બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક સ્તરે મિશ્ર માહોલમાં સ્થાનિક બજાર સાંકડી રેંજમાં અટવાયું
નિફ્ટીએ સતત પાંચમા સત્રમાં 18 હજારનું સ્તર જાળવ્યું
હોંગ કોંગ માર્કેટમાં 6 ટકા, ચીનમાં 2 ટકાનો ઉછાળો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 15.65ની સપાટીએ
મેટલમાં ધૂમ તેજી પાછળ સેક્ટરલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો
ફાર્મા, બેંક, આઈટી, એફએમસીજીમાં નરમાઈ
PSU બેંક શેર્સમાં આગળ વધતી તેજી
રેલ વિકાસ, કેપીટીએલ, ભેલ વાર્ષિક ટોચ પર
બંધન બેંક, વોલ્ટાસ, ટીવી18 બ્રોડકાસ્ટ 52-સપ્તાહના તળિયે
ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સત્રમાં સાંકડી રેંજમાં અટવાઈ પડ્યું હતું. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જળવાયો હતો. જેમાં યુએસ બજારે ગુરુવારે સતત ચોથા દિવસે નરમાઈ દર્શાવી હતી. જ્યારે એશિયન બજારો મજબૂતી સૂચવી રહ્યાં હતાં. ભારતીય બજારમાં બે દિવસના સામાન્ય ઘટાડા બાદ સપ્તાહના આખરી સત્રમાં માર્કેટ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 114 પોઈન્ટ્સ સુધારા સાથે 60950ની સપાટીએ જ્યારે નિફ્ટી 64 પોઈન્ટ્સ વધી 18117ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં મધ્યમસરની ખરીદી પાછળ નિફ્ટી કાઉન્ટર્સની બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50માંથી 27 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ છેલ્લાં ચાર સત્રોની સરખામણીમાં મોમેન્ટમ જોવા મળ્યું હતું અને માર્કેટ-બ્રેડ્થ વધુ સારી જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.9 ટકા ગગડી 15.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારની શરૂઆત ફ્લેટ જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 18052.70ના બંધ ભાવ સામે 18052.40ની સપાટીએ ખૂલી ઘટાડાતરફી બની રહ્યો હતો. દિવસના મધ્યભાગ સુધી તે લગભગ 20-30 પોઈન્ટ્સની નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. નીચામાં તેણે 18017નું તળિયું દર્શાવ્યું હતું. જ્યારે દિવસ બંધ થતાં અગાઉ તેણે 18135.10ની ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. આમ તે 18100ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 18200નું લેવલ પાર કરવું મહત્વનું છે. જે પાર થશે તો તે 18500 સુધીનો સુધારો દર્શાવી શકે છે. વૈશ્વિક બજારો પણ સ્થિર બન્યાં હોવાથી ત્યાંથી કોઈ ખતરો જોવા મળી રહ્યો નથી. આમ સ્થાનિક બજાર તેની પોતાની ચાલ દર્શાવી શકે છે. કેટલાંક એનાલિસ્ટ્સ નવેમ્બર મહિનામાં જ બેન્ચમાર્કમાં નવી ટોચની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. જોકે બીજી બાજુ ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માર્કેટના વેલ્યૂએશન્સને લઈ ચિંતિત છે. તેઓના મત આ વેલ્યૂએશન લાંબો સમય ટકવા મુશ્કેલ છે અને તેથી બજારમાં હાલના સમયે નવી ખરીદી હિતાવહ નથી. તેઓ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગનું સૂચન કરી રહ્યાં છે. એકમાત્ર બેંકિંગમાં તેઓ વધુ સુધારાની જગ્યાં જોઈ રહ્યાં છે. જ્યારે તે સિવાયના સેક્ટર્સમાં નરમાઈ જોઈ રહ્યાં છે. ખાસ કરીને આઈટીમાં તેઓ નોંધપાત્ર સમયગાળા સુધી મુશ્કેલ સમયની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે.
સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારને સપોર્ટ આપવામાં મેટલ સેક્ટર મુખ્ય હતું. છેલ્લાં ઘણા સમયથી કોન્સોલિડેશનમાં જોવા મળતાં મેટલ સેક્ટરમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. જેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ તથા પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓના શેર્સમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.2 ટકા ઉછળી એક મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. મેટલ શેર્સમાં સૌથી સારો સુધારો અદાણી એન્ટરપ્રાઈઝમાં જોવા મળ્યું હતું. કંપનીનો શેર 7 ટકા ઉછળી બંધ રહ્યો હતો. આ ઉપરાંત વેદાંત 6.3 ટકા, હિંદાલ્કો 5 ટકા, સેઈલ 3.5 ટકા, નાલ્કો 3.3 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3.2 ટકા, ટાટા સ્ટીલ 2.7 ટકા, મોઈલ 2 ટકા અને જિંદાલ સ્ટીલ 2 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. શુક્રવારના બંધ ભાવે મેટલ ઈન્ડેક્સ તેણે ગયા વર્ષે દર્શાવેલી 6825.65ની તેની સર્વોચ્ચ ટોચથી હજુ પણ લગભગ 500 પોઈન્ટ્સ છેટે જોવા મળી રહ્યો છે. કેટલાંક મેટલ કાઉટર્સે શુક્રવારે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જેને જોતાં એમ કહી શકાય કે આગામી સત્રોમાં પણ તેઓ બજારને સપોર્ટ આપવાનું જાળવી શકે છે. મેટલ ઉપરાંત બજારને પીએસયૂ બેંક શેર્સ તરફથી સપોર્ટ જળવાયો હતો. નિફ્ટી એનર્જી 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મુખ્ય સપોર્ટ હતો. હેવીવેઈટ કાઉન્ટર 1.5 ટકા ઉછળી રૂ. 2593ના સ્તરે બંધ રહ્યું હતું. ઓએનજીસી પણ 1 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જોકે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં વેચવાલી જળવાય હતી. જેમાં એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ઉપરાંત ગેઈલ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને એનટીપીસી પણ નરમ જોવા મળ્યાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં આઈઓબી 12 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, યુનિયન બેંક અને જેકે બેંકમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. માત્ર ઈન્ડિયન બેંક અને બેંક ઓફ બરોડા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બેંક ઓફ બરોડા 2.4 ટકા નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 0.1 ટકાના સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. બંધન બેંકે તેનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. એચડીએફસી બેંક, ફેડરલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 0.07 ટકાના સાધારણ સુધારે પોઝીટીવ બંધ રહ્યો હતો. બેન્ચમાર્કને મુખ્ય સપોર્ટ અમર રાજા બેટરીઝ તરફથી સાંપડ્યો હતો. શેર 10 ટકા ઉછળી બંધ જોવા મળ્યો હતો. અમર રાજા સારા પરિણામો પાછળ ઉછળ્યો હતો. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6.5 ટકા ઉછળી બંધ રહ્યો હતો. આ ઉપરાંત તાતા મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડ., એમઆરએફ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, એમએન્ડએમ પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જોકે અપેક્ષાથી વિપરીત પરિણામો પાછળ હીરો મોટોકોર્પ 2.2 ટકા ગગડ્યો હતો. ટીવીએસ મોટર પણ 2 ટકા ડાઉન જોવા મળતો હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકીમાં ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી આઈટી બીજા દિવસે નરમાઈ સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ 0.4 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં કોફોર્જ 1.5 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, એમ્ફેસિસ, માઈન્ડટ્રી અને એલએન્ડટી ઈન્ફોટેક ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે વિપ્રો, ટીસીએસ અને ટેક મહિન્દ્રા પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. મીડ-કેપ આઈટી શેર ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસમાં પણ મજબૂતી જોવા મળી હતી અને શેર રૂ. 3000નું સ્તર કૂદાવી ગયો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં બાયોકોન 2 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર ઝાયડસ કેડિલા પોઝીટીવ ઝોનમાં જોવા મળી રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટવ્સ કાઉન્ટર્સમાં દાલમિયાન ભારત 5.4 ટકા સાથે નોઁધપાત્ર સુધારો સૂચવતો હતો. આ ઉપરાંત હિંદાલ્કો 5 ટકા, બજાજ ફિનસર્વ 4.5 ટકા, અંબુજા સિમેન્ટ્સ 3.5 ટકા, સેઈલ 3.5 ટકા, હિંદ કોપર 3 ટકા, સિમેન્સ 3 ટકા અને પીવીઆર 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ આદિત્ય બિરલા ફેશન 6.7 ટકા તૂટ્યો હતો. કોરોમંડલ ઈન્ટરનેશનલ 3 ટકા, એસઆરએફ 3 ટકા, સિન્જિન ઈન્ટરનેશનલ 3 ટકા, લૌરસ લેબ્સ 3 ટકા અને ડેલ્ટા કોર્પ 3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. રેઈલ વિકાસ, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, કેપીટીએલે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે બંધન બેંક, વોલ્ટાસ, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, ટીવી18 બ્રોડકાસ્ટે તેમના વાર્ષિક તળિયાં નોંધાવ્યાં હતાં.
સેબીની હવે ફિનફ્લ્યૂઅન્સર્સને માટે ગાઈડલાઈન્સ બનાવવા વિચારણા
માર્કેટ રેગ્યુલેટરનો ઓનલાઈન ઈન્ફ્લ્યૂઅન્સર્સ તરફથી મીસ-સેલીંગ અને સ્ટોક પ્રાઈસ મેનિપ્યૂલેશન અટકાવવાનો હેતુ
કાનૂની નિષ્ણાતોના મતે ઈન્ફ્લૂઅન્સર્સની સ્પષ્ટ વ્યાખ્યા નિર્ધારિત કરી તેમનું લાયસન્સિંગ અથવા તો રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જરૂરી
સોશ્યલ મિડિયા પર શેર્સને લઈને ટિપ્સ આપવાના વધતાં ચલણને જોતાં માર્કેટ રેગ્યુલેટર સેબી હરકતમાં આવી છે. ઓનલાઈન માધ્યમોથી ટિપ્સ આપતાં અથવા તો મ્યુચ્યુલ ફંડ ઓફરિંગ્સને પ્રમોટ કરતાં ફાઈનાન્સિયલ ઈન્ફ્લૂઅન્સર્સ અથવા તો ફિનફ્લ્યૂઅન્સર્સનો પ્રભાવ સામાન્ય રોકાણકારો પર વધી રહ્યો છે. તેઓ શેરના ભાવ પર પ્રભાવ પાડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. તે જોતાં સેબી સમક્ષ રેગ્યુલેશન માટે એક વધુ મોરચો ઊભો થયો હોવાનું રેગ્યુલેટરના વર્તુળો જણાવે છે. માર્કેટ રેગ્યુલેટર તમામ સોશ્યલ મિડિયા પોસ્ટ પર નિયંત્રણ ધરાવી શકે તેમ નહિ હોવા છતાં તેને જણાય રહ્યું છે કે તે ફિનફ્લ્યૂઅન્સર્સને તેની જવાબદારીને સમજે અને તેનું સભાનપણે પાલન કરે તે માટે તેમને માટે ચોક્કસ નિયમોની જરૂરિયાત છે.
વર્તુળોના મતે સેબી આવા ફિનફ્લ્યૂઅન્સર્સને કેવી રીતે રેગ્યુલેશનના દાયરામાં લાવી શકાય તે માટે સઘન વિચારણા ચલાવી રહી છે. તે વાણી સ્વાતંત્ર્યના અધિકાર જળવાય રહે તે રીતે ફિનફ્લ્યૂઅન્સર્સ તરફથી કેટલીક આચારસંહિતાના પાલન માટે વિચારી રહી છે. હાલમાં સેબીના નિયમો હેઠળ કોઈપણ વ્યક્તિએ ફાઈનાન્સિયલ એડવાઈસ આપતાં અગાઉ સેબીના આઈએ(ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર) રેગ્યુલેશન્સ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો આ નિયમને લક્ષ્યમાં રાખવામાં આવે તો સોશ્યલ મિડિયા પર કોઈપણ પ્રકારની ટિપ્સ આપતાં તમામ ફિનફ્લ્યૂઅન્સર્સ માટે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકેનું રજિસ્ટ્રેશન ફરજિયાત બની જાય છે. જોકે સોશ્યલ મિડિયામાં અસંખ્ય ટિપ્સ ફરતી હોય છે. જેમાં ટેલિગ્રામ, વોટ્સએપ અને ટિવટરનો સમાવેશ થાય છે અને તેમના પર નિયંત્રણ રાખવું ખૂબ કઠિન છે એમ વર્તુળોનું કહેવું છે. સેબી અધિકારી જણાવે છે કે સોશ્યલ મિડિયા પર મોનીટરિંગ સરળ બાબત નથી. અમે આ માટે કોઈ સોલ્યુશન વિચારી રહ્યાં છીએ. જ્યાં એવા લોકો પર અંકુશ રાખી શકાય જેઓ સોશ્યલ મિડિયા પર એડવાઈઝ આપીને રોકડી કરી રહ્યાં છે. તેમને રેગ્યુલેશનના દાયરામાં લાવવાની વિચારણા ચાલી રહી છે એમ તેઓ ઉમેરે છે. જો આ પ્રકારના ફિનફ્લ્યૂઅન્સર્સ તેમની સેવા પૂરી પાડવા બદલ કોઈપણ પ્રકારનો કોન્ટ્રેક્ટ કરતાં હોય તો તેમનું રેગ્યુલેશન સરળ બની જાય છે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના તરફથી ખોટી રીતે પ્રોડક્ટ વેચાણને અટકાવવાનો તેમજ સ્ટોકને લઈને મેનિપ્યૂલેશનને રોકવાનો છે. આમ કરવા માટે કેટલાંક પડકારો ચોક્કસ નડી શકે છે પરંતુ તેને ઘણેઅંશે અંકુશમાં રાખી શકાય તેમ છે.
એક ફાઈનાન્સિયલ ઈન્ફ્લૂઅરના જણાવ્યા પ્રમાણે ફિનફ્લ્યૂઅન્સર્સ કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલતાં હોતાં નથી. તેમજ તેઓ ઈન્વેસ્ટમેન્ટ્સ એડવાઈસ માટે કોઈપણ પ્રકારના કોન્ટ્રેક્ટ્સમાં પ્રવેશતાં નથી હોતાં. આમ તેઓ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી રેગ્યુલેશન્સ હેઠળ સમાવેશ પામતાં નથી. હાલમાં તો સેબીના કોઈપણ નિયમો ફિનફ્લ્યૂઅન્સર્સને લાગુ પડતાં નથી પરંતુ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યા મુજબ ઈન્ફ્લૂઅન્સર્સે તમામ પ્લેટફોર્મ્સ પર કોઈપણ પ્રકારની બ્રાન્ડ કોલોબોરેશન્સ, એડવર્ટાઈઝમેન્ટ્સ, પેઈડ પાર્ટનરશિપ અથવા સ્પોન્સરશિપ માટે અપફ્રન્ટ ડિસ્ક્લોઝર્સ કરવાના રહેશે. તે ઈન્ફ્લૂઅન્સર્સેને ડ્યૂ ડિલિજન્સના પાલન કરવાનો નિર્દેશ પણ કરે છે. કાયદાવિદોના મતે ઈન્ફ્લૂઅન્સર્સની સ્પષ્ટ વ્યાખ્યા નિર્ધારિત કરી તેમની જવાબદારી માટે લાયસન્સિંગ અથવા તો રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જરૂરી છે.
દસ દિવસોમાં અડધો ડઝન IPO પાછળ ગ્રે-માર્કેટ ધમધમ્યું
માર્કેટમાં પ્રવેશેલી છમાંથી પાંચ કંપનીઓમાં ગ્રે-માર્કેટે પ્રિમીયમ દર્શાવ્યું
દિવાળીના તહેવાર બાદ પ્રાઈમરી માર્કેટમાં જોવા મળી રહેલી ઊંચી સક્રિયતા પાછળ ગ્રે-માર્કેટ લાંબા સમય બાદ ધમધમાટ અનુભવી રહ્યું છે. દસ દિવસોમાં માર્કેટમાં અડધો ડઝન આઈપીઓ પ્રવેશી રહ્યાં હોવાથી ગ્રે-માર્કેટ ફરી એકવાર સક્રિય બન્યું હતું. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ છમાંથી પાંચ કંપનીઓને લઈ ગ્રે-માર્કેટ પ્રિમીયમ દર્શાવી રહ્યું હતું.
સેકન્ડરી માર્કેટમાં સ્થિરતા સ્થપાતાં આઈપીઓ સાથે પ્રવેશવા તૈયાર બેઠેલી કંપનીઓને મોટી રાહત મળી હતી અને તેથી ઘણા સમયગાળા બાદ એકસાથે આઈપીઓની ભીડ જોવા મળી હતી. ચાલુ કેલેન્ડરમાં આઈપીઓની સિઝન લગભગ સુસ્ત રહી છે. કેમકે સેકન્ડરી બજારે એકાંતરે મહિને તેજી-મંદી દર્શાવવાનું ચાલુ રાખતાં પ્રમોટર્સ તેમના શેર્સ વેચાણના પ્રોગ્રામને અપેક્ષા મુજબ લાવી શક્યાં નથી. જોકે દિવાળીના સપ્તાહ અગાઉથી ભારતીય બજારમાં સુધારો જોવા મળ્યો છે અને તે ટકી રહેતાં આઈપીઓની પાઈપલાઈન ખૂલી છે. તાજેતરમાં માર્કેટમાં પ્રવેશી ચૂકેલાં અથવા આગામી બે-ચાર દિવસોમાં પ્રવેશનારા આઈપીઓ માટે ગ્રે-માર્કેટે પણ ઉત્સાહ દર્શાવ્યો છે. જેમાં 68 ગણાથી વધુ ભરાઈ ચૂકેલા ડીસીએક્સ સિસ્ટમ્સ ગ્રે-માર્કેટ શેર દીઠ રૂ. 80નું પ્રિમીયમ દર્શાવી રહ્યો છે. આમ કંપનીના રૂ. 207ના ઓફર ભાવ સામે 40 ટકા પ્રિમીયમ બોલાય છે. માઈક્રો ફાઈનાન્સ કંપની ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સના શેર દીઠ રૂ. 30-40નું પ્રિમીયમ જોવા મળે છે. કંપની રૂ. 350-368ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરી રહી છે. બિકાજી ફૂડ્સના રૂ. 285-300ની પ્રાઈસ બેંડ પર ગ્રે-માર્કેટ રૂ. 70નું પ્રિમીયમ સૂચવે છે. જ્યારે ગ્લોબલ હેલ્થના શેર માટે ગ્રે-માર્કેટ પ્રિમીયમ રૂ. 20-25નું જોવા મળે છે. કંપની રૂ. 319-336ના સ્તરે શેર ઓફર કરી રહી છે. આર્કિયન કેમિકલના શેર માટે ગ્રે-માર્કેટ રૂ. 50-60નું પ્રિમીયમ દર્શાવે છે. કંપનીએ રૂ. 386-407ની રેંજમાં શેર ઓફર કર્યો છે. ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સને લઈને ગ્રે-માર્કેટમાં હજુ કામકાજ જોવા મળી રહ્યાં નથી.
બાસમતીની ઊંચી નિકાસ માગે ભાવમાં મજબૂતી
બાસમતી ચોખાની નિકાસ ઊંચી જળવાવાથી નિકાસકારો ઉત્પાદકો પાસેથી ઊંચા ભાવે માલ ખરીદી રહ્યાં છે. ગયા વર્ષની સરખામણીમાં તેઓ ચાલુ વર્ષે ઉત્પાદકોને 12-24 ટકા જેટલું પ્રિમીયમ ચૂકવી રહ્યું હોવાનું જાણવા મળે છે. સોડમ ધરાવતાં બાસમતી ચોખાની નિકાસ એપ્રિલથી સપ્ટેમ્બર 2022 સુધીમાં 11 ટકા જેટલી ઊંચી જોવા મળી છે. આશ્ચર્યની વાત એ છે કે ગયા વર્ષની સરખામણીમાં માર્કેટ યાર્ડ્સમાં બાસમતી ચોખાની આવક 20 ટકા ઊંચી જોવા મળી રહી છે. તેમ છતાં ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. દેશમાં બાસમતી ઉત્પાદનનો 97 ટકા હિસ્સો ધરાવતાં યૂપી, પંજાબ અને હરિયાણાના માર્કેટિંગ યાર્ડ્સમાં કોમોડિટીની આવક 20.3 ટકા ઉછળી ઓક્ટોબરમાં 13.51 લાખ ટન પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 11.23 લાખ ટન પર હતી.
વૈશ્વિક ગોલ્ડ ડબલ બોટમ બનાવી પરત ફર્યું
ફેડ રિઝર્વે ચોથીવાર 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ દર્શાવ્યાં બાદ વૈશ્વિક બજારમાં 1618 ડોલર પર પટકાયેલો કોમેક્સ વાયદો શુક્રવારે તીવ્ર બાઉન્સ દર્શાવી રહ્યો હતો. આ લખાય છે ત્યારે તે 1.5 ટકા સુધારા સાથે 1654 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે એક તબક્કે તેણે સપ્ટેમ્બરમાં દર્શાવેલાં 1820 ડોલરના તળિયાની નીચે 1818 ડોલરનો ટ્રેડ નોંધાવ્યો હતો. જોકે ત્યાં મજબૂત સપોર્ટ હોવાથી ગોલ્ડ પરત ફર્યું છે અને 1650 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ માટે 1680 ડોલરનું લેવલ મહત્વનો અવરોધ છે. જે પાર થશે તો 1700 ડોલર સુધીનો સુધારો જોવા મળી શકે છે. મોટાભાગના એનાલિસ્ટ્સ ગોલ્ડ બેરિશ ટ્રેન્ડમાં હોવાનું માની રહ્યાં છે અને વધ-ઘટે 1560 ડોલર સુધી ઘટાડાની શક્યતાં વ્યક્ત કરે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
અમર રાજા બેટરીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 201.2 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 144.3 કરોડની સરખામણીમાં 39.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 2264 કરોડ સામે 19 ટકા વધી રૂ. 2700 કરોડ રહી હતી.
બાલમેર લોરીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 18 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 489 કરોડ સામે 13 ટકા વધી રૂ. 551 કરોડ રહી હતી.
રેઈન ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 403.3 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 235.5 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 3849 કરોડ સામે 40 ટકા વધી રૂ. 5577 કરોડ રહી હતી.
રેમન્ડઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 158.9 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 53.3 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 1551.3 કરોડ સામે 40 ટકા વધી રૂ. 2168.2 કરોડ રહી હતી.
વોડાફોન આઈડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7595.5 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા ત્રિમાસિકગાળામાં સમાનગાળામાં રૂ. 7297 કરોડ પર જોવા મળતી હતી. કંપનીની રેવન્યૂ ગયા ક્વાર્ટરમાં રૂ. 10410 કરોડ સામે 2 ટકા વધી રૂ. 10614 કરોડ રહી હતી.
હીરો મોટોકોર્પઃ ટોચની ટુ-વ્હીલર કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 716.1 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે રૂ. 729 કરોડના અંદાજ કરતાં સહેજ ઊંચો રહ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 8822 કરોડ સામે 2 ટકા વધી રૂ. 9075 કરોડ પર રહી હતી.
બ્લ્યૂ સ્ટારઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 42.5 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 48 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની રેવન્યૂ રૂ. 1484 કરોડના અંદાજ સામે રૂ. 1576 કરોડ પર રહી હતી.
જેકે લક્ષ્મીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 84.3 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 28 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 1209 કરોડ સામે 14 ટકા વધી રૂ. 1374 કરોડ પર રહી હતી.
સનોફીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 131 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 530 કરોડના નફાની સરખામણીમાં 75.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 755 કરોડ સામે ચાલુ વર્ષે 8 ટકા ઘટી રૂ. 692 કરોડ પર રહી હતી.
અજંતા ફાર્માઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 157 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 196 કરોડના નફાની સરખામણીમાં 20.4 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 885 કરોડ સામે ચાલુ વર્ષે 6 ટકા સુધરી રૂ. 938 કરોડ પર રહી હતી.
એસઆરએફઃ કંપનીએ જણાવ્યું છે કે તેના બોર્ડે નવા પ્લાન્ટ્સની સ્થાપના તથા ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 604 કરોડના ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે.
દેવયાનીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 56.83 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે.
Market Summary 4 November 2022
November 04, 2022