બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સતત ત્રીજા દિવસે માર્કેટમાં ઘસારો
ભારતીય બજારે ત્રણ ટ્રેડિંગ સત્રો સુધી ઘટાડો દર્શાવી તેજીવાળાઓ વિરામ લઈ રહ્યાં હોવાનો સંકેત આપ્યો છે. સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે નિફ્ટી 17742ની ટોચ પરથી ગબડીને 17585ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે ફરી એકવાર તેણે 17600નું સ્તર જાળવીને 17618 પર બંધ આપ્યું હતું. બેંક નિફ્ટીએ 0.84 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવ્યો હતો. રિઅલ્ટી, ફાર્મા અને પીએસયૂ બેંક્સને બાદ કરતાં મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં મજબૂતી પાછળ મીડ-કેપ અને સ્મોલ-કેપમાં સુધારો જોવા મળ્યો હતો.
IOBને પીસીએમાંથી બહાર કરાતાં 20 ટકા ઉછળ્યો
જાહેર ક્ષેત્રની અગ્રણી ઈન્ડિયન ઓવરસીઝ બેંકને બેંક રેગ્યુલેટર આરબીઆઈએ છ વર્ષ બાદ પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન(પીસીએ) લિસ્ટમાંથી બહાર કરી છે. આઈઓબીને ઓક્ટોબર 2015માં પીસીએ હેઠળ લાવવામાં આવી હતી. પીસીએમાંથી બહાર આવ્યાં બાદ બેંક પોતાની રીતે નવો બિઝનેસ કરવા માટે સ્વતંત્ર બનશે. કંપનીની એનપીએ ઊંચી હોવાના કારણે તેને રિસ્ક-વેઈટેડ એસેટ્સમાંથી દૂર કરવામાં આવી હતી. જોકે માર્ચ 2021ની આખરમાં કંપનીની એનપીએ નોંધપાત્ર ઘટાડા સાથે 3.58 ટકા પર જોવા મળી હતી. જે માર્ચ 2015માં 5.68 ટકા પર હતી. કંપનીએ ગયા નાણા વર્ષ દરમિયાન રૂ. 831નો નફો દર્શાવ્યો હતો. ગુરુવારે કંપનીનો શેર એક તબક્કે 20 ટકાની અપર સર્કિટમાં જોવા મળ્યો હતો. જોકે બજાર નરમ પડતાં તે 11.5 ટકા સુધારા સાથે રૂ. 22.65ના સ્તરે બંધ રહ્યો હતો.
ફિડેલિટીએ મિશોમાં 5 અબજ ડોલરના વેલ્યૂએશને હિસ્સો ખરીદ્યો
સોશ્યલ કોમર્સ સ્ટાર્ટઅપ મિશો ઈન્કમાં વૈશ્વિક પીઈ ફર્મ ફિડેલિટિ ઈન્વેસ્ટમેન્ટ્સે 5 અબજ ડોલરના વેલ્યૂએશન પર હિસ્સો ખરીદ્યો છે. મિશોએ ફિડેલિટી તથા ફેસબુકના કો-ફાઉન્ડર એડ્યૂઆર્ડો સેવરિન્સની બી કેપિટલ પાસેથી 57 કરોડ ડોલર ઊભા કર્યાં છે. બેંગલોર સ્થિત સ્ટાર્ટઅપના વેલ્યૂએશનમાં પાંચ મહિનામાં બમણી વૃદ્ધિ જોવા મળી છે. પાંચ મહિના અગાઉ તેણે સોફ્ટબેંકના નેતૃત્વ હેઠળના રાઉન્ડમાં તેનું વેલ્યૂએશન 2.1 અબજ ડોલર મૂકવામાં આવ્યું હતું. કંપની બ્રાન્ડેડ ફેશન, હોમ એપ્લાયન્સિસ અને અન્ય કેટેગરીઝના વેચાણ પર ફોકસ કરે છે.
સહજાનંદ મેડિકલ ટેકનોલોજીસે ડીઆરએચપી ફાઇલ કર્યું
દેશમાં અગ્રણી મેડિકલ ડિવાઇઝ ઉત્પાદક સહજાનંદ મેડિકલ ટેકનોલોજીસ લિમિટેડ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની મૂડી બજારમાંથી કુલ રૂ. 1500 કરોડનું ફંડ એકત્ર કરવા ધારે છે. જેમાં રૂ. 410.33 કરોડના ફ્રેશ ઈસ્યુ જ્યારે રૂ. 1089.67 કરોડના ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. કંપની જર્મની, નેધરલેન્ડ્સ, ઈટાલી અને પોલેન્ડમાં ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટના બજાર હિસ્સાની રીતે ટોચની પાંચ કંપનીઓમાં સમાવેશ પામે છે. જ્યારે ભારતમાં ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટના બજારમાં તે 31 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે. કંપની ફંડનો મુખ્ય ઉપયોગ ઋણ ચૂકવણીમાં તથા કાર્યકારી મૂડી તરીકે કરશે.
એસપીવી ગ્લોબલ ટેકનિકલ ટેક્સટાઈલ્સમા રૂ. 100 કરોડ રોકશે
ભારત ઉપરાંત વિદેશમાં ટેક્સટાઈલ સુવિધા ધરાવતું એસપીવી ગ્લોબલ રાજસ્થાનના ઝાલાવાડ ખાતે ટેકનિકલ ટેક્સટાઈલ્સ ક્ષેત્રે રૂ. 100 કરોડનું રોકાણ કરશે. તે 4375 ટનની ક્ષમતા સાથેનો ગ્રીન-ફિલ્ડ એકમ ઊભો કરવા જઈ રહી છે. જે પ્લાન્ટ પ્રોટેક્ટિવ યુનિફોર્મ્સ, ફંક્શનલ ગાર્મેન્ટ્સ, મેડિકલ ટેક્સટાઈલ, મોબી ટેક, ગંધરોધક અને એન્ટિબેક્ટેરિયલ નીટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરશે.
માર્કેટ નરમ છતાં માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી
ગુરુવારે સપ્ટેમ્બર સિરિઝ એક્સપાયરીના દિવસે નેગેટિવ બંધ રહેવા સાથે ભારતીય બજારે સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ દર્શાવ્યું હતું. જોકે લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે બ્રોડ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3424 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1844 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1425 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. 220 જેટલા કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 406 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સ 0.36 ટકા સુધારા સાથે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.75 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
સપ્ટેમ્બર સિરિઝમાં વર્ષોના ‘અન્ડરપર્ફોર્મર્સ’ વિનર્સ તરીકે ઊભર્યાં
ચાલુ વર્ષની સૌથી લાંબી ડેરિવેટિવ્સ સિરિઝમાં નિફ્ટી રિઅલ્ટી 37 ટકા જ્યારે મિડિયા ઈન્ડેક્સ 36 ટકા ઉછળ્યો
ગોદરેજ પ્રોપર્ટીઝનું 58 ટકા સાથે સૌથી ઊંચું રિટર્ન, ઓબેરોય રિયલ્ટી અને પ્રેસ્ટીજ એસેટ્સે પણ 40 ટકાથી ઊંચું રિટર્ન દર્શાવ્યું
શેરબજારમાં સપ્ટેમ્બર ડેરિવેટિવ્સ સિરિઝ અન્ડરપર્ફોર્મર્સ માટેની બની રહી હતી. ગુરુવારે પૂરી થયેલી સિરિઝ દરમિયાન છેલ્લાં ઘણા વર્ષોમાં બ્રોડ માર્કેટની સરખામણીમાં ઊણો દેખાવ કરનારા સેક્ટર્સ અને શેર્સમાં આક્રમક તેજી જોવા મળી હતી અને તેમણે સિરિઝ દરમિયાન બમ્પર રિટર્ન દર્શાવ્યું હતું. જેમાં રિઅલ્ટી અને મિડિયા સેક્ટર્સ ટોચ પર જોવા મળતાં હતાં. જ્યારે જાહેર સાહસોએ પણ ઊંચું રિટર્ન દર્શાવી ત્રીજો ક્રમ નોંધાવ્યો હતો.
કેલેન્ડર 2021માં સૌથી લાંબી ડેરિવેટિવ્સ સિરિઝમાં બેન્ચમાર્ક નિફ્ટીએ 5.83 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જે ફેબ્રુઆરીમાં 9 ટકા બાદ કેલેન્ડરમાં બીજા ક્રમે જોવા મળે છે. જોકે સેક્ટર ઈન્ડાઈસિસના દેખાવ પર નજર કરીએ તો તેમણે નિફ્ટીની સરખામણીમાં ખૂબ તગડું રિટર્ન દર્શાવ્યું છે. જેમાં નિફ્ટી રિઅલ્ટીએ 37.25 ટકા સાથે માસિક ધોરણે આટલા ઊંચા રિટર્નનો વિક્રમ બનાવ્યો છે. ઝી લિ. અને સોની ઈન્ડિયાના ડિલ પાછળ ઝીના શેર્સમાં તીવ્ર ઉછાળા પાછળ નિફ્ટી મિડિયા ઈન્ડેક્સે પણ 35.52 ટકા સાથે સિરિઝમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો. જ્યારે જાહેર સાહસોનું પ્રતિનિધિ કરતાં નિફ્ટી પીએસઈએ 19.25 ટકા સાથે રિટર્ન આપવામાં ત્રીજો ક્રમ નોંધાવ્યો હતો. એપ્રિલ 2020 બાદ સપ્ટેમ્બર સિરિઝમાં તેમણે બીજીવાર દ્વિઅંકી રિટર્ન દર્શાવ્યું હતું. અગાઉ તેમણે બજેટમાં પ્રાઈવેટાઈઝેશનની જાહેરાત બાદ ફેબ્રુઆરી સિરિઝમાં 20 ટકાથી ઊંચું રિટર્ન નોંધાવ્યું હતું. સપ્ટેમ્બર સિરિઝમાં 10 ટકાથી વધુ રિટર્ન દર્શાવનાર સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી એનર્જી(14.82 ટકા), નિફ્ટી મીડ-કેપ 50(13.59 ટકા), નિફ્ટી ઈન્ફ્રા(11.33 ટકા) અને નિફ્ટી મીડ-કેપ 100(10.88 ટકા)નો સમાવેશ થાય છે. બીજી બાજુ જુલાઈ અને ઓગસ્ટમાં સારો દેખાવ કરનાર નિફ્ટી આઈટી ઈન્ડેક્સે સપ્ટેમ્બર સિરિઝમાં માત્ર 3 ટકા સાથે સૌથી નીચું રિટર્ન દર્શાવ્યું હતું. નિફ્ટી મેટલ અને એફએમસીજીએ પણ અનુક્રમે 3.76 ટકા અને 4.44 ટકાનો સુધારો નોઁધાવ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 5.04 ટકા રિટર્ન સાથે સામાન્ય દેખાવ દર્શાવી રહ્યો હતો.
રિઅલ્ટી કાઉન્ટર્સે છેલ્લા 13 વર્ષોમાં પ્રથમવાર આટલુ આક્રમક બાઈંગ અનુભવ્યું હતું. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝનો શેર સિરિઝ દરમિયાન 58 ટકાથી વધુ રિટર્ન સાથે રૂ. 1465.25ના સ્તરેથી ઉછળી રૂ. 2318.80ના સ્તરે બંધ રહ્યો હતો. પ્રતિ ટ્રેડિંગ સત્ર દરમિયાન તેણે 2 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી હતી. ઓબેરોય રિયલ્ટીઝનો શેર પણ રૂ. 666 પરથી રૂ. 965 પર પહોંચ્યો હતો. અન્ય રિઅલ્ટી પ્લેયર્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ(44.91 ટકા), સનટેક રિઅલ્ટી(38.02 ટકા), ડીએલએફ(35.73 ટકા), સોભા ડેવલપર્સ(34.56 ટકા), બ્રિગેડ એન્ટરપ્રાઈઝ(33.92 ટકા)નું ઊંચું રિટર્ન દર્શાવી રહ્યાં હતાં.
સપ્ટેમ્બર સિરિઝ દરમિયાન રિઅલ્ટી શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં)
ગોદરેજ પ્રોપર્ટીઝ 58.25
ઓબેરોય રિયલ્ટીઝ 44.95
પ્રેસ્ટીજ એસ્ટેટ 44.91
સનટેક રિઅલ્ટી 38.02
DLF 35.73
સોભા ડેવલપર્સ 34.56
બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 33.92
હેમિસ્ફિયર 13.26
AMCs માટે સિલ્વર ETFs નવી બિઝનેસ તક ઓફર કરશે
હાલમાં દેશમાં ગોલ્ડ ઈટીએફ્સ હેઠળ કુલ રૂ. 16350 કરોડનું એયૂએમ
વિશ્વમાં આઈશેર્સ સિલ્વર ટ્રસ્ટ ઈટીએફ 12 અબજ ડોલર સૌથી ઊંચું એયૂએમ ધરાવે છે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંગળવારે સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(ઈટીએફ્સ)ને આપેલી મંજૂરી સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ માટે નવી બિઝનેસ તક તરીકે ઊભરે તેવી શક્યતાં છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓના વર્તુળોના મતે ભારતમાં એક એસેટ ક્લાસ તરીકે ચાંદીની ઊંચી લોકપ્રિયતા જોતાં તે ગોલ્ડ ઈટીએફ્સની માફક રોકાણકારોનું આકર્ષણ ધરાવશે.
ફંડ મેનેજર કંપનીના બિઝનેસ હેડના જણાવ્યા અનુસાર સિલ્વર ઈટીએફ્સની રજૂઆત સ્ટોક એક્સચેન્જિસ મારફતે કોમોડિટીઝમાં રોકાણના વિકલ્પોમાં ઉમેરો કરશે. આને કારણે સિક્યૂરિટીઝ માર્કેટની ડેપ્થમાં વૃદ્ધિ થશે. ભારતીયો સોનું અને ચાંદી ખરીદવા માટે હંમેશા ઉત્સાહી હોય છે. સિલ્વર ઈટીએફ્સ તેમને સીમલેસ રીતે ચાંદી ખરીદવાનો મોકો આપશે. ઓગસ્ટ મહિનામાં સ્થાનિક એક્સચેન્જિસ પર ટ્રેડેડ ગોલ્ડ ઈટીએફ્સનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) રૂ. 16350 કરોડ જેટલું હતું. જે દેશમાં ફિઝીકલી ખરીદવામાં આવતાં સોનાની સરખામણીમાં ઘણું ઓછું હોવા છતાં નોંધપાત્ર કહી શકાય એમ વર્તુળો માને છે. વૈશ્વિક સ્તરે હાલમાં ઓછામાં ઓછા ચાર સિલ્વર ઈટીએફ્સ એક અબજ ડોલરથી વધુનું એયૂએમ ધરાવે છે. જેમાં આઈશેર્સ સિલ્વર ટ્રસ્ટ વિશ્વનું સૌથી મોટું સિલ્વર ઈટીએફ્સ છે. જે 12 અબજ ડોલરનું એયૂએમ ધરાવે છે.
ઘણા રોકાણકારો એવા છે જેઓ ફિઝિકલ સિલ્વર ખરીદવાના બદલે ઈટીએફ્સની પસંદગી કરે છે. કેમકે તેની ખરીદીમાં શુધ્ધતાં તથા સંગ્રહને લઈને કોઈ ચિંતા કરવાની રહેતી નથી. તેનું મેનેજમેન્ટ પ્રોફેશ્નલ વોલ્ટ મેનેજર્સ કરતાં હોય છે. સેબીએ જણાવ્યું છે કે સિલ્વર ઈટીએફ્સ પણ વર્તમાન ગોલ્ડ ઈટીએફ્સની માફક જ કેટલાંક ચોક્કસ સુરક્ષાના પગલાઓ સાથે લોંચ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે સિલ્વર ઈટીએફ્સ માટે ફંડ હાઉસિસે તેમની પાસે ફિઝિકલ સિલ્વર બાર્સ જાળવવાના રહેશે. ગોલ્ડ ઈટીએફ્સમાં તેમણે ગોલ્ડ બાર રાખવાના રહે છે. આમ કરવાથી ફંડ હાઉસનો ખર્ચ લઘુત્તમ રહેશે. જેને કારણે રોકાણકારોને ઈટીએફ સ્વરૂપમાં તેમના ધાતુમાંના રોકાણ પર વાસ્તવિક રિટર્ન પ્રાપ્ય બની શકે.
જોકે ફંડ ઉદ્યોગ સિલ્વરના પર્ફોર્મન્સને લઈને રોકાણકારો ઈટીએફ્સ તરફ આકર્ષાશે કે કેમ તેને લઈને સવાલ ઊભો કરી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષોમાં ચાંદીએ વાર્ષિક સરેરાશ માત્ર 1.3 ટકાનું રટર્ન દર્શાવ્યું છે. ધાતુના ભાવમાં ઊંચી વધ-ઘટ જોવા મળતી હોય છે તે પણ એક ચિંતાનો વિષય છે. જો નાનો સમયગાળો લઈએ તો ચાંદીમાં ઊંચું રિટર્ન જોવા મળે છે. જેમકે છેલ્લાં ત્રણ વર્ષોમાં તેણે સરેરાશ 17.2 ટકા રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે પાંચ વર્ષોમાં 5.5 ટકા રિટર્ન નોંધાવ્યું છે.
વૈશ્વિક સ્તરે સપ્ટેમ્બર ક્વાર્ટર IPOs માટે નબળો રહ્યો
જૂન ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 26.3 ટકા ઘટાડા સાથે 94.6 અબજ ડોલર ઊભા કરવામાં આવ્યાં
કેલેન્ડર 2021ની શરૂઆતમાં આઈપીઓમાં જોવા મળેલો ઉન્માદ વર્ષની આખર નજીક આવતાં સાથે ઓસરતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે આઈપીઓ મારફતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 94.6 અબજ ડોલર ઊભાં કરવામાં આવ્યાં હતાં. જે જૂન ક્વાર્ટરની સરખામણીમાં 26.3 ટકાનો ઘટાડો સૂચવે છે. જોકે આમ છતાં ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં લિસ્ટીંગ્સની સંખ્યા ડોટકોમ બબલના વર્ષ 2000 પછીની સૌથી ઊંચી જોવા મળી રહી છે એમ રેફિનિટીવ ડેટા જણાવે છે.
આઈપીઓ માર્કેટ નબળુ પડવાના કારણોમાં યુએસ ખાતે ઉનાળામાં જોવા મળેલું સ્લોડાઉન તથા બૈજિંગના દીદી ગ્લોબલ ઈન્કના ન્યૂયોર્ક આઈપીઓ બાદ તેના પરની તવાઈને કારણે યુએસની ચીનની કંપનીઓ માટેની સ્ક્રૂટિની હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિક્રમી 2000થી વધુ કંપનીઓએ લિસ્ટીંગ્સ કરાવ્યું છે. તેમણે સંયુક્તપણે 421 અબજ ડોલરથી વધુની રકમ ઊભી કરી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં ઊભી કરવામાં આવેલી રકમ કરતાં બમણી રકમ છે. આઈપીઓમાં 486 સ્પેશ્યલ પરપઝ એક્વિઝીશન કંપનીઝ(એસપીએસી)નો સમાવેશ થાય છે. જેમણે નવ મહિના દરમિયાન બજારમાંથી 127.7 અબજ ડોલર એકત્ર કર્યાં છે.
ગોલ્ડમેન સાચના ગ્લોબલ ઈક્વિટી કેપિટલ માર્કેટ્સ હેડના જણાવ્યા અનુસાર પ્રથમ ક્વાર્ટરમાં એસપીએસી આઈપીઓની વિક્રમી સ્તરે કામગીરી જોયા બાદ બજાર માટે એક વિરામ જરૂરી હતો. જોકે માર્કેટ ફરી નોર્મ બને તેવા શરૂઆતી સંકેતો મળી રહ્યાં છે અને રાઈટ ઈસ્યૂઅર્સ માટે તે ખૂલી રહ્યું છે. ત્રીજા ક્વાર્ટરના હાઈ-પ્રોફાઈલ આઈપીઓમાં રોબિનહૂડ માર્કેટ્સ ઈન્કનું ન્યૂયોર્ક એક્સચેન્જ પર 2.1 અબજ ડોલરનું લિસ્ટીંગ જ્યારે સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટોન ઈન્કનું સ્થાનિક એક્સચેન્જ પર 3.7 અબજ ડોલરના આઈપીઓના સમાવેશ થાય છે. ચાલુ વર્ષના સૌથી મોટા આઈપીઓમાં ટેન્સેન્ટ સપોર્ટેડ ચાઈનીઝ ઓનલાઈન વિડિયો કંપની કૂઆઈશો ટેક્નોલોજીના 5.4 અબજ ડોલરની ઓફરનો સમાવેશ થાય છે. જુલાઈ મહિના દરમિયાન યુએસ રેગ્યુલેટર એસઈસીના ચેરમેને ચીનની કંપનીઓના યુએસ લિસ્ટીંગ્સ પર વિરામ માટે જણાવતાં ચીનની કંપનીઓના ઓફશોર સ્ટ્રક્ચર્સ તથા ચીન ખાતે તેમના દ્વારા સામનો કરવામાં આવી રહેલા રેગ્યુલેટરી રિસ્ક અંગે ઊંચી પારદર્શિતાની માગણી કરી હતી.
Market Summary 30 September 2021
September 30, 2021