માર્કેટ સમરી
નિફ્ટી 15000થી 104 પોઈન્ટ્સ છેટો
બજારમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 106 પોઈન્ટ્સ ઉછળી 14896ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સ પણ 359 પોઈન્ટસ ઉછળી 50614 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. ભારતીય બજારે વૈશ્વિક બજારોને આઉટપર્ફોર્મ કર્યાં હતાં. બજેટથી લઈને સપ્તાહના પ્રથમ ચાર દિવસમાં ભારતીય બજારો 9 ટકા જેટલા ઉછળ્યાં છે.
ટાયરના ભાવમાં વૃદ્ધિ પાછળ કંપનીઓના શેર્સ વધુ ઉછળ્યાં
ટાયરના ભાવમાં 8 ટકા વૃદ્ધિ પાછળ ટાયર ઉત્પાદક કંપનીઓના ભાવમાં તેજી જળવાય હતી અને અગ્રણી તમામ કંપનીઓના શેર્સ 8 ટકા જેટલા ઉછળી તેમની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં.
એપોલો ટાયરનો શેર 8 ટકા જેટલો ઉછળી રૂ. 256ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીએ બુધવારે ડિસેમ્બર ક્વાર્ટર માટે અસાધારણ પરિણામ જાહેર કરતાં તેની અસર પણ ભાવ પર જોવા મળી હતી. ટીવીએસ શ્રીચક્રનો શેર 6 ટકા ઉછળ્યો હતો અને રૂ. 2233ની સર્વોચ્ચ સપાટી પર જ્યારે સિએટનો શેર 4 ટકા ઉછળી રૂ. 1763ની ટોચ પર જોવા મળ્યો હતો. બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ 6 ટકા ઉછળી રૂ. 1850ની સપાટી પર જોવા મળ્યો હતો.
એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક નવી ટોચ પર
બજેટ રજૂઆતના ચોથા દિવસે પણ દેશની અગ્રણી ખાનગી બેંકિંગ કંપનીઓના શેર્સમાં નવી ટોચ જોવા બનવાનો ક્રમ જળવાયો હતો. એચડીએફસી બેંકનો શેર અગાઉના રૂ. 1575ના બંધ સામે દિવસ દરમિયાન રૂ. 1588ની ટોચ બનાવી રૂ. 1678ની સપાટી પર બંધ રહ્યો હતો. બેંકનું કુલ માર્કેટ-કેપ રૂ. 8.7 લાખ કરોડ પર જોવા મળતું હતું. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર અગાઉના રૂ. 622ના બંધ સામે રૂ. 632ની સપટી પર ટ્રેડ થઈ રૂ. 628ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે બેંકનું માર્કેટ-કેપ રૂ. 4.33 લાખ કરોડ થતું હતું.
મીડ અને સ્મોલ-કેપ્સમાં આક્રમક લેવાલી જળવાય
માર્કેટમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 3128 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1857માં મજબૂતી જોવા મળી હતી. જ્યારે 11232 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આમ બે કાઉન્ટર્સમાં સુધારા સામે લગભગ એક કાઉન્ટર નેગેટિવ જોવા મળતું હતું એમ કહી શકાય. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.10 ટકાનો સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.6 ટકાની મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સોનું છ મહિનાના તળિયે, ચાંદી રૂ. 68 હજાર નીચે
વૈશ્વિક બજારમાં નરમાઈ પાછળ બુલિયનમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનુ સતત ઘસાઈ રહ્યું છે. ગુરુવારે એમસીએક્સ ખાતે તેણે રૂ. 47500નું અગાઉનું તળિયું તોડી છ મહિનાની નીચી સપાટી દર્શાવી હતી. ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો 0.9 ટકા ઘટી રૂ. 47307ના સ્તરે ટ્રેડ થયો હતો. તે રૂ. 430નો ઘટાડો દર્શાવતો હતો. ચાંદી બુધવારેના સુધારાને ભૂંસી 1.4 ટકા નીચે રૂ. 67227ના સ્તરે ટ્રેડ થઈ હતી. જોકે તે રૂ. 67 હજારનો સપોર્ટ પર ટ્રેડ થઈ રહી છે. સોમવારે રૂ. 74600ની ટોચથી તે રૂ. 7000 એટલેકે 10 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહી હતી.
SBI સહિત PSU બેંક શેર્સમાં 17 ટકા સુધીનો ઉછાળો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં સારા પરિણામો રજૂ કરતાં શેર 6 ટકા ઉછળ્યો
સારા પરિણામો પાછળ ઈન્ડિયન બેંકનો શેર ઈન્ટ્રા-ડે 20 ટકાની સર્કિટમાં બંધ જોવા મળ્યો
ગરુવારે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેંકિંગ કંપનીઓના શેર્સે સાર્વત્રિક તેજી દર્શાવી હતી. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર ડિસેમ્બર ક્વાર્ટરમાં સારા પરિણામો પાછળ 6 ટકા ઉછળ્યો હતો તો અન્ય બેંકિંગ શેર્સમાં બજેટ બાદ જોવા મળેલા ધીમા તેજીનો દોરે ગતિ પકડી હતી અને તેઓ છેલ્લા ઘણા એક વર્ષ કરતાં વધુ સમયની ટોચ પર બંધ રહ્યાં હતાં. એસબીઆઈનો શેર તો તેની સર્વોચ્ચ સપાટી નજીક બંધ રહ્યો હતો.
એસબીઆઈએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5196 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5583 કરોડના ચોખ્ખો નફાની સામે 7 ટકા નીચો હતો. જોકે તે અપેક્ષા કરતાં સારો હતો. બેંકે બેડ લોન્સ સામે પ્રોવિઝન્સમાં કરેલી વૃદ્ધિ પાછળ નફામાં ઘટાડો નોંધાયો હતો. જોકે ત્રિમાસિક ધોરણે બેંકનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4574 કરોડ સામે 13.6 ટકા વધ્યો હતો. ક્વાર્ટર દરમિયાન બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 3.7 ટકા વધી રૂ. 28820 કરોડ રહી હતી. ત્રિમાસિક ધોરણે તે 2 ટકા વધી હતી. બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.34 ટકા પર સ્થિર રહ્યું હતું. જેને કારણે બેંકનો શેર પરિણામની રજૂઆત બાદ રૂ. 338ની સપાટી પરથી ઉછળી રૂ. 358ની અંતિમ ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉ 2018માં બેંક શેરે રૂ. 362ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેંક શેરે સૌપ્રથમ નવમેબર 2010માં રૂ. 340ની સપાટી દર્શાવી હતી. ત્યારબાદ 2015માં અને 2018માં આ સપાટી દર્શાવી હતી. તાજેતરમાં ફરી એકવાર તે આ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.
બીજા હરોળની પીએસયૂ બેંક ઈન્ડિયન બેંકનો શેર પણ ગયા સપ્તાહે તેણે રજૂ કરેલા ત્રિમાસિક પરિણામોની અસરે 20 ટકા ઉછળીને રૂ. 120.85ની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો અને કામકાજના અંતે 16 ટકા સુધારે રૂ. 118.75ની સપાટી પર બંધ રહ્યો હતો. બીજા ક્રમની પીએસયૂ બેંક બેંક ઓફ બરોડાનો શેર 6.42 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 6.30 ટકા, કેનેરા બેંક 6 ટકા અને પીએનબી 5.7 ટકા સુધારે બંધ રહ્યાં હતાં. બેંક ઓફ બરોડાનો શેર રૂ. 80ની સપાટીને કૂદાવી ગયો હતો. જ્યારે કેનેરા બેંકનો શેર રૂ. 160ને પાર કરી ગયો હતો. માત્ર આઈઓબીનો શેર નોંધપાત્ર સુધારો દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. નાણાપ્રધાને તેમની બજેટ રજૂઆતમાંરૂ. 20 હજાર કરોડના રિકેપિટલાઈઝેશન ઉપરાંત નવા નાણા વર્ષમાં બે સરકારી બેંકના ખાનગીકરણનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જેની પાછળ રોકાણકારો પીએસયૂ બેંક શેર્સને લઈને ઉત્સાહી બન્યાં છે.
ગુરુવારે પીએસયૂ બેંક શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
ઈન્ડિયન બેંક 16.80
બેંક ઓફ બરોડા 6.50
બેંક ઓફ ઈન્ડિયા 6.30
કેનેરા બેંક 6.00
એસબીઆઈ 5.70
પીએનબી 5.61
જેકે બેંક 5.00
યુનિયન બેંક 2.70
સેન્ટ્રલ બેંક 2.13