Categories: Market Tips

Market Summary 29/06/2023

‘ફિનફ્લ્યૂઅન્સર્સ’ માટે ચર્ચા પત્રને આખરી ઓપ આપી રહેલી સેબી
સેબી ચેરમેનના મતે લોકોને ગેરમાર્ગે દોરતાં ઈન્ફ્લૂઅન્સર્સ માટે ટૂંકમાં નિયમો અમલી બનશે

માર્કેટ રેગ્યુલેટર સેબી હાલમાં ફિનફ્લ્યૂઅન્સર્સ માટે નિયમો અને માર્ગદર્શિકાઓ ઘડવા માટેના ચર્ચા પત્રની રૂપરેખાઓને આખરી ઓપ આપી રહી છે. આમ કરવા પાછળનો હેતુ જાહેર જનતાને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ આપવા માટે બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલાં ફિનફ્લ્યૂઅન્સર્સ અથવા ઈન્ફ્લૂઅન્સર્સનું નિયમન કરવાનો છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટોચના 35 જેટલા સોશ્યલ મિડીયા ઈન્ફ્લૂઅન્સર્સ તરફથી કરોડોનો ટેક્સ નહિ ચૂકવવા બદલ પાઠવવામાં આવેલી નોટિસ વચ્ચે સેબી ચેરમેન માધવી પુરી બૂચે ચર્ચા પત્ર તૈયારીના આખરી તબક્કામાં હોવાનું જણાવ્યું છે. ગયા સપ્તાહે આઈટી વિભાગે કેરળમાં ટોચના 13 યુટ્યુબર્સને ત્યાં આ પ્રકારના ગુના બદલ સર્ચ હાથ ધરી હતી. સેબી બોર્ડની બુધવાર રાતે મેરેથોન બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં બૂચે જણાવ્યું હતું કે અમે ફાઈનાન્સિયલ ઈન્ફ્લૂઅન્સર્સને રેગ્યુલેટ કરવા માટે ચર્ચા પત્રને આખરી ઓપ આપી રહ્યાં છીએ. સેબીના બોર્ડે બુધવારે રાતે નિયમન સંબંધી શ્રેણીબંધ પગલાં લીધાં હતાં. જેમાં આઈપીઓના લિસ્ટીંગ સમયગાળાને છ દિવસથી ઘટાડી ત્રણ દિવસ કરવાનો સમાવેશ પણ થાય છે. આ નિર્ણય પછી 1 ડિસેમ્બર 2023થી તમામ આઈપીઓનું લિસ્ટીંગ T પ્લસ 3 દિવસમાં કરવાનું રહેશે. જ્યારે 1 સપ્ટેમ્બરથી આઈપીઓ લાવનાર કંપનીઓ સ્વૈચ્છિકપણે આમ કરી શકશે. સેબીના બોર્ડે કેટલાંક વિદેશી સંસ્થાકિય રોકાણકારો માટે ડિસ્ક્લોઝર નિયમોને કડક બનાવ્યાં હતાં. સેબીની નિયમનકાર તરીકેની ભૂમિકા અંગે સ્પષ્ટતાં કરતાં બૂચે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ રોકાણકારોને ઈન્વેસ્ટમન્ટ્સ અને માર્કેટ વિશે શિક્ષિત કરે તેનાથી અમને કોઈ તકલીફ નથી પરંતુ જો તેઓ કોઈ અનસોલિસિટેડ ઈન્વેસ્ટેમેન્ટ એડવાઈઝ આપી રહ્યાં છે અને સેબી સાથે રજિસ્ટર્ડ નથી તો તે એક ગંભીર સમસ્યા છે. હાલમાં દેશમાં અસંખ્ય અનરજિસ્ટર્ડ ફિનફ્લ્યૂઅર્સ જોવા મળે છે. જેઓ માર્કેટમાં ગેરરિતી આચરી રહ્યાં છે. તેઓ અજ્ઞાન લોકોને એડવાઈઝ આપી એકબાજુ કમિશન પેટે તગડાં નાણા રળી રહ્યાં છે જ્યારે બીજી બાજુ તેઓ જે સ્ટોક્સની વાત કરે છે તેમાં ટ્રાન્ઝેક્શન કરી ગેરરિતી આચરી રહ્યાં છે. આવા લોકો તાજેતરના વર્ષોમાં યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સએપ અને ટ્વિટર જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ પર સતત વધી રહ્યાં છે. સેબી જાહેર જનતાને આવા લોકોની જાળમાં ફસાઈ ના જવાય તે માટે સતત જાગૃત કરતી રહી છે અને હવે તેમના મુક્તવિહારને અંકુશમાં લાવવા માટે નિયમો ઘડી રહી છે.

ગયા નાણા વર્ષે પર્સનલ લોન્સમાં 21 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી
2023-24માં પણ ડિપોઝીટ ગ્રોથ કરતાં ક્રેડિટ ઓફટેક ઊંચું રહેવાની ધારણા
એગ્રીકલ્ચર અને સર્વિસિઝ સેક્ટરમાં પણ ઊંચી ક્રેડિટ માગ નોંધાઈ

ભારતીય બેંકિંગ સેક્ટરમાં ધિરાણની માગ માટે પર્સનલ લોન્સ સૌથી મોટું ચાલકબળ છે. છેલ્લાં કેટલાંક સમયગાળાથી કોર્પોરેટ લેન્ડિંગમાં સ્થિરતાની સ્થિતિમાં પર્સનલ લોન પાછળ ક્રેડિટ ઓફટેકમાં ઊંચી વૃદ્ધિ જળવાય છે. એગ્રી લોનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિને કારણે ક્રેડિટ ઓફટેકમાં સપોર્ટ મળ્યો છે. સતત રેપો રેટ વૃદ્ધિ છતાં માર્ચ 2023 સુધીમાં બેંક ક્રેડિટમાં 15 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે છેલ્લાં 11-વર્ષોમાં સૌથી ઊંચી હતી. જો પર્સનલ લોનની વાત કરીએ તો 2022-23માં 20.6 ટકાનો છેલ્લાં 11-વર્ષોમાં સર્વોચ્ચ વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. પર્સનલ લોન સેગમેન્ટમાં ઊંચા બેઝ પર પણ ઊંચો વૃદ્ધિ દર જોવા મળી રહ્યો છે.
રેટિંદ એજન્સી કેરએજની અપેક્ષા મુજબ આર્થિક વિસ્તરણ, પીએલઆઈ સ્કિમના અમલ અને રિટેલ ક્રેડિટની ઊંચી માગ પાછળ ચાલુ નાણાકિય વર્ષ 2023-24માં પણ ડિપોઝીટ વૃદ્ધિ કરતાં પણ ક્રેડિટ ઓફટેકમાં ઊંચી વૃદ્ધિ જોવા મળશે. કેરએજના અંદાજ મુજબ નાણા વર્ષમાં ક્રેડિટ ગ્રોથ 13-13.5 ટકાની રેંજમાં જળવાશે. જ્યારે ડિપોઝીટ ગ્રોથ 10-10.5 ટકાની રેંજમાં રહેશે. ઈન્ડસ્ટ્રી અને સર્વિસ સેગમેન્ટ્સની સરખામણીમાં પર્સનલ લોન સેગમેન્ટ સારો દેખાવ જાળવી રાખે તેવી શક્યતાં છે. જોકે, વૈશ્વિક બજારમાં ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ પાછળ આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો તથા ભારતમાં પણ રેટ વૃદ્ધિની અસર ક્રેડિટ ગ્રોથ પર જોવા મળી શકે છે. કુલ ક્રેડિટ ઓફટેકમાં 32.1 ટકા સાથે સૌથી ઊંચો હિસ્સો ધરાવતા પર્સનલ લોન સેગમેન્ટે માર્ચ 2023 સુધીમાં વાર્ષિક 20.6 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. અનસિક્યોર્ડ લોન્સ ઉપરાંત વેહીકલ અને હોમ લોન્સમાં મજબૂત વૃદ્ધિને કારણે આમ બન્યું હોવાનું રેટિંગ એજન્સીએ નોંધ્યું હતું.
કેર એજ રેટિંગ્સના જણાવ્યા મુજબ એનબીએફસી તરફથી રૂ. 1.7 લાખ કરોડના ડાયરેક્ટ એસાઈન્મેન્ટ ટ્રાન્ઝેક્સન્સ સાથે કો-લેન્ડિંગ અને ડાયરેક્ટ લેન્ડિંગે પણ ગ્રોથમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આને કારણે પર્સનલ લોન સેગમેન્ટના હિસ્સામાં વૃદ્ધિ જોવા મળી છે. તેમજ આગામી સમયગાળામાં પણ આ સેગમેન્ટ પર કંપનીઓ ફોકસ આપી રહી હોવાથી ઊંચી વૃદ્ધિ જોવા મળવાની શક્યતાં છે.
છેલ્લાં ત્રણ વર્ષોમાં ક્રેડિટ ગ્રોથ(ટકામાં)
સેગમેન્ટ 2020-21 2021-22 2022-23
એગ્રીકલ્ચર 10.5 9.9 15.5
ઈન્ડસ્ટ્રી -0.5 7.5 5.8
સર્વિસિઝ 3.9 8.7 19.6
પર્સનલ 10.3 12.6 20.7

સોનાનો ભાવ વિશ્વ બજારમાં 1900 ડોલર નજીક ચાર-મહિનાના તળિયે
ફેડ ચેરમેન તરફથી સતત રેટ વૃદ્ધિની વાતે કિંમતી ધાતુઓમાં નરમાઈ

સોનાના ભાવમાં નરમાઈ આગળ વધી રહી છે. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ ગુરુવારે 1303 ડોલર પર ટ્રેડ થયા હતાં. જે ચાર-મહિનાનું તળિયું દર્શાવતાં હતાં. અગાઉ માર્ચ મહિનાની મધ્યમાં આ રેટ જોવા મળતો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદો 1911.5 ડોલર આસપાસ જોવા મળતો હતો. યુએસ ડોલરમાં મજબૂતી પાછળ સોનામાં નરમાઈ જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સ 102.70ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. 14 જૂને ફેડ રેટમાં પોઝ રાખવા સાથે વધુ બે રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવ્યાં પછી યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે એકથી વધુવાર રેટમાં વૃદ્ધિની વાત દોહરાવી છે.
છેલ્લાં એક મહિનામાં ગોલ્ડ 100 ડોલર જેટલો ઘટાડો દર્શાવી રહ્યું છે. ભારતીય બજારમાં ગોલ્ડમાં 10 ગ્રામે રૂ. 2500થી વધુની નરમાઈ જોવા મળી છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે રૂ. 58000ની નીચે ઉતરી ગયો હતો. જે એક સમયે રૂ. 62000ને પાર કરી ગયો હતો. આમ ટોચના મથાળેથી તેમાં રૂ. 4000થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ હાલમાં કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. જોકે, તે સપોર્ટની નજીક છે અને તેથી તેમાં એક્યૂમ્યૂલેશન માટેની સારી તક ઊભી થઈ છે. હાલમાં વૈશ્વિક રોકાણકારો તરફથી ઈનફ્લો સારો હોવાના કારણે રૂપિયો સ્થિર છે. જોકે, આગામી વર્ષ સામાન્ય ચૂંટણીનું વર્ષ છે અને તેથી ડોલરમાં મજબૂતીની ઊંચી શક્યતાં છે. સામાન્યરીતે ચૂંટણી અગાઉના છ મહિનામાં ડોલરમાં 4-5 ટકા મજબૂતી જોવા મળી છે. જો આ વખતે પણ આવું બનશે તો સ્થાનિક ચલણમાં ગોલ્ડના ભાવને લાભ થઈ શકે છે.
ફેડ ચેરમેન પોવેલના હોકિશ વલણને જોતાં ડોલરમાં નવેસરથી મજબૂતી પાછળ ઈમર્જિંગ ચલણોમાં નરમાઈ સંભવ છે. યુએસ ખાતે ફુગાવો 2025 પહેલા 2 ટકાના કમ્ફર્ટ ઝોનમાં આવે તેવી શક્યતાં નહિ હોવાનું પણ ફેડ ચેરમેને જણાવ્યું હતું. જેનો અર્થ એ છે કે ટાઈટનીંગની પ્રક્રિયા લાંબી ચાલશે અને તેની પાછળ ડોલર મજબૂત રહેશે. જોકે, જીઓ-પોલિટીકલ જોખમોને જોતાં ગોલ્ડને સપોર્ટ મળતો રહેશે અને તે 1900 ડોલરની નીચે ટકવાની શક્યતાં ઓછી છે. 1950 ડોલર ઉપર તે દિવાળી સુધીમાં 2000 ડોલરની સપાટી કૂદાવી શકે છે. જ્યારે ડિસેમ્બર સુધીમાં તે નવી ટોચ પણ હાંસલ કરી શકે છે.

ONGC તરફથી ટોરેન્ટ, ગેઈલને 11 ડોલર પ્રતિ MMBTUના ભાવે ગેસ વેચાણ
કંપનીએ ઈ-ઓક્શનમાં પ્રતિ દિવસ 14 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ ગેસ વેચ્યો

જાહેર ક્ષેત્રની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસી) બંગાળની ખાડી સ્થિત કેજી બેસીનમાના તેના ગેસ ફિલ્ડ્સાંથી મેળવવામાં આવેલા શરૂઆતી ગેસનું ત્રણ કંપનીઓને વેચાણ કર્યું છે. જેમાં ટોરેન્ટ ગેસનો સમાવેશ થાય છે એમ વર્તુળો જણાવે છે.
એક ઈ-ઓક્શનમાં કંપનીએ પ્રતિ દિવસ 14 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ ગેસનું વેચાણ કર્યું હતું. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કેજી-ડી6 વિસ્તારને અડીને આવેલા ઓએનજીસીના બ્લોકમાંથી આયોજિત ઉત્પાદનનો એક નાનો હિસ્સો છે. કંપનીએ ટોરેન્ટ ગેસ ઉપરાંત સરકારી સાહસો ગેઈલ અને એચપીસીએલને પણ ગેસનું વેચાણ કર્યું હતું. ગેઈલે 0.8 એમએમએસસીએમડી જ્યારે એચપીસીએલે 0.42 એમએમએસસીએમડી અને ટોરેન્ટે 0.12 એમએમએસસીએમડી ગેસની ખરીદી કરી હતી એમ જાણકારનું કહેવું છે.
ઓએનજીસીએ વપરાશકર્તાઓ પાસેથી બીડ્સ મંગાવ્યાં છે. જેમાં ઓટોમાબાઈલ્સને સીએનજીનું વેચાણ કરતાં તથા પરિવારોને પાઈપ કૂકિંગ ગેસનું વેચાણ કરતાં સિટી ગેસ ઓપરેટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફર્ટિલાઈઝર અથવા વીજળી ઉત્પાદકો, એલપીજી ઉત્પાદકો અને ટ્રેડર્સને પણ પોતાના કેજી-DWN-98/2 અથવા KG-D5 બ્લોકમાંથી ઉત્પાદિત ગેસની ખરીદી માટે કંપનીએ બીડીંગ માટે જણાવ્યું છે.

ખનીજ વિદેશ ઈન્ડિયા લિથિયમ બ્લોક્સ માટે આર્જેન્ટીના સાથે કરાર કરશે

સરકારી સાહસ ખનીજ વિદેશ ઈન્ડિયા(કાબિલ) ટૂંક સમયમાં આર્જેન્ટીના સાથે લિથિયમ બ્લોક્સ મેળવવા માટે કરાર કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. કાબિલની સ્થાપના ઓગસ્ટ 2019માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વિદેશમાં કિંમતી ખનીજોની શોધ માટેનો હતો. કંપની ભારતમાં ઉપયોગમાં લેવાય તે માટે વિદેશમાં ખનીજોની ઓળખ, ખરીદી, ડેવલપમેન્ટ અને પ્રોસેસિંગ માટે સ્થાપવામાં આવી હતી. ભારત વિશ્વમાં ટોચના ગ્રીનહાઉસ ઉત્પાદક છે. તે ઊંચા કુદરતી સંશાધનો ધરાવતાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના અને ચિલી જેવા દેશોમાં ચાવીરૂપ ખનીજોના પુરવઠાને મેળવવા માટે વિદેશી કરારો કરી રહ્યો છે. સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ કંપની હાલમાં કોપર, કોબાલ્ટ અને લિથીયમ જેવા મહત્વના મિનરલ્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માટે તે અન્ય દેશો સાથે જોડાણ કરાઈ રહ્યું છે. કાબિલની ઉપરોક્ત દેશોમાં સક્રિય છે.

રિલાયન્સ કેપિટલ માટે લેન્ડર્સે હિંદુજાની ઓફરની તરફેણ કરી
જોકે, ટ્રાન્ઝેક્શનનો આધાર પ્રથમ રાઉન્ડ ઓક્શનમાં સૌથી મોટા બીડર ટોરેન્ટ જૂથ તરફથી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અપીલ પર રહેશે

નાદાર કંપની રિલાયન્સ કેપિટલના લગભગ 99 ટકા લેન્ડર્સે હિંદુજા જૂથ કંપન ઈન્ડસઈન્સ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સના રેઝોલ્યુશન પ્લાનની તરફેણમાં મત આપ્યો છે. નાદાર કંપની માટે હિંદુજા જૂથે રૂ. 9661 કરોડની ઓફર મૂકી હતી.
હિંદુજાની ઓફર પર ગુરુવારે વોટિંગ પૂરું થયું હતું. રિલાયન્સ કેપિટલની બુક્સમાં કેશ બેલેન્સ સાથે લેન્ડર્સ રૂ. 10,200 કરોડની રકમ મેળવશે. જોકે, રૂ. 16000 કરોડના પ્રિન્સિપલ સિક્યોર્ડ ડેટ કરતાં તે નોંધપાત્ર નીચી હશે. લેન્ડર્સ માટે તે 65 ટકા રિકવરીમાં પરિણમશે એમ બેંકિંગ વર્તુળો જણાવે છે. રિલાયન્સ કેપિટલ ઈન્સોલ્વન્સી એડમિનિસ્ટ્રેટર આગામી સપ્તાહે મુંબઈ એનસીએલટી ખાતે હિંદુજા જૂથના રેઝોલ્યુશન પ્લાનને ફાઈલ કરવાનું વિચારે છે એમ વર્તુલ જણાવે છે. જોકે, ટ્રાન્ઝેક્શનનો આધાર અમદાવાદ-સ્થિત ટોરેન્ટ જૂથે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર કોર્ટના નિર્ણય પર રહેશે. ટોરેન્ટ જૂથ ગયા ડિસેમ્બરમાં રિલાયન્સ કેપિટલ માટે યોજાયેલા પ્રથમ રાઉન્ડના ઓક્શનમાં રૂ. 8640 કરોડ સાથે સૌથી મોટા બીડર તરીકે ઊભર્યું હતું. જોકે, પાછળથી હિંદુજાએ નવી ઓફર કરતં લેન્ડર્સે ઓક્શનનો બીજો રાઉન્ડ યોજ્યો હતો. જેની સામે ટોરેન્ટ જૂથે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યાં હતાં. એકસમયે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કેપિટલને નવેમ્બર 2021માં ડેટ રેઝોલ્યુશન માટે મોકલવામાં આવી હતી. કંપની રૂ. 24000 કરોડની લોનની ચૂકવણીમાં નાદાર બની હતી. શરૂઆતમાં ઘણી કંપનીઓએ રસ દાખવ્યો હતો. જોકે પાછળથી તેમણે બાઈન્ડિંગ ઓફર્સ નહોતી કરી. હિંદુજા જૂથની ઓફર રિલાયન્સ કેપિટલની રૂ. 13000 કરોડની લિક્વિડેશન વેલ્યૂ કરતાં ઘણી નીચી છે. તમામ લેન્ડર્સને હિંદુજાની ઓફરમાંથી એકસમાન રકમ ચૂકવાશે. બેંકરના જણાવ્યા મુજબ એકવાર જુલાઈની મધ્ય સુધીમાં એનસીએલટીને રેઝોલ્યુશન પ્લાન રજૂ કર્યાં પછી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે.
ટોરેન્ટના વર્તુળોએ જોકે જણાવ્યું હતું કે રેઝોલ્યુશન પ્રક્રિયાને લઈને સ્પષ્ટતાંના અભાવે તેમણે ઓક્શનના બીજા રાઉન્ડમાં ભાગ નહોતો લીધો. રિલાયન્સ કેપિટલની કમિટિ ઓફ ક્રેડિટર્સ(સીઓસી)ને પત્રમાં ટોરેન્ટ જૂથે ઓક્શનના બીજા રાઉન્ડને ગેરકાયદે ગણાવ્યો હતો.

કોટનના ભાવ ગગડીને દોઢ વર્ષના તળિયે ઉતરી ગયા
યાર્નની નીચી માગ પાછળ મિલોની પાંખી ખરીદી
ગુજરાત, રાજસ્થાનમાં નવી સિઝનમાં કપાસના ઊંચા વાવેતર પાછળ સેન્ટીમેન્ટ પર અસર

દેશમાં કોટનના ભાવ છેલ્લાં દોઢ વર્ષથી વધુના તળિયા પર જોવા મળી રહ્યાં છે. ખાંડીના ભાવ રૂ. 55200થી લઈ રૂ. 55500 પર બોલાઈ રહ્યાં છે. છેલ્લાં મહિનામાં જ ભાવમાં આંઠ ટકાનું ગાબડું પડ્યું છે. યાર્નની નીચી માગ પાછળ મિલર્સ તરફથી ઘટેલા ભાવે પણ ખરીદી પાંખી જોવા મળી રહી છે અને તેથી કોમોડિટીના ભાવ પર દબાણ પ્રવર્તી રહ્યું છે. અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં આ સ્તર આસપાસ ભાવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારપછી તે વધીને જૂન 2022માં રૂ. 1.05 લાખની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. જે ધીમે-ધીમે ઘસાઈને રૂ. 60 હજાર નીચે સ્થિર થતાં જોવા મળી રહ્યાં છે.
રાજકોટ સ્થિત એક જીનરના જણાવ્યા મુજબ યાર્નની નિકાસ ખૂબ ધીમી જોવા મળે છે. આ સ્થિતિમાં મિલો તરફથી કોઈ ખાસ માગ નથી. તેઓ ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યાં છે. હાલમાં જીનર્સ પાસે માત્ર એક મહિના માટેના ઓર્ડર્સ છે એમ તેઓ ઉમેરે છે. સાઉથર્ન ઈન્ડિયા મિલ્સ એસોસિએશન(સીમા)ના ચેરમેનના મતે યાર્નની વૈશ્વિક માગ નીચી જોવા મળી રહી છે. તેને કારણે નિકાસ માટે તૈયાર કરેલો માલ સ્થાનિક બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને પચાવવા માટે સ્થાનિક બજાર સક્ષમ નથી. વૈશ્વિક સ્તરે ચીન સહિતના બજારોમાં યાર્નની ઈન્વેન્ટરી વાર્ષિક ધોરણે ખૂબ નીચા સ્તરે જોવા મળે છે. જેને જોતાં આગામી સમયગાળામાં માગ નીકળી શકે છે. જોકે તેનો લાભ ભારતીય ઉત્પાદકોને મળશે કે કેમ તે જોવાનું રહેશે. કેમકે હાલમાં સ્થાનિક કોટનના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં પ્રિમીયમ દર્શાવે છે. મહિના અગાઉ રૂ. 60000 પર ટ્રેડ થતું કોટન ગુરુવારે રૂ. 55 હજારથી રૂ. 55500ની રેંજમાં જોવા મળતું હતું. ન્યૂ યોર્ક કોટન વાયદો 80 સેન્ટ્સની નીચે ઉતરી ગયો છે. જેને રૂપિયા સંદર્ભમાં જોઈએ તો તે રૂ. 53000 આસપાસ મળી રહ્યું છે. સીમાના ડેટા મુજબ 2022-23માં દેશમાંથી ટેક્સટાઈલની નિકાસમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં યાર્ન, ફેબ્રિક અને મેડ-અપ્સની નિકાસ 26.7 ટકા જેટલી ગગડી હતી. મે મહિનામાં પણ ઘટાડો જળવાયો હતો અને ટેક્સટાઈલ્સની નિકાસ 12 ટકા ઘટી હતી. સ્પીનીંગ મિલ્સ તરફથી પ્રતિ કિગ્રા રૂ. 30ના ડિસ્કાઉન્ટની ઓફર છતાં યાર્નની કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી. ઉત્તર ભારતમાં સ્પીનીંગ મિલ્સ પાસે 2-મહિના ચાલે તેટલો સ્ટોક પડ્યો છે. વર્તમાન ભાવને જોતાં સહુ કોઈએ નુકસાન ઉઠાવવું પડે તેમ છે એમ યાર્ન એજન્ટ જણાવે છે. જોકે, કોઈપણ વ્યક્તિ યાર્ન કે કોટનને નીચા ભાવે વેચવા માટે તૈયાર નથી એમ તેઓ ઉમેરે છે.
એકબાજુ માગ નથી ત્યારે ખેડૂતો તરફથી દૈનિક ધોરણે 65000-70000 ગાંસડી માલ લાવવામાં આવી રહ્યો છે. જે ખેડૂતો ઓફ સિઝનમાં ઊંચા ભાવની અપેક્ષાએ માલ પકડીને બેઠાં હતાં તેઓ હવે બજારભાવે માલ વેચવા તૈયાર બન્યાં છે. રાજકોટ સ્થિત જિનર જણાવે છે કે રૂ. 65 હજારમાં જેઓ વેચવા તૈયાર નહોતા તેઓ 15-17 ટકા નીચે માલ વેચી રહ્યાં છે.

યુએસ બેંક ફેઈલ્યોર્સ પછી ફેડ ફાઈનાન્સિયલ રુલ્સને સખત બનાવી શકેઃ પોવેલ
સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક અને ફર્સ્ટ રિપબ્લિક બેંકના પતન પછી ફેડ નવા પ્રસ્તાવો પર અમલ કરી શકે છે

ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે ગુરુવારે જણાવ્યું હતું કે તાજેતરમાં યુએસ ખાતે ત્રણ બેંક્સની નિષ્ફળતા પછી સેન્ટ્રલ બેંકે અમેરિકન ફાઈનાન્સિયલ સિસ્ટમ પર તેની દેખરેખને સખત બનાવવી પડી શકે છે. મેડ્રિડ ખાતે એક બેંકિંગ કોન્ફરન્સમાં એક તૈયાર નિવેદનમાં પોવેલે જણાવ્યું હતું કે 2007-08માં જોવા મળેલી બેંકિંગ કટોકટી પછી કડક કાયદાઓ અમલમાં આવ્યાં હતાં. જેણે મોટી બહુરાષ્ટ્રીય બેંકોને વ્યાપક લોન ડિફોલ્ટ્સ સામે વધુ મજબૂત બનાવી હતી. જોકે, તાજેતરમાં સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક અને ફર્સ્ટ રિપબ્લિક બેંકના પતને ફેડ ખાતે અલગ પ્રકારની નબળાઈઓને ઉજાગર કરી છે. જેને જોતાં ફેડ નવા પ્રસ્તાવો મારફતે તેના ઉપાયો હાથ ધરશે. જોકે, તેમણે આ અંગે કોઈ વિગતો પૂરી પાડી નહોતી. જોકે ફેડના અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે બેંકોએ લોનમાં થનારા નુકસાન સામે કવચના ભાગરૂપે વધુ મૂડી હાથ પર રાખવાની જરૂરિયાત રહેશે. આ પ્રકારના પ્રસ્તાવે બેંકિંગ ઉદ્યોગ તરફથી વિરોધનો સામનો કરવાનો બની શકે છે. તેમજ યુએસ કોંગ્રેસમાં કેટલાંક રિપબ્લિકન્સ પણ આ પ્રકારના પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે. રિપબ્લિકન્સનો દાવો છે કે ફેડ પાસે ઉપરોક્ત બેંક્સને બચાવવા માટે જરૂરી સાધનો હોવા છતાં તે બેંકોને બચાવવામાં નિષ્ફળ રહી હતી. પોવેલે જણાવ્યું હતું કે આ ત્રણેય બેંક્સ સામેના પડકારોને સમજવામાં રેગ્યુલેટર્સ ખતા ખાઈ જવાનું એક કારણ છેલ્લે સુધી લડી લેવાનું કુદરતી રીતે જ જોવા મળતું માનવ સહજ વલણ છે. આ ઘટનાએ અમારા સુપરવિઝનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે. જેથી બેંક કેટલી ઝડપથી ઉઠી શકે છે તે સંબંધી ખ્યાલ આવી શકે.
અગાઉ 2018માં 100 અબજ ડોલરથી 250 અબજ ડોલર સુધીની એસેટ્સ ધરાવતી બેંક્સને કેટલીક રેગ્યુલેટરી જરૂરિયાતોમાંથી મુક્ત કરવામાં આવી હતી. તાજેતરમાં નાદાર બનેલી ત્રણેય બેંક્સ આ કેટેગરીમાં સમાવેશ પામતી હતી.

ICICI સિક્યૂરિટીઝ ICICI બેંકની સંપૂર્ણ માલિકીની કંપની બનશે
કંપનીના દરેક 100 શેર્સ સામે આઈસીઆઈસીઆઈ બેંકના 67 શેર્સ આપવામાં આવશે
બુધવારના બંધ ભાવે શેર સ્વેપને જોતાં આઈસીઆઈસીઆઈ સિક્યો.ના શેરધારકોને માત્ર 2 ટકા પ્રિમીયમનો લાભ

દેશમાં ટોચની બ્રોકરેજ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝે ગુરુવારે શેરબજારમાંથી ડિલિસ્ટીંગ સાથે પેરન્ટ કંપની આઈસીઆઈસીઆઈ બેંકની સબસિડિયરીઝ બનવાની જાહેરાત કરી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના જાહેર શેરધારકોને કંપનીના 100 શેર્સની સામે આઈસીઆઈસીઆઈ બેંકના 67 શેર્સ ફાળવવામાં આવશે. જો 28 જૂનના બંધ ભાવે ગણીએ તો આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના 100 શેર્સનું મૂલ્ય રૂ. 61390 પર બેસતું હતું. બુધવારે કંપનીનો શેર બીએસઈ ખાતે રૂ. 613.90 પર બંધ રહ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સના 67 શેર્સનું મૂલ્ય રૂ. 62809.15 થતું હતું. બેંકનો શેર રૂ. 937.45 પર બંધ રહ્યો હતો. આમ શેર સ્વેર રેશિયો આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના શેરધારકને માત્ર 2 ટકાનું પ્રિમીયમ મળી રહ્યું હોવાનું દર્શાવી રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે આ યોજના આઈસીઆઈસીઆઈ બેંક અને કંપનીના શેરધારકો, ક્રેડિટર્સ, આરબીઆઈ, એનસીએલટી, સ્ટોક એક્સચેન્જિસ અને અન્ય રેગ્યુલેટરી અને સ્ટેચ્યુટરી સત્તાવાળાઓની મંજૂરીને આધીન રહેશે. આ નિર્ણય પાછળના તર્કને સમજાવતાં આઈસીઆઈસીઆઈ બેંકે જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝનો બિઝનેસ નીચી મૂડી ધરાવતો બિઝનેસ છે અને તેથી બિઝનેસ ગ્રોથને ફંડ કરવા માટે આંતરિક સ્રોતો જરૂરિયાત કરતાં પણ વધુ છે. આ સ્થિતિમાં બેંકને કંપનીમાં નવી મૂડી રોકવાની જરૂરિયાત રહે તેવી અપેક્ષા નથી. માર્ચ 2023ની આખરમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં બેંક 74.85 ટકા હિસ્સો ધરાવતી હતી. ડિલિસ્ટીંગ પ્રક્રિયા આગામી 12-15 મહિનામાં પૂરી થવાની અપેક્ષા છે. 2022-23માં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે રૂ. 263 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 23 ટકા ઘટાડો દર્શાવતો હતો. કંપનીની રેવન્યૂ અગાઉના વર્ષે રૂ. 892 કરોડ સામે સાધારણ ઘટાડે રૂ. 885 કરોડ પર રહી હતી.

ગો ફર્સ્ટે જૂન માટેનું સેલરી પેમેન્ટ લંબાવ્યું
દેવામાં ડૂબેલી એરલાઈન કંપની ગો ફર્સ્ટે તેના કર્મચારીઓને જૂન માટેના વેતનમાં વિલંબ થશે એમ જણાવ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે એકવાર લેન્ડર્સ તરફથી વધારાના ઈન્ટરિમ ફંડિંગ પછી સેલરી ક્રેડિટ કરવામાં આવશે. પાયલોટ્સ સાથે ટાઉનહોલ મિટિંગ દરમિયાન ગો ફર્સ્ટના એચઆર ડિપાર્ટમેન્ટે કર્મચારીઓને વર્તમાન ડેવલપમેન્ટ્સ અંગે અપડેટ કર્યાં હતાં. જેમાં જણાવ્યું હતું કે લેન્ડર્સ વધારાનું ફંડ આપવા માટે તૈયાર થઈ ગયાં છે. જોકે, હાલમાં એરલાઈન તરફથી કોઈ રેવન્યૂ ઊભી નહિ થઈ રહી હોવાથી જૂન માટેની સેલરી આપવામાં વિલંબની અપેક્ષા છે. કંપનીની અગત્યતા મે મહિનાની સેલરીનો બાકીનો હિસ્સો ચૂકવવાનો રહેશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા કોમ્યુનિકેશનઃ તાતા જૂથ કંપની યુએસ સ્થિત કોમ્યુનિકેશન પ્લેટફોર્મ કલેયરા ઈન્કની 10 કરોડ ડોલરમાં ખરીદી કરશે. કલેયરા એ પ્રોપરાયટરી પ્લેટફોર્મ્સ સાથે ઓમ્નીચેનલ ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન સર્વિસિઝ પ્રોવાઈડર છે. તે મેસેજિંગ, વિડિયો, પુશ નોટિફિકેશન્સ, ઈ-મેઈલ અને વોઈસ-બેઝ્ડ સર્વિસિઝ મારફતે ટાર્ગેટેડ પર્સનાલાઈઝેશન ઓફર કરે છે. એગ્રીમેન્ટ હેઠળ કંપનીની 10 કરોડ ડોલરમાં સંપૂર્ણપણે કેશ ટ્રાન્ઝેક્શન્સમાં ખરીદી કરવામાં આવશે.
બાઈજુસઃ એડટેક કંપનીને 25 કરોડ ડોલરની લોન આપવાનો વાયદો કરનાર ડેવિડસન કેમ્પનેર કેપિટલ મેનેજમેન્ટે જણાવ્યું છે કે તે હાલમાં તેના નિર્ણયની પુનઃસમીક્ષા કરી રહી છે. તાજેતરમાં બાઈજુસની કટોકટી વધતાં યુએસ હેજ ફંડ આમ કરી રહ્યું છે. 38-અબજ ડોલરથી વધુનું ફંડ મેનેજ કરી રહેલા ડેવિડસન કેમ્પનેરે તેણે ઓફર કરેલા 25 કરોડ ડોલરમાંથી અડધાથી ઓછી રકમ બાઈજુસને પૂરી પાડી છે એમ જાણકારનું કહેવું છે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસિઝ કંપનીએ 2022-23માં કુલ 95 મોટા ડિલ્સ સાઈન કર્યાં હતાં. જેમાંથી 40 ટકા નવા હતાં. કંપનીએ ચાલુ નાણાકિય વર્ષ માટે 4-7 ટકા રેવન્યૂ ગ્રોથનું ગાઈડન્સ આપ્યું છે. કંપની જનરેટીવ એઆઈ પર મુખ્ય ભાર આપી રહી છે અને તે ભવિષ્યમાં મહત્વની બિઝનેસ સ્ટ્રીમ બની રહેશે. કંપની 20 જુલાઈએ તેના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર કરવાની છે.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસઃ કંપની તેની સબસિડિયરી કેર હેલ્થકેર ઈન્શ્યોરન્સમાં 6-7 ટકા હિસ્સાના વેચાણ માટે વાતચીત ચલાવી રહી છે. આ હિસ્સા વેચાણથી તે રૂ. 1200 કરોડ સુધીની રકમ ઊભી કરી શકે તેમ છે. કંપનીએ 2020માં પીઈ ફંડ કેદારા કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સને રૂ. 567.3 કરોડમાં નાના હિસ્સાનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે રેલીગેરે હેલ્થ ઈન્શ્યોરન્સ બિઝનેસના ગ્રોથ માટે રાઈટ્સ ઈસ્યુ મારફતે રૂ. 300 કરોડ ઊભા કરવાનું વિચાર્યું હતું.
કેનેરા બેંકઃ પીએસયૂ બેંકના બોર્ડે ટિયર-1 અને ટીયર-2 બોન્ડ્સ મારફતે નાણા વર્ષ 2023-24માં રૂ. 7500 કરોડ સુધીની રકમ ઊભી કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આમાંથી રૂ. 3500 કરોડ ટિયર-1 બોન્ડ્સ મારફતે જ્યારે રૂ. 4000 કરોડ ટિયર-2 બોન્ડ્સ મારફતે મેળવવામાં આવશે. હાલમાં બેંકનો કેપિટલ એડિક્વસી રેશિયો 16.68 ટકા પર જોવા મળે છે.
લ્યુપિનઃ ફાર્માસ્યુટિકલ કંપનીએ જણાવ્યું હતું કે તેણે હર્મેટોલોજિકલ કેન્સર્સની સારવાર માટે પ્રોડક્ટ વિકસાવવામાં મહત્વનું સીમાચિહ્ન હાંસલ કરવા બદલ એબવીયે ઈન્ક તરફથી 2.5 કરોડ ડોલર એટલેકે રૂ. 205 કરોડ મેળવ્યાં છે. કંપનીએ તેના નોવેલ માલ્ટી ઈન્હિબિટર પ્રોગ્રામ માટે આ સીમાચિહ્ન નોંધાવ્યું છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

6 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

6 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

6 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

6 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

6 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

6 months ago

This website uses cookies.