 કાઉન્ટર્સ મજબૂત બંધ રહ્યાં હતાં. જ્યારે 1144 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. આમ બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં મજબૂત સુધારો નોઁધાયો હતો.
રિઅલ્ટીમાં ચમકારો
મહારાષ્ટ્ર સરકારે ડેવપમેન્ટ પર લેવીમાં કરેલા 50 ટકા ઘટાડા પાછળ મુંબઈ અને મહારાષ્ટ્ર સ્થિત રિઅલ એસ્ટેટ કંપનીઓના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ઈન્ડિયાબુલ્સરિઅલ્ટી અગ્રણી હતો. કંપનીનો શેર 13 ટકા ઉછળી રૂ. 88ની ટોચ પર બંધ આવ્યો હતો. આ સિવાય પૂણે સ્થિત બ્રિગેડનો શેર પણ 3 ટકાથી વધુ સુધર્યો હતો. ઓબેરોય રિઅલ્ટીમાં પણ સુધારો નોંધાયો હતો. બેંગલોર સ્થિત સોભા ડેવલપર્સનો શેર ડિસેમ્બરમાં મજબૂત વેચાણ પાછળ 8 ટકા જેટલો ઉછળ્યો હતો.
અદાણી જૂથ કંપનીઓએ આગેકૂચ જાળવી રાખતાં સર્વોચ્ચ સપાટી દર્શાવી
ગુરવારે અદાણી પોર્ટ્સના શેરે પ્રથમવાર રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું
અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના કાઉન્ટર્સે પણ તેમની ઐતિહાસિક ટોચ દર્શાવી
અમદાવાદ મુખ્યાલય ધરાવતાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓમાં તેજીનો ક્રમ જળવાયો છે. ચાલુ કેલેન્ડરના પ્રથમ સપ્તાહ દરમિયાન તેમણે સારી શરૂઆત દર્શાવી છે અને જૂથની અગ્રણી કંપનીઓએ ગુરુવારે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓના શેર્સ છેલ્લા ત્રણ મહિનામાં 100 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યાં છે.
ગુરુવારે જૂથની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એવી અદાણી પોર્ટ્સનો શેર રૂ. 521ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. અગાઉના બંધ રૂ. 497ના બંધ સામે તે ઈન્ટ્રા-ડે 6 ટકા જેટલો સુધર્યો હતો. જ્યારે આખરે 3.14 ટકા વૃદ્ધિ સાથે રૂ. 513.65 પર બંધ આવ્યો હતો. કંપનીએ 2007માં શેરબજાર પર લિસ્ટીંગ બાદ પ્રથમવાર રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. બંધ ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.04 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે અદાણી ગ્રીન એનર્જી બાદ માર્કેટ-કેપની રીતે જૂથની બીજી મોટી કંપની છે. અદાણી ગ્રીનનું માર્કેટ-કેપ ગુરુવારે બંધ ભાવે રૂ. 1.67 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો શેર જૂથની અન્ય કંપનીઓ સાથે તાલ મિલાવી શક્યો નહોતો અને 3.9 ટકાના ઘાટેડ રૂ. 1064 પર બંધ આવ્યો હતો. જોકે તે 2020નો સ્ટારપર્ફોર્મર હતો અને રૂ. 100ના સ્તરેથી સુધરતાં રહ્યાં બાદ તેણે રૂ. 1220ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ તે કરેક્શન અને કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે.
અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ગુરુવારે 6 ટકાથી વધુના ઉછાળે રૂ. 523.90ની ટોચ પર જોવા મળ્યો હતો. આખરે તે રૂ. 26.85 અથવા 5.47 ટકાના સુધારે રૂ. 518 પર બંધ રહ્યો હતો. બંધ ભાવે કંપનીએ રૂ. 57 હજાર કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. માર્કેટ-કેપની રીતે તે જૂથની ત્રીજા ક્રમની કંપની બની હતી. કંપનીનો શેર માર્ચ મહિનામાં કોવિડ પાછળ જોવા મળેલા પેનિકમાં તે રૂ. 117ના ભાવે પટકાયો હતો. જ્યાંથી સતત સુધરતો રહ્યો છે. જ્યારે ઓક્ટોબરમાં રૂ. 300ના તળિયાથી તે 70 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. પાવર ટ્રાન્સમિશનમાં સક્રિય જૂથ કંપની અદાણી ટ્રાન્સમિશનનો શેર પણ ગુરુવારે રૂ. 464ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજને અંતે અડધા ટકાના સુધારે રૂ. 455 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 50 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. જૂથની તમામ કંપનીઓ મળીને રૂ. 4.22 લાખ કરોડનું માર્કેટ-કેપ જોવા મળ્યું હતું. જે રિલાયન્સ, ટાટા અને એચડીએફસી બાદ ચોથા ક્રમે આવે છે. જોકે અંગત માર્કેટવેલ્થની રીતે અંબાણી બાદ અદાણી બીજા ક્રમે આવે છે. બે અન્ય જૂથ કંપનીઓ અદાણી પાવર અને અદાણી ગેસના શેર્સ ગુરુવારે ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેમાં સિટી ગેસ ક્ષેત્રે સક્રિય અદાણી ગેસનો શેર સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જ્યારે પાવર ઉત્પાદક અદાણી પાવરનો શેર પોણો ટકા મજબૂતી સાથે બંધ આવ્યો હતો. લિસ્ટેડ જૂથ કંપનીઓમાં એકમાત્ર અદાણી પાવર રોકાણકારોને રિટર્ન આપવામાં નિષ્ફળ ગયો છે. કંપની જુલાઈ 2009માં રૂ. 100ના ભાવે આઈપીઓ સાથએ મૂડી બજારમાં પ્રવેશી હતી. જોકે ત્યારબાદ શેર મોટેભાગે રૂ. 100ના સ્તરથી નીચે ટ્રેડ થયો છે.
અદાણી જૂથના શેર્સમાં નવી ટોચ
સ્ક્રિપ્સ સર્વોચ્ચ ભાવ(રૂ.)
અદાણી પોર્ટ્સ 520.95
અદાણી એન્ટરપ્રાઈઝ 523.90
અદાણી ટ્રાન્સમિશન 464
|