બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડ ‘પોઝ’ દર્શાવે તેવી શક્યતાએ બજારમાં તેજીનો વંટોળ
જુલાઈ એક્સપાયરીના દિવસે શોર્ટ કપાતાં નિફ્ટી 16900 કૂદાવી ગયો
બજાજ ટ્વિન્સમાં 10 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો
ટાટા સ્ટીલનો શેર સ્પ્લિટ બાદ 4.6 ટકા ઉછળી રૂ. 100ને પાર કરી ગયો
નાસ્ડેક ફેડ રેટ જાહેરાત બાદ 4 ટકા ઉછળ્યો
એશિયન બજારોમાં હોંગ કોંગ, તાઈવાન સિવાય સુધારો, યુરોપમાં નરમાઈ
આઈટી, મેટલ, બેંકિંગ અને એનર્જી તરફથી તેજીની આગેવાની
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.2 ટકા ગગડી 17.01ના સ્તરે બંધ રહ્યો
યુએસ ફેડ રિઝર્વે સતત બીજા મહિને રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કર્યાં બાદ રેટ વૃદ્ધિમાં વિરામનો સંકેત આપતાં બજારોને હાશકારો સાંપડ્યો હતો. જેની પાછળ ઈમર્જિંગ માર્કેટ્સમાં અતિ પ્રિય એવા ભારતીય બજારમાં છેલ્લાં કેટલાક દિવસની મોટી તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 1041 પોઈન્ટ્સ ઉછળી 56858ની સપાટીએ જ્યારે નિફ્ટી 288 પોઈન્ટ્સ ઉછળી 16930ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 39 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટર્સ જ નરમાઈ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાઈ હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 6.2 ટકા ગગડી 17.01ની સપાટી પર જોવા મળ્યો હતો.
બુધવારે રાતે ફેડ ચેરમેને રેટમાં વધુ 75 બેસીસ પોઈન્ટ્સની જાહેરાત કરી હતી. જોકે સાથે તેમણે વપરાશી માગમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને તેથી આગામી સમયગાળામાં રેટ વૃદ્ધિ માટે ડેટા મહત્વનો બની રહેશે એમ નોંધ્યું હતું. જેણે બજાર ટ્રેડર્સને મોટી રાહત આપી હતી. માર્કેટના એનાલિસીસ પ્રમાણે ફેડ હવે 75 બેસીસ પોઈન્ટસ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં નથી. ઊલટાનું જો જુલાઈ માટેનો સીપીઆઈ અપેક્ષાથી નીચો રહેશે તો ફેડ રેટ વૃદ્ધિમાં વિરામ જાળવી શકે છે. આ સ્થિતિમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી બજારોમાં ફરીથી લેવાલી જોવા મળી શકે છે. છેલ્લાં પખવાડિયાથી તેઓ ભારતીય બજારમાં નેટ ખરીદી દર્શાવી રહ્યાં છે. જે સૂચવે છે કે તેઓ પણ ફેડ તરફથી રેટ વૃદ્ધિમાં વિરામની અપેક્ષા રાખી રહ્યાં છે. ફેડની જાહેરાત બાદ યુએસ ખાતે નાસ્ડેક 4 ટકાથી વધુ ઉછળી 12 હજારની સપાટી પાર કરી ગયો હતો. ગુરુવારે એશિયન બજારો મજબૂતી દર્શાવતાં હતાં. જોકે હોંગ કોંગમાં નરમાઈ ચાલુ રહી હતી. જ્યારે તાઈવાન પણ ઘટાડો દર્શાવતું હતું. બપોરે યુરોપિયન બજારો સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જોકે ભારતીય બજારે કોઈને ગણકાર્યાં નહોતાં અને સમગ્ર દિવસ દરમિયાન તેણે સુધારાતરફી ચાલ જાળવી રાખવા સાથે નિફ્ટી 16900ના સ્તરને પાર કરી ગયો હતો અને ઈન્ટ્રા-ડે ટોચની નજીક જ બંધ રહ્યો હતો.
માર્કેટને સપોર્ટ કરવામાં આઈટી, બેંકિંગ, મેટલ અને એનર્જી મુખ્ય હતાં. નિફ્ટી આઈટી 2.81 ટકા ઉછળ્યો હતો. જેમાં માઈન્ડટ્રી 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય એલએન્ડટી ઈન્ફોટેક 5.35 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 3.2 ટકા, ઈન્ફોસિસ 3.1 ટકા, ટેક મહિન્દ્રા 3 ટકા અને વિપ્રો 2.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંક નિફ્ટી 1.62 ટકા સુધારા સાથે 37 હજારની સપાટી કૂદાવી ગયો હતો. અને ચાર મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. સુધારો દર્શાવનાર બેંક શેર્સમાં કોટક મહિન્દ્રા બેંક 4.24 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય ઈન્ડસઈન્ડ બેંક 3.9 ટકા, આઈડીએફસી ફર્સ્ટ બેંક 2.4 ટકા, પીએનબી 1.9 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.8 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 1.54 ટકા, બંધન બેંક 1.2 ટકા અને એક્સિસ બેંક એક ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી મેટલ 1.7 ટકા મજબૂતી સાથે બંધ દર્શાવતો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 2.9 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.32 ટકા, એનએમડીસી 1 ટકા, હિંદાલ્કો 1 ટકા અને વેદાંત 0.9 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો અડધા ટકાથી એક ટકાની વચ્ચે સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સની વાત કરીએ તો બજાજ ટ્વિન્સ 10 ટકાથી વધુ ઉછાળા સાથે સુધરવામાં ટોચ પર હતાં. બજાજ ફાઈનાન્સ 11 ટકા જ્યારે બજાજ ફિનસર્વ 10 ટકા સુધારો દર્શાવતો હતો. આ સિવાય એસબીઆઈ લાઈફ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી લાઈફ 2-4 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ સિમેન્ટ કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જેમાં શ્રી સિમેન્ટ 2.9 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. ટેલિકોમ પ્લેયર ભારતી એરટેલ પણ 1.2 ટકા અને સિપ્લા, બજાજ ઓટો તથા ટાટા મોટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં.
જુલાઈ એક્સપાયરીને કારણે કેટલાંક એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 12 ટકા ઉછળ્યો હતો. એસબીઆઈ કાર્ડ 4.5 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 4.41 ટકા, ઈન્ફો એજ 4.32 ટકા, મૂથુત ફાઈનાન્સ 4.21 ટકા, પર્સિસ્ટન્ટ 4 ટકા અને ઈન્ટરગ્લોબ એવિએશન 4 ટકા સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ ફાર્મા કંપની બાયોકોનનો શેર 5 ટકા તૂટ્યો હતો. ડિક્સોન ટેક્નોલોજી 3.3 ટકા, એનબીસીસી 3.13 ટકા, સેઈલ 2.6 ટકા, આઈજીએલ 2.2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં સુધારા પાછળ બ્રેડ્થ પોઝીટીવ હતી. બીએસઈ ખાતે કુલ 3479 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1830 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1520 નેગેટિવ જોવા મળતાં હતાં. 110 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. જ્યારે 139 કાઉન્ટર્સ અગાઉની બંધ સપાટીએ ફ્લેટ બંધ દર્શાવી રહ્યાં હતાં.
જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક ગોલ્ડની માગમાં 8 ટકા ઘટાડો નોંધાયો
ભારતમાં ગોલ્ડની માગમાં વૃદ્ધિ વચ્ચે ચીનમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો
જ્વેલરી સેક્ટરની માંગ ભારત પાછળ 4 ટકા વધીને 453 ટને પહોંચી
માઈનર્સ તરફથી છ માસિક ઉત્પાદન 1764 ટનની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું
વૈશ્વિક રિસાઈકલીંગમાં વાર્ષિક 8 ટકા વૃદ્ધિ સાથએ કુલ 592 ટન રિસાયકલિંગ નોંધાયું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે રજૂ કરેલા ગોલ્ડ માગ સંબંધી તાજા અહેવાલ મુજબ જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડની માગ 8 ટકા ઘટી 984 ટન પર જોવા મળી છે. જોકે ઈટીએફ તરફથી મજબૂત ઈનફ્લોને કારણે કેલેન્ડર 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગોલ્ડની માગ 12 ટકા વૃદ્ધિ દર્શાવે છે. 2021માં પ્રથમ છ મહિનામાં 2189 ટનની સરખામણીમાં ચાલુ વર્ષે તે 2300 ટનને પાર કરી ગઈ છે.
નાણાકિય વર્ષની શરૂઆત એપ્રિલથી જીઓપોલિટિકલ જોખમ અને ફૂગાવાના દબાણ છતાં 2022ના બીજા ત્રિમાસિકગાળામાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે, કેમકે રોકાણકારોએ વધતાં ઈન્ટરેસ્ટ રેટને કારણે ડોલરમાં ખરીદી જાળવી છે. જૂન ક્વાર્ટર દરમિયાન ગોલ્ડના પ્રાઈસમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેની અસર ગોલ્ડ ઈટીએફ્સ પર જોવા મળી છે. બીજા ત્રિમાસિકગાળામાં ગોલ્ડ ઈટીએફ્સમાં 39 ટનનો આઉટફ્લો જોવા મળ્યો છે. જોકે પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ચોખ્ખો ઇન્ફ્લો 234 ટન નોંધાયો છે, જે 2021ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં 127 ટનનો આઉટફ્લો હતો. જો કે, બીજા ત્રિમાસિકગાળાનો ઘટાડો એ બીજા અર્ધવાર્ષિકગાળાના નબળા ઇટીએફ ઈનફ્લોને લીધે છે, પણ તે વ્યાજદરમાં સતત વધારાને લીધે ફૂગાવામાં નરમાઈની અસરને લીધે થયું લાગે છે.
જૂન ક્વાર્ટરમાં સોનાની લગડી અને સિક્કાની માંગ વાર્ષિક ધોરણે 245 ટન પહોંચી હતી. ભારત, મધ્ય પૂર્વ અને તુર્કીમાં ગોલ્ડની માગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળ્યો હતી. જેના લીધે ચીનની નબળી માંગને સરભર કરવામાં સહાયતા મળી હતી. ચીનની માંગ હાલમાં કોરોના વાયરસના લોકડાઉનને લીધે આંશિક અસરગ્રસ્ત છે. તેને પરિણામે, પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં વૈશ્વિક લગડી અને સિક્કાની માંગ વાર્ષિક ધોરણે 12 ટકા ઘટી છે. જ્વેલરી ક્ષેત્રમાં બીજા ત્રિમાસિકગાળામાં સોનાની માંગ ભારતીય માંગમાં સુધારાની મદદને પગલે વાર્ષિક ધોરણે 4 ટકા વધીને 453 ટને પહોંચી છે, 2021ના બીજા ત્રિમાસિકગાળાની તુલનામાં તેમાં 49 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં મજબૂત પફોર્મન્સને લીધે ચીનની માંગમાં તીવ્ર 28 ટકાનો ઘટાડો સરભર કરી શકાયો છે. બીજા ત્રિમાસિકગાળામાં મધ્યસ્થ બેંકર્સ ચોખ્ખાં લેવાલ રહ્યાં હતાં. વૈશ્વિક ઓફિશિયલ રિઝર્વ વધીને 180 ટન થઈ છે. પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ચોખ્ખી ખરીદી 270 ટને પહોંચી છે. ટેકનોલોજી સેક્ટરની માગ જૂન ક્વાર્ટરમાં 2 ટકા ઘટીને 78 ટને પહોંચી છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે તેમની માગ 159 ટને રહી હતી.
જાન્યુઆરીથી જૂન દરમિયાન ગોલ્ડ માઈનર્સનું ઉત્પાદન નવી સર્વોચ્ચ સપાટીએ 1764 ટને પહોંચ્યું છે, જે 2021ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા કરતા 3 ટકા ઉંચુ છે. જ્યારે પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં કુલ 592 ટન રિસાયકલિંગ નોંધાયું છે, જે વાર્ષિક ધોરણે 8 ટકા વધુ છે.
RBIએ ઓડિટ દરમિયાન PTC-PFSના ચીફ માટે હંગામી રજા રાખવા સૂચવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પાવર ટ્રેડિંગ કોર્પોરેશન(પીટીસી) અ તેની પેટાકંપની પીટીસી ફાઈનાન્સિયલ સર્વિસિસ(પીએફએસ)ના ફોરેન્સિક ઓડિટ દરમિયાન બંને કંપનીઓના વડાઓને હંગામી રજા આપવા માટે વીજ મંત્રાલયને સૂચવ્યું છે. જાન્યુઆરીમાં કંપનીઓમાં ત્રણ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે કોર્પોરેટ ગવર્નન્સનું કારણ આપીને રાજીનામાં આપતાં આરબીઆઈએ આમ સૂચવ્યું છે. ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે એપ્રાઈઝલ અને લોન્સ સેક્શન સામે આંગળી ચીંધી હતી. નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની હોવાના કારણે પીએફએસ આરબીઆઈના રેગ્યુલેશન્સમાં આવે છે. જોકે તેની પેરન્ટ કંપની વીજ મંત્રાલયનો ભાગ હોવાના કારણે આરબીઆઈના સૂચનને તેની મારફતે પહોંચાડવામાં આવ્યું છે.
પ્રાઈવેટ બેંક્સે જૂન ક્વાર્ટરમાં રિટેલ લોનમાં 25 ટકા વૃદ્ધિ નોંધાવી
ટોચની પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓએ જૂન ક્વાર્ટર દરમિયાન રિટેલ લોન્સમાં 25 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવી હતી. ઊંચા ઈન્ફ્લેશન અને આરબીઆઈ તરફથી રેપો રેટમાં 90 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ છતાં રિટેલ લોન્સમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો હતો. અગ્રણી બેંકમાં એચડીએફસી બેંકે જૂન ક્વાર્ટરમાં 21.7 ટકા રિટેલ લોન ગ્રોથ દર્શાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે તેની રિટેલ લોન 4.9 ટકાના દરે વધી હતી. સપ્લાય ચેઈન્સની સમસ્યાનો સામનો કરી રહેલી ઓટો લોનને બાદ કરીએ તો બેંકે 25 ટકા લોન વૃદ્ધિ નોંધાવી હતી. આઈસીઆઈસીઆઈ બેંકની રિટેલ લોન્સમાં 24.4 ટકા જ્યારે એક્સિસ બેંકે 25 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.
વધુ 21 લાખ ટન ઘઉં નિકાસને મંજૂરીની શક્યતાં
ભારત સરકાર દેશમાંથી ઘઉંના નિકાસ પરના પ્રતિબંધની સમીક્ષા કરવાની કોઈ યોજના ધરાવતી નથી એમ જણાવતાં વર્તુળોનું કહેવું છે કે મે મહિનામાં કોમોડિટી નિકાસ પ્રતિબંધ અગાઉ જેના માટે લેટર્સ ઓફ ક્રેડિટ ઈસ્યુ થઈ ચૂક્યાં હતાં તેવા વધુ 21 લાખ ટનની નિકાસને મંજૂરી આપી શકે છે. સરકાર આ માટેની તેની સ્ક્રૂટિની એક્સરસાઈઝને પૂરી કરવામાં છે અને ટૂંકમાં જ આ જથ્થાને શીપીંગ માટે છૂટ મળી શકે છે. દેશમાં ઘઉંના ભાવ તેની વિક્રમી સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તાજેતરમાં રશિયા-યૂક્રેને અનાજની નિકાસ માટે ડિલ કરતાં વૈશ્વિક બજારમાં ઘઉં સહિતના અનાજના ભાવમાં રાહત જોવા મળે તેવી શક્યતાં છે.
IT કંપનીઓના માર્જિન ગગડીને 23.2 ટકાના એક દાયકાના તળિયે
ત્રિમાસિક ધોરણે ટોચની 17-કંપનીઓના નફામાં પાંચ વર્ષોમાં સૌથી નીચી વૃદ્ધિ
વિપ્રો અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓએ એબિટા માર્જિનમાં દ્વિઅંકી ઘટાડો દર્શાવ્યો
કોવિડ મહામારીની માર્ચ 2020માં શરૂઆત બાદના ક્વાર્ટર્સમાં માર્જિન્સ અને પ્રોફિટ્સમાં મોટો ઉછાળો નોંધાવનાર નિકાસલક્ષી આઈટી કંપનીઓ હાલમાં છેલ્લાં ઘણા વર્ષોમાં સૌથી મોટા અર્નિંગ્સ પડકારનો સામનો કરી રહી છે. જૂન ક્વાર્ટરમાં કંપનીઓએ એક દાયકાથી વધુ સમયના નીચા માર્જિન દર્શાવ્યાં છે. કંપનીના એબિટા માર્જિન 23.2 ટકાના તળિયા પર 2011 પછીના તળિયાપર જોવા મળ્યાં હતાં. કંપનીઓની આવકની સરખામણીમાં તેમના ખર્ચમાં ઝડપી વૃદ્ધિને કારણે માર્જિન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
આઈટી ઉદ્યોગના માર્જિન નાણાકિય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં 28.8 ટકાની સાત વર્ષોની ટોચ પર પહોંચ્યાં હતાં. જોકે ત્યારબાદ કંપનીઓની આવકમાં દ્વિઅંકી વૃદ્ધિ છતાં તેમના માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરના ક્વાર્ટર્સમાં માર્જિનમાં ઘટાડાની ઝડપમાં વેગ આવ્યો હોય તેમ જણાય છે. ઉદ્યોગના સરેરાશ ઓપરેટિંગ માર્જિન્સ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 3.6 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે ત્રિમાસિક ધોરણે 1.9 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. દેશની ટોચની 17 આઈટી કંપનીઓનો સંયુક્ત નફો 3 ટકા સુધરી રૂ. 37416 કરોડ પર જોવા મળ્યો હતો. જે છેલ્લાં 18 ક્વાર્ટર્સમાં જોવા મળેલો સૌથી નીચો ગ્રોથ છે. 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં આ 17 કંપનીઓએ ઓપરેટિંગ પ્રોફિટમાં 21.5 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે ગયા માર્ચ ક્વાર્ટરમાં તેમણે 9.8 ટકાની ઓપરેટિંગ વૃદ્ધિ નોંધાવી હતી. જો આ કંપનીઓના નેટ પ્રોફિટની વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં તે વાર્ષિક ધોરણે 0.1 ટકા સુધારે રૂ. 23696 કરોડ પર રહ્યો હતો. જે પાંચ વર્ષોમાં સૌથી નીચો હતો. જ્યારે ત્રિમાસિક ધોરણે આ કંપનીઓનો સંયુક્ત નેટ પ્રોફિટ 8.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. વ્યક્તિગત આઈટી કંપનીઓની વાત કરીએ તો તેણે ત્રિમાસિક ધોરણે નફામાં 21 ટકા ઘટાડા સાથે વિપ્રો ટોચ પર હતી. જ્યારબાદ ટેક મહિન્દ્રાએ પણ ત્રિમાસિક ધોરણે નફામાં 16.4 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસે 6.2 ટકાનો જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક્નોલોજીએ ગ્રોથ અર્નિંગ્સમાં એક અંકી ઘટાડો દર્શાવ્યો હતો. એનાલિસ્ટ્સના મતે આઈટી કંપનીઓની એમ્પ્લોયી કોસ્ટમાં તીવ્ર વૃદ્ધિને કારણે તેમનો ઓપરેટિંગ ખર્ચ તીવ્ર વૃદ્ધિ દર્શાવી રહ્યો છે અને તેથી જ માર્જિનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી એટ્રિશન રેટમાં ઘટાડો નહિ જોવા મળે ત્યાં સુધી આઈટી કંપનીઓ પર માર્જિન પ્રેશર જળવાશે. જે આગામી કેટલાંક ક્વાર્ટર્સ દરમિયાન જળવાય શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 69.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.5 કરોડ પર હતો. કંપનીની આવક 100 ટકાથી વધુ ઉછળી ગયા વર્ષના રૂ. 206 કરોડ સામે રૂ. 591 કરોડ પર રહી હતી.
ડિક્સોનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 45.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 18.1 કરોડના પ્રોફિટ સામે 150 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 53 ટકા વધી ગયા વર્ષના રૂ. 1867.3 કરોડ સામે રૂ. 2855.1 કરોડ પર રહી હતી.
એચએએલઃ હિંદુસ્તાન એરોનોટિક્સે એચટીટી-40 એન્જિન્સ માટે હનીવેલ સાથે 10 કરોડ ડોલરનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.
ઈઆઈએચઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 2.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 113.2 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 95.2 કરોડ બે ગણાથી વધી રૂ. 394.3 કરોડ પર રહી હતી.
નોવાર્ટિસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 52.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.2 કરોડના પ્રોફિટ સામે 700 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 23.2 ટકા વધી ગયા વર્ષના રૂ. 98.1 કરોડ સામે રૂ. 120.9 કરોડ પર રહી હતી.
શેલ્બી હોસ્પિટલઃ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલે જૂન ક્વાર્ટરમાં 19 ટકા વૃદ્ધિ સાથે રૂ. 181 કરોડની આવક જ્યારે રૂ. 21.4 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીનો ઓક્યૂપન્સી રેટ 45 ટકા પર રહ્યો હતો. જ્યારે તેણે કુલ 7211 સર્જરી હાથ ધરી હતી.
આઈઆઈએફએલ ફાઈનાન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 330 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 266 કરોડ પર હતો. કંપનીની કુલ આવક ગયા વર્ષના રૂ. 1530 કરોડ સામે 20 ટકાથી વધુ વધી રૂ. 1975 કરોડ પર રહી હતી.
ફિલાટેક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 43.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 52.1 કરોડની સરખામણીમાં 17 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 699 કરોડ સામે 46.4 ટકા વધી રૂ. 1023.3 કરોડ પર રહી હતી.
બીપીસીએલઃ કેન્દ્રિય પ્રધાનમંડળે ઓઈલ માર્કેટિંગ કંપની તરફથી બ્રાઝિલમાં 1.6 અબજ ડોલરના રોકાણને મંજૂરી આપી છે.
શેફલરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 225.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 128.1 કરોડના પ્રોફિટ સામે 76.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 41.9 ટકા વધી ગયા વર્ષના રૂ. 1232.8 કરોડ સામે રૂ. 1748.8 કરોડ પર રહી હતી.
લેટન્ટ વ્યૂઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 31.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 22.3 કરોડના પ્રોફિટ સામે 41 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 37 ટકા વધી ગયા વર્ષના રૂ. 88 કરોડ સામે રૂ. 120 કરોડ પર રહી હતી.
Market Summary 28 July 2022
July 28, 2022