બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ મક્કમ રહેતાં માર્કેટે નવું શિખર દર્શાવ્યું
સેન્સેક્સે પ્રથમવાર 63Kની સપાટી કૂદાવી
નિફ્ટી 18800 નજીક પહોંચ્યો
ઈન્ડિયા વિક્સ 1.32 ટકા વધી 13.80ની સપાટીએ
મેટલ, ઓટો, એફએમસીજીમાં ભારે ખરીદી જોવાઈ
પીએસયૂ બેંક્સમાં બીજા દિવસે નરમાઈ
હૂડકો, મઝગાંવ, કમિન્સ, જેકે લક્ષ્મી નવી ટોચે
અંબેર એન્ટરપ્રાઈઝ, શીલા ફોમ નવા તળિયે
શેરબજારમાં તેજીવાળાઓ સહેજ પણ મચક આપવા તૈયાર નથી. વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારમાં સતત સાતમા સત્રમાં સુધારો જળવાયો હતો અને બેન્ચમાર્ક સેન્સેક્સ પ્રથમવાર 63 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. કામકાજની આખરમાં તે 418 પોઈન્ટ્સ ઉછળી 63100 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 162 પોઈન્ટ્સ ઉછળી 18780 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલીને પગલે નિફ્ટી કાઉન્ટર્સની બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર આઁઠ કાઉન્ટર્સ સાધારણ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.32 ટકાના સુધારે 13.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે યુએસ બજારોમાં સતત બીજા દિવસે નરમાઈ વચ્ચે એશિયન બજારોએ મજબૂત જોવા મળ્યાં હતાં. હોંગ કોંગ માર્કેટ 2 ટકાથી વધુ ઉછળ્યું હતું. ભારતીય બજારે પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 18618ના અગાઉના બંધ સામે 18625ની સપાટીએ ખૂલી 18617નું લો બનાવ્યાં બાદ દિવસનો મોટાભાગનો સમય સાંકડી રેંજમાં અથડાયેલો રહ્યો હતો. જોકે કામકાજની આખરમાં શોર્ટ કવરિંગ પાછળ ઝડપી સુધારો જોવા મળ્યો હતો અને જોતજોતામાં ઈન્ડેક્સ 18816ની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. જેની સામે ફ્યુચર 18890ની સપાટી પર બંધ દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી તેના 18800-19000ના ટાર્ગેટ ઝોન નજીક આવી પહોંચ્યો છે. માર્કેટમાં બ્રોડ બેઝ સુધારો જોવાતાં બેન્ચમાર્ક આગામી સત્રોમાં સુધારો જાળવી રાખે તેવી શક્યતાં છે. જે સ્થિતિમાં ડિસેમ્બર સિરિઝમાં જ 19000નું સ્તર જોવા મળી શકે છે એમ તેઓ માને છે. નિફ્ટી કાઉન્ટર્સમાં સુધારો દર્શાવવામાં ઓટો અને મેટલ કાઉન્ટર્સ ટોચ પર હતાં. જેમાં એમએન્ડએમ 4 ટકા ઉછળ્યો હતો. જ્યારે હિંદાલ્કો 3.4 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત બજાજ ઓટો, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રીડ કોર્પો., આઈશર મોટર્સ, એસબીઆઈ લાઈફ, યૂપીએલ અને એચયૂએલ પણ 2 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચસીએલ ટેક અને આઈટીસી નરમ રહ્યાં હતાં. બેંકનિફ્ટી પોઝીટીવ બંધ રહ્યો હતો. જોકે તે નવી ટોચ દર્શાવી શક્યો નહોતો. બેંકિંગમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બંધન બેંક, કોટક બેંક અને આઈડીએફસી બેંક પોઝીટીવ બંધ જળવાયાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ બીજા દિવસે નરમ બંધ રહ્યો હતો. જેમાં સેન્ટ્રલ બેંક 2.4 ટકા, પીએનબી 2.3 ટકા, યુકો બેંક 2.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એસબીઆઈ પણ એક ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ 6.3 ટકા ઉછાળા સાથે ટોચનો પર્ફોર્મર રહ્યો હતો. જ્યારે જીએમઆર એરપોર્ટ્સ, જિંદાલ સ્ટીલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ, ભેલ, ક્યુમિન્સ, આઈસીઆઈસી લોમ્બાર્ડ, પર્સિસ્ટન્ટ, ડીએલએફ, સેઈલ, વોડાફોન આઈડિયા અને રામ્કો સિમેન્ટમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ પીએનબી, કેનેરા બેંક, એલએન્ડટી ઈન્ફોટેક, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ડિયા સિમેન્ટ્સ, એસબીઆઈ, ભારત ઈલે., ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એલએન્ડટી ટેક્નોલોજી, ડાબર ઈન્ડિયા નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ કંપની હૂડકોનો શેર કેશ સેગમેન્ટમાં 10 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. તેણે વાર્ષિક ટોચ દર્શાવી હતી. આ ઉપરાંત વરુણ બેવરેજિસે પણ 9 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. જ્યારે જેકે લક્ષ્મી સિમેન્ટ, મઝગાંવ ડોક, ક્યુમિન્સ, રેમન્ડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, સીસીએલ પ્રોડક્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એપોલો ટાયર્સ પણ વાર્ષિક ટોચ પર ટ્રેડ થયાં હતાં. બીએસઈ ખાતે કુલ 3602 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1993 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1486 નેગેટિવ જળવાયાં હતાં. 123 કાઉન્ટર્સ ફ્લેટ રહ્યાં હતાં. 138 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ થયાં હતાં.
એસ્સાર ઓઈલ યૂકે 36 કરોડ પાઉન્ડમાં કાર્બન કેપ્ચર પ્લાન્ટ સ્થાપશે
એસ્સાર ઓઈલ યૂકે લિમિટેડે સ્ટેનલો રિફાઈનરી ખાતે 36 કરોડ પાઉન્ડના ખર્ચે નવો કાર્બન કેપ્ચર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. કંપની 2030 સુધીમાં લો કાર્બન રિફાઈનરી બનવાની તેની મહત્વાકાંક્ષા તરફ આગળ વધવાના ભાગરૂપે આ રોકાણ કરશે. એસ્સાર એનર્જી 2030 સુધીમાં તેની ઉત્પાદન પ્રક્રિયાને કાર્બન ઉત્સર્જન રહિત કરવા માટે એનર્જી એફિસિઅન્સિ, ફ્યુઅલ-સ્વિચીંગ અને કાર્બન કેપ્ચર પગલાઓમાં એક અબજ પાઉન્ડથી વધુ રોકાણ કરી રહી છે. જે એસ્સારને યૂકેની લો કાર્બન એનર્જી તરફની નીતિમાં અગ્રેસર બનાવે છે. એસ્સારની એનર્જી ટ્રાન્ઝિશન સ્ટ્રેટેજી પાંચ સિધ્ધાંતો પર આધારિત છે. જેમાં સ્ટેનલો રિફાઈનીંગ પ્રક્રિયાને મહત્તમ કાર્યદક્ષ અને સુરક્ષિત બનાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેનલોની કામગીરી ડિકાર્બનાઈઝ્ડ કરવી, વર્ટેક્સ હાઈડ્રોજન લોંચ કરી ભાવિમાં હાઈડ્રોજન તરફ આગળ વધવું તથા ગ્રીન ફ્યુઅલ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.
નાણા વર્ષના પ્રથમ સાત મહિનામાં નાણાકિય ખાધ રૂ. 7.58 લાખ કરોડ રહી
એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન બજેટમાં અંદાજિત ખાધના 45.6 ટકા ખાધ જોવા મળી
ગયા વર્ષે પ્રથમ સાત મહિના દરમિયાન ખાધ અંદાજ સામે 36.3 ટા પર રહી હતી
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન દેશની નાણાકિય ખાધ રૂ. 7.58 લાખ કરોડ પર જોવા મળી છે. જે સમગ્ર વર્ષ માટે અંદાજિત રૂ. 16.61 લાખ કરોડની અંદાજિત ખાધના 45.6 ટકા જેટલી થાય છે એમ સરકારી ડેટા સૂચવે છે. ગયા નાણા વર્ષ 2021-22 સાથે સરખામણી કરીએ તો પ્રથમ છ મહિનામાં જોવા મળતી 36.4 ટકા ખાધની સામે ચાલુ વર્ષે ઊંચી ખાધ નોંધાઈ છે.
એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન ફિસ્કલ ડેફિસિટ વધીને રૂ. 6.2 લાખ કરોડ રહી હતી. જે વાર્ષિક અંદાજના 37.3 ટકા પર હતી. કેન્દ્ર સરકારે ઓક્ટોબર સુધીમાં બજેટમાં અંદાજિત આવકનો 60 ટકા હિસ્સો મેળવ્યો હતો. ઓક્ટોબર સુધીમાં રેવન્યૂ રિસિપ્ટ સમગ્ર વર્ષના અંદાજ સામે 61.2 ટકા પર જળવાય હતી. 2022-23માં કુલ રૂ. 22 લાખ કરોડની આવકના અંદાજ સામે ઓક્ટોબર સુધીમાં રૂ. 13.4 લાખ કરોડની આવક સરકારે મેળવી હતી. ડેટા સૂચવે છે કે સરકાર ફર્ટિલાઈઝર અને યુરિયા માટે સમગ્ર વર્ષ માટેના સબસિડીના ટાર્ગેટને હાંસલ કરવાની નજીક છે. ન્યૂટ્રીઅન્ટ બેઝ્ડ ફર્ટિલાઈઝર સબસિડી માટે રૂ. 42000 કરોડના અંદાજિત ખર્ચમાંથી સરકારે 99 ટકા રકમ એટલેકે રૂ. 41390 કરોડની ચૂકવણી કરી દીધી છે. યુરિયા માટે સરકારે રૂ. 61320 કરોડ સબસિડી પેટે ખર્ચ્યાં છે. જે માટેનો કુલ બજેટ અંદાજ રૂ. 63220 કરોડનો હતો. આમ 97 ટકા રકમ વપરાઈ ચૂકી છે. સમગ્રતયા સરકારે મહત્વની સબસિડીઝના કુલ અંદાજનો 75 ટકા હાંસલ કર્યો છે. સરકાર આજે પાછળથી બીજા ક્વાર્ટર માટેનો જીડીપી ડેટા પણ રજૂ કરવાની છે. આરબીઆઈએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે 6.3 ટકા જીડીપી ડેટાન અંદાજ બાંધ્યો છે. જોકે ઊંચી બેઝ ઈફેટને કારણે અર્થશાસ્ત્રીઓએ એકઅંકી ગ્રોથ રેટ અંદાજ્યો છે.
ડિસેમ્બરની ‘સાંતા રેલી’ માટે મીડ અને સ્મોલ-કેપ્સ તૈયાર
સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સે શરૂઆતથી અત્યાર સુધી 17 વર્ષોમાંથી 15 વર્ષોમાં ડિસેમ્બરમાં પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે
નવેમ્બરમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સ પોઝીટીવ હોય ત્યારે ડિસેમ્બરમાં પણ તે અચૂક પોઝીટીવ રહે છે
સ્મોલ-કેપ ઈન્ડેક્સે એપ્રિલમાં સરેરાશ 6.11 ટકા બાદ ડિસેમ્બરમાં બીજા ક્રમે 4.06 ટકા રિટર્ન આપ્યું છે
મીડ અને સ્મોલ-કેપ્સ માટે ડિસેમ્બર મહિનો ‘સાંતા રેલી’નો ગણાય છે. ઐતિહાસિક સિઝનાલિટી મંથલી ચાર્ટનો અભ્યાસ કરીએ તો જણાય છે કે કેલેન્ડરના આખરી મહિનામાં સ્મોલ-કેપ્સમાં 90 ટકા કિસ્સામાં તેજી જોવા મળી છે. એટલેકે 2005માં નિફ્ટી-100 સ્મોલ-કેપ ઈન્ડેક્સ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં 17 કિસ્સાઓમાંથી 15 વાર તેણે પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. આમ આજથી શરૂ થતાં ડિસેમ્બરમાં પણ સ્મોલ-કેપ્સમાં મજબૂતી જોવા મળે તેવી શક્યતાં વધી જાય છે.
બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી જ્યારે છેલ્લાં સપ્તાહથી તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યાં છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી અન્ડરપર્ફોર્મર્સ બની રહ્યાં છે અને તેથી પણ ટૂંકા ગાળામાં તેમના તરફથી આઉટપર્ફોર્મન્સની શક્યતાં ઊંચી છે. 2005થી 2021 સુધીના 17 વર્ષોમાં નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે એપ્રિલ મહિનામાં સરેરાશ 6.11 ટકા સાથે સૌથી ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. જોકે તેણે કુલ 17માંથી 14 કિસ્સામાં પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. જેની સામે ડિસેમ્બરમાં સરેરાશ રિટર્ન 4.06 ટકાનું જોવા મળ્યું છે પરંતુ તેણે 17માંથી 15 કિસ્સામાં સૌથી વધુવાર પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું છે. માર્કેટ નિરીક્ષકોના મતે એપ્રિલમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં તેજીનું મુખ્ય કારણ રોકાણકારો તરફથી આવક વેરો બચાવવા માટે માર્ચમાં થતું લોસ બુકિંગ અને ત્યારબાદ એપ્રિલમાં થતી પુનઃખરીદી હોય છે. જ્યારે ડિસેમ્બરમાં ખરીદી એ સિઝનલ ફેક્ટર છે. જે માત્ર ભારત પૂરતું સિમીત નથી. કેમકે ડિસેમ્બરમાં યુએસ બજારોમાં પણ સાંતા રેલી જોવા મળે છે. ભારતીય બજારનું યુએસ માર્કેટ સાથે ઊંચું કો-રિલેશન જોતાં સ્થાનિક બજાર પણ સારો દેખાવ દર્શાવે છે. ડિસેમ્બરમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં ઊંચા રિટર્ન જોવા મળ્યાં હોય તેવા કિસ્સાઓમાં 2007માં 17.62 ટકાનું વિક્રમી રિટર્ન નોંધાયું હતું. જ્યારે 2008માં 12.22 ટકા સાથે સતત બીજા વર્ષે સારો દેખાવ જોવા મળ્યો હતો. તાજેતરમાં ડિસેમ્બર 2020માં 7.82 ટકા રિટર્ન જ્યારે 2021 ડિસેમ્બરમાં 5.89 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું.
આ વખતે ડિસેમ્બરમાં પોઝીટીવ સાથે સારા રિટર્નની શક્યતાં એ માટે ઊંચી બની જાય છે કે સ્મોલ-કેપ ઈન્ડેક્સે નવેમ્બરમાં પણ પોઝીટીવ દેખાવ દર્શાવ્યો છે. 2005થી 2021 દરમિયાન 12 કિસ્સામાં નવેમ્બરમાં નિફ્ટી સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો છે. જે દરેક વખતે ડિસેમ્બરમાં પણ તેણે સુધારો જાળવ્યો છે. આ સિવાય એક અન્ય સંકેતમાં જ્યારે ઓક્ટોબર અને નવેમ્બર, બંને દરમિયાન સ્મોલ-કેપ ઈન્ડેક્સે પોઝીટીવ રિટર્ન આપ્યું હોય ત્યારે પણ ડિસેમ્બરમાં પોઝીટીવ રિટર્ન જોવા મળ્યું છે. છેલ્લાં 17 વર્ષોમાં આવું 8 વાર જોવા મળ્યું છે. જેમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સ સુધર્યો હતો. ચાલુ વર્ષે નિફ્ટી સમોલ-કેપ ઈન્ડેક્સે ઓક્ટોબરમાં 2.59 ટકા જ્યારે નવેમ્બરમાં 2.37 ટકાનો સુધારો નોંધાવ્યો છે. આમ ડિસેમ્બરમાં પણ તે પોઝીટીવ જળવાય રહે તેવી શક્યતાં નિરીક્ષકોને જણાય રહી છે. તેમના મતે વૈશ્વિક બજારોમાં મજબૂતીને જોતાં ભારતીય બજાર ધીમે-ધીમે સુધારો જાળવી રાખશે. જે દરમિયાન લાર્જ-કેપ્સ કોન્સોલિડેશનમાં જોવા મળે જ્યારે સ્મોલ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી નીકળી શકે છે.
ઈન્વેસ્ટર્સ SIP તરફ વળતાં ફંડ્સમાં લમ્પ સમ રોકાણમાં ઘટાડો
ઓક્ટોબરમાં MFમાં લમ્પ સમ રોકાણ રૂ. 17900 કરોડ પર 21 મહિનાના તળિયા પર જોવા મળ્યું
જુલાઈ 2021માં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ તરીકે રૂ. 49700 કરોડ મેળવ્યાં હતાં
મ્યુચ્યુલ ફંડ્સની ઈક્વિટી અને હાઈબ્રિડ સ્કિમ્સમાં લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં તે રૂ. 17900 કરોડ પર જોવા મળ્યું હતું. જે જાન્યુઆરી 2021 પછીનું સૌથી ઓછું હતું. સિસ્ટમેટીક ઈન્વેસ્ટમન્ટ પ્લાન(SIP) તરફથી દર મહિને જોવા મળતો ઈનફ્લો નવી સપાટી દર્શાવી રહ્યો છે ત્યારે લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ ઘટાડાતરફી બની રહ્યું છે. જે સૂચવે છે કે ઈન્વેસ્ટર્સ માર્કેટમાં વધુને વધુ શિસ્તબધ્ધ અભિગમ અપનાવતાં થયાં છે. ઓક્ટોબરમાં SIP મારફતે રૂ. 13000 કરોડનો સૌથી ઊંચો મંથલી ઈનફ્લો નોંધાયો હતો.
ઓક્ટોબરમાં જોવા મળેલું લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ જુલાઈ 2021માં જોવા મળેલા રૂ. 49,700 કરોડના વિક્રમી મંથલી ઈનફ્લોની સરખામણીમાં ત્રીજા ભાગનું હતું. છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ ઘટાડાતરફી જળવાયું છે. માર્કેટમાં ઊંચી વોલેટિલિટી અને અનિશ્ચિત વૈશ્વિક માહોલ વચ્ચે રોકાણકારો એમએફ સ્કિમ્સમાં લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ્સ ટાળી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષમાં શેરના ભાવમાં બે બાજુ મોટી વધ-ઘટ જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ વર્ષના મધ્યમાં 17 ટકા જેટલો ગગડી 51360ની સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યારે ત્યાંથી 20 ટકા જેટલો ઉછળી 63000 નજીક પહોંચ્યો છે. લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘટાડો વધુ તીવ્ર જોવા મળી રહ્યો છે.
ટોચના મ્યુચ્યુલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સના જણાવ્યા મુજબ ઊંચા ઈન્ફ્લેશન, મોંઘા વેલ્યૂએશન્સ અને જીઓપોલિટીકલ તણાવોને જોતાં તેઓ તેમના ક્લાયન્ટ્સને લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ ટાળવા માટે ભલામણ કરી રહ્યાં છે. જેમની પાસે રોકાણ માટે મોટી રકમ પ્રાપ્ય છે તેમને સિસ્ટમેટીક ટ્રાન્સફર પ્લાન(એસટીપી)નો માર્ગ અપનાવવા માટે તેઓ સૂચવે છે. અગ્રણી બ્રોકરેજના ચીફ બિઝનેસ ઓફિસરના જણાવ્યા મુજબ હાલની સ્થિતિમાં તબક્કાવાર ઈન્વેસ્ટમેન્ટનો વ્યૂહ યોગ્ય જણાય છે. તેમના મતે ભારતીય બજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. હાલમાં અન્યોની સરખામણીમાં સ્થાનિક બજાર પ્રિમીયમમાં જોવા મળી રહ્યું છે. જેને કારણે શોર્ટ-ટર્મમાં એક કરેક્શનનો ડર સતાવી રહ્યો છે. જે સ્થિતિમાં સ્ટેગર્ડ મેનરમાં રોકાણ બિનજોખમી સાબિત થશે. એસટીપી એ એવો ઈન્વેસ્ટમેન્ટ મોડ છે જેમાં રોકાણકારો ટૂંકાગાળા માટેની ડેટ સ્કિમ્સ જેવીકે લિક્વિડ અથવા તો અલ્ટ્રામાં ખૂબ ટૂંકાગાળા માટે નાણા પાર્ક કરે છે. જ્યારે નાનો હિસ્સો ઈક્વિટી સ્કિમ્સમાં ટ્રાન્સફર કરે છે. જે રોકાણકારોને તેમની પરચેઝ પ્રાઈઝની સરેરાશ નીચી જાળવવામાં સહાયતા કરે છે. નિષ્ણાતોના મતે માર્કેટમાં વેલ્યૂએશન્સમાં ઘટાડો જોવા મળે ત્યારે રોકાણકારોએ લમ્પ સમ રોકાણ વધારવું જોઈએ. હાલમાં વેલ્યૂએશન્સ કમ્ફર્ટેબલ લેવલથી નોંધપાત્ર ઊંચા જણાય રહ્યાં છે અને તેવી સ્થિતિમાં એકસાથે સઘળી મૂડી માર્કેટમાં રોકવી જોઈએ નહિ.
લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડાના કારણો
• ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી STPનો માર્ગ અપનાવવા માટેની ભલામણ.
• સિસ્ટમેટીક ટ્રાન્સફર પ્લાન હેઠળ રોકાણકારો ટૂંકાગાળા માટેની ડેટ સ્કિમ્સમાં રોકાણ કરે છે. જ્યારે નાનો હિસ્સો ઈક્વિટી સ્કિમ્સમાં રોકે છે.
• સ્થાનિક બજારના ઊંચા વેલ્યૂએશન જોતાં ઘટાડે લમ્પ સમ રોકાણ વધારવાનું સૂચન નિષ્ણાતો કરે છે
NSEL સ્કેમઃ પાંચ કોમોડિટી બ્રોકર્સ પર છ મહિના માટે પ્રતિબંધ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ નેશનલ સ્પોટ એક્સચેન્જ(એનએસઈએલ) સ્કેમમાં સંડોવણી બદલ પાંચ કોમોડિટી બ્રોકર્સ પર છ મહિના નવેસરથી કોમોડિટી બ્રોકર્સ તરીકેના રજિસ્ટ્રેશન માટે પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં આનંદ રાઠી કોમોડિટીઝ, મોતીલાલ ઓસ્વાલ કોમોડિટીઝ બ્રોકર, ફિલિપ કોમોડિટીઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈન્ફોલાઈન કોમોડિટીઝ અને જીઓફિન કોમટ્રેડનો સમાવેશ થાય છે. અગાઉ સેબીએ 2019માં જારી કરેલા આદેશ સામે ઉપરોક્ત બ્રોકર્સે સેટમાં અરજી કરી હતી. એનએસઈએલ સાથેના તેમના જોડાણને કારણે સેબીએ તેમને ઈન્ટરમિડિઅરિજ રેગ્યુલેશન્સ હેઠળ ‘નોટ ફીટ એન્ડ પ્રોપર’ તરીકે જાહેર કર્યાં હતાં. જૂન મહિનામાં સેટે આ મુદ્દો સેબીને પરત મોકલ્યો હતો. સેબીના તાજા નિર્ણયને પાંચ કોમોડિટી બ્રોકર્સ માટે આંશિક રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. કેમકે ડેઝિગ્નેટેડ ઓથોરિટીએ શો-કોઝ નોટિસમાં તેમના પર બે-ત્રણ વર્ષો માટે પ્રતિબંધનું સૂચન કર્યું હતું.
HSBC તેના કેનેડા બિઝનેસનું વેચાણ કરશે
અગ્રણી ગ્લોબલ બેંક એચએસબીસી તેના કેનેડા સ્થિત બિઝનેસનું 10.04 અબજ ડોલરમાં વેચાણ કરવા સહમત થઈ છે. તે રોયલ બેંક ઓફ કેનેડાને આ બિઝનેસ વેચશે. એચએસબીસી તરફથી તેના કોર માર્કેટ પર રિસોર્સિઝને ફોકસ કરવાના સ્ટ્રેટેજીના ભાગરૂપે આ વેચાણ કરવામાં આવી રહ્યું છે. એચએસબીસીમાં રોકાણકાર એવી ચીનની ઈન્શ્યોરસ કંપની અને એચએસબીસીમાં સૌથી મોટી રોકાણકાર પીંગ એન તરફથી બેંક પર દેખાવમાં સુધારો કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
બંધન બેંકઃ બેંકની પેટાકંપની બંધન ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સને માર્કેટ રેગ્યુલેટર સેબીએ આઈડીએફસી એમએફને ટેકઓવર કરવા માટે મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ અગાઉથી જ તેમના તરફથી આ માટે મંજૂરી આપી હતી. બંધન બેંકનો શેર 3 ટકા ઉછળ્યો હતો.
એસબીઆઈ કાર્ડ્સઃ ક્રેડિટ કાર્ડ કંપનીએ નવા ઈન્ક્રિમેન્ટલ કાર્ડ્સની બાબતમાં એચડીએફસી બેંકને પાછળ રાખી છે. ઓક્ટોબરમાં એચડીએફસી બેંકે 2.2 લાખ નવા કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સે 3.4 લાખ કસ્ટમર્સનો ઉમેરો કર્યો હતો. એક્સિસ બેંકે 2.6 લાખ જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકે 2.2 લાખથી સહેજ વધુ કાર્ડ ઈસ્યુ કર્યાં હતાં.
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપનીની ખરીદીમાં ટોરેન્ટ જૂથ, હિંદુજા ગ્રૂપ, પિરામલ-કોસ્મિઆ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ, અમેરિકન ફાઈનાન્સિયલ સર્વિસિસ અગ્રણી ઓકટ્રી સહિતના આંઠ બીડર્સ સ્પર્ધામાં છે. સોમવારે બીડીંગ માટેની ડેડલાઈન પૂરી થઈ હતી. જે રિલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોરન્સ માટે અલગથી બીડ મળ્યાં નહોતાં એમ વર્તુળોએ જણાવ્યું હતું.
યુનિયન બેંકઃ પીએસયૂ લેન્ડરે ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 2200 કરોડ ઊભા કર્યાં છે. તેણે બિઝનેસ ગ્રોથ માટે આ ફંડ ઊભું કર્યું છે. બેંક મેચ્યોરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સને રિપ્લેસ પણ કરશે. બેંક વર્ષ પુરું થાય તે પહેલાં ટિયર-1 બોન્ડ્સ મારફતે રૂ. 700 કરોડ ઊભા કરવા તૈયારી કરી રહી છે.
કોગ્નિઝન્ટઃ આઈટી કંપનીએ યુએસ સ્થિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કન્સલ્ટન્સી કંપની ઓસ્ટીનસીએસઆઈ ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યો છે. કંપની એન્ટરપ્રાઈઝ ક્લાઉડ અને ડાટા એનાલિટિક્સ એડવાઈઝરી સર્વિસિસમાં સ્પેશ્યલાઈઝેશન ધરાવે છે.
એસબીઆઈઃ દેશમાં ટોચની પીએસયૂ લેન્ડરે ઈન્ફ્રા બોર્ડ મારફતે રૂ. 10 હજાર કરોડ એકત્ર કરવા માટે સેન્ટ્રલ બોર્ડની મંજૂરી મેળવી છે. બોન્ડ ઈસ્યુમાં રૂ. 5 હજાર કરોડના ગ્રીન શૂ ઓપ્શનનો પણ સમાવેશ થાય છે. એસબીઆઈ બેંકની ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોનમાં વાર્ષિક ધોરણે 10.81 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 3.68 લાખ કરોડ પર રહી હતી.
બાયોકોનઃ ફાર્મા કંપનીની સબસિડિયરી બાયોકોન બાયોલોજિક્સે વાઈટ્રસ ગ્લોબલ બાયોસિમિલર્સ બિઝનેસની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ફેબ્રુઆરીમાં કંપનીએ 3.33 અબજ ડોલર્સમાં ખરીદી માટેનો કરાર કર્યો હતો.
બ્રિટાનિયાઃ કંપનીએ ફ્રાન્સની બેલ એસએ સાથે ભારતમાં ચીઝ પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ, મેન્ચૂફેક્ચરિંગ અને વેચાણ માટે સંયુક્ત સાહસ અગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
ધનલક્ષ્મી બેંકઃ પરમ વેલ્યૂ ઈન્વેસ્ટમેન્ટ્સે પ્રાઈવેટ બેંકમાં 15 લાખ ઈક્વિટી શેર્સ અથવા 0.6 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી છે.
કિલ્પેસ્ટ ઈન્ડિયાઃ કંપનીની સબસિડિયરીએ યૂરોપ બેઝ્ડ લાઈફ સાયન્સ પ્રોડક્ટ્સ મેન્યૂફેચરરમાં 100 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવા માટે નોન-બાઈન્ડિંગ લેટર ઓફ ઈન્ટેટ સાઈન કર્યો છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ પ્રોસ્ટેટ કેન્સલની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી લેઉપ્રોલાઈડ એસિટેટ ઈન્જેકશન ડેપો 22.5 એમજી લોંચ કરી છે.
ભારત બિજલીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ભારત બિજલીમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 2.15 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.
વિપ્રોઃ બીએનપી આર્બિટ્રેડે આઈટી કંપનીના 18,00,164 શેર્સનું સરેરાશ રૂ. 405 પ્રતિ શેરના ભાવે ઓપન માર્કેટમાં વેચાણ કર્યું છે.
Market Summary 30 November 2022
November 30, 2022