કન્ટેન્ટ ફોર બ્લોગ
નિફ્ટી 14000 પર બંધ આપવામાં નિષ્ફળ
બેન્ચમાર્ક નિફ્ટી 14010ની સર્વોચ્ચ ટોચ દર્શાવીને પાછો પડ્યો હતો અને 13967 પર બંધ રહ્યો હતો. છ દિવસથી સતત સુધારા બાદ તે અતિ સાધારણ ઘટાડા સાથે નેગેટિવ બંધ આવ્યો હતો.
2020માં નિફ્ટીનું 14.90 ટકાનું રિટર્ન
પૂરા થયેલા કેલેન્ડરમાં નિફ્ટીએ 15 ટકા જેટલું રિટર્ન દર્શાવ્યું હતું. 12202ના 2019ના બંધ ભાવ સામે 12430 થયા બાદ માર્ચમાં કડડભૂસ થઈને 7510 પર બોલાયા બાદ નિફ્ટી 14000 પર જોવા મળ્યો હતો. સેન્સેક્સે પણ 15.75 ટકાનું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું.
ડીમાર્ટનો શેર વધુ 3 ટકા ઉછળી નવી ટોચ પર
અર્થતંત્રમાં રિકવરી પાછળ રિટેલ અગ્રણી ડીમાર્ટની માલિક કંપની એવન્યૂ સુપમરમાર્ટના શેરમાં સતત લેવાલી જળવાય છે. ગુરુવારે કંપનીનો શેર 3 ટકા ઉછળી તેની નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2688ના બંધ સામે રૂ. 92ના સુધારે રૂ. 2780ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.8 લાખ કરોડ પર જોવા મળ્યું હતું અને કંપની દેશમાં ટોચની 20 માર્કેટ-કેપ ધરાવતી કંપનીમાં સામેલ થઈ હતી. માર્ચ મહિનામાં રૂ. 1736ના તળિયાથી તે 60 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે.
રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહેલાં સોનું-ચાંદી
સોનું-ચાંદી છેલ્લા કેટલાક સત્રોથી રેંજ બાઉન્ડ ટ્રેડમાં જોવા મળી રહ્યાં છે. ગુરુવારે સોનુ શરૂઆતથી સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જોકે તે રૂ. 50100ની આસપાસ ટકેલું રહ્યું હતું . અંતિમ પાંચેક સત્રો દરમિયાન તે રૂ. 49900-50200ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. જો તે રૂ. 51000નું સ્તર કૂદાવશે તો બ્રેકઆઉટ આપ્યો ગણાશે. ચાંદી પણ રૂ. 67800-68900ની રેંજમાં અથડાઈ રહી છે. ગુરુવારે તે સાધારણ નરમાઈ સાથે રૂ. 68600 પર ટ્રેડ થતી હતી. જો તે રૂ. 70 હજારનું સ્તર પાર કરશે તો બ્રેકઆઉટ આપ્યો ગણાશે. હાલમાં જોવા મળી રહેલા કોવિડ વેક્સિન સંબંધી પોઝીટીવ અહેવાલો ગોલ્ડ-સિલ્વરને બ્રેકઆઉટમાં અવરોધ બન્યાં છે. જોકે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમના માટે પોઝીટીવ પરિબળ છે.
સ્ટીલ શેર્સમાં તેજીનો તોખાર
સ્ટીલ શેર્સમાં મજબૂત માગ પાછળ લેવાલી ચાલુ છે. જાહેર ક્ષેત્રની સ્ટીલ ઉત્પાદક સેલનો શેર ગુરુવારે વધુ 7 ટકા ઉછળી રૂ. 74.75ની તેની બે વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 69.65ના બંધ ભાવા સામે વધુ રૂ. 5નો સુધારો દર્શાવતો હતો. જ્યારે ટાટા સ્ટીલનો શેર 2 ટકાના સુધારે રૂ. 653.30ની તેની બે વર્ષની ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર રૂ. 251ના માર્ચ મહિનાના તળિયા સામે રૂ. 400થી વધુનો સુધારો દર્શાવી ચૂક્યો છે. પ્રિમીયમ સ્ટીલ ઉત્પાદક જેએસડબલ્યુ સ્ટીલનો શેર પમ 2 ટકાના સુધારે રૂ. 393.75ની ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. 387ની સપાટી પર પોઝીટીવ બંધ રહ્યો હતો.
2020માં એશિયન ચલણોમાં ભારતીય રૂપિયાનો સૌથી નબળો દેખાવ
રૂપિયો કેલેન્ડર દરમિયાન 2.37 ટકા ઘટી બંધ આવ્યો
જ્યારે ચીનના રેમેમ્બીએ 6.71 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવ્યો
કેલેન્ડર 2020માં દેશમાં 123 અબજ ડોલરથી વધુના ફોરેક્સ ઈનફ્લો છતાં ભારતીય રૂપિયાએ અગ્રણી એશિયન ચલણોમાં સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો હતો. રૂપિયો 2019ના અંતે યુએસ ડોલર સામે 71.38ના બંધ ભાવ સામે ગુરુવારે 73.07ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ તે 2.37 ટકા અથવા રૂ. 1.69 જેટલો નરમ પડ્યો હતો. જોકે એપ્રિલમાં એક તબક્કે તે 76.92ના ઐતિહાસિક તળિયા પર જોવા મળ્યો હતો. જે વખતે તે લગભગ 8 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જોકે ત્યારબાદ દેશમાં વિક્રમી ડોલર ઈનફ્લો પાછળ તે સતત સુધરતો રહ્યો હતો. 18 ડિસેમ્બરના અંતે દેશમાં 583 અબજ ડોલર આસપાર વિક્રમી ફોરેક્સ રિઝર્વ જોવા મળ્યું હતું. સ્થાનિક નિકાસકારોની સ્પર્ધાત્મક્તા જાળવી રાખવા માટે આરબીઆઈએ જંગી માત્રામાં ડોલરની ખરીદી ચાલુ રાખી હતી.
જોકે ડોલર ઈનફ્લો વૈશ્વિક ઘટના બની રહી હતી અને અગ્રણી ઈમર્જિંગ અર્થતંત્રોએ મોટા પ્રમાણમાં ડોલર ઈનફ્લો જોયો હતો. જેની વચ્ચે ચાઈનીઝ ચલણે 6.71 ટકા સાથે 2020માં સૌથી વધુ સુધારો દર્શાવ્યો હતો. જ્યારબાદ સાઉથ કોરિયન વોને 6.43 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. નિકાસ પર નભતાં અન્ય એશિયાઈ અર્થતંત્ર તાઈવાનનું ચલણ તાઈવાન ડોલર 6.12 ટકા સુધર્યો હતો. જ્યારે ફિલિપિનિઝ પેસો 5.46 ટકા, જાપાનીઝ યેન 5.25 ટકા, સિંગાપુર ડોલર 1.59 ટકા અને મલેશિયન રિંગીટ 1.35 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. હોંગ કોંગ ડોલર અને થાઈ બ્હાતે એક ટકાથી નીચો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે એકમાત્ર ઈન્ડોનેશિયન રૂપિયાએ 1.31 ટકાનો ઘટાડો દર્શાવી ભારતીય ચલણને સાથ આપ્યો હતો. કેલેન્ડર 2019માં ભારતીય રૂપિયાએ નરમ બંધ દર્શાવ્યું હતું. આમ અંતિમ બે કેલેન્ડરથી તે ઘસારો દર્શાવી રહ્યો છે. સામાન્યરીતે તે યુએસ ડોલર સામે વાર્ષિક સરેરાશ 3 ટકાના દરે ઘટાડો દર્શાવે છે. જોકે કોઈ અસાધારણ વર્ષ દરમિયાન તે મોટી વધ-ઘટ પણ દર્શાવતો હોય છે.
2020માં અગ્રણી એશિયાઈ ચલણનો દેખાવ
ચલણ ફેરફાર(%)
ચાઈનીઝ રેમેમ્બી 6.71
સાઉથ કોરિયન વોન 6.43
તાઈવાન ડોલર 6.12
ફિલિપિન પેસો 5.46
જાપાનીઝ યેન 5.25
સિંગાપુર ડોલર 1.59
મલેશિયન રિંગીટ 1.35
હોંગ કોંગ ડોલર 0.50
થાઈ બ્હાત 0.06
ઈન્ડોનેશિયન રૂપિયો (-)1.31
ભારતીય રૂપિયો (-)2.37