Categories: Market TipsNEWS

Market Summary 31 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


બજેટ પૂર્વે શેરબજારમાં બુલ્સ પરત ફર્યાં
નિફ્ટી 17300ના સ્તર પર બંધ આપવામાં સફળ
નિફ્ટીના 32 કાઉન્ટર્સ એક ટકાથી વધુ સુધર્યાં
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ સેન્ટિમેન્ટે સપોર્ટ કર્યો
માર્કેટમાં મજબૂતી છતાં વોલેટિલિટી ઈન્ડેક્સ સાત ટકા ઉછળ્યો
તમામ સેક્ટરલ સૂચકાંકો સુધારા સાથે બંધ જોવા મળ્યાં
બ્રોડ માર્કેટમાં જોકે 50:50 ટ્રેન્ડ

ભારતીય શેરબજારમાં બજેટ અગાઉના દિવસે તેજીવાળાઓ મક્કમ જોવા મળ્યાં હતાં. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 814 પોઈન્ટ્સના સુધારે 58014ના સ્તરે જ્યારે નિફ્ટી 238 પોઈન્ટ્સ ઉચકાઈ 17340 પર બંધ જોવા મળ્યાં હતાં. જોકે આશ્ચર્યની બાબત એ છે કે બજારમાં મજબૂતી છતાં વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.76 ટકા ઉછળી 21.95ની તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં બે બાજુની વધ-ઘટનો તબક્કો યથાવત છે. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 44 પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. જેમાંથી 32 કાઉન્ટર્સ એક ટકાથી વધુની મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 6 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં.
વૈશ્વિક સ્તરે એશિયા ખાતે ચીન નવ વર્ષના અનુસંધાનમાં કોરિયા, ચીન અને તાઈવાનનો બજારો બંધ રહ્યાં હતાં. જ્યારે જાપાન અને હોંગ કોંગના બજારો એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેની અસરે ભારતીય બજારમાં પણ ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ સુધારો નોંધાયો હતો. જોકે ત્યારબાદ બજાર રેંજ બાઉન્ડ જળવાયુ હતું અને માર્કેટ નવી ટોચ દર્શાવી શક્યું નહોતું. બપોરે યુરોપ બજારો ફ્લેટ-ટુ-નેગેટિવ જોવા મળતાં હતાં. આમ ત્યાંથી કોઈ સપોર્ટ સાંપડ્યો નહોતો. ગયા શુક્રવારે યુએસ બજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. જો સોમવારે પણ તે જળવાય રહેશે તો બપોરની રજૂઆત અગાઉ મંગળવારે માર્કેટમાં મજબૂતી જોવા મળી શકે છે. જોકે તે ટકી શકે છે કે કેમ તેનો આધાર બજેટની જોગવાઈઓ પર રહેશે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજેટ દિવસને ધ્યાનમાં રાખી લોંગ ટ્રેડર્સે 16800ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.
સોમવારે લાર્જ-કેપ્સ લાઈમલાઈટમાં રહ્યાં હતાં. મોટાભાગના લાર્જ-કેપ્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જે સૂચવે છે કે ટ્રેડર્સ વોલેટાઈલ સમયમાં મીડ-કેપ્સથી દૂર રહીને લાર્જ-કેપ્સ પર ફોકસ વધાર્યું છે. આઈટી શેર્સમાં બે સપ્તાહથી ભારે વેચવાલી બાદ તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું અને તેઓ 11 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.9 ટકા ઉછળ્યો હતો. નિફ્ટી ઓટો, નિફ્ટી પીએસઈ, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એનર્જી પણ એક ટકાથી બે ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 3.14 ટકાનો સૌથી તીવ્ર સુધારો સૂચવતો હતો. જોકે બેંક નિફ્ટીએ સતત બીજા દિવસે નિફ્ટીની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ જાળવ્યું હતું અને તે 0.76 સુધારા સાથે બંધ રહ્યો હતો. જેનું મુખ્ય કારણ ખાનગી બેંકિંગ શેર્સમાં વેચવાલી હતી. જેમાં ઈન્ડસઈન્ડ બેંક અને કોટક બેંક અનુક્રમે 3.48 ટકા જ્યારે 2.15 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. આ બે કાઉન્ટર્સ ઉપરાંત નિફ્ટી કાઉન્ટર્સમાં યૂપીએલ, કોલ ઈન્ડિયા, હિંદુસ્તાન યુનિલીવર અને હિંદાલ્કો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
બ્રોડ માર્કેટમાં માહોલ ફીફ્ટી-ફિફ્ટી હતું. બીએસઈ ખાતે 3686 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1831 પોઝીટીવ જ્યારે 1711 નેગેટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 419 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 379 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 198 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. એનએસઈ ખાતે મીડ-કેપ સૂચકાંક 1.57 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સે 1.13 ટકાનો સુધારો નોંધાવ્યો હતો.

એજીએસ ટ્રાન્ઝેક્ટનું ફ્લેટ લિસ્ટીંગ
એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસનો શેર રૂ. 175નો ઓફરભાવ સામે રૂ. 176ના ભાવે ફ્લેટ ખૂલ્યાં બાદ 9 ટકા ઘટાડે રૂ. 160ના સ્તરે બંધ રહ્યો હતો. આમ રોકાણકારોને 2022માં હજુ સુધી પ્રાઈમરી માર્કેટમાં કોઈ સારો લિસ્ટીંગ લાભ પ્રાપ્ય બન્યો નથી.

IT કાઉન્ટર્સમાં જબરદસ્ત શોર્ટ કવરિંગ
આઈટી કાઉન્ટર્સમાં લાંબા સમયબાદ તીવ્ર શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને તેને કારણે અનેક મીડ-કેપ કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. નોકરીડોટકોમની પેરન્ટ કંપની ઈન્ફોએજનો શેર સારા પરિણામો પાછળ 11 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે સર્વિસ કંપનીઓ માઈન્ડટ્રી, એલટીઆઈ જેવા કાઉન્ટર્સ 7-9 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ટાટા એલેક્સીનો શેર 7 ટકા ઉછળી રૂ. 7777ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. લાર્જ-કેપ આઈટી કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફીમાં 3-4 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આઈટી કંપનીઓનો સોમવારનો દેખાવ
સ્ક્રિપ્સ ગયા સપ્તાહનો બંધ ભાવ(રૂ.) સોમવારનો બંધ ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
ઈન્ફોએજ 4406.10 4900.80 11.23
માઈન્ડટ્રી 3724.20 4040.75 8.50
LTI 5911.55 6282.00 6.27
બિરલા સોફ્ટ 445.10 475.60 6.85
ટાટા એલેક્સી 7183.15 7613.00 5.98
ટેકમહિન્દ્રા 1410.65 1481.70 5.04
ઓનવર્ડ 337.25 354.10 5.00
ગોલ્ડ ટેન 79.00 82.95 5.00
ઓનમોબાઈલ 140.15 146.50 4.53
વિપ્રો 552.15 572.65 3.71


રૂપિયામાં 45 પૈસાનું તીવ્ર બાઉન્સ જોવાયું
ઈક્વિટી માર્કેટ્સમાં મજબૂતી તથા આર્થિક સર્વેક્ષણમાં 2022-23 માટે ઊંચા જીડીપી વૃદ્ધિ દરના અંદાજ પાછળ યુએસ ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. સતત બે સપ્તાહથી જોવા મળતો ઘટાડો અટક્યો હતો અને સ્થાનિક ચલણ ગ્રીન બેક સામે 45 પૈસા મજબૂતી સાથે 74.62ના સ્તરે બંધ રહ્યું હતું. ગયા સપ્તાહાંતે 75.07ના સ્તરે બંધ જોવા મળેલો રૂપિયો 74.97ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ વધુ સુધરી 74.60ની ટોચ પર જોવા મળ્યો હતો. કામકાજના આખરે તે 74.62 પર બંધ રહ્યો હતો. નિકાસકારોએ ડોલરમાં વેચવાલી કરી હતી. જ્યારે આયાતકારો તરફથી ડોલર ખરીદીનો અભાવ જોવા મળ્યો હતો.

નીલાંચલ ઈસ્પાતનું રૂ. 12100 કરોડમાં વેચાણ કરવામાં આવશે
કેન્દ્ર સરકારે સોમવારે ખોટ કરતાં સરકારી સ્ટીલ સાહસ નીલાંચલ ઈસ્પાત નિગમ(એનઆઈએનએલ)નું ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ(ટીએસપીએલ)ને રૂ. 12100 કરોડમાં વેચાણ કરવાની મંજૂરી આપી હતી. નીલાંચલ ઈસ્પાત એ ચાર સરકારી સાહસો અને ઓરિસ્સા સરકારના બે સાહસોએ રચેલું સંયુક્ત સાહસ છે. એનઆઈએનએલ ઓરિસ્સાના કલિંગાનગર ખાતે 11 લાખ ટનની ક્ષમતાનો ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ ધરાવે છે. ત્રણ કંપનીઓએ એનઆઈએનએલની ખરીદી માટે ફાઈનાન્સિયલ બીડ્સ રજૂ કર્યાં હતાં. જેમાં જીંદાલ સ્ટીલ એન્ડ પાવર, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો. જેમાં ટીએસપીએલ સૌથી ઊંચા બીડર તરીકે ઊભરી હતી.

એપ્રિલ-નવેમ્બરમાં 2021 દરમિયાન 2.21 કરોડ ડિમેટનો ઉમેરો
નાણા વર્ષ 2021-22 માટેના આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ એપ્રિલથી નવેમ્બર સુધીના આઁઠ મહિના દરમિયાન દેશમાં નવા 2.21 કરોડ ડિમેટ એકાઉન્ટ્સનો ઉમેરો થયો હતો. શેરબજારમાં અભૂતપૂર્વ તેજીને કારણે વિક્રમી સંખ્યામાં રિટેલ ઈન્વેસ્ટર્સ બજારમાં પ્રવેશ્યાં હતાં. વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં વૃદ્ધિને કારણે એપ્રિલ-ઓક્ટોબર 2021 સુધીના સાત મહિનાઓ દરમિયાન એનએસઈ ખાતે કુલ ટર્નઓવરમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો 44.7 ટકા પર જોવા મળ્યો હતો. જે 2019-20માં સમાનગાળામાં 38.8 ટકા પર હતો. 2019-20માં સરેરાશ માસિક 4 લાખ ડિમેટ એકાઉન્ટ્સના ઉમેરા સામે 2021-22માં માસિક ધોરણે 26 લાખ ડિમેટ એકાઉન્ટ્સનો ઉમેરો થયો હોવાનું સર્વેમાં નોંધવામાં આવ્યું છે. મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના એયૂએમમાં પણ 24.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.



ઈન્શ્યોરન્સ કવચમાં વૃદ્ધિ છતાં 51 ટકા FDs જ વીમા હેઠળ
જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર 20-30 ટકા ઈન્શ્યોર્ડ એફડીના બેન્ચમાર્ક કરતાં સ્થાનિક રેશિયો ઊંચો
રિજિયોનલ રુરલ બેંક્સમાં 84 ટકા સાથે ડિપોઝીટ કવચનું પ્રમાણ સૌથી ઊંચું, બહુરાષ્ટ્રીય બેંકમાં 9 ટકા ડિપોઝીટ્સ જ વીમાથી સુરક્ષિત
કેન્દ્ર સરકારે ડિપોઝીટ ઈન્શ્યોરન્સ માટેની મર્યાદાને રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી હોવા છતાં દેશમાં માત્ર 51 ટકા ડિપોઝીટ્સ જ સંપૂર્ણપણે વીમા સુરક્ષા કવચ ધરાવે છે એમ 2021-22 માટેના આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે. સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવેલા સર્વે મુજબ માર્ચ 2021ની આખરમાં દેશમાં 76.2 લાખ કરોડની ડિપોઝીટ્સ ઈન્શ્યોરન્સ ધરાવતી હતી. જે બેંક્સમાં રાખવામાં આવેલી રૂ. 149.7 લાખ કરોડની કુલ ડિપોઝીટ્સના 50.9 ટકા જેટલી થતી હતી. જોકે આંતરરાષ્ટ્રીય બેંચ માર્ક 20-30 ટકાની સરખામણીમાં સ્થાનિક સ્તરે ઈન્શ્યોરન્સ કવચ ધરાવતી ડિપોઝીટ્સનું પ્રમાણ ઊંચું હોવાનું પણ સર્વેમાં નોંધવામાં આવ્યું હતું.
અગાઉ જ્યારે રૂ. 1 લાખ સુધીની ડિપોઝીટ્સને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે કુલ ડિપોઝીટ્સનો 30 ટકા હિસ્સો વીમા રક્ષણ ધરાવતો હતો. જોકે 2020-21ના બજેટમાં નાણા પ્રધાને આ મર્યાદાને વધારીને રૂ. 5 લાખ કરોડ પર કરી હતી. વીમા કવચને વધાર્યાં બાદ સંપૂર્ણપણે સુરક્ષિત બેંક એકાઉન્ટ્સની સંખ્યા માર્ચ 2021ની આખરમાં 247.8 કરોડ પર જોવા મળતી હતી. જે કુલ 252.6 કરોડ એકાઉન્ટ્સના 98.1 ટકા જેટલી હતી. જે 80 ટકાના ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક કરતાં ઊંચો છે. જો વિવિધ બેંકિંગ કંપનીઓને ધ્યાનમાં રાખીને જોઈએ તો પ્રાદેશિક ગ્રામીણ બેંક્સ(આરઆરબી)માં વીમા કવચ ધરાવતી ડિપોઝિટ્સનું પ્રમાણ 84 ટકા સાથે સૌથી ઊંચું છે. જ્યારબાદ સહકારી બેંકિંગ સંસ્થાઓમાં તે પ્રમાણ 70 ટકા સાથે બીજા ક્રમે છે. દેશની સૌથી મોટી બેંકિંગ કંપની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 59 ટકા ડિપોઝીટ્સ વીમા કવચ ધરાવે છે. જ્યારે અન્ય જાહેર ક્ષેત્રની બેંક્સમાં આ રેશિયો 55 ટકા જેટલો છે. ખાનગી બેંકિંગ કંપનીઓમાં 40 ટકા ડિપોઝીટ્સ જ્યારે બહુરાષ્ટ્રીય બેંક્સમાં માત્ર 9 ટકા ડિપોઝીટ્સ જ વીમા કવચ ધરાવતી હોવાનું આર્થિક સર્વેમાં નોંધવામાં આવ્યું છે.
સર્વેમાં જણાવ્યા મુજબ ડિપોઝીટ ઈન્શ્યોરન્સને લાગુ પાડવામાં આવ્યો ત્યારથી 31 માર્ચ 2021 સુધીમાં રૂ. 5763 કરોડના કુલ ક્લેમ્સ ચૂકવવામાં આવ્યા હતા. ગયા વર્ષે જીઆઈસીજીસી એક્ટમાં સુધારા બાદ જાન્યુઆરી 2022 સુધીમાં 1.2 લાખ ડિપોઝીટર્સને તેમના ક્લેમ્સ સામે રૂ. 1500 કરોડ ચૂકવવામાં આવ્યાં હતાં. નિયમમાં સુધારા મુજબ 90 દિવસની સમયમર્યાદામાં ક્લેમ્સનું ચૂકવણું કરવાનું રહે છે.




બેંગલૂરુ પાસેથી સ્ટાર્ટ-અપ કેપિટલનું સ્થાન દિલ્હીએ છીનવ્યું
એપ્રિલ 2019થી 2021 સુધીમાં બેંગલોરમાં 4514 સ્ટાર્ટ-અપ્સ સામે દિલ્હીમાં 5000 માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સ નોંધાયા
મહારાષ્ટ્ર 11308 સ્ટાર્ટ-અપ્સ સાથે ટોચ પર

કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે સોમવારે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણ 2021-22માં જણાવ્યા મુજબ સ્ટાર્ટ-અપ્સની બાબતમાં દેશની રાજધાની દિલ્હીએ બેંગલૂરુંને પાછળ રાખી દીધું છે. સર્વે મુજબ એપ્રિલ 2019થી ડિસેમ્બર 2021 સુધીમાં બેંગલૂરુ ખાતે 4514 સ્ટાર્ટ-અપ્સની સરખામણીમાં દિલ્હી ખાતે 5000 માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સનો ઉમેરો થયો હતો.
હાલમાં દેશમાં મહારાષ્ટ્ર 11308 માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સ ધરાવતું સૌથી મોટું રાજ્ય છે. 2021માં દેશમાં કુલ 44 સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન બન્યાં હતાં. જે સ્ટાર્ટ-અપનું વેલ્યૂએશન એક અબજ ડોલર પાર કરી જાય તેને યુનિકોર્ન કહેવામાં આવે છે. ભારતે યૂનિકોર્નની બાબતમાં યૂકેને પાછળ રાખી દીધું છે અને યુએસ અને ચીન પછી તે ત્રીજા ક્રમે આવે છે. કેલેન્ડર 2021માં યુએસ ખાતે 487 જ્યારે ચીન ખાતે 301 યૂનિકોર્ન્સનો ઉમેરો થયો હતો. 14 જાન્યુઆરી 2022ના રોજ ભારત કુલ 83 યૂનિકોર્ન્સ ધરાવતું હતું. જેનું કુલ વેલ્યૂએશન 277.77 અબજ ડોલર પર જોવા મળતું હતું. નાણા વર્ષ 2021-22માં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સની સંખ્યા વધીને 14 હજાર પર પહોંચી હતી. 2016-17માં તે માત્ર 733 પર હતી. આમ યુએસ અને ચીન બાદ ભારત વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બન્યું છે.



LICએ શેરહોલ્ડર્સ ફંડને વધારીને રૂ. 6600 કરોડ કર્યું
આઈપીઓમાં લાખો રોકાણકારોને સમાવવા માટે કંપનીએ રૂ. 100 કરોડના બેઝને વ્યાપક બનાવ્યો
કંપનીની રૂ. 5 લાખ કરોડની એમ્બેડેડ વેલ્યૂ જોતાં એલઆઈસીના શેરનું મૂલ્ય રૂ. 180-200 આસપાસ બેસશે
સરકારી જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કંપની એલઆઈસીએ જેના આઈપીઓ અગાઉ શેરહોલ્ડર્સ ફંડના કદને રૂ. 100 કરોડ પરથી વધારી રૂ. 6600 કરોડ કર્યું છે. કંપનીએ બે વર્ષના ડિવિડન્ડ્સને પોતાની પાસે જાળવીને તથા ફ્રેશ કેપિટલ ઈસ્યુ કરીને ફંડનું કદ વધાર્યું છે. શેરહોલ્ડર્સ ફંડનું કદ વધારવાથી આઈપીઓમાં મોટી શેરફાળવણી શક્ય બનશે. એલઆઈસી માર્ચ મહિનામાં આઈપીઓ સાથે પ્રવેશ તે માટેની તૈયારીઓ ચાલી રહી છે.
ઈન્વેસ્ટર્સ ફંડ એ શેરધારકો પાસે રહેલી ઈક્વિટી દર્શાવે છે. ગયા કેન્દ્રિય બજેટની રજૂઆત વખતે કેન્દ્ર સરકારે એલઆઈસીના ઓથોરાઈઝ્ડ શેર કેપિટલને વધારી રૂ. 25 બજાર કરોડ કર્યું હતું. જે રૂ. 10ની ફેસવેલ્યૂના 25 અબજ શેર્સમાં વિભાજિત હતું. આ સાથે તેણે એલઆઈસીને શેર્સની નોમિનલ અથવા ફેસ વેલ્યૂને કોન્સોલિડેટ કરવા માટે અથવા ઘટાડો કરવા માટેની છૂટ પણ આવી હતી. ઉપરાંત તેણે એલઆઈસીને પૂરા પાડવામાં આવેલા પેઈડ-અપ ઈક્વિટી કેપિટલના ભાગરૂપે કેન્દ્ર સરકારને શેર્સ ઈસ્યુ કરવાની સત્તા પણ આપી હતી. એક અન્ય અધિકારી જણાવે છે કે વીમા કંપની હાલમાં તેની ફેસવેલ્યુને રૂ. 10થી ઘટાડી રૂ. 1 કરવા માટેની ચર્ચા-વિચારણા કરી રહી છે. આનો અર્થ એવો થાય છે કે રૂ. 6600 કરોડના વઘારેલા ફંડ પર એલઆઈસીના શેર્સની સંખ્યા વધી 66 અબજ શેર્સની થશે. કેન્દ્ર સરકાર એલઆઈસીના તમામ 6.32 અબજ શેર્સ ધરાવતું હોવાનું 31 ડિસેમ્બર 2021ના ડિસ્ક્લોઝરમાં કંપનીએ જણાવ્યું હતું. જેનો અર્થ એ છે કે 31 ડિસેમ્બરે કંપનીનું પેઈડ-અપ કેપિટલ રૂ. 6324 કરોડનું હતું.
અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકરના અધિકારીના જણાવ્યા અનુસાર એલઆઈસી એક્ટમાં સુધારા બાદ વીમા કંપની તેના શેર્સને સ્પ્લિટ કરીને શેરધારક બેઝમાં વૃદ્ધિ કરી શકે છે. જ્યારબાદ એલઆઈસીના કુલ શેર્સની સંખ્યા રૂ. 1ની ફેસ વેલ્યૂ ધરાવતાં 250 અબજ શેર્સ સુધી પહોંચી શકે છે. જે સરકાર દ્વારા અપેક્ષિત વેલ્યૂએશન સાથે બંધ બેસે છે. આનાથી અલગ રીતે સરકારે નિમેલા એક્ચ્યૂરી મિલિમાન એડવાઈઝર્સે કંપનીની એમ્બેડેડ વેલ્યૂને રૂ. 5 લાખ કરોડ પર નિર્ધારિત કરી છે. જે અંગે ટૂંક સમયમાં જ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈને પણ જણાવવામાં આવશે. બેક-ઓફ-ધ-એન્વલપ સર્ક્યુલેશન્સ મુજબ વીમા કંપનીનું વેલ્યૂએશન તેની એમ્બેડેડ વેલ્યૂના 2.5 ગણા જેટલું હોય શકે છે. જે સ્થિતિમાં એલઆઈસીનું મૂલ્ય રૂ. 12.5 લાખ કરોડનું રહે શકે છે. જેને ધ્યાનમાં રાખતાં એલઆઈસીનો શેર રૂ. 180-200ની રેંજમાં મૂલ્ય ધરાવતો હશે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.