Market Summary 31/07/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ સપ્તાહની પોઝીટીવ શરુઆત
વિકસિત બજારો વર્ષની નવી ટોચે
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા વધી 10.41ની સપાટીએ
પીએસઈ, મેટલ, ઓટો, આઈટી સહિતના સેક્ટર્સમાં મજબૂતી
એફએમસીજીમાં પ્રોફિટ બુકિંગનો દોર
BEML, હિંદ કોપર, IRFC, HEG નવી ટોચે
યૂપીએલ નવા તળિયે

વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક પોઝીટીવ માહોલ વચ્ચે ભારતીય બજારમાં નવા સપ્તાહની શુભ શરૂઆત જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 367.47 પોઈન્ટ્સ મજબૂતી સાથે 66,527.67ની સપાટીએ જ્યારે નિફ્ટી 107.75 પોઈન્ટ્સ ઉછાળે 19,753.80ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3878 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2209 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1470 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 331 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 150 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.7 ટકા વધી 10.41ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે સપ્તાહના પ્રથમ સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. તે અગાઉના 19646.05ના બંધ સામે 19666.35ની સપાટીએ ખૂલી ઉપરમં 19,772.75ની ટોચ પર ટ્રેડ થઈ તેની નજીક બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 93 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19837ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 87 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 6 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે બજારમાં ઘટાડે લોંગ પોઝીશન ઉમેરાય છે. આમ બુલ્સ સંપૂર્ણપણે બાજી છોડવા તૈયાર નથી. તેઓ એકબાજુ પ્રોફિટ બુકિંગ જાળવવા સાથે બીજી બાજુ ખરીદી કરી રહ્યાં છે અને બજારમાં અન્ડરટોન મજબૂત ટકી રહે તેવો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, જ્યાં સુધી બેન્ચમાર્ક 19850 ઉપર બંધ ના આપે ત્યાં સુધી તે નવી ટોચ દર્શાવશે કે નહિ તેને લઈ કોઈ સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19600ના સ્ટોપલોસ સાથે લોંગ જાળવી રાખવાનું સૂચન કરે છે. જે સ્તર તૂટશે તો માર્કેટમાં ઝડપી પ્રોફિટ બુકિંગ સંભવ છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, હિંદાલ્કો, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એપોલો હોસ્પિટલ, બ્રિટાનિયા, એચડીએફસી લાઈફ, ડિવિઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એચયૂએલ, એસબીઆઈ લાઈફ, આઈટીસી અને ભારતી એરટેલમાં નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, મેટલ, ઓટો, આઈટી સહિતના સેક્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં આરઈસી, એનએમડીસી, એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનએચપીસી, પાવર ફાઈનાન્સ, સેઈલ, આઈઆરસીટીસી, ઓઈલ ઈન્ડિયા અને ગેઈલનું મહત્વનું યોગદાન હતું. નિફ્ટી આઈટી 1.5 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ અને એલએન્ડટી ટેક્નોલોજી મુખ્ય સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 1.8 ટકા મજબૂતી સાથે નવી ટોચ તરફ સરકી રહ્યો છે. જેમાં એનએમડીસી, એપીએલ એપોલો, રત્નમણિ મેટલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, સેઈલ, વેલસ્પન ગ્રૂપ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને કોલ ઈન્ડિયાની ભૂમિકા મહત્વની હતી. નિફ્ટી ઓટો પણ 1.1 ટકા સાથે બજારને સપોર્ટ આપવામાં અગ્રણી હતો. બેન્ચમાર્કના ઘટકોમાં ભારત ફોર્જ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, ટીવીએસ મોટર, હિરો મોટોકોર્પ, સોના બીએલડબલ્યુ, બજાજ ઓટોનું મુખ્ય યોગદાન હતું. એકમાત્ર એફએમસીજીમાં પ્રોફિટ બુકિંગનો દોર જળવાયો હતો અને સૂચકાંક 0.6 ટકા નેગેટિવ જોવા મળ્યો હતો. જેમાં ઈમામી, યુનાઈટેડ સ્પિરિસ્ટ્, નેસ્લે, જ્યુબિલિન્ટ ફૂડ અને વરુણ બેવરેજિસ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે મેરિકો, બ્રિટાનિયા, કોલગેટ, ડાબર ઈન્ડિયા, એચયૂએલ અને આઈટીસીમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 6 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કોરોમંડલ ઈન્ટરનેશનલ, આરઈસી, લૌરસ લેબ્સ, એનએમડીસી, શ્રીરામ ફાઈનાન્સ, એનટીપીસી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસીસી, સિમેન્સ, ભારત ફોર્જ, એસ્ટ્રાલ લિ., ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, પિરામલ એન્ટરપ્રાઈઝ, સિન્જિન ઈન્ટરનેશનલ, એપોલો હોસ્પિટલ, આરબીએલ બેંક, મેરિકો, બ્રિટાનિયા, યુનાઈટેડ બ્રૂઅરિઝ અને એચડીએફસી લાઈફમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં BEML, હિંદ કોપર, IRFC, HEG, એનબીસીસી, એનસીસી, લિંડે ઈન્ડિયા, ચોલા ફિન હોલ્ડ, આરઈસી, રેડિકો ખૈતાન, સેન્ચૂરી, ક્રેડિટએક્સેસ, ગોડફ્રિ ફિલિપ્સનો સમાવેશ થતો હતો. જ્યારે યૂપીએલે નવું તળિયું બનાવ્યું હતું.

RBI નવા 10-વર્ષ બેન્ચમાર્ક બોન્ડની 7 ઓગસ્ટે જાહેરાત કરે તેવી શક્યતાં
વર્તમાન બેન્ચમાર્ક બોન્ડની આઉટસ્ટેન્ડિંગ લિમિટ રૂ. 1.5 લાખ કરોડે પહોંચવાથી નવા બોન્ડ ઈસ્યુ કરાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓગસ્ટ મહિનાના પ્રથમ સોમવારે 10-વર્ષ માટેના બેન્ચમાર્ક બોન્ડની જાહેરાત કરે તેવી શક્યતાં હોવાનું મની માર્કેટ એક્સપર્ટ્સ જણાવે છે. તેમના મતે આરબીઆઈ 7 ઓગસ્ટે ન્યૂ બેન્ચમાર્ક બોન્ડની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. કેમકે વર્તમાન 7.26 ટકા 2033 માટેના 10-વર્ષના બોન્ડ રૂ. 1.5 લાખ કરોડના આઉટસ્ટેન્ડિંગ પર પહોંચી ગયા હોવાનું આરબીઆઈ ડેટા સૂચવે છે. વર્તમાન 10-યર બેન્ચમાર્ક બોન્ડ 3 ફેબ્રુઆરીએ ઈસ્યૂ કરવામાં આવ્યાં હતાં.
પરંપરાગત રીતે જ્યારેપણ વર્તમાન બોન્ડ રૂ. 1.5 લાખ કરોડની આઉટસ્ટેન્ડિંગ રકમ પર પહોંચી જાય છે ત્યારે સેન્ટ્રલ બેંક નવા બેન્ચમાર્ક બોન્ડ ઈસ્યુ કરે છે. એલઆઈસી મ્યુચ્યુલ ફંડ એસેટ મેનેજમેન્ટના ફિક્સ્ડ ઈન્કમ ફંડ મેનેજરના જણાવ્યા મુજબ આઉટસ્ટેન્ડિંગ લિમિટ એ મેચ્યોરિટીની મર્યાદા નિર્ધારિત કરવાનું કારણ પાકતી રકમની તબક્કાવાર પુનઃચૂકવણીનું છે. જોકે, માર્કેટની લિક્વિડીટીમાં જોવા મળેલી વૃદ્ધિને પચાવવાની ક્ષમતા તથા સીંગલ દિવસમાં સરકારની આઉટફ્લોને જાળવવાની ક્ષમતા સાથે આ લિમિટની રકમ બદલાતી હોય છે. અગાઉ આઉટસ્ટેન્ડિંગ લિમિટ રૂ. 1 લાખ કરોડની જોવા મળતી હતી.
મની માર્કેટ ડિલર્સના મતે નવા બેન્ચમાર્ક બોન્ડના કૂપન રેટ 7.1 ટકાથી 7.2 ટકા વચ્ચે હોઈ શકે છે. જ્યારે તેની મેચ્યોરિટી 2023માં હશે. નિષ્ણાતોના મતે વર્તમાન બેન્ચમાર્ક બોન્ડની સરખામણીમાં નવા બેન્ચમાર્ક બોન્ડ 3-5 બેસીસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એક અન્ય ટ્રેઝરી હેડ પણ વર્તમાન યિલ્ડની સરખામણીમાં 2-3 બેસીસ પોઈન્ટ્સના નીચા રેટની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. બજેટ 2023ની રજૂઆત વખતે નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું કે સરકાર 5.9 ટકાની નાણાકિય ખાધને ફાઈનાન્સ કરવા માટે 2023-24માં બજારમાંથી રૂ. 15.43 લાખ કરોડનું બોરોઈંગ કરશે. ચાલુ વર્ષે સરકકારે અત્યાર સુધીમાં રૂ. 11.8 લાખ કરોડનું બોરોઈંગ કર્યું છે. જે 2022-23ના રૂ. 11.19 લાખ કરોડ કરતાં ઊંચું છે.

સરકારે ઓગસ્ટ માટે 23.5 લાખ ટન સુગર ક્વોટા ફાળવ્યો
તહેવારોની માગને પહોંચી વળવા માટે 1.5-2 લાખ ટન અધિક ક્વોટા ફાળવણી

કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિના માટે 23.5 લાખ ટનનો સુગર ક્વોટા ફાળવ્યો છે. જે જુલાઈ માટે ફાળવવામાં આવેલા 24 લાખ ટનની સરખામણીમાં સાધારણ નીચો છે. જોકે, મિલ્સને જુલાઈ ક્વોટામાંથી વણવહેંચાયેલો(અનસોલ્ડ) ક્વોટા 15 ઓગસ્ટ સુધીમાં ક્લિઅર કરવા માટેનો સમય ફાળવવામાં આવ્યો છે. જે સ્થાનિક બજારમાં વધુ 1.5-2 લાખ ટન સુગર પ્રાપ્તિનું કારણ બનશે. જે તહેવારોની માગને પૂરી કરવામાં પર્યાપ્ત હોવાનું વર્તુળો જણાવે છે.
ડિરેક્ટોરેટ ઓફ સુગરના એક જાહેરનામા મુજબ સરકારે દેશભરમાં કુલ 469 સુગર મિલ્સ વચ્ચે આ ક્વોટા ફાળવ્યો છે. તેણે 2021-22 માટે માસિક સુગર ઉત્પાદન અને વેચાણનો ડેટા પૂરો પાડવામાં નિષ્ફળ ગયેલી 91 મિલ્સને આમાંથી બાકાત રાખી છે. રાજ્યવાર આંકડા જોઈએ તો ઉત્તર પ્રદેશ સ્થિત મિલ્સને ઓગસ્ટ માટે 8.3 લાખ ટનનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. જેમને જુલાઈ માટે 8.67 લાખ ટનનો ક્વોટા મળ્યો હતો. મહારાષ્ટ્રની મિલ્સને 7.49 લાખ ટનનો ક્વોટા મળ્યો છે. જે જુલાઈના 7.65 લાખ ટનની સરખામણીમાં સાધારણ નીચો છે. કર્ણાટક સ્થિત ફેક્ટરીઝને 3.79 લાખ ટનના જુલાઈ ક્વોટા સામે ઓગસ્ટ માટે 3.47 લાખ ટનનો ક્વોટા મળ્યો છે. દેશમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજ્યો છે. જુલાઈ માટે બચેલા અનસોલ્ડ ક્વોટાનો 80-90 ટકા હિસ્સો આ ત્રણ રાજ્યોની મિલ્સ પાસે જોવા મળી રહ્યો છે એમ વર્તુળો જણાવે છે. જેને કારણે તેમને ઓગસ્ટમાં ઓછો ક્વોટા ફાળવવામાં આવ્યો છે.

ભારતની માથાદિઠ આવક સાત વર્ષોમાં 70 ટકા વધી 4K ડોલર થશે
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના રિપોર્ટ મુજબ 2030 સુધીમાં માથાદિઠ આવક વૃદ્ધિમાં ગુજરાત આગેવાની લેશે
જોકે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મોટા રાજ્યો 2000 ડોલરથી નીચી આવક દર્શાવતાં હશે

બહુરાષ્ટ્રીય એવી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે તેના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની માથાદિઠ આવકમાં આગામી સાત વર્ષોમાં 70 ટકા વૃદ્ધિ જોવા મળશે અને 2023માં જોવા મળતી 2450 ડોલરની આવક સામે 2030માં તે 4000 અબજ ડોલર પર પહોંચશે. માથાદિઠ આવકમાં આ ઉછાળો દેશને મીડલ-ઈન્કમ ઈકોનોમીનો દરજ્જો હાંસલ કરવામાં સહાયરૂપ થવાની અપેક્ષા છે. તેમજ દેશનું અર્થંતત્ર 6 ટ્રિલીયન ડોલર પર લઈ જવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. એ વાત નોંધવી રહી કે આમાંનો અડધાથી વધુ જીડીપી ઘરગથ્થુ વપરાશ ચલિત હશે.
રિપોર્ટમાં આગામી વર્ષોમાં ભારતની માથાદિઠ આવક અને જીડીપીને લઈને અંદાજો રજૂ કરવામાં આવ્યાં છે. નાણાવર્ષ 2001થી 2021 સુધીમાં ભારતની માથાદિઠ આવકમાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન માથાદિઠ આવક 460 અબજ ડોલર પરથી વધી 2150 અબજ ડોલર પર પહોંચી હતી. 2022-23 સુધીમાં તે 2450 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ હતો. સ્ટાન્ચાર્ટ બેંકના અંદાજો અનુસાર જીડીપી ગ્રોથનું સૌથી મોટું ચાલકબળ વિદેશ વેપાર હશે. જે 2030 સુધીમાં બમણો થઈને 2.1 ટ્રિલીયન ડોલર થવાનો અંદાજ છે. જે 2022-23માં 1.2 ટ્રિલીયન ડોલર પર હતો. જ્યારે જીડીપી 3.5 ટ્રિલિયન ડોલર જોવામાં આવતી હતી. નોમીનલ જીડીપીમાં સતત 10 ટકાના વાર્ષિક ગ્રોથની ધારણા બાંધીએ તો રિપોર્ટ વિદેશ વેપારમાં પ્રભાવી ઉછાળાની ધારણા બાંધે છે. રિપોર્ટમાં જીડીપી વૃદ્ધિ માટે બીજા મોટા ચાલકબળ તરીકે ઘરગથ્થુ વપરાશને ગણાવવામાં આવ્યો છે. બેંકની આગાહી મુજબ નાણા વર્ષ 2030 સુધીમાં સ્થાનિક વપરાશ 3.4 ટ્રિલીયન ડોલર પર જોવા મળશે. જે વર્તમાન જીડીપીના કદ જેટલો હશે. હાલમાં સ્થાનિક વપરાશ 2.1 ટ્રિલીયન ડોલરનો છે. હાલમાં ઘરગથ્થુ વપરાશ જીડીપીના 57 ટકા જેટલો જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આગામી મુદતમાં દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર પર પહોંચાડવાની પ્રતિબધ્ધતા દોહરાવી છે. આ સીમાચિહ્લન હાંસલ કરવાથી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે. તે જાપાન અને જર્મનીને પાછળ રાખી દેશે. હાલમાં યુએસ, ચીન, જાપાન અને જર્મની વિશ્વમાં ટોચના ચાર અર્થતંત્રો છે. રિપોર્ટમાં દેશના નવ રાજ્યોને અપલ-મીડલ ઈન્કમનો દરજ્જો મળશે તેમ આગાહી કરવામાં આવી છે. તેઓ 4000 ડોલરની માથાદિઠ આવક દર્શાવતાં હતાં. જોકે, આ રાજ્યોના નામ જાહેર નહોતાં કરાયાં. હાલમાં તેલંગાણા રૂ. 2,74,443ની માથાદિઠ આવક સાથે દેશમાં ટોચ પર છે. જ્યારપછી કર્ણાટક રૂ. 2,65,623 સાથે બીજા ક્રમે, તમિલનાડુ રૂ. 2,42,131 કરોડ સાથે ત્રીજા ક્રમે અને આઁધ્ર પ્રદેશ રૂ. 2,07,771 સાથે ચોથા ક્રમે આવે છે. જોકે, 2030 સુધીમાં દેશમાં માથાદિઠ આવકની બાબતમાં ગુજરાત આગેવાની લેશે એમ રિપોર્ટ સૂચવે છે. જ્યારપછીના ક્રમે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા, તેલંગાણા અને આંધ્ર પ્રદેશનો ક્રમ આવતો હશે. આ રાજ્યોમાં તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આઁધ્ર પ્રદેશ દેશના જીડીપીમાં કુલ 20 ટકા જેટલું યોગદાન આપતાં હશે. જ્યારે 2030 સુધીમા તેઓ માથાદિઠ 6000 ડોલરની આવક ધરાવતાં હોવાનો અંદાજ છે. જોકે, વસ્તીમાં મોટા એવા ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યો 2030 સુધીમાં પણ 2000 ડોલરથી નીચી માથાદિઠ આવક દર્શાવે તેવી અપેક્ષા છે. જે 2020ના વર્ષમાં તેમની આવકથી બમણી હશે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં ઘરગથ્થુ વપરાશી ખર્ચ હાલમાં અર્થતંત્રના 57 ટકા જેટલો છે. જો તેમાં એક ટકાનો ઘટાડો પણ થાય તો કન્ઝ્યૂમર માર્કેટનું કદ સમગ્ર અર્થતંત્રના વર્તમાન કદ જેટલું જ રહેશે.

ફોક્સકોને તમિલનાડુમાં રૂ. 1600 કરોડના યુનિટ માટે સાઈન કર્યું
તાઈવાની કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને તમિલનાડુ સરકાર સાથે રૂ. 1600 કરોડના ઈલેક્ટ્રોનિક્સ યુનિટની સ્થાપના માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. કંપનીએ વેદાંત સાથે ભાગીદારીને છૂટી કર્યાં પછી આ પ્રથમ રોકાણ જાહેર કર્યું છે. કંપનીનું રોકાણ રાજ્યમાં 6000 રોજગારીની તકોનું સર્જન કરશે. જૂથની સબસિડી ફોક્સકોન ઈન્ડસ્ટ્રીલ ઈન્ટરનેટના સીઈઓએ મહિના અગાઉ તમિલનાડુના મુખ્યપ્રધાનની મુલાકાત લીધી હતી. તે વખતે કંપને કર્ણાટકના તુમાકુરુ ખાતે રૂ. 8800 કરોડના યુનિટની સ્થાપના માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમિલનાડુએ ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં બમણી વૃદ્ધિ નોંધાવી હતી. 2021-22માં 1.86 અબજ ડોલર પરથી રાજ્યની નિકાસ 2022-23માં વધી 5.37 અબજ ડોલર થઈ હતી.

સોલાર એનર્જી કોર્પે રિલાયન્સ સાથે JVનો પ્રસ્તાવ મૂક્યો
સોલાર એનર્જી કોર્પોરેશને ઓઈલ-ટુ-ટેલિકોમ કોંગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને રિન્યૂએબલ પાવર સપ્લાય માટે સંયુક્ત સાહસ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં સોલાર એનર્જીએ રિલાયન્સને 51 ટકા હિસ્સો ઓફર કર્યો છે. કંપનીએ રિલાયન્સની રિફાઈનરીઝ તથા અન્ય મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સને રિન્યૂએબલ પાવર સપ્લાય કરવા માટે આ જેવી સ્થાપવાની વાત કરી છે. વર્તુળોના જણાવ્યા મુજબ હજુ સુધી આ અંગે રિલાયન્સે કોઈ નિર્ણય લીધો નથી. જોકે, કંપની તાજેતરમાં રિન્યૂએબલ એનર્જી સેક્ટરને લઈને આક્રમક જોવા મળે છે અને તેથી ટૂંક સમયમાં તેના તરફથી જાહેરાત સંભવ છે.

વોલમાર્ટે ટાઈગર ગ્લોબલ પાસેથી 1.4 અબજ ડોલરમાં ફ્લિપકાર્ટનો હિસ્સો ખરીદ્યો
વેન્ચર કેપિટલ ફંડ એક્સેલે પણ તેની પાસેનો ફ્લિપકાર્ટનો 1 ટકા હિસ્સો વેચ્યો

યુએસ રિટેલ જાન્યટ વોલમાર્ટ ઈન્કે ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ પાસેથી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો હિસ્સો 1.4 અબજ ડોલરમાં ખરીદી લીધો છે. આ રીતે તેણે ભારતીય ઈટેલરમાં તેનો હિસ્સો વધાર્યો છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલું આ ટ્રાન્ઝેક્શન્સ ભારતીય રિટેલ ફ્લિપકાર્ટનું 45 અબજ ડોલરનું વેલ્યૂએશન સૂચવે છે એમ ટાઈગર ગ્લોબલે તેના રોકાણકારોને એક પત્રમાં જણાવ્યું છે. વૈશ્વિક સ્તરે લિક્વિડીટીની તંગ સ્થિતિ વચ્ચે વોલમાર્ટેની આ ખરીદીએ ફંડ મેનેજરને મહત્વની રાહત આપી છે. જોકે, કંપનીએ 2021માં તેના ફંડીંગ રાઉન્ડમાં 38 અબજ ડોલરના વેલ્યૂએશને નાણા ઊભા કર્યાં હતાં. જેની સામે વર્તમાન વેલ્યૂએશન નીચું જોવા મળ્યું છે. વોલમાર્ટે ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ ઉપરાંત વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલ પાસેનો ફ્લિપકાર્ટમાંનો 1 ટકા હિસ્સો પણ ખરીદ્યો છે એમ મિડિયા અહેવાલ જણાવે છે.
વોલમાર્ટે ફ્લિકાર્ટનો હિસ્સો ખરીદતાં ટાઈગર ગ્લોબલને ભારતીય સ્ટાર્ટઅપમાં તેના લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાંથી સફળતાપૂર્વક એક્ઝિટની તક મળી હતી. ફંડે 2009માં ફ્લિપકાર્ટ તરફથી સિરઝ બી રાઉન્ડમાં 86 લાખ કરોડનં રોકાણ કર્યું હતું. તેણે માત્ર 4.2 કરોડ ડોલરના વેલ્યૂએશને આ રોકાણ કર્યું હતું. જોકે, તેણે 2010થી 2015 વચ્ચે વધુ 1.2 અબજ ડોલર રોક્યાં હતાં એમ ટાઈગર ગ્લોબલે રોકાણકારોને જણાવ્યું હતું. આ રોકાણ તેમના વેન્ચર પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ ફંડ્સ ફાઈવ થ્રૂ નાઈન મારફતે કરવામાં આવ્યું હતું. જે તેનું એકમાત્ર લોંગ ટર્મ રોકાણ વેહીકલ હતું. 2017માં ટાઈગર ગ્લોબલે ફ્લિપકાર્ટમાંના તેના કેટલાંક હિસ્સાનું વેચાણ કર્યું હતું. તેણે સોફ્ટબેંક ગ્રૂપ કોર્પને આ વેચાણ કર્યું હતું. જ્યારે એક વર્ષ પછી કેટલાક વધુ હિસ્સાનું વોલમાર્ટને વેચાણ કર્યું હતું. કુલ જોઈએ તો ફ્લિપકાર્ટમાં તેના રોકાણથી ટાઈગર ગ્લોબલે 3.5 અબજ ડોલરનો લાભ મેળવ્યો હતો એમ તેણે પત્રમાં નોંધ્યું હતું. અગાઉ 2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 72 ટકા હિસ્સા માટે 16 અબજ ડોલરની ચૂકવણી કરી હતી. જોકે, હવે ટાઈગર ગ્લોબલ અને એક્સેલ પાસેથી હિસ્સો ખરીદ્યાં પછી ફ્લિપકાર્ટમાં કંપનીનો હિસ્સો વધી 77 ટકા પર જોવા મળી રહ્યો છે.

કોર સેક્ટર ઉત્પાદન 8.2 ટકા વૃદ્ધિ સાથે પાંચ-મહિનાની ટોચે
સરકારે માર્ચ 2023 માટે આઁઠ કોર સેક્ટરના ઈન્ડેક્સ વૃદ્ધિ દરને સુધારી 4.2 ટકા કર્યો

જૂનમાં ઈન્ડેક્સ ઓફ એઈટ કોર ઈન્ડસ્ટ્રીઝ(ICI) 8.2 ટકા વધી પાંચ-મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. મહિના દરમિયાન સ્ટીલ, કોલ, સિમેન્ટ, રિફાઈનરી પ્રોડક્ટ્સ, નેચરલ ગેસ, ફર્ટિલાઈઝર અને ઈલેક્ટ્રીસિટી, તમામ આંઠે સેક્ટરના ઉત્પાદનમાં ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં વૃદ્ધિ નોઁધાઈ હતી એમ સોમવારે સરકારે રજૂ કરેલો ડેટા સૂચવતો હતો.
આંઠ મુખ્ય ઉદ્યોગો ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન(IIP)માં સમાવિષ્ટ આઈટમ્સનો 40.27 ટકા હિસ્સો ધરાવે છે. સરકારે માર્ચ 2023 માટે આઁઠ કોર ઈન્ડસ્ટ્રીઝના ઈન્ડેક્સને 3.6 ટકાના સ્તરેથી સુધારી 4.2 ટકા કર્યો હતો. કોલ ઉત્પાદન જૂનમાં વાર્ષિક ધોરણે 9.8 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે એપ્રિલથી જૂન દરમિયાન ઈન્ડેક્સમાં કુલ 8.7 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ક્રૂડ ઓઈલ ઉત્પાદન જૂનમાં વાર્ષિક ધોરણે 0.6 ટકા ઘટ્યું હતું. જ્યારે નેચરલ ગેસ ઉત્પાદનમાં વાર્ષિક 3.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. પેટ્રોલિયમ રિફાઈનરી ઉત્પાદન પણ વાર્ષિક ધોરણે 4.6 ટકા જેટલું ઉછળ્યું હતું. જો એપ્રિલથી જુલાઈની વાત કરે તો આઁઠ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન વૃદ્ધિ ગયા વર્ષે સમાનગાળામાં 13.9 ટકાની સરખામણીમાં ઘટી 5.8 ટકા પર જોવા મળી હતી.

મારુતિનો નેટ પ્રોફિટ 145 ટકા ઉછળી રૂ. 2485 કરોડ નોંધાયો

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જૂન ક્વાર્ટર માટે રૂ. 2485.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 145.3 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1012.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. જોકે ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 5.27 ટકા ગગડ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 2623.6 કરોડનો નફો દર્શાવ્યો હતો.
કંપનીએ એપ્રિલથી જૂન દરમિયાન રૂ. 30,845.2 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25,286.2 કરોડની સરખામણીમાં 21.89 ટકા વધુ હતી. ત્રિમાસિક ધોરણે કંપનીની આવક લગભગ સ્થિર રહી હતી. માર્ચ ક્વાર્ટર અને જૂન ક્વાર્ટરમાં વેહીકલ્સના વેચાણમાં માત્ર 234નો ફેરફાર જોવા મળ્યો હતો. કંપનીએ જૂન ક્વાર્ટરમાં 4,98,030 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 6.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સ્થાનિક બજારમાં કેંપનીએ 4,34,812 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે 9.1 ટકા ઊંચું હતું. જ્યારે નિકાસ બજારમાં વેચાણ ગયા વર્ષના 69,437 યુનિટ્સ પરથી ગગડી 63,218 યુનિટ્સ પર રહ્યું હતું. સોમવારે કંપનીનો શેર બીએસઈ ખાતે 1.56 ટકા સુધરી રૂ. 9820.75 પર બંધ રહ્યો હતો.

ત્રણ દાયકાના વિક્રમી વરસાદ પાછળ ખરિફ સિઝનમાં વિક્રમી વાવેતરના સંજોગો
જુલાઈ, 1994માં 352.4 મિલિમીટર પછી 31-વર્ષે જુલાઈમાં 314.7 મિલીમીટર વરસાદ નોંધાયો
ડાંગર જેવા મુખ્ય ખાદ્યાન્ન પાકનું વાવેતર ગઈ સિઝનને પાર કરી ગયું અને તે છેલ્લાં વર્ષોની નવી ટોચ બનાવી શકે છે

વર્તમાન ચોમાસુ અસાધારણ જોવા મળી રહ્યું છે. વર્તમાન જુલાઈમાં રવિવાર સુધીમાં દેશમાં 314.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે પાછલાં 31-વર્ષોમાં સૌથી ઊંચો છે. અગાઉ જુલાઈ, 1994માં દેશમાં 352.4 મિલીમીટરનો વિક્રમી વરસાદ જોવા મળ્યો હતો. જોકે, ત્યારપછીના ત્રણ દાયકામાં જુલાઈ ક્યારેય આટલો ભરપૂર નહોતો રહ્યો. સામાન્યરીતે ચોમાસાનો બીજો એવો જુલાઈ મહિનો ખરિફ વાવેતર માટે ખૂબ જ મહત્વનો બની રહેતો હોય છે. કેમકે જૂન-સપ્ટેમ્બર મહિનાની વરસાદની ઋતુમાં તે 32 ટકાનો મહત્તમ હિસ્સો ધરાવે છે. દેશમાં મોટાભાગનો ખરિફ વાવેતર વિસ્તાર જુલાઈ દરમિયાન કવર થતો હોય છે. જ્યારે મહત્વના ખરિફ પાકોનું વાવેતર જુલાઈ આખર સુધીમાં પુરું કરવાનું રહે છે. જો જુલાઈમાં વરસાદની ખાધ રહે તો દેશમાં ખરિફ ઉત્પાદનને લઈ મોટી ચિંતા ઊભી થતી હોય છે.
ચાલુ સિઝનમાં જૂનમાં ચોમાસાની પ્રગતિ નીચી જળવાય હતી. જેને કારણે શરૂઆતી સપ્તાહોમાં ખરિફ વાવેતર ગયા વર્ષની સરખામણીમાં તેમજ પાંચ વર્ષોની સરેરાશ સામે નીચું જોવા મળતું હતું. જોકે, જુલાઈમાં દેશભરમાં વ્યાપક વરસાદને કારણે ગયા સપ્તાહ સુધીમાં વાવેતર ગઈ સિઝનના સ્તરે પહોંચી ગયું હતું. તેમજ એક તબક્કે 24 ટકા ખાધ દર્શાવતું ડાંગરનું વાવેતર ગયા સપ્તાહની આખરમાં 2 ટકા વૃદ્ધિ નોંધાવતું હતું. આગામી એકાદ-બે સપ્તાહમાં વાવેતરમાં ઓર વૃદ્ધિ પાછળ તે છેલ્લાં કેટલાંક વર્ષોનો નવો વિક્રમ બનાવે તેવી અપેક્ષા છે. ગયા શુક્રવારના રોજ દેશમાં 237.58 લાખ હેકટરમાં ડાંગરની વાવણી થઈ ચૂકી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 233.25 લાખ હેકટરની સરખામણીમાં પાંચ લાખ હેકટર જેટલી ઊંચી હતી. હજુ પણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ડાંગરના વાવેતરમાં વૃદ્ધિની શક્યતાં છે અને તેથી તેમાં વધુ 10 ટકા વૃદ્ધિ સંભવ છે. ચાલુ સિઝનમાં એકમાત્ર કઠોળ પાકોનું વાવેતર નીચું જોવા મળે છે. જેનું કારણ ખેડૂતોમાં જાડાં ધાન્યો, શેરડી, તેલિબિયાં તરફનો ઝોક છે. છેલ્લી બે સિઝનમાં કઠોળમાં ઊંચા ભાવ નહિ મળવાથી કઠોળનું વાવેતર 11 ટકા ઘટાડો સૂચવે છે. જે સિવાય અન્ય તમામ પાકોનું વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળે છે.
ગયા જુલાઈમાં કુલ 597 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળ્યું હતું. જે સાથે કુલ ખરિફ વાવેતર 799.70 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે સરેરાશ સિઝનનો 76 ટકા જેટલો વિસ્તાર સૂચવે છે. દેશમાં વરસાદનો 74 ટકા હિસ્સો દક્ષિણ-પશ્ચિમનો વરસાદ ધરાવે છે. જે ખેતી માટે ખૂબ મહત્વનો છે. દેશમાં કુલ કૃષિ ઉત્પાદનનો 60 ટકા હિસ્સો ખરિફ સિઝનમાં નોંધાય છે. ચોમાસામાં સારા વરસાદને કારણે જળાશયોમાં પાણી ભરાવાથી રવિ પાકોને પણ નોંધપાત્ર લાભ થતો હોય છે.
જુલાઈ 2022માં દેશમાં 327.7 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. જે 2001 પછીનો સૌથી ઊંચો હતો અને જુલાઈના સરેરાશ 280.4 મિલીમીટરનો 117 ટકા જેટલો હતો. જેને કારણે દેશમાં અનાજનું 15.512 કરોડ ટનનું વિક્રમી ઉત્પાદન મેળવી શકાયું હતું. જેમાં ખરિફમાં જોવા મળેલા 11.003 ટન ચોખા ઉત્પાદનનો સમાવેશ થાય છે. 2021-22માં ખરિફ અનાજ ઉત્પાદન 15.536 કરોડ ટનની વિક્રમી સપાટીએ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટમાં અલ નીનોની અસરની સંભાવનાએ ઓછો વરસાદ જોવા મળી શકે છે. સાઉથ કોરિયન વેઘર મોડેલ મુજબ ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સામાન્યથી નીચો વરસાદ જોવા મળી શકે છે. જોકે, કૃષિ વિભાગના અધિકારીઓ વરસાદમાં 15 ટકા સુધીની ખાધની સ્થિતિમાં પણ ઊભાં પાકના વધુ સારા સંચાલનને લઈને વિશ્વાસ ધરાવે છે. તેમના મતે જો નિયમિત વરસાદ પડતો રહેશે તો કોઈ સમસ્યા ઊભી થશે નહિ. સરકારે ચાલુ ખરિફ સિઝન માટે 15.80 કરોડ ટન અનાજ ઉત્પાદનનો ટાર્ગેટ બાંધ્યો છે. જેમાં 11.1 કરોડ ટન ચોખા, 90.0 લાખ ટન કઠોળ અને 3.79 કરોડ ટન જાડાં ધાન્યોનો સમાવેશ થાય છે.

કોર્પોરેટ રાઉન્ડ અપ

JFS ટૂંકમાં જ ઈન્શ્યોરન્સ લાયસન્સ માટે અરજી કરશે
મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી રિલાયન્સ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(JFS) ઈન્શ્યોરન્સ લાયસન્સ માટે અરજી કરવા માટે તૈયાર છે. કંપની 2024થી ઈન્શ્યોરન્સ સર્વિસિઝ ઓફર કરવાની ઈચ્છા ધરાવે છે એમ અહેવાલ જણાવે છે. કંપની ટૂંક સમયમાં જ વીમા રેગ્યૂલેટર ઈરડાઈ સમક્ષ ઈન્શ્યોરન્સ લાયન્સ માટે અરજી કરશે એમ પણ તે ઉમેરે છે. વીમા રેગ્યુલેટર મંજૂરી માટે 6-8 મહિનાનો સમયગાળો લે છે. જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ જનરલ અને લાઈફ, બંને પ્રકારના ઈન્શ્યોરન્સ સેગમેન્ટમાં પ્રવેશવા ઈચ્છે છે. સોમવારે આ અહેવાલ પાછળ અન્ય લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ શેર્સમાં સેન્ટીમેન્ટ ખરડાયું હતું. જેને કારણે એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ જેવા કાઉન્ટર્સ 2 ટકા સુધીનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જીઓ ફાઈનાન્સિયલ 20 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થઈ હતી. કંપનીના શેરનું શેરબજાર પર લિસ્ટીંગ બાકી છે. કંપનીએ બ્લેકરોક સાથે મળી તાજેતરમાં જ એસેટ મેનેજમેન્ટ બિઝનેસ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. કંપનીએ બ્લેકરોક સાથે 50-50 ટકા ભાગીદારી રેશિયોમાં સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી.

વધુ એક SFB લિસ્ટીંગના માર્ગે
બેંકિંગ સેક્ટરમાં રોકાણકારોના વધતાં આકર્ષણને જોતાં વધુ એક સ્મોલ ફાઈનાન્સ બેંક શેરબજારમાં લિસ્ટીંગ માટે તૈયાર બની છે. જના સ્મોલ ફાઇનાન્સ બેન્કે આ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. બેંક ફ્રેશ ઈક્વિટી સાથે ઓફર-ફોર-સેલ પણ લાવશે. જેમાં વિવિધ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ તેમના હિસ્સાનું વેચાણ કરશે. કંપનીના શેરધારકોમાં રોઝહિલ લિમિટેડ, ગ્લોબલ ઈમ્પેક્ટ ફંડ્સ વગેરેનો સમાવેશ થાય છે. બેંક 22 રાજ્યોમાં અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 754 બેંકિંગ શાખાઓ ધરાવે છે. તે ચોથી સૌથી મોટી સ્મોલ ફાઈનાન્સ બેંક છે. બેંક 45.7 લાખ એક્ટિવ ક્લાયન્ટ્સ ધરાવે છે.

ગો ફર્સ્ટને રૂ. 600 કરોડના રિફંડ માટે નોટિસ
સ્વૈચ્છિકપણે સોલ્વન્સી માટે અરજી કરનાર એરલાઈન કંપની ગો ફર્સ્ટને સોમવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગ્રાહકો તરફથી રદ કરવામાં આવેલા બુકિંગ્સના રિફંડ માટે નોટિસ પાઠવી હતી. હાલમાં કંપની કેન્સલ્ડ બુકિંગ્સ પેટે રૂ. 600 કરોડનું રિફંડ આપવાનું રહે છે. રેઝોલ્યુશન પ્રોફેશ્નલે એકવાર કંપની પાસે એરલાઈન ઓપરેશન્સ શરૂ થાય પછી કેશ ફ્લોમાંથી તબક્કાવાર રીતે ગ્રાહકોને રિફંડ માટે પ્રસ્તાવ મૂક્યો છે. દરમિયાનમાં એનસીએલટીએ રેઝોલ્યુશન પ્રોફેશ્નન્લને રિફંડ્સના ઈસ્યુઅન્સ માટે મંજૂરી મેળવી લેવા માટે જણાવ્યું હતું. તેમજ તે 7 ઓગસ્ટથી સુનાવણી શરૂ કરશે તેમ કહ્યું હતું. અગાઉ એનસીએલટીએ 26 જુલાઈના રોજ છ લિઝર્સ તરફથી ગો ફર્સ્ટેને લીઝ્ડ વિમાનો વાપરવા પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. જોકે, કોર્ટે તેને માન્ય રાખી નહોતી. ગો ફર્સ્ટે 26 વિમાનો સાથે તેની ઉડાનો ફરી શરૂ કરી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

યૂકો બેંકઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 223 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે રૂ. 80 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 123 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીને નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1650 કરોડની સરખામણીમાં 30 ટકા જેટલી ઉછળી રૂ. 2009 કરોડ પર રહી હતી.
ગ્લેન્ડ ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીએ વિશાખાપટ્ટનમ સ્થિત તેની વીસેઝ સ્ટરાઈલ ઓન્કોલોજી ફેસિલિટી માટે યુએસએફડીએ તરફથી ઝીરો 483 ઓબ્ઝર્વેશન્સ સાથે ઈન્સપેક્શન સમાપ્ત કર્યું છે. અગાઉ કંપનીની હૈદરાબાદ ફેસિલિટી માટે એક ઓબ્ઝર્વેશન જોવા મળ્યું હતું.
મેરિકો ઈન્ડસ્ટ્રીઝઃ એફએમસીજી કંપનીએ જૂન મહિના માટે રૂ. 436 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 416 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો જોવા મળ્યો હતો. કંપનીની આવક જોકે એનાલિસ્ટ્સના રૂ. 2500 કરોડના અંદાજની સરખામણીમાં એક ટકા ઘટાડા સાથે રૂ. 2477 કરોડ પર નોંધાઈ હતી.
શેલે હોટલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 88.7 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 300 ટકા જેટલી વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 29 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 253 કરોડની સરખામણીમાં 20 ટકાથી વધુ ઉછળી રૂ. 310.80 કરોડ પર જોવા મળી હતી.
જેપી વેન્ચર્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 191 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 25 ટકાનો ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 241 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1820 કરોડની સરખામણીમાં 6 ટકાથી વધુ ગગડી રૂ. 1708 કરોડ પર જોવા મળી હતી.
DCB બેંકઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 126.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે રૂ. 30.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 97 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીને નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 374 કરોડની સરખામણીમાં 24.9 ટકા જેટલી ઉછળી રૂ. 470.7 કરોડ પર રહી હતી.
ઈક્વિટાસ એસએફબીઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 191.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 182.5 કરોડની અપેક્ષા કરતાં નીચી જોવા મળતી હતી. કંપનીની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે જોકે વૃદ્ધિ સૂચવતી હતી. માર્ચ ક્વાર્ટરમાં રૂ. 724 કરોડની ગ્રોસ એનપીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 770.2 કરોડ પર રહી હતી.
યૂનાઈટેડ બ્રૂઅરિઝઃ લિકર કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 136.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 157 કરોડના અંદાજ કરતાં નોંધપાત્ર નીચો જોવા મળ્યો હતો. કંપનીની રેવન્યૂ પણ એનાલિસ્ટ્સની રૂ. 2582.5 કરોડની અપેક્ષા સામે રૂ. 2274.8 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage