Market Summary 7 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
RBIની રેટ સમીક્ષા પૂર્વે બજારમાં આગળ વધતો ઘટાડો
યુએસ, એશિયામાં સાર્વત્રિક વેચવાલીનું દબાણ
નિફ્ટીએ 17800નો મહત્વનો સપોર્ટ ગુમાવ્યો
ફાર્માને બાદ કરતાં તમામ સેક્ટરલ સૂચકાંકો નરમ
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2 ટકા ઘટાડો
બ્રોડ માર્કેટમાં જોકે લાર્જ-કેપ્સ કરતાં સારી સ્થિતિ

શુક્રવારે ભારતીય રિઝર્વ બેંકની દ્વિમાસિક રેટ સમીક્ષા બેઠક અગાઉ શેરબજારે મંદીની હેટ્રીક નોંધાવી હતી. સોમવારે ઉઘડતાં સપ્તાહે તીવ્ર સુધારો દર્શાવ્યા બાદ બાકીના ત્રણ સત્રોમાં માર્કેટ સતત ઘસાતું રહ્યું છે. ગુરુવારે બેન્ચમાર્ક સેન્સેક્સ 575 પોઈન્ટ્સ ગગડી 59035ની સપાટીએ જ્યારે નિફ્ટી 168 પોઈન્ટ્સ તૂટી 17639.5ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો અને તે 18.99ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 28 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સની સરખામણીમાં બ્રોડ માર્કેટની સ્થિતિ પ્રમાણમાં સારી હતી અને માર્કેટ-બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ જોવા મળી હતી.
બુધવારે 17800નો સપોર્ટ જાળવવામાં સફળ રહેલો નિફ્ટી ગુરુવારે ગેપ-ડાઉન ઓપનીંગ સાથે 17723 પર ખૂલ્યો હતો. જ્યાંથી ઈન્ટ્રા-ડે સુધારે 17788 પર ટ્રેડ થયો હતો. જોકે 17800નું સ્તર દર્શાવી શક્યો નહોત અને ગગડી 17624ના તળિયું દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. બંધને જોતાં એનાલિસ્ટ્સ માર્કેટમાં નજીકના સમયમાં વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે નિફ્ટીએ મહત્વનો સપોર્ટ ગુમાવ્યો છે અને તેથી વધ-ઘટે ઘટાડતરફી ચાલ જોવા મળી શકે છે. બેન્ચમાર્કને 18300-18450ની રેંજમાં મહત્વનો સપોર્ટ છે. શુક્રવારે આરબીઆઈની કોમેન્ટરી ઘણી મહત્વની બની રહેશે. જો તે ફુગાવાનો ટાર્ગેટ અગાઉના સ્તરે જાળવશે તો ભવિષ્યમાં મોટી રેટી વૃદ્ધિની શક્યતાં નહિ રહે. આનાથી ઊલટું જો તે ફુગાવાનો ટાર્ગેટ વધારશે તો તેણે રેટમાં પણ વૃદ્ધિ કરતાં રહેવું પડશે. યુએસ ખાતે 10-વર્ષ માટેના યિલ્ડ્સ 2.5 ટકાને પાર કરી જતાં તેમજ સ્થાનિક સ્તરે પણ યિલ્ડ 7 ટકા નજીક પહોંચી જતાં બજાર માને છે કે મધ્યસ્થ બેંક રેપો રેટમાં વૃદ્ધિ કરશે. જેની પાછળ બજારમાં ઘટાડો નોંધાયો છે. જોકે હાલના ભાવે 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ ડિસ્કાઉન્ટ છે. આમ બજાર બાઉન્સ પણ દર્શાવી શકે છે. ગુરુવારે ફાર્મા સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2 ટકાના ઘટાડા પાછળ નિફ્ટી એનર્જી 1.7 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી અને તે 1.25 ટકા ઘટાડો દર્શાવત હતો. નિફ્ટી પીએસઈ 0.9 ટકા, નિફ્ટી ઓટો 0.8 ટકા અને બેંક નિફ્ટી 0.2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં જોકે સૌથી સારો સુધારો એક્સિસ બેંક દર્શાવતી હતી. બેંકનો શેર 2.4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ડિવિઝ લેબ, એચયૂએલ, ડો. રેડ્ડીઝ, આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સમાં પણ સુધાર જોવા મળતો હતો. બીજી બાજુ અદાણી પોર્ટ્સ 4 ટકા ઘટાડા સાથે ટોચ પર હતો. આ સિવાય ટાઈટન કંપની 3 ટકા, એચડીએફસી 3 ટકા અને ઓએનજીસી 2.3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળતી હતી. બીએસઈ ખાતે 3514 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1694 પોઝીટીવ જ્યારે 1714 નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે 185 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 12 કાઉન્ટર્સે તળિયું બનાવ્યું હતું. 17 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
સુગર કંપનીઓના શેર્સમાં ઝડપી ઉછાળો
પસંદગીની સુગર કંપનીઓના શેર્સમાં ગુરુવારે તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં કેટલીક કંપનીઓના શેર્સ અપર સર્કિટ ફિલ્ટર્સ સાથે છેલ્લાં અનેક વર્ષોની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. જેમાં શ્રી રેણુકા સુગર્સનો શેર 20 ટકા ઉછળી રૂ. 49.50ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે કેએમ સુગર મિલ્સન શેર 14 ટકા ઉછળી રૂ. 40.15ના સ્તરે બંધ રહ્યો હતો. શક્તિ સુગર્સનો શેર 10 ટકા સર્કિટમાં જ્યારે કેસીપી સુગરનો શેર 6.3 ટકાના સુધારે બંધ રહ્યાં હતાં.

બેંકો NARCLને 50 હજાર કરોડની બેડ લોન ટ્રાન્સફરની ડેડલાઈન ચૂકી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક્સ તરફથી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(એનએઆરસીએલ)ને રૂ. 50 હજાર કરોડની બેડ લોન્સ ટ્રાન્સફર કરવા માટે નક્કી કરેલી 31 માર્ચની ડેડલાઈનનું પાલન થઈ શક્યું નથી. ફાઈનાન્સિયલ ડ્યૂ ડિલિજન્સમાં વિલંબને કારણે આમ થયું હોવાનું વર્તુળો જણાવે છે. એનએઆરસીએલને તબક્કાવાર તબદિલ કરવા માટે કુલ 38 નોન-પર્ફોર્મિંગ એકાઉન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. જેનું કુલ મૂલ્ય રૂ. 82845 કરોડ જેટલું થતું હતું. આમાંથી રૂ. 50 હજાર કરોડના 15 એકાઉન્ટ્સને પ્રથમ તબક્કામાં 31 માર્ચ સુધીમાં એનએઆરસીએલને સુપ્રત કરવાના હતા.
HDFC બેંક બોન્ડ્સ મારફતે રૂ. 50 હજાર કરોડ ઊભા કરશે
ટોચની પ્રાઈવેટ સેક્ટર બેંકે જણાવ્યું છે કે આગામી એક વર્ષમાં તે વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે રૂ. 50 હજાર કરોડ ઊભા કરશે. જેમાં ટિયર-1, ટિયર-2 કેપિટલ બોન્ડ્સ અને લોંગ-ટર્મ બોન્ડ્સનો સમાવેશ થતો હતો. બેંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અફોર્ડેબલ હાઉસિંગને ફાઈનાન્સ કરવા આ નાણાનો ઉપયોગ કરશે. બેંકનું બોર્ડ 15 એપ્રિલે આ માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
નાણા વર્ષ 2021-22માં ત્રણ ગણી વૃદ્ધિ સાથે 32.21 અબજ ડોલરનું M&A ફંડીંગ
2020-21 દરમિયાન 10.91 અબજ ડોલરનું એમએન્ડએ ફંડીંગ જોવા મળ્યું હતું
વિક્રમી સસ્તાં દરે ડેટની ઉપલબ્ધિ અને મજબૂત ગ્રોથની અપેક્ષાએ ફંડીંગમાં તેજી
ભારતમાં મર્જર એન્ડ એક્વિઝિશન(એમએન્ડએ) ફંડીંગમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. સપ્તાહ અગાઉ પૂરાં થયેલા નાણાકિય વર્ષ 2021-22માં એમએન્ડએ ફંડીગ ત્રણ ગણુ ઉછળી 32.2 અબજ ડોલર પર પહોંચ્યું હતું. આમ થવા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બાયઆઉટ કંપનીઓએ ઊંચા વૃદ્ધિ દરની અપેક્ષાએ સ્થાનિક કંપનીઓમાં તેમના હિસ્સામાં કરેલી વૃદ્ધિ હતું. વૈશ્વિક સ્તરે વિક્રમી તળિયા પર રહેલાં ડેટ ખર્ચને કારણે તેમને આમ કરવામાં મોટી સહાયતા મળી હતી એમ વર્તુળો જણાવે છે.
ગયા નાણા વર્ષ દરમિયાન પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કેટલાંક મોટા ડિલ્સમાં એમ્ફેસિસના 3 બિલિયન ડોલરના બાયબેક ડિલનો સમાવેશ થાય છે. જે માટે 13 બેંક્સના કોન્સોર્ટિયમ તરફથી બ્લેકસ્ટોનના 1.1 અબજ ડોલરના ફંડીંગનો સમાવેશ થાય છે. પીઈ કંપનીઓએ રૂપિયામાં સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ ફેસિલિટીઝ અથવા લેવરેજ બાયઆઉટ(એલબીઓ) મારફતે ફાઈનાન્સિંગની સુવિધા મેળવી હતી. 2021-22માં ખરીદારોએ કુલ 321 ખરીદ સોદા માટે કુલ 32.2 અબજ ડોલરનું ફંડ ઊભું કર્યું હતું એમ વૈશ્વિક એનાલિટીક્સ ફર્મનો ડેટા સૂચવે છે. એક વર્ષ અગાઉ આ આંક માત્ર 10.9 અબજ ડોલર પર હતો. જ્યારે 2019-20માં તે 6.65 અબજ ડોલર પર જોવા મળતો હતો. આમ 2021-22માં એક્વિઝિશન ફંડીગમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો.
નોમુરા ખાતે ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગના વડા જણાવે છે કે ડેટ ફાઈનાન્સિંગ ઊભુ કરવા માટે સસ્તું ડેટ ફંડીંગ મુખ્ય કારણ છે. એક તો પીઈ ફંડ્સની ઈક્વિટી કોસ્ટ કરતાં ડેટ ફાઈનાન્સિંગનો ખર્ચ નોંધપાત્ર નીચો છે. જેને કારણે ફંડ હાઉસિસને સરેરાશ કેપિટલ કોસ્ટ ઘટાડવામાં સહાયતા મળી છે. આને કારણે ફંડ્સ માટે આખરે નોંધપાત્ર ઈન્ટરનલ રેટ ઓફ રિટર્ન્સ ઊભું થશે. સાથે ડેટને કારણે ડિલ્સમાં એબ્સોલ્યુટ ઈક્વિટી ફાળવણીમાં ઘટાડો થશે. વૈશ્વિક સ્તરે નીચા ઈન્ટરેસ્ટ રેટ્સને કારણે પીઈ કંપનીઓને એમએન્ડને સોદાઓના આંશિક ફંડીગ માટે ડેટ તરફ વળવા માટે સહાયતા મળી હતી. ઊંચી લિક્વિડિટી અને ઊંડાણને કારણે લેવરેજ્ડ અને એક્વિઝિશન ફાઈનાન્સિંગ માર્કેટમાં ઈમર્જિંગ કોર્પોરેટ્સનો પ્રવેશ પણ સરળ બન્યો છે. ભારતમાં પરંપરાગત રીતે પ્રાઈવેટ ઈક્વિટી માર્કેટ ફાઈનાન્સિયલ સ્પોન્સરર્સનું પ્રભુત્વ ધરાવતો હત. જેઓ ભારતીય કંપનીઓમાં લઘુમતી હિસ્સો ખરીદતાં હતાં. જોકે છેલ્લાં 2-3 વર્ષોમાં બાયઆઉટ્સમાં વૃદ્ધિ સાથે આ સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ગયા નાણાકિય વર્ષે બ્લેકસ્ટોને એડીએઆઈ, યૂસી ઈન્વેસ્ટમેન્ટ્સ અને જીઆઈસી સાથે મળી 2.8 અબજ ડોલરમાં એમ્ફેસિસ પર અંકુશ મેળવવા માટે સહમતિ દર્શાવી હતી.
છેલ્લાં પાંચ વર્ષોમાં મોટા ડીલ્સ
નાણા વર્ષ ડિલનું મૂલ્ય(અબજ યુએસ ડોલરમાં)
2021-22 32.2
2020-21 10.9
2019-20 6.6
2018-19 7.0
2017-18 5.4

કોર્પોરેટ હેડલાઈન્સ
ફ્લિપકાર્ટઃ ઈકોમર્સ પ્લેયર 2023માં યુએસ બજારમાં લિસ્ટીંગ કરાવવા ઈચ્છે છે. તેણે આઈપીઓ માટે 60-70 અબજ ડોલરના વેલ્યૂએશનનો ટાર્ગેટ રાખ્યો છે. અગાઉ કંપની 2022માં 50 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે લિસ્ટીંગ માટેની યોજના ધરાવતી હતી.
ફોર્ડઃ કંપનીએ તમિલનાડુ સરકાર સાથે ચેન્નાઈમાં ઈવી યુનિટની સ્થાપના માટે વિચારણા કરી રહી હોવાનો ઈન્કાર કર્યો છે. કંપની પીએલઆઈ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર સાથે વાતચીત ચલાવી રહી હોવાના અહેવાલ હતા.
એલેમ્બિક ફાર્માઃ વડોદરા સ્થિત ફાર્મા કંપનીએ યુએસએફડીએ તરફથી ડેબીગેટ્રાન ઈટેક્સિલેટ માટે મંજૂરી મેળવી છે.
આઈજીએલઃ ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ દિલ્હી ખાતે સીએનજીના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ. 2.5ની વૃદ્ધિ કરી છે. જ્યારબાદ ભાવ રૂ. 69.11 પ્રતિ કિગ્રા પર પહોંચ્યાં છે.
કિર્લોસ્કર ઈલેક્ટ્રીકઃ કંપનીએ જોઈન્ટ લેન્ડર્સ ફોરમ હેઠળ લીધી ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોન્સની પુનઃ ચૂકવણી કરી દીધી છે.
આઈડીએફસીઃ બંધન ફીન હોલ્ડિંગ્સ, જીઆઈસી અને ક્રિસકેપિટલનું કોન્સોર્ટિયમ આઈડીએફસી લિ. પાસેથી રૂ. 4500 કરોડમાં આઈડીએફસી એએમસી અને આઈડીએફસી એએમસી ટ્રસ્ટી કં.ની ખરીદી કરશે.
મધરસન સુમીઃ ઓટો એન્સિલિયરી કંપનીએ સીઆઈએમ ટુલ્સમાં 55 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે એસએમઈ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાં સંપૂર્ણ 14 ટકા હિસ્સાના વેચાણ માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યો છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ વૈશ્વિક રોકાણકાર ઈન્વેસ્કો બુક બિલ્ડીંગ મારફતે ઝી એન્ટરટેઈનમેન્ટમાંના તેના 7.8 ટકા હિસ્સાનું વેચાણ કરશે. જે લગભગ રૂ. 2200 કરોડનું મૂલ્ય ધરાવે છે. આ વેચાણ બાદ કંપનીમાં તેની પાસે 11 ટકા હિસ્સો બચશે.
નાઈટ ફ્રેંક ઈન્ડિયાઃ માર્ચ ક્વાર્ટરમાં રેસિડેન્શિયલ માર્કેટમાં વેચાણ ચાર વર્ષોની ટોચ પર જોવા મળ્યું છે. કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં કુલ 78600 યુનિટ્સનું વેચાણ થયું છે. વોલ્યુમની રીતે મુંબઈ ટોચ પર રહ્યું છે. જ્યારે એનસીઆરમાં 123 ટકા સાથે સૌથી ઊંચી વેચાણ વૃદ્ધિ નોંધાઈ છે.
કરુર વૈશ્ય બેંકઃ પ્રાઈવેટ બેંકે રૂ. 1.25 લાખ કરોડના ટર્નઓવરનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. માર્ચ 2022ની આખરમાં બેંકની કુલ ડિપોઝીટ્સ રૂ. 68,676 કરોડ પર હતી જ્યારે કુલ એડવાન્સ રૂ. 58,086 કરોડ પર હતાં. બેંક કુલ 789 શાખાઓ અને 1639 એટીએમનું નેટવર્ક ધરાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage