બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજાર મજબૂત
નિફ્ટી ફરી 15800ના સ્તર પર બંધ આપવામાં સફળ
એફએમસીજી અને બેંકિંગ તરફથી સાંપડેલો સપોર્ટ
મેટલ, આઈટી, ફાર્મા અને એનર્જીમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.32 ટકા ગગડી 20.97ના સ્તરે
બ્રોડ માર્કેટમાં ખરીદારો પરત ફરતાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ
રિલાયન્સમાં ઘટાડો અટક્યો જોકે ઓએનજીસી વધુ 4 ટકા ગગડ્યો
સપ્તાહના પ્રથમ સત્રમાં બજારની શરૂઆત પોઝીટીવ રહી હતી. ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ગગડેલા બજાર પર તેજીવાળાઓએ અંકુશ મેળવ્યો હતો અને દિવસ દરમિયાન તે ધીમે-ધીમે સુધારા તરફી જળવાયું હતું અને છેલ્લાં દોઢ કલાક દરમિયાન પોઝીટીવ ટેરિટરીમાં ટ્રેડ થયા બાદ ટોચની નજીક જ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 326.84 પોઈન્ટ્સ સુધારા સાથે 53324.77 પર જ્યારે નિફ્ટી 83.30 પોઈન્ટ્સના સુધારે 15835.35ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ધીમી લેવાલી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.32 ટકા ગગડી 20.97ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં લગભગ નરમાઈ જોવા મળી હતી. હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન અડધા ટકા આસપાસ ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે ચીનનું બજાર પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યું હતું. બપોરે યુરોપિયન બજારોમાં સુધારો જોવા મળતો હતો. જોકે ભારતીય બજારે પોતાની આગવી ચાલ દર્શાવી હતી એમ કહી શકાય. શરૂઆતમાં નરમ રહ્યા બાદ બજારમાં એફએમસીજી શેર્સમાં ખરીદી પાછળ સુધારો નીકળ્યો હતો અને બજાર નવી ટોચ દર્શાવતું રહ્યું હતું. બજાર બંધ થવાના સમય અગાઉ નિફ્ટી 18852ની ટોચ પર ટ્રેડ થયો હતો. આમ બે સત્રો સુધી 15800ની નીચે બંધ રહ્યાં બાદ બેન્ચમાર્ક ફરીથી મજબૂત જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 15900ની સપાટીને પાર કરશે તો 16200 સુધીની મજબૂતી દર્શાવી શકે છે. જ્યારે નીચામાં તેને 15500નો સપોર્ટ રહેલો છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય છે.
માર્કેટને હાલમાં મુખ્ય સપોર્ટ એફએમસીજી તરફથી સાંપડી રહ્યો છે. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ સોમવારે 2.66 ટકા જેટલો ઉછળ્યો હતો. બે ટ્રેડિંગ સત્રોમાં તે 5.4 ટકા જેટલો સુધર્યો છે. લગભગ તમામ મુખ્ય એફએમસીજી શેર્સ તરફથી પાર્ટિસિપેશનની પાછળ એફએમસીજી ઈન્ડેક્સ આટલી મજબૂતી દર્શાવી રહ્યો છે. ડિફેન્સિવ નેચરના કારણે પણ ટ્રેડર્સ એફએમસીજી શેર્સમાં સેફહેવનરૂપી ખરીદી કરી રહ્યાં છે. સોમવારે હિંદુસ્તાન યુનિલીવર 4 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ સિવાય ગોદરેજ કન્ઝ્યૂમર 4 ટકા, યુનાઈટેડ બ્રૂઅરીઝ 3.35 ટકા, બ્રિટાનિયા 3.2 ટકા, ડાબર 2.7 ટકા અને આઈટીસી 2.66 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યાં હતાં. આઈટીસીનો શેર રૂ. 293.30ની બે વર્ષોની ટોચ દર્શાવી રૂ. 291.90ના સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારે પણ કાઉન્ટરે 4 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. એફએમસીજી ઉપરાંત બેંકિંગમાં પણ મજબૂતી જોવા મળી હતી. બેંકનિફ્ટી 1.2 ટકા સુધારે 33941ની સપાટી પર બંધ રહ્યો હતો. નાની બેંકિંગ કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 5.6 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક 2.3 ટકા, બંધન બેંક 2.2 ટકા અને પીએનબી 1.9 ટકા જેટલાં સુધર્યા હતાં. બજારમાં આઈટી, ફાર્મા, ઓટો અને મેટલ જેવા સેક્ટર્સમાં સેન્ટિમેન્ટ નરમાઈ તરફી બની રહ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ તો એક ટકા જેટલો ગગડ્યો હતો. મે મહિનામાં દેશમાંથી સ્ટીલની નિકાસમાં 42 ટકા ઘટાડાના અહેવાલ પાછળ સ્ટીલ શેર્સમાં વેચવાલી નીકળી હતી. જેમાં ટાટા સ્ટીલ 2.1 ટકા, સેઈલ 1.3 ટકા, એનએમડીસી 0.9 ટકા અને જિંદાલ સ્ટીલમાં 0.2 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. જોકે નાલ્કો અને વેદાંત જેવા કાઉન્ટર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલો રહ્યાં બાદ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. જોકે ઓએનજીસીમાં વધુ 3.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી 4 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલના શેર્સ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3566 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1976 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1411 નેગેટિવ જોવા મળતાં હતાં. 79 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 48 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ગુજરાત ગેસ 5 ટકા, સિમેન્ટ 5 ટકા, આઈડીએફસી 4.5 ટકા, એસ્ટ્રાલ 4.4 ટકા, ટ્રેન્ડ 4.1 ટકા, એસ્કોર્ટ્સ 4.2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે જીએસડબલ્યુ સ્ટીલ એક્સ-ડિવિડન્ડ બનતાં 4.7 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે એયૂ સ્મોલ ફાઈનાન્સ 2.7 ટકા, ટીસીએસ 2.4 ટકા, ટીવીએસ મોટર 2.3 ટકા અને સિપ્લા 2 ટકા ગગડ્યાં હતાં.
ફેડ રેટ વૃદ્ધિ બાદ FMCG શેર્સમાં લેવાલીથી 15 ટકા સુધી ઉછાળો
પખવાડિયામાં નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 10.36 ટકા ઉછળ્યો જ્યારે સત્રોમાં જ 5.4 ટકા સુધર્યો
પામ તેલ જેવી કાચી સામગ્રીમાં તીવ્ર ઘટાડાને કારણે પેકેજ્ડ ફૂડ કંપનીઓને ફાયદો
યુએસ ફેડ તરફથી 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ પાછળ યુએસ અર્થતંત્રમાં મંદીની શક્યતાઓ ઘેરી બનતાં રોકાણકારો એફએમસીજી સેક્ટર તરફ વળતાં જોવા મળે છે. બીજી બાજુ પામ તેલ જેવા મહત્વના રો-મટિરિયલના ભાવમાં પણ ઘટાડાને કારણે એફએમસીજી શેર્સમાં લેવાલી જળવાઈ છે. જેની પાછળ નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ છેલ્લાં એક પખવાડિયામાં 10.36 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે આખરી બે સત્રોમાં તેણે 5.4 ટકાનો તીવ્ર સુધારો નોંધાવ્યો છે.
માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ જ્યારે પણ અર્થતંત્રમાં મંદીનો ડર કે શંકા ઊભી થાય છે ત્યારે રોકાણકારો સૌથી પહેલા એફએમસીજી સેક્ટર તરફ વળે છે. કેમકે આ સેક્ટર મુખ્યત્વે આવશ્યક ચીજ-વસ્તુઓ સાથે જોડાયેલું હોય છે અને આર્થિક મંદીની તેના પર કોઈ ગંભીર અસર જોવા નથી મળતી. અગાઉ કોવિડની શરૂઆત બાદ લોકડાઉનના સમયમાં પણ એફએમસીજી શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેની પાછળ એચયૂએલ, બ્રિટાનિયા અને નેસ્લે જેવી કંપનીઓએ તેમની ઐતિહાસિક ટોચ દર્શાવી હતી. જોકે આર્થિક રિકવરી પાછળ કોર્પોરેટ અર્નિંગ્સ મજબૂત જોવા મળતાં રોકાણકારો રિસ્ક-ઓન મોડમાં જોવા મળ્યાં હતાં અને એફએમસીજી સેક્ટર સાઈડ-લાઈન જોવા મળ્યું હતું. જોકે તાજેતરમાં ફરીથી વૈશ્વિક સેન્ટ્રલ બેંકર્સ તરફથી ફુગાવાને અંકુશમાં રાખવા માટે મોનેટરી ટાઈટનીંગ પાછળ એફએમસીજી માર્કેટની ફ્લેવર બન્યું છે. એફએમસીજી ક્ષેત્રે પેકેજ્ડ ફૂડ સાથે જોડાયેલી કંપનીઓના શેર્સમાં ખરીદીનું એક કારણ તેમના માટે મહત્વના રો-મટિરિયલ એવા પામ તેલના ભાવમાં ટોચના સ્તરેથી જોવા મળી રહેલો તીવ્ર ઘટાડો પણ છે. છેલ્લાં બે સત્રોમાં પામ તેલના ભાવમાં 10 ટકા ઘટાડો નોંધાયો છે. જેની પાછળ હિંદુસ્તાન યુનીલિવર અને ગોદરેજ કન્ઝ્યૂમર જેવા શેર્સમાં ઝડપી ખરીદી જોવા મળી છે. સોપ્સ ઉત્પાદકો તેમજ કન્ફેક્શ્નરી કંપનીઓને પામ તેલના ભાવમાં ઘટાડાથી લાભ થશે અને તેથી તેમના શેર્સમાં ખરીદી થઈ રહી છે. ક્રૂડના ભાવ પણ તેની સપ્તાહ અગાઉની ટોચ પરથી નીચે આવતાં એફએમસીજી કંપનીઓને લાભ મળશે. ગયા સપ્તાહે ફેડ ચેરમેને ઈસીબી ખાતે એક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુએસ અર્થતંત્રના વૃદ્ધિ દર પર અસર વચ્ચે પણ તેઓ રેટ વૃદ્ધિ જાળવી રાખશે અને તેથી બજારમાં ડિફેન્સિવ ગણાતાં એફએમસીજી તરફ રોકાણકારોનો લગાવ વધ્યો છે.
ફેડ રિઝર્વે રેટમાં વૃદ્ધિ કરી તે દિવસથી અત્યાર સુધીમાં નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 10.36 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે વ્યક્તિગત કાઉન્ટર્સની વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યૂમર 15.25 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવે છે. જ્યારે બ્રિટાનિયા 13.76 ટકા, એચયૂએલ 12.86 ટકા, આઈટીસી 12.74 ટકા, રેડિરો 12.20 ટકા અને મેક્ડોવેલ 11.69 ટકાનો સુધારો નોંધાવે છે. આ ઉપરાંત ઈમારી, યૂબીએલ, નેસ્લે, ડાબર અને મેરિકો જેવા કાઉન્ટર્સ પણ 10-5 ટકાની રેંજમાં સુધારો દર્શાવી રહ્યાં છે.
FMCG કાઉન્ટર્સનો પખવાડિયાનો દેખાવ
કંપની/ઈન્ડેક્સ 17 જૂન 2022નો બંધ બજારભાવ વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી FMCG 36024.05 39755.65 10.36
ગોદરેજ કન્ઝ્યૂમર 708.50 816.55 15.25
બ્રિટાનિયા 3244.19 3690.45 13.76
HUL 2100.00 2370.00 12.86
ITC 258.55 291.50 12.74
રેડિકો 794.55 891.50 12.20
મેક્ડોવેલ 712.00 795.25 11.69
ઈમામી 395.05 436.55 10.50
UBL 1410.00 1546.00 9.65
નેસ્લે 16435.00 17950.00 9.22
ડાબર 482.25 524.85 8.83
VBL 746.05 790.30 5.93
મેરિકો 471.05 498.25 5.77
ફાર્મા ક્ષેત્ર માટે રિસર્ચ-લિંક્ડ ઈન્સેન્ટિવ ટૂંકમાં જાહેર થવાની શક્યતાં
સરકારનો ફાર્મા કંપનીઓ ટર્નઓવરના 15 ટકા રકમ આરએન્ડડી પાછળ ખર્ચે તેવો ટાર્ગેટ
કેન્દ્ર સરકાર ટૂંકમાં જ ભારતીય ફાર્મા કંપનીઓ માટે રિસર્ચ-લિંક્ડ ઈન્સેન્ટિવ(આરએલઆઈ) સ્કીમ રજૂ કરે તેવી શક્યતાં છે. સરકારનો આમ કરવાનો હેતુ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં યોગદાનમાં વૃદ્ધિનો અને ઈનોવેશનની વેલ્યૂ ચેઈનને આગળ લઈ જવાનો છે એમ નજીકના વર્તુળો જણાવે છે.
આ બાબત સાથે નજીકથી સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ આવી યોજના તૈયાર થઈ રહી હોવાની ખાતરી આપે છે. સરકારે ફાર્મા કંપનીઓ દ્વારા તેમના ટર્નઓવરના 15 ટકા રકમ આરએન્ડડી પાછળ ખર્ચ કરવામાં આવે તેવો ટાર્ગેટ રાખ્યો છે. સરકાર ઉદ્યોગ સાથે હાલમાં સક્રિય ચર્ચા-વિચારણા હાથ ધરી રહી છે અને આ યોજના હાલમાં પાઈપલાઈનમાં છે. આરએલઆઈ સ્કીમની વિગતો હજુ નિર્ધારિત કરવાની બાકી છે. જોકે આ ઈન્સેન્ટિવ્સ મેળવવાની યોગ્યતા માટે કંપનીઓને તેમના ટર્નઓવરના 15 ટકા રકમ આરએન્ડડી પાછળ ખર્ચવાનું જણાવવામાં આવી શકે છે એમ ઉદ્યોગ ક્ષેત્રના સિનિયર એક્ઝિક્યૂટીવ જણાવે છે. જેઓ કેન્દ્ર સરકાર અને ઉદ્યોગ વચ્ચે એક કડી સમાન કામગીરી બજાવી રહ્યાં છે.
સામાન્યરીતે દેશમાં ફાર્મા કંપનીઓ તેમના ટર્નઓવરની સરેરાશ 4-5 ટકા રકમ આરએન્ડડી પાછળ ખર્ચે છે. જ્યારે નિકાસલક્ષી કંપનીઓ ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં આરએન્ડટી પાછળ ટર્નઓવરનો ઊંચો હિસ્સો ખર્ચે છે. જોકે તેમ છતાં તે 10 ટકાથી વધુ નથી જોવા મળતો. ગયા સપ્તાહે ભારતીય દવા કંપનીઓના ટોચના અધિકારીઓએ કેન્દ્રિય હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયા અને ફાર્માસ્યુટિકલ્સ સચિવ એસ અપર્ણા સાથે બેઠક યોજી હતી. આરોગ્ય પ્રધાને ભારતના ફાર્મા વિઝન 2047ની ચર્ચા-વિચારણા માટે બેઠક યોજાઈ હોવાનું જણાવ્યું હતું. સત્રમાં ભારતમાં ફાર્મા ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા યોજાઈ હતી. તેમજ સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાથ ધરેલા મહત્વના પગલાઓની પણ ચર્ચા થઈ હતી. ગયા વર્ષે ભારતીય ફાર્મા ઉદ્યોગે ભારતમાં ઈનોવેશન માટે ઈકો-સિસ્ટમ ઊભી કરવા માટે વ્હાઈટપેપર રજૂ કર્યું હતું. વ્હાઈટપેપરમાં ભારતીય ફાર્મા ઉદ્યોગ ઈનોવેશન ક્ષેત્રે ગ્રોથને કેવી રીતે ચૂકી ગયો તે દર્શાવવામાં આવ્યું હતું. તેમાં ઈકો-સિસ્ટમ વિકસાવવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવ્યાં હતાં. વ્હાઈટપેપર રજૂ થયા બાદ સરકારે મેડ-ટેક સેક્ટર માટે ડ્રાફ્ટ આરએન્ડડી પોલિસી રજૂ કરી હતી. જે ઈન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચે જોડાણ, ફંડીંગ જરુરિયાત અને બોસ્ટન અને સિંગાપુર જેવા ઈનોવેશન હબ પર ભાર મૂકે છે. સરકારે આમાંના ફંડીંગ સહિતના મુદ્દાઓના ઉકેલ માટે પ્રયાસ કરી રહી છે. આરઆલઆઈની જાહેરાત આ દિશામાંનું જ એક પગલું છે એમ વર્તુળ જણાવે છે. ઉદ્યોગ ક્ષેત્રના વરિષ્ઠ વ્યક્તિઓએ પણ આરએલઆઈ માટેની માગણી કરી હોવાનું તેઓ ઉમેરે છે.
યસ બેંકના બોર્ડનો રિકન્સ્ટ્રક્શન સ્કીમમાંથી એક્ઝિટનો પ્રસ્તાવ
પ્રાઈવેટ સેક્ટરની યસ બેંકના બોર્ડે રિકન્સ્ટ્રક્શન સ્કીમ(પુનર્ગઠન યોજના)માંથી બહાર નીકળવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે આ નિર્ણયને કારણે બેંકમાં મોટા રોકાણકારો તરીકે જોવા મળતાં એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક હાલમાં તેમનો હિસ્સો હળવો કરે તેવી શક્યતાં નહિ હોવાનું બેંકના એમડી અને સીઈઓએ જણાવ્યું હતું. રિકસ્ટ્રક્શન સ્કીમના ભાગરૂપે માર્ચ 2020માં એસબીઆઈ અને આંઠ બેંક્સ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સે યસ બેંકમાં હિસ્સો ખરીદ્યો હતો. 31 માર્ચ 2022ના રોજ યસ બેંકમાં એસબીઆઈ 30 ટકા સાથે સૌથી મોટી ઈન્વેસ્ટર હતી. જ્યારે એચડીએફસી લિ. પાસે 3.99 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક પાસે 2.99 ટકા હિસ્સો હતો. એસબીઆઈએ બેંકને બચાવવાના હેતુથી યસ બેંકમાં હિસ્સો ખરીદ્યો હતો.
મે મહિનામાં સ્ટીલની નિકાસમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો
ભારત ખાતેની સ્ટીલની નિકાસમાં મેમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેના મુખ્ય કારણોમાં નબળી એશિયન ઓર્ડર બુક તથા સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ ચાઈનીઝ ગુડ્ઝ હતું. મે મહિનામાં દેશમાં 6.82 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ થઈ હતી. જે માસિક ધોરણે ફ્લેટ હતી. એપ્રિલ અને મેમાં વાર્ષિક ધોરણે નિકાસમાં 35 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 13.58 લાખ ટન પર રહી હતી. માર્ચ મહિનાથી દેશમાં સ્ટીલની નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટાભાગે યુરોપ ખાતેથી અગાઉ બુકિંગ્સ થયા હતાં. જ્યારે મુખ્ય ખરિદાર વિયેટનામ ખાતેથી માગ નબળી જળવાય હતી એમ નિકાસકારો જણાવે છે. નિકાસમાં 75-80 ટકા હિસ્સો ધરાવતી ફ્લેટ પ્રોડક્ટ કેટેગરીની નિકાસ 11.88 લાખ ટન પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 31 ટકા ઘટાડો સૂચવતી હતી એમ સ્ટીલ મંત્રાલયનો ડેટા સૂચવે છે. ફ્લેટ પ્રોડક્ટ્સમાં પ્લેટ્સ, હોટ-રોલ્ડ શીટ્સ, હોટ-રોલ્ડ કોઈલ્સ અને સ્ટ્રીપ્સનો સમાવેશ થાય છે. તેમજ ટીન પ્લેટ્સ, કોલ-રોલ્ડ કોઈલ્સ અને શીટ્સનો સમાવેશ થાય છે.
10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં યુનિટ્સ માટે ઈ-ઈન્વોઈસિંગ ફરજિયાત બનશે
વાર્ષિક ધોરણે રૂ. 10 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં બિઝનેસિસ માટે સરકાર ઈ-ઈનવોઈસ ફરજિયાત બનાવે તેવી શક્યતા છે. હાલમાં રૂ. 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતાં બિઝનેસિસ માટે જ ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત છે. ઈ-ઈનવોઈસિંગ એ મશીન દ્વારા વાંચી શકાય તેવું સ્ટાન્ડર્ડાઈઝ્ડ ફોર્મેટ છે. જીએસટી નેટવર્ક મારફતે ઈલેક્ટ્રોનિકલી ઓથોન્ટિકેટેડ થઈ શકે તેવી આ સિસ્ટમ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડસઈન્ડ બેંકઃ અગ્રણી પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 3.03 લાખ કરોડની ડિપોઝીટ્સ સાથે વાર્ષિક 13.25 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે. જ્યારે તેનો કાસા 43.2 ટકા વૃદ્ધિ સાથે છેલ્લા 14 ક્વાર્ટર્સની ટોચ પર જોવા મળ્યો છે.
એચએએલઃ મલેશિયાના ફાઈટર જેટ પ્રોગ્રામ માટે તેજસ એરક્રાફ્ટ પહેલી પસંદ તરીકે ઉભર્યું છે. બેંગલોર સ્થિત સરકારી કંપની દ્વારા વૈશ્વિક બજારમાં એરકાફ્ટ્સનું આ પ્રથમ વેચાણ હશે.
એચડીએફસી ટ્વિન્સઃ એચડીએફસી બેંક અને એચડીએફસીને મર્જર માટે બે ટોચના એક્સચેન્જિસ બીએસઈ અને એનએસઈ તરફથી મંજૂરી આપવામાં આવી છે.
શિલ્પા મેડિકરઃ ફાર્મા કંપનીએ અન્ય જૂથ કંપની શિલ્પા ફાર્મા લાઈફસાઈન્સિઝ લિ. સાથે 30 જૂન 2022થી અસરમાં આવે તે રીતે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ અમલમાં મૂક્યો છે.
મૂથૂત ફાઈનાન્સઃ આરબીઆઈએ મુખ્યત્વે ગોલ્ડ ફાઈનાન્સમાં સક્રિય એનબીએફસીને દેશમાં નવી 150 શાખાઓ શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.
વીબીએલઃ કંપનીએ પીઈટી બોટલ્સના રિસાઈકલીંગ બિઝનેસમાં સક્રિય આઈડીવીબી નામના સંયુક્ત સાહસમાં 30 ટકા હિસ્સો ખરીદ્યો છે.
મઝગાંવઃ પીએસયૂ કંપની ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રીક વેસલ(એફસીઈવી) પ્રોટોટાઈપના સફળ લોંચ સાથે પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન પાવર્ડ ઈલેક્ટ્રીક બોટ રજૂ કરનાર પ્રથમ કંપની બની છે.
આઈશર મોટર્સઃ ઓટો કંપનીએ જૂન 2022માં 61407 યુનિટ્સ રોયલ એનફિલ્ડનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષે 43048 યુનિટ્સ સામે 43 ટકા વૃદ્ધિ સૂચવે છે.
સીએસબી બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન રૂ. 16332.8 કરોડના કુલ એડવાઈન્સિસ આપ્યાં છે. જે વાર્ષિક ધોરણે 16.16 ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે હોમ લોનમાં 32 ટકા જ્યારે રિટેલ લોન બુકમાં 37.5 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
આઈટીસી/ગોડફ્રેઃ દેશમાં ટોચની સિગારેટ્સ કંપનીઓ બાયોડિગ્રેડેબલ રેપિંગમાં સ્વિચ થયાં છે.
હીરો મોટોકોર્પઃ વિશ્વમાં સૌથી મોટી બાઈક ઉત્પાદકે જૂન મહિનામાં 4.85 લાખ મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 3.3 ટકા વૃદ્ધિ દર્શાવે .
ભારત ફોર્જઃ કંપની અને તેના સબસિડિયરીએ સફળતાપૂર્વક જેએસ ઓટો કાસ્ટ ફાઉન્ડ્રી ઈન્ડિયાની ખરીદી પૂર્ણ કરી છે.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ બિરલા જૂથની તથા દેશમાં સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદકે જયપ્રકાશ સિમેન્ટના રૂ. 1000 કરોડનું મૂલ્ય ધરાવતાં પ્લાન્ટની ખરીદી પડતી મૂકતાં લેન્ડર્સ માટે સમસ્યા ઊભી થઈ છે.
ટીવીએસ મોટરઃ ટુ-વ્હીલર્સ કંપનીએ જૂન મહિનામાં રૂ. 3,08,501 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે જૂન 2021માં 2,51,886 યુનિટ્સના વેચાણ સામે 22 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
ડીબીએલઃ કંપની જીએમઆરસી દ્વારા ફ્લોટ કરવામાં આવેલા ટેન્ડરમાં એલ-1 બીડર તરીકે જાહેર કરવામાં આવી છે.
દિપક નાઈટ્રેટઃ કેમિકલ કંપનીની મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી પરના પ્લાન્ટ ક્લોઝર ઓર્ડરને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પરત ખેંચ્યો છે.
અશોક બિલ્ડકોનઃ કંપની રાજીવ ગાંધી ફિનટેક ડિજિટલ ઈન્સ્ટીટ્યુટ માટે રૂ. 611 કરોડના મૂલ્યના કન્સ્ટ્રક્શન અને મેઈન્ટેનન્સ પ્રોજેક્ટ માટેના સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે.
એનએફએલઃ જાહેર ક્ષેત્રની ફર્ટિલાઈઝર કંપનીએ એપ્રિલ-જૂન 2022ના ક્વાર્ટર દરમિયાન 47 ટકા ગ્રોથ નોંધાવ્યો છે.
એન્ડ્યૂરાન્સઃ કંપનીએ મેક્સવેલમાં 1 જુલાઈના રોજ 51 ટકા ઈક્વિટી શેર કેપિટલની ખરીદી કરી છે
Market Summary 4 July 2022
July 04, 2022