Market Tips

Market Summary 3 Sep 2021

માર્કેટ સમરી

સેન્સેક્સ-નિફ્ટીની વધુ એક ટોચ, સેન્સેક્સે 58 હજાર કૂદાવ્યું

ભારતીય બજારમાં શુક્રવાર વોલેટિલિટી ભર્યો રહ્યો હતો. જોકે આખરે તેજીવાળાઓ વિજેતા બની રહ્યાં હતાં અને બેન્ચમાર્ક્સ નવી ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ 277 પોઈન્ટ્સ ઉછળી 58129ની સર્વોચ્ચ સપાટીએ જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ્સ ઉછળી 17324ની ટોચ પર બંધ રહ્યો હતો. બજારને બેંકિંગ સિવાય લગભગ મહત્વના ક્ષેત્રોનો સપોર્ટ સાંપડ્યો હતો. બેંક નિફ્ટી 0.2 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી હતી અને મીડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સ પણ સુધારા સાથે બંધ રહ્યાં હતાં.


એચડીએફસી લાઈફ રૂ. 6687 કરોડમાં એક્સાઈડ લાઈફ ખરીદશે

દેશમાં લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે સૌથી મોટી ખરીદીમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપની એચડીએફસી લાઈફે જણાવ્યું હતું કે તે એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી એક્સાઈડ લાઈફ ઈન્શ્યોરન્સની રૂ. 6887 કરોડમાં ખરીદી કરશે. તેને રેગ્યુલેટરી મંજૂરી મળ્યાં બાદ એચડીએફસી લાઈફ સાથે મર્જ કરવામાં આવશે. આ સોદા બાદ એચડીએફસી લાઈફમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 4.1 ટકાનો હિસ્સો ધરાવતી હશે. હાલમાં દેશમાં કુલ 24 જીવન વીમા કંપનીઓ સક્રિય છે. જેમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન જાહેર સાહસ છે. જ્યારે અન્ય 23 કંપનીઓ ખાનગી ક્ષેત્રની છે. અગાઉ એચડીએફસી લાઈફે મેક્સ લાઈફને ખરીદવાનો ઈરાદો દર્શાવ્યો હતો પરંતુ રેગ્યુલેટરી અવરોધોને કારણે આ સોદો થઈ શક્યો નહોતો. જોકે એક્સાઈડ લાઈફની ખરીદીમાં કોઈપણ પ્રકારના રેગ્યુલેટરી અવરોધો નડે તેવી શક્યતાને વર્તુળો નકારે છે. અગાઉ 2005માં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની રિલાયન્સ કેપિટલે એએમપી સાન્મારનો સમગ્ર હિસ્સો રૂ. 100 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ 16 વર્ષે લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે પ્રથમ ખરીદી જોવા મળી છે. રૂ. 6887 કરોડના ડીલમાં એચડીએફસી લાઈફ એક્સાઈડ લાઈફને ખરીદવા રૂ. 725 કરોડની કેશ ચૂકવશે. જ્યારે બાકીની ચૂકવણી રૂ. 685ના ભાવે 8.702 કરોડ શેર્સ ઈસ્યુ કરીને કરશે.

ICICI પ્રૂડે. લાઈફનો રૂ. એક લાખ કરોડ માર્કેટ-કેપ ક્લબમાં પ્રવેશ

ખાનગી ક્ષેત્રની લાઈફ ઈન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સે શુક્રવારે રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવતી ક્લબમાં પ્રવેશ કર્યો હતો. દેશમાં લગભગ 70 કંપનીઓ રૂ. એક લાખથી વધુ એમ-કેપ ધરાવે છે. કંપનીનો શેર અગાઉના રૂ. 675.70ના બંધ ભાવ સામે 3.20 ટકા ઉછળી રૂ. 708.20ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું એમ-કેપ રૂ. એક લાખ પર જોવા મળતું હતું. કંપનીનો શેર વાર્ષિક રૂ. 347.65ના તળિયા સામે 100 ટકા રિટર્ન સૂચવી રહ્યો છે. એચડીએફસી લાઈફ રૂ. 1.47 લાખ કરોડ જ્યારે એસબીઆઈ લાઈફ રૂ. 1.29 લાખ કરોડનું એમ-કેપ ધરાવે છે.

ટાટા કેપિટલની રૂ. 11500 કરોડ ઊભા કરવાની વિચારણા

ટાટા જૂથની નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની ટાટા કેપિટલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ રૂ. 11500 કરોડ ઊભા કરવાનું આયોજન કરી રહી છે. નાણાકિય વર્ષ 2020-21માં કંપનીનું કુલ ધિરાણ રૂ. 75806 કરોડ પર પહોંચ્યું હતું. બેકિંગ વર્તુળોના જણાવ્યા અનુસાર કંપની આ મુદ્દે આખરી નિર્ણય માટે 6 સપ્ટેમ્બરે મળશે. ટાટા કેપિટલની માલિક કંપની અને ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે તેના શેરધારકોને આગામી મહિનાઓમાં રૂ. 40 હજાર કરોડનું ડેટ ઊભું કરવાની યોજના હોવાનું જણાવ્યાના ટૂંકાગાળામાં ટાટા કેપિટલે ફંડ ઊભું કરવાનું જણાવ્યું છે.

સ્નેપડીલની 40 કરોડ ડોલરના IPO માટે વિચારણા

સોફ્ટબેંક ગ્રૂપ સહિતના રોકાણકારો ધરાવતી અને એક સમયે દેશમાં ટોચના ત્રણ ઈ-કોમર્સ પ્લેયરમાં સમાવિષ્ટ સ્નેપડીલ પણ હવે અન્ય સ્ટાર્ટ-અપ્સની સાથે આઈપીઓ લાવવા માટે વિચારી રહી છે. ઈ-કોમર્સ રિટેલર આઈપીઓ મારફતે 40 કરોડ ડોલર સુધીની રકમ ઊભી કરી શકે છે. એડવાઈઝર્સના જણાવ્યા મુજબ કંપની 2.5 અબજ ડોલરનું વેલ્યૂએશન મેળવી શકે છે.

 

RILમાં ઉછાળા બાદ મુકેશ અંબાણીએ 100 અબજ ડોલરની માર્કેટ વેલ્થ નોંધાવી

શુક્રવારે શેરમાં 4 ટકા સુધારા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ-કેપ 207 અબજ ડોલર ઉપર જોવા મળ્યું  

જૂન 2018માં પ્રથમવાર રૂ. 1000ની સપાટી સ્પર્શયાં બાદ રિલાયન્સના શેરે દર વર્ષે રૂ. 500ની વૃદ્ધિ દર્શાવી

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરે એક વર્ષ બાદ મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યાં સાથે કંપનીના પ્રમોટર મુકેશ અંબાણી પરિવારની માર્કેટ વેલ્થ 100 અબજ ડોલરને પાર કરી ગઈ છે. શુક્રવારે બીએસઈ ખાતે કંપનીનો શેર 4.12 ટકા સુધારે રૂ. 2388.25ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેની માર્કેટ-કેપ રૂ. 15.14 લાખ કરોડ અથવા 207.4 અબજ ડોલર થઈ હતી. કંપનીમાં 50.6 ટકા હિસ્સા લેખે પ્રમોટર્સની વેલ્થ 104 અબજ ડોલરથી વધુ બેસતી હતી.

દેશમાં હાઈડ્રો કાર્બન, ટેલિકોમ અને રિટેલ જાયન્ટના શેરે લગભગ એક વર્ષ બાદ બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. 2021ની મધ્યમાં ટેલિકોમ ઓપરેશન રિલાયન્સ જીઓમાં તબક્કાવાર હિસ્સા વેચાણ મારફતે મૂડી ઊભી કરી ડેટ ફ્રી બન્યાં બાદ કંપનીએ 16 સપ્ટેમ્બર, 2021ના રોજ રૂ. 2369ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ કંપનીનો શેર લાંબો સમય કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો અને રૂ. 1850-2200ની રેંજમાં અથડાતો રહ્યો હતો. તાજેતરમાં સાઉદી અરામ્કો સાથેનું ડીલ ટૂંક સમયમાં થવાના અહેવાલો બાદ શેરમાં મજબૂતી જોવા મળી હતી અને છેલ્લા એક મહિનામાં તેણે 15 ટકા જેટલું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું. શુક્રવારે તેણે રૂ. 94.60ના ઉછાળા સાથે અગાઉની ટોચને ઊંચા વોલ્યુમ સાથે પાર કર્યું હતું અને નવી ટોચ પર બંધ દર્શાવ્યું હતું. જો છેલ્લા ચાર કેલેન્ડર્સ દરમિયાન રિલાયન્સના શેરની મૂવમેન્ટ જોઈએ તો તેણે દરેક વર્ષ દરમિયાન રૂ. 500નો સુધારો નોંધાવ્યો હતો. એટલેકે જૂન 2018માં રૂ. 1000નું સીમાચિહ્ન હાંસલ કર્યાં બાદ નવેમ્બર 2019માં રૂ. 1500 અને જુલાઈ 2020માં રૂ. 2000ના સ્તર દર્શાવ્યાં હતાં. જોકે રૂ. 500થી રૂ. 1000ની સફર માટે તેણે લગભગ 11 વર્ષો લીધાં હતાં. તેણે સપ્ટેમ્બર 2007માં પ્રથમવાર રૂ. 500ની સપાટી દર્શાવી હતી. જોકે ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર બજારમાં મોટો અન્ડરપર્ફોર્મર બની રહ્યો હતો. જીઓની ઝડપી સફળતાએ શેરના ભાવમાં પણ રોકાણકારોની રસમાં વૃદ્ધિ કરી હતી અને ત્રણ વર્ષોના ગાળામાં તેણે 3 ગણુ રિટર્ન દર્શાવ્યું હતું. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 207 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવતી એકમાત્ર ભારતીય કંપની છે. 2019માં ટીસીએસને માર્કેટ-કેપમાં પાછળ રાખ્યા બાદ તેણે ટોચની માર્કેટ-કેપ કંપની તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. તાજેતરમાં ટીસીએસના શેરમાં સુધારા બાદ તે આરઆઈએલની નજીક આવ્યો હતો અને ત્રણ સત્રો અગાઉ બંને વચ્ચે રૂ. 20 હજાર કરોડનો માર્કેટ-કેપ ગેપ જોવા મળતો હતો. જોકે બે દિવસથી ટીસીએસમાં કોન્સોલિડેશનમાં જોવા મળે છે. જ્યારે શુક્રવારે આરઆઈએલના શેરમાં નોંધપાત્ર સુધારા બાદ બંને વચ્ચે રૂ. એક લાખ કરોડનો માર્કેટ-કેપ ગાળો ઊભો થયો છે. એનાલિસ્ટ્સના મતે રિલાયન્સનો શેર હાલમાં નવી ટેરિટરીમાં જોવા મળી રહ્યો છે. જો સાઉદી એરામ્કો ડીલને લઈને કોઈ મહત્વના ન્યૂઝ આવશે તો તેમાં એક વધુ સુધારો સંભવ છે.

 

રિલાયન્સ ઈન્ડ.ના શેરના મહત્વના પડાવ

ભાવ            મહિનો

રૂ. 500         13 સપ્ટેમ્બર 2007

રૂ. 1000        15 જૂન 2018

રૂ. 1500        20 નવેમ્બર 2019

રૂ. 2000       22 જુલાઈ 2020

રૂ. 2395       3 સપ્ટેમ્બર 2021

 

કોર્પોરેટ્સે જુલાઈમાં ECB મારફતે 60 ટકા વધુ રકમ ઊભી કરી

ગયા વર્ષે જુલાઈમાં 2.147 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 3.434 અબજ ડોલર મેળવ્યાં

ભારતીય કોર્પોરેટ્સ વિદેશમાંથી નીચા દરે ઋણ ઊભું કરવા તરફ વળ્યાં છે. ચાલુ વર્ષે જુલાઈમાં તેમણે એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ(ઈસીબી) મારફતે કુલ 3.434 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.147 અબજ ડોલરની સરખામણીમાં 60 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. વર્તુળોના મતે આ માટેનું મુખ્ય કારણ સસ્તું ડોલર ધિરાણ તેમજ વિદેશી રોકાણકારોની ક્વોલિટી પેપર્સમાં રોકાણની તૈયારી છે. જૂન 2021માં  1.484 અબજ ડોલર સામે જુલાઈમાં ઈસીબી મારફતે 131 ટકા વધુ ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું.

ચાલુ નાણાકિય વર્ષની શરૂઆતથી જ ભારતીય કંપનીઓ વિદેશી બજારમાં ફંડ એકત્ર કરવામાં સક્રિય જોવા મળી છે. એપ્રિલથી જુલાઈ સુધીમાં તેમણે 8.024 અબજ ડોલર ઊભા કર્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.654 અબજ ડોલરની સરખામણીમાં 42 ટકાની વૃદ્ધિ સૂચવે છે. આ બાબત સૂચવે છે કે ભારતીય કોર્પોરેટ્સ વિદેશમાં ચાલી રહેલાં નીચા વ્યાજ દરનો લાભ લેવા માટે આતુર છે. તેમને ફેડ રિઝર્વના ટેપરિંગને કારણે માર્કેટમાં રેટ વૃદ્ધિનો ડર પણ છે. તે અગાઉ તેઓ તેમના બોરોઈંગ પ્રોગ્રામને પૂર્ણ કરવા માગે છે એમ વર્તુળો જણાવે છે. ગયા સપ્તાહે યુએસ ફેડ ચેરમેને જેક્સન હોલમાં તેમના વક્તવ્યમાં ચાલુ કેલેન્ડરની આખર સુધીમાં ટેપરિંગની વાતને સમર્થન આપ્યું હતું. જોકે તેમણે રેટ વૃદ્ધિનો ઈન્કાર કર્યો હતો. એકબાજુ સ્થાનિક સ્તરે બેંકિંગ કંપનીઓનો ક્રેડિટ ઓફટેકમાં કોઈ વૃદ્ધિ જોવા મળી રહી નથી. જ્યારે બીજી બાજુ કંપનીઓ વિદેશમાંથી મોટા પ્રમાણમાં નાણા ઊભા કરી રહી છે. જૂનમાં 6.2 ટકાના ક્રેડિટ ગ્રોથ સામે જુલાઈમાં ક્રેડિટ ગ્રોથ 0.2 ટકા વધી 6.4 રહ્યો હતો. આમ તેમાં કોઈ મોટો વધારો નહોતો જોવા મળ્યો.

અગાઉ 2006થી 2008 દરમિયાન ભારતીય કંપનીઓએ મોટા પ્રમાણમાં નાણાની જરૂરિયાત પૂરી કરવા ઈસીબીનો ઉપયોગ કર્યો હતો. જોકે જે કંપનીઓએ યોગ્ય કરન્સી હેજનો ઉપયોગ નહોતો કર્યો તેમને માટે પાછળથી ખૂબ મોટી જવાબદારી ઉઠાવવાની થઈ હતી. ચાલુ વર્ષે વિદેશમાંથી ઈસીબી મારફતે નાણા ઊભા કરનાર કોર્પોરેટ્સમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન(75 કરોડ ડોલર), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(50 કરોડ ડોલર), આરઈસી(40 કરોડ ડોલર), મેટિક્સ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ(32 કરોડ ડોલર), અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ(30 કરોડ ડોલર) અને એચડીએફસી(25 કરોડ ડોલર)નો સમાવેશ થાય છે. ઈસીબીનો અર્થ યોગ્યતા ધરાવતાં સ્થાનિક કોર્પોરેટ દ્વારા માન્યતા ધરાવતી વિદેશી કંપની પાસેતી મેળવેલી કમર્સિયલ લોન એવો થાય છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.