બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓએ મચક નહિ આપતાં આખરે માર્કેટમાં બ્રેકઆઉટ
નિફ્ટી 15900ના અવરોધને પાર કરવામાં સફળ
એફએમસીજી, ઓટો, બેંકિંગ અને આઈટીમાં લેવાલી
હિંદુસ્તાન યુનિલિવર ફરી રૂ. 2500ની સપાટી પર જોવાયો
ઓએનસીજીની આગેવાનીમાં એનર્જીમાં આગળ વધતો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.55 ટકા ઘટી 20.26 પર બંધ રહ્યો
એશિયન બજારોનો વૈશ્વિક બજારોથી વિપરીત દેખાવ
ભારતીય શેરબજારે વિકસિત બજારો સાથે તાલ મિલાવતાં બુધવારે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. છેલ્લાં એક સપ્તાહથી તેજી-મંદીવાળાઓ વચ્ચે ચાલી રહેલી ચડસા-ચડસીમાં આખરે તેજીવાળાઓ મેદાન મારી ગયા હતા અને બજાર જોત-જોતામાં બ્રેકઆઉટ આપવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 616.62 પોઈન્ટ્સના સુધારે 53750.97ની સપાટીએ જ્યારે નિફ્ટી 178.95 પોઈન્ટ્સના સુધારે 15989.80ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 40 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 10 નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે મોટી ખરીદીનો અભાવ હતો અને બીએસઈ ખાતે બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.55 ટકા ગગડી 20.26ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગ દર્શાવી એક તબક્કે સાધારણ નેગેટિવ ટ્રેડ પાડ્યો હતો. જોકે ત્યારબાદ બજારમાં સતત સુધારો જોવા મળ્યો હતો અને ટ્રેડિંગ બંધ થતાં અગાઉ એક તબક્કે નિફ્ટી 16011ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી 20 પોઈન્ટ્સ નીચે બંધ જોવા મળ્યો હતો. મંગળવારે વૈશ્વિક બજારમાં ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવમાં તીવ્ર કડાકાને પગલે ભારત જેવા નેટ ઈમ્પોર્ટર અર્થતંત્રને લાંબાગાળે નોંધપાત્ર લાભ જોવા મળી શકે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 10 ટકાથી વધુ ગગડી 101 ડોલર પર જોવા મળ્યો હતો. જ્યારે બુધવારે તે 104-105 ડોલરની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ફેડ તરફથી હોકિશ ટ્રેન્ડ જળવાયેલો રહેવાની શક્યતાએ ડોલર ઈન્ડેક્સ અસાધારણ તેજી દર્શાવી રહ્યો છે. જેની પાછળ ગોલ્ડ સહિત બેઝ મેટલ્સમાં નરમાઈ જોવા મળી રહી છે. ડોલરમાં મજબૂતી ઈમર્જિંગ માર્કેટ્સ ચલણો માટે પરેશાની બની છે. બુધવારે ડોલર ઈન્ડેક્સ 106.77ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. એક વર્ષમાં તે લગભગ 19 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ભારતીય રૂપિયો મંગળવારે 79.37ના ઐતિહાસિક તળિયે ટ્રેડ થયો હતો. એનાલિસ્ટ્સના મતે રૂપિયામાં નરમાઈ સાથે ક્રૂડ પણ 100 ડોલરની નીચે ઉતરી જશે તો ભારતને ઈમ્પોર્ટ બિલમાં મોટી રાહત મળશે. સરકાર તરફથી ક્રૂડનો ભાવ 80-90 ડોલરની રેંજમાં જળવાય રહેવાનો ટાર્ગેટ છે. જોકે છેલ્લાં ત્રણેક મહિનાથી તે 100 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જેને કારણે જૂન મહિના માટેની વેપારી ખાધ વિક્રમી સ્તરે જોવા મળી હતી.
માર્કેટને બુધવારે સપોર્ટ કરવામાં એફએમસીજી, ઓટો, બેંકિંગ અને આઈટી મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 2.64 ટકા ઉછળ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર 6 ટકા, બ્રિટાનિયા 5 ટકા, એચયૂએલ 4 ટકા, કોલગેટ 2.6 ટકા અને ડાબર ઈન્ડિયા 2.3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. આઈટીસીમાં પણ એક દિવસના વિરામ બાદ બુધવારે ફરી પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો 2.6 ટકાના સુધારે તેની વાર્ષિક ટોચ નજીક સરક્યો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ 8.54 ટકા ઉછળ્યો હતો. જ્યારે આઈશર મોટર્સ 3.7 ટકા, હીરો મોટોકોર્પ 3.45 ટકા, મારુતિ સુઝુકી 3.37 ટકા, બોશ 3.03 ટકા, એમઆરએફ 2.8 ટકા અને બજાજ ઓટો 2.45 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે આઈટી કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેક્નોલોજી 2.72 ટકા, કોફોર્જ 1.85 ટકા, એમ્ફેસિસ 1.58 ટકા, માઈન્ડટ્રી 1.52 ટકા અને ટીસીએસ 1.38 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 0.8 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં બાયોકોન 2.4 ટકા, ઓરોબિંદો ફાર્મા 2 ટકા, ઝાયડસ લાઈફ 1.25 ટકા, ડિવિઝ લેબ્સ 1 ટકા સુધારો સૂચવતાં હતાં. જોકે બીજી બાજુ એનર્જી શેર્સમાં નરમાઈ જોવા મળી રહી હતી. ઓએનજીસી વધુ 5 ટકા ગગડી રૂ. 120.95ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી, એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ એક ટકા આસપાસથી 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એબીબી ઈન્ડિયા 6.44 ટકા, દાલમિયા ભારત 6.11 ટકા, હનીવેલ ઓટોમેશન 5.5 ટકા સાથે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બલરામપુર ચીની 4 ટકા, એનએમડીસી 2.2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે 3436 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1751 પોઝીટીવ બંધ જળવાયાં હતાં. જ્યારે 1556 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 75 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 50 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
બજાજ હિંદુસ્તાન સુગરને NPA જાહેર કરતાં લેન્ડર્સ
દેશમાં સૌથી મોટી ખાંડ ઉત્પાદક કંપનીઓમાંની એક એવી બજાજ હિંદુસ્તાન સુગરને નાણા ધિરનાર લેન્ડર્સે નોન-પર્ફોર્મિંગ એસેટ(એનપીએ) તરીકે જાહેર કરી છે. કંપની તેના ડેટની ચૂકવણીમાં નિષ્ફળ જવાથી આમ કરવામાં આવ્યું છે. માર્ચ સુધીમાં કંપની રૂ. 4814 કરોડનું કુલ ડેટ ધરાવતી હતી. બે ધિરાણકાર બેંકના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ માર્ચ મહિનાની આખરમાં કંપનીએ કેટલુંક ડેટ પરત ચૂકવવાનું બનતું હતું. જોકે તે આમ કરી શકી નહોતી. આ ઉપરાંત કંપનીએ ઉત્તર પ્રદેશમાં શેરડી ખેડૂતોને પણ રકમ ચૂકવવાની બને છે. કંપનીની તમામ 14 સુગર મિલ્સ ઉત્તર પ્રદેશમાં આવેલી છે. બેંક અધિકારીઓના મતે બજાજ હિંદુસ્તાનનું ક્રેડિટ પ્રોફાઈલ દબાણ હેઠળ હતું અને તે લેન્ડર્સને પેમેન્ટમાં વિલંબ કરી રહી હતી અને તેથી જૂન મહિનાની આખરમાં એનપીએ બની હતી.
SBI, કેનેરા બેંક અને BOB AT-1 બોન્ડ્સ મારફતે રૂ. 7500 કરોડ ઊભા કરશે
દેશમાં સૌથી મોટા લેન્ડર એવા પીએસયૂ બેંક એસબીઆઈ સહિત બે અન્ય પીએસયૂ બેંક્સ એડિશ્નલ ટાયર 1 બોન્ડ્સ મારફતે રૂ. 7500 કરોડ એકઠાં કરવાની યોજના ધરાવે છે. અન્ય બે પીએસયૂ બેંક્સમાં કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે. ત્રણેય બેંકિંગ કંપનીઓમાં એસબીઆઈ રૂ. 3000-3500 કરોડ એકત્ર કરે તેવી શક્યતાં છે. જ્યારે કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા રૂ. 2-2 હજાર કરોડ ઊભા કરવાનું વિચારી રહી છે. અન્યએક પીએસયૂ બેંક ઈન્ડિયન ઓવરસીઝ બેંક ડેટ માર્કેટમાં જઈને નાણા મેળવે તેવી શક્યતાં છે. જોકે તે બજારમાંથી કેટલાં નાણા ઊભા કરશે તે હજુ નકકી નથી. ગયા મહિને આઈઓબીના બોર્ડે ટિયર 2 બોન્ડ્સ મારફતે રૂ. 1000 કરોડ ઊભા કરવાની મંજૂરી આપી હતી.
રિટેલ સેક્ટરને લઈને એનાલિસ્ટ્સનો તેજીનો સૂર
ઊંચા ફુગાવાના દરથી વિરુધ્ધ માર્કેટ એનાલિસ્ટ્સ રિટેલ સેક્ટરના સ્ટોક્સને લઈને બુલીશ જોવા મળી રહ્યાં છે. તેમના મતે કોવિડ બાદ ગ્રાહકો અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર તરફથી ઓર્ગેનાઈઝ્ડ તરફ વળ્યાં છે. જેને કારણે ઈન્ડિયન રિટેલ સેક્ટર ઊંચા અર્નિંગ્સ ગ્રોથના તબક્કામાં પ્રવેશ્યું છે. કોવિડ બાદ કન્ઝ્યૂમર સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગ પણ મહામારી અગાના સ્તરે પહોંચી ગયું છે. કેટલાંક સેગમેન્ટમાં તો તેનાથી આગળ નીકળી ગયું છે. જેને કારણે નીશ સેગમેન્ટની કંપનીઓ તરફથી ખૂબ સારા દેખાવની શક્યતાં તેઓ જોઈ રહ્યાં છે. રિટેલર્સે 2022-23માં સ્ટોર વિસ્તરણ માટે પણ મહત્વની યોજના બનાવી હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે.
2022ના પ્રથમ ક્વાર્ટરમાં પોઝીટીવ રિટર્ન બાદ આખરે ગોલ્ડ પણ નેગેટીવ
કેલેન્ડરમાં અત્યાર સુધી ગોલ્ડ 240 ડોલરનો સુધારો દર્શાવી 310 ડોલર નીચે પટકાયું
વૈશ્વિક બજારમાં ગોલ્ડના 4 ટકા નેગેટિવ રિટર્ન સામે સ્થાનિક બજારમાં 6 ટકાથી વધુનું પોઝીટીવ રિટર્ન
સિલ્વરે વૈશ્વિક બજારમાં 16 ટકા વૃદ્ધિ દર્શાવ્યા બાદ ટોચ પરથી 29 ટકાનો ઘટાડો નોંધાવ્યો
ગોલ્ડના ભાવમાં ચાલુ કેલેન્ડરમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. જીઓ-પોલિટિકલ રિસ્ક પાછળ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવનાર કિંમતી ધાતુના ભાવ લગભગ છ મહિનાને એક સપ્તાહ બાદ નેગેટિવ રિટર્ન સૂચવી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ માર્ચ મહિના સુધીમાં 240 ડોલરના સુધારો દર્શાવતું હતું. જે હાલમાં 69 ડોલરનો ઘટાડો સૂચવી રહ્યું છે. વર્ષના ટોચના સ્તરેથી તે 310 ડોલર જેટલું નીચે પટકાયું છે.
જોકે ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે સોનું કેલેન્ડર દરમિયાન અત્યાર સુધીમાં 6.5 ટકા આસપાસ સુધારો દર્શાવી રહ્યું છે. જોકે ચાંદીને તો રૂપિયો પણ નથી બચાવી શક્યો. વૈશ્વિક બજારમાં ચાંદી અત્યાર સુધીમાં 15 ટકા જેટલું નેગેટિવ રિટર્ન સૂચવી રહી છે તો સ્થાનિક બજારમાં તે 10 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહી છે. આમ રૂપિયાના સંદર્ભમાં એકમાત્ર ગોલ્ડ રોકાણકારોને રાહત આપી રહ્યું છે. કેલેન્ડરની શરૂઆતથી જોઈએ તો વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1829 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના ભાવે ઓપનીંગ દર્શાવ્યું હતું. જે ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પરના હુમલા બાદ ઝડપથી ઉછળ્યું હતું અને માર્ચ આખરમાં તો 2070 ડોલરની સપાટી નજીક પહોંચી ગયું હતું. જે તેણે જુલાઈ 2020માં દર્શાવેલી 2079 ડોલરની સર્વોચ્ચ સપાટીની ખૂબ નજીકનું લેવલ હતું. જોકે ત્યારબાદ યુએસ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિને કારણે અન્ય એસેટ ક્લાસની માફક ગોલ્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તે સતત ગગડતું રહ્યું છે. મંગળવારે મોડી સાંજે વૈશ્વિક બજારમા ગોલ્ડના ભાવ તેના છેલ્લા સાત મહિનાના તળિયા પર ટ્રેડ થયા હતા. કોમેક્સ ગોલ્ડ 1800 ડોલરનો સપોર્ટ તોડી 1760 ડોલર સુધી પટકાયું હતું. છેલ્લા દોઢ મહિનામાં ગોલ્ડે બે વાર 1800 ડોલરના સ્તરની નીચે જઈ બાઉન્સ દર્શાવ્યું હતું અને તેથી એવું માનવામાં આવતું હતું કે 1800 ડોલરની સપાટી એક મજબૂત સપોર્ટ છે. જોકે બુધવારે વૈશ્વિક ગોલ્ડ 1760 ડોલર આસપાસ નેગેટિવ ટ્રેડ દર્શાવતું હતું અને તેમાં ક્યાંય કોઈ બાઉન્સના ચિન્હો જણાતા નહોતા. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં અસાધારણ વૃદ્ધિને કારણે ગોલ્ડમાં વેચવાલી જોવા મળી રહી છે. મંગળવારે એક ટકાથી વધુ ઉછાળા સાથે ડોલર ઈન્ડેક્સ 106 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જે બુધવારે 0.43 ટકા સુધારા સાથે 106.778 ડોલરની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. જેને કારણે ગોલ્ડ સહિતની ધાતુઓમાં નરમાઈ જોવા મળી રહી હતી. માર્કેટના મતે ફેડ જુલાઈમાં પણ 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરશે તે નિશ્ચિત મનાય છે અને તેથી યુએસ બોન્ડ યિલ્ડ્સ મજબૂત ટકેલાં છે. જેનો ડોલરને સપોર્ટ મળી રહ્યો છે.
સ્થાનિક ચલણ રૂપિયામાં ડોલર સામે નરમાઈને કારણે ભારતીય બજારમાં સોનાના ભાવ 2022માં પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. ડિસેમ્બર 2021ની આખરમાં એમસીએક્સ ખાતે રૂ. 48099ની સપાટી પર બંધ રહેલા સોનાના ભાવ માર્ચ મહિનામાં રૂ. 55558ની ટોચ પર ટ્રેડ થયા હતા. જે 15.5 ટકા સુધારો દર્શાવતાં હતાં. જોકે ત્યાંથી તે ઘટવાતરફી બની રહ્યાં હતાં અને હાલમાં રૂ. 51200 આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એટલેકે ટોચથી 7.84 ટકાનો ઘટાડો સૂચવે છે. જોકે કેલેન્ડરની શરુઆતથી 6.5 ટકા જેટલો સુધારો સૂચવે છે. જોકે ચાંદીનો રોકાણકાર આટલો નસીબદાર પૂરવાર નથી થયો. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ માર્ચ મહિનાની 26.94 ડોલરની ટોચ પરથી 29 ટકા ગગડી 19.15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સ્થાનિક બજારમાં તે રૂ. 73078ની ટોચ પરથી રૂ. 56750ની સપાટી પર જોવા મળે છે. જે ટોચ પરથી 22.34 ટકાનો ઘટાડો સૂચવે છે. જે રૂ. 62660ના કેલેન્ડરના ઓપનીંગ સામે 10 ટકા આસપાસનો ઘટાડો નોંધાવે છે.
ગોલ્ડ-સિલ્વરના ભાવમાં વધ-ઘટ
પ્રોડક્ટ 2021નો બંધ ભાવ ટોચ ટોચ પર વૃદ્ધિ(ટકામાં) બજારભાવ ટોચથી ઘટાડો(ટકામાં)
કોમેક્સ ગોલ્ડ(ડોલરમાં) 1829 2070 13 1760 -15
MCX ગોલ્ડ(રૂ.) 48099 55558 16 51200 -8
કોમેક્સ સિલ્વર(ડોલરમાં) 23.29 26.94 16 19.15 -29
MCX સિલ્વર(રૂ.) 62660 73078 17 56750 -22.34
ભારત ચીને ત્રણ મહિનામાં 24 અબજ ડોલરનું રશિયન એનર્જી પ્રોડક્ટ્સ ખરીદી
મેમાં પૂરા થતાં ત્રણ મહિનામાં ચીને રશિયા ખાતેથી 18.9 અબજ ડોલરનો ઓઈલ-ગેસ ખરીદ્યો
યુક્રેનમાં સૈન્ય મોકલ્યાંના ત્રણ મહિનામાં રશિયાએ ચીન અને ભારતને એનર્જી પ્રોડક્ટ્સના વેચાણ મારફતે 24 અબજ ડોલર મેળવ્યાં હતાં. જે સૂચવે છે કે એનર્જીના ઊંચા ભાવ યુએસ અને યુરોપ તરફથી રશિયન નિકાસ પર પ્રતિબંધના પ્રયાસો વ્યર્થ જઈ રહ્યાં છે. યુએસ અને યુરોપ તરફથી રશિયન પ્રમુખ પુતિનને સજાના ભાગરૂપે ભારત પર રશિયન ગુડ્સની ખરીદી અટકાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
જોકે ભારત અને ચીન બંને દેશોએ કોઈની વાતમાં આવ્યા વિના રશિયા ખાતેથી સસ્તી એનર્જી આયાત ચાલુ રાખી છે. મે મહિનામાં પૂરા થતાં ત્રણ મહિના દરમિયાન ચીને 18.9 અબજ ડોલરના રશિયન ઓઈલ-ગેસની ખરીદી કરી છે. જ્યારે ભારતે સમાનગાળામાં 5.1 અબજ ડોલરની એનર્જી પ્રોડક્ટ્સ ખરીદી છે. જે વર્ષ અગાઉ સમાનગાળાના મૂલ્યની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ દર્શાવે છે. બંને દેશો મળીને 2021માં સમાનગાળામાં ખરીદી કરતાં 13 અબજ ડોલરની વધુ ખરીદી કરવામાં આવી હતી. રશિયા ખાતેથી ઊંચી ખરીદી પાછળ યુએસ અને અન્ય દેશો ખાતેથી ભારતની ક્રૂડ ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. રશિયન ખરીદી પર પ્રતિબંધને કારણે વૈશ્વિક બજારોમાં એનર્જિ સહિતની કોમોડિટીઝના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જેને કારણે ભારત સહિતના દેશો માટે ફુગાવાની ચિંતા વધી હતી. તેમજ આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની શક્યતા જોવાઈ રહી છે. ચીન તો રશિયા ખાતેથી દરેક આવશ્યક ચીજ-વસ્તુઓની પાઈપલાઈન મારફતે અથવા પેસિફિક પોર્ટ્સ મારફતે ખરીદી કરી રહ્યું છે. ભારત એટલાન્ટિક કાર્ગોની ખરીદી કરી રહ્યું છે. જે મૂળે યુરોપના દેશો ખરીદતાં હતાં. જોકે હવે યુરોપિય દેશોએ ખરીદી બંધ કરતાં તે ભારત તરફ વાળવામાં આવ્યો છે. એનર્જીના ઊંચા ખર્ચને જોતાં રશિયા ખાતેથી એનર્જી આયાત ટૂંકાગાળામાં ઘટાડાતરફી બનવાની શક્યતાં નથી. વોલ્યુમને આધારે જોઈએ તો જૂનમાં ચીનની ખરીદીમાં નીચી વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઊંચા ડિસ્કાઉન્ટને જોતાં ભારત તરફથી આગામી મહિનાઓમાં ઊંચી ખરીદી જળવાય રહેવાની શક્યતાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ રિટેલઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ ડિવિઝને અમેરિકી ફેશન બ્રાન્ડ ગેપ ઈન્ક. સાથે લોંગ-ટર્મ ભાગીદારીમાં પ્રવેશની જાહેરાત કરી છે. જે હેઠળ કંપની તેના ભારતીય આઉટલેટ્સમાં ગેપની પ્રોડક્ટ્સનું વિતરણ કરશે. લોંગ-ટર્મ ફ્રેન્ચાઈઝ વ્યવસ્થા બાદ રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલ્સમાં ગેપનો સત્તાવાર રિટેલ બન્યો છે. તે એક્સક્લૂઝિવ બ્રાન્ડ શોપ, મલ્ટી-બ્રાન્ડ સ્ટોર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ભારતીય ગ્રાહકો સમક્ષ ગેપના તાજા ફેશન ઓફરિંગ્સ રજૂ કરશે.
બજાજ ફાઈનાન્સઃ બજાજ જૂથની અને દેશમાં ટોચની એનબીએફસીએ એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન નવા 74 લાખ લોન એકાઉન્ટ્સ ઓપન કર્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 46 લાખ પર હતાં.
બાયોકોનઃ ફાર્માસ્યુટીકલ કંપનીએ બેંગલૂરૂ સ્થિત તેની બાયોલોજિક્સ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી માટે યુરોપિયન યુનિયન પાસેથી જીએમપી સર્ટિફિકેશન મેળવ્યું છે.
કોન્કોરઃ પીએસયૂ કંપની કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જૂન મહિનાના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 11.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માસિક ધોરણે તેણે 1.4 ટકા વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી હતી.
એલઆઈસીઃ પીએસયૂ જીવન વીમા કંપની મોટાપાયે વિસ્તરણ હાથ ધરી રહી છે. જેમાં તાજેતરમાં તેણે મધ્ય અને પૂર્વીય ઝોનમાં વિવિધ શાખાઓની શરૂઆત કરી છે.
એસઆરએફઃ યુએસ તરફથી ચીન પરના વેપાર પ્રતિબંધો હળવા કરવામાં આવતાં સ્પર્ધા વધવાની શક્યતાએ માર્જિનમાં ઘસારો જોવા મળે તેવા ગભરાટે એસઆરએફના શેરમાં 6 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
નાઈટ ફ્રેંક ઈન્ડિયાઃ કંપનીના 2022ના પ્રથમ છ મહિનાની કામગીરી રજૂ કરતાં ઈન્ડિયા રિઅલ એસ્ટેટ રિપોર્ટ મુજબ અમદાવાદમાં રેસિડેન્શિયલ સેલ્સમાં વાર્ષિક 95 ટકાની મજબૂત વૃદ્ધિ સાથે 8190 મકાનોનું વેચાણ થયું છે. આમાંથી 28 ટકા હિસ્સો રૂ. 50 લાખથી એક કરોડની કેટેગરીનો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 22 ટકા પર હતો.
પાવર ગ્રીડ કોર્પોઃ જાહેર ક્ષેત્રની ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનું બોર્ડ રૂ. 6 હજાર કરોડનું ફંડ ઊભું કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
આઈએએક્સઃ ઈલેક્ટ્રિસિટી એક્સચેન્જે જૂન મહિનામાં 826 કરોડ યુનિટ્સનું વોલ્યુમ હાંસલ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વરસાદની સિઝન પાછળ એક્સચેન્જ પર તાજેતરમાં વીજ ભાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
શોપર્સ સ્ટોપઃ રિટેલ કંપનીએ નાણાકિય વર્ષ 2022-23માં 12 નવા સ્ટોર્સનો ઉમેરો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઉપરાંત કંપની હવેથી પ્રાઈવેટ લેબલ્સ પર પણ ફોકસ કરશે.
એસજેવીએનઃ સરકારી હાઈડ્રોપાવર કંપનીનું વીજ ઉત્પાદન વાર્ષિક ધોરણે 12.3 ટકા વૃદ્ધિ સાથે 27.36 કરોડ યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
ટાઈટનઃ તાતા જૂથની જ્વેલરી સહિતની ડિસ્ક્રિશ્નરી આઈટમ્સનું વેચાણ કરતી કંપની વેસ્ટ એશિયા અને નોર્થ અમેરિકામાં સ્ટોર્સ શરૂ કરવાનું વિચારી રહી છે.