બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
આખરી કલાકમાં બાઉન્સ પાછળ માર્કેટ સપોર્ટ જાળવવામાં સફળ
નિફ્ટી 20-ડીએમએને 18577ની સપાટી પર ટકી રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 10.13ના સ્તરે
એનર્જી, મેટલ, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી
આઈટી, ઓટો, બેંકિંગમાં નરમાઈ
ઈન્ટીલેક્ટ ડિઝાઈન, એનસીસી, એલેમ્બિક ફાર્મા નવી ટોચે
યૂપીએલ નવા તળિયે
શેરબજારમાં આખરી એક કલાકમાં જોવા મળેલા બાઉન્સને કારણે બેન્ચમાર્ક્સ તેમના સપોર્ટને સાચવી રાખવામાં સફળ રહ્યાં હતાં. જોકે, તેમણે સતત બીજા સત્રમાં નરમાઈ સાથે બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 106.62 પોઈન્ટ્સ ગગડી 66,160.20ની સપાટીએ જ્યારે નિફ્ટી 13.85 પોઈન્ટ્સ ગગડી રૂ. 19,646.05ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં મજબૂતી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3691 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1824 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1695 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. 238 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ બનાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 10.13ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટી ફ્લેટ ઓપનીંગ દર્શાવી શરૂઆતમાં પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયાં પછી નરમાઈમાં સરી પડ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 19696ની ટોચ જ્યારે 19563.10નું તળિયું દર્શાવ્યં હતું. જોકે, બજારમાં આખરી કલાકમાં ભારે ખરીદી જોવા મળી હતી અને માર્કેટમાં ઘટાડો સંકડાઈ ગયો હતો. જેને કારણે નિફ્ટી 19600ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 19577નું 20-ડીએમએનું સ્તર જાળવી રાખી શક્યો છે. જેને જોતાં હજુ પણ બજાર સુધારાની દિશામાં પ્રયાસ કરી શકે છે. જો 19600ની સપાટી તૂટશે તો 19300ના 34-ડીએમએના સ્તર સુધીનો ઘટાડો સંભવ છે. શુક્રવારે ઓગસ્ટ સિરિઝના પ્રથમ દિવસે કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 87 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19733.30ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ગુરુવારની સરખામણીમાં તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. જે બજારમાં ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિટ થઈ રહ્યાંનો સ્પષ્ટ સંકેત છે. આ સ્થિતિમાં નવી ખરીદીથી દૂર રહેવું હિતાવહ છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એમએન્ડએમ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, હીરો મોટોકોર્પ, તાતા કન્ઝ્યૂમર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બીપીસીએલ, તાતા મોટર્સ, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ અને મારુતિ સુઝુકીમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, મેટલ, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ઓટો, બેંકિંગમાં નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.3 ટકા સાથે બંધ રહ્યો હતો. જેને સપોર્ટ પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં તાતા પાવર, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ગેઈલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓઈલ માર્કેટિંગ કંપનીના શેર્સમાં ઊંચી વેચવાલી જોવા મળી હતી. જેમાં એચપીસીએલ 4 ટકા પટકાયો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર, સનટેક રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ડીએલએફ અને સોભા સુધારો દર્શાવવામાં મુખ્ય હતાં. નિફ્ટી મેટલ 1 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં એપીએલ એપોલો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, નાલ્કો, વેદાંત, એનએમડીસી, મોઈલ અને સેઈલ સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં. નિફ્ટી બેંકિંગ, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટો નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 6.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત તાતા પાવર, તાતા કેમિકલ્સ, એલઆઈસી હાઉસિંગ, એનટીપીસી, એચડીએફસી એએમસી, ઈપ્કા લેબ્સ, મેરિકો, ઝી એન્ટરટેઈનમેન્ટ, એસ્કોર્ટ્સ કુબોટા, બિરલા સોફ્ટ, પાવર ગ્રીડ નોંધપાત્ર મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ ડો. લાલ પેથલેબ્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, એચપીસીએલ, આઈઓસી, ગ્લેનમાર્ક, મધરસન, કોરોમંડલ ઈન્ટર., પિરામલ એન્ટરપ્રાઈઝ, બજાજ ફિનસર્વ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, લૌરસ લેબ્સ, વોડાફોન આઈડિયા, એચડીએફસી બેંક નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈન્ટીલેક્ટ ડિઝાઈન, એનસીસી, એલેમ્બિક ફાર્મા, સ્ટર્લિંગ વિલ્સન, ઈન્ડિયન બેંક, વેસ્ટલાઈફ ફૂડ, અજંતા ફાર્મા, એનટીપીસી અને એન્જિનીયર્સ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે યૂપીએલ નવા તળિયે ટ્રેડ થયો હતો.
ભારતીય કંપનીઓને વિદેશમાં લિસ્ટીંગ માટે ટૂંકમાં છૂટ મળશેઃ નાણાપ્રધાન
હાલમાં સ્થાનિક કંપનીઓ અમેરિકન ડિપોઝીટરી રિસિટ્સ અને ગ્લોબલ ડિપોઝીટરી રિસિટ્સ મારફતે વિદેશી પ્લેટફોર્મ્સ પર લિસ્ટીંગ કરાવે છે
નાણાપ્રધાન નિર્મળા સીતારામણે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ વિદેશી શેરબજારો અને ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર(IFSC) ખાતે તેમના શેર્સનું સીધું જ લિસ્ટીંગ કરાવી શકશે. સરકારે મે 2020માં કોવિડ રિલીફ પેકેજની જાહેરાતના ભાગરૂપે જ વિદેશી બજારમાં સીધા લિસ્ટીંગ માટેની જોગવાઈઓને મંજૂરી આપી દીધી હતી. જોકે, આ સંબંધમાં નિયમોને હજુ જાહેર કરવાના બાકી છે. વિદેશી બજારમાં સીધું લિસ્ટીંગ ભારતીય કંપનીઓને વિવિધ વિદેશી એક્સચેન્જિસપર વિદેશી ફંડ્સ ઉપલબ્ધ બનાવશે.
સ્થાનિક કંપનીઓ તરફથી તેમના શેર્સનું વિદેશમાં હવે સીધું લિસ્ટીંગ કરાવી શકાશે એમ જણાવતાં નાણાપ્રધાને ઉમેર્યું હતું કે સરકારે લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓના આઈએફએસસી એક્સચેન્જિસ પર સીધા લિસ્ટીંગનો નિર્ણય પણ લીધો છે. આ પગલું કંપનીઓને વિદેશી મૂડીની ઉપલબ્ધતા સાથે સારુ વેલ્યૂએશન પુરું પાડશે એમ સીતારામણે જણાવ્યું હતું. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી લિસ્ટીંગ સંબંધમાં નિયમોને કેટલાંક સપ્તાહોમાં જાહેર કરવામાં આવશે. શરૂઆતમાં ભારતીય કંપનીઓને આઈએફએસસી ખાતે લિસ્ટીંગની છૂટ મળશે. જ્યારે પાછળથી સાત અથવા આઁઠ ચોક્કસ વિદેશી શેરબજારોમાં લિસ્ટીંગની મંજૂરી આપવામાં આવશે એમ અધિકારીએ ઉમેર્યું હતું. નાણાપ્રધાને કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ અંગે બોલતાં આમ જણાવ્યું હતું.
હાલમાં સ્થાનિક કંપનીઓ અમેરિકન ડિપોઝીટરી રિસિટ્સ અને ગ્લોબલ ડિપોઝીટરી રિસિટ્સ મારફતે વિદેશી પ્લેટફોર્મ્સ પર લિસ્ટીંગ કરાવે છે. ઈન્ફોસિસ અને વિપ્રો જેવી કંપની એડીઆર મારફતે યુએસ બજારમાં લિસ્ટેડ છે. સેબીએ મજબૂત એન્ટી-મની લોન્ડરિંગ નિયમો સાથે આ દસ જેટલા મંજૂરી યોગ્ય બજારોમાં શેર્સને લિસ્ટીંગ માટે છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવા બજારોમાં એનવાયએસઈ, નાસ્ડેક, એલએસઈ, હોંગ કોંગ ઉપરાંત જાપાન, સાઉથ કોરિયા, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને કેનેડાનો સમાવેશ થાય છે.
સિક્યૂરિટીઝ માર્કેટ કોડ ટૂંકમાં જ હકીકત બનશેઃ નિર્મળા સીતારામણ
નાણાપ્રધાને 2021-22ના બજેટની રજૂઆત વખતે સિક્યૂરિટીઝ માર્કેટ કોડનો પ્રસ્તાવ મૂક્યો હતો
સરકાર તરફથી પ્રસ્તાવિત સિક્યૂરિટીઝ માર્કેટ કોડ ટૂંક સમયમાં જ હકીકત બનશે એમ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું. સિક્યૂરિટીઝ માર્કેટ કોડ માર્કેટ સાથે જોડાયેલા તમામ નિયમોને સાંકળીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. નાણા પ્રધાને કોર્પોરેટ બોન્ડ માટે ARCL અને CDMDFના લોંચ પ્રસંગે આમ જણાવ્યું હતું. સિક્યૂરિટીઝ માર્કેટ કોડ અંગે ઘણું પાયાનું કામ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ તે વાસ્તવિક્તા બને તેવી અપેક્ષા છે એમ સીતારામણે ઉમેર્યું હતું.
નાણાપ્રધાને 2021-22 માટેના કેન્દ્રિય બજેટની જાહેરાત દરમિયાન સિક્યૂરિટીઝ માર્કેટ કોડનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં તેમણે કેટલાંક સૌથી મહત્વના કેપિટલ અને સિક્યૂરિટીઝ માર્કેટ્સ સંબંધી નિયમોને એક કોમન નિયમમાં મર્જ કરવાની વાત કરી હતી. મારી દ્રષ્ટીએ ત્રણ વિવિધ નિયમોને એક કરવું ખૂબ મહત્વનું છે. આ ત્રણ નિયમોમાં એસસીઆરએ 1956, સેબી એક્ટ 1992 અને ડિપોઝીટરીઝ એક્ટ 1996નો સમાવેશ થાય છે. તેને એક નિયમ બનાવવા સાથે કેટલીક જોગવાઈઓને સરળ બનાવવાની બાબત પણ તેમાં સામેલ છે એમ સીતારામણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ એક ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહેલો નિયમ છે. તેમજ તેનો બીજો હેતુ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોસ્તાહન આપવાનો છે. સેબી એક્ટ રોકાણકારોના હિતના રક્ષણ માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટરને વ્યાપક સત્તા પૂરી પાડે છે. જ્યારે સિક્યૂરિટીઝ કોન્ટ્રેક્ટ એક્ટ અથવા એસસીઆરએ સ્ટોક એક્સચેન્જ સંબંધી બાબતોનું સંચાલન કરે છે. જ્યારે ડિપોઝીટરીઝ એક્સ દેશના ડિપોઝીટર્સને રેગ્યુલેટ કરે છે. જેઓ અબજો ડોલરની સિક્યૂરિટીઝ ધરાવે છે.
નિરમા વિસ્તરણ અને એક્વિઝીશન્સ માટે રૂ. 7K કરોડ સુધીનું ફંડ ઊભું કરશે
સાબુ અને ડિટર્જન્ટ ઉત્પાદક નિરમા એક્વિઝીશન અને વિસ્તરણ માટે રૂ. 7000 કરોડ સુધીની રકમ ઊભી કરવા માટેની શક્યતાં ચકાસી રહી છે. કેટલાંક વર્ષો અગાઉ માર્કેટમાં અનલિસ્ટ થનારી કંપનીએ 2022-23માં રૂ. 11403 કરોડની આવક દર્શાવી હતી એમ રિપોર્ટ જણાવે છે. કંપનીએ ફાઈનાન્સિયલ બીડ્સ માટે શોર્ટલિસ્ટ કરેલી કંપનીઓમાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિઝનો સમાવેશ થાય છે. નિરમાએ એક સંકેત આપતાં જણાવ્યું છે કે તે તેની વૈવિધ્યીકરણ યોજનાને ભાગરૂપે સ્થાનિક અને વિદેશી બજારમાં ખરીદીઓ હાથ ધરશે. જે માટે રૂ. 5000-7000 કરોડ સુધીની રકમ ઊભી કરશે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર વર્તુળો તરફથી આ માહિતી પ્રાપ્ય બની હતી.
જો એક્વિઝીશન ડિલ્સ સંભવ નથી બને તો કંપની તેના વર્તમાન બિઝનેસનું ઝડપી વિસ્તરણ કરશે અને તેટલી જ રકમના મૂડી ખર્ચ માટેની યોજના બનાવશે એમ પણ બેંકર્સ જણાવે છે. જોકે, કંપનીએ એક્વિઝીશન માટે કોઈ ટાર્ગેટ ડિસ્ક્લોઝ નથી કર્યો. ભારતીય બેંકિંગ કંપનીઓએ એક્વિઝીશન્સ માટે નાણા પૂરા પાડવાની છૂટ નહિ હોવાથી કંપનીએ પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટમાંથી ફંડ ઊભું કરવાનું બની શકે છે. જે મુખ્યત્વે વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓનું પ્રભુત્વ ધરાવે છે.
આઈપીઓ માટે આતુર ઓલા ઈલેક્ટ્રીકે 13.6 કરોડ ડોલરની વિક્રમી ખોટ દર્શાવી
સોફ્ટબેંકનું રોકાણ ધરાવતી કંપની 70 કરોડ ડોલરનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે
દેશમાં સૌથી મોટી ઈ-સ્કૂટર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રીકે ગયા નાણા વર્ષ 2022-23માં 13.6 કરોડ ડોલરની ખોટ દર્શાવી હતી. તેની આવક 33.5 કરોડ ડોલર રહી હતી એમ ત્રણ વર્તુળો જણાવે છે. કંપની તેણે જાહેરમાં દર્શાવેલો રેવન્યૂ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી.
મૂડી બજારમાં 70 કરોડ ડોલરના આઈપીઓ સાથે પ્રવેશવા માટે તૈયારી કરી રહેલી ઓલા ઈલેક્ટ્રિકે અગાઉ ભારતીય સત્તાવાળાઓ સમક્ષ આ ખોટના આંકડા નોંધાવ્યા નહોતાં. ભારતીય રેગ્યૂલેટરે તેમને સપ્ટેમ્બર સુધીમાં અગાઉના વર્ષોના અર્નિંગ્સ રજૂ કરવા માટેની મુદત આપેલી છે. ઓલાએ જોકે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. ગયા વર્ષે જૂનમાં ઈ-સ્કૂટર ઉત્પાદકે જણાવ્યું હતું કે તે ચાલુ વર્ષની આખર સુધીમાં 1 અબજ ડોલનનો રન રેટ પાર કરવાના માર્ગે છે. તેમજ તેણે જણાવ્યું હતું કે ભવિષ્ય તો ખૂબ મજબૂત જણાય છે. ઓલાની મહિનાની આવકને 12 વડે ગુણીને કાઢવામાં આવતાં ફાઈનાન્સિયલ ઈન્ડિકેટરને રન રેટ તરીકે ગણવામાં આવે છે. જોરે 2022-23 માટેના રેવન્યૂ અંદાજો હાંસલ થઈ શક્યાં નહોતાં એમ બે પ્રત્યક્ષ રીતે જોડાયેલા વર્તુળોનું કહેવું છે. તેઓ ઉમેરે છે કે ઓલાએ સંપૂર્ણપણે કામ કર્યું હોય તેવા પ્રથમ વર્ષે 33.5 કરોડની રેવન્યૂ નોંધાવી હતી. તેણે 1.5 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે તેનો ઓપરેટિંગ લોસ 13.6 કરોડ ડોલર હતો. 22022-23ના આખરી મહિના માર્ચમાં કંપનીએ 21,400 ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું. 2021માં વેચાણ શરુ કર્યું ત્યારથી ઓલા ભારતીય ઈ-સ્કૂટર માર્કેટમાં 32 ટકા હિસ્સા સાથે માર્કેટ અગ્રણી બની રહી છે. તે એથર એનર્જી સહિત ટીવીએસ મોટર અને હીરો ઈલેક્ટ્રીક સાથે સ્પર્ધાનો સામનો કરી રહી છે. ગયા વર્ષે કંપની 5 અબજ ડોલરનું વેલ્યૂએશન ધરાવતી હતી. તેણે 2019થી અત્યાર સુધીમાં રોકાણકારો પાસેથી 80 કરોડ ડોલરની રકમ ઊભી કરી છે.
યુએસ સ્થિત AMD બેંગલૂરુ ખાતે 40 કરોડ ડોલરનું રોકાણ કરશે
કંપની 3000 એન્જિનીયર્સ સાથેનું સૌથી મોટું ડિઝાઈન સેન્ટર સ્થાપશે
નવુ 5 લાખ ચો.ફૂટની કેમ્પસ સાથે ભારતમાં એએમડીની હાજરી 10 લોકેશન્સ પર લઈ જશે
યુએસ સ્થિત ચીપમેકર એડવાન્સ્ડ માઈક્રો ડિવાઈસિઝ(એએમડી)એ જણાવ્યું છે કે તે બેંગલૂરુ ખાતે ચાલુ વર્ષની આખર સુધીમાં સૌથી મોટું ડિઝાઈન સેન્ટર શરૂ કરશે. જે આગામી પાંચ વર્ષોમાં 3000 એન્જિનીયર્સને રોજગાર પૂરો પાડશે. કંપની આ સેન્ટરમાં કુલ 40 કરોડ ડોલરનું રોકાણ કરશે એમ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટરે ગુજરાત ખાતે વાર્ષિક સેમીકંડક્ટર કોન્ફરન્સમાં બોલતાં જણાવ્યું હતું.
કંપનીના જણાવ્યા મુજબ તે ચાલુ વર્ષની આખર સુધીમાં બેંગલુરુ ખાતે ડિઝાઈન સેન્ટરનું ઉદઘાટન કરશે અને પાંચ વર્ષોમાં 3 હજાર એન્જીનીયર્સને રોજગાર પૂરો પાડશે. પેપરમાસ્ટરના જણાવ્યા મુજબ તેમની ભારતી ટીમ્સ વિશ્વભરમાં એએમડીના ગ્રાહકોને હાઈ-પર્ફોર્મન્સ અને એડેપ્ટીવ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. નવો 5 લાખ ચો. ફૂટનું કેમ્પસ ભારતમાં એએમડીની હાજરીમાં નવો ઉમેરો હશે. નવા કેમ્પસ સાથે દેશમાં તે 10 સ્થળોએ હાજરી ધરાવતી હશે. એએમડી હાલમાં ભારતમાં 6500 કર્મચારીઓ ધરાવે છે. પેપરમાસ્ટરે ઉમેર્યું હતું કે એએમડી ભારતમાં તેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેબિલિટીઝનું વિસ્તરણ કરશે. કંપનીની ચિપ્સ પર્સનલ કમ્યુટર્સથી લઈ ડેટા સેન્ટર્સ સુધી વ્યાપક રેંજમાં વપરાશ ધરાવે છે. કંપની આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ચીપ પર પણ કામ કરી રહી છે. પેપરમાસ્ટર ઉપરાંત ફોક્સકોન ચેરમેન યંગ લિ, માઈક્રોન સીઈઓ સંજય મેહરોત્રા અને વેદાંતાના અનિલ અગ્રવાલનો પણ સ્પિકર્સમાં સમાવેશ થતો હતો.
ટોચની 10 IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં 21 હજાર કર્મીઓને છૂટાં કર્યાં
જૂન 2022 ક્વાર્ટરમાં તેમણે 69 હજારથી વધુ કર્મચારીઓને હાયર કર્યાં હતાં
દેશની ટોચની 10 કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં 21,327 કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કર્યાં હતાં. ગયા વર્ષે સમાનગાળામાં તેમણે કુલ 69,634 કર્મચારીઓનો ઉમેરો કર્યો હતો. આમ વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલાં પડકારોની અસર કંપનીઓની કામગીરી પર પડતી જોવાઈ રહી છે. દેશમાં આવકની રીતે ટોચની 10-કંપનીઓમાંથી છ કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે ચાર કંપનીઓએ નવી નિમણૂંકો દર્શાવી હતી.
ભારતીય આઈટી સેક્ટર દેશમાં રોજગાર પૂરું પાડનાર સૌથી મોટું ખાનગી સેક્ટર છે. તે ઉત્તર અમેરિકા અને યુરોપ ખાતે તેની મોટાભાગની સર્વિસિઝની નિકાસ કરે છે. માર્ચમાં નાસ્કોમના એક રિપોર્ટ મુજબ ભારતનું ટેક્નોલોજી સેક્ટર 54 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. નવા કર્મચારીઓનો ઉમેરો કરનાર કંપનીઓમાં ટીસીએસ, એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિઝ, પર્સિસ્ટન્ટ અને કોફોર્જનો સમાવેશ થાય છે. જ્યારે ટેક મહિન્દ્રા, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી અને એમ્ફેસિસે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો છે. ટીસીએસે 523 કર્મચારીઓ ઉમેર્યાં હતાં. જ્યારે પર્સિસ્ટન્ટે 241 કર્મચારીઓ અને કોફોર્જે 1000 કર્મીઓને ઉમેર્યાં હતાં. એલટીટીએસે 1100થી વધુ નવા કર્મચારીઓ નોંધાવ્યાં હતાં.
ડોલર સામે રૂપિયો 32 પૈસા ગગડ્યો
યુએસ ડોલરમાં મજબૂતી વચ્ચે ભારતીય ચલણમાં શુક્રવારે 32 પૈસાનો ઘટાડો નોંધાયો હતો અને તે 82.25ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. ગુરુવારે તે 81.93ની સપાટીએ બંધ રહ્યો હતો. ફેડ તરફથી બુધવારે તેની બેઠકમાં હોકિશ વલણ જાળવી રખાતાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે. સાથે યુએસ બોન્ડ યિલ્ડ્સમાં પણ સુધારો નોઁધાયો છે. જેને કારણે રૂપિયો નરમ પડ્યો છે. વિદેશી ફંડ્સ તરફથી આઉટફ્લોને કારણે પણ રૂપિયામાં નરમાઈ જોવા મળી હોવાનું ફોરેક્સ ડિલર્સ જણાવતાં હતાં. ઈસીબીએ ગુરુવારે રેટ વૃદ્ધિ સાથે ડોવિશ ટોન દર્શાવતાં ડોલરની તેજીને મજબૂતી પ્રાપ્ત થઈ હતી.
GCMMF ચેરમેનની NCELના બોર્ડમાં નિમણૂંક
અમૂલ બ્રાન્ડની માલિક ગુજરાત કો-ઓપ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલની નવરચિત નેશનલ કોઓપરેટીવ એક્સપોર્ટ્સ લિમિટેડના બોર્ડ મેમ્બર તરીકે નિમણૂંક કરાઈ છે. ફેડરેશને મોકલેલા શામળભાઈના નોમિનેશનને નાફેડના ચેરમેન અને ઈફ્કોના જોઈન્ટ એમડી તરફથી સમર્થન સાંપડ્યું હતું. તેઓ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન છે.
ચાઈનીઝ BYDનો ઈવી ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પડતો મૂકવા વિચારણા
ચીનની જાયન્ટ ઈલેક્ટ્રીક વેહીકલ ઉત્પાદક બીવાયડીએ તેના ભારતીય ભાગીદારને તેણે દેશમાં 1 અબજ ડોલરનો ઈવી ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પડતો મૂકવા વિચારી રહ્યું હોવાનું જણાવ્યું છે. અગાઉ બીવાયડી અને હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ભારત સરકારને એપ્રિલમાં ઈલેક્ટ્રીક કાર્સ બનાવવા ઈચ્છતાં હોવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોક, સરકાર તરફથી આ યોજના માટે મંજૂરી નહિ અપાઈ હોવાનું જાણકારો જણાવે છે. જેને કારણે ચાઈઝીન કંપની તેનો પ્લાન પડતો મૂકવા વિચારી રહી છે. બીવાયડીએ 2025 સુધીમાં દેશમાં ઈવી કાર્સનું ઉત્પાદન શરૂ કરશે એમ જણાવ્યું હતું.
ટેક મહિન્દ્રાના નવા CEOનું પેકેજ રૂ. 46.8 કરોડ રહેશે
નવા એમડી અને સીઈઓ મોહિત જોષીને રૂ. 7 કરોડનું જોઈનીંગ બોનસ ઓફર કરાયું છે
મહિન્દ્રા જૂથની આઈટી કંપની ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મોહિત જોષીને રૂ. 7 કરોડનું જોઈનીંગ બોનસ ઓફર કરવામાં આવ્યું છે. જે સાથે તેઓ પ્રથમ વર્ષે રૂ. 46.8 કરોડનું મહત્તમ પેકેજ મેળવશે. જે તેમને દેશમાં સૌથી ઊંચું વેતન ધરાવતાં પ્રોફેશ્નલ સીઈઓ બનાવે છે. તેઓ અગાઉ ઈન્ફોસિસમાં સેવા આપી રહ્યાં હતાં.
ટેકમહિન્દ્રાના વર્તમાન સીઈઓ સી પી ગુરનાનીએ 1 એપ્રિલ 2013થી માર્ચ 2023 સુધીમાં રૂ. 674.5 કરોડનું કુલ વળતર મેળવ્યું છે. જેમાં મોટો હિસ્સો તેમણે છેલ્લાં દસકામાં એક્સરસાઈઝ કરેલા સ્ટોક ઓપ્શન્સનો છે એમ કંપનીના ફાઈલીંગ્સનું એક એનાલિસિસ દર્શાવે છે. ગુરુનાની કંપનીમાં હજુ પણ 0.78 ટકા હિસ્સો અથવા તો 76 લાખ શેર્સ ધરાવે છે. જેનું મૂલ્ય ગુરુવારના બંધ ભાવે રૂ. 837 કરોડ થતું હતું. મોહિત જોષી આગામી 19 ડિસેમ્બરે ટેક મહિન્દ્રાના સીઈઓ અને એમડીનો કારભાર સંભાળશે. જેમની ફિક્સ્ડ સેલરી 6,22,600 પાઉન્ડ રહેશે. જ્યારે 6,22,600નું વેરિએબલ પે રહેશે. પ્રથમ વર્ષે વેરિએબલ પેની ખાતરી હોવાથી તેઓ રૂ. 13.4 કરોડ મેળવશે તે નક્કી છે. આ ઉપરાંત તેઓ રૂ. 4.6 કરોડનું એડિશ્નલ પર્ફોર્મન્સ બોનસ મેળવશે. જે વેરિએબલ પેના 70 ટકા જેટલું છે. જો કંપની તેના બોર્ડે નક્કી કરેલા ગ્રોથ ટાર્ગેટને હાંસલ કરે તો જ બોનસ મળતું હોય છે. રૂ. 7 કરોડના જોઈનીંગ બોનસ ઉપરાંત જોષીને વન-ટાઈમ 35 લાખ ડોલરના સ્ટોક્સ મળશે. જેમાંથી 60 ટકા તેમના પ્રથમ વર્ષમાં જ મળશે. આમ તેઓ પ્રથમ વર્ષમાં જ રૂ. 12.41 કરોડના શેર્સ મેળવશે. જોષીને દર વર્ષે 35 લાખ ડોલરની સ્ટોક ઓપ્શન ગ્રાન્ટ્સ મળશે. આમ પ્રથમ વર્ષે તેઓ કુલ રૂ. 46.82 કરોડનું પેકેજ મેળવનાર પ્રથમ સીઈઓ બનશે.
કોર્પોરેટ રાઉન્ડ અપ
SATએ RILની પાંખ પર સેબી ઓર્ડરને બાજુ પર રાખ્યો
સિક્યૂરિટીજ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ શુક્રવારે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાંખ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ્સ સામે એપ્રિલ 2021માં આપેલા ચૂકાદાને બાજુ પર રાખ્યો હતો. સેબીએ કંપની સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, એડીએજી ચેરમેન અનિલ અંબાણી, ટીના અંબાણી અને અન્ય સાત લોકો પર ટેકઓવર નિયમોના ભંગના આક્ષેપસર કુલ રૂ. 25 કરોડની પેનલ્ટી ફટકારી હતી. ઓર્ડરને ફગાવતાં ટ્રિબ્યુનલે સેબીને ચાર સપ્તાહની અંદર જ રૂ. 25 કરોડની પેનલ્ટી પરત કરવા માટે આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ તરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે અરજદારોએ એસએએસટી(સબસ્ટેન્શિયલ એક્વિઝીશન ઓફ શેર્સ એન્ડ ટેકઓવર્સ) રેગ્યુલેશન્સ, 2011નો ભંગ કર્યો હોવાનું અમને જણાતું નથી. અરજદારો પર પેનલ્ટી કોઈપણ પ્રકારના નિયમો વિના લાગુ પાડવામાં આવી છે. પરિણામે સેબીનો આદેશ જાળવી શકાય તેમ નથી અને તેથી તેને નાબૂદ કરવામાં આવે છે અને અપીલને માન્ય રાખવામાં આવે છે. આ મુદ્દો જાન્યુઆરી 2000માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી 38 કંપનીઓને 12 કરોડ શેર્સ ઈસ્યુ કરવા સંબંધી હતો. સેબીના આદેશ મુજબ આરઆઈએલના પ્રમોટર્સ તરપથી 6.83 ટકાનું એક્વિઝીશન ટેકઓવર નિયમો મુજબ 5 ટકાની નિર્ધારિત મર્યાદાથી ઊંચું હતું.
DGCAએ ઈન્ડિગોને રૂ. 30 લાખની પેનલ્ટી ફટકારી
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈનને ટેઈલ સ્ટ્રાઈકની ઘટના માટે રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે. રેગ્યુલેટરે કંપનીની કામગીરી, ટ્રેનીંગ અને ફ્લાઈટ ડેટા મેનેજમેન્ટ પ્રોગ્રામ સંબંધી ડોક્યૂમેન્ટેશન અને પધ્ધતિઓની ચકાસણી માટે વિશેષ ઓડીટ હાથ ધર્યું હતું. જ્યારપછી શુક્રવારે કંપની પર રૂ. 30 લાખની પેનલ્ટી લાગુ પાડી હતી. કંપનીએ ચાલુ વર્ષે છ મહિનાની અંદર જ ચાર ટેઈલ સ્ટ્રાઈક ઘટનાઓ નોંધાવી હતી. જેણે ડીજીસીએને તેના ઓપરેશન્સ, ટ્રેનીંગ, એન્જિનીયરીંગ અને ફ્લાઈટ ડેટા મેનેજમેન્ટ પ્રોગ્રામના ઓડીટ માટે ફરજ પાડી હતી. જેમાં ઈન્ડિગોની ટ્રેનીંગ અને એન્જિનીયરીંગ પ્રોસીજરમાં ઊણપો જોવા મળી હતી. જેને ધ્યાનમાં રાખી એરલાઈનને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં ચોક્કસ સમયમર્યાદામાં પ્રતિભાવ આપવા જણાવાયું હતું. જોકે, વિવિધ સ્તરોએ સમીક્ષા પછી એરલાઈન તરફથી પૂરો પાડવામાં આવેલા જવાબ સંતોષકારણ નહોતો જણાયો. ગયા એપ્રિલમાં ઈન્ડિગોએ તેના એ321 પર ઓછામાં ઓછી આંઠ ટેઈલ સ્ટ્રાઈક્સ જોઈ હતી.
MOFSના પ્રમોટર્સ 10 ટકા હિસ્સો ચેરિટીમાં દાન કરશે
મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝે શુક્રવારે જણાવ્યું હતું કે તેના પ્રમોટર્સ મોતીલાલ ઓસ્વાલ અને રામદેઓ અગ્રવાલ કંપનીમાંનો તેમનો 5-5 ટકા હિસ્સો ચેરિટી હેતુથી દાન કરશે. આ તમામ રકમ આગામી 10-વર્ષોમાં અથવા તેનાથી ઓછી સમયમાં ખર્ચ કરવામાં આવશે એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું. મોતીલાલ ઓસ્વાલ અને રામદેઓ અગ્રવાલ, બંને તેમની પાસેના કંપનીના 73.97-73.97 લાખ ઈક્વિટી શેર્સનું દાન કરશે. જેનું મૂલ્ય શુક્રવારના રૂ. 822 આસપાસના બંધભાવે રૂ. 1200 કરોડથી વધુ બેસતું હતું. કંપનીનું કુલ માર્કેટ-કેપ રૂ. 12000 કરોડથી વધુ જોવા મળતું હતું. એફઓએફએસ બ્રોકિંગ ઉપરાંત વિવિધ નાણાકિય સેવાઓ પૂરી પાડે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 1551 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 176 ટકા ઉછાળો નોંધાવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 561 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 45 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5915 કરોડ પર રહી હતી. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 51 બેસીસ પોઈન્ટ્સ ઉછળી 3.37 ટકા પર રહ્યાં હતાં. બેંકની ગ્રોસ એનપીએ 9.3 ટકા પરથી ઘટી 6.67 ટકા પર રહી હતી. જ્યારે નેટ એનપીએ 2.21 ટકા પરથી ગગડી 1.65 ટકા પર જોવા મળી હતી.
IOC: ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જૂન ક્વાર્ટરમાં રૂ. 13,750 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1,992.53 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક વાર્ષિક ધોરણે 12 ટકા ઘટી રૂ. 2.2 લાખ કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 2.5 લાખ કરોડ પર હતી. ત્રિમાસિક ધોરણે નેટ પ્રોફિટ 36.7 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો.
ઈન્ડસ ટાવરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1348 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 182 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 477 કરોડનો નફો નોંધાયો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 6897 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 7076 કરોડ પર રહી હતી.
અજંતા ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 208.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 174.6 કરોડનો નફો નોંધાયો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 950.9 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 7.4 ટકા વધી રૂ. 1021 કરોડ પર રહી હતી.
બીઈએલઃ સરકારી સાહસે જૂન ક્વાર્ટરમાં રૂ. 530.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 431.5 કરોડનો નફો નોંધાયો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3112.80 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 12.8 ટકા વધી રૂ. 3510.8 કરોડ પર રહી હતી.
NSE: નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “આદિત્ય એન્ટરપ્રાઇઝ” નામની કંપની સાથે સંકળાયેલા “સમાન” અને “મયૂર” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9924298939” અને “7069402141” પરથી ઓપરેટ કરીને શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક વળતરનો વાયદો આપી રહ્યાં છે તથા રોકાણકારોને તેમના ક્રેડેન્શિયલ શેર કરવાનું કહીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટનું સંચાલન કરવાની ઓફર કરી રહ્યાં છે. જેનાથી સાવચેત રહેવા એક્સચેન્જ જણાવે છે.
હોમ ફર્સ્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 69 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 51 કરોડનો નફો નોંધાયો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 169 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 255 કરોડ પર રહી હતી.
સોના બીએલડબલ્યુઃ જૂન ક્વાર્ટરમાં રૂ. 112 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 48 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 584.2 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 25.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 713 કરોડ પર રહી હતી.
ઈન્ટીલેક્ટ ડિઝાઈનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 93 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 69 કરોડનો નફો નોંધાયો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 541 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 639 કરોડ પર રહી હતી.