માર્કેટ સમરી
ભારતીય બજાર સતત પાંચમા દિવસે પોઝીટવ બંધ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી તેમની જાન્યુઆરીની ટોચ નજીક પહોંચી ગયાં છે. નિફ્ટી 11263 બંધ જોવા મળ્યો છે. જે 17 જાન્યુઆરીના 11352ના બંધ સામે 89 પોઈન્ટ્સ છેટે છે. જ્યારે સેન્સેક્સ 42273ના ઈન્ટ્ર-ડે હાઈથી 350 પોઈન્ટ્સ છેટે છે. ચાલુ સપ્તાહે સેન્સેક્સ 2300 પોઈન્ટ્સ ઉછળ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બેંકોનો સપોર્ટ
શુક્રવારે બજારને મુખ્ય સપોર્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બેંકિંગ ક્ષેત્ર તરફથી સાંપડ્યો હતો. રિલાયન્સ રિટેલમાં પીઆઈએફના રૂ. 9950 કરોડના ઈન્વેસ્ટમેન્ટ પાછળ શેર 4 ટકા જેટલો ઉછળ્યો હતો અને ફરી રૂ. 2000ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો.
બેંકિંગ શેર્સમાં એચડીએફસી બેંક પણ તેની વાર્ષિક ટોચ પર રૂ. 1300ની સપાટી કૂદાવી ગયો હતો. એ સિવાય કોટક બેંક, ઈન્ડ્સઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં.
ઓટો અને એફએમસીજીમાં નરમાઈ
માર્કેટમાં બ્રોડ બેઝ તેજી વચ્ચે ઓટો અને એફએમસીજી નરમ રહ્યાં હતાં. મારુતિ 2.5 ટકાથી વધુના ઘટાડે રૂ. 7000ની સપાટી નીચે આવી ગયો હતો. જ્યારે નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ જેવા કાઉન્ટર્સ પણ નરમાઈ દર્શાવતાં હતાં.
સોનું-ચાંદી મજબૂત
સોનું રૂ. 52 હજાર અને ચાંદી રૂ. 65 હજારને પાર કરી ગયાં
યુએસ પ્રમુખ તરીકે બિડેનનો વિજય લગભગ નિશ્ચિત બનતાં સોનું-ચાંદી મજબૂતી દર્શાવી રહ્યાં છે. ગુરુવારે એમસીએક્સ ખાતે 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવ્યાં બાદ શુક્રવારે પણ ચાંદીમાં સુધારો જળવાયો હતો. એમસીએક્સ ખાતે નવેમ્બર વાયદો એક ટકાના સુધારે રૂ. 65400 પર ટ્રેડ થયો હતો. સોનું પણ સાધારણ સુધારા વચ્ચે રૂ. 52 હજારની સપાટીને પાર કરી ગયું હતું. કોપરમાં પણ એક ટકા મજબૂતી જોવા મળી હતી.
એનબીએફસી શેર્સમાં સાર્વત્રિક લેવાલી પાછળ 5 ટકા સુધીનો ઉછાળો
હોમ ફાઈનાન્સ, કન્ઝ્યૂમર ફાઈ., વેહીકલ ફાઈ., ગોલ્ડ ફાઈ., માઈક્રો ફાઈનાન્સ સહિત તમામ પ્રકારની એનબીએફસીમાં ખરીદી જોવાઈ
શુક્રવારે શેરબજાર તેની નવ મહિનાની ટોચને વધુ આગળ લઈ જવામાં સફળ રહ્યું હતું ત્યારે નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓના શેર્સમાં સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી. હોમ ફાઈનાન્સ, કન્ઝ્યૂમર ફાઈનાન્સ, માઈક્રો ફાઈનાન્સ, ગોલ્ડ ફાઈનાન્સ અને વેહીકલ ફાઈનાન્સ સહિતની તમામ પ્રકારની એનબીએફસી કંપનીઓના શેર્સ 5 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. માર્કટમાં લગભગ બે વર્ષ બાદ એનબીએફસી શેર્સમાં ખરીદીનું આકર્ષણ વધ્યાંનું જોવા મળી રહ્યું છે.