બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
HDFC ભગિનીઓના મર્જર પાછળ નિફ્ટીએ 18K કૂદાવ્યું
બેંક નિફ્ટીમાં 4 ટકાનો તીવ્ર એક દિવસીય સુધારો નોંધાયો
મેટલ, એનર્જી, ફાર્મા અને પીએસઈમાં એક ટકાથી વધુ મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ વિક્સ 3 ટકા ગગડી 17.90ના સ્તરે
બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી નોંધાઈ
વૈશ્વિક સ્તરે એશિયામાં મજબૂતી જોવાઈ
નવા નાણાકિય વર્ષના બીજા સત્રમાં પણ તેજીનો દોર જળવાયો હતો. સોમવારે ઉઘડતાં સપ્તાહે ભારતીય બેન્ચમાર્ક્સે 2 ટકાથી વધુ ઉછાળો દર્શાવ્યો હતો. એચડીએફસી જૂથની બે અગ્રણી લિસ્ટેડ હેવીવેઈટ કંપનીઓના મર્જરની જાહેરાતે બંને કંપનીઓના શેર્સ 10 ટકા સુધી ઉછળ્યાં હતાં. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 1335.05 પોઈન્ટ્સ ઉછળી 60611.74ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 382.95 પોઈન્ટ્સ ઉછળી 18053.40ના સ્તરે જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 17.90ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 47 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 3 નેગેટિવ જોવા મળ્યાં હતાં.
વિતેલા સપ્તાહે આખરી ટ્રેડિંગ સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટીએ 17700ની સપાટી પર ટ્રેડ દર્શાવ્યું ત્યારે કોઈને કલ્પના નહોતી કે સોમવારે તે 18 હજારનું સ્તર પણ એક ધડાકે પાર કરશે. જોકે સવારે માર્કેટ ખૂલે તે પહેલાં જ ટોચની હાઉસિંગ ફાઈનાન્સ કંપની એચડીએફસીના એચડીએફસી બેંકમાં મર્જરના અહેવાલની પાછળ બજારે તીવ્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને જોત-જોતામાં નિફ્ટી 18 હજારની સપાટી પાર કરી 18115ની ટોચ પર ટ્રેડ થયો હતો. જાન્યુઆરીમાં 18300ની ટોચથી તે થોડો છેટે રહી ગયો હતો. જોકે તેણે ઊંચા વોલ્યુમ સાથે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવતાં એનાલિસ્ટ્સ માને છે કે નિફ્ટી કોન્સોલિડેશન બાદ સુધારાતરફી ચાલ જાળવી રાખી શકે છે અને ઓક્ટોબર 2021માં દર્શાવેલી 18600ની ટોચને પાર કરી શકે છે. ઈન્વેસ્ટર્સ હાલમાં લાર્જ-કેપ્સ પર ખૂબ બુલીશ છે. નિફ્ટીના 50માંથી નોંધપાત્ર ઘટકો કોન્સોલિડેશન બાદ સુધારાતરફી ચાલ દર્શાવી રહ્યાં છે. તેને જોતાં માર્કેટમાં બુલીશ ટ્રેન્ડ જળવાય રહે તેવો પ્રબળ વિશ્વાસ પ્રવર્તી રહ્યો છે. નવા નાણા વર્ષમાં વિદેશી સંસ્થાઓ પણ ભારતીય બજારમાં પરત ફરે તેવી શક્યતાં છે. જોકે હજુ સુધી આવા સંકેતો જોવા મળ્યાં નથી. સ્થાનિક રોકાણકારો તરફથી અવિરત ઈનફ્લો ચાલુ છે અને તેથી તે એફઆઈઆઈની વેચવાલીને પચાવી રહ્યો છે.
સોમવારે લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ્સમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3672 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2681 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 848 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ બે શેર્સમાં સુધારા સામે એકમાં ઘટાડો જોવા મળ્યો હતો. 143 કાઉન્ટર્સ સ્થિર જોવા મળ્યાં હતાં. જ્યારે 179 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ અને 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 20 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં અને 19 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં. અદાણી જૂથની સ્ક્રિપ્સમાં ભારે ખરીદી જોવા મળી હતી અને કેટલાંક કાઉન્ટર્સ સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યાં હતાં. જેમાં અદાણી પાવર અગ્રણી હતો. કંપનીનો શેર પ્રથમવાર રૂ. 200ની સપાટી પાર કરી રૂ. 220.80ની ટોચ પર જોવા મળ્યો હતો. તેનું માર્કેટ-કેપ રૂ. 82 હજાર કરોડ પર નોંધાયું હતું. અદાણી વિલ્મેરના શેર પણ રૂ. 569.80ની ટોચ દર્શાવી હતી. જ્યારે અદાણી પોર્ટનો શેર 4 ટકા સુધારે નિફ્ટી કાઉન્ટર્સમાં સુધારો દર્શાવવામાં અગ્રણી હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં માત્ર ત્રણ જ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જેમાં ઈન્ફોસિસ, ટાટા કન્ઝ્યૂમર અને ટાઈટન કંપની મુખ્ય હતાં. બેંકિંગ કાઉન્ટર્સમાં એચડીએફસી બેંકમાં 10 ટકા ઉછાળા ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ બેંક 5 ટકા, આરબીએલ બેંક 3.6 ટકા, કોટક બેંક 3.4 ટકા અને ઈન્ડસઈન્ડ બેંક 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જેની પાછળ બેંકનિફ્ટી 1487 પોઈન્ટ્સના ઉછાળે 38635નું સ્તર પાર કરી ગયો હતો. નિફ્ટી મીડ-કેપ સૂચકાંક 1.63 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.62 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
વોડાફોન આઇડિયામાં વોડાફોને હિસ્સો વધારી 47.61 ટકા કર્યો
બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોને તેની પેટા કંપની પ્રાઇમ મેટલ્સના માધ્યમથી વોડાફોન આઇડિયા લિમિટેડમાં તેની હિસ્સેદારી વધારીને 47.61 ટકા કરી છે. અગાઉ કંપનીનો વોડાફોન આઇડિયા લિમિટેડમાં હિસ્સેદારી 44.39 ટકા હતી. પ્રાઇમ મેટલ્સ 2,18,55,26,081 ઇક્વિટી શેર્સ સાથે ઇક્વિટી શેર કેપિટલમાં 7.61 ટકા હિસ્સો ધરાવે છે, તેમ વોડાફોન આઇડિયા લિમિટેડે કહ્યું હતું. આ પહેલાં વોડાફોન આઇડિયાએ જણાવ્યું હતું કે, તેના બોર્ડે 338.3 કરોડ ઇક્વિટી શેર્સને પ્રતિ સ્ક્રિપ રૂ. 13.30ના ભાવે ત્રણ પ્રમોટર ગ્રૂપ એન્ટિટી – યુરો પેસિફિક સિક્યુરિટિઝ, પ્રાઇમ મેટલ્સ અને ઓરિયાના ઇનવેસ્ટમેન્ટ્સને આશરે રૂ. 4,500 કરોડમાં ફાળવવાની મંજૂરી આપી હતી. તેમાં યુરો પેસિફિક સિક્યુરિટિઝ (પ્રમોટર)ને 1,96,66,35,338 ઇક્વિટી શેર્સ, પ્રાઇમ મેટલ્સ (પ્રમોટર)ને 57,09,58,646 ઇક્વિટી શેર્સ, ઓરિયાના ઇન્વેસ્ટમેન્ટ્સ (પ્રમોટર ગ્રૂપ)ને 84,58,64,661 ઇક્વિટી શેર્સની ફાળવણી સામેલ છે. ટેલીકોમ કંપનીએ માર્ચમાં રૂ. 14,500 કરોડના ભંડોળ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી, જેમાં તેના પ્રમોટર્સ રૂ. 4,500 કરોડ ઉમેરશે.
KFIN ટેકનોલોજીસ અને યથાર્થ હોસ્પિટલે IPO માટે DRHP ફાઇલ કર્યાં
કેએફઆઈએન ટેકનોલોજીસ લિમિટેડ અને યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડે આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યાં છે. KFIN ટેકનોલોજીસ આઈપીઓ મારફતે રૂ. 2400 કરોડનું ફંડ ઊભું કરવાની અપેક્ષા ધરાવે છે. કંપની મૂડીબજારમાં સક્રિય ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર કરતું પ્લેટફોર્મ છે. આઈપીઓમાં જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પ્રાઇવેટ લિમિટેડ તેની પાસેના શેર્સ ઓફર કરી રહ્યું છે. યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડ એનસીઆરમાં ટોચની પ્રાઈવેટ હોસ્પિટલ છે અને તે ફ્રેશ ઈશ્યૂ મારફતે રૂ. 610 કરોડ ઊભા કરવા ધરાવે છે. ઉપરાંત ઓફર-ફોર-સેલનો પણ સમાવેશ થાય છે.
તાતા પાવરે ધોલેરામાં 300 મેગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યરત કર્યો
તાતા જૂથની તાતા પાવરની માલિકીની તાતા પાવર રિન્યૂએબલ્સ એનર્જી લિમિટેડે ગુજરાતના ધોલેરામાં 300 મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે ભારતની સૌથી મોટી સિંગલ-એક્સિસ સોલર ટ્રેકર સિસ્ટમ છે. આ પ્રોજેક્ટ વર્ષે 774 એમયુ ઊર્જા પેદા કરશે. આ સાથે દર વર્ષે 704340 એમટી/વર્ષ કાર્બન ઉત્સર્જન ઘટાડશે. 220 એકરના એક એવા છ અલગ-અલગ પ્લોટમાં કુલ 1320 એકરમાં ઇન્સ્ટોલેશન થયેલા પ્રોજેક્ટે નિર્ધારિત સમયમર્યાદામાં કામકાજ શરૂ કર્યું હતું.
એચડીએફસી બેંક અને એચડીએફસીના મર્જરથી બનનારી કંપની એમ-કેપમાં TCSને પાછળ રાખી દેશે
સોમવારે બંધ ભાવે બંને કંપનીઓનું કુલ માર્કેટ-કેપ રૂ. 14 લાખ કરોડને પાર કરી ગયું હતું, જે ટીસીએસથી રૂ. 9 હજાર કરોડ વધુ હતું
બે ફાઈનાન્સિયલ જાયન્ટ્સના મર્જર સાથે દેશમાં બેંકિંગ ક્ષેત્રે કોન્સોલિડેશનની શરૂઆત જોઈ રહેલા એનાલિસ્ટ્સ
નવા સપ્તાહે એક આશ્ચર્યકારી જાહેરાતમાં એચડીએફસી બેંક અને એચડીએફસી લિ.ના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. જે ભારતીય નાણાકિય બજારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિલ છે. આ જાહેરાતને પાછળ બંને જૂથ કંપનીઓના શેર્સમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લાં કેટલાંક મહિનાઓથી માર્કેટની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહેલા શેર્સ 10 ટકા જેટલાં સુધર્યાં હતાં. જેની પાછળ બંનેના સંયુક્ત માર્કેટ-કેપથી બનનારી કંપનીનું માર્કેટ-કેપ દેશમાં લિસ્ટેડ કંપનીઓમાં બીજા ક્રમની ટીસીએસથી આગળ નીકળી ગયું હતું. એચડીએફસી બંધુઓનું કુલ માર્કેટ-કેપ સોમવારે રૂ. 14.03 લાખ કરોડ આસપાસ રહ્યું હતું જ્યારે ટીસીએસનું એમ-કેપ રૂ. 13.94 લાખ કરોડ જેટલું જોવા મળતું હતું. સોમવારે એચડીએફસી બેંકનો શેર 10.01 ટકા ઉછળી રૂ. 1656.80ની સપાટીએ બંધ રહ્યો હતો. તે રૂ. 1725ની વાર્ષિક ટોચથી થોડે છેટે રહી ગયો હતો. એચડીએફસીનો શેર 9.29 ટકા ઉછળી રૂ. 2680.05ના સ્તરે બંધ રહ્યો હતો. જે રૂ. 3021ની વાર્ષિક ટોચથી લગભગ 10 ટકા જેટલો દૂર હતો.
દરમિયાનમાં કંપનીના ચેરમેન દિપક પારેખે જણાવ્યું હતું કે મર્જરને લઈને રેગ્યુલેટરી મંજૂરી માટે 15-18 મહિનોના સમય લાગશે. તેમણે રેગ્યુલેટર તરફથી મંજૂરી મળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
સોમવારે કરવામાં આવેલી જાહેરાત મુજબ બંને કંપનીઓનું મર્જર પૂરું થવામાં 18 મહિનાનો સમય લાગશે. જેમાં રેગ્યુલેટરી મંજૂરી સહિતની આવશ્યક ક્લોઝીંગ કન્ડિશન્સ વગેરેનો સમાવેશ થશે. મર્જરની યોજના હેઠળ ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનું એચડીએફસી બેંક સાથે મર્જર થશે. એચડીએફસી કુલ રૂ. 5.26 લાખ કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે. જ્યારે સોમવારે તેનું માર્કેટ-કેપ રૂ. 4.85 લાખ કરોડ પર હતું. શેરબજારમાં તે છઠ્ઠા ક્રમની સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. બીજી બાજુ એચડીએફસી બેંક દેશમાં સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે અને તેનું માર્કેટ-કેપ રૂ. 9.20 લાખ કરોડ આસપાસ છે. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ બાદ ત્રીજા ક્રમે છે. બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક રિટેલ ક્ષેત્રે ઊંચી હાજરી ધરાવે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ સહિતના બિઝનેસમાં તે લીડર છે. એનાલિસ્ટ્સ આ મર્જરથી દેશમાં બેંકિંગ ક્ષેત્રે કોન્સોલિડેશનની શરૂઆત જોઈ રહ્યાં છે. મર્જર યોજના હેઠળ એચડીએફસી લિમિટેડના 25 શેર્સ સામે એચડીએફસી બેંકના 42 શેર્સ પ્રાપ્ત થશે. મર્જર બાદ એચડીએફસી લિમિટેડમાં એચડીએફસી બેંકનું શેરહોલ્ડીંગ દૂર થશે અને એચડીએફસી બેંક 100 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ ધરાવતી હશે. એચડીએફસીના વર્તમાન શેરધારકો એચડીએફસી બેંકમાં 41 ટકાનું શેરહોલ્ડિંગ ધરાવતાં હશે. મર્જરને કારણે બંને કંપનીઓને એકબીજાની પ્રોડક્ટ્સના ક્રોસ-સેલીંગમાં લાભ થશે. બંને કંપનીઓ વિશાળ કસ્ટમર બેઝ ધરાવે છે. બંને કંપનીઓ શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તેમના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો મહત્તમ લાભ લઈ શકશે. બંને કંપનીઓની રૂ. 17.87 લાખ કરોડની સંયુક્ત બેલેન્સ શીટ અને રૂ. 3.3 લાખ કરોડની નેટવર્થ જોતાં તેમને મોટા સ્કેલના અન્ડરરાઈટિંગ માટે સક્ષમ બનાવશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચડીએફસી બેંકઃ સૌથી મોટી પ્રાઈવેટ બેંકના માર્ચ 2022ની આખરમાં એડવાન્સિસમાં વાર્ષિક ધોરણે 20.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 13.69 લાખ કરોડ પર રહ્યાં હતાં. જ્યારે ડિપોઝીટ્સ 16.8 ટકાના વાર્ષિક દરે વધી રૂ. 15.59 લાખ કરોડ પર રહી હતી.
એવન્યૂ સુપરમાર્ટઃ દેશમાં સૌથી મોટા ગ્રોસરી રિટેરલ ડીમાર્ટે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9065 કરોડની રેવન્યૂ નોંધાવી હતી. જે વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 24.6 ટકા વધી રૂ. 586 કરોડ પર રહ્યો હતો. એક વર્ષ અગાઉ તે રૂ. 470 કરોડ પર હતો. જ્યારે માર્ચ 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 7432 કરોડ પર જોવા મળી હતી.
આલ્કેમ લેબોઃ ફાર્મા કંપનીના દમણ સ્થિત મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું આઈએસપી ચીલીએ ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું. ફાર્મા રેગ્યુલેટરે 28 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન આ નિરીક્ષણ કર્યું હતું.
સીએસબીઃ કેથલિક સિરિયન બેંકે 22 માર્ચે પૂરા થતાં વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે 5.48 ટકા વૃદ્ધિ સાથે કુલ રૂ. 20,188 કરોડની ડિપોઝીટ્સ નોંધાવી હતી. બેંકનો કાસા વાર્ષિક ધોરણે 10.28 ટકા ઉછળી રૂ. 6795 કરોડ પર જોવા મળ્યો હતો.
જીઆર શીપીંગઃ કંપનીએ નાણાકિય વર્ષ 2021-22માં રૂ. 1750 કરોડનું સૌથી ઊંચું ટર્નઓવર નોંધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 53 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
બ્લૂ સ્ટારઃ બ્લૂ સ્ટાર એન્જીનીયરીંગ એન્ડ ઈલેક્ટ્રોનિક્સની પેટાકંપનીએ ન્યૂ મેડિકલ ડાયગ્નોસ્ટીક ઈક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ ફેસિલિટીનું ભિવંડી ખાતે ઉદ્ઘાટન કર્યું છે.
જ્યુબિલિઅન્ટ ફાર્મોવાઃ કંપનીએ એસપીવી લેબોરેટરીઝની ઈક્વિટી અને પ્રેફરન્સ શેર્સની ખરીદી માટે 1 એપ્રિલે શેર પરચેઝ ગ્રીમેન્ટ અને શેર સબસ્ક્રિપ્શન એન્ડ શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો હતો.
એક્રિસિલઃ કંપની યૂકેની ટિકફોર્ડ ઓરેન્જ લિમિટેડ તથા તેની સંપૂર્ણ માલિકીની ઓપરેટિંગ સબસિડિયરી સિલ્માર ટેક્નોલોજીના 100 ટકા શેર્સ ખરીદશે.
મંગલમ સિમેન્ટઃ કંપનીની પ્રમોટર્સ કંપનીએ ઓપન માર્કેટમાંથી એક લાખ અથવા 0.36 ટકા ઈક્વિટીની ખરીદી કરી છે.
એનટીપીસીઃ કંપનીએ રૂરકેલા એનએસપીસીએલ ખાતે 250 મેગાવોટના કેપ્ટિવ પાવર પ્લાન્ટનું કમર્સિયલ ઉત્પાદન શરુ કર્યાંની જાહેરાત કરી છે.