બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ આસાનીથી 17000 પાર કર્યું
ભારતીય બજારમાં તેજીવાળાઓનું સંપૂર્ણપણે પ્રભુત્વ જોવા મળે છે. ગયા સપ્તાહે પાંચેય સત્રોમાં પોઝીટીવ બંધ બાદ ચાલુ સપ્તાહે પણ બંને સત્રોમાં બજારે પોઝીટીવ બંધ દર્શાવ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 201 પોઈન્ટ્સના ઉછાળે રૂ. 17132ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સ 663 પોઈન્ટ્સના ઉછાળે 57552ના સ્તરે બંધ રહ્યો હતો. બેંકિંગની સહાયતા વિના બજારે તેજી જાળવી રાખી હતી. જે મજબૂત અન્ડરટોન સૂચવે છે. બીજી બાજુ માર્કેટ વર્તુળો માને છે કે મંગળવારે શોર્ટ કાપણી પાછળ બજાર ઉછળ્યું હતું અને હાલમાં તે ઓવરબોટ ઝોનમાં છે. આમ માર્કેટમાં નવું રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. રોકાણકારોએ લોભ રાખ્યા વિના પ્રોફિટ બુક કરવો એ જ હાલમાં શ્રેષ્ઠ સ્ટ્રેટેજી હોવાનું તેઓ જણાવે છે.
બજાજ જૂથની માર્કેટ વેલ્થ 113 અબજ ડોલરે
દેશમાં ઓટોમોબાઈલ અને ફાઈનાન્સ તથા ઈન્શ્યોરન્સ સાથે સંકળાયેલા બજાજ જૂથની માર્કેટ વેલ્થ 113 અબજ ડોલર પર પહોંચી છે. છેલ્લાં કેટલાક સત્રોથી બજાજ જૂથની એનબીએફસી કંપનીઓના શેર્સમાં સતત ખરીદી પાછળ તે દેશમાં માર્કેટ-વેલ્થની રીતે ચોથા ક્રમે પહોંચ્યું છે. ટાટા, રિલાયન્સ અને એચડીએફસી બાદ બજાજ જૂથની કંપનીઓ સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવે છે. જૂથની ત્રણ લિસ્ટેડ કંપનીઓમાં બજાજ ફાઈનાન્સ રૂ. 4.54 લાખ કરોડનું એમ-કેપ ધરાવે છે. કંપનીનો શેર મંગળવારે 4 ટકાથી વધુ ઉછળી રૂ. 7592ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે બજાજ ફિનસર્વનો શેર 3 ટકાથી વધુ ઉછળી રૂ. 17105ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 17195ની ટોચ દર્શાવી હતી. તે રૂ. 2.72 લાખ કરોડનું એમ-કેપ ધરાવે છે. બજાજ ઓટોનું માર્કેટ-કેપ રૂ. 1.08 લાખ કરોડ પર જોવા મળતું હતું. ત્રણેય કંપનીઓનું કુલ માર્કેટ-કેપ રૂ. 8.33 લાખ કરોડ થતું હતું.
રાઈટ્સ ઈશ્યૂની જાહેરાતે ભારતી એરટેલ 8 ટકા ઉછળ્યો
ટેલિકોમ કંપની ભારતી એરટેલનો શેર મંગળવારે 7.53 ટકા ઉછળી રૂ. 667.20ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 668.10ની ટોચ દર્શાવી હતી. રવિવારે કંપનીના બોર્ડે રૂ. 21 હજાર કરોડના રાઈટ્સ ઈશ્યૂને આપેલી મંજૂરી આપી હતી. કંપનીમાં રોકાણ માટે હાઈ ક્વોલિટી ધરાવતાં રોકાણકારોએ રસ દર્શાવ્યો હોવાનું ભારતી એરટેલે જણાવ્યું હતું. અહેવાલો મુજબ જીઓ બાદ ગુગલ ભારતીમાં પણ રોકાણ કરે તેવી શક્યતા છે. જેની પાછળ શેરમાં રોકાણકારોનો ધસારો જોવા મળ્યો હતો અને તે અગાઉની રૂ. 644ની ટોચને પાર કરી ગયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.65 લાખ કરોડ પર પહોંચ્યું હતું.
જીઆઈસી હાઉસિંગની બેડ લોન્સ ઉછળીને 11.4 ટકા
જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની બેડ લોન્સ જૂન ક્વાર્ટરમાં ઉછળીને 11.4 ટકાના ઊંચા સ્તરે જોવા મળી હતી. માર્ચ 2021 ક્વાર્ટરના અંતે તે 7.38 ટકા પર હતી. જ્યારે ગયા વર્ષે સમાનગાળામાં તે 5.64 ટકા પર હતી. ઊંચી બેડ લોન્સને કારણે કંપનીની નફાકારક્તા પર તથા સોલ્વન્સી પર અસર પડી છે. કંપની જૂન ક્વાર્ટરના અંતે કુલ રૂ. 12045 કરોડની લોન બુક ધરાવતી હતી. જે સતત માર્ચ ક્વાર્ટરના અંતે રૂ. 12339 કરોડમાં થોડો ઘટાડો સૂચવતી હતી. જૂન ક્વાર્ટર અંતે કંપનીનો કેપિટલ એડિક્વસી રેશિયો 17.14 ટકાના સ્તરે જોવા મળતો હતો. જે આરબીઆઈના નિયમ મુજબ 14 ટકા કે તેથી વધુ હોવો જોઈએ.
ગોલ્ડ નરમ, સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં કોન્સોલિડેશન વચ્ચે સ્થાનિક બજારમાં પણ સુધારો અટક્યો હતો. મંગળવારે એમસીએક્સ ખાતે ઓક્ટોબર ગોલ્ડ વાયદો રૂ. 109ના ઘટાડે રૂ. 47055ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનુ 1810 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ફેડ ચેરમેનના ટેપરિંગના નિવેદન બાદ તે 20 ડોલર જેટલું ઉછળ્યું હતું. ચાંદીમાં જોકે સુધારો જોવા મળી રહ્યો હતો. એમસીએક્સ સપ્ટેમ્બર સિલ્વર વાયદો રૂ. 278ના સુધારે રૂ. 63303ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
નવા F&O કાઉન્ટર્સમાં ત્રણ સત્રોમાં જ ઝડપી ઉછાળો નોંધાયો
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પ્રવેશેલી 10 સ્ક્રિપ્સમાંથી 15 ટકા સુધીની તીવ્ર વૃદ્ધિ
ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, પોલીકેબ અને ઈન્ડિયામાર્ટ જેવા કાઉન્ટર્સનો દ્વિઅંકી સુધારો
શુક્રવારથી શરૂ થયેલી સપ્ટેમ્બર ડેરિવેટિવ્સ સિરિઝની સાથે એનએસઈ એફએન્ડઓ સેગમેન્ટમાં પ્રવેશેલી 10 મીડ-કેપ સ્ક્રિપ્સમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેની પાછળ આ શેર્સમાં 15 સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સામાન્યરીતે એફએન્ડઓમાં પ્રવેશ બાદ કંપનીઓની વધવાની ગતિ ધીમી પડતી હોય છે. જ્યારે આનાથી ઊલટું ઉપરોક્ત કંપનીઓએ ઝડપી સુધારો દર્શાવ્યો છે.
એનએસઈ છેલ્લા બે મહિનાથી તેના ડેરિવેટિવ્સ સેગમેન્ટનું વિસ્તરણ કરી રહી છે. જુલાઈમાં નવા 16 કાઉન્ટર્સનો ઉમેરો કર્યાં બાદ સપ્ટેમ્બરમાં તેણે વધુ 10 કાઉન્ટર્સને ફ્યુચર્સ સેગમેન્ટમાં જોડ્યાં હતાં. જેમાં માત્ર રૂ. 7600 કરોડ સુધીનું માર્કેટ-કેપિટલાઈઝેશન ધરાવતાં કેનફીન હોમ્સ જેવા કાઉન્ટરનો સમાવેશ પણ થાય છે. એકબાજુ રૂ. એક લાખ કરોડથી વધુનું એમ-કેપ ધરાવતાં ઘણા શેર્સ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ નથી. આમ તાજેતરમાં સ્મોલ-કેપ કંપનીઓને પણ એક્સચેન્જે એફએન્ડઓમાં સમાવેશ આપ્યો છે. ટ્રેડર્સના આશ્ચર્ય વચ્ચે આ નવાગંતુકોએ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં પ્રવેશતાં જ તોફાન દર્શાવ્યું છે. જેમકે આ 10 કાઉન્ટર્સમાંથી એક એવા ઈન્ડિયન એનર્જિ એક્સચેન્ડ(આઈઈએક્સ)નો શેર શરુઆતી ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 14.5 ટકા જેટલો ઉછળ્યો હતો. ગુરુવારે રૂ. 441ના સ્તરે બંધ રહેલો આઈઈએક્સનો શેર મંગળવારે ત્રણ દિવસોમાં રૂ. 64નો ઉછાળો દર્શાવતો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 522ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. પાંચેક વર્ષો અગાઉ બજારમાં લિસ્ટીંગ બાદનો કંપનીના શેરે દર્શાવેલો તે સૌથી ઝડપી ઉછાળો છે એમ બજાર વર્તુળો માને છે. જે સૂચવે છે કે ડેરિવેટિવ્સ ટ્રેડર્સે આ કાઉન્ટરમાં મોટી લોંગ પોઝીશન ઊભી કરી છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 15 હજાર કરોડ પાર કરી ગયું છે. તાજેતરમાં રૂ. 30 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયેલો પોલીકેબનો શેર પણ ત્રણ સત્રોમાં 11.4નો તીવ્ર ઉછાળો સૂચવે છે. કંપનીનો શેર ગયા ગુરુવારના રૂ. 1857ના બંધ સામે રૂ. 211ના ઉછાળે રૂ. 2068 પર બંધ રહ્યો હતો. મંગળવારે તેણે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 2122.95ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. આવા અન્ય કાઉન્ટર્સમાં ઈન્ડિયામાર્ટ(10.9 ટકા), કેનફીન હોમ્સ(10.7 ટકા), હિંદુસ્તાન એરોનોટીક્સ(6.7 ટકા), સિન્જિન ઈન્ટરનેશનલ(4.2 ટકા), ડિક્સોન ટેક્નોલોજી(2.9 ટકા) અને ઈપ્કા લેબ(2.5 ટકા)નો સમાવેશ થાય છે. વર્તુળો એવું પણ માને છે કે આમાંથી કેટલાક કાઉન્ટર્સ કેશ સેગમેન્ટમાં નોંધપાત્ર સમયથી કોન્સોલિડેશનમાં હતાં અને તેમના એફએન્ડઓમાં પ્રવેશ બાદ તેમાં એકાએક ખરીદી જોવા મળી છે. આ તમામ કાઉન્ટર્સમાં લિક્વિડીટી પણ સારી જોવા મળી છે. જે બજાર નિરીક્ષકોને માટે આશ્ચર્યની બાબત છે. એફએન્ડઓ સેગમેન્ટમાં સામાન્યરીતે નાના કાઉન્ટર્સમાં લિક્વિડીટીનું પ્રમાણ ઓછું હોય છે અને તેથી જ ઓપ્શન્સ ટ્રેડિંગ માટે પ્રિમીયમની પ્રાઈસ ડિસ્કવરી યોગ્ય રીતે થતી હોતી નથી. જેમકે એમસીએક્સ જેવા દૈનિક ધોરણે ઊંચું ટ્રેડિંગ નહિ ધરાવતાં કાઉન્ટર્સમાં પણ મંગળવારે સપ્ટેમ્બર ફ્યુચર્સના 2131 કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ જોવા મળતું હતું. જ્યારે એનએસઈ કેશ સેગમેન્ટમાં તેણે 6.46 લાખ શેર્સનું કામકાજ દર્શાવ્યું હતું. આમ ફ્યુચર્સમાં 350ની લોટ સાઈઝ લેખે 2131 કોન્ટ્રેક્ટ્સ પેટે 7,45,850 શેર્સનું મોટું કામકાજ જોવા મળ્યું હતું. ડેરિવેટિવ્સ એનાલિસ્ટ્સના મતે નવા પ્રવેશેલા કાઉન્ટર્સમાં ત્રણ જ દિવસમાં ઊંચી લિક્વિડીટીનું જોવા મળવું એ આ કાઉન્ટર્સમાં મોટા ટ્રેડર્સનો લોંગ ટર્મ ઈન્ટરેસ્ટ સૂચવે છે.
સપ્ટેમ્બર સિરિઝથી એફએન્ડઓમાં પ્રવેશેલાં કાઉન્ટર્સ
કાઉટર્સ 26 ઓગસ્ટનો બંધ(રૂ.) 31 ઓગસ્ટનો બંધ(રૂ.) ફેરફાર(ટકામાં)
IEX 441 505 14.5
પોલીકેબ 1857 2068 11.4
ઈન્ડિયામાર્ટ 7078 7848 10.9
કેનફીન હોમ્સ 516 571 10.7
હિંદુ. એરોનોટિક્સ 1290 1376 6.7
સિન્જેન ઈન્ટ. 615 641 4.2
ડિક્સોન ટેક 4043 4160 2.9
ઈપ્કા લેબ. 2513 2575 2.5
MCX 1499 1518 1.3
ઓરેકલ ફાઈ. 4739 4700 -0.8
સૌથી મોટા ફિનટેક સોદામાં PayU બિલડેસ્કને 4.7 અબજ ડોલરમાં ખરીદશે
પ્રસ્તાવિત ખરીદી બાદ પેયૂ વૈશ્વિક સ્તરે કુલ પેમેન્ટ વોલ્યુમની રીતે અગ્રણી પેમેન્ટ પ્રોવાઈડર્સ બનશે
ભારતીય ફિનટેક ક્ષેત્રે મોટા સોદાઓમાંના એકમાં ફિનટેક સર્વિસ પ્રોવાઈડર પીયૂએ બિલડેસ્કને 4.7 અબજ ડોલરમાં ખરીદવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક કન્ઝ્યૂમર ઈન્ટરનેટ ગ્રૂપ અને વિશ્વમાં અગ્રણી ટેક્નોલોજી ઈન્વેસ્ટર એવા પ્રોસૂસ એનવીએ મંગળવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે પેયૂ અને ભારતીય ડિજીટલ પેમેન્ટ્સ પ્રોવાઈડર બિલડેસ્કના શેરહોલ્ડર્સ વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યો છે.
આ પ્રસ્તાવિત ખરીદી બાદ પ્રોસૂસનો ફિનટેક બિઝનેસ પેયૂ વૈશ્વિક સ્તરે ટોટલ પેમેન્ટ વોલ્યુમ(ટીપીવી)ના સંદર્ભમાં અગ્રણી બિઝનેસિસમાંનો એક બની રહેશે. પેયૂ હાલમાં વૈશ્વિક સ્તરે ઊંચો વૃદ્ધિ દર દર્શાવતાં 20 માર્કેટ્સમાં કામગીરી ધરાવે છે. પેયૂ ત્રણ ભિન્ન બિઝનેસિસમાં સક્રિય છે. એક તો સ્થાનિક પેમેન્ટ્સ અને ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન્સ, પર્સનલ તથા સ્મોલ બિઝનેસિસ માટે ક્રેડિટ સોલ્યુશન્સ અને ઈનોવેટિવ ફિનટેક કંપનીઓમાં સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ. બિલડેસ્કની સ્થાપના ભારતમાં 2000ની સાલમાં થઈ હતી અને તે એક સફળ ભારતીય સ્ટોરી છે. સાથે દેશમાં તે અગ્રણી પેમેન્ટ બિઝનેસ પણ છે. બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં ડિજિટલ ગ્રાહકો, મર્ચન્ટ્સ અને સરકારી સંસ્થાઓની બદલાતી પેમેન્ટ્સ જરૂરિયાતને પૂરી કરવામાં સક્ષમ બનશે. આ ટ્રાન્ઝેક્શન માટે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની મંજૂરી અનિવાર્ય બનશે. અગાઉ પેયૂએ ભારતમાં ત્રણ સફળ એક્વિઝીશન્સ કર્યાં છે. જેમાં સાયટ્રસપે, પેસેન્સ અને વિબ્મોનો સમાવેશ થાય છે. આ ખરીદી બાદ ભારતમાં પ્રોસૂસનું રોકાણ 10 અબજ ડોલર પર પહોંચશે. અત્યાર સુધી તેણે દેશમાં કુલ 6 અબજ ડોલરનું રોકાણ કરેલું છે. આરબીઆઈના 2020-21ના વાર્ષિક રિપોર્ટ મુજબ દેશમાં ડિજિટલ રિટેલ પેમેન્ટ્સની સંખ્યા 2018-19માં 24 અબજ પરથી 80 ટકા વધી 44 અબજ થઈ છે. આગામી ત્રણ વર્ષોમાં નવા 20 કરોડ વપરાશકર્તાઓ ડિજિટલ પેમેન્ટ્સ અપનાવશે. જ્યારે માથાદિઠ સરેરાશ ટ્રાન્ઝેક્શન્સ 22 પરથી વધીને 220 થવાની ધારણા છે.