Market Summary 5 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

યુરોપ બજારોમાં વેચવાલી નીકળતાં સ્થાનિક સુધારો ભૂંસાયો
નિફ્ટી 16 હજારના ચાર સપ્તાહના ટોચના સ્તરેથી પટકાયો, જોકે 15800 જાળવ્યું
એશિયન બજારોની સરખામણીમાં સ્થાનિક બજારનું અન્ડરપર્ફોર્મન્સ
એનર્જી, ફાર્મા અને મેટલ સિવાય અન્ય ક્ષેત્રોમાં નરમાઈ
FMCGમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ ઘટાડે 20.78ના સ્તરે
બ્રોડ માર્કેટમાં ધીમી ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત
ભારતીય શેરબજારને મંગળવારે ટાઈમઝોન નડી ગયો હતો. પોઝીટીવ કામકાજ દર્શાવનાર એશિયન બજારો પાછળ એક તબક્કે એક ટકાથી વધુનો સુધારો દર્શાવનાર શેરબજાર યુરોપ બજારોમાં ઓપનીંગ બાદ વેચવાલી પાછળ ઊંધા માથે પટકાયું હતું અને નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટ્સના ઘટાડે 53134ની સપાટીએ જ્યારે નિફ્ટી 26 પોઈન્ટ્સના ઘટાડે 15811ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 28 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળતાં હતાં. આમ લાર્જ-કેપ્સમાં માર્કેટ-બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. બીજી બાજુ વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ ઘટાડે 20.78ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે ધીમી લેવાલી જળવાય હતી. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી.
મંગળવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવી વધુ સુધારો જાળવ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 10 જૂન પછીના ચાર સપ્તાહની 16026ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે મધ્યાહને યુરોપ બજારો ખૂલતાં અને યુએસ ખાતે ફ્યુચર્સમાં નરમાઈ પાછળ બજાર ધીમે-ધીમે ઘટાડાતરફી બન્યું હતું. બંધ થવાના છેલ્લા ચરણમાં તે રેડિશ બન્યું હતું અને આખરે નરમાઈ સાથે જ બંધ પણ રહ્યું હતું. નિફ્ટી જુલાઈ ફ્યુચર્સ સ્પોટ નિફ્ટી સામે 44 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ સાથે બંધ રહ્યો હતો. માર્કેટમાં મોટાભાગના સેક્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જેમાં માત્ર એનર્જી, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. એનર્જી સેગમેન્ટમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સુધરવામાં અગ્રણી હતા. સતત બે દિવસની નરમાઈ બાદ ઓએનજીસીમાં 1.11 ટકા સુધારો નોંધાયો હતો. જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન 1.64 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે બીજી બાજુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મેટલમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ શેર્સ પોઝીટીવ જળવાયા હતાં. જેમાં હિંદાલ્કો, સેઈલ, ટાટા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક મુખ્ય હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં ડો. રેડ્ડીઝ લેબ્સ 0.91 ટકા સાથે જ્યારે ઓરોબિંદા ફાર્મા 0.78 ટકા અને સન ફાર્મા 0.77 ટકા સુધારો સૂચવતાં હતાં. છેલ્લાં કેટલાંક સત્રોથી બ્રોડ બજારની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવનાર એફએમસીજી સેક્ટરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને સિગારેટ મેજર આઈટીસીનો શેર 1.71 ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. આ સિવાય મેરિકો, બ્રિટાનિયા પણ એક ટકાથી વધુનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. બેંકનિફ્ટીમાં 0.4 ટકા નરમાઈ જોવા મળી હતી. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયુ સ્મોલ ફાઈનાન્સ, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંકના શેર્સ એક ટકા આસપાસ ઘટાડો દર્શાવતાં હતાં. માર્કસન્સ ફાર્મામાં બાય બેકની શક્યતાં પાછળ શેર 15 ટકા જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત એલ્ગી ઈક્પિવમેન્ટ, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, આસાહી ઈન્ડિયા, સોભા ડેવલપર્સ અને નેસ્કો જેવા કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એસબીઆઈ કાર્ડ્સ 3.9 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ સિવાય ગોદરેજ કન્ઝ્યૂમર, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, હેવેલ્સ ઈન્ડિયા, એમએન્ડએમ ફાઈ., સીજી કન્ઝ્યૂમર, ઈન્ડિયન હોટેલ્સમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ આરબીએલ બેંક 7 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત એસઆરએફ 6 ટકા, ટીવીએસ મોટર 3.4 ટકા, કોરોમંડલ ઈન્ટરનેશનલ 3.3 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 3 ટકા અને ડેલ્ટા કોર્પ 3 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. લાર્જ-કેપ કાઉન્ટર્સમાં સિમેન્ટ ઈન્ડિયાનો શેર 1.54 ટકા સુધારા સાથે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 91 હજાર કરોડની સપાટી પાર કરી ગયું હતું. જ્યારે બીજી બાજુ વોખાર્ડ, થાયરોકેર, ઈન્ડિયામાર્ટ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના શેર્સ તેમની ઓલ-ટાઈમ લો સપાટી પર ટ્રેડ થયાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3443 ટ્રેડેડ શેર્સમાંથી 1664 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1637 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવી રહ્યાં હતાં. 77 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 142 કાઉન્ટર્સે ફ્લેટ બંધ આપ્યું હતું.



ક્રેડિટ-ડિપોઝીટ ગ્રોથ ગેપ ત્રણ વર્ષોની ટોચ પર
ઊંચા ક્રેડિટ ગ્રોથ સાથે નીચા ડિપોઝીટ ગ્રોથને કારણે બેંકર્સમાં જોવા મળી રહેલી ચિંતા
જૂનના પ્રથમ પખવાડિયામાં ક્રેડિટ ગ્રોથ 13.2 ટકા પર જ્યારે ડિપોઝીટ ગ્રોથ 8.3 ટકા પર નોંધાયો
છેલ્લાં કેટલાંક મહિનાઓમાં દેશમાં ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, જોકે સાથે ડિપોઝીટ્સમાં વૃદ્ધિ જોવા મળી રહી નથી. જેને કારણે ક્રેડિટ-ડિપોઝીટ ગ્રોથ વચ્ચેનો ગેપ ત્રણ વર્ષોથી વધુની ટોચ પર જોવા મળી રહ્યો છે. જે આગામી સમયગાળામાં લોન ગ્રોથમાં વૃદ્ધિ માટેનો સૌથી મોટો અવરોધ બની શકે છે એમ બેંકર્સ જણાવે છે.
બેંક રેગ્યુલેટર આરબીઆઈએ તાજેતરમાં રજૂ કરેલા ડેટા મુજબ 17 જૂન સુધીમાં પૂરા થતાં પખવાડિયા દરમિયાન ક્રેડિટ ગ્રોથ 13.2 ટકા નોંધાયો હતો. જ્યારે ડિપોઝીટ ગ્રોથ 8.3 ટકા જોવા મળ્યો હતો. આમ બંને વચ્ચે 4.9 ટકાનો ઊંચો ગેપ પ્રવર્તી રહ્યો હતો. મેક્વેરિ રિસર્ચના એનાલિસ્ટ જણાવે છે કે ડિપોઝીટ ગ્રોથ અને લોન ગ્રોથ વચ્ચે વધી રહેલો ગેપ અમારી સૌથી મોટી ચિંતા છે. હાલમાં તે ત્રણ વર્ષોની ટોચ પર પહોંચ્યો છે. જે સિસ્ટમ માટે સૌથી મોટો અવરોધ છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ક્રેડિટ ગ્રોથ મજબૂત જોવા મળી રહ્યો છે. જેની પાછળના કારણોમાં કંપનીઓ તરફથી વર્કિંગ કેપિટલ લિમિટ્સનો વધુ સારો ઉપયોગ, હાઉસિંગ અને કન્ઝમ્પ્શન લોનમાં મજબૂત વૃદ્ધિ તથા કોર્પોરેટ્સ દ્વારા તેમના પ્રોજેક્ટ્સના ફંડીંગ માટે બેંક ક્રેડિટ તરફનો ઝૂકાવનો સમાવેશ થાય છે. તાજેતરના ક્રેડિટ સેક્ટરલ ડિપ્લોયમેન્ટ ડેટા મુજબ રિટેલ ક્રેડિટ 16.4 ટકાના દરે વધી હતી. જ્યારે સર્વિસ સેક્ટર ક્રેડિટ 12.9 ટકા, એગ્રી પોર્ટફોલિયો 11.8 ટકા અને ઈન્ડસ્ટ્રી સેક્ટરે 8.7 ટકા વૃદ્ધિ દર દર્શાવ્યો હતો. ઈકરાના અધિકારી જણાવે છે કે ડિપોઝીટ્સ 8.3 ટકાના દરે વધી રહી છે પરંતુ ઈન્ક્રિમેન્ટલ ડિપોઝીટ્સમાંથી લેન્ડેબલ ડિપોઝિટ્સ રેશિયો ખૂબ નીચો છે. ક્રેડિટ અને ડિપોઝીટ ગ્રોથ વચ્ચે વધી રહેલો ગાળો સૂચવે છે કે સરપ્લસ લિક્વિડિટી ઘટી રહી છે અને એક સમયે ભવિષ્યમાં આપણે વધુ સખત લક્વિડિટીની સ્થિતિનો અનુભવ કરી શકીએ છીએ. એપ્રિલની આખરમાં બેંકિંગ સિસ્ટમ સરપ્લસ લિક્વિડીટી રૂ. 4.57 લાખ કરોડ પરથી ઘટી જુલાઈની શરૂમાં રૂ. 3.5 લાખ કરોડ પર જોવા મળતી હતી. જોકે ડિપોઝીટ ગ્રોથ 8 ટકાથી નીચો જોવા મળ્યો હતો. ડિપોઝિટ્સમાં મંદ વૃદ્ધિ બેંક્સને રેટ વૃદ્ધિ માટે ફરજ પાડશે એમ તેઓ ઉમેરે છે.


ઈન્ડોનેશિયાએ પામ તેલ એક્સપોર્ટ ક્વોટામાં વૃદ્ધિ કરી
દેશમાં વધતી જતી ઈન્વેન્ટરીઝને કારણે ખેડૂતો સામે ઊભી થયેલી કટોકટી પાછળ ઈન્ડોનેશિયાએ પામ તેલ નિકાસ ક્વોટામાં તત્કાળ વૃદ્ધિ જાહેર કરી છે. અગાઉ એપ્રિલ આખરમાં દેશમાંથી પામ તેલ નિકાસ પર પ્રતિબંધ જાહેર કરનાર દેશે 23 મેના રોજ પ્રતિબંધ ઉઠાવ્યો હતો. જોકે ત્યારબાદ સ્થાનિક સ્તરે પામ તેલના સ્ટોકમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી અને પામ ફૂડના ભાવ પર મોટુ દબાણ ઊભું થયું હતું. જેની પાછળ સમગ્ર ટ્રેડમાં અરાજક્તા ઊભી થઈ છે. પામ તેલ ઉત્પાદનમાં બીજા ક્રમે આવતાં મલેશિયા ખાતે જૂનની આખરમાં ઈન્વેન્ટરી સાત મહિનાની ટોચ પર જોવા મળી હતી. ઈન્ડોનેશિયા મેમાં નિકાસ માર્કેટમાં પરત ફરતાં મલેશિયા ખાતે વેચાણ ઘટ્યું હતું. જૂન આખરમાં મલેશિયાની ઈન્વેન્ટરી માસિક ધોરણે 12.3 ટકા વધી 17.1 લાખ ટન પર રહી હતી. જ્યારે જૂનમાં ઉત્પાદન 8.3 ટકા વધી 15.8 લાખ ટનના ડિસેમ્બર પછીના સૌથી ટોચના સ્તરે જોવા મળ્યું હતું.
જૂનમાં રિટેલ ઓટોમોબાઈલ સેલ્સમાં 27 ટકાનો ઉછાળો
ચીપની તંગી હળવી બનતાં ઓટો ઉત્પાદકો ઊંચું ઉત્પાદન જાળવી રાખવા માટે સફળ રહેતાં જૂનમાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં 27 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હોવાનું ફેડરેશન ઓફ ઓટો ડિલર્સ એસોસિએશન(ફાડા) જણાવે છે. જોકે કોવિડ અગાઉના જૂન 2019ના મહિનાની સરખામણીમાં ઓટો રિટેલ વેચાણાં 8.68 ટકાનો ઘટાડો જોવા મળતો હોવાનું તે નોંધે છે. જે સૂચવે છે કે હજુ પણ ઓટો ક્ષેત્રે બ્રોડ બેઝ્ડ વેચાણ વૃદ્ધિ થવાની બાકી છે. ફાડાના જણાવ્યા મુજબ જૂન દરમિયાન વાર્ષિક ધોરણે તમામ કેટેગરીઝના વાહનોના રજિસ્ટ્રેશનમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ ઓટો કંપનીઓ પાસે સેમીકંડક્ટર્સની સારી ઉપલબ્ધતાને કારણે ઊંચો સપ્લાય હતો. જૂન 2022માં 15 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 12 લાખ યુનિટ્સ પર હતું. જોકે જૂન 2019ની સરખામણીમાં ટુ-વ્હીલર્સનું વેચાણ હજુ પણ 16.37 ટકા જેટલું નીચું જોવા મળ્યું હતું. જ્યારે થ્રી-વ્હીલર્સનું વેચાણ 5.71 ટકા ઘટાડો દર્શાવતું હતું.
અદાણી એન્ટરપ્રાઈઝિસ CILના કોલ ઈમ્પોર્ટ માટે સૌથી સસ્તો બીડર
પીએસયૂ કોલ ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા તરફથી દેશમાં કોલ ઈમ્પોર્ટ માટે જારી કરવામાં આવેલા ટેન્ડરમાં અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ સૌથી સસ્તાં બીડર તરીકે ઊભરી છે. કોલ ઈન્ડિયાએ દેશમાં પાવર ઉત્પાદક કંપનીઓ વતી કોલ ઈમ્પોર્ટ ટેન્ડર લોંચ કર્યાં હતાં. અદાણી એન્ટરપ્રાઈઝે 24.16 લાખ ટન કોલ આયાત માટે રૂ. 4 હજાર કરોડથી થોડી ઊંચી રકમ ક્વોટ કરી હોવાનું જાણકારો જણાવે છે. ટેન્ડર્સમાં મોહિત મિનરલ્સ, ચેટ્ટીનાડ લોજિસ્ટીક્સ અને ઈન્ડોનેશિયન કંપની સાથે જોડાણ ધરાવતી બારા ગાયા એનર્જીએ પણ ટેન્ડરિંગમાં ભાગ લીધો હતો.


ખરિફ વાવેતરમાં ગઈ સિઝન સામે 10 લાખ હેકટરથી વધુનો ઘટાડો
4 જુલાઈ સુધીમાં ગયા વર્ષે 40.54 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 30.21 લાખ હેકટરમાં વાવેતર
મગફળીના વાવેતરમાં 4.36 લાખ હેકટરનું ગાબડું, કપાસના વાવેતરમાં 93 હજાર હેકટરનો સામાન્ય ઘટાડો
અનાજ, કઠોળ અને ઘાસચારા પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો
નવી ચોમાસુ સિઝન બેઠાંને લગભગ પાંચ સપ્તાહ બાદ પણ વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. શરૂઆતી ત્રણ સપ્તાહ દરમિયાન ગઈ સિઝન કરતાં સારુ વાવેતર દર્શાવનાર ચાલુ સિઝનમાં છેલ્લાં બે સપ્તાહથી વાવેતર ગેપ વધી રહ્યો છે. ગઈ સિઝનમાં 4 જુલાઈ સુધીમાં 40.54 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં સમાનગાળામાં 30.21 લાખ હેકટરમાં જ વાવેતર જોવા મળે છે. જે 10.33 લાખ ટનનો મોટો ઘટાડો સૂચવે છે. તમામ મુખ્ય ખરિફ પાકોના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં તેલિબિયાં, કઠોળ અને ધાન્ય પાકો મુખ્ય છે. જ્યારે મુખ્ય ખરિફ પાક કપાસમાં પ્રમાણમાં ઘટાડો ઓછો જોવા મળી રહ્યો છે.
ગયા સોમવારે સુધીમાં રાજ્યમાં કપાસનું વાવેતર 15.57 લાખ હેકટરમાં જોવા મળે છે. જે રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોની 24 લાખ હેકટરની સરેરાશના 35 ટકા જેટલો વિસ્તાર સૂચવે છે. જોકે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 16.50 લાખ હેકટર વાવેતર સામે તે 93 હજાર હેકટરનો ઘટાડો દર્શાવે છે. જે અન્ય પાકોની સરખામણીમાં ઘણો ઓછો છે. કપાસના મુખ્ય હરિફ પાક મગફળીની વાત કરીએ તો તેનું વાવેતર 10.15 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 14.51 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ મહત્વના તેલિબિયાં પાકનું વાવેતર 4.36 લાખ હેકટરનો ઘટાડો દર્શાવે છે. તલનું વાવેતર તો માત્ર 5832 હેકટરમાં એટલેકે 4.8 ટકા વિસ્તારમાં જ જોવા મળે છે. ગયા વર્ષે અત્યાર સુધીમાં તલનું વાવેતર 32424 હેકટરમાં થઈ ચૂક્યું હતું. એક અન્ય તેલિબિયાં પાક એવા સોયાબિનું વાવેતર પણ ગયા સપ્તાહ સુધી આગળ જોવા મળતું હતું. જે હવે પાછળ પડી ગયું છે. સોમવારે સુધીમાં સોયાબિનનું વાવેતર 81 હજાર હેકટરમાં જોવા મળતું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 1.26 લાખ હેકટરમાં થઈ ચૂક્યું હતું. ધાન્ય પાકોની વાત કરીએ તો ગઈ સિઝનના 2.36 લાખ હેકટર સામે માત્ર 76 હજાર હેકટર વિસ્તારમાં વાવણી શક્ય બની છે. જે છેલ્લાં ત્રણ વર્ષોની સરેરાશા માત્ર 5.7 ટકા વિસ્તાર જ દર્શાવે છે. આ જ રીતે કઠોળ પાકોમાં પણ વાવેતર ખૂબ જ પાંખા જોવા મળી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ વર્ષોની સરેરાશના 11.2 ટકા વિસ્તારમાં કઠોળ પાકો વવાઈ ચૂક્યાં છે. એટલેકે ગઈ સિઝનમાં 1.57 લાખ હેકટરના વાવેતર સામે ચાલુ સિઝનમાં 50,500 હેકટરમાં કઠોળનું વાવેતર જોવા મળે છે. જેમાં અડદના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એ સિવાય તુવેર, મગ અને મઠનું વાવેતર પણ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. ઘાસચારાનું વાવેતર પણ ગઈ સિઝનમાં 2.99 લાખ હેકટરની સરખામણીમાં માત્ર 1.69 લાખ હેકટરમાં નોંધાયું છે. આમ તે પણ તીવ્ર ઘટાડો દર્શાવે છે. એક અન્ય કેશ ક્રોપ ગુવાર સીડનું વાવેતર ગઈ સિઝનમાં 11 હજાર હેકટર સામે માત્ર 1 હજાર હેકટરમાં જોવા મળી રહ્યું છે. જ્યારે એરંડાનું વાવેતર 3600 હેકટર સામે માત્ર 400 હેકટરમાં નોંધાયું છે.

ખરિફ વાવેતરનું ચિત્ર
પાક ગઈ સિઝનમાં અત્યાર સુધી વાવેતર ચાલુ સિઝનમાં વાવેતર
કપાસ 16.50 15.57
મગફળી 14.51 10.15
ધાન્ય 2.36 0.76
કઠોળ 1.57 0.50
ઘાસચારો 2.99 1.69
શાકભાજી 0.89 0.65
કુલ 40.54 30.21
(વાવેતર લાખ હેકટરમાં)



કોર્પોરેટ હેડલાઈન્સ

આરપાવરઃ એડીએજી જૂથની કંપનીના શેરધારકોએ વાર્ષિક સાધારણ સભામાં કંપનીના એસેટ મોનેટાઈઝ કરવાના સ્પેશ્યલ રેસોલ્યુશન પ્લાનને ફગાવ્યો હતો. તમામ સ્પેશ્યલ રેસોલ્યુશન્સ માટે 75 ટકા શેરધારકોની મંજૂરી અનિવાર્ય હતી. જોકે કંપનીના ફાઈલીંગ મુજબ 72.02 ટકા રોકાણકારોએ જ તરફેણમાં મત આપ્યાં હતાં. જ્યારે 27.97 ટકાએ વિરુધ્ધમાં મત આપ્યાં હતાં.
તાતા મોટર્સઃ સ્વદેશી ઓટો કંપનીએ એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં તેની કોમ્પેક્ટ કાર્સના ઉત્પાદનમાં 12.7 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. તેણે કુલ 41997 યુનિટ્સ કાર્સનું ઉત્પાદન કર્યું હતું. સમાનગાળામાં તેનું વેચાણ 28 ટકા ઉછળ્યું હતું. કંપનીએ નેક્સોનના ઉત્પાદનમાં 235 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. તેણે 73107 નેક્સોન બનાવી હતી.
વેદાંતાઃ કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે કે લાંજિગઢ રિફાઈનરી ખાતે એલ્યુમિના ઉત્પાદન વાર્ષિક ધોરણે એક ટકાની સાધારણ વૃદ્ધિ સાથે 4.85 લાખ ટન પર જોવા મળ્યું છે.
એનએમડીસી/ટાટા સ્ટીલઃ તાતા જૂથની કંપનીએ નિલાંચલ ઈસ્પાત નિગમમાં 93.71 ટકા હિસ્સા ખરીદીની કામગીરી પૂર્ણ કરી છે.
કોટક મહિન્દ્રા બેંકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ ટોચની પ્રાઈવેટ બેંક પર કેટલાંક નિયમોનું પાલન નહિ કરવા બદલ રૂ. 1.05 કરોડની પેનલ્ટી ફટકારી છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ ટોચની પ્રાઈવેટ બેંક પર કેટલાંક નિયમોનું પાલન નહિ કરવા બદલ રૂ. 1 કરોડની પેનલ્ટી ફટકારી છે.
ટેકમહિન્દ્રાઃ મહિન્દ્રા જૂથની આઈટી કંપનીએ કોઈમ્બુતુરમાં તેના કેમ્પસની શરૂઆત કરી છે. કંપની 1000 કર્મચારીઓની ભરતીનું લક્ષ્ય ધરાવે છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ તેના ઈન્દોર પ્લાન્ટ ખાતે ઉત્પાદિત થનારી એએનડીએ ફાઈલના સંદર્ભમાં એફડીએફ ફોર્મ 483માં બે ઓબ્ઝર્વેશન્સ મેળવ્યાં છે.
કિર્લોસ્કર ફેરસઃ કંપનીએ કર્ણાટકમાં કોપ્પલ પ્લાન્ટ ખાતે તેની મિનિ બ્લાસ્ટ ફર્નેસ 2ને અપગ્રેડ કરવાનું કામ પૂર્ણ કર્યું છે.
માર્કસન્સ ફાર્માઃ કંપનીએ જણાવ્યું છે કે તે 8 જુલાઈએ શેર બાયબેક કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે બેઠક યોજશે.
એચડીએફસી ટ્વિન્સઃ ટોચની મોર્ગેજ ફાઈનાન્સરને દેશના સૌથી મોટા એમએન્ડએ ડિલમાં એચડીએફસી બેંક સાથે મર્જર માટે બેંક રેગ્યુલેટર આરબીઆઈ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.
ટીસીએસઃ યુએસ કોર્ટે એપિક સિસ્ટમ્સ સ્યૂટમાં ટીસીએસ પરનો દંડ ઘટાડી 14 કરોડ ડોલર કર્યો છે.
મેરિકોઃ એફએમસીજી કંપનીએ એપ્કોસ નેચરલ્સમાં ઈક્વિટી કેપિટલમાં ઉમેરો કર્યો છે. તેણે કંપનીમાં વધુ 4.14 ટકા હિસ્સો ખરીદ્યો છે.
બીમા સિમેન્ટ્સઃ કંપનીના પ્રમોટર્સે તેમની પાસેના હિસ્સામાંથી 48.91 લાખ શેર્સ અથવા 15 ટકા હિસ્સાની ઓફર ફોર સેલ મારફતે વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage