વૈશ્વિક સ્તરે સ્થિરતા વચ્ચે માર્કેટમાં બીજા દિવસે સુધારો
નિફ્ટી 17300ની સપાટી પર બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.33 ટકા ઘટી 19.31ની સપાટીએ
મેટલ, આઈટી અને પીએસઈ સેક્ટરમાં મજબૂતી
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસમાં ઊંચા સ્તરે દબાણ
એફએમસીજી અને કન્ઝ્યૂમર ઓરિએન્ટેડ કંપનીઓમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં અન્ડરટોન મજબૂત
મઝગાંવ ડોક, કોચીન શીપયાર્ડ સર્વોચ્ચ સપાટીએ
વૈશ્વિક શેરબજારોમાં સ્થિરતા પરત ફરતાં સ્થાનિક બજારમાં વધ-ઘટ સંકડાઈ છે. જેને કારણે ટ્રેડર્સને રાહત સાંપડી છે. બુધવારે દશેરાની રજા બાદ ગુરુવારે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ રેંજ બાઉન્ડ ટ્રેડ જાળવી ગ્રીન ઝોનમાં બંધ નોંધાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 157 પોઈન્ટ્સ સુધરી 58222ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ્સના સુધારે 17332ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં કોઈ મોટી લેવાલીનો અભાવ હતો. જેને કારણે નિફ્ટી કાઉન્ટર્સમાં માર્કેટ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 22 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સેન્ટિમેન્ટ વધુ સારુ જોવા મળતું હતું અને લગભગ બે શેર્સમાં ખરીદી સામે એક શેરમાં ઘટાડો નોઁધાયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.33 ટકા ગગડી 19.31ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17274ના અગાઉના બંધ સામે 17379ની સપાટીએ ખૂલી ઉપરમાં 17429ની ટોચ પર ટ્રેડ દર્શાવ્યાં બાદ દિવસ દરમિયાન રેંજમાં અથડાતો રહ્યો હતો. જોકે બજાર બંધ થતાં અગાઉ સેલીંગ પ્રેશર જોવા મળ્યું હતું, પરંતુ માર્કેટ નેગેટિવ નહોતું બન્યું અને નિફ્ટી 17300ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને 17400નો અવરોધ છે. જે પાર થશે તો 17600નું સ્તર જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ 17100નો સપોર્ટ છે. જેની નીચે ફરી 16800 સુધીનો ઘટાડો સંભવ છે. વૈશ્વિક બજારોમાં યુએસ બેન્ચમાર્ક્સે ઝડપી બાઉન્સ દર્શાવ્યો છે અને તેથી તેઓ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ડોલર ઈન્ડેક્સ ઘટાડાતરફી હોવાના કારણે બજારોને સપોર્ટ સાંપડી શકે છે. જો ડોલર ઈન્ડેક્સ 110 ડોલર નીચે ગગડશે તો માર્કેટ્સમાં બાઉન્સ ઝડપી આગળ વધી શકે છે. છેલ્લાં ત્રણ સત્રોથી ડોલર ઈન્ડેક્સ 110-111ની રેંજમાં અથડાઈ રહ્યો છે. બુધવારે તે ઈન્ટ્રા-ડે 110ની નીચે જોવા મળ્યો હતો. ભારતીય બજાર માટે ક્રૂડ ફરીવાર ચિંતાનું કારણ બન્યું છે. ઓપેક સહિતના દેશોએ દૈનિક 20 લાખ બેરલ ઉત્પાદન ઘટાડાની વાત કરતાં બ્રેન્ટ વાયદો 93 ડોલરની સપાટી પાર કરી ગયો છે. જ્યારે એનાલિસ્ટ્સ ટૂંકમાં જે 100 ડોલર પર પરત ફરે તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. જે ભારતીય બજાર માટે નેગેટિવ બાબત બની શકે છે. ક્રૂડ 82 ડોલરનું નવ મહિનાનું તળિયું બનાવી પરત ફર્યું છે. ક્રૂડના ભાવમાં મજબૂતી પાછળ ગુરુવારે સોપ્સ અને ડિટર્જન્ટ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ગાબડું પડ્યું હતું.
ગુરુવારે બજારને મુખ્ય સપોર્ટ મેટલ, આઈટી અને પીએસઈ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત વેદાંત, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, હિંદુસ્તાન ઝીંક, સેઈલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો અને એનએમડીસી જેવા કાઉન્ટર્સ 2.5 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એનાલિસ્ટ્સના મતે મેટલ શેર્સમાં સુધારો જળવાય રહેવાની શક્યતાં છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.6 ટકા સાથે આઉટપર્ફોર્મર બની રહ્યો હતો. ડોલર સામે રૂપિયામાં નરમાઈ પાછળ આઈટી કાઉન્ટર્સમાં ટ્રેડર્સનો ઈન્ટરેસ્ટ વધ્યો છે. આઈટી બેન્ચમાર્કના ઘટકોમાં કોફોર્જ 4.1 ટકા સાથે સૌથી વધુ સુધર્યો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક વિપ્રો, ટીસીએસમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ એક ટકો સુધર્યો હતો. જેમાં મહત્વનું યોગદાન કોલ ઈન્ડિયાનું જોવા મળ્યું હતું. કોલ ઈન્ડિયાનો શેર 5 ટકા ઉછળી તેની અગાઉની ટોચ નજીક પહોંચ્યો હતો. કેટલાંક અન્ય પીએસયૂમાં હિંદુસ્તાન એરોનોટિક્સ 5 ટકા, સેઈલ, ભેલ, નાલ્કો, ભારત ઈલેક્ટ્રીક, આરઈસી, ઓઈલ ઈન્ડિયા, આઈઆરસીટીસી અને એચપીસીએલમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 0.8 ટકા જેટલી મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ભારત ફોર્જનું હતું. કંપનીનો શેર 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત અન્ય કાઉન્ટર્સમાં ટીવીએસ મોટર, ટાટા મોટર્સ, અમર રાજા બેટરીઝ, હીરો મોટોકોર્પ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, બોશ અને મારુતિ સુઝુકી પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. માત્ર આઈશર મોટર્સ, એમઆરએફ અને એમએન્ડએમ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બેંકિંગ સેક્ટરમાં બે બાજુની મોટી વધ-ઘટ જોવા મળી હતી. બેંક નિફ્ટી ઈન્ટ્રા-ડે 39608ની ટોચ પર ટ્રેડ થઈ લગભગ તળિયા નજીક સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. સતત બીજા દિવસે આઈડીએફસી ફર્સ્ટ બેંકે મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો હતો. શેર 2 ટકા સુધારે બંધ રહ્યો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, બંધન બેંક, એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં પણ સુધારો જોવા મળ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાર્મા, બંને નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.43 ટકા તૂટ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર 5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. જ્યારે એચયૂએલ પણ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત કોલગેટ, ડાબર ઈન્ડિયા, બ્રિટાનિયા, ઈમામી પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે યુનાઈટેડ બ્રુઅરિઝ, આઈટીસી અને જ્યુબિલિઅન્ટ ફૂડમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ફાર્મા પણ સતત આઉટપર્ફોર્મન્સ બાદ વિરામમાં હતો અને 0.34 ટકા ડાઉન રહ્યો હતો. જેમાં લ્યુપિન 2.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત બાયોકોન, ડિવિઝ લેબ્સ, સિપ્લા, આલ્કેમ લેબ, ડો. રેડ્ડીઝ લેબ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં પર્સિસ્ટન્ટ ટેક્નોલોજી 8 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયા સિમેન્ટ્સ, મધરસન સુમી, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડેલ્ટા કોર્પ, બલરામપુર ચીની, એમસીએક્સ ઈન્ડિયા, દિપક નાઈટ્રેટ, અંબુજા સિમેન્ટ્સ, પીવીઆર અને આરબીએલ બેંક નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ઘટાડા બાજુએ ભારતી એરટેલ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, આઈજીએલ અને દાલમિયા ભારતનો સમાવેશ થતો હતો. વાર્ષિક ટોચ દર્શાવનાર કેટલાંક જાણીતા કાઉન્ટર્સમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, મઝગાંવ ડોક, એપીએલ એપોલો, ગો ફેશન, ઈઆઈડી પેરી, કોચીન શીપયાર્ડ, ઈડીએફસી, ગુજરાત ફ્લોરો, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને સોલાર ઈન્ડનો સમાવેશ થતો હતો.
ડોલર સામે રૂપિયો 32 પૈસા ગગડી 81.94ના નવા લો પર
ભારતીય ચલણમાં ડોલર સામે ઘટાડો અટક્યો નથી. ગુરુવારે સ્થાનિક ચલણ ગ્રીનબેક સામે 32 પૈસા ગગડી 81.94ના સૌથી નીચા સ્તરે બંધ જોવા મળ્યું હતું. ઈક્વિટી માર્કેટમાં મજબૂતી વચ્ચે રૂપિયો 81.52ના સ્તરે પોઝીટીવ ઓપનીંગ બાદ ગગડતો જોવા મળ્યો હતો અને 81.94 પર બંધ રહ્યો હતો. છેલ્લાં બે સત્રોથી એફઆઈઆઈની વેચવાલી અટકવા છતાં રૂપિયા પર દબાણ યથાવત છે.
વૈશ્વિક કરન્સી રિઝર્વ્સમાં 2022માં 1 ટ્રિલીયન ડોલરનો ઘટાડો
કુલ ફોરેક્સ રિઝર્વ્સ 2003 પછી સૌથી વધુ ગગડી 12 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું
વૈશ્વિક ફોરેન કરન્સી રિઝર્વ્સમાં વિક્રમી ઝડપે ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં રિઝર્વ્સમાં 1 ટ્રિલિયન ડોલર અથવા તો 7.8 ટકાનો ઘટાડો નોઁધાયો છે અને તે 12 ટ્રિલીયન ડોલર પર પહોંચ્યું છે. જે 2003થી અત્યાર સુધીમાં સૌથી મોટું ગાબડું છે. ભારતથી લઈને ઝેક રિપબ્લિક સુધીના તમામ દેશોએ તેમના ચલણોને ડોલર સામે તૂટતાં અટકાવવા માટે માર્કેટમાં દરમિયાનગીરી કરતાં આમ જોવા મળ્યું છે.
ફોરેક્સ રિઝર્વ્સમાં ઘટાડાનું એક કારણ વેલ્યૂએશનમાં ફેરફાર પણ છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લાં એક વર્ષથી સતત સુધરતો રહી 22 વર્ષોની ટોચ પર પહોંચ્યો હતો. તેણે કેલેન્ડરમાં 20 ટકાથી વધુનો મજબૂત સુધારો દર્શાવ્યો હતો. ડોલર સામે વિકસિત ચલણો જેવાકે યૂરો, યેન, બ્રિટીશ પાઉન્ડ સહિત ઈમર્જિંગ ચલણોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો છે. ચલણોમાં ઘટાડો અટકાવવા માટે મધ્યસ્થ બેંકોએ ફોરેક્સ માર્કેટમાં મોટાપાયે દરમિયાનગીરી કરવાની થઈ હતી. જેને કારણે કોવિડ બાદ વિક્રમી સ્તરે પહોંચેલા ફોરેક્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો વ્યક્તિગત દેશોની વાત કરીએ તો ભારતનું હૂંડિયામણ 96 અબજ ડોલર ગગડી 538 અબજ ડોલર પર જોવા મળ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ રિઝર્વ્સમાં ઘટાડા પાછળ 67 ટકા હિસ્સો એપ્રિલથી અત્યાર સુધીમાં એસેટ વેલ્યૂએશનમાં ફેરફાર છે. જ્યારે બાકીનો ઘટાડો ચલણને સપોર્ટ કરવા માટે બજારમાં કરવા પડેલા ડોલર વેચાણને કારણે છે. ચાલુ વર્ષે ડોલર સામે રૂપિયામાં 9 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જાપાને સપ્ટેમ્બર મહિનામાં યેનને ડોલર સામે ગગડતો અટકાવવા માટે 20 અબજ ડોલર ખર્ચ્યાં હતાં. જાપાની સેન્ટ્રલ બેંકે 1998 પછી પ્રથમવાર ચલણને સપોર્ટ કરવો પડ્યો હતો. ઝેક રિપબ્લિકમાં કરન્સીને ટકાવી રાખવા માટે બજારમાં દરમિયાનગીરીને કારણે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં રિઝર્વ્સમાં 19 ટકા ઘટાડો જોવા મળ્યો છે. એનાલિસ્ટ્સના મતે સિસ્ટમમાં તિરાડો જોવા મળી રહી છે અને સ્થિતિ ઝડપથી વણસી રહી છે.
ફોરેક્સમાં ઘટાડાની ઝડપ અસાધારણ છે. સ્થાનિક ચલણને ડોલર સામે ઘસાતું અટકાવવા રિઝર્વ્સના ઉપયોગની વાત નવી નથી. જ્યારે દેશમાં ફોરેન કેપિટલ ફ્લો ઝડપી હોય છે ત્યારે મધ્યસ્થ બેંક્સ ડોલર ખરીદીને ચલણનો સુધારો અટકાવતી હોય છે. જ્યારે ખરાબ સમયગાળામાં ડોલર દેશની બહાર જતાં હોય ત્યારે સ્થાનિક ચલણને સપોર્ટ આપવા માટે ડોલર ખર્ચ કરે છે. કેટલાંક દેશો ખાસ કરીને એશિયાઈ દેશો બંને બાજુની સ્થિત જોઈ રહ્યાં છે. મોટાભાગની એશિયન સેન્ટ્રલ બેંક્સ પાસે તેમના ચલણને બચાવવા માટે પૂરતાં ડોલર્સ છે. ભારત 2017ની સરખામણીમાં 49 ટકા ઊંચું રિઝર્વ્સ ધરાવે છે. જે નવ મહિનાની આયાત ચૂકવણી માટે પર્યાપ્ત છે. જોકે સહુની સ્થિતિ સમાન નથી. ચાલુ વર્ષે 42 ટકા ઘટાડા બાદ પાકિસ્તાન પાસે 14 અબજ ડોલરનું રિઝર્વ્સ છે. જે ત્રણ મહિનાની આયાત માટે પણ પૂરતું નહિ હોવાનું બ્લૂમબર્ગ ડેટા સૂચવે છે.
મોર્ગન સ્ટેનલીએ ઈમર્જિંગ માર્કેટ્સ અપગ્રેડ કર્યાં
છેલ્લાં ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા ઈમર્જિંગ માર્કેટ્સમાં મંદીની સાઈકલ પૂરી થઈ હોવાનું મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે. તેના મતે જાપાન સિવાય ઈમર્જિંગ માર્કેટ્સ અને એશિયન બજારોમાં મંદીની સાઈકલ પૂરી થઈ છે. એક નોંધમાં બેંકરે નોંધ્યું છે કે તેમણે ઈમર્જિંગ માર્કેટ્સ અને એશિયાને ‘ઈક્વલ-વેઈટ’માંથી ‘ઓવરવેઈટ’માં અપગ્રેડ કર્યાં છે. ઈમર્જિંગ માર્કેટ્સે કોવિડને કારણે સખત લોકડાઉન પાછળ તેમની ટોચથી તાજેતરના તળિયા સુધી મોટો કરેક્શન પિરિયડ જોયો હતો. તેણે નોંધ્યું છે કે બજારોમાં મોટાભાગની ખરાબી થઈ ચૂકી છે અને હવે નવેસરથી રોકાણનો સમય પાકી ગયો છે. રોકાણકારોએ શરૂઆતી પ્રવેશનો લાભ લેવાની તક ઝડપવી જોઈએ.
2023માં વૈશ્વિક ટ્રેડ ગ્રોથ એક ટકા જ રહેશે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને 2023માં વૈશ્વિક વેપારમાં માત્ર એક ટકા વૃદ્ધિની આગાહી કરી છે. તેણે અગાઉ કરેલા 3.4 ટકા વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જે ભારત સહિતના દેશોની નિકાસમાં મોટા ઘટાડાની શક્યતાં દર્શાવે છે. જીનેવા સ્થિત સંસ્થાએ બુધવારે રજૂ કરેવા અહેવાલમાં નોંધ્યું છે કે 2022ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વિશ્વ વેપારમાં મોટા ઘટાડાની શક્યતાં છે અને તે 2023માં પણ મંદ જળવાય શકે છે. જો વર્તમાન આગાહી સાચી પડશે તો 2023માં ટ્રેડ ગ્રોથમાં તીવ્ર ઘટાડો નોંધાશે. જોકે તેમ છતાં તે પોઝીટીવ વૃદ્ધિ દર્શાવશે એમ ડબલ્યુટીઓ ઉમેરે છે. વૈશ્વિક સેન્ટ્રલ બેંકર્સે અપનાવેલી મોનેટરી પોલિસી તથા રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે સપ્લાય ચેઈન પર દબાણ વૈશ્વિક ટ્રેડની ગતિ ધીમી પાડશે એમ તે ઉમેરે છે.
સેબી ગંભીર ગુના આચરનારા સામે ટૂંકમાં કાર્યવાહી શરૂ કરશે
સરકાર સેબી એક્ટમાં સુધારણા માટે રેગ્યુલેટર સાથે મંત્રણા કરી રહી છે
શેરબજારમાં ગુનો આચરનાર હવેથી વધુ ગંભીર સજાને આમંત્રણ આપશે. સરકાર બજારમાં ગુનો આચરનારાને કડક સજા મળે તે માટે નિયમોને આકરા કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સાથે વિચારણા ચલાવી રહી છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. આમ કરવા માટે સેબી એક્ટમાં સુધારણા કરવી પડશે એમ તેઓ ઉમેરે છે.
હાલમાં સેબી એક સિવિલ કોર્ટ સમકક્ષ સત્તા ધરાવે છે અને માર્કેટમાં ગુનો આચરનાર કંપનીઓ સામે પેનલ્ટીનો આદેશ આપી શકે છે. જો તે કોઈ ગુનેગાર સામે ક્રિમીનલ કાર્યવાહી કરવા ઈચ્છતી હોય તો તેણે રેગ્યુલેટર કોર્ટ્સ મારફતે આમ કરવાનું રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેબીએ તેને મળેલી કાર્યવાહી માટેની સત્તાનો ખૂબ જૂજ ઉપયોગ કર્યો છે. જોકે નવા સેબી એક્ટમાં તે આમ નહિ કરી શકે. કેમકે સરકાર નવા એક્ટમાં કેટલાંક ચોક્કસ પ્રકારના ગુનાઓ માટે કાર્યવાહીને ફરજિયાત બનાવવા જઈ રહી છે. આમ કરવા પાછળનો મુખ્ય હેતુ બજારમાં સક્રિય માર્કેટ કંપનીઓ સમક્ષ ગુનો આચરવા સામે સખત પ્રણાલી ઊભી કરવાનો છે. જેથી ગુના કરતાં અગાઉ ગુનેગાર સો વાર વિચાર કરે. આ ફેરફાર કંપનીઝ એક્ટની દિશામાં છે. નવા કંપનીઝ એક્ટ હેઠળ અમુક પ્રકારના ગુનાઓ પેનલ્ટીઝથી સેટલ નથી થઈ શકતાં. તમામ વિકસિત દેશોમાં શેરબજારમાં આચરવામાં આવતાં ગુનાઓ સામે ગુનાકિય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાં કોઈપણ વ્યક્તિ છટકી શકતી નથી. સેબી પણ સમાન સત્તાઓ ધરાવે છે પરંતુ તેણે આ સત્તાનો ભાગ્યે જ ઉપયોગ કર્યો છે એમ આ સમગ્ર બાબતને નજીકથી જાણનાર વર્તુળનુ કહેવું છે. જો પ્રસ્તાવિત ફેરફારોને માન્ય રાખવામાં આવશે તો સેબીએ માર્કેટ ગુનેગારો સામે ફરજિયાત કાર્યવાહી કરવાની રહેશે.
નવા નિયમોમાં શું હશે?
• નવો સેબી એક્ટ ગુનાકીય કાર્યવાહી માટે વ્યાપક સત્તા ધરાવતો હશે.
• કેટલાંક પ્રકારના માર્કેટ વાયોલેશન બદલ ફરજિયાત કાર્યવાહી કરવાની બનશે.
• માર્કેટ રેગ્યુલેટર માત્ર પેનલ્ટીથી સેટલમેન્ટ નહિ કરી શકે.
• સેબીએ તેને મળેલી સત્તાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
કોર્પોરેટ ઈસીબીઃ ભારતીય કંપનીઓ તરફથી ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ્સ 29 ટકા ઘટી 7.669 અબજ ડોલર પર રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 10.8726 અબજ ડોલર પર જોવા મળતું હતું. કંપનીઓ તેમની ફંડની જરૂરિયાત માટે સ્થાનિક બેંક્સ તરફ વળવાથી આમ બન્યું હોવાનું વર્તુળો જણાવે છે.
કોલ ઓક્શનઃ સરકાર આગામી બે મહિનામાં 22 મિનરલ બ્લોક્સનું ઓક્શન કરશે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગોવા સ્થિત બ્લોક્સનો સમાવેશ થાય છે. તેમાં છ આયર્ન બ્લોક્સ, ત્રણ લાઈમસ્ટોન, ત્રણ ગોલ્ડ, બે બોક્સાઈટ બ્લોક, એક કોપર બ્લોક અને એક ફોસ્ફોરાઈટ બ્લોકનો સમાવેશ થાય છે.
ફોર્જિંગ કંપનીઝઃ નોર્થ અમેરિકા ક્લાસ 8 ટ્રક ઓર્ડર્સ માસિક ધોરણે 15 ટકા ઉછળી 53700 યુનિટ્સ પર જોવા મળે છે. વાર્ષિક ધોરણે તે 34 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તેમજ માસિક ધોરણે સૌથી ઊંચો ઓર્ડર છે. જેનો લાભ ભારત ફોર્જ, આરકે ફોર્જ અને મધરસન જેવી કંપનીઓને થશે.
સ્પાઈસજેટઃ ઉડ્ડયન કંપની સુધારેલી ECLGSના ભાગરૂપે વધુ રૂ. 1000 કરોડ મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જેની પાછળ કંપનીનો શેર 5 ટકાથી વધુ ઉછળ્યો હતો.
આરબીએલ બેંકઃ પ્રાઈવેટ બેંકે બીજા ક્વાર્ટરમાં 5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 79407 કરોડની ડિપોઝિડ્સ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75588 કરોડ પર હતી. જ્યારે કાસા રેશિયો વાર્ષિક ધોરણે 35.4 ટકા સામે વધી 36.2 ટકા રહ્યો હતો.
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની કંપનીને રેઝોલ્યુશન માટેની ડેડલાઈનને વધુ 90 દિવસો માટે લંબાવી 1 ફેબ્રુઆરી 2023 કરવામાં આવે તેવી શક્યતાં છે. એકથી વધુ બીડર્સ તરફથી તેમના આખરી બીડ અગાઉ વધુ સમયની માગણી કરાતાં આમ થઈ શકે છે.
ગ્રીન બોન્ડ્સઃ અદાણી ગ્રીન એનર્જી અને ટાટા પાવર ગ્રીન બોન્ડ્સ મારફતે તેમના નવા પ્રોજેક્ટ્સને ફાઈનાન્સ કરશે. અદાણી ગ્રીન આ બોન્ડ્સ મારફતે એક અબજ ડોલર ઊભા કરવાનો ઈરાદો ધરાવે છે. જ્યારે ટાટા પાવર સસ્ટેનેબિલિટી લિંક્ડ લોન્સ મારફતે 32 કરોડ ડોલર મેળવવા ધારે છે એમ બેંકર્સ જણાવે છે.
ડીએલએફઃ અગ્રણી રિઅલ્ટી કંપનીએ ગુરુગ્રામમાં રૂ. 1800 કરોડથી વધુ મૂલ્યના 292 લક્ઝરી હોમ્સનું વેચાણ કર્યું છે. કંપનીએ 26 સપ્ટેમ્બરે પ્રોજેક્ટ લોંચ કર્યાંના 10 દિવસોમાં જ આટલું મોટું વેચાણ નોંધાવ્યું છે.
રિલાયન્સ ઈન્ફ્રાઃ કંપનીની દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસે ડીએમઆરસી તરફથી રૂ. 4500 કરોડ મેળવવાના બાકી છે. દિલ્હી કોર્ટે કરેલા આદેશ મુજબ કંપનીને મંગળવાર સુધીમાં નાણા ચૂકવવાના બનતાં હતાં. જોકે ડીએમઆરસી આમ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીએ મહારાષ્ટ્ર સરકાર સાથે 960 મેગાવોટના હાઈડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટની સ્થાપના માટે સમજૂતી કરાર કર્યાં છે.
એયૂ સ્મોલ ફાઈ બેંકઃ પ્રાઈવેટ બેંકે બીજા ક્વાર્ટરમાં ડિપોઝીટ્સમાં 7 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે રૂ. 58335 કરોડ પર રહી હતી. બેંકે ત્રિમાસિક ધોરણે 106 ટકા સામે 109 ટકા રિકવરી નોંધાવી હતી.
સુગર સ્ટોક્સઃ દેશની સુગર મિલ્સ તરફથી સુગર વર્ષ 2021-22 દરમિયાન વિક્રમી સુગર નિકાસ પાછળ રૂ. 40 હજાર કરોડનું વિક્રમી વિદેશી હૂંડિયામણ દેશમાં પ્રવેશ્યું હતું.
જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સઃ જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સની સબસિડિયરી કંપનીએ નેધરલેન્ડ સ્થિત ડીપી યુરેશિયા એનવીમાં વધુ ઈક્વિટી હિસ્સો ખરીદ્યો છે.
સ્ટરલાઈટ ટેકઃ કંપનીએ યૂકે સ્થિત ઈમ્પેક્ટ ડેટા સોલ્યુશન્સમાં તેના હિસ્સાના વેચાણની કામગીરી પૂર્ણ કરી છે.
આઈઈએક્સઃ કંપનીએ સપ્ટેમ્બરમાં 8160 મિલિયન યુનિટ્સનું વોલ્યુમ હાંસલ કર્યું છે. જે માસિક ધોરણે 5 ટકા વૃદ્ધિ સૂચવે છે.
એચએફસીએલઃ કંપની ટેલિકોમ પાર્ટ્સ બનાવવા માટે રૂ. 450 કરોડનું રોકાણ કરશે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.