માર્કેટ સમરી
વૈશ્વિક બજારો પાછળ બજેટ બાદ બજારમાં પ્રથમ 2 ટકાથી વધુનો ઉછાળો
શુક્રવારે બજારમાં શોર્ટ પોઝીશન લઈને ગયેલા ટ્રેડર્સને પોઝીશન કવર કરવા માટેની તક જ ના આપી
યુએસ ખાતે બોન્ડ યિલ્ડ ઊછળીને 1.77 ટકાની ટોચ પર પહોંચવા છતાં બાઈડેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી પ્લાન પાછળ બજારોમાં તેજી
ભારતીય શેરબજારે મંગળવારે વૈશ્વિક સ્તરે આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં બે ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી હતી. જે 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાને રજૂ કરેલા કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ જોવા મળેલા સુધારા બાદનો સૌથી ઊંચો સુધારો હતો. ધૂળેટીની રજાને કારણે ભારતીય બજારે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા બે પોઝીટીવ દિવસોની પ્રતિક્રિયા દર્શાવી હતી અને જોતજોતામાં નિફ્ટી એશિયન હરિફોની સરખામણીમાં બમણાથી પણ વધુ વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.
બેન્ચમાર્ક નિફ્ટીએ 14650નો મહત્વનો અવરોધ પાર કરતાં બજારમાં તીવ્ર શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને તેની પાછળ નિફ્ટી 14876ના સ્તર સુધી ઉછળ્યો હતો અને આખરે 338 પોઈન્ટ્સના ઉછાળે 14845 પર બંધ રહ્યો હતો. બજેટ દિવસ પૂર્વે નિફ્ટી 13600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો અને બજેટની રજૂઆત બાદ તે લગભગ 800 પોઈન્ટ્સ જેટલો ઊછળ્યો હતો. મંગળવારે શોર્ટ સેલર્સની હાલત સૌથી કફોડી બની હતી. ગયા સપ્તાહે નિફ્ટીએ 14350નું સ્તર તોડતાં ટેકનિકલ એનાલિસ્ટ્સે 14650ના સ્ટોપલોસ સાથે ટ્રેડર્સને શોર્ટ પોઝીશન લેવા માટે કોલ આપ્યો હતો. ગુરુવાર અને શુક્રવારે બજારોમાં સુધારા છતાં આ સ્ટોપલોસ સાથે ટ્રેડર્સ તેમની શોર્ટ પોઝીશન જાળવીને ઊભા હતાં. જોકે બજાર એક ટકાથી વધુ ગેપ-અપ ઓપન થયું હતું અને નિફ્ટી 14617ના સ્તરે ખૂલી ઝડપથી ઊચકાઈ ગયું હતું. મજબૂત ઓપનીંગ બાદ ટ્રેડર્સ રાહ જોવા રહ્યાં હતાં ત્યાં તો બજારે બીજા ભાગમાં વધુ એક તેજી દર્શાવી હતી અને ત્યારબાદ તે લગબગ ટોચ પર જ ટકેલું રહ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક બજારોમાં ઓવરનાઈટ ઊભા થયેલા કેટલાક પોઝીટીવ પરિબળોને કારણે બજારમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. જોકે હજુ પણ બજારમાં તેજીનો દોર અકબંધ છે તેવી ખાતરી નથી મળતી. આ માટે નિફ્ટીએ 14920ની 34-દિવસની મૂવીંગ એવરેજને પાર કરવી જરૂરી છે. જ્યાં સુધી આ સ્તર પર તે બંધ ના આપે ત્યાં સુધી શોર્ટ સેલર્સ એક વધુ ચાન્સ લેતાં તેમની પોઝીશન જાળવી શકે છે. આ સ્તર પાર થશે તો નિફ્ટી 15200 સુધીની અને ત્યારબાદ વધુ તેજી દર્શાવી શકે છે. જ્યારે 14870 નીચે તે ફરી 14350 સુધી ઘટવાની શક્યતા ધરાવે છે.
આશ્ચર્યની વાત એ છે કે ફેબ્રુઆરી આખરથી વૈશ્વિક શેરબજારોને કનડી રહેલાં બોન્ડ યિલ્ડ્સ મંગળવારે તીવ્ર ઉછળ્યાં હતાં અને તો પણ બજારોએ તેમને અવગણ્યાં હતાં. યુએસ ખાતે 10-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ 1.77 ટકાની છેલ્લા ઘણા સમયની ટોચ પર ટ્રેડ થયા હતાં. અગાઉ તે 1.75 ટકાની ટોચ બનાવી ઘટ્યાં હતાં અને 1.60ની નીચે જતાં રહ્યાં હતાં. જેની પાછળ બજારોએ રાહત લીધી હતી. જોકે છેલ્લા બે સત્રોમાં તેમાં ફરી મજબૂતી જોવા મળી હતી. બોન્ડ યિલ્ડ્સ પાછળ ડોલર ઈન્ડેક્સ પણ સાડા ચાર મહિનાની ટોચ પર પહોંચ્યો હતો. તે 13 નવેમ્બર પછીને 93.10ની ટોચ પર જોવા મળ્યો હતો. યુએસ પ્રમુખ બાઈડેન 3 ટ્રિલિયન ડોલરથી વધુના ઈન્ફ્રસ્ટ્રક્ચર પ્લાનની બુધવારે જાહેરાત કરે તેવી અહેવાલ પાછળ એશિયન બજારોમાં બે દિવસથી મજબૂત જોવા મળી હતી. યુએસ બજાર પણ તેની સર્વોચ્ચ સપાટી પર બંધ દર્શાવી રહ્યું હતું. બજાર નિરીક્ષકોના મતે કોવિડનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે મધ્યસ્થ બેંક્સ અને સરકારો બજારને લિક્વિડીટીનો સપોર્ટ પૂરો પાડવા માટે સતત સક્રિય છે અને તેથી બજારોમાં ઘટાડે તરત ખરીદી પરત ફરે છે. યુએસ પ્રમુખ બુધવારે પિટ્સબર્ગ ખાતે 3-4 ટ્રિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો શેરબજારોમાં વધુ સુધારાની ઊંચી શક્યતા રહેલી છે.
આયાતકારોની ડોલરમાં જંગી લેવાલી પાછળ રૂપિયો એક ટકાથી વધુ તૂટ્યો
રૂપિયો 96 પૈસા તૂટી 73.39ના ત્રણ સપ્તાહના તળિયા પર બંધ રહ્યો
વૈશ્વિક બજારમાં છ કરન્સીના બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ 93 ડોલરની સપાટી વટાવી ગયો
નાણાકિય વર્ષ 2020-21ના અખરી દિવસોમાં ડોલર સામે રૂપિયામાં ઝડપી નરમાઈ જોવા મળી રહી છે. મંગળવારે આયાતકારોએ ડોલરમાં ભારે ખરીદી કાઢી હતી જેને પગલે રૂપિયો લગભગ સવા ટકા જેટલો અથવા 96 પૈસા તૂટીને અંતિમ ત્રણ સપ્તાહના તળિયા પર 73.39ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં છ કરન્સીઓના બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સમાં સતત સુધારાને પગલે સ્થાનિક આયાતકારોએ પણ ગ્રીનબેકમાં ઓચિંતી ખરીદી ચાલી કરી હતી અને રૂપિયો પટકાયો હતો.
બજાર વર્તુળોના મતે આયાતકારોની ખરીદી સામે નિકાસકારોની વેચવાલી જોઈએ એવી નહોતી તેમજ બીજી બાજુ શોર્ટ સેલર્સ ઝડપાઈ ગયા હતા અને તેમણે પણ ડોલર ખરીદવા માટે દોટ મૂકી હતી. જેની પાછળ રૂપિયો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહના સ્તર નજીક જોવા મળતો હતો. આ અગાઉ તેણે 26 ફેબ્રુઆરીએ 1.15 ટકા જેટલો ઘટાડો દર્શાવ્યો હતો અને તે વખતે તે 73.75ના સ્તર નજીક પહોંચી ગયો હતો. જોકે ત્યાંથી સુધરીને 72.26 સુધી પરત આવ્યો હતો. જે વખતે ટ્રેડર્સે રૂપિયામાં વધુ મજબૂતીની શક્યતા જોઈને ડોલરમાં શોર્ટ પોઝીશન બનીવાવી હતી. જેઓ મંગળવારે ઊંઘતા ઝડપાયા હતાં. કેમકે ગયા સપ્તાહના 72.68ની સપાટી સામે રૂપિયો 73.39 પર બંધ રહ્યો હતો. રિઝર્વ બેંક ઘણા સમયથી રૂપિયાની નિકાસ સ્પર્ધાત્મક્તા જાળવવા ડોલરની ખરીદી કરતી આવી છે. આમ મંગળવારે ડોલરની ઊંચી માગ જળવાય હતી. એનાલિસ્ટ્સના મતે બુધવારે પણ આયાતકારોની ખરીદી ઊંચી જોવા મળશે. જેની પાછળ રૂપિયો વધુ ઘસારો દર્શાવી શકે છે. તેમના મતે સુધારે ડોલરને 200 ડીએમએનો 73.85નો મજબૂત અવરોધ છે. જ્યારે નીચે 72.84 ડોલરનો 50-ડીએમએનો સપોર્ટ છે. આમ ડોલર જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજુ ઝડપી વધ-ઘટ જોવા મળશે. મંગળવારે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 93.12ની સાડા ચાર મહિનાની ટોચ પર પહોંચ્યો હતો. જે સૂચવે છે કે ડોલરમાં નવેસરથી તેજી થઈ રહી છે અને તેની ઈમર્જિંગ અર્થતંત્રોની કરન્સી પર વિપરીત અસર જોવા મળી શકે છે.
નઝારા ટેક્નોલોજીસ મજબૂત લિસ્ટીંગ બાદ સેલર સર્કિટમાં
જાણીતા ઈન્વેસ્ટર રાકેશ ઝૂનઝૂનવાલાનું રોકાણ ધરાવતી નઝારા ટેક્નોલોજીસના શેરનું આઈપીઓમાં ઓફરભાવ રૂ. 1101 સામે એનએસઈ ખાતે 81 ટકા પ્રિમીયમે રૂ. 1990ના ભાવે લિસ્ટીંગ જોવા મળ્યું હતું. ત્યારબાદ શેરનો ભાવ રૂ. 2024.90ની ટોચ બનાવી રૂ. 1592ની નીચલી સર્કિટમાં બંધ રહ્યો હતો. લિસ્ટીંગ નિયમ મુજબ ઓપનીંગ ભાવથી 20 ટકા નીચે સેલર સર્કિટ લાગુ પડે છે. જે કારણથી નઝારાનો શેર ઓફરભાવ સામે 44.60 ટકા ઉપર 1592ની સેલર સર્કિટમાં બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે તે રૂ. 1676.80ની સેલર સર્કિટમાં બંધ રહ્યો હતો. બંને એક્સચેન્જિસ પર લગભગ એક-એક લાખ બાયર્સ ઊભા હતાં. કંપનીમાં 10 ટકાથી વધુ હિસ્સા સાથે લિસ્ટીંગ ભાવે રાકેશ ઝૂનઝૂનવાલાની માર્કેટ વેલ્થ રૂ. 656 કરોડ થવા જતી હતી.