Categories: Market TipsNEWS

Market Summary 3 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

પ્રોફિટ બુકિંગ પાછળ સેન્સેક્સ 770 પોઈન્ટ્સ ગગડ્યો
ઓટો સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ
નેગેટિવ માર્કેટમાં પણ સુગર શેર્સમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં ખરીદી અટકતાં માર્કેટ-બ્રેડ્થ ન્યટ્રલ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 3 ટકાનો સુધારો
વૈશ્વિક બજારોમાં અન્ડરટોન ફરી નરમ બન્યો

સતત ત્રણ સત્રો દરમિયાન એક ટકાથી વધુ સુધારો દર્શાવ્યાં બાદ ગુરુવારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ નીકળ્યું હતું. જેની પાછળ બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ ઘટી બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 770.31 પોઈન્ટ્સ ગગડી 58788.02 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 219.80 પોઈન્ટ્સ ગગડી 17560.20ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેસ 2.73 ટકા વધી 19.16 પર જોવા મળ્યો હતો. નિફ્ટીના 50માઁથી 39 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટરમાં જ સુધારો નોંધાયો હતો.
યુએસ બજાર ખાતે બુધવારે ચોથા દિવસે સુધારા છતાં ભારતીય બજારમાં કામકાજની શરૂઆત સાધારણ નેગેટિવ જોવા મળી હતી અને બજાર દિવસ દરમિયાન ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. સત્રના અંતિમ કલાકમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને ઈન્ડાઈસિસ એક ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી 17511.15ના દિવસના તળિયેથી લગભગ 50 પોઈન્ટ્સના બાઉન્સ સાથે બંધ જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના મતે સતત ત્રણ દિવસોથી સુધારા બાદ માર્કેટમાં ઊંચા મથાળે વેચાણ સ્વાભાવિક હતું. બજેટમાં બજારને લઈને ખાસ કોઈ પોઝીટીવ જાહેરાતો નહિ હોવાથી બજેટ બાદ બજારમાં મોટી તેજીની અપેક્ષા નથી. જોકે માર્કેટ ધીમે-ધીમે સુધારાતરફી બની રહેવાની શક્યતાં તેઓ વ્યક્ત કરે છે. કેમકે વૈશ્વિક સ્તરે પણ મોટાભાગના નેગેટિવ પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. ખાસ કરીને યુએસ બજારો ફેડની રેટ વૃદ્ધિની જાહેરાત બાદ નોંધપાત્ર સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. એશિયન બજારોમાં બે દિવસની રજા બાદ ખૂલેલાં સિંગાપુર અને કોરિયાના બજારોમાં 2 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. ચીન, હોંગ કોંગ અને તાઈવાન બજારોએ લ્યુનાર વેકેશનને કારણે રજા જાળવી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17700-17800ની રેંજમાં એક મહત્વનો અવરોધ નડી રહ્યો છે. જે પાર કરવામાં તેને કેટલોક સમય લાગશે. જોકે આ સ્તર પાર થશે તો તે 18 હજાર અને ત્યારબાદ 18500 સુધીનો સુધારો દર્શાવે તેવી શક્યતા તેઓ વ્યક્ત કરે છે. જ્યારે 16800ને તેઓ મહત્વનો સપોર્ટ ગણાવે છે. જ્યાઁથી બેન્ચમાર્ક પરત ફર્યો હતો.
જાન્યુઆરી માટે ટુ-વ્હીલર્સ વેચાણના આંકડામાં વાર્ષિક 21 ટકા ઘટાડા છતાં દ્વિ-ચક્રિય વાહન ઉત્પાદ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં ટીવીએસ મોટરનો શેર 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે હીરોમોટોકો 3 ટકા, બજાજ ઓટો 2.5 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો એકમાત્ર પોઝીટીવ સેક્ટરલ સૂચકાંક હતો. અન્ય તમામ સૂચકાંકો નેગેટિવ બંધ રહ્યાં હતાં. જેમાં રિઅલ્ટી ઈન્ડેક્સ 1.74 ટા સાથે સૌથી ખરાબ જોવા મળ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ પણ 1.08 ટા ગગડ્યો હતો. જ્યારે પીએસઈ સૂચકાંકમાં 1.12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. લાર્જ-કેપ્સ પાછળ બ્રોડ માર્કેટમાં પણ લેવાલી અટકી હતી. બીએસઈ ખાતે 3438 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1669 પોઝીટીવ જ્યારે 1969 નેગેટિવ બંધ રહ્યાં હતાં. આમ માર્કેટ બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ જળવાય હતી. જ્યારે 425 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં તથા 152 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં.

સુગર શેર્સમાં સાર્વત્રિક ખરીદી
ગુરુવારે બ્રોડ માર્કેટમાં સ્થિરતા વચ્ચે સુગર શેર્સમાં ચોમેર લેવાલી જોવા મળી હતી. જેમાં બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનીયરીંગ જેવા કાઉન્ટર્સે સારા પરિણામો પાછળ 6 ટકાથી વધુ સુધારો નોંધાવ્યો હતો. 22 જેટલા લિસ્ટેડ સુગર શેર્સમાંથી એકને બાદ કરતાં તમામ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં.
સુગર શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ ગુરુવારનો સુધારો(ટકામાં)
બલરામપુર ચીની 6.91
ત્રિવેણી એન્જિનીયરીંગ 6.20
રેણુકા સુગર્સ 4.97
પોન્ની ઈરોડ 4.88
ધામપુર સુગર 4.74
KCP સુગર 4.38
દ્વારકેશ સુગર 4.04
ઉત્તમ સુગર 3.58
KM સુગર 3.33



LICની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 5 લાખ કરોડ નક્કી કરવામાં આવી
જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ઈન્શ્યોરન્સ બ્રાન્ડ
જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 5 લાખ કરોડ(66.82 અબજ ડોલર) નક્કી કરવામાં આવી હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. આગામી મહિને માર્કેટમાં પ્રવેશવાની શક્યતાં ધરાવતાં મેગા ઈસ્યુની એમ્બેડેડ વેલ્યૂને લઈને રોકાણકારોમાં ઘણી આતુરતા જોવા મળી રહી હતી. એમ્બેડેડ વેલ્યૂ એ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે ભાવિ કેશ ફ્લોને નિર્ધારિત કરતો એક માપદંડ ગણાય છે. કંપની ગણતરીના દિવસોમાં તેનું ડીઆરએચપી રજૂ કરે તેવું માનવામાં આવે છે. એમ્બેડેડ વેલ્યૂ નક્કી કરનાર રિપોર્ટમાં જણાવ્યા મુજબ એલઆઈસી વિશ્વમાં ત્રીજા ક્રમની મજબૂત ઈન્શ્યોરન્સ બ્રાન્ડ પણ છે.
અગાઉ માધ્યમોમાં એલઆઈસીની એમ્બેડેડ વેલ્યૂને લઈને મોટી રેંજમાં અંદાજો લગાવવામાં આવી રહ્યાં હતાં. જેમાં નીચામાં 53 અબજ ડોલરથી લઈ ઉપરમાં 150 અબજ ડોલર સુધીના અંદાજોનો સમાવેશ થાય છે. જોકે પ્રથમવાર સરકાર તરફથી તેની એમ્બેડેડ વેલ્યૂ પર કોઈ ટિપ્પણી કરવામાં આવી છે. કંપનીની એમ્બેડેડ વેલ્યૂ એલઆઈસીના માર્કેટ વેલ્યૂએશનને નક્કી કરશે. જેના પરથી સરકાર આઈપીઓમાંથી કેટલાં નાણા ઊભા કરશે તે નિશ્ચિત થશે. સરકાર માટે નાણાકિય ખાધને પૂરવા માટે એલઆઈસી આઈપીઓમાંથી ઊભી થનારી રકમ ખૂબ મોટી બની રહેશે.
સામાન્યરીતે ઈન્શ્યોરન્સ કંપનીનું વેલ્યૂએશન એમ્બેડેડ વેલ્યૂથી 3-5 ગણુ આકારવામાં આવે છે. કેટલાંક અહેવાલો અનુસાર સરકાર એમ્બેડેડ વેલ્યૂથી ચાર ગણા દરે કંપનીનો આઈપીઓ લાવી શે છે. એટલેકે રૂ. 20 લાખ કરોડ આસપાસનું વેલ્યૂએશન જોવા મળી શકે છે. વર્તુળો જણાવે છે કે સરકાર આઈપીઓમાંથી 12 અબજ ડોલર મેળવવાની અપેક્ષા રાખે છે. જે સરકારને ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા નજીક લઈ જશે.


એટ્રીશનથી અસરગ્રસ્ત કોગ્નિઝન્ટે 2021માં 41 હજારની નિમણૂંક કરી
ન્યૂ જર્સી મુખ્યાલય ધરાવતી આઈટી સર્વિસિંગ કંપની કોગ્નિઝન્ટે કેલેન્ડર 2021માં 41 હજાર કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જેમાં ભારતમાંથી 33 હજાર નવા સ્નાતકોનો સમાવેશ થતો હતો. કંપનીએ ઉદ્યોગ ક્ષેત્રે 31 ટકાનો સૌથી ઊંચો એટ્રીશન રેટ અનુભવ્યો હતો અને તેથી જ તેણે ઊંચા હાયરિંગની નીતિ અપનાવી હોવાનું ગુરુવારે જણાવ્યું હતું. કંપનીના 66 ટકા કર્મચારીઓ ભારત સ્થિત છે. કંપનીએ તેના કર્મચારીઓને ટ્રેનીંગ માટે 2.3 કરોડ કલાકો ખર્ચ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. કંપની કુલ 3.3 લાખ કર્મચારીઓ ધરાવે છે. કંપનીના કેટલાંક મોટા પ્રોજેટ્સમાં કર્મચારીઓ 50 ટકા વેતન વૃદ્ધિ સાથે તેની ક્લાયન્ટ્સ કંપનીઓમાં જોડાયા હોવાનું પણ વર્તુળો જણાવે છે. કંપનીના મતે હજુ છ મહિના સુધી એટ્રીશન રેટ ઊંચો જોવા મળી શકે છે.
ગૂગલ શેરના 20 ટૂકડાઓમાં સ્પ્લિટ કરશે
વૈશ્વિક ટેક જાયન્ટ ગૂગલે તેના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત સાથે વર્તમાન શેરને 20 ટુકડાઓમાં વિભાજન કરવાની જાહેરાત પણ કરી હતી. કંપનીએ શેરને વધુ એફોર્ડેબલ બનાવવા માટે આ નિર્ણય લીધો હતો. કંપનીનો શેર પરિણામોની જાહેરાત બાદ 8 ટકા ઉછળી 2960 ડોલર પર બંધ રહ્યો હતો. જોકે તેણે દિવસ દરમિયાન 3000 ડોલરની સપાટી પાર કરી 3030.93 ડોલરની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. વર્તમાન ભાવે ટુકડા બાદ કંપનીનો શેર 148 ડોલર આસપાસનું મૂલ્ય ધરાવતો હોય શકે છે.
સોનું સ્થિર, ક્રૂડ-નેચરલ ગેસમાં નરમાઈ
ગુરુવારે સોનામાં સ્થિરતા જોવા મળી હતી. વૈશ્વિ બજારમાં તે 1809 ડોલરની દિવસની ટોચ દર્શાવી 1805 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. જે અગાઉના બંધ સામે 5 ડોલર નીચે ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર રૂ. 39ના સુધારે રૂ. 47961 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ચાંદી રૂ. 550ના ઘટાડે રૂ. 50955ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. એમસીએક્સ નેચરલ ગસમાં 6 ટકાનો તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ક્રૂડમાં એક ટકા ઘટાડો જોવા મળતો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.4 ટકા ઘટાડા સાથે 88.30 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.







ખાનગી કેપેક્સમાં 2022-23ની આખરમાં વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં જોતાં કોર્પોરેટ્સ
સરકારે નવા ઓર્ડર્સ આપવામાં કરેલા વિલંબ ઉપરાંત લિટિગેશન તથા મજૂરોની અછત જેવા કારણો જવાબદાર
નાણાપ્રધાન નિર્મળા સીતારામણે નવા નાણા વર્ષ માટે સરકાર દ્વારા વિક્રમી રૂ. 7.5 લાખ કરોડના ખર્ચનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે આમ છતાં ભારતીય કંપનીઓ દ્વારા નવા રોકાણ માટે હજુ કેટલાંક ક્વાર્ટર્સનો સમય લાગી શકે છે એમ અગ્રણી કોર્પોરેટ્સના ચીફ એક્ઝિક્યૂટીવ્સનું માનવું છે. તેમના મતે સરકાર દ્વારા નવા ઓર્ડર્સ આપવામાં થયેલાં વિલંબ ઉપરાંત લિટિગેશન તથા મહામારીને કારણે મજૂરોની અછત જેવા કારણોને લીધે ખાનગી ક્ષેત્ર તરફથી મૂડી ખર્ચમાં વિલંબ થશે.
હાલમાં કેટલાંક ટોચના કોર્પોરટ જૂથો સિવાય બહુ ઓછી કંપનીઓ નવા મૂડીખર્ચ માટે તૈયાર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી, ટાટા અને જેએસડબલ્યુ જેવા જૂથો તેમના નવા પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરી રહ્યાં છે. જોકે ઘણા મોટા જૂથો તેમજ મધ્યમ કક્ષાના ઔદ્યોગિક જૂથો હજુ રોકાણ માટે રાહ જોવાનું પસંદ કરીને બેઠાં છે. આદિત્ય બિરલા જૂથ આગામી દાયકા માટે કેપેક્સ મહોત્સવની વાત કરી રહ્યું છે અને તે નવા પેઈન્ટ્સ બિઝનેસમાં રોકાણ કરી રહ્યું છે. વિવિધ કંપનીઓના વડાઓનું માનવું છે કે આર્થિક રિકવરીમાં પણ થોડો વિલંબ જોવા મળી રહ્યો છે. જેના કારણોમાં કોવિડના નવા વેરિઅન્ટ્સ ઉપરાંત કોમોડિટીઝના ઊંચા ભાવો, રો મટિરિયલ્સની તંગી જેવા પરિબળો કારણભૂત છે. જેમકે ઓટોમોબાઈલ ઉદ્યોગને સેમીકંડ્ટરની અછત સતાવી રહી છે.
કેપિટલ ગુડ્ઝ કંપની લાર્સન એન્ડ ટુબ્રોના સીએફઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જંગી ખર્ચની જાહેરાત એક પોઝીટીવ બાબત છે. જેની પાછળ ખાનગી ક્ષેત્ર તરફથી પણ રોકાણનો પ્રવાહ શરૂ થઈ શકે છે. જોકે આ માટે 24-36 મહિના જેટલો સમય લાગશે એમ તેમનું માનવું છે. 2022-23ના આખરી ક્વાર્ટરથી પ્રાઈવેટ કેપેક્સમાં વૃદ્ધિ જોવા મળે તેમ તેઓ માને છે. અગ્રણી કન્ઝ્યૂમર ડ્યૂરેબલ કંપનીના સીઈઓ અને એમડીના મતે હાલમાં બિઝનેસિસ તેમના પ્રાઈસિંગમાં સ્પર્ઘાત્મક બની રહેવા માટેનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેને કારણે જ સનરાઈઝ સેક્ટર્સમાં ફ્રેશ રોકાણમાં લાંબા સમયથી એક વિરામ જોવા મળી રહ્યો છે. જોકે 2022ના બીજા અર્ધવાર્ષિ ગાળાથી ઈન્ડસ્ટ્રીઅલ કેપેક્સમાં વૃદ્ધિ જોવા મળશે એવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યાં છે.





જંગી સરકારી બોરોઈંગ યોજના પાછળ રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ સંભવ
આગામી મંગળવારની બેઠકમાં આરબીઆઈ રિવર્સ રેપોમાં 15-40 ટકા વૃદ્ધિ કરે તેવી વ્યાપક માન્યતા
સામાન્યરીતે રિવર્સ રેપો અને રેપો વચ્ચેનો 25 બેસીસ પોઈન્ટ્સનો ગાળો હાલમાં 100 બેસીસ પોઈન્ટ્સ

કેન્દ્રિય બજેટમાં સરકારે રજૂ કરેલા જંગી બોરોઇંગ પ્રોગ્રામને જોતાં આગામી મંગળવારે મળનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકિય સમીક્ષા બેઠકમાં રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિની શક્યતાં જોવામાં આવી રહી છે. સરકારે બજેટમાં રૂ. 14.1 લાખ કરોડના ગ્રોસ બોરોઈંગની જ્યારે રૂ. 11.6 લાખ કરોડના નેટ બોરોઈંગની જાહેરાત કરી હતી. જે માર્કેટની અપેક્ષા કરતાં ખૂબ વધારે હતી. જેની પાછળ સેન્ટ્રલ બેંક પર પોલિસી નોર્મલાઈઝેશન માટે દબાણ ઊભું થવાની શક્યતાં જોવામાં આવી રહી છે.
આરબીઆઈએ બજારમાં જોવા મળી રહેલી અધિક લિક્વિડીટીને શોષવાનું અગાઉ શરૂ કર્યું હતું. તેણે ગવર્મેન્ટ સિક્યૂરિટીઝ એક્વિઝીશન પ્રોગ્રામને પરત ખેંચ્યો હતો. જેની પાછળ શોર્ટ-ટર્મ માટેના રેટમાં મજબૂતી જોવા મળી હતી. હવેનું પગલું રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિનું હોઈ શકે છે. જેની પાછળ પોલિસી નોર્મલાઈઝેશન થઈ શકે છે. મે 2020થી રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર જોવા મળે છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. જેની પાછળના મુખ્ય કારણોમાં યુએસ ફેડની બેઠકની મિનિટ્સ અને બીજું કારણ બજેટ સ્પીચ હતું. જેમાં નાણાપ્રધાને ફિસ્કલ ડિપોઝીટને સુધારીને ઊંચા સ્તરે રજૂ કરી હતી. જ્યારે બીજી બાજુ ભારતીય બોન્ડ્સના ઈન્ડેક્સ ઈન્ક્લૂઝનને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જેને જોતાં હવે આરબીઆઈએ તેની પ્રતિક્રિયા આપવી પડશે એમ અગ્રણી મ્યુચ્યુલ ફંડ્ના મેનેજર જણાવે છે. આગામી બેઠમાં તે રિવર્સ રેપો રેટ અને રેપો રેટ વચ્ચેના ગેપને સાંકડો પરવાનો પ્રયાસ કરે તેવી પૂરી શક્યતાં છે એમ તેઓ માની રહ્યાં છે. સામાન્યરીતે આ બંને રેટ્સ વચ્ચે 25 બેસીસ પોઈન્ટ્સનો ગેપ જોવા મળતો હોય છે. જોકે માર્ચ 2020 બાદ કોવિને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વખતે આ ગેપને આરબીઆઈએ પહોળો બનાવ્યો હતો અને તે એક ટકા જેટલો એટલેકે 100 બેસીસ પોઈન્સ પર પહોંચ્યો હતો. જોકે બેંક રેપો રેટમાં વૃદ્ધિ કરે તે અગાઉ રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ કરશે અને તેથી જ આગામી મંગળવારે તે રિવર્સ રેપો રેટમાં 15-40 બેસીસ પોઈન્ટ્સનો સુધારો કરી શકે છે. અગ્રણી બહુરાષ્ટ્રીય બેંકના રિસર્ચ હેડના મતે આરબીઆઈની એમપીસી આગામી બેઠકમાં જ પોલિસી નોર્મલાઈઝેશન શરૂ કરશે. તેમના મતે ઓગસ્ટ અને ડિસેમ્બર 2022 દરમિયાનમાં આરબીઆઈ રેપો રેટમાં પણ 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી શકે છે અને તે 4 ટકા પરથી 4.75 ટકા પર જોવા મળી શકે છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.