બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મજબૂત ટોન વચ્ચે બેન્ચમાર્ક્સે નવી ટોચ દર્શાવવાનો ક્રમ જાળવ્યો
નિફ્ટીએ 18600 પર પ્રથમવાર બંધ આપ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.3 ટકા સુધારે ફ્લેટ રહ્યો
એશિયન બજારોમાં હેંગ સેગમાં 5 ટકાથી વધુ ઉછાળો
એફએમસીજી કાઉન્ટર્સે બજારને સપોર્ટ પૂરો પાડ્યો
ICICI બેંક, આઈડીબીઆઈ બેંક નવી ટોચ પર
લૌરસ લેબ્સ, ડેલ્હિવરી નવા તળિયે
ભારતીય બજારમાં તેજીનો ક્રમ જળવાયો છે. મંગળવારે વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક્સે નવી ટોચ દર્શાવવાનો ક્રમ જાળવ્યો હતો. જેમાં બીએસઈ સેન્સેક્સ 177 પોઈન્ટ્સના સુધારે 62682ની સપાટીએ જ્યારે નિફ્ટી 55 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18618ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં મધ્યમસરની ખરીદી વચ્ચે માર્કેટ બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 25 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 25 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો હતો અને બ્રેડ્થ સાધારણ નેગેટિવ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.30 ટકાની સાધારણ મજબૂતી સાથે 13.61ની સપાટી પર બંધ રહ્યો હતો.
સપ્તાહના બીજા સત્રએ પણ કામકાજની શરૂઆત સાધારણ નબળી દર્શાવી હતી. જોકે પાછળથી તેજીવાળાઓની ખરીદી જળવાયેલી રહેતાં માર્કેટ પોઝીટીવ ઝોનમાં પરત ફર્યું હતું અને ઈન્ટ્રા-ડે નવી ટોચ દર્શાવી બંધની રીતે પણ નવી ટોચ પર જોવા મળ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 18678ની ટોચ બનાવી હતી. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 113 પોઈન્ટ્સ પ્રિમીયમ પર 18731ની સપાટીએ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીનો હવેનો ટાર્ગેટ 18800-19000નો છે. વૈશ્વિક બજારમાં મજબૂતી જોતાં આગામી દિવસોમાં વધુ મજબૂતી સંભવ છે. મંગળવારે એશિયા ખાતે જાપાનને બાદ કરતાં અન્ય તમામ બજારો પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જેમાં હોંગ કોંગનું બજાર 5 ટકાથી વધુ ઉછળ્યું હતું. જ્યારે ચીનનું બજાર 2 ટકાથી વધુનો સુધારો દર્શાવતું હતું. યુરોપ બજારો પણ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં હતાં. ભારતીય બજારમાં એફએમસીજી સેક્ટર તરફથી મુખ્ય સપોર્ટ જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં સુધારો દર્શાવવામાં હિંદુસ્તાન યુનિલિવર, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, નેસ્લે અને સન ફાર્મા રહ્યાં હતાં. બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી અને મેટલમાં ભારે લેવાલી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ 1 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો હતો. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એનર્જી પણ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે બેંકનિફ્ટી પણ પોઝીટીવ ટકી રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ઓટો અને નિફ્ટી પીએસયૂ બેંક નરમાઈ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મામાં લ્યુપિન 2.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જ્યારે સન ફાર્મા, ઝાયડસ લાઈફ, આલ્કમે લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ડાબર ઈન્ડિયાનો શેર 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત એબી કેપિટલ, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, મેરિકો, લ્યુપિન, દિપક નાઈટ્રેટ, આરબીએલ બેંકમાં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ લૌરસ લેબ્સ 9 ટકા તૂટ્યો હતો. જે ઉપરાંત ઈન્ડિયન હોટેલ્સ, એબીબી ઈન્ડિયા, વેદાંત, ટાટા કોમ્યુનિકેશન, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આઈજીએલ અને જીએસપીસી પણ ઊંચો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. રેલ્વે સાથે જોડાયેલી આઈઆરએફસીનો શેર વધુ 5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એબી કેપિટલ, સીસીએલ પ્રોડક્ટ્સ, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેંકના શેર્સ તેમની વાર્ષિક ટોચ પર જોવા મળ્યાં હતાં. તો અંબેર એન્ટરપ્રાઈઝિસ અને ડેલ્હીવેરીએ વાર્ષિક તળિયું બનાવ્યું હતું. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થની વાત કરીએ તો બીએસઈ ખાતે 3627 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1663 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1823 કાઉન્ટર્સ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. 147 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
વિસ્ટારાનું એર ઈન્ડિયા સાથે મર્જર થશેઃ સિંગાપુર એરલાઈન્સ
હાલમાં તાતા જૂથ વિસ્ટારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે સિંગાપુર એરલાઈન્સ પાસે બાકીનો 49 ટકા હિસ્સો રહેલો છે
સિંગાપુર એરલાઈન્સે(SIA) મંગળવારે જણાવ્યું હતું કે વિસ્ટારાનું તાત જૂથની માલિકીની એર ઈન્ડિયા સાથે મર્જર કરવામાં આવશે. હાલમાં તાતા જૂથ વિસ્ટારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે સિંગાપુર એરલાઈન્સ પાસે બાકીનો 49 ટકા હિસ્સો રહેલો છે. ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે સિંગાપુર એરલાઈન્સ પણ એર ઈન્ડિયામાં રૂ. 2058.5 કરોડનું રોકાણ કરશે. જ્યારબાદ સિંગાપુર એરલાઈન્સને એર ઈન્ડિયા ગ્રૂપમાં 25.1 ટકાનો હિસ્સો મળવા સાથે તમામ મહત્વના માર્કેટ સેગમેન્ટ્સમાં નોંધપાત્ર હાજરીનો લાભ પણ મળશે. SIA અને તાતા જૂથ માર્ચ 2024 સુધીમાં આ મર્જરની પ્રક્રિયા પૂરી કરવા ઈચ્છે છે. જોકે આનો મોટો આધાર રેગ્યુલેટરી મંજૂરી પર રહેશે એમ SIAએ એક યાદીમાં જણાવ્યું હતું. ગયા ઓગસ્ટમાં વિસ્તારા ભારતીય બજારમાં 9.7 ટકા આસપાસ માર્કેટ શેર ધરાવતી હતી. સ્થાનિક બજારમાં તેણે બીજો ક્રમ જાળવી રાખ્યો હતો.
ચીન પ્લાન્ટમાં તણાવથી એપલ પ્રોના પ્રોડક્શનમાં 60 લાખ નંગ ઘટાડાની શક્યતાં
સોમવારે એપલનો શેર પખવાડિયામાં સૌથી વધુ 2.6 ટકા ગગડી 144.22 ડોલર પર બંધ રહ્યો હતો
ચીનના ઝેંગઝાઉ સ્થિત એપલ ઈન્કની મેન્યૂફેક્ચરિંગ સુવિધા ખાતે તણાવને કારણે ચાલુ વર્ષે એપલ પ્રો મોડેલના ઉત્પાદનમાં 60 લાખ યુનિટ્સની તંગી જોવા મળે તેવી શક્યતાં હોવાનું એસેમ્બલી કામકાજ સાથે જોડાયેલા વર્તુળો જણાવે છે. આ અહેવાલ પાછળ એપલના શેરમાં સોમવારે 2.5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જે કંપનીના શેરમાં છેલ્લાં બે સપ્તાહનો સૌથી મોટું મૂડી ધોવાણ હતું.
એપલના ભાગીદાર ફોક્સકોનના પ્લાન્ટ ખાતે સ્થિતિ પ્રવાહી જોવા મળી રહી છે અને પ્રોડક્શનમાં નુકસાનના અંદાજમાં ફેરફાર જોવા મળી શકે છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. તાઈવાની કંપની તેના પ્લાન્ટની કામગીરીને કેટલી ઝડપથી સામાન્ય બનાવે છે તેના પર ઉત્પાદનનો આધાર રહેલો છે. કોવિડ નિયંત્રણો સામે હિંસક વિરોધના કારણે પ્લાન્ટ ખાતેથી અનેક વર્કર્સને છૂટાં થવાથી એસેમ્બલી લાઈન્સની કામગીરી પર અસર પડી છે. જો લોકડાઉન્સ આગામી સપ્તાહોમાં આગળ વધશે તો ઉત્પાદન પર વધુ ગંભીર અસર જોવા મળી શકે છે. આ અહેવાલ પાછળ સેન્ટીમેન્ટ બગડતાં એપલના શેરમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. ચાલુ કેલેન્ડરમાં એપલનો શેર 19 ટકા જેટલો ગગડ્યો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ઝેંગઝાઉ કેમ્પસ પર જાણે કે પસ્તાળ પડી છે. કોવિડ ઈન્ફેક્શન્સને અટકાવવામાં ફોક્સકોન અને સ્થાનિક સરકારની નિષ્ફળતાને કારણે લોકડાઉન્સને કારણે કામદારો તરફથી સપ્તાહો સુધી વિરોધ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોની તંગીને કારણે હજારો કામદારો ઓક્ટોબરમાં ફેકટરી છોડીને નીકળી ગયા હતા. જેની સામે નવા કામદારો લેવાયાં હતાં. જોકે તેમણે વેતન અને ક્વોરેન્ટાઈઝન પ્રેકટિસિસ સામે બળવો કર્યો હતો. જેને કારણે તેમને કંપનીએ છૂટા કર્યાં હતાં. ફોક્સકોનની આ સુવિધા આઈફોન 14 પ્રો અને પ્રો મેક્સનું મોટાભાગનું ઉત્પાદન ધરાવે છે. એપલના આ બંને મોડેલ્સ ચાલુ વર્ષે ઊંચી માગ ધરાવે છે. અગાઉ એપલે તેના અગાઉના 9 કરોડ યુનિટ્સના ઉત્પાદનના અંદાજને ઘટાડી 8.7 કરોડ કર્યો હોવાનું અહેવાલો જણાવતાં હતાં. જોકે એપલ અને ફોક્સકોને છેલ્લાં બે સપ્તાહમાં ઉત્પાદનમાં ઘટાડાના અંદાજમાં વૃદ્ધિ કરી છે. જ્યારબાદ 2023માં એપલના ઉત્પાદનમાં 60 લાખ યુનિટ્સ ઘટાડાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જે સૂચવે છે કે કોવિડને કારણે એપલ પણ સપ્લાય ચેઈન અવરોધોને કારણે શંકા સેવી રહી છે.
રવિ વાવેતર 25 લાખ હેકટરનો આંક પાર કરી ગયું
ગઈ સિઝનમાં સમાનગાળામાં 15.14 લાખ હેકટર સામે 10.05 લાખ હેકટરમાં ઊંચું વાવેતર
છેલ્લા એક સપ્તાહમાં વાવેતરમાં 8.73 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ
ઘઉં, ચણા, રાયડા, ધાણા, જીરું, બટાટા, ડુંગળી, શાકભાજી સહિતના પાકોમાં નોંધપાત્ર વિસ્તાર વૃદ્ધિ
શિયાળુ વાવેતરની પ્રગતિ રાજ્યમાં ઝડપી બની છે. ગયા સપ્તાહમાં રવિ વાવણીમાં 8.73 લાખ હેકટરના ઉમેરા સાથે કુલ વાવેતર 25.19 લાખ હેકટરની સપાટી પર પહોંચ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 15.14 લાખ હેકટરની સરખામણીમાં 10.05 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ 44.75 લાખ હેકટરના વાવેતરની સરખામણીમાં 56 ટકા વિસ્તારમાં વાવણી પૂરી થયાનું સૂચવે છે. ત
તમામ મહત્વના શિયાળુ પાકોના વાવેતરમાં ચાલુ સિઝનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેમાં ઘઉં, ચણા, રાયડો, ધાણા, જીરું, બટાટા, ડુંગળી, શેરડી સહિતના પાકોનો સમાવેશ થાય છે. પિયન અને બિનપિયત મળી ઘઉંનું વાવેતર 5.76 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે સમાગાળામાં માત્ર 2.03 લાખ હેકટરમાં જોવા મળતું હતું. ચણાની વાત કરીએ તો 4.65 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 3.86 લાખ હેકટર પર હતું. ત્રણ વર્ષોની 7.75 લાખ હેકટરની સરખામણીમાં ચણાની વાવણી 60 ટકામાં સંપન્ન થઈ ચૂકી છે. રવિ તેલિબિયાં રાયડાની વાત કરીએ તો 2.81 લાખ હેકટરમાં વાવણી જોવા મળી રહી છે. જે ગઈ સિઝનમાં 2.35 લાખ હેકટરમાં જ સંભવ બની હતી. મસાલા પાકોની વાત કરીએ તો ધાણાનું વાવેતર ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 36 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 1.57 લાખ હેકટરનું વાવેતર થઈ ચૂક્યું છે. જે ત્રણ વર્ષોના 1.18 લાખ હેકટરના વાવેતરથી પણ નોંધપાત્ર ઊંચું છે. જીરુનું વાવેતર ગઈ સિઝનના 63 હજાર હેકટર સામે 1.13 લાખ હેકટરમાં જોવા મળે છે. જ્યારે બટાટા, ડુંગળી જેવા પાકોનું વાવેતર અનુક્રમે 93 હજાર(ગઈ સિઝનમાં 61 હજાર) અને 42 હજાર(30 હજાર)માં નોંધાઈ ચૂક્યું છે. શેરડીનું વાવેતર પણ 1.14 લાખ હેકટર(1.05 લાખ હેકટર)માં જોવા મળે છે. જ્યારે શાકભાજીનું વાવેતર 93 હજાર હેકટર(54 હજાર હેકટર) અને ઘાસચારા પાકોનું વાવેતર 3.10 લાખ હેકટર(2.08 લાખ હેકટર)માં સંપન્ન થઈ ચૂક્યું છે.
રાજ્યમાં પાણીની ઉપલબ્ધતા અને સિઝન સમયસર શરુ કરવાની અનૂકૂળતાને કારણે રવિ વાવેતર ખૂબ સારુ અને ઝડપી જોવા મળ્યું છે. અત્યાર સુધી પાકની પ્રગતિ પણ સારી છે. આગામી એક મહિનામાં બીજાં 20-25 લાખ હેકટરની વૃદ્ધિની શક્યતાં જોતાં ચાલુ સિઝનમાં શિયાળુ વાવેતર એક નવો વિક્રમ દર્શાવી શકે છે. આખરી ત્રણ વર્ષઓમાં ઠંડીના પાકોના વાવેતરમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. જેની પાછળ ગઈ સિઝનમાં વાવેતર 48 લાખ હેકટર પાર કરી ગયું હતું. જો વર્તમાન દરે વાવેતર જળવાશે તો ડિસેમ્બર આખર સુધીમાં જ ગઈ સિઝનનો આંક જોવા મળે તેવી શક્યતાં છે.
રવિ પાકોના વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
પાક સિઝન 2021 સિઝન 2022
ઘઉં 2.03 5.76
ચણા 3.86 4.65
રાયડો 2.35 2.81
ધાણા 0.36 1.57
શેરડી 1.05 1.14
જીરું 0.63 1.13
બટાટા 0.61 0.93
શાકભાજી 0.54 0.93
ડુંગળી 0.30 0.42
ઘાસચારો 2.08 3.10
કુલ 15.14 25.19
ક્રૂડમાં ફરી મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ ફરી સુધારાતરફી બન્યાં છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 82 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ દર્શાવ્યાં બાદ બાઉન્સ થયો હતો. મંગળવારે તે 3 ટકા મજબૂતી સાથે 86.31 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. યુએસ લાઈટ સ્વિટ ક્રૂડ વાયદો પણ 2.7 ટકા સુધારા સાથે 79.23 ડોલર પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સ અને નેચરલ ગેસમાં પણ 1-3 ટકા સુધારો જોવા મળતો હતો. જ્યારે એગ્રી વાયદાઓમાં ઘઉં, મકાઈ, સોયાબિન અને કોફીમાં પણ મજબૂતી નોંધાઈ હતી. એકમાત્ર વૈશ્વિક સુગર ફ્યુચર્સમાં નરમાઈ જોવા મળતી હતી.
ડિસેમ્બરમાં રૂ. 5000 કરોડના IPO બજારમાં પ્રવેશશે
નવેમ્બરમાં મૂડી બજારમાંથી આઈપીઓ મારફતે લગભગ રૂ. 10600 કરોડનું ભરણું મેળવ્યાં બાદ અન્ય ડિસેમ્બરમાં પણ આઈપીઓનો પ્રવેશ જળવાય રહેવાની શક્યતાં છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સના જણાવ્યા મુજબ કેલેન્ડરના આખરી મહિનામાં લગભગ 6 કંપનીઓ રૂ. 5000 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશવા તૈયાર છે. સેકન્ડરી માર્કેટમાં મજબૂતીને જોતાં આઈપીઓ લાવવા ઈચ્છતી કંપનીઓ માટે વર્તામન સમય બજારમાં પ્રવેશ માટે શ્રેષ્ઠ હોવાનું તેઓ ઉમેરે છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ પણ વર્તમાન તકનો લાભ લેવા કંપનીઓને સમજાવી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનડીટીવીઃ મિડિયા જૂથની પેરન્ટ કંપની આરઆરપીઆર હોલ્ડિંગે અદાણી જૂથની પેટાકંપની વીસીપીએલને 99.5 ટકા હિસ્સો ટ્રાન્સફર કર્યો છે. જે એનડીટીવીમાં કંપનીને 29.18 ટકા હિસ્સો આપે છે. આ સિવાય અન્ય 26 ટકા હિસ્સો ખરીદવા માટે અદાણી જૂથની ઓપન ઓફર ચાલુ છે.
મેક્સ લાઈફઃ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિસને મિત્સૂઈ સુમિટોમો પાસેના મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના 5.17 ટકાના બાકીના હિસ્સાને ખરીદવાની મંજૂરી પણ આપી દીધી છે. ટ્રાન્ઝેક્શન પછી મેક્સ ફાઈનાન્સિયલ પાસે મેક્સ લાઈફનો 87 ટકા હિસ્સો થશે.
ગ્લેન્ડ ફાર્માઃ ફાર્મા કંપનીમાં પ્રમોટર એવી ચીનની શાંઘાઈ ફોસૂન ફાર્માસ્યુટીકલ ગ્રૂપ તેના હિસ્સાનું વેચાણ કરશે તેવા અહેવાલ પાછળ કંપનીનો શેર 7 ટકા જેટલો ઉછળ્યો હતો. ચીનની કંપની હાલમાં એડવાઈઝર સાથે કામ કરી રહી છે. ફોસૂન પાસે ગ્લેન્ડ ફાર્માનો 57.86 ટકા હિસ્સો રહેલો છે.
લ્યુપિનઃ ફાર્માસ્યુટિકલ કંપનીની બ્રાઝિલ સબસિડિયરીએ બીએલ ઈન્ડસ્ટ્રીઆ ઓટીકા લિ.પાસેથી નવ મેડિસિન્સ માટેના માર્કેટિંગના તમામ અધિકાર મેળવવા માટેના કરારો કર્યાં છે. જેની પાછળ કંપનીના શેરમાં 3 ટકા મજબૂતી જોવા મળી હતી.
અદાણી જૂથઃ અદાણી જૂથે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેનું બીડ મેળવ્યું હોવાનું અહેવાલો જણાવે છે. મુંબઈમાં સૌથી મોટા સ્લમ ક્લસ્ટરના રિડેવલપમેન્ટ માટે અદાણી જૂથનું બીડ રૂ. 5069 કરોડનું હતું જ્યારે ડીએલએફનું બીડ રૂ. 2025 કરોડનું હતું. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ છેલ્લાં 15 વર્ષોથી વિલંબમાં પડી રહ્યો છે. તે 600 એકર્સ જમીન પર ફેલાયેલો હશે.
એચસીએલ ટેકઃ ટોચની આઈટી કંપનીએ સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત મેઈન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ સર્વિસ પ્રોવાઈડર એસઆર ટેકનિક્સ સાથે મલ્ટી-યર કોન્ટ્રેક્ટ પર સાઈન કર્યું છે.
ટીસીએસઃ તાતા જૂથની સર્વિસ કંપનીએ એન્ટરપ્રાઈઝિસને બિઝનેસ સોલ્યુશન્સ એક્સપ્લોર કરવા, તૈયાર કરવા અને ટેસ્ટ કરવા માટે સહાયરૂપ બનવા માટે એમેઝોન વેબ સર્વિસિઝ પર ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ લેબ લોંચ કરી છે.
સન ફાર્માઃ એનપીપીએએ એમોક્સિસિલિન એન્ડ પોટેશ્યમ ક્લેવુલેનેટ ઓરલ સસ્પેન્શન આઈપીનો ભાવ 50 એમએલ માટે રૂ. 168નો નિર્ધારિત કર્યો છે.
ન્યૂરેકાઃ કંપનીના પ્રમોટર્સે હિસ્સા વેચાણ કરતાં કંપનીનો શેર તળિયા પર ટ્રેડ થયો હતો. છ ટ્રેડિંગ સત્રોમાં તે 18 ટકા જેટલો ગગડ્યો છે. માઈક્રોકેપ કંપનીનો શેર ચાલુ વર્ષે 64.16 ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે નવેમ્બરમાં તેણે 32 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
ડ્રેજિંગ કોર્પોરેશનઃ સરકારી માલિકીની ડ્રેજિંગ કંપનીએ ફોરેન ડ્રેજિંગ માર્કેટમાં પ્રવેશ માટેની યોજના રજૂ કરી છે.
ધનલક્ષ્મી બેંકઃ પ્રાઈવેટ બેંકનું બોર્ડ આગામી પાંચ ડિસેમ્બરે એનસીડી મારફતે રૂ. 200 કરોડ એકત્ર કરવા માટે વિચારણા માટે મળશે. બેંક છેલ્લાં કેટલાંક સમયથી લિક્વિડીટીની તંગી અનુભવી રહી છે.
Market Summary 29 November 2022
November 29, 2022