માર્કેટ સમરી
સેન્સેક્સે 48000 અને નિફ્ટીએ 14100 પાર કર્યું
બેન્ચમાર્ક્સ દૈનિક ધોરણે નવા વિક્રમો સર્જી રહ્યાં છે. સોમવારે નવા સપ્તાહે સેન્સેક્સે 48000ની સપાટી પાર કરી હતી. જો નિફ્ટીએ 14100 પાર કર્યું હતું. દિવસ દરમિયાન નિફ્ટીએ 14148ની જ્યારે સેન્સેક્સે 48177ની ટોચ દર્શાવી હતી. નિફ્ટી માટે હવે 14300નું નવું ટાર્ગેટ છે.
માર્કેટને આઈટી અને મેટલનો સપોર્ટ મળ્યો
સોમવારે અગ્રણી આઈટી કાઉન્ટર્સ સહિત મીડ-કેપ કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. મેટલ્સમાં પણ તેજી હતી અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5 ટકા ઉછળ્યો હતો. ટીસીએસ 3.8 ટકા, એચસીએલ ટેક્નોલોજી 3 ટકા અને ઈન્ફોસિસ 2.2 ટકા સુધરીને બંધ આવ્યાં હતાં. ટીસીએસે 3 હજારની સપાટી પાર કરી હતી.
સન ફાર્માનો શેર ત્રણ વર્ષની ટોચે
લાંબા સમય સુધી કરેક્શન અને કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ અગ્રણી ફાર્મા કંપની સન ફાર્માનો શેર રૂ. 600ના સ્તરને પાર કરી ગયો હતો. સોમવારે તેણે 2 ટકાથી વધુના સુધારે રૂ. 609.60ની 2017 પછીની ટોચ દર્શાવી હતી. જે સ્તરે તેનું માર્કેટ-કેપ પણ રૂ. 1.45 લાખ કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર 2016ની આખરમાં રૂ. 1200ની ટોચ પર રૂ. 3 લાખ કરોડથી વધુના માર્કેટ-કેપ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ગગડીને માર્ચમાં રૂ. 315.20ના ઘણા વર્ષોના તળિયા પર જોવા મળ્યો હતો.
અશોક લેલેન્ડનો શેર 6 ટકા ઉછળ્યો
ડિસેમ્બરમાં અપેક્ષાથી સારા વાહન વેચાણ પાછળ અશોક લેલેન્ડનો શેર 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. સોમવારે કંપનીનો શેર અગાઉના રૂ. 99.10ના બંધ ભાવ સામે રૂ. 6 જેટલો ઉછળી રૂ. 105.80ના સ્તરે ટ્રેડ થયો હતો. જે ભાવે કંપની રૂ. 31 હજાર કરોડના માર્કેટ-કેપ પર પહોંચ્યો હતો. કોવિડ બાદ નીચી રિકવરીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અશોક લેલેન્ડે હરિફ કંપનીઓ સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જોકે આમ છતાં રૂ. 33.70ના વાર્ષિક તળિયા સામે તે 200 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે.
દિપક નાઈટ્રેટનો શેર રૂ. 1000ને વટાવી ગયો
કેમિકલ ઉત્પાદક કંપની દિપક નાઈટ્રેટનો શેર સૌપ્રથમવાર રૂ. 1000ને પાર કરી ગયો હતો. કંપનીનો શેર 5 ટકાના સુધારે રૂ. 1036ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 14 હજાર કરોડને પાર કરી ગયું હતું. માર્ચ મહિનામાં રૂ. 310ના તળિયાના ભાવથી શેર 200 ટકા કરતાં વધુનું રિટર્ન દર્શાવી રહ્યો હતો.
કોમોડિટીઝના ભાવમાં મજબૂતી વચ્ચે મેટલ શેર્સમાં 9 ટકા સુધીનો ઉછાળો
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5.1 ટકા સાથે સોમવારે સૌથી વધુ ઉછળી અઢી વર્ષની ટોચ પર પહોંચ્યો
સ્ટીલ શેર્સમાં અવિરત તેજી પાછળ મેટલ ઈન્ડેક્સમાં અવિરત યોગદાન
વૈશ્વિક સ્તરે કોપર, નીકલ સહિતની કોમોડિટીઝના ભાવ મલ્ટીયર હાઈ પર
ઊંચી માગ પાછળ વૈશ્વિક સ્તરે મલ્ટી-યરની ટોચ પર ટ્રેડ થઈ રહેલા કોમોડિટીઝ ભાવોની મેટલ શેર્સ પર મોટી અસર જોવા મળી છે. છેલ્લા કેટલાક સત્રોથી ધીમે-ધીમે સુધરી રહેલા મેટલ શેર્સમાં સોમવારે બ્રોડ બેઝ બાઈંગ જોવા મળ્યું હતું અને તેઓ તેમની છેલ્લા ત્રણ વર્ષની ટોચ પર બંધ થવામાં સફળ રહ્યાં હતાં. એનએસઈ ખાતે વિવિધ સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5.1 ટકાના ઉછાળે તેની અઢી વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે વ્યક્તિગત મેટલ શેરમાં 9 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
સોમવારે ભારતીય શેરબજારે નવી ટોચ દર્શાવી હતી ત્યારે તેને મુખ્ય સપોર્ટ પૂરો પાડવામાં મેટલ ક્ષેત્ર અગ્રણી રહ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5.1 ટકા અછવા 166 પોઈન્ટ્સ ઉછળી 3421ના સ્તરે બંધ રહ્યો હતો. જે અઢી વર્ષની ટોચ છે. મેટલ ઈન્ડેક્સે જાન્યુઆરી 2018માં 4256ની ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે સતત ગગડતો રહ્યો હતો અને માર્ચ મહિનામાં 1680ના તળિયા પર ટ્રેડ થયો હતો. મેટલ ઈન્ડેક્સે નવેમ્બરમાં એક મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જોકે ત્યારબાદ તે થોડો સમય કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લા પખવાડિયામાં તે સતત સુધરતો જોવા મળ્યો છે. જેમાં સ્ટીલ શેર્સનું યોગદાન સૌથી મહત્વનું છે. ચીનમાં સ્ટીલની માગ સામે ઉત્પાદનમાં મોટો ગેપને કારણે વૈશ્વિક બજારમાં અને તેમાં પણ ખાસ કરીને ભારત જેવા સસ્તાં ઉત્પાદક પાસેથી તેની ખરીદીને કારણે સ્થાનિક કંપનીઓને નોંધપાત્ર લાભ થઈ રહ્યો છે. ત્રીજા ક્વાર્ટરથી સ્થાનિક માગમાં પણ રિકવરી જોવા મળી છે અને તેથી કંપનીઓને ઘરેલુ તથા નિકાસ બજાર, એમ બંને બાજુથી લાભ મળી રહ્યો છે. રેટિંગ એજન્સી ઈકરાના મતે ભારતીય સ્ટીલ કંપનીઓ 2023 સુધી ચીનની માગનો અનુભવ કરતી રહેશે.
આ પોઝીટીવ અહેવાલ પાછળ સ્ટીલ કંપનીઓ શેર્સ સતત સુધરતાં રહ્યાં છે. સોમવારે પણ ટાટા સ્ટીલનો શેર 8.37 ટકા ઉછળીને 697ની સપાટી પર બંધ આવ્યો હતો. જે તેની અંતિમ ઘણા વર્ષોની ટોચ છે. અન્ય અગ્રણી ઉત્પાદક જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર 7 ટકાના સુધારે રૂ. 288.70 પર બંધ આવ્યો હતો. કંપનીના શેરે વર્ષ અગાઉની ટોચને પાર કરી હતી. જાહેર ક્ષેત્રની સ્ટીલ ઉત્પાદક કંપની સેઈલનો શેર તો અવિરત સુધરો દર્શાવી રહ્યો છે અને અંતિમ મહિનામાં તે 87 ટકાનું તગડું રિટર્ન દર્શાવી રહ્યો છે. સોમવારે પણ તેણે 6.55 ટકાના સુધારે રૂ. 79.60ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. સ્ટીલ કંપનીઓને રો-મટિરિયલ પૂરું પાડતી એનએમડીસીનો શેર પણ 5.8 ટકા ઉછળી રૂ. 122.30ના સ્તરે બંધ રહ્યો હતો. અન્ય મેટલ કાઉન્ટર્સમાં એલ્યુમિનિયમ અગ્રણી હિંદાલ્કો(7 ટકા), નેલ્કો(6.7 ટકા), એપીએલએપોલો(3 ટકા) અને રત્નમણિ મેટલ્સ(3 ટકા)નો સુધાર દર્શાવતાં હતાં. એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક સ્તરે સરકારો દ્વારા જંગી ખર્ચ યોજનાઓને જોતાં બેઝ મેટલ્સના ભાવમાં વૃદ્ધિ ચાલુ રહેવાની શક્યતા છે. જેની પાછળ કોમોડિટી ઉત્પાદકોને પણ લાભ મળતો રહેશે. જોકે માર્કેટ હાલમાં ખૂબ ઉકળેલું છે અને તેથી ખરીદી માટે તે થોડું ઠંડુ પડે તેની રાહ જોવી જરૂરી છે એવું સૂચન તેઓ કરે છે.
સોમવારે મેટલ ઈન્ડેક્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
ટાટા સ્ટીલ 8.37
હિંદાલ્કો 6.9
જિંદાલ સ્ટીલ 6.87
સેઈલ 6.85
નેલ્કો 6.65
એનએમડીસી 5.8
જેએસડબલ્યુ સ્ટીલ 3.58
એપીએલ એપોલો 2.97
રત્નમણિ મેટલ્સ 2.9
વેલકોર્પ 2.3
સોનું રૂ. 51 હજાર અને ચાંદી રૂ. 70 હજારને પાર કરી ગઈ
વૈશ્વિક બજારમાં પ્રથમ દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી પાછળ સ્થાનિકમાં પણ મજબૂતી
ચાંદીએ સાડા ચાર મહિનાની ટોચ દર્શાવી
સોનું બે મહિનાની ટોચ પર
વૈશ્વિક બજારમાં કેલેન્ડરના પ્રથમ દિવસે બુલિયનમાં આક્રમક ખરીદી જોવા મળી હતી. જેની પાછળ સ્થાનિક બજારમાં પણ સોનું-ચાંદીએ સોમવારે મહત્વનો બ્રેકઆઉટ દર્શાવ્યો હતો. એમસીએક્સ ખાતે માર્ચ સિલ્વર વાયદો 3 ટકા અથવા રૂ. 2200થી વધુની મજબૂતી સાથે રૂ. 70000ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે સોનું રૂ. 950ના ઉછાળે રૂ. 51200ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 2.36 ટકાના સુધારે 1940 ડોલર પર જ્યારે ચાંદી 4.13 ટકા ઉછળી 25.50 ડોલર પર ટ્રેડ થઈ રહી હતી.
નવા સપ્તાહની શરૂઆત કિંમતી ધાતુઓમાં અપેક્ષાથી સારી જોવા મળી હતી. સોમવારે સવારે વૈશ્વિક બજારમાં નોંધપાત્ર ઉછાળાની અસરે બંને ધાતુઓના ભાવ ગેપ-અપ ખૂલ્યાં બાદ વધુ સુધારો દર્શાવતાં રહ્યાં હતાં અને ચાંદી રૂ. 70 હજારને પાર કરી ગઈ ગતી. અગાઉ એક પખવાડિયા અગાઉ તેણે રૂ. 70500ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાં ટકવામાં નિષ્ફળ રહી હતી. જો સોમવારે તે આ સપાટી પર બંધ દર્શાવશે તો 12 ઓગસ્ટ 2020 બાદ તેનું રૂ. 70 હજાર પરનું પ્રથમ બંધ હશે. જુલાઈ આખરમાં રૂ. 77000ની સપાટી દર્શાવી ચાંદી તૂટીને રૂ. 56000 પર ટ્રેડ થઈ હતી. સોનામાં પણ રૂ. 51 હજાર પરનું બંધ 9 નવેમ્બર બાદનું પ્રથમ બંધ ગણાશે. આમ બંને ધાતુઓ સપ્તાહની શરૂઆતમાં મહત્વના બ્રેકઆઉટ દર્શાવશે એમ એનાલિસ્ટ માને છે. જ્યારબાદ તેઓ વધુ સુધારો દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ચાંદીમાં રૂ. 70 હજાર પાર થતાં રૂ. 72000નું સ્તર હાથવગુ બની રહેશે અને ટૂંક સમયમાં તે આ સ્તર પર જોવા મળી શકે છે. જ્યારે સોનામાં પણ રૂ. 51 હજાર પાર થતાં રૂ. 51800 અને રૂ. 52500ના સ્તર જોવા મળશે. સોનું-ચાંદી સાથે બેઝ મેટલ્સમાં પણ ઉઘડતાં સપ્તાહે મજબૂતી જોવા મળી હતી. જેમાં નીકલ 4.5 ટકાની મજબૂતી દર્શાવતું હતુ. ઉપરાંત કોપર અને નેચરલ ગેસમાં પણ 2-3 ટકાનો સુધારો જોવા મળતો હતો.Market Summary 4 Jan 2021