બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રેટ વૃદ્ધિને પચાવી માર્કેટનું ત્રીજા સપ્તાહે પોઝીટીવ બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 2 ટકા ઘટાડો નોંધાયો
આઈટી, એફએમસીજીમાં સુધારો જળવાયો
રિલાયન્સ અને અદાણી ગ્રીન પાછળ એનર્જી ઈન્ડેક્સ દોઢ ટકા તૂટ્યો
બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ
ભારતીય શેરબજાર માટે રિઝર્વ બેંક તરફથી 50 બેસીસ પોઈન્ટ્સની રેપો રેટ વૃદ્ધિ ‘નોન-ઈવેન્ટ’ જેવી બની રહી હતી. કેમકે બેંકે અપેક્ષા મુજબ રેટ વૃદ્ધિ કરતાં બજારને કોઈ આંચકો લાગ્યો નહોતો, બીજું ગ્રોથને લઈને બેંકના પોઝીટીવ વલણે મંદીવાળાઓને ફાવવા દીધા નહોતા અને ગુરુવારે એક દિવસની નરમાઈ બાદ ફરી બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 405 પોઈન્ટ્સની રેંજમાં અથડાયા બાદ 89 પોઈન્ટ્સ સુધારે 58388ની સપાટી પર જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી 16 પોઈન્ટ્સ સુધરી 17397ની સપાટી પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.9 ટકા ઘટાડે 18.91ની સપાટી પર જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં અન્ડરટોન મજબૂતીનો હતો અને તેથી બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી.
સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. એશિયન બજારોમાં તાઈવાનનું બજાર 2 ટકાથી વધુ ઉછાળો દર્શાવતું હતું. જ્યારે ચીનનું બજાર પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે યુરોપિયન બજારો નરમાઈ દર્શાવતાં હતાં. સ્થાનિક બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવી વધુ સુધારો નોંધાવ્યો હતો. આરબીઆઈની જાહેરાત બાદ બજાર ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. જોકે બંધ પોઝીટીવ જળવાયું હતું. નિફ્ટીને સપોર્ટ કરવામાં સિમેન્ટ, બેંકિંગ, ટેલિકોમ અને આઈટી શેર્સ ટોચ પર હતાં. અલ્ટ્રાટેક સિમેન્ટ 3 ટકા મજબૂતી સાથે નિફ્ટીમાં સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. જ્યારે શ્રી સિમેન્ટ્સ 2.7 ટકા અને ગ્રાસિમ 1.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. યૂપીએલનો શેર 1.6 ટકા, પાવર ગ્રીડ 1.3 ટકા અને ઈન્ફોસિસ એક ટકા સુધારે બંધ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ મેટલ, ઓટો અને એનર્જિ શેર્સ તરફથી દબાણ જોવા મળ્યું હતું. જેમાં હિંદાલ્કો 2.6 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.5 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 1.3 ટકા, હીરો મોટોકોર્પ 1.3 ટકા અને સિપ્લા એક ટકા નરમાઈ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ટાટા કોમ્યુનિકેશન્સ 5 ટકા ઉછાળે છેલ્લાં ત્રણ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ટરગ્લોબ એવિએશન, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, નવીન ફ્લોરિન, દાલમિયા ભારત, પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝ, જેકે સિમેન્ટ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એનએમડીસીમાં 3 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીનો શેર 7 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ગેઈલ, સીજી કન્ઝ્યૂમર, બલરામપુર ચીની, ભારત ઈલેક્ટ્રીકમાં 3 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટનો શેર 4 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જ્યારે ટાટા એલેક્સિ પણ 4 ટકા ઉછાળે રૂ. 9300ના સ્તરને પાર કરી ગયો હતો. નવીન ફ્લોરિન 3.6 ટકા સાથે રૂ. 4500ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. બ્રોડ માર્કેટ પર નજર નાખીએ તો બીએસઈ ખાતે 3509 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1808 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1543 નેગેટિવ જોવા મળતાં હતાં. 102 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 158 કાઉન્ટર્સ તેમની અગાઉની બંધ સપાટી પર ફ્લેટ બંધ રહ્યાં હતાં.
RBIની રેપોમાં વૃદ્ધિ બાદ રેટ સેન્સિટીવ શેર્સમાં મજબૂતી
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ તથા રિઅલ્ટી કંપનીઓએ પોઝીટીવ બંધ આપ્યું
જોકે ઓટો અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવ્યાં બાદ રેટ સેન્સિટીવ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓના શેર્સમા સુધારો જોવા મળ્યો હતો. રેટ સાથે સૌથી નજીકથી જોડાયેલા મનાતા રિઅલ્ટી સેક્ટર શેર્સમાં પણ પોઝીટીવ ટ્રેડ નોંધાયો હતો. જોકે ઓટો અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે આરબીઆઈની રેટ વૃદ્ધિ અગાઉથી ડિસ્કાઉન્ટેડ હોવાના કારણે કોઈ નેગેટિવ અસર જોવા મળી નહોતી. ખાસ કરીને રેટ સેન્સિટીવ સેક્ટર્સ રેપો રેટ વૃદ્ધિને અગાઉથી જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હતાં અને તેને કારણે સેન્ટ્રલ બેંકની રેટ વૃદ્ધિની જાહેરાત બાદ તેઓ સુધારાતરફી જળવાય રહ્યાં હતાં. જો આરબીઆઈએ અપેક્ષાથી ઊંચી વૃદ્ધિ દર્શાવી હોત તો રેટ સેન્સિટીવ કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી હોત, પરંતુ મધ્યસ્થ બેંકરે અપેક્ષિત વધારો કરતાં બજારે રાહત લીધી હતી અને બેંકિંગ તથા ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં સુધારો જોવા મળ્યો હતો. બેંકિંગમાં પીએસયૂ બેંકિંગ શેર્સ પર રેટ વૃદ્ધિની નેગેટિવ અસર જોવા મળી હતી. જ્યારે પ્રાઈવેટ બેંક શેર્સમાં સુધારો નોઁધાયો હતો. ફાઈનાન્સિંગ કંપનીઓમાં હોમ ફાઈનાન્સ કંપનીઓના શેર્સમાં ખરીદી નીકળી હતી અને તેઓ 2-4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંક શેર્સમાં સુધારાનું કારણ આરબીઆઈ તરફથી ચાલુ નાણાકિય વર્ષ માટે 7.2 ટકાના દરે જાળવી રાખવામાં આવેલો જીડીપી વૃદ્ધિ દર હતો. એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક સ્તરે રેટ ટાઈટનીંગ બાદ પણ ભારતનો જીડીપી રેટ ઊંચો જળવાય રહેશે. જેણે બેંકિંગ કંપનીઓ માટે મૂડને અપબીટ બનાવ્યો હતો. આગામી સમય દરમિયાન માર્કેટમાં તેજીની આગેવાની બેંકિંગ શેર્સ તરફથી લેવામાં આવે તેવી શક્યતા તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. કેમકે તેમની એસેટ ક્વોલિટી છ વર્ષોની ટોચ પર હોવા સાથે ક્રેડિટ ગ્રોથ પણ છેલ્લાં ચાર વર્ષોમાં સૌથી સારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈ હજુ એક રેટ વૃદ્ધિ કરશે તેવી શક્યતાં વચ્ચે બેંકિંગ શેર્સમાં શુક્રવારે મજબૂતી જળવાય હતી. જેને એનાલિસ્ટ્સ બેંકિંગ સેક્ટરના સુધરતાં ફંડામેન્ટલ્સ તરીકે પણ ગણાવી રહ્યાં છે. હાલમાં રેટ વૃદ્ધિને કારણે પીએસયૂ બેંક્સને ટ્રેઝરી ઈન્કમમાં માર્ક-ટુ-માર્કેટ નુકસાન જોવા મળી શકે છે અને તેઓ પર આગળ પર દબાણ જોવા મળે તેમ માનવામાં આવે છે. કન્ઝમ્પ્શન અને ઓટો શેર્સમાં રેટ વૃદ્ધિને કારણે નરમાઈ જોવા મળી હતી. જેમાં વોલ્ટાસ, બ્રિટાનિયા, મેરિકો, એમએન્ડએમ, આઈશર મોટર્સ, હેવેલ્સ ઈન્ડિયા અને મારુતિ સુઝુકીમાં ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે આરબીઆઈએ 50 બેસીસ પોઈન્ટ્સ રેપો વૃદ્ધિ બાદ તે ફરી કોવિડ અગાઉના સ્તર પરત ફર્યો હતો. બેંકે ફુગાવા પર ફોકસ રાખી આ રેટ વધાર્યો છે. એકવાર ફુગાવો તેના કમ્ફર્ટ લેવલની નીચે આવી જશે ત્યારબાદ આગામી કેલેન્ડરમાં તે રેટમાં ઘટાડો કરે તેવી પણ શક્યતાં છે એમ એનાલિસ્ટ્સ માને છે. યુએસ ફેડ પણ 2023માં રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ ઘટાડો કરે તેવી શક્યતાં બજાર જોઈ રહ્યું છે. આમ રેટ વૃદ્ધિની સાઈકલ પીક બનાવી નવા કેલેન્ડરમાં રિવર્સલ દર્શાવે તેવી અપેક્ષા પાછળ બેંકિંગ સહિત રેટ સેન્સિટિવ શેર્સમાં મજબૂતી આગળ વધે તેવી શક્યતાં છે.
રેપો રેટ વૃદ્ધિ બાદ બેંકિંગ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ સુધારો(ટકામાં)
આઈસીઆઈસીઆઈ બેંક 2.2
એયૂ સ્મોલ ફાઈ. બેંક 2.0
એક્સિસ બેંક 1.0
ફેડરલ બેંક 1.0
આઈડીએફસી ફર્સ્ટ બેંક 1.0
NBFC શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ સુધારો(ટકામાં)
મણ્ણાપુરમ ફાઈ. 6.5
મૂથૂત ફાઈ. 4.0
ઈન્ડિયાબુલ્સ હાઉ. 2.0
એલઆઈસી હાઉ. 2.0
ચોલા ઈન્વેસ્ટમેન્ટ 1.0
કોટનના ભાવમાં વધુ રૂ. 2000નો ઉછાળો
કોટનના ભાવમાં બે સત્રોમાં વધુ રૂ. 1500-2000ની વૃદ્ધિ જોવા મળી છે અને તે ખાંડીએ રૂ. 94 હજારની સપાટી પર બોલાય રહ્યાં છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં કોમોડિટીના ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે અને તે રૂ. 9-10 હજારનો સુધારો દર્શાવી ચૂક્યાં છે. યુએસમાં ટેક્સાસ ખાતે વરસાદના અભાવે પાકને નોંધપાત્ર નુકસાનની શક્યતા અને સ્થાનિક સ્તરે પાઈપલાઈન ખાલી હોવાના કારણે ભાવ હજુ બે મહિના સુધી મજબૂત ટકી રહેવાની શક્યતાં છે. ભારતીય બજારમાં નવો પાક સપ્ટેમ્બરની મધ્યમાં આવતો શરૂ થશે. તાજેતરમાં વરસાદને કારણે ગુજરાતમાં કોટનના ઊભા પાકને નોંધપાત્ર લાભ થયો હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે સંકર કોટનનું વાવેતર પૂર્ણ થયું છે અને હવે ટૂંકા તારના વી-797નું વાવેતર શરૂ થશે.
PSU બેંક્સ બે મહિનામાં રૂ. 10-15 હજાર કરોડ ઊભા કરશે
જાહેર ક્ષેત્રની બેંક્સ વધારાની ટિયર-વન અથવા AT1 બોન્ડ્સ મારફતે રૂ. 10 હજાર કરોડથી રૂ. 15 હજાર કરોડની રકમ ઊભી કરવા માટેનું આયોજન કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે. તાજેતરમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ઈરડાઈ)એ ઈન્શ્યોરન્સ કંપનીઓને બોન્ડ્સમાં રોકાણ માટેની શરતો હળવી કરતાં પીએસયૂ બેંક્સની રિસોર્સિસ ટીમો નાણા મેળવવા માટેની તૈયારીમાં પડી છે એમ વર્તુળો ઉમેરે છે. પર્પેચ્યુલ બોન્ડ્સ તરીકે પણ ઓળખાતા AT1 બોન્ડ્સ કોઈ ફિક્સ્ડ મેચ્યોરિટી નથી ધરાવતાં હોતાં પરંતુ તેઓ અન્યોની સરખામણીમાં ઊંચો રેટ ઓફર કરતાં હોય છે. તેમજ તેઓ એક પ્રકારના ક્વાસિ-ઈક્વિટી ઈન્સ્ટ્રૂમેન્ટ્સ તરીકે ગણાય છે. જે ઈન્વેસ્ટમેન્ટ રિસ્ક પણ ધરાવે છે. વર્તુળોના મતે એસબીઆઈ એકલી જ રૂ. 7000 કરોડનું ફંડ ઊભું કરે તેવી શક્યતાં છે. જ્યારે અન્ય પીએસયૂ બેંક્સ બાકીની રકમ ઊભી કરશે. જેમાં કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી અને યુનિયન બેંકનો સમાવેશ થાય છે.
FPIsએ FMCG, ટેલિકોમ અને કેપિટલ ગુડ્ઝમાં એક્સપોઝર વધાર્યું
જુલાઈમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે ઓઈલ એન્ડ ગેસ, આઈટી અને મેટલમાં વેચવાલી દર્શાવી
ઓક્ટોબર 2021થી માર્કેટમાં ચોખ્ખું વેચાણ દર્શાવનારા વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ) જુલાઈ મહિનામાં ભારતીય બજારમાં પરત ફર્યાં હતાં. જોકે તેમણે એક હાથેથી ખરીદી કરી હતી તો બીજે હાથે વેચાણ દર્શાવ્યું હતું. એફપીઆઈએ ગયા મહિને એફએમસીજી, ટેલિકોમ અને કેપિટલ ગુડ્ઝ શેર્સમાં ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. જ્યારે બીજી બાજુ તેમણે ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને મેટલ તથા માઈનીંગમાં વેચવાલી દર્શાવી હતી.
અગ્રણી બ્રોકરેજ હાઉસના એક અભ્યાસ મુજબ વિદેશ રોકાણકારોએ જુલાઈ દરમિયાન એફએમસીજી શેર્સમાં 62 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જ્યારબાદ તેમણે ટેલિકોમમાં 58 કરોડ ડોલર અને કેપિટલ ગુડ્ઝમાં 24 કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ નોંધાવ્યું હતું. આનાથી ઊલટું એનર્જી શેર્સમાં તેમણે 66 કરોડ ડોલરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. એનર્જિ શેર્સમાં ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓનો સમાવેશ થતો હતો. બીજા ક્રમે 59 કરોડ ડોલરના વેચાણ સાથે આઈટી સેક્ટરનો ક્રમ આવતો હતો. જ્યારે મેટલમાં તેમણે 16 કરોડ ડોલરની વેચવાલી દર્શાવી હતી. એફપીઆઈનું એફએમસીજી સેક્ટરમાં એલોકેશન જૂન 2020 પછીના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યું હતું. જુલાઈમાં એફએમસીજી સેક્ટરે 13 ટકા વૃદ્ધિ સાથે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ફાઈનાન્સિયલ ક્ષેત્રે જોવા મળી રહેલી પરેશાનીઓ વચ્ચે એફએમસીજી એક ડિફેન્સિવ સેક્ટર ગણાય છે. કેલેન્ડર 2008માં લેહમાન કટોકટી વચ્ચે પણ એફએમસીજી શેર્સમાં લઘુત્તમ ઘટાડો જોવા મળ્યો હતો એમ સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જણાવે છે. બજાર નિરીક્ષકોના મતે ગયા મહિને એફએમસીજી સેક્ટરમાં જોવા મળેલા એફપીઆઈ ફ્લોનો નોંધપાત્ર હિસ્સો આઈટીસીમાં ગયો હોવાની શક્યતાં છે. જુલાઈ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે રૂ. 5000 કરોડનો ચોખ્ખો ઈનફ્લો દર્શાવ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં તેમણે 1.6 અબજ ડોલર(રૂ. 12500 કરોડ)નો ઈનફ્લો નોંધાવ્યો છે. અગાઉ નવ મહિના દરમિયાન તેમણે ભારતીય બજારમાંથી 35 અબજ ડોલરનો આઉટફ્લો દર્શાવ્યો હતો.
FPIની જુલાઈમાં કામગીરી
સેક્ટર ઈનફ્લો/આઉટફ્લો(રૂ. કરોડ ડોલરમાં)
FMCG 62
ટેલિકોમ 58
કેપિટલ ગુડ્ઝ 24
ઓઈલ એન્ડ ગેસ -66
IT -59
મેટલ એન્ડ માઈનીંગ -16
કોર્પોરેટ હેડલાઈન્સ
ગુજરાત આલ્કલીઝઃ ગુજરાત સરકારના સાહસે જૂન ક્વાર્ટરમાં રૂ. 191 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 63.1 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 720 કરોડ પરથી ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1128 કરોડ રહી હતી.
બર્ગર પેઈન્ટ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 253.43 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 140.59 કરોડની સરખામણીમાં 80 ટકા વધુ હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1798.5 કરોડ પરથી 53 ટકા ઉછળી ચાલુ વર્ષે રૂ. 2760 કરોડ રહી હતી.
સીડીએસએલઃ દેશમાં અગ્રણી ડિપોઝીટરી કંપની સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડે 7 કરોડથી વધુ એક્ટિવ ડિમેટ એકાઉન્ટ્સ ખોલવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશમાં સૌથી જૂના એક્સચેન્જ બીએસઈની પેટાકંપની તરીકે સ્થાપિત કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષોમાં ઝડપી વૃદ્ધિ દર નોંધાવી હરિફ એનએસડીએલને મોટા માર્જિનથી પાછળ રાખી છે.
એલઆઈસી હાઉસિંગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 925 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 153 કરોડની સરખામણીમાં 500 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 1545.5 કરોડ પર રહી હતી.
ઉજ્જીવન એસએફબીઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 694 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 434.6 કરોડ સામે 60 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 99.3 કરોડની ખોટ સામે ચાલુ વર્ષે રૂ. 295 કરોડનો નફો દર્શાવ્યો છે.
બ્લૂ સ્ટારઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 74.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.7 કરોડની સરખામણીમાં 500 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1052 કરોડ પરથી 87 ટકા ઉછળી ચાલુ વર્ષે રૂ. 1970 કરોડ રહી હતી.
બેયર ક્રોપઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 302.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 253.7 કરોડની સરખામણીમાં 19.3 ટકા વધુ હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1415.9 કરોડ પરથી 18 ટકા ઉછળી ચાલુ વર્ષે રૂ. 1667.4 કરોડ રહી હતી.
થોમસ કૂકઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 976.2 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 304 કરોડ પર હતી. કંપનીનો એબિટા રૂ. 36.2 કરોડ પર રહ્યો છે. ગયા વર્ષે તેણે સમાનગાળામાં રૂ. 92.7 કરોડની ખોટ દર્શાવી હતી.
કોન્કોરઃ પીએસયૂ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 297 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 259.2 કરોડની સરખામણીમાં 15 ટકા વધુ હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1819 કરોડ પરથી 10 ટકા ઉછળી ચાલુ વર્ષે રૂ. 1994 કરોડ રહી હતી.
બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 307 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 330.6 કરોડની સરખામણીમાં 7 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1803 કરોડ પરથી 45 ટકા ઉછળી ચાલુ વર્ષે રૂ. 2619 કરોડ રહી હતી.
અદાણી પોર્ટ્સઃ કંપનીએ તાન્ઝાનિયામાં એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોલ્યુશન્સ માટે વ્યૂહાત્મક પાર્ટનરશીપ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ્સ માટે એમઓયૂ કર્યાં છે.
Market Summary 5 August 2022
August 05, 2022